કવિ તુષાર શુક્લએ ગુજરાતી ગીત સાહિત્યને અનેક ચિરંજીવી ગીત રચનાઓ આપી છે. કવિ તુષાર શુક્લના ગીતોમાં ભાવનિરૂપણની દૃષ્ટિએ પ્રણયભાવ એ કવિ તુષારનો પ્રિય ભાવ છે. હથેળી, આંખો, દરિયો, વૃક્ષ, ગુલમહોર, વરસાદ, વાદળ, અગાસી, રણ જેવા તત્વો કવિ તુષારના પ્રિય છે. અમદાવાદ જેવા આધુનિક અને ઝડપી જીવન જીવતા શહેર સાથે કવિ તુષારનો ઘણો જ ગહેરો નાતો છે. તેમના ગીતોમાં અમદાવાદનું વાતાવરણ સ્પષ્ટ દેખાય છે. વિશેષ કરીને કૉલેજ કરતા છોકરા છોકરીની મુગ્ધ વય અને તેમની વચ્ચે થતા પ્રણયની વાત કવિ તુષારમાં વિશેષપણે દેખા દે છે. પ્રણયભાવને છલકાવ્યો છે. પ્રથમ ગીતસંગ્રહનું પ્રથમ ગીત ‘પૂછીને થાય નહિ પ્રેમ’ ગીતસંગ્રહમાં પ્રણયરસ છલકાવ્યો છે. ગીતસંગ્રહનું પ્રથમ ગીત ‘પૂછીને થાય નહિ પ્રેમ’ ગીત કવિ તુષારનું ઝળહળતા શિખર સમું છે. પ્રસ્તુત ગીતની પ્રથમ શક્તિ ચિરંજીવી બની છે તેનું સૌંદર્ય જુઓ.
“દરિયાના મોજાં કૈં રેતીને પૂછે
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ.” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.1)
કવિએ પ્રેમની સહજતાને સુંદર ઉદાહરણ દ્વારા અહીં પ્રગટ કરી છે. પ્રથમ પ્રણયમાં ચાહવું અને ચુમવું જાણે એકબીજાના પર્યાય છે. પ્રણયમાં મન મૂકીને વસંતની જેમ પુરબહાર મહોરવાથી જ પ્રેમની પૂજા થઈ શકે છે. આ બાબતને ખૂબ સુંદર રીતે કવિ તુષારે પ્રસ્તુત ગીતમાં પ્રગટ કરી છે. ‘16 વરસની ઉંમર’, ગીતમાં સોળ વર્ષની ઉંમરે થતા સહજ આકર્ષણને કવિએ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. ‘પ્રેમમાં તો એવુંય થાય છે.’ ગીતમાં પ્રણયમાં ઉલ્લાસ વર્ણવ્યો છે. વળી માનવમનમાં પ્રણયરસ ઉતરવાથી થતી અનુભૂતિનું કેવું સુંદર વર્ણન કવિ તુષારે કર્યું છે તે જુઓ.
“આકાશે અષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝધરમરવા આંખોમાં જામે તૈયારી
નમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘા કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.6)
કવિ તુષાર પ્રેમના આરાધક છે. એટલે જ I Love You ને પ્રાણમંત્ર તરીકે ઓળખાવે છે.
“શ્વાસે શ્વાસે પ્રાણમંત્ર જપઃ
ગોરી, I Love You !” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.8)
પ્રેમ માટેની કોઈ ઉંમર નથી હોતી નથી, પરંતુ સોળ વરસ એટલે જ તરસ સોળ વર્ષની ઉંમર થતા મુગ્ધ આકર્ષણ વિશે કવિએ વાત કરી છે. તેમાં પ્રણયનો ઉલ્લાસનું સૌંદર્ય નિખરી ઉઠે છે.
“સોળ વીત્યાં ને થયાં જ્યાં અત્તર
હોવું આખું અત્તર અત્તર
આંખ ભણાવે આંખને હળવે
પ્રેમ પ્રેમના મૂંગા મંતર” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.13)
બીજું એવું ગીત ‘સોળમા વરસે પ્રણય પ્રેમ થાય કે ના ય થાય’, એ બને ગીતમાં પણ મુગ્ધ પ્રણયની વાત જ કવિ તુષાર કરે છે. તો ‘વળી નીચી તું લેવા રૂમાલ’ ગીતમાં કેટલીસરળ ભાષામાં પ્રણયની અભિવ્યક્તિ કરી છે. તે જુઓ.
