‘ધરતીની આરતી’૧ સ્વામી આનંદના પ્રગટ થયેલા લખાણોમાંથી પસંદ કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા સંચય થયેલો ગ્રંથ છે. આ ગ્રંથના સંપાદક મૂળશંકર મો. ભટ્ટે ગ્રંથ તૈયાર કરવા પાછળની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે કે “ દાદાના લખાણો એ ગુજરાતી સાહિત્ય અને ભાષાનો એક અમૂલ્ય વારસો છે. હજી પણ તેમનાં અપ્રસિદ્ધ લખાણોનો મોટો ભંડારો પડેલો છે અને તેમાંથી તારવી સારવીને ગ્રંથસ્થ કરવા જેવાં લખાણો પ્રસિદ્ધ કરવા માટેની તેમના વિલના વહીવટદારોની આકાંક્ષા છે. પણ અહીં જે સંચય કરવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે એ દ્રષ્ટિ રહી છે કે ગુજરાતનાં વાચક વર્ગના ઘણા મોટા સમુદાયમાં આ લખાણો વંચાય, એટલું જ નહિ પણ તે શાળાઓમાં, કોલેજોમાં સાહિત્ય અને ભાષાના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાય.” ( પૃ. ૦૩ ) આ ગ્રંથમાં સર્જકની કેફિયત, ૨૫ જેટલા નિબંધો અને સ્વામી આનંદ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘લોકગીતા’ મૂકવામાં આવી છે. ઉપરોક્ત ગ્રંથમાં સમાવિષ્ટ કેટલાંક રેખાચિત્રો કાયમ મનોજગતમાં અંકિત થઈ જાય એવા આદર્શમયી છે જે સ્વામી આનંદની કલમે આકારિત થયા છે. અહીં ઉપરોક્ત ગ્રંથમાં સમાવિષ્ટ કેટલાંક રેખાચિત્રોનું અવલોકન કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
સ્વામી આનંદના રેખાચિત્રોમાં ‘મૉનજી રૂદર’ રેખાચિત્ર એક અલાયદું વિશ્વ લઈને આકારિત થયું છે. સ્વામી આનંદ ‘ગદ્યસ્વામી’ તરીકે નામના પામ્યા છે ત્યારે ‘મૉનજી રૂદર’ જેવું એકાદ રેખાચિત્ર પણ તેની પ્રતીતિ કરાવે છે. ગદ્યની આગવી લઢણ સ્વામી આનંદમાં ધ્યાનપાત્ર પાસુ છે. શીલચરિત્રવાળા, સદ્વ્યવહારુ, કથાકીર્તનના શોખીન, બુલંદ અવાજ, નૈતિકતા-પ્રામાણિકતા જેવા ગુણો મૉનજી રૂદર સાથે જોડાયેલા છે. દીકરીને બીજી ન્યાતમાં પરણાવવાથી ન્યાત બહાર મૂકાયેલા મૉનજીના પારિવારિક સંઘર્ષની રેખાઓને કલાત્મક વર્ણનો દ્વારા પમાડી છે. ગામલોક સાથેનો વ્યવહાર બંધ કરાવી દઈ એક પછી એક અત્યાચારો આચરતા નાતીલાઓ સામે અડગ બની ઝઝૂમતા મૉનજી રૂદરના પરિવારની સંઘર્ષકથાનું સચોટ આલેખન છે. સર્જકે કહે છે તેમ “ સત્ય પ્રત્યેની નિષ્ઠા અને પરાયણતા માણસમાં અનેરું હૈયાબળ પ્રેરે છે.”(પૃ.