મકરન્દ દવે કૃત ‘માટીનો મહેકતો સાદ – હલધર બળરામની કથા’ ઈ.સ. ૧૯૮૧માં ‘જનશક્તિ’માં ધારાવાહી રૂપે પ્રગટ થયેલી, બળરામના ચરિત્રને એક નૂતન દ્રષ્ટિકોણથી રજૂ કરતી, પૌરાણિક વિષય અંતર્ગત આધુનિક મર્મ આલેખતી નવલકથા છે. મહાભારત, ભાગવત તથા અન્ય પુરાણોમાં વર્ણિત બળરામના દૈવી ચરિત્રની તુલનામાં પ્રસ્તુત નવલકથામાં લેખકે બળરામને માનવસહજ પ્રેમ, ક્રોધ, કર્મઠ અને મનુષ્યજાતિના ભાવિનું સતત ચિંતન કરતા પાત્ર તરીકે આલેખ્યા છે. બળરામનું પાત્રાલેખન એક યોદ્ધાની સાથે સાથે વિશ્વ કલ્યાણની ભાવના ખેવતા પ્રકૃતિ પ્રેમી ‘કૃષક’ તરીકે કરવામાં આવ્યું છે. આ માટેની પ્રેરણા લેખકને જગદીશચન્દ્ર માથુરના લેખમાંથી પ્રાપ્ત થઈ છે. તેના વિશે ‘ધરતીનો નાતો’ શીર્ષક હેઠળ ભૂમિકામાં તેઓ જણાવે છે કે “પુરાણોમાં તો બળરામ હળ મુશળને માત્ર આયુધો તરીકે ધારણ કરે છે. પરંતુ તેના ધરતીના ખેડાણ સાથેનો વીસરાઈ ગયેલો સંબંધ થાઈલૅન્ડમાં રાજ્ય તરફથી ઊજવાતા કૃષિઉત્સવે જોડી આપ્યો છે. ‘ધર્મયુગ’ (૧૦ જુલાઈ, ૧૯૭૭)માં શ્રી જગદીશચન્દ્ર માથુરે લખેલો લેખ : ‘થાઈલૅન્ડ મેં વર્ષા મંગલ’ મારા વાંચવામાં આવ્યો. તેમાં થાઈલૅન્ડમાં રાજ્ય તરફથી ઊજવાતા કૃષિ મહોત્સવનું નજરે નિહાળેલું વર્ણન છે. આજે પણ આ ઉત્સવમાં મુખ્ય હળચાલકને ‘બલદેવ’ કહેવામાં આવે છે. રાજ્યના કૃષિ સચિવ બલદેવનો ભાગ ભજવે છે. ભારતમાં આ પ્રથા ક્યારે લુપ્ત થઈ તેની માહિતી મળતી નથી, પણ આ અહેવાલથી જાણવા મળે છે કે થાઈ લોકો અચ્છી રીતે ધરતી સાથે બળદેવનો નાતો જીવંત રાખી રહ્યાં છે.” (પૃ. ૦૫) લોકથાઓ અનુસાર હળ અને મૂસળ બળરામને દેવી ઉમિયા પાસેથી વરદાનમાં પ્રાપ્ત થયા છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર સૃષ્ટિ ઉત્પત્તિના સમયથી જ શેષનાગની ફણા પર પૃથ્વી આવેલી છે. આમ શેષના અંશાવતાર બળરામનું વ્યક્તિત્વ તેના પ્રાકટ્ય સમયથી જ ધરતીના ઊંડાણ સાથે જોડાયેલું છે.
અહીં સૌપ્રથમ પુરાણોમાં વર્ણવેલા બળરામના ચરિત્ર સાથે નવલકથાના બળરામની તુલના કરી લેખકે આપણી સમક્ષ પ્રસ્તુત કરેલા બળરામના ચરિત્રની સમીક્ષા કરીએ. મહાભારત તથા શ્રીમદ્ ભાગવત અનુસાર બળરામ સોમવંશી યદુકુલમાં વસુદેવ અને રોહિણીના પુત્ર, વાસુદેવ કૃષ્ણના જેષ્ઠ ભ્રાતા તથા વિશ્વના શ્રેષ્ઠ ગદાધર તરીકે સમગ્ર આર્યાવર્તમાં વિખ્યાત હતા. તેમના જન્મની કથાનુસાર તેઓ શેષના અંશાવતાર તરીકે પ્રથમ દેવકીના ગર્ભમાં પ્રવેશ કરે છે. પરંતુ કંસના કારાગારમાં કંસના પ્રકોપથી રક્ષણ મેળવવા માટે દેવકીના સાત માસના ગર્ભમાંથી મહામાયા વડે આકર્ષાઈને તેઓ વસુદેવની પ્રથમ પત્ની રોહિણીના ગર્ભમાં પ્રવેશ કરે છે. રોહિણી ગોકુળનાં નંદભવનમાં આશ્રય પ્રાપ્ત કરી પૂર્ણકાળે પ્રસવ પામે છે. ગર્ગાચાર્ય દ્વારા તેમનો નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. ‘બળરામ’ નામકરણની પાછળ તેમના શારીરિક ‘બળ’નું આધિક્ય અને સદ્ગુણોથી સ્વજનોને ‘આનંદ’ (રમ્) આપવાની વિશિષ્ટતા’, – એ બે અર્થ અભિપ્રેત છે. દેવકીના ગર્ભમાંથી ઉત્તમ પ્રકારે આકર્ષાયા હોવાથી ‘સંકર્ષણ’ તથા શેષાવતાર હોવાથી ‘શેષ’ તરીકે પણ તેઓ ઓળખાય છે. તેમનો ઉછેર ગોકુળ-વૃંદાવનમાં શ્રી કૃષ્ણ સાથે નંદભવનમાં જ થાય છે. બાલ્યાવસ્થામાં જ તેમના હાથે ધેનુકાસુર તથા પ્રલંબાસુર જેવા કંસના મહાપરાક્રમી દાનવોનો સંહાર થાય છે. પરંતુ પૌરાણિક વર્ણનથી ભિન્ન રીતે સર્જક દ્વારા અહીં બળરામનું બાળપણ રજૂ કરવામાં આવ્યું છે. બળરામને તેઓ શેષના અવતાર તરીકે સ્વીકારે છે પણ આ અવતાર પૃથ્વી લોક પર લીલા કરતો હોવાથી તેનું આલેખન માનવસ્વરૂપે, માનવીય મર્યાદાઓ સહિત કરવામાં આવ્યું છે. નવલકથાનો આરંભ દ્વારકામાં સ્થાયી થયેલા બળરામના વર્ણનથી શરૂ થાય છે. જ્યાં દ્વારકા નગરની હદ બહાર કૃષક તરીકે સ્થાયી થયેલા હલધર બળરામનો યાદવો મજાક ઉડાવે છે. અહીં બળરામ અને કૃષ્ણના બાળપણના પ્રસંગો લેખક પીઠઝબકાર પ્રયુક્તિનો ઉપયોગ કરી પ્રસ્તુત કરે છે. જેમાં બળરામ કે કૃષ્ણની ચમત્કારિક લીલાઓનો ઉલ્લેખ કરવાને બદલે બાળપણથી જ બળરામને કૃષિમાં તથા કૃષ્ણને ગોપાલનમાં રસ છે તેમ દર્શાવવામાં આવ્યું છે. ગોકુળમાં જ્યારે ગાયો માટે ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેતો નહિ ત્યારે નંદ, ઉપનંદ વગેરેને મથુરા જઈ ઊંચા દામે વેપારીઓ પાસેથી ચારો ખરીદવો પડતો. આ વેપારીઓ ઘણીવાર નંદબાબાનું અપમાન કરતા. પરંતુ ગાયોના પાલન પોષણ માટે નંદ આ અપમાન સહન કરી લેતા. બાળ બળરામથી નંદ તથા ગાયોની આવી દયનીય સ્થિતિ જોઈ શકાતી નથી. આથી તેઓ નંદ સમક્ષ અવારનવાર ગોપાલન કરવાની સાથે સાથે ખેતી કરવાની અનુમતિ માંગતા રહે છે. નંદ પાસેથી ખેતી કરવાની અનુમતિ ન મળતા બળરામ ગૌચારણના સમયે કૃષ્ણને ગાયો સોંપી ખેતી કરવના પ્રયોગોમાં વ્યસ્ત રહે છે. આમ બાળપણથી જ માટી તથા હળ સાથે બળરામના સંબંધને લેખક જોડી આપે છે. લેખક રાક્ષસોના સંહાર કરતા બળરામે બાળપણમાં નંદભવનના વાડામાં જૈવિક ખેતી દ્વારા ઉત્પન્ન કરેલા પાક રૂપી સર્જનને મહત્વ આપે છે.
શ્રીમદ્ ભાગવતની કથા અનુસાર મથુરામાં આયોજીત કંસના ધનુષયજ્ઞમાં પણ હળધર બળરામના હાથે કંસની રાક્ષસી સેના તથા તેના મલ્લ યોદ્ધાઓનો સંહાર થાય છે. કંસવધ પશ્ચાત્ વસુદેવ-દેવકી તથા નાના ઉગ્રસેનને કારાગારમાંથી મુક્ત કરી શાસ્ત્રાધ્યયન માટે શ્રી કૃષ્ણ સહિત તેઓ સાંદીપનિ ઋષિના આશ્રમમાં જાય છે. ત્યાં તેઓ સુદામાને વડીલ ગુરુભાઈ તરીકેનું માન આપે છે. ચોસઠ દિવસમાં ચોસઠ કળાઓમાં પારંગત થઈ, ગુરુદક્ષિણા પ્રદાન કર્યા પછી બંને ભાઈઓ પુનઃ મથુરામાં સ્થાયી થાય છે. જ્યારે નવલકથામાં ધનુષ યજ્ઞમાં ‘હળ’ અને ‘મૂશળ’ દ્વારા બળરામે કરેલા પરાક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બળરામ સાંદીપનિ ઋષિના ગુરુકુળમાં ‘ધરતી સાથેની પ્રીતિ એટલે જીવનભરની પ્રીતિ’(પૃ.૦૬) ગુરુમંત્ર પ્રાપ્ત કરે છે. કૃષિની તાલીમ લેતા સમયે એકવાર પાણી વાળવાનો વારો બળરામનો આવે છે. પરંતુ જંગલમાં સમિધ લેવા ગયેલા કૃષ્ણ-સુદામાને પરત આવતા મોડું થતા બળરામ તેમની શોધમાં નીકળી જાય છે. શિપ્રા કિનારે બળારામ અને કૃષ્ણ સંપૂર્ણ રાત્રિ રોકાણ કરી પાછા ફરે છે ત્યારે સાંદીપનિ બળરામને શીખ આપે છે કે કૃષ્ણ જ તારો એક માત્ર બંધુ નથી, તારે હાથે રોપાયેલા આ હજારો રોપા પણ તારા ભાઈ બાંધવો છે. તારા આ હજારો તરસ્યા ભાઈ બાંધવો ગઈ કાલ રાતથી તારી રાહ જોતાં બેઠા છે. આમ, સાંદીપનિના ગુરુકુળમાં શિષ્યોને પ્રકૃતિના સંવર્ધનની કેળવણી આપવામાં આવતી હતી તેવું પ્રસ્તુત નવલકથામાં કાલ્પનિક પ્રસંગ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે.
કંસવધનો પ્રતિશોધ લેવા મગધ નરેશ જરાસંઘ દ્વારા સત્તર વખત મથુરા પર આક્રમણ કરવામાં આવે છે, આ તમામ યુદ્ધોમાં બળરામ સાથે થયેલા ગદાયુદ્ધ તથા દ્વંદ્વયુદ્ધમાં જરાસંઘ પરાસ્ત થાય છે. અઢારમી વાર જરાસંઘ તેના વિદેશી મિત્ર રાજા કાલયવન અને તેની સેના સહિત મથુરા પર ચઢાઈ કરવા આવે છે. ત્યારે યુદ્ધની ભીષણતામાંથી યાદવોને મુક્ત કરાવવા કૃષ્ણની યોજના કમને સ્વીકારી બળરામ કૃષ્ણ સહિત રણભૂમિ ત્યજી આર્યાવર્તની પશ્ચિમ દિશામાં પ્રયાણ કરે છે. ભાગવતની કથાનુસાર કૃષ્ણ યાદવોની સભામાં સ્થળાંતર કરવાની રજૂઆત કરે છે જ્યારે નવલકથામાં સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમી બળરામ સ્થળાંતર કરવાનો પ્રસ્તાવ કૃષ્ણ સમક્ષ રજૂ કરે છે. બળરામ યુદ્ધના બદલે શાંતિ સ્થાપવાનો મત પ્રગટ કરી, કૃષ્ણને રાજકાજ ત્યજી પોતાની સાથે બીજા સ્થળે એક નૂતન વૃંદાવન સ્થાપવા માટે વિનંતી કરે છે. બળરામ પોતાના હળ અને કૃષ્ણની વાંસળીના સૂરોના સહારે પ્રકૃતિના ખોળે આદર્શ ગામ બનાવવાની ઈચ્છા પ્રગટ કરે છે. પરંતુ આથી વિપરીત ચક્રધારી કૃષ્ણ આધુનિક નગર સંસ્કૃતિના પક્ષધર બની આર્યાવર્તની પશ્ચિમે દ્વારિકાના નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આનર્ત પ્રદેશથી સમુદ્રપારના અસુર લોકો સાથે મિત્રતા કેળવી નવા ધાન્ય તથા નવા પ્રકારની ખેતી શીખવા માટે પણ તેઓ બળરામને તૈયાર કરે છે.
