‘હીર’ લઘુનવલમાં સમાજદર્શન

                    ગુજરાતનો પૂર્વ પટ્ટો આજે પણ પોતાના તળજીવન અને આગવી જીવનશૈલી સાથે એક આખો સમુદાય જીવી રહ્યો છે. આદિવાસી સમાજનો ઇતિહાસ અને વર્તમાન બંને સર્જકોનું ધ્યાન ખેંચે તેમ છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તુત પરિવેશને આલેખતી કૃતિઓ ઓછી સાંપડી છે. રાજેશ વણકર આદિવાસી સમાજની ઐતિહાસિક લઘુનવલ ‘હીર’ લઈને આવે છે. વાર્તાકાર અને ટૂંકી વાર્તાના અભ્યાસી રાજેશ વણકર પાસેથી અગાઉ ‘માળો’ વાર્તાસંગ્રહ અને ‘તરભેટો’ કાવ્યસંગ્રહ તથા અનેક વિવેચન, સંપાદન અને સંશોધનના ગ્રંથ પ્રાપ્ત થયા છે. રાજેશ વણકરની કલાત્મક લઘુનવલ ‘હીર’માં પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજ, તેનું તળજીવન, ખુમારી, આદિવાસી સમાજનું ખમીર વગેરે સુંદર રીતે નિરૂપણ પામ્યા છે. 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં આદિવાસીઓએ અંગ્રેજો સામે બાથ ભીડીને શહીદી વોરી હોવાનો ઇતિહાસ છે. અનેક આદિવાસી નરબંકાઓ એવા છે જેમની નોંધ ઇતિહાસના પાનાઓમાં લેવાઈ નથી અને તેમાં એક નામ એટલે હીરબાઈ. 1857ના સંગ્રામમાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પાસે આવેલા વાંકોડ ગામની આદિવાસી યુવતી હીરબાઈએ ગોધરા સ્થિત અંગ્રેજોના કિલ્લા પર હુમલો કર્યો હતો. પ્રસ્તુત કથાનો ઉલ્લેખ ઇતિહાસમાં નથી. લેખકે જાંબુઘોડા વિસ્તારના લોકોમાં પ્રચલિત લોકવાયકાઓ, લોકગીતો, લોક કથાઓ, પાળીયાઓ વગેરેનો આધાર લઈ નવલકથાને આકાર આપ્યો છે. લેખક પ્રસ્તાવનામાં જણાવે છે કે, ‘જાંબુઘોડાના વગડામાં ફરતાં ફરતાં હાથણી ડુંગરમાંથી નીકળતી બળવાસણ નદીના કાંઠે જૂનું પણ જાગતું એવું હિરબાઈ માતાનું મંદિર મળ્યું. એની નજીકના પાળિયા, લોકોમાં વહેતી એના વિશેની કથાઓ ‘લાલ હીર ઘડુલિયો’ જેવા ગીતો’માં સર્જકને કથાના બીજ મળે છે. વળી લેખક આગળ જણાવે છે ‘કથાનાં મૂળ એ ગાઢ જંગલો અને એના ભેંકાર લાગતા પહાડોમાં છે, દોઢ સદીનો કાળ એને ગળી ગયો છે. એટલે કલ્પનાનો રંગ મારી સર્જનાત્મક કલમે પકડ્યો છે. મેં કલમને કાબુમાં રાખી પણ સાંભળેલું, જોયેલું, અનુભવેલું બધું રસકસ થઈને ઉતરતું ગયું છે. એમાં અંગ્રેજો સામેની આદિજનની ખુમારી અને શૌર્ય તો ખરાં જ પણ ધબકતા જીવનના ઉલ્લાસ સાથેનાં ઉનાં ઉનાં આંસુ પણ ઉતરી આવ્યાં છે. યુગોથી પોતાના વગડાનાં ધાવણ ધાવીને, ઉઘાડા અંગો પર તડકા છાંયડા વસ્ત્રોની જેમ વીંટીને જીવાતી જિંદગીનાં કળ, બળ અને વળ પણ ઉપસી આવ્યાં છે.’ આમ હીર નવલકથામાં નિરુપિત સમાજ સર્જક અને નવલકથાનું જમાપાસું છે.

