‘મોહરાં’ : જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો પ્રથમ નિત્ય નૂતન વાર્તાસંગ્રહ

ઉત્તમ વાર્તાકાર ,ચિત્રકાર ,સમીક્ષક ,અધ્યાપક અને પક્ષીવિદ એવા ડૉ. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો જન્મ ૦૫/૦૫/૧૯૭૨ અને અવસાન ૨૦/૧૦/૨૦૧૮.તેઓને અસાધ્ય રોગ લાગુ પડેલો જેમાં, ક્રમે ક્રમે બધા અંગ લાક્વાગ્રસ્ત થઇ જતાં હોય છે. ૪૬ વર્ષની નાની વયે તેમણે સંસાર માંથી વિદાય લીધી એમના અવસાનથી એક સાચા સર્જકનો  વિલય થયો છે. ચિત્રો દોરવાનો  એમને શોખ હતો .મોર્ડન આર્ટ કરતા રિયાલિસ્ટિક વર્ક પેહેલેથી જ એમને ખૂબ પસંદ હતું.એમાંય પોટ્રેટ એમનો સૌથી પ્રિય વિષય .એમની ચિત્રકલાનો ઉત્તમ નમૂનો આપણને  એમના પ્રથમ વાર્તા સંગ્રહ ‘મોહરાં’માં જોવા મળે છે. આ રચનામાં સર્જક ચહેરા પર બીજો ચેહરો ચીતરી આપે . વળી પહેરી શકાય એવો અલગ પણ બનાવી આપે એવા શિલ્પી પણ ખરા.એમની આ સૃષ્ટિ  સંકુલ છે.

ચાવીરૂપ શબ્દો: . વાંદરાભાઈ, વાર્તાસંગ્રહ, સૃષ્ટિ અને મોહરાં

__________________________________________________________________________

પ્રસ્તાવના :-

જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો વાર્તાસંગ્રહ ‘મોહરાં’માં ફિલ્મોમાં જે તે દ્રશ્ય વિનિમય  એક સ્ક્રિનમાં બીજા સ્ક્રિનની  સામેલગીરી જેવા પ્રયોગો ‘વાંદરાભાઈ’ના પાત્ર દ્વારા વાર્તામાળાનું સર્જન કરીને ફેન્ટસીનો  અલગ જ પ્રકારનો પ્રયોગ જોવા મળે છે.‘મોહરાં’માં સર્જક ‘વાંદરાભાઈ’ના  વિલક્ષણ  પાત્રને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે.આપણને ફુલણજી કાગડા અને  લુચ્ચા શિયાળની બોધકથાઓની ખબર છે. આ કૃતિના ‘વાંદરાભાઈ’ પણ આવાં જ છે. માનવીની જેમ જ વર્તન કરે છે પરંતુ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કેહનારા કથનની વાતો કરવા આવ્યાં છે. કથનના  અન્તરંગ મિત્ર છે. આમ તો આ કથન આપણા દરેકનો ‘હું’ અને ‘વાંદરાભાઈ’ તે આપણી અંદર બેઠેલો એક બીજો ‘હું’ જે આપણને નિત્ય જોતો રેહતો હોય છે.આપણે  રોજબરોજના જીવનમાં  જે રીતે વર્તીએ છીએ તેનું ઝીણવટભર્યું આલેખન આ વાર્તાને રસપ્રદ બનાવે છે.વાર્તાની રજૂઆત એકદમ બોલાચાલીની ભાષામાં છે તે પણ તેનું આકર્ષક પાસું છે સાથે –સાથે  હ્યુમર અને માર્મિક રમૂજો પણ વાર્તાને રસપૂર્ણ બનાવે છે.

મોહરાં : જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો  નિત્ય નૂતન વાર્તાસંગ્રહ :=

જિજ્ઞેશ બ્રહ્મભટ્ટએ ‘મોહરાં’ વાર્તાસંગ્રહમાં વાંદરાભાઈનું વિલક્ષણ પાત્ર સર્જાયું છે.એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. બાળપણ અને યૌવનની મસ્તીને આ સર્જકે  કલમથી કેનવાસ સુધી પહોચાડી છે.

