સાહિત્યમાં ગદ્ય હોય કે પદ્ય બંન્નેમાં અભિવ્યક્તિને અસરકારક અને ચોટદાર બનાવવા માટે વિવિધ પ્રયુક્તિઓનો વિનિયોગ થતો રહે છે. પ્રયુક્તિના માધ્યમથી સર્જક ઓછા શબ્દોમાં ઘણું બધું સિદ્ધ કરી શકે છે. પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, સ્વપ્ન, વક્રતા વગેરે જેવી પ્રયુક્તિનો આશ્રય લઈ સર્જક પોતાની અનુભૂતિનાં શક્ય તેટલાં ઊંડાણને અભિવ્યક્ત કરવા મથામણ કરતો હોય છે, કિન્તુ કૃતિમાં વિનિયોગ પામેલ પ્રયુક્તિની સફળતા મુખ્યત્વે બે બાબતો પર નિર્ભર કરે છે – એક સર્જકની પ્રયુક્તિ પ્રત્યેની સભાનતા અને બીજું સર્જકને પ્રયુક્તિનાં સામર્થ્યનો યથાયોગ્ય પરિચય. ગુજરાતી સાહિત્ય અને વિવેચનમાં ‘વક્રતા’(આય્૨ની)નાં સંદર્ભે વિચાર કરીએ તો નિરાશ થવું પડે છે. ‘વક્રતા’(આય્૨ની) સંજ્ઞા કે પ્રયુક્તિ લેખે તેની ચર્ચા ખૂબ નહીંવત અને ધૂંધળી થઇ છે. પ્રતીક, કલ્પન, પુરાકલ્પન વગેરે જેવી સંજ્ઞાઓ કે પ્રયુક્તિઓની તુલનામાં ‘વક્રતા’(આય્૨ની) વિશે આંગળીના વેઢે ગણાય તેટલાં વિવેચકોએ ચર્ચા કરી છે, એ પણ છૂટાછવાયા લેખ રૂપે.
‘વક્રતા’(આય્૨ની) સંજ્ઞાને સ્પષ્ટ કરવાનો એક સફળ પુરુષાર્થ (સાહસ) એક માત્ર પ્રવીણ દરજીએ કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનાં ઉપલક્ષમાં ‘આય્૨ની’ એ નામની એક પુસ્તિકા તેમણે આપી. આ પુસ્તિકાનાં ૮૧ પૃષ્ઠમાં તેમણે પ્રથમવાર ‘વક્રતા’(આય્૨ની) સંજ્ઞા અને પ્રયુક્તિ રૂપે તેના સામર્થ્યનો પરિચય ગુજરાતી સાહિત્યનાં અભ્યાસુને આપ્યો. તેઓ પણ ‘વક્રતા’(આય્૨ની) સંજ્ઞા અંગે ગુજરાતી ભાષાસાહિત્યમાં થયેલ નહીંવત ચર્ચા અંગે પોતાનો મત આપતા કહે છે કે, “ આય્૨ની સાહિત્યિક સંજ્ઞાઓમાં કદાચ સૌથી વધુ અટપટી સંજ્ઞા છે. અભ્યાસીઓ પણ અનેકવાર આ સંજ્ઞાને સમજવામાં કે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યાના કે થાપ ખાઈ જવાના દૃષ્ટાંતો છે. ધણીવાર તેથી વિવેચકો ભળતી સંજ્ઞાઓથી કે અર્થઘટનથી આગળ ચાલ્યા છે. પશ્વિમમાં અને તેમાંય અમેરિકન અભ્યાસીઓ-વિવેચકોમાં આમ ખાસ બન્યું છે. ઉતરોત્તર આ સંજ્ઞા વિભિન્ન પરિવેશ અને પરિપ્રેક્ષ્યમાં જે રીતે વિકસતી રહી છે, તે જોતા તેને ઝટ વ્યાખ્યાયિત કરવી કે ઓળખી બતાવવી એ સ્વયં અઘરી બાબત બની છે. આજે તો સાહિત્યિક યુક્તિ-પ્રયુક્તિની સાથે કૃતિની સંરચના એક અકાટ્ય અંશ રૂપે તે તેની ઓળખ આપતી થઇ છે. ગુજરાતીમાં તો આ વિશે એક બે લેખ સિવાય કશી સામગ્રી જ ઉપલબ્ધ નથી! એ વિશે કશો ઝાઝો વિચાર પણ થયો જણાતો નથી!૧
ઈ. સ. ૧૯૯૬માં પ્રગટ થયેલ આ પુસ્તિકા સિવાય આજ દિન સુધી ‘વક્રતા’(આય્૨ની)નો વિચાર કરતું કોઈ સ્વતંત્ર પુસ્તક મળ્યું નથી. આ બાબત આપણાં સમૃદ્ધ વિવેચન પરંપરાની એક ઉધાર બાજુ લેખાય.
આપણે ત્યાં ‘આય્૨ની’ સંજ્ઞા પશ્વિમમાંથી અવતરણ પામી છે. ‘આય્૨ની’ માટે ગુજરાતીમાં ‘વક્રતા’ સંજ્ઞા પ્રચલિત છે. સાહિત્યમાં પ્રયોજાતી અન્ય પરિભાષાના અર્થઘટનમાં જે રીતે એકવાક્યતા જોવા મળતી નથી, એવી સ્થિતિ ‘આય્૨ની’ સંદર્ભે પણ જોવા મળે છે. કેટલીકવાર ‘આય્૨ની’ માટે ગુજરાતીમાં વપરાતી પરિભાષા ‘વક્રતા’ અને ‘વક્રોક્તિ’ વચ્ચે ભેળસેળ કરી નાખવામાં આવે છે. કિન્તુ એ વાત સ્પષ્ટ છે કે, આચાર્ય કુંતકનો ‘વક્રોક્તિ’ વિચાર અને ‘વક્રતા’(આય્૨ની) બંને ભિન્ન બાબતો છે. માત્ર વાણીની ‘વક્રોક્તિ’ એ ‘વક્રતા’(આય્૨ની) નથી. ‘વક્રતા’(આય્૨ની)ની ઉપસ્થિતિ અને તેના ગુણધર્મો બંને ‘વક્રોક્તિ’થી ભિન્ન છે. બીજું એ પણ નોંધવું જોઈએ કે, વિનોદ(Humour), કટાક્ષ(Satire), મર્મવચન(Sarcasm), વિરોધાભાસ(Paradox), વગેરે જેવી સંજ્ઞાઓ ઘણીવાર ‘વક્રતા’(આય્૨ની)ની ખૂબ નજીક આવી જતી લાગે છે, ઘણીવાર આવી સંજ્ઞાઓ ‘વક્રતા’(આય્૨ની) સાથે એટલી તો ઓતપ્રોત હોય છે કે, તેને ભિન્ન પાડવું કઠિન બની જતું હોય છે. આથી કેટલાંક તો તેને ‘વક્રતા’(આય્૨ની)નાં ભાગરૂપે જોવાનું પસંદ કરે છે. તેમ છતાં આ સંજ્ઞાઓ ‘વક્રતા’(આય્૨ની) નથી બનતી એ ખાસ જોવાનું રહે. ‘વક્રતા’(આય્૨ની) માટે આ સંજ્ઞાઓ કડીરૂપ બની શકે, કિન્તુ ‘વક્રતા’(આય્૨ની) એ આ બધાથી અલગ વિશ્વ ધરાવે છે.
‘વક્રતા’(આય્૨ની) શબ્દની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો તેનું બીજ છેક સોક્રેટિસ કે તેની આગળથી મળે છે. ‘એનોટમી ઓફ મેલીન્કલી’ (Anatomy of Melancholy) પુસ્તકમાં રોબર્ટ બર્ટનનો મત જોઈએ તો સોક્રેટિસ પૂર્વે થયેલ દાર્શનિક હેરેક્લાઈટસ મનુષ્યના દુઃખો અને પાગલપનને જોઇને હસતાં હસતાં પડી ગયા. તેમને સ્વસ્થ કરવા માટે હિપ્પોક્રેટસ પાસે લઈ જવામાં આવ્યા. જ્યારે હિપ્પોક્રેટસે તેમને હસવાનું કારણ પૂછ્યું તો હેરેક્લાઈટસે કહ્યું, “મનુષ્યના અજ્ઞાન પર તેમને હસવું આવે છે.” આ ફિલસૂફના હાસ્યનું કારણ અજ્ઞાનવશ જીવાતું જીવન, માનવીય ઘમંડ અને સંકુચિત થતી માનવીય ચેતના હતું. આ હાસ્ય આયરોનિક હતું. આમ હેરેક્લાઈટસ, સોક્રેટિસ, લુસિયન, ઈમર્સન વગેરે માનવીના દેખીતાં જીવન અને તેના દંભ, પાખંડ પર હસ્યા હતા. સોક્રેટિસ તેમના સમયના માનવીય વ્યવહાર અને તેમની અજ્ઞાનતાથી વ્યથિત હતા. આથી તેમને અજ્ઞાની મનુષ્યને આત્મભાન કરાવવા માટે એક પ્રયુક્તિ અખત્યાર કરી. પોતે જ્ઞાની હોવા છતાં અજ્ઞાની હોવાનો દેખાવ કરતા. એવા પ્રશ્નો ઉપસ્થિત કરતા કે આપમેળે સામેવાળી વ્યક્તિને પોતાનું અજ્ઞાન અનુભવાય. આમ ‘વક્રતા’(આય્૨ની) દેખાળો અને વાસ્તવિકતા વચ્ચેનો માર્ગ બની.
