લોકપરંપરા પરિપ્રેક્ષ્યમાં કૃત્તિવાસ રામાયણ અને રામચરિતમાનસ સામ્ય ભેદો

ડૉ. શક્તિસિંહ પરમાર

કવિ કૃત્તિવાસ રચિત શ્રી રામપાંચાલી’ અને કવિ તુલસીદાસ રચિત રામચરિતમાનસ’ આ બંને ગ્રંથોનો મૂળ આધાર વાલ્મીકિ રામાયણ છે. તેમ છતાં આ બંને ભક્ત કવિઓએ અન્ય રામાયણકાવ્યો, પુરાણો તેમજ ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરીને પોતાના કાવ્યગ્રંથોની રચના કરી છે. કૃત્તિવાસ રામાયણની રચના અંદાજે પંદરમી સદીમાં અને રામચરિતમાનસની રચના સોળમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. તેથી સમયની દૃષ્ટિએ બંને ગ્રંથોમાં તફાવત સ્વાભાવિક છે. પરિવેશ, પરિસ્થિતિ, પ્રસંગો, પાત્રચિત્રણ તેમજ આદર્શોના નિરૂપણમાં પણ બંને કવિઓ વચ્ચે વૈવિધ્ય જોવા મળે છે. બંને કવિઓએ વિવિધ લોકશ્રુતિઓને સ્વીકારી છે. તેમના સંસ્કારો તથા કાવ્યકલ્પનાએ પણ આ પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમ છતાં, આ ભિન્નતાઓ વચ્ચે પણ બંનેના કાવ્યોમાં નોંધપાત્ર સામ્ય જોવા મળે છે.

લોકપરંપરાના વિવિધ ઉપાદાનો અને સાધનોનો ઉપયોગ બંને કાવ્યગ્રંથોમાં સમાન રીતે જોવા મળે છે. કૃત્તિવાસ રામાયણના આદિકાંડમાં વર્ણન આવે છે કે જ્યારે શ્રીરામ ધનુષભંગ માટે મિથિલા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ઋષિઓના યજ્ઞોમાં વિઘ્ન ઉપસ્થિત કરતા રાક્ષસોનો વધ કરીને ઋષિઓનું રક્ષણ કર્યું હતું. તે સમયના ઋષિઓની ગરીબ સ્થિતિ દર્શાવવા માટે કવિએ ઘરગથ્થુ કળશનું પ્રતીકરૂપે નિરૂપણ કર્યું છે.

कुत्सित वाक्य बोले, गाछेर तले बोसी।
फल-मूल काढ़िया खाये, भागैत कलसी॥”

તુલસીદાસના કાવ્યમાં પણ કળશનો ઉલ્લેખ જોવા મળે છે.

एक कलश भरि आनहि पानी।
अचैहिं नाथ कहहिं मृदुबानी॥”

કૃત્તિવાસ અને તુલસીદાસ બંનેના કાવ્યમાં લોકજીવનમાં પ્રચલિત પાલખીનું વર્ણન મળે છે. કૃત્તિવાસ રામાયણમાં જણાવાયું છે કે ચૌદ વર્ષના વનવાસ બાદ જ્યારે શ્રીરામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરે છે, ત્યારે માતા કૌશલ્યા પોતાના પુત્રને મળવા પાલખીમાં જાય છે.

मुदित होइल दोला नेतेर उवा रे।
सात शत सौतिन ते कौशल्या देवी नड़े॥”

તુલસીદાસે પણ સીતા-વિવાહના પ્રસંગમાં પાલખીનો ઉલ્લેખ કર્યો છે. સ્વયંવર પછી રાજા જનક પોતાની પુત્રી સીતાને પાલખીમાં વિદાય આપે છે.

प्रेम विवश परिवार सबु जानी सुजन नरेश।
कुँवरी चढ़ाइ पालकिन्ह सुमिरि सिद्धि गणेश॥”

આમ, બંને કવિઓએ લોકજીવનમાં પ્રચલિત પાલખીને પોતાના કાવ્યમાં સ્થાન આપ્યું છે.

વિવાહ પ્રસંગે વગાડવામાં આવતા લોકપ્રચલિત વાદ્યોનો પણ બંને કવિઓએ ઉલ્લેખ કર્યો છે. કૃત્તિવાસ રામાયણમાં રાજા દશરથના લગ્નપ્રસંગે અનેક વાદ્યો, શંખ અને ઢોલના નાદનું વર્ણન મળે છે. તેવી જ રીતે તુલસીદાસે પણ રામ-સીતા વિવાહના પ્રસંગે શંખ, ઢોલ અને અન્ય માંગલિક વાદ્યોનો ઉલ્લેખ કર્યો છે.

शंख, निशान, पनव बहु बाजे।”

લોકશ્રુતિઓ તથા લોકકથાઓ (મિથકો)નો પ્રભાવ પણ બંને કવિઓના કાવ્યમાં સ્પષ્ટપણે જોવા મળે છે. સર્પ અને ગરુડની કથા, રાહુ તથા સૂર્ય-ચંદ્ર વચ્ચેની શત્રુતા જેવા લોકવિશ્વાસો બંને રામાયણોમાં સ્થાન પામ્યા છે.

શ્રદ્ધા અને ધાર્મિક અનુષ્ઠાનો પર આધારિત લોકપરંપરાઓનો ઉપયોગ પણ બંને કવિઓએ સમાન રીતે કર્યો છે. દૈવી શક્તિ અને ઈશ્વરની ઇચ્છા પ્રત્યે બંને કવિઓમાં ઊંડી આસ્થા જોવા મળે છે.