મથુરાથી રણ ત્યજીને આર્યાવર્તની પશ્ચિમે આવેલા કૃષ્ણ-બળરામને રૈવતગિરિ પર આશ્રય મળે છે. જ્યાં બળરામના વિવાહ ઓખામંડળના રાજા રૈવતની પુત્રી રેવતી સાથે થાય છે. મચૂકંદરાજા દ્વારા કાલયવનના વધ પછી જરાસંઘ રૈવત પર્વતને આગ લગાડી દે છે. પર્વત પર વ્યાપેલા દાવાનળમાં કૃષ્ણ-બળરામ મૃત્યુ પામ્યા છે તેમ માની જરાસંધ પુનઃ મગધ તરફ પ્રયાણ કરે છે. આ દાવાનળમાંથી બચી ગયેલા કૃષ્ણ-બળરામ વિશ્વકર્માની સહાયતાથી સમુદ્ર તટ પર દ્વારકાપુરીનું નિર્માણ કરે છે. નવલકથામાં આ પ્રસંગનું વર્ણન જરા જુદી રીતે કરવામાં આવ્યું છે. બળરામ અને રેવતીના વિવાહ દ્વારિકાની સ્થાપના પછી દર્શાવવામાં આવ્યા છે. રેવતી યુદ્ધ પિપાસુ રાજાઓના બદલે પ્રકૃતિ પ્રેમી બળરામને વરે છે. તે પોતાના પતિની ઈચ્છાને માન આપી દ્વારકાની બહાર વાડીમાં એક સાધારણ ખેત મજૂર જેવું જીવન પસાર કરે છે. બળરામ અને રેવતીના સંતાનોનો નવલકથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેના સ્થાને બળરામ અને રેવતી દ્વારા રોપવામાં આવેલ રોપાઓ તથા તેમની પાસેથી ખેતી કરવાની તાલીમ મેળવનારા અરણ્યવાસીઓને તેમના વંશજો તરીકે આલેખવામાં આવ્યા છે. જેઓ યદુવંશના સર્વનાશ પછી પણ બળરામ અને રેવતીના વારસાને જાળવી રાખે છે.
પુરાણોમાં વર્ણવ્યા અનુસાર યાદવોની નૂતન રાજધાની દ્વારકામાં બળરામ તેમના ગૌર વર્ણ, નીલ કે મેઘશ્યામ રંગનાં રેશમી ઉત્તરીય-વસ્ત્રો, ક્રોધ, સોમરસ તથા હળ-મૂશળ ધારણ કરનારા જેષ્ઠ યદુકુમાર તરીકે ઓળખાયા છે. જ્યારે નવલકથામાં આથી વિપરીત બળરામને કર્મઠ, સાત્વિક જીવન જીવતા, કપાસના હાથથી વળેલા વસ્ત્રો પહેરતા, પ્રકૃતિના ખોળે એક સાધારણ ખેડૂત જેવું જીવન વ્યતીત કરતા માનવી તરીકે દર્શાવવામાં આવ્યા છે. રુક્મિણી હરણના પ્રસંગે રુક્મિને ક્ષમા આપનારા બળરામ દ્યૂતક્રિડા સમયે ક્રોધાવેશમાં કૃષ્ણના સાળા રુક્મિની હત્યા કરે છે. તે વાતનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો નથી. શ્રી કૃષ્ણને જેમ પાંડવોમાં અર્જુન પ્રત્યે પ્રીતિ હતી તેમ બળરામને કૌરવોમાં દુર્યોધન પ્રત્યે પક્ષપાત હતો. સુભદ્રાને અર્જુન સાથે નહીં, પરંતુ પોતાના પ્રિય શિષ્ય તથા ગદાયુદ્ધમાં નિપુણ એવા યુવરાજ દુર્યોધન સાથે પરણાવવાનો તેમણે નિષ્ફળ આગ્રહ સેવ્યો હતો. આ પક્ષપાત નવલકથામાં પણ દર્શાવવામાં આવ્યો છે. નવલકથામાં બળરામ વિરાટસભામાં યુધિષ્ઠિરને સાચા ધર્મનું દર્શન કરાવે છે તથા ગદાયુદ્ધના સમયે દુર્યોધનના પક્ષધર બની ભીમના કૃત્યની કડક શબ્દોમાં આલોચના કરે છે.