‘આય્૨ની’ શબ્દ મૂળ તો ‘આયરોન’(Eiron) પરથી ઉતારી આવ્યો છે. ગ્રીક કોમેડીમાં ‘આયરોન’ નામનું પાત્ર આવતું. જે હંમેશા અજ્ઞાની, ઢોંગી, છદ્મ તરીકેનો અભિનય કરતો. સોક્રેટિસના વિચારોનો પ્રચાર, પ્રસાર કરવા માટે આ ‘આયરોન’ ખપમાં આવ્યો. સાવ પાગલ અને બોઘા જેવા દેખાતા ‘આયરોન’ની સામે ‘એલાઝોન’(Alazon) નામનું પાત્ર આવતું. આ ‘એલાઝોન’ પોતે સમજદાર અને જ્ઞાની છે, એવું દેખાવાનો પ્રયત્ન કરતો. આ ‘આયરોન’ અને ‘એલાઝોન’ વચ્ચે સંવાદ થતાં. આ સંવાદમાં મૂર્ખ-મૂઢ દેખાતો ‘આયરોન’ વિજયી બનતો. આમ બાહ્ય રીતે મૂર્ખ દેખાતો ‘આયરોન’ વાસ્તવમાં મૂર્ખ હોતો નથી. જ્ઞાન અને શાણપણનો ઈજારો પોતાની પાસે છે, એવું સમજનાર ‘એલાઝોન’ વાસ્તવમાં જ્ઞાની હોતો નથી. આમ, ‘આયરોન’ની આડમાં ચિંતન રજૂ કરવાનો આ કીમિયો ‘વક્રતા’(આય્૨ની)ની અવધારણાની પૂર્વે હતી. પ્રથમવાર સાહિત્યિક સંજ્ઞા તરીકે ‘આય્૨ની’ આપણને એરિસ્ટોટલનાં ‘પોએટિક’માં પ્રગટેલી જોવા મળે છે. એમ. એચ. અબ્રામ્સ આય્૨નીનું વર્ણન કરતાં કહે છે કે, “જેમાં જે છે, તેને વિખેરી નાખવાની અથવા છુપાવવાની ભાવના, વાસ્તવમાં છેતરવા માટે નહી, બલકે વાણીની વિશેષ કોટી માટે હોય છે.”૨
‘આય્૨ની’ સંજ્ઞા ૧૮મી સદીથી સાહિત્યિક સંજ્ઞાનું રૂપ ધારણ કરે છે. પરંતુ આ સમય પૂર્વે સુધી અને આ સમય દરમિયાન પણ એવા ઘણાં શબ્દો હતા કે જે વ્યંગ્યાત્મતાનું સૂચન કરતાં હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉપહાસ(Fleer), અવગણના(Flout), મેણુંટોણું(Gibe), મશ્કરી(Jeer), બનાવટી(Mock), હાંસી(Scoff), તિરસ્કાર(Scorn), મર્મવચન(Taunt), ઉડામણી(Derision), વૈચિત્ર્ય(Droll), પ્રતિબંધ(Banter), ભૂજવું(Roast), કોયડો(Quiz), વગેરે. ૧૮મી સદી દરમિયાન ‘આય્૨ની’ માત્ર ભાષણની એકમાત્ર પદ્ધતિ ન રહેતા, તે બહુપક્ષીય ઘટના સ્વરૂપે વિકસવા લાગ્યું હતું. જેમકે વ્યક્તિ જે ઈચ્છે છે, તેના કરતા વિરૂદ્ધ થવું, પ્રસ્તુત સંવાદનો અન્ય અર્થ મળવો, નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા, વેર વિખેર કરી નાખવું, વર્તનની એક પ્રકારની ગતિશીલતા વર્ણવવી વગેરે. આ બધા અર્થો ‘આય્૨ની’નો પ્રભાવ કે ભોગ બનનારની તુલનામાં તેના હેતુઓ પ્રતિ નિર્દેશ કરે છે.