૦૯) સત્ય પ્રત્યેની નિષ્ઠા આખાય રેખાચિત્રમાં અનુભવાય છે. મૉનજી સાથે તેમની પત્ની ભીખીબાઈના વ્યક્તિત્વને પ્રમાણવા જેવુ છે. જે શાંતપણું મૉનજીમાં છે એવું ભીખીબાઈમાં નથી. નાતના વારંવાર થતાં અત્યાચારો સામે લેખકે કહ્યું તેમ ભીખીબાઈ ખરા અર્થમાં વાઘણ બની રહે છે. એના દર્શન તો ત્યારે થાય છે જ્યારે ઝૂંપડાઓ પર પથ્થર ફેંકવા આવેલા નાતીલાઓને સંભળાવે છે “ આવો ફાટીમૂવાવ ! આવો મોબળ્યાવ ! આવો તમારું સામટું સરાધ કરું.”(પૃ.૧૩) મૉનજીની દાઢી બોડતા હજામો પર ન્યાત પ્રતિબંધ લાદે ત્યારે ભીખીબાઈ પોતે મૉનજીની દાઢી બોડી નાતીલાઓ પર કારમો તમાચો મારી ન્યાતની જ હજામત કર્યાનો અનુભવ કરાવે. પૃથ્વીના પેટાળમાં હીરા પાકે અને દરિયાની છીપે સાચાં મોતી પાકે, તેમ દુ:ખ, ઉદ્વેગ અને વિપદોની ઝડી હેઠળ સાચી માણસાઈ અને સજ્જનતાની કુમાશ કઈ રીતે પાકે તેની ઝાંખી આ રેખાચિત્ર દ્વારા કરાવી લેખકે મોનજી-ભીખીબાઈનું ગૌરવ કર્યું છે. ‘મહાદેવથી મોટેરા’ જેમાં મહાદેવભાઈ દેસાઈના કાકાના દીકરા છોટુભાઈ દેસાઈના જીવન પ્રસંગોમાંથી પ્રગટ થતી ખુમારીનું આલેખન કર્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામના વતની એવા છોટુભાઈના સેવા, માનવતા, સાહસિકતા, નીડરતા જેવા ગુણોને આલેખીને લેખકે અંજલિ આપી છે. સ્વામી આનંદ વીસ વર્ષ જેટલો સમય તેમની સાથે રહ્યા હોય છોટુભાઈના જીવન પ્રસંગોને હૂબહૂ મૂકી આપવામાં સફળ રહ્યા છે. ‘પુત્રના લક્ષણ પારણામાં’ એ કહેવતને યથાર્થ ઠેરવતા શાળાકીય અભ્યાસ દરમ્યાન નાના મોટા અનેક પરાક્રમો કરે છે જેમાં વિફરેલા બળદનું શીંગડું પકડી ઊભો કરી દેવો, માસ્તરની સોટી હાથ પર પડી પડીને ભાંગી જાય પણ એક હરફ સુદ્ધા ન ઉચ્ચારવો. ટ્યુશન આપવા જાય ત્યારે શેઠને સલામ ભરવી પડતી પરતું એક વાર સલામ ન ભરતા શેઠ દ્વારા ટોકવામાં આવે પછી એ ટ્યુશન આપવા જવાનું બંધ કરી દે. આવા પ્રસંગોમાં છોટુભાઈના મક્કમ મન અને જિદ્દીપણાનો પરિચય થયા વિના રહેતો નથી. સ્વામી આનંદે મહાદેવભાઈ દેસાઈ અને છોટુભાઈના સ્વભાવની ભિન્નતાનો પરિચય ઉપમાઓ દ્વારા આપ્યો છે, “ એક મોગલ ગાર્ડનનું ગુલાબ, બીજો ઉનઈ જંગલનો વાંસ’ એક તાજમહલનું શિલ્પ : બીજા દખ્ખણના ગોમટેશ્વર. એક ઢાંકાની શબનમ; અને બીજી ઘાટીની ઘોંગડી,- ઓઢનાર પાથરનાર હરકોઈને ખૂંચે, અને છતાં ટાઢશરદી, વરસાદ વાવાઝોડા હેઠળ જ્યારે કીમતી શાલદુશાલા હવાઈ જાય ત્યારે એ જ કાળી ઘોંગડી મીઠી હૂંફ આપીને ન્યુમોનિયાથી બચાવી લે.” ( પૃ. ૩૩ ) રેખાચિત્રમાં છોટુભાઈના રેલવે નોકરી દરમ્યાનના પ્રસંગોનું વિશેષ, આકર્ષક આલેખન થયું છે.