ભાગવતના દશમ્ સ્કંદમાં જણાવ્યાનુસાર દ્વારકાથી પુનઃ વ્રજમાં પધારેલા બળરામ સોમરસના ઉન્માદની અસર હેઠળ યમુનાને જળક્રીડા માટે પોતાની પાસે બોલાવે છે, પરંતુ યમુનાનદી બળરામની આજ્ઞા ન સ્વીકારાતા બળરામ હળ વડે યમુનાનદીને ખેંચી પોતાની નિકટ લઈ આવે છે તથા ક્ષમાયાચના પછી યમુનાનદીને મુક્ત કરે છે. ‘હરિવંશ’ પ્રમાણે, કૃષ્ણ-બળરામના મથુરા ગમન પછી વૃંદાવનમાં જળની અછત સર્જાય છે. વૃંદાવનમાં પેય તથા સિંચાઈ માટેના જળની સુવિધા કરવા દ્વારકાથી વ્રજ પધારેલા બળરામ હળ વડે યમુનાને ખોદી નહેરની વ્યવસ્થા કરી આપે છે. હળ દ્વારા પરાક્રમ કરવાનો આવો જ એક પ્રસંગ હસ્તિનાપુરમાં પણ બને છે. શ્રીકૃષ્ણ અને જાંબુવતીનો પુત્ર સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરી પલાયન કરતા સમયે કૌરવોના હાથે પરાસ્ત થઇ કૌરવોનો બંદી બની જાય છે. તે સમયે વ્રજમાં નિવાસ કરી રહેલા બલરામ સાંબને મુક્ત કરાવવા હસ્તિનાપુર જાય છે. કૌરવો ત્યાં બળરામ અને કૃષ્ણનું અપમાન કરે છે. તેમનાં કટુવચનોથી કોપાયમાન બનેલા બળરામ હસ્તિનાપુરને હળ વડે તાણી ગંગાપ્રવાહમાં વિસર્જિત કરવાનો પ્રયાસ છે. જેના પરિણામ સ્વરૂપ હસ્તિનાપુરમાં ભૂકંપ આવે છે. પ્રસ્તુત નવલકથામાં બળરામના પુનઃ વ્રજ ગમન પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સમગ્ર નવલકથામાં હળ વડે બળરામને માત્ર સર્જન કરતાં જ દર્શાવવામાં આવ્યા છે સંહાર કરતા નહીં. દ્વારકાની આસપાસ આવેલા સમગ્ર વિસ્તારમાં બળરામ હળ વડે કૃષિયજ્ઞોનો પ્રારંભ કરે છે. રેવતીના અવસાન પછી તેના વિરહમાં જ તેમને સોમરસનું પાન કરતાં દર્શાવાયા છે.
મહારથી બળરામ મહાભારત યુદ્ધમાં ભાગ ન લેતા યુદ્ધના સમયે ચોસઠ તીર્થોની યાત્રા કરે છે. જેનો ઉલ્લેખ નવલકથામાં પણ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં ચોસઠ ધાર્મિક તીર્થોની સાથે મરુભૂમિમાં આભીરોએ રણને આગળ વધતું અટકાવવા માટે કરેલા સફળ પ્રયોગ સમા રાજા મહીરના નગરની મુલાકાત લઈ બળરામ તેને પણ તીર્થ તરીકે ઓળખાવે છે. મહાભારતની કથાનુસાર યાત્રાના અંતે તેમને કૌરવોની સમગ્ર સેનાનો નાશ થયાના સમાચાર મળે છે. ભીમ અને દુર્યોધનના ગદાયુદ્ધ પ્રસંગે તેઓ યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કરે છે. ગદાયુદ્ધમાં કૃષ્ણના નિર્દેશ મુજબ ભીમ દ્વારા આચરવામાં આવેલા અધર્મને જોઈ તેઓ ખિન્ન મને દ્વારિકા તરફ પ્રયાણ કરે છે. જ્યારે નવલકથામાં કુરુક્ષેત્ર પહોંચતા પૂર્વે બળરામ વેદવ્યાસની સહાય કરવા જાય છે. જ્યારે એક માછણના પુત્ર વેદવ્યાસ ગોવાળ કૃષ્ણને ઉપેન્દ્ર વિષ્ણુના અવતાર તરીકે સ્થાપિત કરે છે ત્યારે વૈદિક ધર્મના અનુયાયીઓ તેનો અસ્વીકાર કરે છે. તેઓ કૃષ્ણભક્ત જૈમિનિઋષિને બંધક બનાવે છે. આવા રૂઢિવાદી આર્યો તથા કાપાલિકો જોડે બળરામ વિવાદમાં ઊતરે છે.
મહાભારત અનુસાર યુદ્ધમાંથી પરત દ્વારકા પધારેલા બળરામ સર્વના કલ્યાણ અર્થે દર વર્ષે યજ્ઞનું આયોજન કરે છે. જ્યારે નવલકથામાં યાદવોને સર્વનાશથી બચાવવા માટે બળરામ કૃષ્ણ અને ઉષાની સહાયતાથી ‘વર્ષામંગલ’નો ઉત્સવ ઉજવવાનો આરંભ કરે છે. જ્યાં બળરામના હાથે હળ જોડી પહેલી ખેડ કરવામાં આવે છે. મહાભારતના મૂશળપર્વ અનુસાર યદુકુળના સર્વનાશ સમયે બળરામ કૃષ્ણની સાથે રહી પોતાના પ્રિય સ્વજનોનો પોતાના આયુધ ‘હળ’ અને ‘મૂશળ’ વડે સંહાર કરે છે. ત્યાર પછી પશ્ચિમ સમુદ્રને તીરે જઈ પોતાના યોગબળે કૃષ્ણની પહેલા પોતાની લીલા સંકેલી દેહત્યાગ કરે છે. તેમનો દિવ્ય આત્મા પાતાળ લોકમાં પ્રયાણ કરે છે. જ્યારે નવલકથામાં બળરામ યાદવાસ્થળીમાં ભાગ લેતા નથી. તેઓ તે સમયે પોતાની વાડીમાં યાદવોની રાહ જોઈ રહ્યાં હોય છે. યદુવંશનો તો નાશ થાય છે પરંતુ બળરામના કૃષક વંશનો નહીં. બળરામ તેની શરણે આવેલા આદિવાસીઓને પોતાની કૃષિનો વારસો સોંપી સમુદ્ર તટે યોગબળે પોતાની લીલા સંકેલે છે. કૃષ્ણ તેના સાક્ષી બને છે. નવલકથાના અંતે કુંડલિની જાગૃત કરી બળરામનો દિવ્યાત્મા ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે.