ફેડરિક શ્લેગલ ‘આય્૨ની’ વિશે પોતાનો જે મત આપે છે, એ પણ જોવા જેવો છે. તેમના માટે ‘આય્૨ની આદર્શ અને વાસ્તવિકતાની વચ્ચેનો એક વિપરીતતાનો રસ્તો છે, જે સ્વયંના વિશ્વાસો અને સ્વયંના વ્યવહારોની મજાક ઉડાવવાની, હસી નાખવાની રીત કે આત્મકટાક્ષ છે.’ શ્લેગલના મતે મનુષ્ય આધ્યાત્મિક રૂપથી વક્રતાપૂર્ણ સ્થિતિમાં ફસાઈ ગયો છે. જેમાં સીમિત સંસાધન, સીમિત શક્તિ દ્વારા વિશાળ અને અનંત સત્યને સમજવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની સમજ બહારની આ વાસ્તવિકતા આગળ જતા ‘વક્રતા’(આય્૨ની)માં પરિણમે છે. શ્લેગલના મતે મનુષ્ય અને નિયતિ બંને એક છે, છતાં મનુષ્ય નિયતિને પાર જવા મથે છે. જેને કારણે નિરાશા સર્જાય છે. પરિસ્થિતિને પોતાની અનુરૂપ ગોઠવવી એ અસંભવ છે. આ પ્રયાસ નિયતિના શાશ્વત પ્રવાહને નિયંત્રિત કરવાની મથામણ અંતે આત્મ પરાજયમાં પરિણમે છે. વાસ્તવમાં જીવન વિરોધાભાસથી ભરેલું છે. મનુષ્ય ગમે તેટલાં પ્રયત્નો કરે, છતાં નિયતિ કે વાસ્તવિકતાને બદલી શકતો નથી. ‘વક્રતા’(આય્૨ની) જીવનની આજ વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે. ‘વક્રતા’(આય્૨ની)ની મદદથી જ સદ્-અસદ્ સમજી શકાય છે. ૧૯મી સદીમાં થયેલ ડબ્લ્યુ. એફ. સોલ્ઝર કહે છે કે, “બધી જ કલાઓમાં આય્૨ની વિસ્તાર પામે છે.” તેમના મતે આય્૨ની જ એક એવો સિદ્ધાંત બની હતી, જેના વડે કળાએ પ્રકૃતિ પર અને આત્માએ પદાર્થ પર જીત હાસલ કરી છે. તે તો એટલે સુધી કહે છે કે, આય્૨ની વિના કોઈ કળા જ સંભવ નથી. અહીં એક પ્રશ્ન ઉભો થાય કે, સાહિત્યમાં જે રીતે આય્૨ની સંભવ છે તે રીતે અન્ય કળાઓમાં સંભવ છે કે કેમ?
પાશ્ચાત્ય સાહિત્યમાં ગદ્યયુગના આરંભથી આય્૨નીની પ્રતિષ્ઠા વધવા પામી. ખાસ કરીને નવલકથા અને નિબંધોમાં એનો સારો એવો વિકાસ જોઈ શકાય છે. આ સમયમાં થોમસ કાર્લાઈવ, જોન રસ્કિન, મેથ્યુ આર્નોલ્ડ, વોલ્ટર પેટર, ચાર્લ્સ ડીકેન્સ, વગેરે પ્રમુખ હતા. આધુનિક યુગે વિચાર સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો. આથી આ સમયમાં નિયતિ, મનુષ્યએ ઉભી કરેલ વિવિધ સામાજિક સંસ્થા અને વ્યવસ્થાઓ તથા આ બધાની સામે છેડે ઉભેલી વિસંગતી અને વાસ્તવને અભિવ્યક્ત કરવામાં આય્૨નીનો ઉચિત ઉપયોગ થયો.