‘ઝાકળ જેવા અનદીઠ’ માં સુરતના એક વૈષ્ણવ કુટુંબમાં જન્મનાર સ્વર્ગસ્થ નંદુલાલના જીવન પ્રસંગોને આલેખ્યા છે. અભ્યાસકાળથી જ સૌનું ધ્યાન ખેચનાર નંદુલાલ કાયદાનો અભ્યાસ તો કરે પરતું મુંબઈમાં સિંધિયા કંપનીની સ્ટીમર પર કામે જોડાય ત્યાર પછી મોરારજી ગોકુલદાસ મિલના મંત્રી પદે પચ્ચીસ વર્ષ સુધી કાર્ય કરે. કાપડ વણાટ કાર્યના નિષ્ણાંત તરીકે દેશ આખામાં પંકાય અને અંતે આઠ મિલોના મુખી બને. આઝાદી પછી કાપડ ઉત્પાદન અને મજૂર- હિતવિચારણાના ક્ષેત્રે સર્જાયેલી કટોકટીમાં સરકારને મદદ કરી એક સેવાભાવી વ્યક્તિત્વના દર્શન કરાવે. પોતાના કાર્યો જાતે કરવાની, શરીરને મંદિર માનવાની, નાગરિક્તાના સંસ્કારને બળવાન ગણવાની અને ૫૭ વર્ષના પોતાના એકાંકી જીવનની બચત વસીયત કરીને સખાવતમાં આપી દેનાર નંદુલાલના ઉમદા આદર્શમયી જીવનની રેખાઓ લેખકે પમાડી છે. ‘મૂંગું બળ’ માં વડોદરા રાજ્યના દાક્તરી ખાતાના વડા અને મહારાજ સયાજીરાવ ગાયકવાડના અંગત દાકતર રહેલા બાલાભાઈના વિચારશીલ અને ઓછાબોલા પુત્ર ચંદુભાઈનું ચિત્ર અંક્તિ થયું છે. એક વ્યક્તિના સાહસભર્યા જીવનની ચડતી-પડતીનું આ આલેખન છે. નોકરી નહિ પણ ધંધો જ કરવાની નેમમાં અડગ રહીને ઝઝૂમતા રહેલા ચંદુભાઈ અભ્યાસપૂર્ણ થતાં નોકરીને બદલે વણજવેપારની ઈચ્છા રજૂ કરી સૌને અચરજ પમાડે છે. પિતાની ઓળખાણથી એ મુંબઈમાં ઝવેરાતના ધંધામાં જોડાય છે. માલની મૂળ કિંમત પર વીસ ટકા જ કિંમત વસૂલી માલ વેચી દેતા ચંદુભાઈની પ્રામાણિકતા એ વેપારી પેઢીને ન ખપતા વરસેક પછી બાપની મૂડી ગુમાવી ઘરે પરત ફરવું પડે છે. ફરી પાછાં ઓળખીતી પેઢીવાળા રેશમના ધંધામાં નોતરે અને ચીન, જાપાન જઈને રહેવું પડે છે પરતું એ ધંધામાં પણ તેમની પ્રામાણિકતા જ આડે આવે છે. એ પછી પણ કોલસાની ખાણોમાં અનેક જગ્યાએ પ્રામાણિક્તાથી કામ કરવાની નેમે તેઓ ટકી શક્યા નહિ, પછી તો ગંજી મોજા, બંગડી, ચાની કીટલી ફેરવી, પેસેન્જરોના બિસ્તરા કશીય નાનપ વિના ઊંચક્યાં, નાતીલાઓ તેમણે જોઈ મો ફેરવી લેતા પરતું પિતાના મૂંગા બળને લીધે તેઓ પોતાના કાર્યમાં પ્રામાણિકપણે જોડાઈ રહેતા. મોચી પાસે બેસીને મોચીનો ધંધો શીખવાની ઘેલસામાં પણ તેમના વ્યક્તિત્વની નિખાલસતા નજરે ચઢે છે એ ધંધામાં પણ શોષણ અનુભવાતા એકાદ મહિનામાં છોડી દે. આવા પ્રામાણિકતાના બળે જીવનરૂપી નાવને હંકારતા રહેલા ચંદુભાઈનું જીવન પ્રેરણાદાયી બની રહે છે.
