લોકવાર્તામાં વર્ણનકળા

  • ધર્મદીપસિંહ ગઢવી

          લોકવાર્તા જુદી જુદી રીતે પ્રદેશ અને સમાજ ભેદે કહેવાય છે. રાસ રચાયા, વંચાયા  અને કહેવાયા એમ સમયાંતરે આખ્યાન રચાયા અને ગવાયા. ગુજરાતમાં લોકવાર્તા ચારણ, બારોટ, ભરથરી, રાવળિયા, તુરી તથા મુસલમાનોમાં મીર અને લૂંધા કહે છે. દરેકની વાર્તા કહેવાની કળા અલગ અલગ પ્રકારની હોય છે. લોકકલાના વૈતાલિકો પુસ્તકમાં જોરાવરસિંહ જાદવ જણાવે છે કે “સૌરાષ્ટ્રમાં ચાર – પાંચ પ્રકારે વાર્તાઓ કહેવાય છે. ચારણો દુહા, છંદ સાથે ગીતો મઢી વાર્તા માંડે છે. ભરથરી રાવણહથ્થા પર વાર્તારસ રેલાવે છે. રાવળદેવ ડાક સાથે વાર્તાની બઘડાટી બોલાવે છે. જ્યારે બારોટ વાર્તાકારો સિતારના સૂરના સથવારે વાર્તાયું માંડે છે”( પૃ.૨૬)  

          વાર્તાકથક વાર્તાની પસંદગી કરે ત્યારે લેખિત કે મૌખિક સાંભળેલી વાર્તાને પોતાના કલા કસબથી ગૂંથે છે. તેની અંદર ઉપયોગી સામગ્રીનું ચયન કરે, અલંકાર અને ધ્વનિ પ્રયોગોનાં ઉપયોગને ચકાશે. પદ્ય અને ડિંગળની સામગ્રી યથા અવકાશ રજૂઆત દરમ્યાન ઉપયોગ કરે અને પરંપરાગત સ્થળ, વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી અને માનવ સહજ સ્વભાવના વર્ણન વાર્તામાં ઉપયોગ કરે. ઝવેરચંદ મેઘાણીએ ‘ચારણો અને ચારણીસાહિત્ય’માં ‘વાર્તા કથનનું ગદ્ય’ નામે પ્રકરણમાં તેના ઉદાહરણ આપેલા છે. આ વર્ણન લોકવાર્તામાં પ્રયોજે અને ઉચ્ચારણના આરોહ અવરોહથી એક વાતાવરણ રચે છે. તો અહીં  જુદી – જુદી કહેવાતી લોકવાર્તામાં અને ગ્રંથસ્થ થયેલા પરંપરાગત વર્ણનો જોઈએ.               

  • રજવાડાનું વર્ણન

રાજા અને પ્રજાની અથવા બે રાજ્યનાં અંદરો અંદર સંઘર્ષની વાર્તા માંડવાની હોય ત્યારે સર્જક જે રાજ્ય તરફી કથા કહેતો હોય અથવા કથાનાયકનું રાજ્ય હોય તે રાજયને સંબોધીને નીચેનું વર્ણન કરે  છે. તેમાં જે રાજ્યની કથા હોય તે રજવાડાનું નામ અંતે બોલે.

“ચૌદ કરોડ કચ્છ, નવ લખો હાલાર, બાણું લાખ માળવો, સાત હજાર ગુજરાતને નવખંડ ધરતીઆ પૃથ્વી પર છે અને તેની માથે છન્નું કરોડ પાદર છે. છન્નું કરોડ પાદરમાથી એક નાના એવા રજવાડાની વાત કરું, રજવાડુનું નામ………….., ……………… એટલે ………….. ગામનું રજવાડું.”

(પ્રથમ અને બીજી પૂર્તિમાં રાજ્યનું નામ, ત્રીજી પૂર્તિમાં રાજ્યમાં આવેલ ગામની સંખ્યા)

  • ભલે ઉગ્યા ભાણ

લોકવાર્તાકાર તેની લોકવાર્તામાં જ્યારે સવાર પડે અથવા વાર્તાની શરૂઆતમાં સૂર્ય સ્તવનનાં દુહાઓ ‘ભલેં ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં, મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત!’…આદિ બોલે ત્યારબાદ આ મુજબનું વર્ણન કરે.   