        ‘મોહરાં’ સંગ્રહની પાંચેય વાર્તાઓમાં વાંદરાભાઈ એકસમાન પાત્ર છે. તેઓ વાંદરાભાઈ રૂપે  કવચિત જ વર્તે છે. ખાસ તો તેઓ માનવીની જેમ વર્તે છે. ‘મોહરાં’ રચનામાં તેઓ ચિત્રકાર હોવાથી ચેહરા પર બીજો ચેહરો ચીતરી આપે વળી પહેરી શકાય તેવો અલગ પણ બનાવી આપે એવા શિલ્પી પણ ખરા. એમની એ સૃષ્ટિ સંકુલ છે.એમની સહજ સર્જકતા ને આભારી છે. ‘ભ્રાન્ત્તિ’માં વાંદરાભાઈ ખલનાયક છે. મીનાક્ષી અને ઉલ્લાસના  પ્રેમ – પરિણયમાં દખલગીરી કરે છે. ‘નગરચર્ચા’માં  રૂપાળા  મહારાજશ્રી છે. ને ‘રાજા રાજા ’રમે છે ‘સુંદરીલોકમાં’ બ્યુટી–કોન્ટેસ્ટમાં સુત્રધાર છે સુંદરીઓની એન્ટ્રરન્સ ટેસ્ટ લે છે. એક શીર્ષક વિનાની વાર્તામાં તેઓ રંગમંચ –કાર્યોના  આસિસ્ટન્ટ છે. પરદા બાંધી એમાં બધી લીલા પોતે નથી કરતાં કથન પાસે કરાવે છે .   

વાર્તાસંગ્રહમાં ‘મોહરાં’ રચના એ માટે મહત્વની છે કે  સૂત્રરૂપ વાંદરાભાઈ એમાં વિગતે ઇન્ટ્રોડયુસ થયા છે. એમને ત્યાં ઓરખી લીધા પછી  બીજી રચનાઓને સમજવાનું સરળ બની જાય છે. આ વાર્તામાં કથન અને વાંદરાભાઈ વચ્ચે ગાઢ સબંધ  પ્રવતતો જોઈ શકાય છે. ત્યારે બીમાર ચેહરો ચીતરી આપેલો ત્યારે ભોળો નિર્દોષ ચેહરો ચીતરી આપેલો .ડર લાગે,હિમ્મત દાખવવી હોય,ખોટો રોફ છાટવો હોય,હસવાનો ઢોંગ કરવાનો હોય,કશા પણ પ્રસંગે  વાંદરાભાઈ સેવા તત્પર. ટૂંકમા કોઈ પણ ભાવ-મનોભાવની વ્યક્તિ અભિવ્યક્તિ માટેની સાવ સરળ વ્યવસ્થા તે વાંદરાભાઈ સમસ્ત રચનામાં એક પ્રતિક જેવા અનુભવશે.કથનના ભીતરનું એ કોઈક ડીફેન્સ મિકેનિઝમ લાગશે. દરેક મનુષ્યની ભીતર બધું સાચવી જાણનારો વાંદરો કેમ  નથી ? આપણે સૌ  પણ અલગ અલગ  ‘મોહરાં’ પહેરીને તો ફરીએ છીએ ઘણીવાર તો મોહરું  જ આપણો ચેહરો બની જાય છે પણ કયારેક આજ ‘મોહરાં’ને  કારણે ઉઘાડા પડી જવાનુંય થાય .કથનના બારમામાં આ બધું જ બન્યું છે એવી વિલક્ષણ ‘મોહરાં’ પરંપરાને પ્રતાપે પાંચ માણસોમાં પૂછાતો થયો છે. અરસપરસના બદલાતા રહેતા ચહેરાને પામવાની એનામાં આવડત પણ વિકસી છે. છતાં એમ પ્રશ્ન થાય છે કે  પોતે શું પામ્યો? ને પોતે શું ગુમાવ્યું ?

વાર્તાના અંતિમ ભાગમાં સર્જકે કથનની પત્નીને અરીસામાં ‘મોહરાં’ લૂછતી બતાવી છે ને ઘણું સુયુક્તિ અને સુંદર લાગે છે. ‘મોહરાં’ લુછાતા અને  બદલાતા રહે છે  કેમકે  નવાં નવાં  ઉમેરતાં જાય  છે.આ વાર્તાનું વસ્તુ સ્વયંસ્પષ્ટ છે કેમકે  સર્જકે આપણી અંદર વસતા વાંદરાભાઈને બરાબર ઓળખી  લીધાં છે.છેક નાનપણથી એ આપણને અનેક રીતે મદદરૂપ થતા આવ્યા છે. આપણે રોજબરોજના જીવનમાં જે રીતે વર્તીએ છીએ તેનું ઝીણવટ ભર્યું આલેખન આ વાર્તાને રસપ્રદ બનાવે છે.

