કૃષ્ણ એ સાહિત્યનો સનાતન વિષય રહ્યો છે. મહાભારત કાળથી આજ સુધી કૃષ્ણ વિશે ઘણુ લખાયુ છે. અહી પ્રસ્તુત નવલકથામાં મકરંદ દવે થોડા અલગ પડી બલરામને કેન્દ્રમાં રાખી નવલકથા લખે છે. આપણી સમક્ષ બલરામની જે છબી છે તે આક્રોશભરી છે. પરંતુ અહી આ નવલકથામાં બલરામની એક કોમળ છબી જોવા મળે છે. કૃષ્ણ જે સમયે અસ્ત્ર સસ્ત્રમાં વ્યસ્ત છે ત્યારે બલરામ હળ લઇ ને ધરતીને લીલી કરવામાં પરોવાયેલ છે. કુલ ૨૫ પ્રકરણમાં વહેચાયેલ આ નવલકથા જનશક્તિમાં ધારાવાહી રૂપે પ્રગટ થયેલ અને પછી સંપૂર્ણ નવલથા રુપે આપણને મળે છે.
૧૯૮૧માં લખાયેલ પ્રસ્તુત નવલક્થા બળરામના ચરિત્રને આલેખતી પૌરાણિક વિષય અંતર્ગત આધુનિક મર્મને રજુ કરતી આ નવલક્થા છે. આ નવલક્થામાં લેખકે ભૌતિક અને પરલૌકિક આ બંને અનુભૂતિને માનવીય રીતે અનુભવી વિશ્વને સંદેશ આપ્યો છે. રાજનીતિ અને પ્રપંચથી બળરામના ચરિત્રને દૂર રખવામાં આવ્યુ છે. લેખક અહી આ નવલકથા દ્વારા સુચવે છે કે વિશ્વ કે માનવજીવનની પ્રાથમિકતા યુદ્ધ નહીં સર્જકતા છે.
નવલકથાની શરૂઆત થાય છે ભારતના પશ્ચિમ છેડે આવેલ દ્વારિકા નગરીથી એટલે કે કૃષ્ણ મથુરા છોડી દ્વારિકા આવીને વસ્યા તેને ખાસ્સો સમય વિતિ ગયો છે. કૃષ્ણ અને અન્ય યાદવો જ્યારે શસ્ત્રો લઇ રણભૂમિ ગજવી રહ્યાં છે ત્યારે એક યાદવ અગ્રણી નોખો પડી ખેતરો લીલાછમ કરવા મહેનત કરી રહ્યો છે અને એ યાદવ એટલે બલરામ. તેને આવુ ગાંડપણ કરતા જોઇ અનેક લોકો તેની મજાક ઉડાવે છે. જેનાથી લેશમાત્ર વિચલિત થયા વિના માટી સાથે જોડાઇ રહે છે. કથામાં કૃષ્ણ અને બલરામના જીવનની અન્ય પૌરાણિક ઘટનાઓ ઘટતી રહે છે અને સાથે બલરામની હળધર તરીકેની છબી પણ ઉપસતી જાય છે. રેવતી સાથે બલરામના લગ્ન થાય છે અને એક સહધર્મચારિણી તરીકે રેવતી પણ પતિના પગલે ચાલે છે.
બલરામના કૃષિપ્રેમ સાથે ક્યારેક ભૂતકાળની ઘટનાઓ વણાતી જાય છે જેમા સાંદિપની ઋષિના આશ્રમે બલરામનો પ્રાંરભ સમયનો માટી સાથેનો નાતો પ્રગટ થાય છે. નંદબાબાને ત્યાં ચારો ખાલી થઇ જતા ઉદ્ભવતી સમસ્યા બલરામને ખેતી તરફ દોરી જાય છે. સહજભાવે નંદબાબાને કહે પણ છે કે ‘બાબા ચાલોને આપણે અનાજ ઉગાડીએ’ આમ તેમના ખેતી તરફના ખેંચાણના બીજ નાનપણથી જ રોપાય ગયા હોય છે. દ્વારિકા આવતા તેને ખુલો પટ મળે છે અને તેમા પત્નિ રેવતીતો સાથ અને સહકાર મળતા બીજ અંકુરિત થાય છે. ખેતીની ઉપજના ગાડાઓ જ્યારે દ્વારિકામાં પ્રવેશે છે ત્યારે બલરામનું માન વધી જાય છે. કેમ કે અંતે અનાજ એ યુદ્ધ પહેલાની જરુરિયાત છે.