“વળી નીચી તું લેવા રૂમાલ
ને આજ મારી આંખોમાં ઊમટ્યો ગુલાલ
સાવ સીધો મેં કીધો સવાલ
સખી, તું આજ કરવા દેશનો મને વ્હાલ !” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.55)
પ્રણયના ઉલ્લાસની અસર પણ કેવી વિહવળ બનાવી દે તેવી હોય છે. તો ‘આમ બસ સામે મળ્યો તું’ ગીતમાં કાવ્યનાયિકા પ્રિયપાત્રના મિલનથી તેનામાં કેવા ફેરફાર અનુભવે છે તે જુઓ.
“આમ તો બે વાત કરવાની તરસ રહેતી હતી
કેમ આજે હું જ ભૂલી ગઈ કે શું કહેતી હતી ?
ઘેર આવી આયના સામે હું કાં ચ્હેકી ઊઠી ?” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.65)
કવિ તુષારે ગીતોમાં પ્રણયરસને સઘન બનાવવા માટે વસંત ઋતુનું પ્રણયમાં સંયોજન કર્યું છે અને પ્રણયનાં સુંદર ગીતો આપ્યા છે. કેટલીક વસંતની પંક્તિઓ જુઓ.
“આ તો વાયો વાસંતી વાયરો
એને કેમે કરી કહેવો કહ્યાગરો ?
એ તો ધાર્યું કરે,
મન માન્યું કરે
મારે કેમે કરી એને રે વારવો ?” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.74)
“વસંત મારે આંગણિયે પૂછે સરનામું તારું
કેટલું મેં સમજાવ્યું એને, અલી, આ ઘર છે મારું
કાં આવી ગઈ પરબારું ?” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.75)
“વીતી ગઈ છે પાનખર, આવી રહી વસંત
લીલા છે કોની, કોણ આ ફૂલો મહીં હસંત” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.76)
વસંતમાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલે એમ યૌવન પણ મદમસ્ત બને છે. યુવાન નર-નારીઓની પ્રણયસહજ ચેષ્ઠાઓને પણ કવિ તુષાર છાની નથી રાખતા તે જુઓ.
“શરમાઈ જતી તોય મને જાણ તો થતી
મારી તરફ તું જ રીતે જો તો ઘડી ઘડી” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.95)
આ ચેષ્ઠાઓ જ પ્રણયના પ્રથમ પહોરના ઉઘાડ જેવી બની રહે છે. કવિ તુષારે પ્રણયને નાયક-નાયિકાના વચ્ચે થતાં સંવાદ રૂપે ગીતમાં નિરૂપ્યો છે. તેનું આકર્ષણ પણ અનોખું છે.
“પુરુષઃ ખુલ્લંખુલ્લા આપણ બેઉને મળવા મળશે ક્યારે ?
સ્ત્રીઃ કંકુ છાંટી લખશે આપણી કંકોત્રી કોઈ, જ્યારે !
વ્હાલમ, વાટ જો ને અત્યારે.” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ.116)
પ્રસ્તુત પંક્તિમાં ઉમાશંકર જોશીના ગીત ‘ગોરી મોરી’નો પ્રણય પણ જોઈ શકાય છે. પ્રણય સૌંદર્ય માટે જ કવિએ પ્રણયગીતોનો આખો સંગ્રહ ‘પૂછીને થાય નહિ પ્રેમ’ આપ્યો પરંતુ કવિ તુષાર ગીતરચનાની દૃષ્ટિએ સબળ રચનાઓ ઘણી ઓછી માત્રામાં આપી શક્યા છે. કવિ તુષાર શુક્લે બીજો ગીત સંગ્રહ. ‘મારો વરસાદ’ આપ્યો છે અહીં આ સંગ્રહમાં વરસાદી ગીતો જ સ્થાન પામ્યા છે. કવિએ અનુભવેલા તમામ વરસાદ અને તેમાંથી જન્મેલી અનુભૂતિમાંથી જ આ ગીતો પ્રગટ્યા છે. આ સંગ્રહમાં રહેલા પ્રણય વિષયક ગીતો વરસાદથી રસાઈને આવે છે. કવિ તુષારે વરસાદી ગીતોમાં સ્વાભાવિક રીતે જ અષાઢ, વૃક્ષો, વરસાદ, વાદળ, લીલોતરી, છત્રી, રેઈનકોટ, ભીંજાવું જેવી બાબતોને કવિએ સુંદર રીતે વણી લીધી છે, પરંતુ અહીં નોંધનીય ગીતોની ચર્ચા કરીએ તો ‘સાવ અચાનક મુશળધારે’ ગીતમાં કાવ્યનાયક વરસતા વરસાદ સાથે પોતાની પ્રિયતમાને સરખાવે છે તે મનોરમ્ય ભાસે છે.