આગળ આપણે ‘વક્રતા’(આય્૨ની) સંજ્ઞાને તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવાનો ટૂંકો પ્રયત્ન કર્યો. સમયાંતરે બદાલાતા જતા ‘વક્રતા’(આય્૨ની)ના વિવિધ અર્થોની પણ ચર્ચા કરી. આ પરથી ચોક્કસ ખ્યાલ આવશે કે ‘વક્રતા’(આય્૨ની)એ સમયાંતરે તેના રૂપ-રંગ બદલ્યા છે. બદલાતા સમયની સાથે પોતાનું કર્તૃત્વ પણ બદલ્યું છે. તેમ છતાં આજના સમય સંદર્ભમાં ‘વક્રતા’(આય્૨ની)એ એક સાહિત્યિક પ્રયુક્તિ તરીકે પોતાનું જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને આધારે તેના સર્વસામાન્ય કાર્યાન્વય તરફ દૃષ્ટિ કરવી પણ જરૂરી છે. ‘વક્રતા’(આય્૨ની) એ પ્રસ્તુત અર્થ અને છદ્મ અર્થ વચ્ચેની અસમાનતાને અભિવ્યક્ત કરે છે. ઉચ્ચરિત શબ્દો કે ક્રિયા દ્વારા વ્યક્ત થતો સપાટી પરનો અર્થ અને સર્જકને અભિપ્રેત અર્થ બંને વચ્ચેનો તફાવત ‘વક્રતા’(આય્૨ની) સર્જે છે. એક બાજુ ‘વક્રતા’(આય્૨ની) ભાવકને સત્યથી સન્મુખ કરાવે છે, તો બીજી તરફ જગતની નક્કર વાસ્તવિકતાનો પરિચય આપે છે. એ રીતે કૃતિને પણ સચોટતા અને સૌન્દર્યશીલતા અર્પે છે. ‘વક્રતા’(આય્૨ની) જે કહેવાયું નથી તે અને તેની વિરુદ્ધમાં છે તે – આ બંને વચ્ચે તણાવ પેદા કરવાનું કામ કરે છે. જે કહેવામાં કે બતાવવામાં આવે છે તે દેખાવ છે, પણ વાસ્તવિકતા નથી. આ સંદર્ભે વાત કરતા મિલન કુંદેરા કહે છે કે, ‘આય્૨ની પરેશાન કરે છે, તેનું કારણ એ નથી કે તે મજાક કે આકસ્મિકતા સર્જે છે. પરંતુ એ માટે પરેશાન કરે છે કે તે દુનિયાને બેપરદા કરે છે અને આપણાં સ્થાપિત વિચારોનો નકાર કરે છે.૩
‘વક્રતા’(આય્૨ની) તેના બદલાતા સ્વરૂપની સાથે અને બદલાતી કાર્ય પદ્ધતિને કારણે આજે એકાધિક પ્રકારો ધરાવે છે. જુદા જુદા વિદ્વાનોએ ‘વક્રતા’(આય્૨ની)ના ભિન્ન ભિન્ન પ્રકારો સૂચવ્યા છે. ‘વક્રતા’(આય્૨ની)ના પ્રકારો વિશે વાત કરતા આર. પી. વોરેન જણાવે છે કે, ‘વાસ્તવિકતાની બહુપક્ષીય જટિલતા અને ભાષાની પ્રકૃતિમાં ‘વક્રતા’(આય્૨ની) પ્રગટ થાય છે. અસંખ્ય ગતિ અને વિભિન્ન પ્રકારની ‘વક્રતા’(આય્૨ની)ને એક સાથે વર્ગીકૃત કરવું અસંભવ છે. ડી. સી. મકેએ ‘વક્રતા’(આય્૨ની) માટે ત્રણ સિદ્ધાંત આપ્યા છે. (૧) ‘વક્રતા’(આય્૨ની)નો શિકાર બનનાર પ્રત્યેનો ખ્યાલ (૨) પીડિતનું ભાગ્ય : વિજય કે પરાજય (૩) વાસ્તવિકતાની અવધારણા : શું ‘વક્રતા’(આય્૨ની)યુક્ત પર્યવેક્ષક ‘વક્રતા’(આય્૨ની)ને પ્રતિબિમ્બિત કરવા પ્રતિ વિચારે છે. નોર્મન નોક્સે ‘વક્રતા’(આય્૨ની)ના દાર્શનિક ભાવાત્મક રૂપ-રંગના આધાર પર પાંચ કક્ષાઓ આપી છે. (૧) દુઃખદ (૨) હાસ્ય (૩) વ્યંગ (૪) શૂન્યતા (૫) વિરોધાભાસ. આમ જુદા જુદા વિદ્વાનો ‘વક્રતા’(આય્૨ની)ના પ્રકારો વિશે ભિન્ન ભિન્ન મત ધરાવે છે. તેમ છતાં વિવિધ વિદ્વાનોની ચર્ચાને ધ્યાન પર લઈ ‘વક્રતા’(આય્૨ની)ના કેટલાંક સર્વસામાન્ય અને સર્વ માન્ય પ્રકારો જોઈએ. (૧) શાબ્દિક વક્રતા (verbal irony) : શાબ્દિક વક્રતાનો મુખ્ય આધાર પાત્ર દ્વારા બોલાતા શબ્દો કે કથક દ્વારા કહેવામાં આવતી વાત પર આધારિત છે. કથક દ્વારા જે કહેવામાં આવે છે, તે વાતનો સપાટી પરનો અર્થ અને તેનાથી ભિન્ન બીજો અર્થ – આ અર્થ ભવિષ્યમાં બનનાર ક્રિયા કે ઘટનાનો દ્યોતક હોય છે. શાબ્દિક વક્ર્તાના કેટલાંક ભિન્ન સ્વરૂપો કે પ્રકારો પણ મળે છે – જેમકે, સોક્રેટિસ આય્૨ની, ઓવર સ્ટેટમેન્ટ, અંડર સ્ટેટમેન્ટ, સેક્રેઝ્મ, વગેરે. (૨) નાટ્યાત્મક વક્રતા (Dramatic irony) : નાટ્યાત્મક વક્ર્તામાં દર્શક કે વાચક પાત્રો કરતા વધુ જ્ઞાન ધરાવતા હોય છે. કથામાં આવનારા વળાંકો, મૂળ પાત્રના જીવનમાં આવનારી વિપદા, ખલનાયકની ઓળખ વગેરે કથાના મૂળ પાત્રો કરતા પૂર્વે વાચક કે દર્શક જાણી લે છે. નાટ્યાત્મક વક્ર્તાના કેટલાંક ભિન્ન સ્વરૂપો કે પ્રકારો પણ મળે છે. જેમકે ટ્રેજિક આય્૨ની, આય્૨ની ઓફ ફેટ, કોસ્મિક આય્૨ની, વર્લ્ડ આય્૨ની, વગેરે. (૩) પરિસ્થિતિગત વક્રતા (Situational irony) : નિયતિને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ અને તેને કારણે થતી ઉથલ-પાથલ. પરિસ્થિતિગત વક્ર્તાના કેટલાંક ભિન્ન સ્વરૂપો કે પ્રકારો પણ મળે છે, જેમકે કાવ્યાત્મક વક્રતા, માળખાકીય વક્રતા, ઐતિહાસિક વક્રતા, વગેરે. આ ઉપરાંત પણ રોમેન્ટિક આય્૨ની, સોફ્ટ આય્૨ની, ફિલોસોફિકલ આય્૨ની જેવા પ્રકારો મળે છે. પરંતુ ઉપર દર્શાવેલ પ્રકારોથી આ પ્રકારો પોતાની વ્યાવર્તકતા સિદ્ધ કરી શકતા નથી.
‘વક્રતા’(આય્૨ની)ની ઉપરોક્ત ચર્ચાના બાદ ગુજરાતી લઘુનવલ ‘ફેરો’ જે રાધેશ્યામ શર્મા પાસેથી પ્રાપ્ત થાય છે. આ લઘુનવલમાં ‘વક્રતા’(આય્૨ની) તેના કેવા રૂપ અને સામર્થ્ય સાથે પ્રગટે છે, એ તપાસવાનો હવે પછીનો ઉપક્રમ છે.