                   નવલકથાની શરૂઆત મેળાથી કરવામાં આવી છે. ત્યારબાદ હીરનો બાપ જનકો તાડી પીવા માટે બીજે ગામ જાય છે ત્યાં અંગ્રેજોની શંકાનો ભોગ બને છે અને અંગ્રેજોની ગોળીથી ઘાયલ થઈ પહાડોમાં અથડાતો કુટાતો મૃત્યુ પામે છે. ગામના લોકો આ ઘટનાથી આશ્ચર્ય પામી ભેગા થઈ જાય છે. હીર પણ આ ઘટનાની સાક્ષી બને છે અને હીરના મનમાં અંગ્રેજો સામે વેર વાળવાની ગાંઠ વળે છે. ગામમાં થજમાન પદ ધરાવતા અને જોશ જોઈ આપવાના બહાને ટીપણું લઈને આવતા ગોરમા’રાજ પાસેથી હીરને અંગ્રેજો વિશેની માહિતી મળે છે. હીર પોતાની બહેનપણીઓ સાવલી અને કમરી સાથે પાસે પહોંચે છે. ત્યાં હીર અને તેની બહેનપણીઓ છુપાઈને અંગ્રેજોને જુએ છે તો અંગ્રેજો દ્વારા પકડી લાવેલા આદિવાસીઓ પર થતા અમાનુશી અત્યાચારન થઈ રહ્યો છે આધ્યાચાર ને જોઈ હીરનું લોહી ઉકળી ઊઠે છે. ત્યારબાદ થોડા દિવસ પછી ગામની છોકરી ભાનુ પર અંગ્રેજ સિપાઈ બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. મક્કમ બનેલી હીર અંગ્રેજ સિપાહી પર પ્રહાર કરે છે અને હીરના હાથમાં અંગ્રેજ સિપાહીની બંદૂક આવી જાય છે આ પરિસ્થિતિથી ગભરાયેલો અને ઘાયલ થયેલો અંગ્રેજ સિપાઈ ત્યાંથી ડરીને ભાગી છૂટે છે. આ ઘટનાથી ગિન્નાયેલા અંગ્રેજ અધિકારીઓ વાન્કોડ ગામના મંગલ મુખીને ચોકી પર બોલાવીને ધમકાવે છે અને દંડ રૂપે મરઘાં-બકરાની માંગ કરે છે. ઘભરાયેલો મુખી ગામલોકને બોલાવીને ઘટનાની જાણ કરે છે અને ફાળો ઉઘરાવીને દંડ ભરવાની જાહેરાત કરે છે પરંતુ ગામલોક મુખીનો વિરોધ કરે છે અને ગુસ્સાથી લાલચોળ થઇ જાય છે. ગામલોક હીરમાં માતાના દર્શન કરે છે અને ગામટોળાની માતા નારાઝ હોવાના સંકેત મળે છે આથી ગામટોળાની માતાને ભોગ ચઢાવવાનું નક્કી થાય છે. ગામલોક બકરાનો બળી આપવા મતે ભેગા થાય છે પરંતુ માતા ભોગ સ્વીકારતી નથી. આથી ગામનો વૃદ્ધ જાગો ડોહો તેનો ઉકેલ આપતા સાગના પાનમાં રોટલો, કંકુ, નારિયેળ અને તીર એક ગામથી બીજે ગામ દુશ્મનની પ્રસાદી રૂપે મોકલવામાં આવે છે. અહીં પેલું તીર એ શોર્ય, હિંમતનું, સુરક્ષાનું, વેર લેવાનું પ્રતીક બનીને આવે છે. જેમ જેમ આ પ્રસાદ ફરતો જાય એમ દુશ્મનનું પાણી ઉતરતું જાય એવી યુક્તિ પ્રયુક્તિથી કામ લેવામાં આવે છે. ગામે ગામ અંગ્રેજો વિરુદ્ધ લડતનો માહોલ ઉભો થાય છે. વાત અંગ્રેજો સુધી પહોંચે છે. અંગ્રેજ સૈનિકો આ આંદોલનને દબાવી દેવા અનેક જગ્યાએ હુમલા કરે છે પરંતુ તેમાં પણ અંગ્રેજ સૈનિકોને જડબાતોડ જવાબ મળે છે. બીજી તરફ ગોરબાપાની સહાયથી દેશપ્રેમી સૈનિક જગતસિંહના સંપર્કમાં આવી હીર બંદુક ચલાવવાનું શીખે છે અને પ્રેક્ટીસ પણ કરે છે. સીધી રીતે ના ફાવેલા અંગ્રેજો ‘ઢૂંઢી મારો’ કાયદો લાદીને પરજ પર અત્યાચાર કરવામાં આવે છે પરંતુ તેનો સામનો થતા અંગ્રેજોને ડુંગરાઓમાં પ્રવેશવું ભારે થઇ પડે છે. આખરે વાત ગોધરા સ્થિત અગ્રેજોની કોઠી સુધી પહોંચે છે. સૈન્યમાં વધારો થાય છે. આખરે હીર અને હીર જેવી જ અંગ્રેજોના ત્રાસનો ભોગ બનેલી સ્ત્રીઓ ગોધરા અંગ્રેજોની કોઠી પર હુમલો કરવાનો નિર્ણય કરે છે. ગોરબાપા અને જગતસિંહનો પરોક્ષ રીતે સાથ મળે છે. અમાસની આગલી રાતે હીર પોતાની સ્ત્રી સાથીઓ સાથે ગોમટોળાની માતાને નમન કરીને ગરબા અને ગીતો ગાતા ગાતા નીકળી પડ્યા. બીજની રાતે આખું ટોળું ગોધરાના કિલ્લા પર હુમલો કરે છે હુમલામાં હીરને ગોળી વાગે છે અને શહીદ થાય છે. આખરે અંગ્રેજ અધિકારી દ્વારા સુચના અનુસાર હીર અને અન્ય પાંચ સ્ત્રીઓની લાશને માનસન્માન સાથે ઘોડાગાડીમાં વાંકોડ લઇ જવામાં આવી તથા સારા શાસનની બાહેંધરી આપવામાં આવી. અંતે ગોરબાપા હીરબાઈમાતાની જય બોલાવે છે.