સમગ્ર નવલક્થા ત્રણ કાળ ખંડમાં વહેચાયેલ છે પ્રથમ છે ભૂતકાળ જેમા સાંદિપની ઋષિના આશ્રમના દિવસો, નંદબાબાને ત્યા ગોકુળમાં ગાયો ચરાવતા અને માખણ ખાતા કૃષ્ણ બલરામના દિવસો અને મથુરાથી દ્વારિકા આવવા સુધીના પ્રસંગો છે આ પ્રસંગો ક્યારેક ફ્કેશબેક કે સ્વપ્ન સ્વરૂપે પ્રગટે છે. બીજો ખંડ છે. વાસ્તવનો એટલે બલરામના કૃષિ પ્રયોગો, રેવતી સાથે બલરામનો વિવાહ, પતિ-પત્નીના સહિયારા પ્રયસો, કૃષ્ણ અને બલરામનો ભાતૃભાવ. આ સાથે કૃષ્ણ પર લાગાવવામાં આવેલ સ્મંતક મણીની ચોરીનું આળ પાંડવ અને કૌરવનો વિગ્રહ, રેવતીનું મૃત્યુ, અને મહાભારતનું યુદ્ધ છે. ત્રીજો ખંડ બલરામ અને કથકના મનમાં ચાલી રહેલ ભાવિની ચિંતાનો છે.
કથાનો પટ પણ ત્રણ વિભાગમાં વિભાજીત કરી શકાય પ્રથમ વિભાગમાં બલરામની ખેતી પ્રત્યેની ઘેલછા જેમાં રેવતીના પ્રવેશથી ત્રિવ્રતા આવે છે. યુદ્ધ કરતા લોકોને ખાલી થતા અનાજના કોઠારની ચિંતા નથી હોતી તે ચિંતા બલરામને છે જે કથાની શરૂઆતમાં રજુ થાય છે. રેવતી સ્ત્રીઓની ફોજ ઉભી કરવા કટીબદ્ધ થાય છે. પરંતુ કથાના મધ્યમાં રેવતીનુ અવસાન થાય છે. જેના સ્નેહથી સિંચાયેલ બલરામ લીલાછમ રહેતા તે ક્યારો સુકાઇ જાય છે. કૃષ્ણ સંધી પ્રસ્તાવ સાથે હસ્તીનાપુર જાય છે. કૃષ્ણ અને રેવતી વિના બલરામ મદ્યપાન તરફ વળે છે. મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે જેમા કૃષ્ણ અર્જુનના સારથી બને છે જ્યારે બલરામ યુદ્ધમાં ભાગ ન લઇ તિર્થાટનમા નિકળે છે. કથાના અંતમા કૃષ્ણ વૃદ્ધ થઇ ચુક્યા છે. બલરામ કૃષિકુળનો વશંવેલો સાચવી લેવા મથે છે. પ્રભાસ તીર્થમાં રમખાણ મચી જાય છે અને યાદવાસ્થળી થાય છે.
સમગ્ર કથા બલરામ-કૃષ્ણને કેન્દ્રમાં રાખે છે અને બંનેને સાંધતી દોર છે રેવતી. અહીં નવલકથાના પાત્રોને ચમત્કારથી દૂર રાખી વાસ્તવજીવન પ્રગટ કરવામાં લેખક સફળ રહ્યા છે.