“ ત્રણ રાસવા દી ચડીને ઊભો રહી જાય, સુરજ નારાયણ ધરતીને સોનાવરણી કરી નાખે ,પોતાના રથના ઘોડાને આભમાં વહેતા મૂકે, તેવા સમયે………..(અહીં રાજા કચેરીમાં પ્રવેશ કરે, કોઈ વાર્તાનો નાયક પોતાના ઘોડાને એક ક્ષેત્રમાં ચલાવતો હોય, યુદ્ધ થવાની તૈયારી હોય આદિ વર્ણનો જોડીને વાર્તાકથક આગળ વાર્તા ચલાવે છે.)

બીજું એક વર્ણન જોઈએ

“ ભગવાન ભાસ્કરનો ઉદય થાય, તેજ પૂંજનાં પડદાનો ધરતીની માથે ઘા કરે અને પચાસ કરોડ પૃથ્વી ઝળાંહળાં થઈ જાય……….”

( ઈશ્વરદાન ગઢવી, સાવજનું દાન, રામ ઓડિયો)     

  • રાજાની કચેરીનું વર્ણન

         વાર્તામાં રજવાડા કે રાજ્યનાં વર્ણન બાદ મુખ્ય નાયક અથવા મહારાજા, રાજા, ઠાકોર કે દરબારનું (નાના રજવાડા માટે) નામ આવે, તેની ખ્યાતિ કે ઉપલબ્ધિની વિગત કથક આપે, તેણે કરેલા દાન અને યુદ્ધની ટૂંકમાં વાત કરે ત્યાર બાદ કચેરીમાં રાજાનો પ્રવેશ થાય. રાજા પોતાનાં સિંહાસન પર બિરાજમાન થયા બાદ કચેરીનું વર્ણન કથક પરંપરાગત વર્ણનોમાંથી નીચે મુજબ કહે છે.

“રાજા રાજ ને પરજા સુખી, ખાતો ખાય ને ભરતો ભરે, જાણને લાખ, ને અજાણને સવાલાખ, ખખા દોતિયા, મેતા મસુદ્દી, કારભારી, ચોપદાર એકને બોલાવે ત્યાં એકવીસ હાજર થાય. પાણી માંગે ત્યાં દૂધ આપે” 

  • દારૂનું વર્ણન

“કેસરને ખજૂરને ગોળ નાખી સેડવી સેડવીને ગાભા કાઢી નાખીને ધીમે ધીમે પેલી ધારનો જે ટપકી ટપકીને જે આવે.’ બકરીના પેટમાં જો એક પુરૂ ગયું હોય તો હાથી કુંભાસ્થળ માથે ડાબ માંડીને કહે તું હાથી હો તો તારા બાપના ઘરનો હું દારૂ પીઇને આવું છું,’ ,’કિડીએ પીધો હોય તો હાથીની માથે કટક લઈને જાય કે આજે જીવતા જવું હોય તો તુકારો કરતો નય”

(મનુભાઈ ગઢવી, ‘પાદપૂર્તિ’, રાજ ઓડિયો)

  • કસુંબાનું વર્ણન

રજવાડાનાં સમયમાં કસુંબા પીવાનું ચલણ હતું. દરબારી બેઠકમાં કસુંબા પાણી થતાં. કસુંબા માટે પોતાના ગળાની સોંગધ લેવાતી. આવી ઘણી બાબતો આપણે સાંભળી હશે. તે (ઇ) કસુંબો કોઈ લોકવાર્તામાં આવે તો વાર્તાકથક તેનું વર્ણન કેવી રીતે કરે તે જોઈએ.

“રેડીઆ કસુંબા કહાડ્યા, જૂનો છાપડાનો સુવાની માતા થર ગરમાળો. દુબળા ઘરની રાબ, પારઠ ભેંસનું દુધ, ઈ ઠીકાઠીક; જાયફલ, જાવંત્રી, તજ, તાલ, તમાલપત્ર નાખેલો તૈયાર કરી પાવા માંડ્યો. બાપ પીએ તો બેટાને ચડે. બેટો ખાય તો બાપને ચડે, કાકો ખાય તો ભત્રીજાને ચડે, ચીડી પીએ તો હાથી બાઝે, એ રીતનો કસુંબો કાહડી તૈયાર કરો છે. સામસામા બેસી ધ્રોબે ધ્રોબે પીધો, ઝરવઝર કરતાં તલનો ત્રીજો ભાગ, રઈનો કણ જેટલો, જો હેઠ પડયો હોય તો પૃથ્વી ખોદી શેશ નાગને માથે જઈ ચોટે, એવો શેશ નાગના માથાનો કસુંબો કરી…..(ચારણો અને ચારણીસાહિત્ય પૃ.૨૯૨)

          હવે કસુંબાનું વર્ણન કોઈ લોકવાર્તામાં આવે ત્યારે વાર્તા અને પાત્ર મુજબ તેને           મઠારીને રજૂ કરવું પડે છે. તેનું એક ઉદાહરણ જોઈએ.