                         પ્રસ્તુત લઘુનવલમાં આદિવાસી સમાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સર્જકે સાંપ્રત સમાજની છાંટ આપી ઈ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનો સમયનો સમાજ મૂકી આપ્યો છે. લેખક પોતે જ આ સમાજ વિશે જણાવે છે કે, ‘હા, ભય, ફફડાટ, મજૂરી, પથ્થરો વચ્ચે અનાજ-પાણી વગરનો આ રહેણાંક અને આમ તો વળી મસ્તી. એવો આ પ્રદેશ અને એવા જ આ લોક.’ (પૃ.૧૪) આમ અભાવોની વચ્ચે આગવી સંસ્કૃતિ, શોર્ય, રીતિ-રિવાજો, માન્યતાઓ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા સાથે જીવતો સમાજ સર્જકે સુંદર રીતે નિરૂપ્યો છે. નવલકથાની શરૂઆતમાં મેળાનું વર્ણન કરતાં જનજીવનના ઉલ્લાસની ઝાંખી કરાવી છે. મેળામાં તીરકામઠા, તલવારો અને કડીયાળી ડાંગ લઈને ઉમટેલા લોકોતાળીના ભરેલાં ઘડાં, અફીણ અને ક્યાંક ગાંજાની ફૂંક, વાંસના રમકડાં, ચગડોળ, જાદુગર, વિવિધ પ્રકારના નૃત્યોથી ભરપુર મેળો મ્હાલતી પ્રજા દર્શાવી છે. આ મેળાના મૂળમાંથી જાણે કથા ગૂંથાય છે.

                  ત્યારબાદ કથાપ્રવાહ ગતિ કરે છે અને લેખક વન્ય ડુંગરાળ પ્રદેશની તાસીર આપે છે. તે જુઓ ‘શિવરાજપુરથી પૂર્વમાં જાવ એટલે વગડો ઘેરો ને ઘેરો થતો જાય. આ ઘનઘોર વગડાને વધુને વધુ ભયાવહ બનાવતા પથ્થરીયા ડુંગરા, પથ્થરો ગોરા, લાલ ને ધોળિયા….. ખેતીમાં કશું પાકે નહી. જરાક અમથી પથરાળ માટી મળે. ત્યાં મકાઈ નાખી મૂકી હોય, એમાંથી જે પાકે તે લણી લેવાનું. જંગલમાં જે પણ ફળો મળે તે શેકીને કે બાફીને રોટલા સાથે ખાઈને મજૂરીએ વળી જવાનું. એ જ અહીંનું જીવન.’ (પૃ. ૧૫)

