તમે ઝાકળની ચાવીથી ખોલીયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા
વહેલી સવાર, તારી આંખોથી ટપકેલી
પહેલ વહેલી વાત જેવી મીઠી
વહેલી સવાર તારા જોયા – નજોયેલા
સપનાઓ ટાંકવાની ખીંટી
તમે પાંપણની ચાવીથી ખોલીયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા
ઝાકળનું ગામ સાવ અટકડનું ગામ
એમાં સાચકલા જીવ હું ને તું
સૂરજના રસ્તા પર ઝાકળનો રથ લઈને
નીકળેલા જીવ હું ને તું
તમે વાદળની ચાવીથી ખોલીયા રે
મારી વહેલી સવાર જેવા ઓરતા