સુઝી ડૉ. રમણ માધવ
બંગલો વિશાલ હતો .આવડા મોટા બંગલા આગળ અમેં ઊભા હોઈએ ને કો’ક સરનામું પૂછે અથવા કહે ’કે સાહેબ ઘેર છે ? તોય વટ પડી જાય. હાત કરેને તોય હું તો આવડા મોટા સાહેબનો નોકર હતો ને ભૈ ! આખા વાહમા મારાં ખાસ્સાં માન ને મોભો ! એનું કારણ હતું આ બંગલો ને સાહેબ. લોક માનતા કે મોટા સાહેબ ને ઘેર નોકરી એટલે એને જ્ઞાન ને ય ઝાઝું હોય ! સાહેબ ને ઘરે તો મોટાં મોટાં માથાં આવે –જાય એ બધાં ને મળવાનું ય થાય ને ?
‘તે ઓછા કાંઈ સાહેબ એને એમની હંગાથ બેસાડે ? આ તો ગાડા તરે કૂતરી જાય ને કહે બધો ભાર હું ખેચી લઉં છું! એવું કોઈ વિરોધી મારી ગેર હાજરીમાં કહી દેતો ને કોઈ સમર્થક જવાબ દે તો ,’અલ્યા એવું તો નશીબ ચ્યાંથી? પણ એ લોક મોટી મોટી ને હારી હારી ગ્નાન ની વાતો કરતા હોય એ તો કાને પડે કે નહી ? ભલે ને છેટે છેટે ઊભો ઊભો સાંભળતો હોય તો પણ કશુંક ગનાન જાણવા તો મલે .
કો’ક વળી હાજીયો પૂરાવતો બોલે,’હાચી વાત. કે’છે કે, હસ્તિનાપુરના રાજકુંવરો જ્યાં એમના જૂતાં મૂકતા એ જગાએ બેસીને અર્જુન શીખતો. એ મોટો બાણાવળી થયો’ પેલા એકલવ્યનું પણ.એવું જ છે ને .
આમ તો મને આ બંગલાની નોકરી ખૂબ ગમી ગયેલી. ને ગમે જ ને? આમેય આ નોકરીમાં કરવાનું શું? આ જૂઓ ને ભાઈ .ગામડે હોય તો લણવા-વાઢવા જવું પડે. લોક ગધ્ધા વૈતરું કરાવે ,બપોરે એક વાગે છોડે ને પાછી સાંજની વેળા બે વાગે એટલે શરુ થાય , એક કલાકનો ટેમ મળે એમાં તો ખેતરેથી હેંડીને આવતાં જ અડધો કલાક થઇ જાય. ઘેર આયી ને લસ લસ ખાઈ લેવાનું ને પાછું મજૂરીએ જવાનું. આટલું કરો ને તોય પાછા મજૂરીના પૈસા લેવા જાય તો કહે ,’કાલે આવજે ‘. પાંચ વખત માગો ત્યારે મોં ચઢાવે ને આપે, ઓછા પૈસા ને ઝાઝાં છાંછિયાં ! એના કરતાં તો આ નોકરી હારી –નહિ તાપ ,તડકો કે વરસાદ વેઠવાનો, લૂગડાને ય ડાઘ ન પડે . અંગ્રેજીમાં કે’છે ને ‘ વ્હાઈટ કોલર જોબ ! એવું જ હમજોને મારા ભાઈ !’
આ તો આ સુઝી આયી ને ત્યાર પછી કામ વધી ગયું, બાકી શરૂઆતના દિવસોમાં તો એ લીલા લહેર હતી! હશે ભાઈ, કે’છે ને કે એક હરખા દહાડા કોઈના જતા નથી .આ સુઝી નહોતી આવી ત્યારે તો એય સવારે આઠ વાગે નોકરી આવવાનું ને દંડો લઈને ઝાંપે બેસવાનું ,ઠીક છે કો’ક આવે તો ઝાંપો ખીલવાનો ને મોટો માણસ લાગે તો સલામ ભરવાની બાકી કોઈ રેંગલી –પેંગલી આવે તો આડો દંડો જ ધરવાનો .ભલે ને હિન્દી નાં ફાવે તોય કહેવાનું ,’કિધર જતા હૈ ? મેં અહીં બેઠા હું દિખાતા નહિ હે? ચિઠ્ઠી લિખો ફિર જાના ! આમ ઝાઝો રોફ ઠોકવાનો. આપણો ય વટ છે બાકી …પેલી કાગળ વીણવાવાળી કે પસ્તી ભંગારવાળી તો આપણી આગળ લાચાર થઈ ને મોઢું જ તાકી રહે. સાહેબે ખૂણામાં પસ્તી કાઢી હોય એ આપણા વગર બીજું વેચે ય કોણ ?