કથામાં આર્થિક જનજીવન પણ અભાવો અને અંગ્રેજોના શોષણથી ઘેરાયેલું છે. તેનું વર્ણન પણ લેખક કરે છે તે જુઓ,

‘શાળા, શિક્ષણ, દુકાન એવું કશુય નહી. દૂર શિવરાજપુર એક દુકાન ત્યાં લાંબી લાઈનો લાગે. જંગલમાંથી લાવેલાં ફળ-ફળાદી, ચોરેલાં લાકડાં, મરઘાં કે બકરાં વગેરે વેચીને આવેલા પૈસા અથવા થોડા દાણા સાટે થોડુંક તેલ, મરચું વગેરે લેવાનું. ડુંગળી લસણ ખાસ લેવાનું. એમાં રોટલો ભેળવીને ખાઈ લેવાય. રોટલો બાવટો, બંટી, બાજરીનો કે મકાઈનો હોય. બાજરી – મકાઈ ખાનાર સુખી ગણાતાં. આવા આ પ્રદેશ પર અંગ્રેજોની હકુમત આવી. અંગ્રેજો આવે, આ લોકોને પકડી જાય. વૃક્ષો કપાવે, વાહનોમાં ભરાવે, સાટે થોડા દાણા આપે. ક્યારેક ચવાણું-બિસ્કીટ જેવું આપે ત્યારે બધા ખુશ થઈ જાય. પણ ત્યાંથી કશું ચોરવાની આદત નહીં.’ (પૃ.૧૬)

પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગામથી પંદર કિલોમીટર દૂર હાટ ભરાય છે. તેમાં લોકો ખરીદ વેચાણ કરીને પોતાનું જીવન ગુજારે છે. જંગલમાં રહેતા લોકોનું જૂનું પંચ છે જે લગ્ન, છૂટાછેડા, ધંધો, જમીન, જાયદાદ, ભાઈભાગ જેવા ન્યાય જંગલનું પંચ કરે છે. લોકો પંચનો ન્યાય માથે ચઢાવે છે. ગામનું નેતૃત્વ મુખીના હાથમાં છે. મુખીપણું પરંપરાગત છે. બાપ દાદાનું સચવાયેલું છ, વળી મુખીના ઘરની સમૃદ્ધિ પણ અહીં ભષ્ટાચારનો સંકેત આપે છે.

              આ બધાની વચ્ચે અંગ્રેજોની હુકુમત આદીવાસીઓ માટે કપરી અને ભયાનક બનીને રહી છે. અંગ્રેજો જંગલ પર પોતાનું આધિપત્ય જમાવી આદિવાસીઓ પર ભયાનક અમાનુષી અત્યાચાર કરે છે. અંગ્રેજો લોકોને પકડીને લઇ જી મજૂરી કરાવે સામે વળતરમાં પણ અન્યાય કરે અને ઘણી વાર મજૂરીએ લઇ ગયેલાં લોકો પાછા ફરી શકતા નહિ. અંગ્રેજો ટેક્ષ ઉઘરાવવા આવે અને ટેક્ષ ભરવામાં અસમર્થ લોકો પર ચાબુકનો વરસાદ વરસાવવામાં આવે, ઝુંપડા સળગાવી દેવાની ધમકી અપાય. એટલું ઓછું હોય તેમ અંગ્રેક સૈનિકો  ગામની બહેન દીકરીઓ પર બળાત્કાર પણ કરે. જંગલનું ઝાડ અને માણસ બંને અંગ્રેજો માટે સરખા જેવા છે. આખું જંગલ જાણે સરકારી કહેવાય ઝાડનું પાંદડું તોડવાનો નાના બાળકને પણ અધિકાર નથી. જોકે હીરના દાદા જેવા કોઈ અંગ્રેજોની સામે પણ પડે છે. આ અત્યાચાર હોવા છતાં આ લોક આગવી સંસ્કૃતિ સાથે, પોતાની શ્રદ્ધા – અંધશ્રદ્ધા, માન્યતા સાથે, આનંદ ઉલ્લાસ સાથે જીવન જીવે છે. તેનું પણ વર્ણન લેખક કરે છે.    