          “ બરોબર જાયફળને જાવંત્રીને સામસામે અંજલી દેવા માંડી, એમાં રાજા ને મિત્ર ભાવે એક સરદાર ઉપર એવી પ્રીતિ એ જોગાજી ને સામે જોવે ત્યારે એની આંખ ઉઘડે અને આમ કરીને આમ અંજલી સામ સામે કરે જોગાજી અને એની અંદર ત્રણ આંગળીઓ બોળી ત્રિભુવનમાં છાંટા નાખે એવા અનેકે રંગ છે જોગાજી તારી મર્દાનગી છે રંગ છે સુરજ ને કે કરી એવી અંજલી દેવાય. માંડે અને એમ કરી અંજળીમાંથી કસુંબો પીવે ત્યારે બત્રીસે કોઠે દીવા પ્રગટી જાય, મૂઠ મૂઠ કેફના છૂટવા માંડે, કડિયાની કસુ તૂટવા મંડી જાય માથેથી ગેલખાબની પાઘડી હેઠી મૂકી પગમાં સોનાના તોડા ઉપર આમ રાખે રાખતા તોડો કડાકા નાખતો હોય અને તલવાર આફુડી આપુડી બહાર નીકળે અને મૂછો ફરક ફરક ફરક થવા માંડે આવો કસુંબો રાજા લે.

(મનુભાઈ ગઢવી, ‘પાદપૂર્તિ’, રાજ ઓડિયો)

  • હોકાનું વર્ણન

“ પછી હુક્કો તૈયાર કરો. દસ પાણીએ ખંખાળી, ખૂબ ધોઈ, કોયલા ખાખરાનાં, જંગરીઓ ખાખરાનાં તાંહાંથી, તંબાકુ ખારી કુઈની ભરી, બબે ફૂંકો તાણી. હવે અફીણ ઊગ્યાં, રૂવાળે રૂવાળું ઝટકાણું, ત્રાડ ભીંડી, પલોટી ઠાંસી.” (ચારણો અને ચારણીસાહિત્ય પૃ.૨૯૨)

  • આ હોકાનું વર્ણન પછી હોકાના દુહા પણ વાર્તામાં કથક દ્વારા પ્રયોજાવામાં આવે. કાનજી ભુટા બારોટ કથિત લોકવાર્તા ‘ હકોભાભો’માં હોકાના દુહા જોઈએ.

“આવ હોકા મનરંજણા, સંધા લવે વેણ;

જીં ઈસારે નીકળી, ચાલી નીકળે સેણ.

હડહડતા હોકા ભર્યા, જેણે પરભાતે પીધા નઈં;

એના ઘટમાં ઘોડા, દેશે દશરથરાઉત.”

હોકાના આવા આઠ દુહા વૈદ્ય મોટાભાઇ ગઢડાવાળા દ્વારા સંપાદિત કરવામાં આવ્યા છે.  (‘દુહો દસમો વેદ’, પૃ.૫૫૯)      

  • સિંહનું વર્ણન

          લોકસાહિત્યની અસંખ્ય વાર્તાઓમાં સિંહ આવે છે. આઈ જગદંબાની કથા હોય તો પણ સિંહનું વર્ણન હોય અને ગીર વિસ્તારની વાર્તા હોય તો પણ સિંહનું વર્ણન આવે છે. સિંહ મનુષ્યને પ્રિય અને ગુજરાતને ગૌરવ પ્રદાન કરનારું પ્રાણી છે. સિંહનું વર્ણન સિંહ જેવુ જ હોવું જોઈએ. તેથી લોકવાર્તાકાર ગગુભાઈ રામભાઇ લીલા (૧૮૭૫ થી ૧૯૩૩) દ્વારા પોતાની વાર્તામાં કરવામાં આવતું સિંહનું વર્ણન જોઈએ.

“ભૂહરી લટાળો, પોણા પોણા હાથની ઝાડું, થાળી થાળી જેવડા પંજા, સાડા અગિયાર હાથ લાંબો, ગોળા જેવડું માથું, ગેંડાની ઢાલ જેવડી છાતી, કોળીમાં આવે એવડી કડ. દોઢ વાંભનું પૂંછડું, એનો ઝંડો માથે લઈને આવે ત્યારે વીસેક ભેંસુની છાશ ફરતી હોય તેવી છાતી પોણા ગાઉ માથેથી વગડતી આવે છે, ગળું ઘુમવટા ખાતું આવે છે. પોણા પોણા શેરનો પાણો મોઢા આગળ ત્રણ ત્રણ નાડીવા ચણેણાટ કરતો આવે છે, ને જેની ઘડીએ પગની ખડતાલ મારે છે તેની ઘડીએ ત્રણેક ગાડા ધૂળ ઊડે છે. ધેં! ઘેં! ઘેં! કરતો ધખીને આવ્યો. એક લા નાખી, બીજી લા, અને ત્રીજી લાએ તો ભુક્કા!”