નવલકથામાંથી પ્રગટ થતું પર્યાવરણીય ચિંતન :
પુરાકથાનો વિનિયોગ કરી લેખક વર્તમાન સમયને અનુરૂપ અર્થ પ્રસ્તુત કરવા પૌરાણિક કાળક્રમને અતિક્રમી વર્તમાન સમયની સમસ્યાનું આલેખન કરવા પ્રસ્તુત નવલકથામાં કાલ્પનિક પાત્રોનું આલેખન કરે છે. નવલકથામાં આલેખાયેલું ‘જીમૂત’નું પાત્ર ભૂમિ પ્રદૂષણ, આધુનિક રાસાયણિક ખેતી અને જરૂરિયાત કરતા વધારે ઉત્પાદન તરફ ધ્યાન દોરે છે. જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે કીટકોથી પાકનું રક્ષણ કરવા માટે કૃષિ નિષ્ણાત મિસર નિવાસી જીમૂતને કૃષ્ણ દ્વારકા બોલાવે છે. બળરામ અને રેવતીના કૃષિકાર્યમાં જીમૂત સહાય કરે છે. જીમૂતની સહાયથી બળરામ તેના નાના ખેતરના બદલે પ્રભાસક્ષેત્રથી શરૂ કરી ચૌરવાટિકા સુધીના વિશાળ વિસ્તારમાં ખેતી કરવા લાગે છે. જીમૂત એક જલદ, ઝેરી પરંતુ મબલખ પાક ઉત્પાદિત કરી શકે તેવું ‘જીવનજળ’ નામક રાસાયણિક દ્વાવણ તૈયાર કરે છે. પાણી સાથે ચોક્કસ માત્રામાં આ રાસાયણિક દ્રાવણનો ઉપયોગ કરવાથી વિપુલ પ્રમાણમાં પાક ઉત્પન્ન થાય છે તથા પાકને રોગ તથા અન્ય જીવજંતુઓનો ભય રહેતો નથી. જેના પરિણામ સ્વરૂપ અનાજના સેંકડો ગાડાંઓ ભરી બળરામ અને રેવતી દ્વારકા પધારે છે.
પરંતુ રેવતી તથા ઋષિમુનિઓ જીમૂતનાં કૃષિ પ્રયોગોથી પ્રસન્ન થતા નથી. જીમૂતે જણાવેલ કૃષિ પદ્ધતિ અનુસાર કૃષિકાર્ય કરતી વખતે બળરામને ઋષિમુનિઓ સમજાવતા કહે છે કે “બળરામ, સપ્ત અન્નાદિ મેધયા તપસા અજનયત્ પિતા| એક અસ્ય સાધારણ| સ: એતત્ ઉપાસ્તે ન સઃ પાખનઃ વ્યાવર્તતે, મિશ્ર હિ એતત્, મોઘમ્ અન્નમ્, અપ્રદાવૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ| અર્થાત પ્રજાપતિએ સાત અન્નો મેધા તથા તપથી ઉત્પન્ન કર્યાં. તેમાં એક સાધારણ પ્રકારનું છે. તે સાધારણ અન્નને જે ઉપાસે છે તે પાપમાંથી મુક્ત થતો નથી. કારણ કે તે મિશ્ર છે, શુદ્ધ નથી. તે મિથ્યા છે, નિષ્ફળ છે. અતિથિને આપ્યા વિના જે અન્નનું ભક્ષણ કરે છે તે ચોર છે.” (પૃ.૨૯)
બળરામના પ્રભાસક્ષેત્રનાં વિશાળ ખેતરો પર નજર ફેલાવી તેઓ આગળ કહે છે : “આ તારા ધાન્યક્ષેત્રમાં બળરામ, કેટલા બધા અતિથિઓ છે, દેવો છે! તેને પહેલાં તેં તૃપ્ત કર્યા? પ્રસન્ન કર્યા? ‘એવં વિદ્વાન દેવેભ્યઃ અન્નમ્ આદ્ય પ્રયચ્છતિ – જ્ઞાનવાન તો પહેલાં દેવોને અન્ન અર્પણ કરે છે અને તેથી તેમનું અન્ન ‘ન ક્ષીયન્તે અદ્યમાનાનિ સર્વદા’—હંમેશાં ખાવા છતાં ખૂટતું નથી. તારા ઉત્પાદનમાં આવી ધીશક્તિ, આવી તપઃશક્તિ, આવી અતિથિભવાના, આવી દેવોપાસના છે ખરી?” (પૃ. ૨૯-૩૦) ઋષિમુનિઓ બળરામના કૃષિકાર્યને દુષ્કૃત્ય ગણાવી વખોડે છે. ત્યારે તો બળરામ કે રેવતી ઋષિમુનિઓની વાણીને અર્થ કળી શકતા નથી. પરંતુ સમય પસાર થતા રેવતીને તેનો અર્થ સમજાય છે તે બળરામને સમજાવતા કહે છે કે “આપણે આ ધરતીને લૂંટી છે, નિર્લજ્જ બની લૂંટી છે. ઋષિમુનિઓ તે દિવસે જે કહી ગયા તેનો મર્મ આજે પકડાય છે, રામ. આપણે તો માન્યું હતું કે અતિથિસેવા, દેવસેવાનો આપણે ભાગ કાઢીશું. પણ એ ભાગ માત્ર અન્નપ્રાશન પહેલાં જ નહીં અન્ન-ઉત્પાદન પહેલાં આપવો જોઈએ, રામ! આપણે એ ભૂલી ગયાં. ના, પહેલાં ભૂલ્યાં તો નહોતાં પણ આ વધારે ઉત્પાદનના લોભમાં આપણે તણાયાં ને ભૂલી ગયાં. તમને યાદ છે ને, આપણે શરૂઆતમાં ખેતી કરતાં ત્યારે છાણિયા ખાતરથી, રાખથી, ભોથાં-ખડસલાંના સોડથી આપણે ધરતીને ધરવી દેતાં. પણ જીમૂતના પ્રયોગો પછી તો ધરતીને આપણે કાંઈ પાછું આપ્યું નથી. ધીમા ઝેરના ઘૂંટડા પાયા છે.”(પૃ. ૩૦) આમ, સર્જક રાસાયણિક ખેતી દ્વારા થતા ભૂમિ પ્રદૂષણની ટીકા કરી વૈદિક પરંપરામાંથી પ્રગટ થયેલી, ભૂમિની ફળદ્રુપતાને નુકસાન ન પહોંચાડતી તથા ભૂમિ પ્રદૂષણ અટકાવતી જૈવિક ખેતીનો વકાલત કરે છે.
લેખક રેવતીના પાત્ર દ્વારા ઋષિઓની વાણીનો મર્મ ઉકેલતા રાસાયણિક ખેતીના પરિણામ સ્વરૂપ જમીનની સપાટી ઉપર તથા નીચે વસતા માઇક્રો ઇકોસિસ્ટમનો સર્વનાશ કેવી રીતે થાય છે તેના પર પ્રકાશ પાડતા કહે છે “આ માટીના થરેથરમાં જે જીવસૃષ્ટિ ઊભરાય છે તેમને કાંઈ ખવરાવ્યા વિના અમે અનાજ ભરી લાવ્યાં છીએ. તેમનો નાશ કરીને અમે અમારા કોઠાર છલકાવી દીધા છે. ઋષિમુનિઓ કદાચ તેમને જ અતિથિ દેવતા પિતૃ નહીં કહેતા હોય? અમે જ ચોર, પાપાત્મા, નિષ્ફળ અનાજ ખાનારાં નહીં?