“સાવ અચાનક મુશળધારે
ધોધમાર ને નવલખ ધારે
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે
તારી તરસે હું
મને તું વાદળ કહે તો શું ?” (‘મારો વરસાદ’, પૃ. 25)
પ્રસ્તુત ગીતમાં સમગ્રતયા કાવ્યનાયકના મિલનની ઉત્કટ પ્યાસ અને તે પ્યાસમાં પ્રિયતમા પાગલ કહે તો પણ નાયકને વાંધો નથી. તો એ જ રીતે પુરુષ-સ્ત્રીના મિલનની મધુર ક્ષણ અને તેમાં પણ કાવ્યનાયિકાની મીઠી મૂંઝવણ પણ કેવી સુંદર અનુભૂતિ કરાવે તે ‘વાદળ, વરસાદ ને વ્હાલપને વ્હાલમા’ ગીતમાં દર્શાવ્યું છે. તો આવી મૂંઝવણ માત્ર ગીતની નાયિકાની જ નહીં પણ નાયકની પણ થાય છે. ‘વ્હાલ વધે ત્યારે વરસી રહેવું’ ગીતમાં નાયકની મૂંઝવણ કવિ તુષારે છતી કરી છે.
“વ્હાલ વધે ત્યારે વરસી રહેવું
વાદળ જેવો સ્વભાવ ગોરાંદે શું કરીએ ?
લાખ તમે હડસેલો આઘા
અમને હોય લગાવ, ગોરાંદે શું કરીએ ?” (‘મારો વરસાદ’, પૃ. 39)
વરસાદની મોસમમાં કવિ તુષાર ભીંજાવવાની ઘટનાને સ્થૂળ ના ગણતા વ્હાલમાં ભીંજાવવાની વાત કરીને સુક્ષ્મ કોટીએ લઈ જાય છે તે જુઓ.
“ભીંજીએ ભીંજાઈએ બસ વ્હાલમાં, વરસાદમાં
ચાલને, ચાલ્યાં જઈએ, હાથ લઈને હાથમાં.” (‘મારો વરસાદ’, પૃ. 51)
આખાય ગીતમાં વરસાદ કરતા વ્હાલમાં ભીંજાવાની વાત વિશેષ રૂપે પ્રગટ થાય છે. તો મોસમનો પ્રથમ-વરસાદ પ્રેમની પ્રથમ પ્રગટીકરણનું ઉદ્દીપન બને છે. તે બાબતને લઈને કવિ તુષાર કેવી સુંદર વાત કરે છે તે જુઓ.
“પહેલા વરસાદ તણા ભીના અનુભવની
આંખોમાં મ્હેકે છે વાત
કોરાં ધાકોર ગામલોકોએ માંડી છે
લીલીછમ છાની પંચાત” (‘મારો વરસાદ’, પૃ. 95)
વરસાદના સ્મરણો જ ગીતના નાયક-નાયિકાને ભીંજવી દે છે અને એટલે જ કવિ તુષારના નાયક-નાયિકા વરસાદમાં એટલા તન્મય બને છે માનો કે વરસાદમય બને છે. કવિ તુષાર એમને આ રીતે ચીતરે છે.
“પછી આંખોમાં કાજળ પણ લીલું અંજાય
અને દૃશ્યો પણ મારા સમ લીલાં દેખાય
એવો વરસાદી આસવ હો જોરદાર” (‘મારો વરસાદ’, પૃ. 99)
પ્રણયની મીંમાસા જાણે કવિ તુષાર કરે છે અને તેથી જ તેમનું ગીત ‘સાવ સૂની સ્હાજ છે’ ગીતમાં નાયિકા પ્રિયતમને ‘યાદ’ નહીં ‘વરસાદ’ બનીને આવવાની અપીલ કરે છે. આ રીતે ‘મારો વરસાદ’ જેવો આખો સંગ્રહ કવિ તુષાર આપે છે જો કે તેમાં કવિતાનો વરસાદ ઘણો ઓછો જોવા મળે છે.
કવિ તુષાર શુક્લએ ઓક્ટોબર 2008માં ‘તારી હથેળીને’ શીર્ષકમાં જ પ્રણયની અનુભૂતિ થાય છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંની શરૂઆત જ ઓમકારના નાદથી કરવામાં આવી છે. ત્યારબાદ પ્રણયની મુગ્ધ અવસ્થા સોળ વરસના ઉંબર પર પહોંચેલી યુવતીની વાત પોતાના ગીતોમાં કરે છે. તેમાં સોળ વર્ષની ઉંમરમાં તન અને મનમાં થતા ફેરફારને કવિએ સુંદર રીતે પોતાના ગીતોમાં આલેખ્યાં છે.