‘ફેરો’ની પ્રથમ આવૃત્તિ ઈ.સ ૧૯૬૮માં પ્રગટ થઇ. ત્યારબાદ બીજી ત્રણ આવૃત્તિ અનુક્રમે ઈ. સ. ૧૯૭૭, ઈ. સ. ૧૯૮૭, ઈ. સ. ૨૦૦૦માં પ્રાપ્ત થાય છે. ગુજરાતી લઘુનવલના માળખામાં બરાબર બંધ બેસતી આ લઘુનવલે આધુનિક સાહિત્યિક પ્રવાહમાં અભિવ્યક્તિ અને વિચાર સંદર્ભે નવા આયામો સિદ્ધ કર્યા છે. સુરેશ જોષીની આધુનિક કથાસાહિત્યની વિભાવનાને રાધેશ્યામ શર્માએ ‘ફેરો’ લઘુનવલમાં બખૂબી નિભાવી છે. સૂર્યદેવની કૃપાથી પ્રાપ્ત થયેલ બાળક મૂંગું છે. આ મૂંગા બાળકને સૂર્યદેવ જ બોલતો કરશે, એવું વિચારી બાળકના માતા-પિતા પોતાના મૂંગા બાળકને લઈ સૂર્યમંદિર જવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. ગંતવ્ય સ્થાન પર પહોંચતા પૂર્વે જ બાળક ખોવાઈ જાય -બસ આટલી જ ઘટના. આ નાનકડી ઘટનાને કેટકેટલાં પ્રતીકો, કલ્પનો અને પ્રયુક્તિના વિનિયોગથી આખીય ઘટના જાણે આ જગતના પ્રત્યેક માનવીની વ્યથાકથા હોય એવો વિશાળ વ્યાપ ધારણ કરે છે. ‘ફેરો’ માત્ર કથાનાયકને નથી પાડતો, કિન્તુ પ્રત્યેક મનુષ્યને ‘ફેરો’ પડે, ત્યાં સુધી કથા વિસ્તરે. આખી લધુનવલમાં વિવિધ પ્રકારની વક્રતાનો વિનિયોગ થયેલો જોવા મળે છે.
‘ફેરો’માં રાધેશ્યામ શર્માએ પાત્રોનું નામકરણ સુદ્ધા નથી કર્યું. નામકરણ વગરના પાત્રો સીધા જ વૈશ્વિક ફલક પર આવી જાય છે. જાણે આ પાત્રો હું અને તમે એમ આપણે બધાં જ નિહિત છીએ. ‘ ધક્કો વાગ્યો…ગાડી ઉપડી… છેક આઠમા પ્રકરણમાં નાયક ફ્લેશબેકમાંથી બહાર આવે છે. અહીં ગતિ છે પણ અણગમતી. કારણ ‘ધક્કો’ અને એ સાથે અનુભવાતી ગતિ ઇચ્છનીય નથી. ધક્કો વાગવાથી પટકાવવું પડે છે. નાયક જાણે અવશપણે યાત્રા કરી રહ્યો છે. બાહ્ય વિશ્વ અને આંતરિક વિશ્વ વચ્ચે કોઈ તાલમેલ દેખાતું નથી. જન્મથી મરણ સુધીની બધી જ ગતિ જાણે ધક્કો વાગવાથી આવતી હોય એમ અનુભવાય છે. યાત્રાએ જતા નાયકની અનુભૂતિ નાયક પોતે જ અનુભવે છે, તેમ બહારગામ જતા હંમેશા પુરુષને થતું, તેમ આજે પણ દાદર ઉતરતા થતું હતું : ફરી પાછા આવનારાઓમાં કદાચ હું જ નહી હોઉં. પણ…આમ નિયતિની અનિશ્ચિતતા ભાગ્યની વક્રતા (આય્૨ની ઓફ ફેટ)નો સંકેત કરે છે.