આ ધરતીને જડ કોણ કહે? એ તો ચેતનની સાક્ષાત્ મૂર્તિ છે. આ માટીના થરેથરમાં જીવન ઊભરાય છે. જીવસૃષ્ટિ એકબીજાની સહાય અને સંહારના તાણાવાણા બરાબર રાખે છે. તેથી મહાજીવનની ચાદર વણાતી જાય છે. આ જીવન-મૃત્યુની મર્યાદા છે, એટલે તો બધા જ જીવી શકે છે…અમારાં ખેતરોમાં ચેતનનો ચરખો કાંતી રહેલી જીવસૃષ્ટિનો સંહાર કરી અમે સુખેથી જીવી શકશું?… રામ, હળને માર્ગે પણ ભયાનક સુરંગો ચંપાતી હોય છે તેનો ખ્યાલ આવ્યો?”(પૃ.૩૧) આમ, રેવતી અને ઋષિમુનિઓ દ્વારા સૂક્ષ્મજીવાના નિવસનતંત્ર વિશે પર્યાવરણીય ચિંતન પ્રગટ કરવામાં આવ્યું છે. ધરતીપુત્ર ખેડૂત જ ઘણીવાર ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર બની જાય છે તે તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ બળરામ જીમૂતના રાસાયણ વાળી ખેતી ત્યજી સમગ્ર આનર્ત પ્રદેશને છાણીયા ખાતરથી ખેતી કરવાની તાલીમ આપે છે.
ખેતી કરવા માટે જેટલી આવશ્યકતા જમીન, ખાતર, બિયારણ, પાણી, હવા કે હળ જેવા માનવસર્જિત સાધનોની છે તેટલી જ આવશ્યકતા પ્રાકૃતિ સાથે પ્રેમ ભર્યો સંબંધ કેળવવાની પણ છે. બળરામની વાડીમાં એક વાંઝણી લીંબુડી હોય છે. બળરામને મળવા આવતા ખેડૂતો વારંવાર તેમને સમજાવે છે કે આ લીંબુડીના ઝાડને મૂળસોતાં ઉખાડી નાખો, પરંતુ બળરામ તેમની વાત માનતાં નથી. ધીરજ ધરી બળરામ વર્ષો સુધી તેની માવજત કરે છે. તેની સાથે મનની વાતો કરે છે. એક જીવંત વ્યક્તિની જેમ તેનો કાળજીપૂર્વક ઉછેર કરે છે. પરિણામ સ્વરૂપ એક દિવસ આ લિંબુડીના ઝાડ પર લિંબુના ફળ લાગે છે. કૃષ્ણ સહિત તમામાં ખેડૂતો બળરામની સફળતાના સાક્ષી બને છે. આમ, પ્રસ્તુત નવલકથામાં બળરામ કૃષિને એક વ્યવસાય તરીકે નહીં પરંતુ જમીન સાથે, વનસ્પતિ સાથે, પ્રકૃતિ સાથે જોડાણ કરી આપતા સાધન તરીકે ઓળખાવે છે.
પ્રસ્તુત નવલકથામાં બળરામથી વિપરીત સત્રાજિત જીમૂતની સહાયથી વિદર્ભ પ્રદેશમાં રાસાયણિક ખેતી કરી, જરૂરીયાત કરતા અનેકગણું ઉત્પાદન કરી કૃષિનો વ્યવસાય વિકસાવે છે. યુદ્ધધેલા રાજાઓ પાસેથી અનાજના બદલમાં તે મોમાંગ્યા દામ મેળવે છે. નવલકથામાં સત્રાજિત સ્યમંતક મણિના પ્રતાપે નહીં પરંતુ રાસાયણિક ખેતીના પ્રતાપે ધનવાન બને છે. તેનો મોટો ભાઈ પ્રસેન તેનો વિરોધ કરે છે. પ્રસેન સત્રાજિતથી જરા જુદી જ પ્રકૃતિનો ધૂની, વેરાગી, અરણ્ય તથા અરણ્યવાસીઓનો પ્રેમી છે. તે બળરામને પણ સલાહ આપે છે કે ખેતર કરતાં જંગલ શ્રેષ્ઠ છે. ખેતર પરતંત્રતાનું પ્રતીક છે તો જંગલ સ્વાધીનતાનું. પ્રસેનને દ્વારકાના યાદવો પાગલ સમજતા. આથી પ્રસેન બરડા ડુંગરની આસપાસ આવેલા જંગલમાં વસતા ઋક્ષજાતિના લોકો સાથે નિવાસ કરવા લાગે છે. ધનના અભિમાનમાં ભાન ભૂલેલા સત્રાજિતની શાન ઠેકાણે પાડવા માટે અરણ્ય પ્રેમી પ્રસેન જ્યારે સ્યમંતક મણિ ચોરીને વનમાં પાછો જાય છે ત્યારે વૃદ્ધ સિંહનો શિકાર બને છે. સ્યમંતક મણિની શોધમાં આવેલા કૃષ્ણને જાંબવાન જણાવે છે કે “પ્રસેનને સિંહ ખાઈ ગયો. એ બુઢ્ઢો સિંહ, બોખો સિંહ, હું તેને ઓળખું છું. પ્રસેને તેના માટે સારું કામ કર્યું.” (પૃ.૬૩)
જાંબવાનનો આવો પ્રત્યુત્તર સાંભળતા કૃષ્ણના ચહેરા પર વિષાદ છવાઈ જાય છે. તેને દૂર કરવા આહારશૃંખલાનો નિયમ સમજાવતા જાંબવાન કહે છે કે “આવી અચ્છી વાતમાં નારાજ થઈ ગયો, યાદવ, આપણે એકબીજાના કામમાં આવીએ તેના જેવી અચ્છી વાત બીજી કોઈ નથી, કોઈ જ નથી. હું સિંહ કે સાબર પર તીર ફેંકતાં કહું છું, આજે તું મારા કામમાં આવજે, કાલે હું તારા કામમાં આવીશ. તું સિંહ છો ને આ જંગલમાં તારો કોળિયો બનતાં મને મોજ આવશે. તું સાબર છો ને, આ માટીમાં દટાઈ તારે માટે હું ઘાસ થઈ ઊગીશ. પ્રસેન બહુ સારી રીતે ખપમાં આવી ગયો.. પેલો બુઢ્ઢો બહુ બીમાર, અશક્ત, અપંગ હતો.” આમ લેખક મૂળકથાથી જુદી રીતે પ્રસેનના પાત્રનું આલેખન કરી