‘સુંદરીલોકમાં’ અને ‘નગરચર્યા’ બંને કપોળકલ્પનાની સૃષ્ટિ રચતી વાર્તાઓ છે.    કૉલેજમાં ભણવાની ઉંમરે પહોચેલા છોકારાઓ કે રસિકવૃતિના  પુરુષોને મજા પડે એવી સૃષ્ટિ ‘સુંદરીલોકમાં’ આલેખાઈ છે. ‘સુંદરીલોકમાં’ આ વાંદરાભાઈ તો મજેદાર છે સવા છ સાડા છ હાઈટ ને બ્રોડ ચેસ્ટ,સ્ટ્રોંગ આર્મ્સ અને મસ્કયુલર બાઈસેપ્સ વિશ્વભરની સુંદરીઓ તેમના  દર્શન માટે  અને તેમની સેવા કરવા માટે આતુર છે. એમાંથી પસંદગી પામેલ ‘સિકસ્ટીન થાઉંઝંડ ગલ્સ’ સાથે વાંદરાભાઈના રાસડાની વાત કરીને અહીંયા સર્જકે કૃષ્ણની રસિકવૃતિને પણ મનુષ્યનાં મનની આવી રસિકતા સાથે જોડી છે.આ વાર્તાના નાયક સાથે ચિત્ત જોડાઈ જાય છે પણ સાથે રહેલી સભાનતા વાંદરાભાઈ તરફ ઇર્ષાભાવ પણ જગાવે છે.કલાની દુનિયાની આ પણ એક મજા છે એ આપણને પણ સાથે સ્પર્ધામાં મૂકે  છે. ‘નગરચર્ચા’માં રાજા –રાજાની રમત છે.તો ‘સુંદરીલોકમાં’ પણ એક રમત જ છે .અહીં જબરજસ્ત કપોળકલ્પના છે.વાંદરાભાઈ એના ઉત્તમ પાત્ર છે.સર્જકની આ વાર્તામાં શક્તિમાન સિરિયલની અસર ઝીલીને વાંદરાભાઈને હાથ અધ્ધર કરી ગાયબ કરે છે.

        સર્જક ચિત્રકાર છે એટલે એની પાસે દ્રશ્યો ઉભા કરવાની સહજ કુનેહ છે.સાહિત્યના અધ્યાપક હોવાને લીધે ભાષા શુદ્ધ છે. વર્ણવો વિગતે રૂપવર્ણન એનું ઉત્તમ ઉદાહરણ છે. આ વાર્તાની શૈલી લોકસાહિત્યનો ભાસ કરાવે છે. શરણે આવેલા ખંડિયા રાજા જેવા પર્વતો દૂર દૂર સુધી  પડ્યાતા ‘જય હો’ કરીને સાષ્ટાંગ પ્રણામ કરતા રાજાજીની કૃપાદ્રષ્ટિ ધુમ્મસ થઈને  વીંટળાઈ વળી એમની ચોપાસ,જાવ આ વર્ષનો કર વસૂલ તમારો ને ‘ધન્ય હો’ ‘ધન્ય હો’ કરતી ટેકરીઓ સાવ પાસે આવી આવીને મહારાજાના ચરણોમાં આળોટી પડી.

        આવાં વર્ણનો સર્જકની ચિત્ર તરફની ગતિ પણ સૂચવે છે. બીજી એક  વિશેષતા એ કે સંવાદો પાસેથી સર્જકે બહુ ઓછું કાર્ય લીધું છે કેમકે એના નાયક વાંદરાભાઈ છે.આ વાર્તામાં રચાતા ચિત્રો ભવ્ય છે. સાથે સાથે મિથનો ઉપયોગ પણ એને નવા નવા પરિમાણો આપે છે.

        ‘ભ્રાંતિ’ વાર્તાના વાંદરાભાઈ ખલનાયક છે. મીનાક્ષી અને ઉલ્લાસના પ્રેમ –પરિણયમાં દખલગીરી કરે છે.નાયકની પ્રેમિકાને ફોન કરવાથી માંડીને ચુંબન કરવા સુધીના કાર્યો વાંદરાભાઈ ઉપાડી લે છે ત્યારે નાયક હચમચી જાય છે પણ વાંદરાભાઈથી છૂટવું કઇ સહેલું નથી.જોકે વાર્તાને અંતે નાયકને જાણીને આધાત લાગે છે કે નાયિકા તરફથી પણ પ્રેમ   કરવાનું કામ વાંદરી એ  સંભાળી લીધેલ છે.આ વાર્તાની સાહજિક અભિવ્યક્તિ અને મુગ્ધવયે થયેલ પ્રયણની વાસ્તવદ્શી રજૂઆત એને રસિક બનાવે છે.