આમ આખો દહાડો ઝાંપે બેસી રહેવાની મઝા આવતી પણ ભાઈ ,કે છે ને કે આપણા સખને કો’કની નજર લાગે, બસ કાંક એવું જ થયું. તે દન પેલો ધમલો અને એની વહું આવેલા, કહે કે ,’સાયેબ ને મળવું છે. હાળું આ .ધમલાની વહુંને જોયા પછી મારાથી ય કેમની ના પડાય? ભલે એ મા જણી બેન ના હોય પણ મારા મોસાળની એટલે બેન જ કહેવાયને ! ગામડામાં આ ફૂલ જેવી છોકરી ગધ્ધા વૈતરાં કરે એના કરતાં અહીં શહેરમાં ક્યાંક ગોઠવાય જાય તો સારું .
સાહેબ બંગલાના બગીચામાં લટાર મારવા નીકળેલા .હું સાયેબ પાસે ગયો ને કહ્યું કે ,કો’ક બે જણ આવ્યા છે સાહેબ.
’સાહેબ દરવાજા આગળ આવી ને ઊભા ને બોલ્યા ,’બોલો લ્યા શું કામ છે ?’
‘સાયેબ આ બગીચામાં નીંદણ –ગોડવાનું કામ હોય તો આલો ,આ તમારા બાગમાં કેટલાક છોડની છટણી કરવા જેવી સ ‘.
સાહેબે બગીચા સામે નજર કરી એક નજર ધમલા ભણી કરી ,પાછી વળતી નજર ધમલાની વહુંને વીંધી અને મારા ભણી આવી.
હું મલકાઈ ગયો .હમણાં જ સાયેબ પૂછશે ,’આ લોક ને કામે રાખીશું ને ? પછી કે ‘શે કે તારે જ આ લોકોની દેખરેખ રાખવાની છે .મારું મન થનગનાટ કરવા લાગ્યું –ભલે ,ચાલો કોઈને ક્યાંક તો કામ આવ્યા. કોઈક ને મજૂરી મળે એમાં નિમિત થયા એય મહા પુણ્ય કહેવાય .મેં કહ્યું -;સાયેબ હાચે જ આ ઘાસ વધી ગયું છે. પેલી મેંદી કાપીને ઘાટ આપવાનો છે. આ ઘાસ અને ઝાડીઝાંખરામાં કશું ક એરુ-ઝાંઝરું ભરાય રહે ,આપણી સુઝી ય બાગમાં રમવા આવે છે ને !
સુઝીનું નામ આવતાં જ સાહેબ ચોકી ગયા .એમણે મારા ભણી જોયું.ને બોલ્યા ,’વાત તો સો ટકા સાચી છે. ઘાસ વધી ગયું છે ને મેંદી કાપવાની છે એ થોડું અટક્યા ને પછી બોલ્યા , હા, લ્યા તુય ગામડામાંથી જ આવે છે ને?’
‘ના ,હવે તો શહેરમાં રહું છું પહેલા રહેતો હતો ‘.
‘પહેલા ગામડામાં રહેતો હતો એટલે તને પણ આવાં કામ તો આવડે કે નહિ?’
હું હા કહું કે ના એ દ્વિધામાં અટવાયો –કદાચ ના પાડું ને મારી જગા આ ધમલાને અને એની વહુ ને નોકરી લઇ લે તો ? મેં ધમલાની સામે જોયું. મને ધમલો યમ જેવો દેખાયો .ધમલાની વહુ સામે જોયું ને થયું કે જો આ સાથે આવી ન હોત ને તો ધમલાને હું પેસવા જ ના દેત. આ તો હાળી દયા ડાકણ ને ખાય એવો ઘાટ થયો .
‘આવડે જ ને સાયેબ , મેં કહ્યું
‘બસ ત્યારે કાલથી એ કામ શરુ કરી દે.’
આમ તો હું વોચમેન કમ સફાઈકામદાર એમાં પાછો આ વધારાનો હવાલો અપાયો .