અરણ્ય સંસ્કૃતિનો પરિચય કરાવે છે. જ્યાં ક્ષણે ક્ષણે પ્રકૃતિના રૌદ્ર અને સૌમ્ય બંને સ્વરૂપોનો અરણ્યમાં વસતા આદિવાસીઓ સહજ રીતે સ્વીકાર કરાતા દર્શાવવામાં આવ્યા છે. આ પ્રસંગે બરડા ડુંગરની આસપાસ આવેલી જૈવ વિવિધતાનું પણ લેખક અહીં સવિસ્તાર વર્ણન કર્યું છે. જે અંતર્ગત સિંહ, નીલગાય, સાબર, દિપડો વગેરે પ્રાણીઓ તથા સાગ, પીપળો, તાડ, વડ વગેરે વૃક્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન અર્થે પર્યાવરણને લગતું શિક્ષણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ આપવામાં આવે તેવો અભિગમ હવે કેળવાયો છે. નવી શિક્ષણ નીતિમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. લેખક સાંદીપનિઋષિના ગુરુકુળમાં બળરામ અને કૃષ્ણને મળેલા શિક્ષણમાં તેનો ઉલ્લેખ કરે છે. પર્યાવરણની જાળવણી કરવા માટે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવવા માટે સાંદીપનિ બળરામને “ધરતી સાથેની પ્રીતિ એટલે જીવનભરની પ્રીતિ”(પૃ.૦૬) એવો ગુરુમંત્ર આપે છે. બળરામ આ મંત્રને સાર્થક કરી બતાવે છે. ગુરુના આશ્રમમાં ધર્મશાસ્ત્ર અને ધનુર્વેદ, રાજનીતિ અને લલિતકળાઓના અધ્યયનમાંથી બહાર આવતા બળરામને એવી અનુભૂતિ થતી કે ધરતી તેને પોતાના ગર્ભાશયમાં પાછી ખેંચી રહી છે. ધરતી તેને ઉદરમાં સમાવીને નવો જન્મ આપવા માગે છે. ધરતીના ઉદરમાં આમ ખેંચાઈ જતા બળરામને જોઈ સાંદીપનિએ એકવાર કહ્યું હતુંઃ
“બેટા સંકર્ષણ, કોઈ આકાશને આંબવા દોડતો નહીં. ધરતીના ઉદરમાં પૂરેપૂરો સમાઈ જા! પછી તું ઊગીશ ત્યાં આકાશ ભર્યાં ભર્યાં વાદળથી ઊતરી આવશે અને તું તારાં બીજ વેરીશ ત્યાં કલ્પવૃક્ષ ઊગી નીકળશે.” (પૃ.૦૫)
નવલકથાને અંતે બળરામ ગુરુના આ વચનને પણ સાર્થક કરી બતાવે છે.
પરંતુ બધા ઋષિકુળો સાંદીપનિ જેવા ન હતા. દ્વારકાના નિર્માણ સમયે કૃષ્ણ રૈવતગિરિ, શેત્રુંજય તથા બરડા ડુંગર પર ઋષિકુળો તથા આચાર્યકુળોને વસાવે છે. આ આચાર્યકુળો વિશાળ યજ્ઞશાળાઓનું નિર્માણ કરી ખુબ મોટા પાયે યજ્ઞો કરાવે છે. બળરામ અને કૃષ્ણ જ્યારે આવી એક યજ્ઞશાળાની મુલાકાતે જાય છે ત્યારે તેમને જાણ થાય છે કે યજ્ઞકાર્ય માટે આશ્રમના શિષ્યો આદિવાસીઓની અનુમતિ વિના, જરૂરીયાત કરતાં વધુ પ્રમાણમાં જંગલમાંથી ફળો તથા સમીધ તોડી લાવતા. જેના કારણે જંગલની સમતુલા ખોરવાઈ જતી હતી. બળરામ તેનું નિવારણ કરવા માટે કુલપતિ તથા મહાયાજ્ઞિક પાસે શિષ્યોને દંડ અપાવે છે. પશ્ચાત્તાપ સ્વરૂપે છ મહિના તેમને ભીલોની સાથે વૃક્ષો ઉછેરવાની શિક્ષા બળરામ દ્વારા આપવામાં આવે છે.
મહાભારતના યુદ્ધ સમયે બળરામ યાદવો સહિત તીર્થયાત્રા કરવા પ્રસ્થાન કરે છે. યાત્રા દરમિયાન રેવતી, કૃષ્ણ અને અર્જુન પાસેથી મેળવેલું ધન બળરામ જરૂરિયાતમંદ ખેડૂતો, આદિવાસીઓ તથા તીર્થક્ષેત્રના જિર્ણોધ્ધાર અર્થે દાન કરે છે. પ્રભાસક્ષેત્રથી આ યાત્રા મરુભૂમિમાં પહોંચે છે. સૂકાય ગયેલી સરસ્વતી નદી માટે બળરામ અહીં ચિંતન પ્રગટ કરે છે. નદીને પુનઃ જીવંત કરાવાના પ્રયાસો કરવા મરુભૂમિની જનતાને તેઓ પ્રેરિત કરી છે. મરુભૂમિની યાત્રામાં સમગ્ર કાફલો યાત્રાના મૂળમાર્ગ પરથી ભટકી જાય છે. આવા કપરા સમયે ઉત્તંકમુનિ બળરામની સહાયે આવે છે. ગુરુ ગૌતમઋષિ પાસેથી ઉત્તંકમુનિએ ભૂગર્ભજળ વિજ્ઞાન, વૃક્ષારોપણ તથા સંવર્ધન, બાંધ બાંધવાની કળા તથા પશુપાલનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ જ્ઞાનનો ઉપયોગ કરી, મરુભૂમિમાં વસતા આભીર લોકોની સહાય મેળવી તેઓ રણપ્રદેશમાં ભૂગર્ભ જળની મદદથી જૈવિક ખેતી કરવમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ રણપ્રદેશને આગળ વધતું અટકાવવા માટે તથા લૂંટફાટ અને ચોરી કરનારી આભીર જ્ઞાતિને પ્રકૃતિ સંરક્ષણ-સંવર્ધનના કાર્યોમાં જોડી મરુભૂમિમાં એક નાનું વૃંદાવન ઊભું કરે છે.