‘કરનલ કરડા’ માં લેખકે એક ફોજી મિત્રની બહાદુરીને બિરદાવી છે. કરનલના કેન્સરનું નિદાન થતાં દાક્તરો દર્દ ઓછું થાય એવી દવા કરવાની તૈયારી દાખવે પરતું વોર્ડ બોયની મદદથી દવાખાનેથી ભાગી નીકળે. કરનલના સ્વામી આનંદ સાથેના સંવાદોમાં એક ફોજીનું સાહસ, જોમ, જુસ્સો આખાય રેખાચિત્રમાં અનુભવાય છે. પોતાની જ રિવૉલવોરથી આત્મહત્યાની ઈચ્છા થાય પરતું પોતાના પર કાયરની નામોશી લાગશે અને એની અસર પરિવાર પર થશે એવી ભાવનાએ એ આત્મહત્યા કરવાનું ટાળે છે. વિદેશ રહેતા પુત્રને ઘરે સંતાન થવાનું હોય એ કુળદીપકને જોઈ મરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કરનલ જે અદાથી મોતને હંફાવતા રહ્યા તે માટે સ્વામી આનંદે નોંધ્યું છે કે “ માનવીની હિંમત અને સહનશક્તિની અવધિ યુદ્ધનાં મેદાનમાં, ગોળાગોળીના વરસાદ હેઠળ જ જોવા મળે છે એવું નથી,” ( પૃ. ૧૫૩) કરનલની ભાષામાં અનુભવાતી ખુમારીના દર્શન પાને પાને થાય છે. સતત મોત સામે અડગ થઈને ઝઝૂમતા કરનલ માત્ર સેવામાં જ ફોજી નહિ પણ મોત સામે પણ એક ફોજીની અદાથી લડી લેવાની તત્પરતા દાખવતા ખરાં અર્થમાં કરનલ બની રહે છે.
‘ધનીમા’ રેખાચિત્રમાં શેઠ મોરારજી ગોકુળદાસના ત્રીજા પત્ની ધનકોરબાઈ ( ધનીમા) ના જીવનની ચડતી પડતીના ઈતિહાસને આલેખ્યો છે. પતિના મૃત્યુ પછી સંતાનોના ઉછેર, સાચવેલા સામાજિક સંબંધોમાં દેખાતી ખુમારીના લેખકે દર્શન કરાવ્યા છે. ‘મોરું’ માં ચીનાબાગના ઘોડાનું રેખાચિત્ર અંકિત કર્યું, આ ઘોડા સાથે જોડાયેલી કેટલીક જોયેલી, સાંભળેલી વાતોને રસપ્રદ રીતે આકારિત કરી છે. મોરારજી દાદાનો આ ઘોડો, મૃત્યુ પછી મોરારજી દાદા રોજ ઘોડાની સાથે વ્હાલ કરવા આવે અને મોરું પછી હણહણાટી નાખે. મોરુંની હણહણાટી સાંભળી લોક સમજી જાય કે દાદા ઘોડા પાસે આવ્યા હતા. આવી વાતો સાંભળી થયેલા વિસ્મયને ઠારવા લેખક રાતે ઘોડાની ગમાન આગળ બેસી રહેતા. તે વખતે નવેક વર્ષની લેખકની ઉંમર. પોતાના જાતભાઈના ભડકવાથી ઘોડાગાડીનો થયેલો અકસ્માત અને એમાં મૃત્યુ પામનાર શેઠ મોરારજીના મૃત્યુ વિયોગમાં ઝૂરી અન્ય કોઈ સાથે માયા ન બાંધનાર અને માલિકના પગરવ ભાસે હણહણાટી નાખનાર ઘોડાને લેખકે દેવતાઈ નર તરીકે નવાજી ગાય, બળદ, ઘોડો અને કૂતરાં જેવા પ્રાણીઓમાં રહેલી વફાદારીને ચીંધી છે. ‘દાદો ગવળી’ માં મુંબઈમાં દૂધનો વેપાર કરતાં અને ખ્યાત થયેલા દાદા ગવળીના વ્યક્તિત્વના પાસાઓ ઉજાગર કર્યા છે. પાત્રના વર્ણનો દ્વારા પાત્રને જીવંત કરવાની લેખકની કળા પ્રમાણવા જેવી છે જેમકે, “ ઘાંચીના પાડા જેવું સ્થૂલ શરીર, ચોવીસે કલાક ઉઘાડે ડિલે તબેલામાં જ હોય, વર્ણ શામળો, ચામડી તેલ દીધેલ સીસમની જેમ ચળકે. પહોળી પાટડા જેવી છાતી, મોટી આખો, ટૂંકી દાઢી ને ખાસી ફાંદ.” ( પૃ.