          ભાવનગર રાજ્યના રાજકવિના વારસદાર બળદેવભાઈ નરેલાએ સપાખરું છંદમાં સિંહનું વર્ણન કર્યું છે. જે સાંપ્રત સમયમાં લોકવાર્તાના પ્રસ્તુત કર્તા પોતાના વાર્તાકથન દરમ્યાન વાર્તામાં પ્રયોજે છે.

સિંહનુ સ્વરુપઃ

પંજા નાખતો આવ્યો આવિયો સિંહ,ડાલામથો કાળજાળ. ડાઢાળો હાલિયો દેતો,ડુંગરા ડણંક;

હાથીયા મૃગરા ઝુંડ,ભાળીયા પૃથીરે માથે, લાગીયા કતારાં કેતાં, કરે ના બણંક-૧

ભૂહરી લટ્ટાળો ,અતી ક્ર્રોધવાળો ,કોપ કાળો, ઢળે નશાં મોત ઢાળો,કરતો હુંકાર;

સાંધે ફાળ વિકરાળ,કામ હંદો જાણે કાળ, ચુકે નહી એક થાપે,સાંધીયો શિકાર-૨

ધરાણો રોષ ના ધરે ,ભુલ થી ન પાછા ભરે, લાંઘણ્યો હોય તો કદી ખાય ના અખાજ;

છેતરી પેંતરો બાંધી,કરે ના શિકાર કે’દી, અટંકો ફેફરા ફાડે,કે’રી અવાજ-૩

વીરતાને વરેલા છે,ધીરતા ગંભીરતાને, સ્થિરતા ન છાંડે એવા કુળરા પ્રમાણ;

ગિરરા કંઠીર કરુ,કવિ કે’ વખાણ કેતા, ઘુમંતા તાહરાં ટોળા કરે ઘમસાણ-૪

  • સિંહનું વર્ણન પદ્યના ત્રિભંગી છંદમાં કવિ દાદે આ મુજબ કરેલું છે.

જોગંધ જટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચરચાળા,

ડણકે દાઢાળા સિંહણ બાળા દસ હાથાળા દઈ તાળાં,

મોટા માથાળા ગજવે ગાળા હિરણીયાળી હુંકાંરી,

હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી  (ટેરવાં, કવિ દાદ)

          આમ, લોકવાર્તામાં કહેણીપ્રયોગ દરમ્યાન આવતા ગદ્ય અને પદ્યના નમૂનારૂપ વર્ણનો ઉદાહરણ સ્વરૂપ રજૂ કર્યા. આવી રીતે ભેંશ, ઘોડા, ઊંટ, હાથી, રાજાની શાહી સવારી, નવ યુવાની, ભોજન, તલવાર, કટાર, બરછી, ગામ, ચોરો, છોકરી, ઝાડી ઝાંખરાં, પ્રેમ, નયન, વગેરે જેવા અસંખ્ય વર્ણનો લોકવાર્તાની રજૂઆત દરમ્યાન કથક પ્રયોગ કરે છે. ઘણા બધા એવા વર્ણનો છે જે માત્ર એક વાર્તા માટે જ વાર્તાકારે વર્ણન કરેલું હોય પછી આ વર્ણન સાંભળીને બીજા વાર્તા કથક તેવી શ્રેણીમાં બંધ બેસતી વાર્તા માટે ઉપયોગ કરે છે.

       સંદર્ભ.

  1. લોકકલાના વૈતાલિકો, જોરાવરસિંહ જાદવ
  2. ચારણો અને ચારણીસાહિત્ય, ઝવેરચંદ મેઘાણી
  3. દુહો દસમો વેદ, જયમલ્લ પરમાર 
  4. ટેરવાં, કવિ દાદ
  5. સાવજનું દાન, ઈશ્વરદાન ગઢવી, રામ ઓડિયો     
  6. ચારણ ચોથો વેદ,  મનુભાઈ ગઢવી, રાજ ઓડિયો
  7. હકો ભાભો, કાનજી ભુટા બારોટ, ટી સીરિઝ

ધર્મદીપસિંહ પ્રદ્યુમનસિંહ ગઢવી, શોધ છાત્ર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ભાવનગર.  

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 4 July – August 2024