ચરિત્ર:
કથાના શિર્ષકમાં જ જોઇએ તો માટીનો મહેકતો સાદ – હળધર બળરામની કથા એવુ પેટા શિર્ષક આપેલ છે. એટલે ત્યાંથી જ વાચક સમજી શકે કે આ એનવલકથા બળરામના પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે. બલરામની છબી આજ સુધી જે આપણા પુરાણોમાં દર્શાવાય છે એનાથી અહી જુદી જ છે. હળ માત્ર તેમનુ આયુધ નથી રહેતુ તે ખરેખર અર્થમાં કાર્ય કરે છે. રેવતી જે રીતે બલરામ પર મોહીત થાય છે તે તો પાષણ તળે અંકુરિત બલરામનું કોમળ હૃદય છે. ‘રેવતીએ ઘણી વાર જોયું હતું કે મોટા માણસો સાથેના વહેવારમાં તોછડો આદમી પ્રકૃતિનું કોઇ તત્ત્વ જોતાં અત્યંત કોમળ બની જતો. કમળની દાંડલીની જેમ તે જારનાં ભોથાંને હાથમાં રમડતો.’ બળરામ સતત ખેતીની ચિંતા કર્યા કરે છે. ધરતી સાથેની પ્રીતિ એટલે જીવનભરની પ્રીતિ. સાંદીપનિએ આ મહામંત્ર બળરામને આપ્યો હતો. જરાસંધને સતરવાર હરાવવા છતાં આ યુદ્ધને ખુનખરાબાથી બળરામ ભાગી છુટવા ઇચ્છે છે અને કૃષ્ણને કહે છે ‘નાનકા, ચાલને અહીંથી જતા રહીએ’ શા માટે જતુ રહેવું તેનો જવાબ પણ બળરામ પાસે છે. તેમને આ યુદ્ધથી દુર ધરતીમાં બીજ રોંપવા છે.
કથાની શરૂઆતના પ્રથમ પાને જ બળરામનું વર્ણન કાઇક આવી રીતે થયું છે. “એક યાદવ-અગ્રણી આ તમામ દોડધામથી નોખો પડી ગયો હતો. તે દ્વારિકાથી થોડે દૂર એક ખેતરને લીલુંછમ કરવામાં પડ્યો હતો. રેશમી અને યરિયાની વસ્ત્રોમાં યાદવો નવાં અને વધુ નિકંદન કાઢનારાં શસ્ત્રો લઇ રણક્ષેત્રમાં ઘૂમતા ત્યારે તે ખેતરમાં વધુ ઊંડે દટાઇ જવા મથતો. સેનાપતિઓ તેને મશકરીમા હલાયુધ કહેતા. ખભે હળનું આયુધ લઇ એ જતો હોય એવી ઠઠ્ઠા કરતા, પણ તેની હાજરીમાં હરફ કાઢવાની કોઇની હિંમત ન ચાલતી. એટલું જ નહી પણ તેની સામે આંખ ઊંચી કરવાનીયે કોઇની છાતી નહોતી. એક અણઘડ ખેડુત જેવો દેખાતો આ આદમી અતુલ્ય પરાક્રમી હતો.’’ આ સમગ્ર વર્ણનમાં બળરામના કૌશલ્ય અને તેની પ્રકૃતિ દર્શાવા જાય છે.
દ્વારિકા આવી બળરામ તેના હળ સાથે રચ્યા પચ્યા રહે છે. લોકો તેની હાંસી ઉડાવે છે. પણ જ્યારે ગાડા ભરાયને અનાજ આવે છે ત્યારે બળરામની નામના વધે છે. યજ્ઞકાર્ય માટે પુછ્યા વિના લાવેલ ફળ બાબતે ક્રોધિત થઇને કહે છે કે તમારા વિદ્યાર્થી ફળઝાડ રોપતા નથી એટલે જ બીજાના વૃક્ષોને ઉખેડી નાખવાનું શિખ્યા છે. અને પ્રાયશ્ચિત સ્વરૂપે ભીલ દંપતીને ત્યા છ મહીના ક્યારામાં કામ કરવાનુ કહે છે. અહી કૃષિ એ તેમને મન યજ્ઞકાર્ય કરતા પણ શિરમોર છે. કૃતવર્માના દ્વેશ છતાં તેને પોતાની વાડીના જામફળ આપવા જાય છે.