૨૧૩) ‘ મારા ઘરધણીઓ’માં લેખકે પોતાના મકાન માલિકોના વ્યવહાર-વર્તનનું આલેખન કર્યું છે. ગાંધીજીએ ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’નું તંત્રી પદ સ્વીકાર્યું ને આ સામયિકોનું અમદાવાદમાં કાર્યું શરૂ કર્યું એમાં લેખક જોડાય છે. અમદાવાદમાં મિસ્ત્રીનું ઘર ભાડે રાખે, નીચે બહેન-બનેવી ને ઉપરના માળે પોતે ૨૫ રૂ. નું ભાડું ઠેરવી રહે, લેખકની ધરપકડ થતાં જેલમાં દોઢેક વર્ષ જેટલો સમય કાઢવાનો આવે, એ સમય દરમ્યાન બહેન પાસેથી રૂ.૨૫ થી વધારીને રૂ.૪૦ ભાડું માલિક વસૂલે, ભાડું લેવા આવે ત્યારે મીઠી મીઠી વાતો કરે અને જતાં જતાં ભાડું વધારવાની વાતને મૂકી આપે. લેખક હવે આનાથી વધારે ભાડું નહિ આપી શકે એમ કહે ત્યારે, સારું સારું કહીને જતાં રહે પરતું દર બીજે-ત્રીજે મહિને તેની ભાડા વધારાની વાતથી લેખક કંટાળી જાય છે અને અંતે દંડવત પ્રણામ કરી કહે છે કે તમે કહો એ દિવસે ઘર ખાલી કરી અમદાવાદ છોડી દઈશ. ત્યાર પછી મિસ્ત્રીના સ્વભાવમાં આવેલા પરિવર્તનની રેખાઓ અંકિત કરી છે. લેખક અમદાવાદ છોડી મુંબઈ રહેવા ચાલ્યા જાય છે અને એક વાર અમદાવાદ જવાનું થાય ત્યાં બસ સ્ટેન્ડ આગળ મિસ્ત્રીનો ભેટો થાય ત્યારે મિસ્ત્રી પ્રેમપૂર્વક લેખકના ખબર અંતર પૂછે છે. અંતે લેખકે નોંધ્યું છે કે “ એમની ભલાઈ નીતરતી અમદાવાદી મુદ્રા આજે મારી આંખ સામે તરે છે.” ( પૃ. ૨૨૮ ) બીજા ઘરધણી બ્રિટિશ સલ્તનતમાં મેજરના હોદ્દા પર રહી નિવૃત્ત થઈ પહાડી ગામની ફોજી વસાહતમાં મળેલી જમીનમાં ઘર બાંધી રહેતા મેજર મારકણાના વ્યવહાર વર્તનમાંથી પ્રગટ થતાં પાત્ર માનસની રેખાઓ પમાડી છે. પ્રથમ મીઠી વાણી દ્વારા આકર્ષતા મેજર પછી તેમની લુચ્ચાઈનાં થતાં દર્શનને લેખકે બહુ નમ્રતાથી આલેખ્યા છે. ધનલોભી, લાલચી એવા મેજર દૂધમાં પાણી રેડીને આપતાં, દર મહિનાની પહેલી તિથીએ ભાડાની રાહ જોતાં, મજૂર વર્ગ મજૂરીના પૈસા લેવા આવે ત્યારે ગોળીએ દઈ દેવાની ધમકી આપતા, કૂતરાંને ગોળી મારી મારી નાખતાં મેજરના સ્વભાવને અંકિત કર્યો છે.