લઘુનવલનાં આરંભમાં જ કથાનાયક પોળમાં પેસતા જ મન સાથે કંઈક બોલી બેસે છે. ‘ગાય પૃથ્વી છે… તડકો ક્ષુદ્ર છે. પોળ બહાર એ વાટ જોતો ઉભો છે…ક્યાં છે પરીક્ષિત?- પરીક્ષિત ઘોરતો હશે, કાં પેપર વાંચતો હશે.’ અહીં દેખીતો જ ઉલ્લેખ ભાગવતના આરંભમાં પૃથ્વીરૂપી ગાયને કનડતા ક્ષુદ્ર કળીને રાજા પરીક્ષિત વશ કરે છે, તેનો છે. કિન્તુ આજે એવો કોઈ પરીક્ષિત નથી. આમ આવા ઉદાહરણો ‘ફેરો’માં ઠેકઠેકાણે મળે છે. જેનો લઘુનવલ સાથે સીધો કોઈ સંબંધ ન અનુભવાય, પણ તેના અતલ ઊંડાણમાં ઉતરતા એ સાર્થક બની રહે છે. જે શાબ્દિક વક્રતા(verbal irony)નાં ઉદાહરણો બને છે. અહીં બોબડા ‘ભૈ’ વાચાળ પત્નીને જોઈ નાયકને થાય છે કે, ‘આ છોકરો મારો જ અને બીજા કોઈનો નહી, પણ મારું જ સર્જન છે, કેમકે એ મૂંગો છે!’ (પૃ.૪૮) અહીં શાબ્દિક વક્રતાનું બીજું નક્કર ઉદાહરણ મળે છે. કથાનાયક ભારપૂર્વક કહે છે કે, ‘આ છોકરો મારું સર્જન છે’ અને તેનો આધાર પણ આપે છે. – ‘કેમકે એ મૂંગો છે.’ તો શું કથાનાયકનું સર્જન જ મૂંગું હશે ? આ પ્રશ્નો અનેક નવા અર્થો પ્રતિ જવા લાલાયિત કરે છે. આ સપાટી પરના અર્થની ભીતર અનેક શક્યતાઓ રહેલી છે. ‘મેં પેટની બધી વાતો ઉલેચી છે.’ પીઢોની વચમાં ઝુમ્મરની જેમ ઝૂલતા બાવાની પેઠે કેટલાંક એવા શબ્દો વણવપરાયેલા ઝૂલે છે.’ (પૃ.૪), ‘માનની ઠંડી કાળી જાજમ.’ (પૃ.૧૦), ‘રિક્ષાઓના ધણમાં.’ (પૃ.૧૩), ‘ફાટકના ઝાંપાની બહાર પરાણે વશ કરી રાખેલા પશુઓ.’ (પૃ.૨૪), આવા અનેક વાક્યો વક્રતા સૂચક છે.
‘ફેરો’ આમ તો સમગ્ર લઘુનવલ નિયતિની વક્રતા છે. ‘ભૈ’ જે મૂંગો છે. ‘ભૈ’ બોલતો થાય એ માટે સૂર્યમંદિર જઈ બાધા કરવાની છે. આ દમ્પતીમાં ક્યાંક હજી આસ્થા બચી છે. કિન્તુ જે બને છે એ જ સાચી નિયતિ અને જીવનની વક્રતા છે. જે ‘ભૈ’ની બાધા કરવાની હોય એ ‘ભૈ’ જ ગંતવ્ય સુધી ન પહોચે અને અચાનક ખોવાઈ જાય. આ જ મનુષ્ય જીવનની સાચી નિયતિ છે. મનુષ્ય ઈચ્છે છે કંઈ અને નિયતિ આપે છે કંઈ, બંને વચ્ચે કોઈ સેતુ નથી. જીવનની આ વિસંવાદિતા જ સાચી વક્રતા છે. જીવન માત્ર ફેરાથી વધારે કાંઈ નથી. આમ આ આખી લઘુનવલ પરિસ્થિતિગત વક્રતા (Irony of fate) અભિવ્યક્ત કરે છે. સાથે સાથે આ ‘ફેરો’ માત્ર કથાનાયકનો ન રહેતા સમગ્ર માનવજાત સાથે જોડાઈ જાય છે. આમ આ લઘુનવલ વૈશ્વિક વક્રતા (Universal irony) પણ રચી આપે છે.
સંદર્ભ સૂચિ
૧. દરજી પ્રવીણ : આય્૨ની, ૧૯૯૬, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુ.રા.અમદાવાદ, નિવેદન
૨. અબ્રામ્સ એમ. એચ. : ગ્લોસરી ઓફ ક્રિટિકલ ટમ્સ, સાતમી આવૃત્તિ, સિંગાપોર હરકોર્ટ કૉલેજ, ૧૯૯૯, પૃ.૯૭
૩. કુન્દેરા મિલન : ધ આર્ટ ઓફ ધ નોવેલ, રૂપા એન્ડ કંપની કલકત્તા, ૧૯૯૮, પૃ.૧૩૪
પ્રા. વિજયસિંહ એમ. ઠાકોર
અધ્યક્ષ ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કૉલેજ, જામકલ્યાણપુર.
સંપર્ક : ૯૭૨૫૧૨૯૩૫૦, ઈ-મેલ : vijayt086@gmail.com