આ જ બલરામ કોઇની પણ પરવા કર્યા વિના પોતાની પત્નીને ખેતરે સાથે ગાડામાં લઇને જાય છે. રેવતી તેનો સૌથી મોટો આધાર છે અને જ્યારે રેવતી મૃત્યુ પામે છે ત્યારે બળરામ ભાંગી પડે છે. રેવતીના દુ:ખને ભૂલવા મદ્યપાનનો આશરો લે છે. બળરામના જીવનના બે સ્તંભ રેવતી અને કૃષ્ણ છે એ બંને જ્યારે હાજર નથી હોતા ત્યારે બળરામની અસહાય સ્થિતિ જોઇ શકાતી નથી.
આમ બલરામનું ચરિત્ર અહી એક નખશિખ માટીને વરેલા મનુષ્યનું છે તેમની સઘળી ચિંતા આ વધતા નરસંહાર સામે છે. અપ્રાકૃતિક ખેતી સામે તેમનો વિરોધ જોઇ શકાય છે. યુદ્ધ સમયે તેઓ તીર્થોના દર્શને પોતાની અલગ સેના લઇને નીકળી પડે છે. ક્યાંય પણ મુશ્કેલી અનુભવાય તો પોતાના જ નિર્ણયનું આત્મ મંથન કરે છે. આમ આજ સુધી પુરાણોમાં વાંચેલ બળરામ કરતા અલગ જ બલરામની આકૃતિ ઉભી કરવામાં મકરંદ દવે સફળ થયા છે. એમનો કૃષ્ણ પ્રત્યેનો નિર્મળ સ્નેહ પણ અહી અનેક સ્થાને જોઇ શકાય છે.
કૃષ્ણ :
આ કથાના નાયક તરીકે આપણે બલરામને જોઇએ છીએ પરંતુ કૃષ્ણનું ચરિત્ર આપો આપ જ સામે ઉભરી આવે છે. બળરામની આસપાસ જે બે મહત્વના વ્યક્તિઓ છે તેમાથી એક એટલે કૃષ્ણ. બધા માટે કૃષ્ણ પરંતુ બળરામ માટે નાનકો. ખરેખર બંધુ કેવા હોવા જોઇએ તે કૃષ્ણ બળરામની જોડી દ્વારા જોવ મળે. બન્ને એકબીજા માટે જીવ આપી દે. બન્નેના વિચાર- વર્તન બધુ અલગ છતાં અગાઢ પ્રેમ. કૃષ્ણ માટે ભલભલા યોદ્ધાઓનું પાણી બળરામ ઉતારી નાખે તો બળરામ માટે કૃષ્ણ બધુ જ છોડી દેવા તૈયાર થાય. પુરાણો દ્વારા જે છબી આપણને કૃષ્ણની જોવા મળે છે એનાથી બહુ ભિન્ન છબી અહી જોવા નહી મળે. મહામાનવથી વિપરીત એક સામાન્ય માનવ તરીકે અવશ્ય જોવા મળશે.
બળરામ ખેતીમાં રચ્યા પચ્યા રહે છે તો કૃષ્ણ સેના સાથે વિસ્તાર વૃદ્ધિ અને યુદ્ધમાં સમય વ્યતીત કરે. બાળપણની યાદ સાથે નટખટ કૃષ્ણ તો રણ મેદાન છોડી દ્વારકા આવતા રણછોડ, સ્યમંતક મણી શોધતા કુશળ અને ચપળ નેતા અને અંતે પોતાના જ કુળનો છેદ ઉડાડતા સંહારક કૃષ્ણ અહિ જોવા મળે છે. કૃષ્ણ વિના બળરામના જીવનની કલ્પના જ શક્ય નથી એ કથા જેમ જેમ આગળ વધતી જાય તેમ સ્પષ્ટ થતુ જાય છે.