        આ પાંચેય વાર્તાઓમાં વધુ સ્પર્શી જાય એવી સંવેદનપ્રધાન વાર્તા  ‘અનટાઈટલ્ડ’ છે. આ વાર્તામાં ટેકનીકનો સરસ નમૂનો છે. અહીં અન્નિધિકરણનો ઉપયોગ પણ થયો છે.ચિત્ર અને શબ્દ બધું એક થવા મથે છે. વર્તાનાયક જેને પ્રેમ કરતો હતો તે ‘જાનકી’ને પરણી શક્યો નથી ‘સ્વીકૃતિ’ નામની બીજી  યુવતી સાથે લગ્ન કરીને બે બાળકો સાથેનું સુખી અને સફળ દેખાતું જીવન તે જીવી રહયો છે પણ જાનકી સાથે અવારનવાર એ જે  નેચર પાર્કમાં જતો એની યાદો તાજી થાય છે.આ યાદોને દર્શાવવા સર્જકે વાંદરાભાઈને કામે લગાડ્યા છે.વાંદરાભાઈ નાયકની સામેના લીમડા પર ફિલ્મ સ્ક્રીન જેવો પરદો બાંધીને બધી યાદો નાયક સમક્ષ દ્રશ્ય –શ્રાવ્ય સ્વરૂપે લઇ આવે છે. એટલું જ નહી પણ નાયકનો હાથ પકડીને તેને લઈને પરદામાં ઝંપલાવી દે છે અને શરુ થાય છે ભૂતકાળ અને સાંપ્રતની સંનિધિ. નાયક જાણે બન્ને સમય એક સાથે જીવે છે. યાદો એટલી જીવંત છે કે  નાયકને  બીક લાગ્યા કરે છે કે પત્ની પણ આ બધું જાણી જશે તો ? નાયકને ભૂતકાળમાં સરી જવા માટે સર્જકે બોરસલીના થડ પરના જે ઘાનું નિમિત આપ્યું છે તે ઘણી વાત પણ ખુબ જ ઊર્મિલ રીતે આવે છે. સમગ્ર વાર્તા પ્રેમની એક સાવ સાચી અનુભૂતિ આવે તે રીતે કહેવાઈ છે. આ અનુભૂતિ વાર્તાનું આકર્ષક અંગ છે. નાયક અને નાયિકાનું પ્રણયગોષ્ઠિ પણ ગમી જાય તેવી છે. આ વાર્તાનું પ્રાકૃતિક વાતાવરણ સર્જકનો પ્રકૃતિપ્રેમ અને  તેમાય પંખીઓ પ્રત્યેનો ખાસ લગાવ આ વાર્તાનો પરિવેશ રચવામાં ખાસ મદદરૂપ નીવડે છે.વર્તાનાયકની જેમ જાનકી અને સ્વીકૃતિનો પ્રકૃતિપ્રેમ પણ સુંદર રીતે દર્શાવાયો છે. આ પાંચેય વાર્તાઓમાં નાયક ભલે ગમે તે હોય પણ મુખ્ય પાત્ર  તો ‘વાંદરાભાઈ’નું છે.

ઉપસંહાર : –

        ‘મહોરાં’ સંગ્રહની પાંચેય વાર્તાઓમાં ‘વાંદરાભાઈ’ એકસમાન પાત્ર છે.‘નગરચર્યા’ ‘સુન્દારીલોકમાં’ અને ‘ભ્રાંતિ’આ ત્રણેય વાર્તાઓને  એક ક્રમમાં મૂકી શકાય બાકીની બે એકદમ ચિત્રવાર્તાઓ છે. એક ‘મહોરાં’ અને બીજી જે વાર્તાને કોઈ શીર્ષક નથી આપ્યું એ ‘અનટાઈટલ્ડ’. જે ચિત્રની પરંપરાનુ નિર્વહણ કરે છે.વાંદરાભાઈ જે કઈ કરે એ બધું જોઈને સર્જક જાણે આપણને કહેતા જાય છે. ‘નગરચર્યા’માં રાજા-રાજાની રમત છે. તો ‘સુન્દારીલોકમાં’ પણ એક રમત જ છે.સમગ્ર વાર્તાઓમાં આવતા ‘વાંદરાભાઈ’ છે તો સાવ કાલ્પનિક પાત્ર પણ એકદમ વાસ્તવિક ઢબથી અલેખાયા છે. આમ,વાંદરાભાઈના પાત્ર દ્વારા વાર્તામાળાનું સર્જન કરીને ફેન્ટસીનો જુદા જ પ્રકારનો પ્રયોગ  ‘મહોરાં’માં જોવા મળે છે.

સંદર્ભસૂચિ :-

૧) ‘મહોરાં’- લેખક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ : પ્રકાશન – લેખક પોતે , અમદાવાદ, પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી : ૨૦૦૯

૨) નવી વાર્તાસૃષ્ટિ : સંપાદક મણીલાલ હ.પટેલ .પ્ર. પ્ર્રાશ્વ પ્રકાશન . અમદાવાદ. ૨૦૦૧

કવિષા કરશનભાઈ પટેલ, શોધછાત્ર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત.

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 3 May – June  2024