‘નઘરોળ’ એક અદ્ભૂત રેખાચિત્ર જેમાં પોતાના વિદ્યાવાદનના ગુરુની સ્વભાવગત લાક્ષણિકતાઓને કંડારી છે. પોતાના ગુરુ હોવા છતાં ‘નઘરોળ’ વિશેષણથી નવાજ્યા છે. બહું જ વિનમ્ર ભાવે સ્વામી આનંદે નોંધ્યું છે કે “ છતાં વાદનવિદ્યાના મારા ગુરુ, એ વાતનો ઈન્કાર મારાથી થોડો જ થઈ શકે? એમને માટે આવું વિશેષણ વાપરતાં મારે માથે વીજળી ત્રાટકવી જોવે, પણ હજુયે નથી ત્રાટકી. એટલે માતા પિતા, ગુરુજનો સૌની ઉપરવટ સત્યનિષ્ઠા છે એ જ સાચું, વ્યક્તિને વફાદાર રહેવામાં માણસે સત્યના ગજને કોઈ વાતે ટૂંકો ન થવા દેવો જોઈએ.” (પૃ.૨૭૧) સ્વામી આનંદ જે સત્ય પામ્યા એ સત્યને નિખાલસપણે રજૂ કર્યું છે. લેખકના કુટુંબને સંગીતમાં શોખ, લેખક પણ સંગીત શીખી સારી નામના મેળવે એવા આશયે પિતાજી એક ભલામણ ચિઠ્ઠી આપીને શહેરમાં શુક્રાચાર્ય પાસે મોકલે, અને જેની પાસે સંગીત શીખવાનું છે એનો પરિચય શુક્રાચાર્ય આપે એમાં કેવી વિચિત્રતા છે. કેમ અલ્યા નઘરોળ?, તારી તરજો જ શિખવજે, અપલખ્ખણ નઈ. લેખક એના ઘરે સંગીત શીખવા જાય છે એ દરમ્યાનના અનુભવોને આવરી લીધા છે. એના શરીરમાંથી આવતી દુર્ગંધ અને એના ઘરની પરિસ્થિતિનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેના ગંધાતા શરીરનો લેખક વારંવાર ઉલ્લેખ કરે છે. ‘સમતાના મેરુ’ જેમાં એક પરિવારની કથા ને એમાંય મોટા દીકરાની સ્વસ્થતા, તટસ્થતાને નવાજી છે. ગરીબી ઉપરાંત પરિવાર પર એક પછી એક આવતી મુશ્કેલીઓ સામે અડગમને ઝઝૂમતા એ દાદાના ઉમદા અને આદર્શમયી વ્યક્તિત્વની રેખાઓ કંડારી છે. ‘ત્રણ દેવતા’ શીર્ષક હેઠળ બદરીશા, ડૉ. માયાદાસ અને તોતારામજીના ચરિત્રનું આલેખન કર્યું છે. નેપાળની સરહદ નજીક સ્વામી વિવેકાનંદે સ્થાપેલાં રામકૃષ્ણ મિશનના કેન્દ્ર માયાવતીના અદ્વૈતવાસમાં સ્વામી આનંદ રહ્યા એ સમયે સંપર્કમાં આવનાર રામકૃષ્ણ વિવેકાનંદના ભક્ત એવા બદરીશામાં રહેલા દેવતાઈ ગુણોનું રસિક આલેખન છે. પોતાના પુત્રથીય વિશેષ વાત્સલ્યપૂર્વક ઉછેરી ભત્રીજાને મોટો કરે, પછી કૌટુંબિક વાત પર ભત્રીજા સાથે આંટી પડે અને વરસો સુધી તેમનો વ્યવહાર બંધ થઈ જાય. પરતું સ્વામી આનંદ એક વાર બદરીશાના ભત્રીજાને ઘરે રહ્યા હોય તેમણે કોઈ સાધુ મળવા આવે છે. સાધુ આવ્યાની વાત સાંભળી પંદર વર્ષ જૂના વેરભાવ ભૂલી બદરીશા ભત્રીજાને ઘરે દોડી જાય છે. ભત્રીજો બદરીશા ઘરે આવ્યાની વાત સાંભળી સ્તબ્ધ થઈ જાય છે. ઘરે આવી બદરીશાના પગે પડી જાય છે, બદરીશા ભત્રીજાને ભેટી પડે છે અને આખમાં આંસુ આવી જાય છે. સ્વામી આનંદ નોંધે છે કે “ જો તને પત્થરમાંથી મોતી પકવવાનો કમાલ કસબ હાથ લાગ્યો, તો તે ઉપર તું મશરૂબીથી નાદાન ન થતો, કેમકે એથીય ચડિયાતો ઈલમ સંતોની ગાંઠે હોય છે, જેના