ઉત્તંકમુનિ બળરામ સમક્ષ પોતાનો ક્રોધ પણ અભિવ્યક્ત કરે છે. જેમાં વર્તમાન સમયની રાજકીય પરિસ્થિતિ પર કટાક્ષ જોવા મળે છે. આર્યાવર્તના રાજાઓ અભિમાનવશ પોતાના સામ્રાજ્યની સીમા વધારવામાં જ વ્યસ્ત રહે છે. નગર સભ્યતાનો વિસ્તાર કરવા તેઓ ખાંડવપ્રસ્ત જેવા વિશાળ જંગલોનો નાશ કરે છે. શોખ માટે વન્યજીવોનો શિકાર કરી ધરતીને લોહીથી સિંચવા તૈયાર રહેતા યોદ્ધાઓ ધરતીને પોષક દ્રવ્યોથી સિંચવા તૈયાર નથી તે જાણી ઉત્તંકમુનિ ખેદ વ્યક્ત કરે છે. તેઓ બળરામ તથા તેમની સાથે આવેલા તમામ યાત્રીઓ સમક્ષ કૃષ્ણે ઇન્દ્રપ્રસ્ત વસાવવા માટે કરેલા ખાંડવદહનની નિંદા કરે છે. ખાંડવદહન માટે તેઓ માત્ર ને માત્ર કૃષ્ણને જવાબદાર ગણાવી તેમના આ અક્ષમ્ય અપરાધ માટે શ્રાપ આપવાની ઈચ્છા પણ પ્રગટ કરે છે. આ પ્રસંગે બળરામ કૃષ્ણનો બચાવ કરવામાં પહેલીવાર અસમર્થતા અનુભવે છે. યાત્રામાં આવેલા ઋત્વિકો, પુરોહિતો, અન્ય કર્મકાંડી બ્રાહ્મણો અને આભીરો પ્રત્યે પણ ઉત્તંકમુનિ પોતાનો ક્રોધ પ્રગટ કરે છે. તેઓ જણાવે છે કે પર્જન્યને પ્રસન્ન કરવા માટે અમર્યાદિત પ્રમાણમાં, મોટા પાયે વેદઆજ્ઞાનું ઉલ્લંઘન કરી જે યજ્ઞો કરવામાં આવ્યા અને આભીરો દ્વારા તેમના પશુઓનાં ચારા માટે જે રીતે આડેધડ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું તેના પરિણામ સ્વરૂપ આ વિસ્તાર મરુભૂમિ બન્યો અને સરસ્વતી નદી અદ્રશ્ય થઈ. ઉત્તંકમુનિ અભણ આભીરોને તો સમજાવવામાં સફળ રહ્યાં પરંતુ જ્ઞાનિ ઋષિઓને સમજાવવામાં પોતાની અસમર્થતા બળરામ સમક્ષ સખેદ પ્રગટ કરે છે.
આ સિવાય પર્યાવરણ સાથે જોડાયેલા આધ્યાત્મિક વિચારને પણ નવલકથામાં રજૂ કરવામાં આવ્યો છે. કોઈની પણ સામે સરળતાથી ન નમતા બળરામ રૈવત પર્વત પર આવેલા વરસાદી વાદળો સમક્ષ સહજતાથી નતમસ્તક થઈ આભાર પ્રગટ કરતા કહે છે કે “આકાશનાં એ જલંધર છે, હું પૃથ્વીનો હલધર છું. અમારો સંબંધ અખંડ રહેશે ત્યાં સુધી પૃથ્વી રસહીન નહીં થાય”(પૃ. ૧૬).આ ઉપરાંત રેવતીને પૃથ્વીસૂક્તનો પાઠ કરતા તો ઉત્તંક, આચાર્ય અભ્યંકર જેવા મુનિઓ શાંતિમંત્ર, સૂર્ય ઉપાસનાના મંત્રો તથા સ્વસ્તિમંત્રના પાઠ કરતા દર્શાવવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ ઋક્ષરાજ જાંબવન સમક્ષ રુદ્રની પૂજા સમયે થતી બલી પ્રથાનો વિરોધ કરતાં દર્શાવામાં આવ્યા છે. નવલકથાના ઉત્તરાર્ધના પ્રકરણોમાં બળરામ દ્વારા ‘વર્ષામંગલ’ કે ‘કૃષિમંગલ’ જેવા પ્રકૃતિપૂજાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કૃષ્ણ અને ઉષાની સહાયથી આ ઉત્સવ લોકોત્સવના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. આમ નવલકથામાં પ્રકૃતિના દોહનને બદલે પૂજનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. નવલકથાન અંતમાં માત્ર શોખ ખાતર શિકાર કરવાની મનુષ્યની વૃત્તિ પર કટાક્ષ કરતા કૃષ્ણ જરા નામના વ્યાધને કહે છે “મારા માનવ બંધુઓને કહેજે, જ્યારે તમે કોઈ પ્રાણીને મારો છો, ત્યારે મને જ મારો છો.”(પૃ.૨૨૩) પશ્ચિમના વિવેચકો દ્વારા ‘Pastoral’ સંજ્ઞા સંદર્ભે પર્યાવરણકેન્દ્રી વિવેચનવિચારણાને સાંકળવામાં આવી છે. Pastoral સંજ્ઞા અંતર્ગત પર્યાવરણીય ચિંતન પ્રગટ કરતી ગ્રામજીવનને લગતી, કૃષિજીવનને લગતી અને અધ્યાત્મ કે બોધાત્મકતાને લગતી સાહિત્ય કૃતિઓને પર્યાવરણકેન્દ્રી સાહિત્ય કૃતિ તરીકે સ્વીકારી શકાય છે. આથી આ ત્રણે બાબતોને આવરી લેતી મકરન્દ દવે કૃત નવલકથા ‘માટીનો મહેકતો સાદ’ પુરકથાનો વિનયોગ કરી પર્યાવરણીય ચિંતન પ્રગટ કરતી ગુજરાતી સાહિત્ય જગતની મહત્ત્વની કૃતિ બની રહે છે.
કૃતિ સૂચિ:
માટીનો મહેકતો સાદ-હલધર બળરામની કથા, મકરન્દ દવે, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ,
પુનમુદ્રણ -૨૦૨૦
મકવાણા જય મુકેશકુમાર
સિનિયર રિસર્ચ ફેલો, ગુજરાતી વિભાગ,
ફેકલ્ટી ઑફ આર્ટસ,
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા.
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 2 March – April 2025