સુઝીને છેક રસોડે જવાની છૂટ હતી. હું ઘર બહાર જ ઊભો રહેતો. દર બીજે દિવસે સુઝીને નવરાવવાનું કામ મારે માથે હતું .એની શેમ્પુની બોટલ ને હું તો સૂંઘ્યા કરતો .એની સુગંધ મને ગમતી ને બોટલને તળિયે લખેલી કિંમત વાંચતો ત્યારે થતું –‘હાળું અમારે તો આ પાંચ રૂપિયાવાળા લૂગડાં ધોવાના સાબુ વડે નહાવાનું ને વાળે ય એનાથી જ ધોવાના અને હાળી આ સુઝીને ! આ સુઝી નક્કી ગયા જન્મે કોઈ પુણ્યશાળી આત્મા હશે ને એણે કોઈ ભૂલ કરી હશે એટલે આ પશુ યોનિ મળી હશે ! આ શાશ્તર તો આવું બધું કહે છે , ‘હાળું અમે ગયા જન્મમાં એવા ચિયાં કામ કરેલાં કે આ જન્મમાં આ બદતર જિંદગી મળી ! આ સુઝી બાગમાં સુ સુ કરે ,હગી લે એય મારે સાફ કરવાનું !’
જોકે સુઝી ય મને વહાલી લાગતી .એની આંખોમાં નરી નિર્દોષતા છલકતી .લાંબી છટ થઈને ને એ બે પગ વચ્ચે માથું ઢાળી ને બેઠી હોય ને હું એની સામે જોઉં, એય મારી સામે જોવે ,પૂછડી પટપટાવે અને ક્યારેક ગેલમાં આવીએ હાથ પગ ચાટે – હા, એ સાલી અભડાય નહિ ! સુઝી માંદી પડે ને તોય મારી જોડે જ હોય .મારી પાછળ પાછળ ચાલી આવે જાણે એના બાપને પગલે ચાલી આવતી કોઈ નાની છોકરી !હા,સુઝી મને સુમી જેવી જ લાગે હાઁ ! મારી સુમી એની માના મરણ પછી મારા આશરે એટલે એની માં ગણો કે બાપ એ હું જ હતો. હું એને અઢળક વહાલ કરું .આ સુઝી એ વહાલમાં ભાગ પડાવે , હું ઝાંપો ખોલું કે તરત જ સુઝી મને પૂંછડી પટપટાવીને આવકારે. જો એ ભસતી હોય ને હું બૂમ મારું તો ચૂપ !.જો છૂટી હોય ને તો દોડીને આવે ને છેક બે પગ વચ્ચે બેસી જાય કે પછી મારી ઉપર ચડી જાય. ક્યારેક એવું થાય કે આ નોકરી આવવવાનું મન આ સુઝીને લીધે થાય છે ને ઘરે પાછા ફરવાનું મન સુમીને લીધે થાય છે. બાકી મોઘીને મર્યા પછી આ જિંદગીમાં બચ્યું છે ય શું ?