જાદુથી તેઓ માનવીના દિલમાંના ડંખ કાઢી નાખે છે.” ( પૃ. ૩૩૭) ‘ડૉ. માયાદાસ’માં ઊંચા પહાડોના ભ્રમણ વખતે ચોવીસેક કલાકની ભેરૂબંધીમાં દેવસ્વરૂપ જણાયેલા ડૉ. માયાદાસના ચરિત્રને આલેખ્યું છે. વિલાયતમાં ગાંધીજીના સેવાપથકમાં જોડાયેલા, દાક્તરી પાસ કરી સ્વદેશ આવેલા, રાષ્ટીય આંદોલન અને ગાંધીજીના સામાજિક કાર્યોમાં રસ લેતા દેશવિભાજનમાં પંજાબની પૈતૃક સંપતિ પાકિસ્તાનમાં ઝૂટવાઈ જતાં નૈનિતાલમાં સ્થિર થઈ ત્યાં જ આંખના દાકતરની માનદ સેવા આપનાર દયાળુ, નમ્ર અને ભક્તિવાન એવા માયાદાસને યાદ કર્યા છે. સાબરમતી આશ્રમમાં જેમનો સમાગમ થયેલો એવા તોતારામજીનું વ્યક્તિત્વ પણ સેવાભાવી હતું. ગામની અનાથ બાયોને ખેતર ખેડી આપતા, પરબો બેસાડતા, આશ્રમમાં લીમડાં રોપવા જેવા ઉમદા કાર્યો કરવા. લેખકે તોતારામજીના આવા સદ્ પાસાઓને રજૂ કર્યા છે. ‘શુક્રતારક સમા’ જેમાં મહાદેવભાઈએ ગાંધીજી સાથે રહીને કરેલાં કાર્યોનું વિગતે વર્ણન કર્યું છે. તેમણે નોંધ્યું છે કે “ કિરતારે શરદપૂનમની ચાંદનીને ગંગાજળમાં ઝબોળીને હેમની એરણ પર હીરાની હથોડીએ ઘડેલાં. હાજરાહજૂર યૂનાનનું શિલ્પ.” ( પૃ.૩૬૪) તેમના અક્ષરો, ઓછાં સમયમાં દોડધામ કરી વધારે કાર્યો પૂર્ણ કરવાની જેહમતને સ્વામી આનંદે બિરદાવી છે. ‘ભાવનામૂર્તિ’ માં પરિચયમાં આવેલા ખાનદેશી યુવકોના ગુરુ સાને ગુરુજી જેનો સ્વામી આનંદને જેલવાસ દરમ્યાન પરિચય થયેલો. પ્રતિભાવાન લેખક, સંતપુરુષ, સમાજસેવક, કોંગ્રસની અને જનતાની સેવા કરવા જેવા સાને ગુરુજીના જીવનના ઉમદા આદર્શોને રજૂ કર્યા છે. ‘મારા પિતરાઈઓ’માં દસેકની ઉંમરે ચાલ ભગવાન દેખાડું કહીને ઉપાડી જનાર બાવાઓની આદતોના વર્ણનથી માંડીને જીવન દરમ્યાન સંપર્કમાં આવનાર સાધુઓની સૃષ્ટિને કંડારી છે. જેઠી સ્વામીની ખાવાના ચટકા વિશેની વિગતોનું વર્ણન રસિક છે. ભિક્ષા માટે આમંત્રણ આપવા આવનારને ભોજન વિશે લખાવે ત્યારે ‘લાંબી લપમાં પડવું નહિ’ એમ કહીને લાંબી યાદી લખાવતા જેઠી સ્વામીના જીભના ચટકાને બરાબર ઉપસાવી આપ્યો છે. સ્વામી આનંદે માત્ર સાધૂઓના શ્ચરિત્રો જ નહિ પણ જીવન ભ્રમણ દરમ્યાન અનુભવેલા સત્યને પણ નિખાલસ પણે રજૂ કર્યું છે. રિશીકેશ, ઉત્તરકાશી, કેદાર-બદરી, જન્મોત્રી-ગંગોત્રી જેવા વિવિધ યાત્રાનાં સ્થળોએ જીવન ગાળનાર સાધુઓના તપ, પરમાર્થ સેવા માટે ખપાવેલા જીવન પ્રસંગોને સ્વામીજીએ નમ્રભાવે રજૂ કર્યા છે. સ્વામી આનંદે નોંધ્યું છે કે “ મારી અઘળપઘળ ઘડતરમાં ભણતર અભ્યાસે તો સમજ આવ્યા પછી મેં આછાંપાતળાં કર્યાં. પણ તેનો એંશી ટકા ફાળો તો રૂડા કે હીણા મારા પિતરાઈઓનો જ પડ્યો છે.” (પૃ. ૪૪૭) આવા સાધુ સંતોનો પણ સ્વામીના જીવનમાં વિશેષ ફાળો રહ્યો છે તેનો ખ્યાલ આવે છે.