રેવતી:
બળરામની જીવન સંગીની અને તેના સ્વપ્નને પોતાનો જીવનમંત્ર બનાવનાર પાત્ર એટલે રેવતી. ભલભલા રાજા અને યુવરાજોને છોડી રેવતી બળરામને પસંદ કરે છે ત્યારે સૌ આશ્ચર્ય અનુભવે છે. રેવતી એક કઠળ નારીયેળ જેવા મનુષ્ય પાછળ રહેલ કોમળ હૃદયના બળરામને ઓળખે છે અને તેના પ્રકૃત્તિ પ્રેમથી આકર્ષણ અનુભી બળરામ સાથે વિવાહ કરે છે. પતિના પગલે પગલે ચાલી કૃષિને જ પોતાનુ જીવન સમર્પિત કરે છે. લોકો પોતાના વિશે શુ કહે છે તેની પરવા કર્યા વિના પતિ સાથે રથ અને ગાડામાં ખેતર પહોચે છે. પતિની સાથે ખેતી કરે છે. પતિને સાચ – ખોટના માર્ગ ખોળવામાં સહાયક બને છે.
ઘડીભર તો સ્ત્રી સેના બનાવી સ્ત્રીઓના સશક્તિકરણ માટે કટીબદ્ધ બને છે. ખેતરમાં કોશ ચલાવતા ચલાવતા પાણીના પરિક્ષણ માટે કુવે પહોચે છે અને પગ લપસતા ઘાયલ થાય છે. તેના અંતિમ સમયે પણ તેને ભૂમિની ચિંતા છે. બળરામ પાસે વચન લે છે કે તે આ કોશ અટકવા નહી દે.
આ સિવાય વાસુદેવ, શતધન્વા, અર્જુન, યુધિષ્ઠીર, દ્રોપદી, દુર્યોધન સત્યભામા, સ્યમંતક, ગુરુ દ્રોણ, વ્યાસ મુની, અનિરુદ્ધ, ઉષા, સાંભ જેવા અન્ય યાદવો વગેરે થોડેઘણે અંશે કથાના સહયોગી પાત્રો તરીકે ઉપસ્થિત થાય છે.
ચિંતન અને જીવન દર્શન :
પ્રસ્તુત કથા જગતને જીવન બોધ આપવાના આશયથી લખાયેલ હોય એમ લાગે છે. મકરંદ દવેની આધ્યાત્મક દૃષ્ટીનો લાભ આ કથાના પાને પાને જોઇ શકાય છે. તેના થોડાંક ઉદા. જોઇએ …
કથાની શરૂઆતમાં કૃષ્ણ અને બળ્રામ સંવાદ કરે છે તેમાં બળરામ ચિંતા વ્યક્ત કરે છે કે યુદ્ધમાં જોડાનાર યોદ્ધા વધતા જાય છે. લાગે છે જે એના છોકરાને માટે ધાન પકવનાર પણ નહી વધે. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે, અમારે બધાએ તમારા રસ્તે જ પાછુ આવવું પડશે આ બળરામનો રસ્તો એટલે લીલોતરી અને વનરાઇનો રસ્તો, યુદ્ધમાંથી બુદ્ધ તરફનો રસ્તો.
સાંદીપની આશ્રમમાં બળરામ કૃષ્ણને શોધવા જાય છે અને છોડને પાણી પાવાનુ ભુલી જાય છે. ત્યારે ગુરુ આ છોડને પણ તેના બંધુ તરીકે સંબોધે છે. એક ગુરુ તરીકે આ દર્શન બળરામનાં ચિત્તમાં અંકાઇ જાય છે. મનુષ્ય પોતાના સિવાયની જીવ સૃષ્ટીને પણ એટલુ જ મહત્વ આપે જેટલુ તેના સ્વજનને આપે છે એ દર્શન અને ચિંતન અહી જોઇ શકાય છે.
ડૉ. જિજ્ઞાબા રાણા, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન કૉલેજ, ભાણવડ.