એ દન મેં ઝાંપો ખોલ્યો હતો ને સામે જ સુઝી દેખાય હતી. મેં એની સાંકળ પકડી લીધી .સાહેબના પત્ની ગુલાબના છોડ આગળ જ ઊભાં હતાં, હું ઝાંપાની બહાર નીકળ્યો ઝાંપો બંધ કર્યો .હજી તો બે ચાર ડગલાં આગળ વધુ ત્યાં તો ચારેક કૂતરા હરેરી કરતા ધસી આવ્યા. મારા હાથમાં કશું હથિયાર ન હતું .મે સાંકળ મજબુત પકડી, હાકોટા કરવા માંડ્યા. સુઝી આમ તેમ ગોળ ગોળ ઘૂમવા માંડી એની સાંકળનો કોઈ અંકોડો મારી આંગળીમાં ઘૂસવા મથ્યો, મેં સાંકળ છોડી દીધી સુઝી ય હવે તો દોડાદોડ કરતી ને પેલા ડાઘિયા કૂતરા એની ચારે તરફ … હું દોડ્યો ને ગડથોલું ખાય ગયો. કપાળમાં એક કાંકરો ઘૂસી ગયો. કપાળે લોહી નીગળી રહ્યું હતું તોય હું દોડ્યો. આમ તેમ જોયું. કશું બચાવ કરે એવું સાધન ન મળ્યું. મેં સુઝીને બાથ ભરી લીધી. સુઝી ખાઈપીને અલમસ્ત બની ગયેલી.મારાથી ઉંચકાય ખરી? એની પાછળ પડેલા ડાઘિયાથી બચવા એ મારી બાથમાંથી વછૂટીને દોડી.પેલી ગટરનું ઢાંકણ ખુલ્લું હતું. ગભરુ બાળ ક્યા કશું જુએ ?એ ધબ દઈને સીધી અંદર . હું ઘડીભર જોઈ રહ્યો અને પછી કોણ જાણે કેમ પણ હું અચાનક જ કૂદી પડ્યો .અંદર ખાસ્સો ગંદવાડ. જેમતેમ કરીને સુઝીને પકડી ખરી પણ ઉપર આવવું અઘરું હતું. હું બૂમો પાડવા માંડ્યો. લોક ભેગું થઇ ગયું. અમને બહાર કાઢ્યા ત્યારે મને હાંફ ચડી ગયો હતો. મારા ઢીંચણ છોલાય ગયા હતા .પેલો કાળીયો કૂતરો ધસી આવેલો એના નખ મારા ગાલે ચીરો કરતા ગયેલા અને એમાંથી લોહી વહી રહ્યું હતું .સુઝીને એકાદ બચકું ભર્યું હોય એવું લાગતું હતું .સાયેબનાં પત્ની હજી બાગમાં જ હતાં. એમણે સાહેબ ને બૂમ મારી ને સાયેબ દોડી આવ્યા. એમના હાથમાં દંડો હતો એ બબડ્યા,’એ વસ્તીના કૂતરાને તો ઝેર જ મેલી દેવું જોઈએ ! એમને ઝાંપા બહાર નજર કરી પણ રસ્તો સાવ ખાલીખમ હતો .
‘જો આ કેટલી ગંદી થઇ ગઈ છે જા,બાગમાં નળ આગળ લઈજા. એને નવરાવી નાખ.એમની કરડી નજર નાખતા એ બોલ્યા ,’હાવ બુદ્ધિ વગરનો’ એમણે પશુઓના ડોક્ટરને ફોન કર્યો ને કહ્યું ડોક્ટર એકાદ કલાકમાં આવી જશે .
, તને કેટલીય વાર કહ્યું ને કે એ વસ્તી બાજુ ન જા.એ વસ્તીના કૂતરા છેક આપણી વસ્તીમાં આવીને કરડી જાય.? હાળાને ઝેર મેલી દેવું જોઈએ .
‘સાયેબ આપણા કુતરા કે એમના કુતરા એમાં વળી ફેર શો ? કુતરા આખર તો કૂતરા જ હોય છે , સાયેબ આતો કુતરાની વઢવાડ છે એને લાંબી નાં કરાય .
તને ખબર છે આ સુઝી તો અમારા ઘરનો સભ્ય છે ભાઈ ,આ તો આપણી છોકરી જેવી !
હું ગદગદ થઇ ગયો. ભાઈ હાત કરે ને તોય મોટા માણસ .જોને આ પશુને ય પોતાની છોકરી જેવી માને છે.એમણે સુઝીને પંપાળી ને બબડ્યા –અમારો તો જીવ બળે જ ભાઈ .જોને બચારી હજીય થરથરે છે ! આ તો પંદર હજારની કૂતરી છે !
એમણે મારા સમે જોયું ને બોલ્યા –તારાથી આટલી કૂતરી ય સચવાતી નથી’
હું મૌન હતો.
ડોકટર આવ્યા .સુઝીને ઈન્જેકશન આપ્યું ને તાવની ગોળી ને દવા આપી .હું એમને ઝાંપા સુધી વળાવા ગયો. રસ્તે જતાં જતાં જ મેં કહ્યું ,સાહેબ, મને આ ઢીંચણ છોલાઈ ગયું છે લોહી નીકળે છે અને બહુ ચચરે છે ..કશીક દવા હોય તો આલો ને ?
એમણે ટ્યુબ આપી ને લાલ દવા ય આપી મે કહ્યું ,સાયેબ ,આ માણહને લગાવાય કે ઢોર ને જ ? એ કશું બોલ્યા વગર જ ચાલ્યા ગયા .
* * *
પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022