સ્વામી આનંદનું વૈવિધ્યપૂર્ણ ગદ્ય, ટૂંકા કથનોમાં ઘણું આવરી લેતી લાઘવપૂર્ણ ભાષા વડે આકારિત થતાં પાત્રમાનસની રેખાઓ આકર્ષે છે. અંગ્રેજી ભાષાના શબ્દો પણ ધ્યાનપાત્ર બની રહે છે, ગદ્યની વિવિધ છટાંઓના દર્શન થાય, કહેવત-રૂઢિપ્રયોગો અને અલંકારોના ઉચિત પ્રયોગ વડે પ્રગટતું ભાષાનું લાવણ્ય પ્રમાણવા જેવુ છે. સ્વામી આનંદની શૈલી વિશે ભોળાભાઈ પટેલ નોંધે છે કે “ ક્રિયાપદ વિનાના વાક્યો સ્વામીની શૈલીને જોમભરી બનાવે છે. ઝોલો પડે એવા લાંબા વાક્યો સાથે ક્રિયાપદ વગરના આ ટૂંકા ટૂંકા ઝટપટ પદ સમેટીને ચાલતાં હોય. વાક્યોમાં પરસ્પર બેલેન્સિગ થતું જાય. ‘તાતી ગજવેલ ને તળપદું ખમીર.’‘જણ્યાં તેટલાં જોગવ્યાં’ ભાષાના રૂઢિપ્રયોગો અલંકારો છૂટથી વેરાયા હોય અને તે પણ તળપદ ભાષામાં.”૧ ભોળાભાઈ પટેલે સ્વામીની શૈલીનું ઉચિત વિવરણ આપ્યું છે. આવા કેટલાંય ઉદાહરણો મળી રહે છે પરતું એક-બે ઉદાહરણ જોઈએ, “ કમાલ દરજ્જાના ધીરવીર ભદ્રિક સજ્જન, અભિજાત ગૃહસ્થાઈ અને ઊંચા ખાનદાની ખવાસ આબાદ જીવતો જાગતો મોડેલ.” ( પૃ. ૧૩૯) “ મુરશદજી પગથી માથાં સુધી ભેંકાર માણસ. ઠીંગણું કદ, બાવળની ગંડેરી જેવી કાયા. મોઢાનું મોરું જાણે થાપેલ છાણું. ભમ્મર શાહુડીના સીસોળીયા જેવી. બોડકા માથાને તાળવે કારોળિયા જેવા પાંખા વાળવાળી બે બાબરીઓ ચોંટી રહેલી. ને ગરદન તો મળે જ નહિ! કોઈના તરફ જૂએ ત્યારે આખી કોઠી જ આંચકો દઈને ફેરવે.” ( પૃ. ૨૭૫)
રેખાચિત્રો માત્ર વ્યક્તિને જ નહિ પણ એ સાથે જે-તે સમયને જીવંત કરે છે. સ્વામી આનંદના આ રેખાચિત્રોમાં ઈતિહાસ, સંસ્કૃતિનાં પણ દર્શન થાય છે. ઉદાર, સેવાભાવી વ્યક્તિઓએ પરમાર્થે ખપાવી દીધેલાં જીવનના ઈતિહાસ અહીં સાંપડે છે. સ્વામી આનંદે આવા કેટલાંક મહામૂલા વ્યક્તિઓના ચરિત્રોને આલેખી ખરાં અર્થમાં ધરતીની આરતી ઉતારી છે.
સંદર્ભ :
૧. ‘ધરતીની આરતી’, સં. મૂળશંકર મો. ભટ્ટ, પ્ર. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પુનર્મુદ્રણ
૨૦૦૮
૨. ‘પરબ’ સં. ભોળાભાઈ પટેલ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અંકઃ સપ્ટેમ્બર ૧૯૮૭, પૃ.૦૪
સંતોષ ભાલિયા, JRF, ગુજરાતી વિભાગ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 3 May – June 2024