‘લોક આનંદ કરતું, આનંદ માટે બધું જ કુરબાન થતું. મહુડાનો દારૂ વારે તહેવારે અપાતો. કોઈ સારા નરસા પ્રસંગોએ જો દારૂ ન પાય તો એના માથે છાણાં થપાતાં. એમાંય ઢોલ વાગતા, નાચ-ગાન થતા, પ્રસંગોમાં વરરાજાને અને લાડીને પાંદડાં અને ફુલોથી શણગાર સજાવવામાં આવતા. લોક પણ માથાં બાંધતા. ઘણા નવોનકોર ફાલકા કાઢીને બાંધતા. હોળી સળગાવવા ગામ આખુ ભેગુ થતું. ગામ આખાને હોળીના પાણીનો પ્રસાદ છેર છેર પહોંચાડવામાં આવતો. હોળી કઈ બાજુ પડી અને એની નીચે મુકેલા લાડવા કેટલા પલળ્યા એના આધારે વરસાદનો વરતારો નીકળતો તો કેટલાક ડોહા તો અગાઉથી વરહનો વરતારો કહેતા.’ (પૃ.૧૭)

આ લોકમાં માન્યતાઓ અને અંધશ્રદ્ધા પણ વિષેશ છે. લેખક જણાવે છેકે,

‘હજુ કેટલાય ડોહા એમ માનતા, એમ કેતાય ખરા કે આ આખી.. પૃથ્વી નહોતી ત્યારે એક મોટું ભૂગળુ હતું. એ ભૂંગળામાં ખીલ્યું એક કુલ. એ ફલને પાંદડે પરગટ થયો ભગત. એ ભગત બોલ્યો મંતર એ મંતરના પરતાપે જણને જણ્યો. એમાંથી પ્રગટી આ પ્રથમી’ (પૃ.૧૭) 

વળી આ લોકની માન્યતાઓ પણ કેવી અદભુત છે તે જુઓ,

‘પાવાગઢને બાનમાં રાખે એવા એવા ઊંચા ઊંચા ડુંગરા. ડુંગરે ડુંગરે માતાઓ, દેવો, પૂર્વજો, વારે-તહેવારે ખુલ્લા પગે જતા લોકો મઘડુ, કુકડુ ‘મેલી’ માતાને અને ‘ચોખ્ખી’ માતાને નાળિયેર, કોપરુ, અગરબત્તી ને દિવો ધરાવતા. મઘડો, કુકડો લઈને જાય તો ત્યાં રમતો મેલીને ઘેર પાછો લાવતા અને લાવ્યા પછી એને ગામમાં હરાયા છોડી મુકતા. ડુંગરે ડુંગરે વાત થઈ જતી કે આ મઘડો કે કુકડો માતાએ રમતો મેલેલો સે એટલે એને કોઈ અડતું પણ નહીં અને એના દર્શન કરીને લોકો આંખોમાં ભાવ જગાડતા.’ (પૃ. ૨૪)

આ સિવાય રહસ્યમય પાત્ર જેવી ગલી ડોશી, ભીમની પણ બગલમાં દબાવી રાખે એવી જોવાનડીઓની વાત, ઉભો ડુંગરો કુદી જાય એવી નારીઓ વગેરે પાત્રોની માન્યતાઓ આ પ્રદેશની શોર્યગાથા નિરૂપે છે. તો ટીંટોડીના ઈંડાને આધારે ભાખવામાં આવતું ભવિષ્ય, બાળકોનો છઠ્ઠીનો વિધિ, અને નવા નવા નામ પાડવાનો વિધિ તથા જુના પુરાણા ટીપણાને આધારે બધું કહેતો બ્રાહ્મણ. વળી અંધશ્રદ્ધા પણ કેવી ગામ ટોળાની માતા નારાજ થાય તેમાં ભુવો બોલાવાય, ભૂવો ધૂણે, દારૂનો શીશો મુકાય,, બલી માટે બકરો લાવવામાં આવે. આ સઘળી બાબતો સમાજની માન્યતાઓને આકારિત કરી આપે છે.

            આમ રાજેશ વણકરે ‘હીર’ લઘુનવલમાં ખુબ સુંદર રીતે દોઢ સદી પહેલાનો સમાજ ભાવકોની સામે ખડો કરી દીધો છે.

ડૉ. અભિષેક દરજી, આસિ. પ્રોફેસર, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, અમદાવાદ

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 2 March – April 2025