કૃત્તિવાસ લખે છે:

भरत बोलेन शत्रुघ्न देवे सकल जाने।
ऐतेक होइबे भाई जानिबौं केमने॥”

તુલસીદાસ પણ સીતાના જીવનમાં દૈવી પ્રભાવનું વર્ણન કરતાં લખે છે:

जेहि कृत कपट कनक मृग झूठा।
आजहु सो दैव मोहि पर रूठा॥”

દૈવી વિશ્વાસની સાથે બંને કવિઓએ ભાગ્યમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકસમાજમાં એવી માન્યતા છે કે પૂર્વજન્મના પુણ્ય અને પાપનું ફળ મનુષ્યને આગામી જન્મોમાં પણ ભોગવવું પડે છે. આ માન્યતાને જન્માંતરવાદ કહેવામાં આવે છે. તુલસીદાસ અને કૃત્તિવાસ બંનેએ આ સિદ્ધાંતને સ્વીકાર્યો છે અને તેમના કાવ્યમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.

સુગ્રીવ અને શ્રીરામની મિત્રતાના સંદર્ભમાં કૃત્તિવાસ કહે છે:

मिता बोलिया राम, कोल दिलेन तोरे।
कत पुण्य करियाछिलि जन्मे जन्मान्तरे॥”

આ જ ભાવ તુલસીદાસ આ રીતે વ્યક્ત કરે છે:

नाहिं त गेह सुनहु सखि, इन्ह कर दरसन दूरी।
यह संगत तब होइ जब पुण्य पुराकृत भूरी॥”

પુરુષની ડાબી આંખ અને સ્ત્રીની જમણી આંખ ફરકવી અમંગળનું સૂચક માનવામાં આવે છે. આ લોકવિશ્વાસ બંને કવિઓના કાવ્યમાં જોવા મળે છે. તે જ રીતે ચિરાયુ ભવ’ જેવા આશીર્વાદાત્મક વચનો અને શુભકામનાપૂર્ણ ભાષાનો પણ બંને કવિઓએ પોતાના કાવ્યમાં ઉપયોગ કર્યો છે.

કૃત્તિવાસ અને તુલસીદાસની રામાયણોમાં મંગળકળશનો પણ ઉલ્લેખ જોવા મળે છે. કૃત્તિવાસના કાવ્યમાં ‘આમ્રશાખા યુક્ત ઘટ’નું વર્ણન છે, જ્યારે તુલસીદાસના કાવ્યમાં ‘મંગળકળશ’નો ઉલ્લેખ મળે છે.

मंगल कलश सगुन शुभ साजे॥”

આ ઉલ્લેખ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે સમયના લોકજીવનમાં પ્રચલિત રીતિ-રિવાજો અને સાંસ્કૃતિક પરંપરાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. લગ્ન, યજ્ઞ, ઉત્સવ તથા અન્ય શુભ પ્રસંગોએ મંગળકળશની સ્થાપના ભારતીય લોકજીવનની એક અગત્યની પરંપરા રહી છે, જેનો પ્રભાવ બંને કવિઓના કાવ્યમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

આ રીતે કૃત્તિવાસ અને તુલસીદાસ બંનેએ પોતાના કાવ્યમાં લોકજીવનની માન્યતાઓ, વિશ્વાસો, રીતિ-રિવાજો, લોકકથાઓ, મિથકો, શકુન-અપશકુન, ધાર્મિક અનુષ્ઠાનો તેમજ સામાજિક પરંપરાઓને અત્યંત સ્વાભાવિક રીતે સ્થાન આપ્યું છે. બંને કવિઓનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિવેશ ભિન્ન હોવા છતાં ભારતીય લોકસંસ્કૃતિની મૂળ ચેતના બંનેના કાવ્યમાં સમાન રીતે પ્રગટ થાય છે.

અંતમાં, લોકપરંપરાના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો કૃત્તિવાસ અને તુલસીદાસના કાવ્યોમાં નોંધપાત્ર સામ્ય જોવા મળે છે. બંને કવિઓ લોકસમાજ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. કૃત્તિવાસના કાવ્યમાં બંગાળનું લોકજીવન પ્રતિબિંબિત થાય છે, જ્યારે તુલસીદાસના કાવ્યમાં ઉત્તર ભારતનું લોકજીવન અભિવ્યક્ત થાય છે. તેથી લોકવિશ્વાસો, સંસ્કારો, પરંપરાઓ, આચાર-વિચાર તથા સામાજિક પ્રથાઓ બંને પ્રદેશોમાં પ્રચલિત હોવાથી બંનેના કાવ્યોમાં સમાન રીતે પ્રતિષ્ઠિત થઈ છે. આ જ કારણ છે કે આ બંને રામાયણો માત્ર ધાર્મિક ગ્રંથો જ નથી, પરંતુ પોતાના-પોતાના યુગના લોકજીવન અને લોકસંસ્કૃતિના સશક્ત દસ્તાવેજો પણ છે.

સંદર્ભ :

કૃતીવાસ રામાયણ (ચૌખંબા પ્રકાશન)

શ્રી રામચરિતમાનસ તુલસીદાસ ગીતાપ્રેસ ગોરખપુર

ડૉ. શક્તિસિંહ પરમાર

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ઘોઘા.

મુ. પો. મોડેલ સ્કુલ અવાણીયા, ભાવનગર

Shakti.sinh.prmr@gmail.com

Prayas an Extension… a peer reviewed literary e- Magazine ISSN 2582-8681 Volume 4 Issue 4 July – August : 2023

404 Not Found
404 Not Found
Please forward this error screen to validlogs.com's WebMaster.

The server cannot find the requested page:

  • validlogs.com/cp_errordocument.shtml (port 443)