“છોકરીને સોળ વરસ પૂરાં થયાં
ને ત્યાં તો રેશમિયું રેશમિયું શહેર
ઓરડાની પછવાડે ઉછરેલા છોકરાની
આંખોને થૈ ગૈ છે લ્હેર.” (‘મારો વરસાદ’, પૃ. 5)
ગીતના નાયક નાયિકાની આંગળીઓ પણ વાંસળી થઈને વાગે, રોમ રોમમાં પ્રેમના રાસ જામે, આંખો જાણે કંકોત્રી થઈ જાય, આ બધી જ ચેષ્ઠાઓ સોળ વરસની નિશાનીઓને દર્શાવે છે. કવિ તુષાર શુક્લનો અમદાવાદ સાથે એટલે કે આધુનિક નગર સાથે ગાઢ નાતો રહ્યો છે. તેની અસર પણ તુષારના ગીતો પર સ્પષ્ટ પણે જોવા મળે છે. ‘છોકરાને સપનું આવ્યું’તું’ ગીતમાં અમદાવાદી વાતાવરણ કવિ તુષારે ઊભું કર્યું છે તે જુઓ.
“લૉ ગાર્ડન પાસેથી છૂટા પડ્યા’તા
હજી સાંજે તો સાત સાડા સાતે
ને તોય એને સપનું આવ્યું’તું ગઈ રાતે” (‘તારી હથેળીને’, પૃ. 14)
તો ‘એક સૂઝુકીને કાઈનેટિક’ ગીતમાં પણ અમદાવાદ સ્થિત ‘સીદી સૈયદની જાળી’નો વિનિયોગ કર્યો છે. જો કે અહીં આ શહેરી જીવનનો – અમદાવાદનો વિનિયોગ અંતે તો પ્રણય સૌંદર્યને ઉપકારક જ બનાવે છે તે જુઓ.
“એક સૂઝૂકી ને કાઈનેટિક
વાત કરે નખરાળી
લાજ મૂકી, સાંભળવા ઝૂકી
ગુલમહોરની ડાળી.
પગ અંગુઠે કોતેર છે
સીદી સૈયદની જાળી” (‘તાળી હથેળીને’, પૃ. 15)
કવિ તુષારે ‘આંખો’ને વિષય બનાવીને ‘સખી આંખોનું આયખું તો કેટલું ?’ ગીત રચે છે. તેમાં આંખો, વ્હાલમ અને સોણલાં વચ્ચે રહેલા અતુટ રમ્ય સંબંધની વાત કરી છે.
“આંખો ને સોણલાને પળનો સંબંધ
તો ય સોણલા તો આંખોની સ્હાયબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી.” (‘તારી હથેળીને’, પૃ. 18)
પ્રણય નિખરવાની મોસમ એટેલ ઋતુરાજ વસંત, અનેક કવિઓની જેમ જ કવિ તુષારે વસંત ઋતુનું સુંદર વર્ણન કર્યું છે. ‘રંગ ભરી લઈ કલમ’ ગીતમાં કવિ તુષારે પ્રણયસભર વસંતઋતુની કેવી સુંદર કલ્પના કરી છે તે જુઓ.
“રંગ ભરી લઈ કલમ, કુદરતે
લખ્યો વસંતી પત્ર
માન, માન, માની જા વ્હાલમ
આવી પહોંચને અત્ર” (‘તારી હથેળીને’, પૃ. 34)
પ્રસ્તુત ગીતની નાયિકા પોતાના વ્હાલમને વસંત ઋતુમાં મળવા માટે વિહવળ બની છે. તો ‘એક છોકરીની આંખ મહીં ઉડતો ગુલાલ’ ગીતમાં વસંત ઋતુની યુવા હૈયાઓ ઉપર થતી અસરને સુંદર રીતે નિરૂપિત કરી છે. વસંત ઋતુની વાત જ્યારે કવિ તુષાર કરે છે ત્યારે ફાગણ મહિનો અને હોળીને કેમ કરીને ભૂલે ! ‘સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો’ ગીતમાં ગીતની નાયિકાને એનો પ્રિયતમ જ એને રસ્તામાં સામે મળે છે. અને તેની સાથે હોળી રમે છે તે બાબતને કવિએ પ્રસ્તુત ગીતમાં કેવી નિરાળી રીતે દર્શાવી છે તે જુઓ.
“સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો
ને મારે હૈયૈ રચાયે રંગોળી
મારગમાં રંગ રંગ ટહુકા ખર્યા
ને મેં તો જાણ્યું કે આવી ગઈ હોળી.” (‘તારી હથેળીને’, પૃ. 40)
કવિ તુષારના પ્રણયગીતોમાં પ્રેમીઓને પંખીનું સ્વરૂપ આપીને એક સુંદર માળો ગુંથવાની ક્રિયાને પ્રણયની સુંદર અનુભૂતિ કરાવે છે. ‘કોઈ કહે ગુલમોર બરાબર’ ગીતમાં તે બાબત દેખા દે છે.
“કોઈ કહે ગુલમ્હોર બરાબર
કોઈ કહે ગરમાળો
મનગમતી એક ડાળ ઉપર, ચલ
રચીએ આપણે માળો.” (‘તારી હથેળીને’, પૃ. 49)
એવું જ એક બીજું ગીત ‘હળવે હળવો શીત લહરમાં’ ગીતમાં પણ એવો જ પડઘો પડે છે. તો ‘પ્રેમ એ અવસ્થા છે અને લગ્ન એની વ્યવસ્થા છે.’ કહેનાર તુષાર શુક્લ લગ્નજીવનના સપના સજાવતી અને સાથે પોતાના અતીતને યાદ કરતી નવોઢાના ગીતો પણ કવિ તુષાર શુક્લ આપે છે. ‘ઓ મારા મન ઉપવનના માળી’ ગીતમાં નવોઢાના સુંદર ભાવો રજૂ થયા છે. પોતાની જાતને લજામણીની ડાળીની સાથે સરખાવતી નાયિકા પોતાના પ્રિયતમને જણાવે છે કે,
“એક ક્યારેથી બીજે ક્યારે
રોપાવું ને ઉગવું મારે
મહિયરની માટી સંગાથે
આવી છું હું આંગણ તારે
સ્નેહથી લે સંભાળી સાજન
વ્હાલથી લે જે વાળી.” (‘તારી હથેળીને’, પૃ. 61)
તો પ્રણયભાવની વાત આવે ત્યારે પ્રેમના ચિરંજીવી પ્રતીક સમા રાધા અને કૃષ્ણને કોઈ કવિ ભૂલી શકે ખરો ? કવિ તુષાર પણ તેમાંથી બાકાત કૃષ્ણ અને રાધાનો સહારો લે છે.
“માધવ લખે તો સખી, કેવું લખે ?
એમાં શબ્દો હશે કે હશે સૂર ?
ખોલું ? ન ખોલું ? હું શું રે કરું ?
એમાં ટીપા હશે કે હશે પૂર ?” (‘તારી હથેળીને’, પૃ. 72)
જ્યારે કૃષ્ણનો સંદેશો લઈને ઓધવજી ગોકુળ આવે છે ત્યારે ગોકુળની ગોપીઓ અને રાધામાં તે સંદેશાને વાંચવાની તાલાવેલી અને તેમાં માધવનો ગોકુળ માટેનો પ્રેમ તથા ગોપીઓનો વિરહ પણ સુપેરે દર્શાવ્યો છે. કવિ તુષારે પ્રણયમાં ઓગળેલો રતિભાવને નિરૂપિત કરવા માટે શૃંગારી ગીતો પણ આપ્યા છે. કવિ તુષારે સ્પર્શ ને ચુંબનને કેવા નવા પરિમાણોથી દર્શાવી છે તે જુઓ.
“જ્યાંથી અટક્યો શબ્દ, સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત
હથેળીઓમાં છલકે તારી છાતીનું સંગીત.”
અંતરને અંતરનો અનુભવ સાવ અજાણ્યો લાગે
હોઠને કાંઠે હોઠ ટહુકતા, એવો અવસર માગે.” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ. 118)
તો આજ મેં તો ‘વાદળને લઈ લીધું બાથમાં’ ગીતમાં ગીતની નાયિકા પ્રિયતમના વાદળ માની તેની પ્રતીક્ષા કરે છે.
“આજ મેં તો વાદળને લઈ લીધું બાથમાં
વાદળ સંગાથે એક આખું આકાશ
મારી છાતી શું ભીંસાયું સાથમાં.” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ. 127)
આ સિવાય હોઠે માંડેલું મદમીઠું વાદળ, આંખોમાં ઉઠેલો અષાઢ, પિયુની યાદમાં રંગભીની નાયિકા આ બધી બાબતો પ્રસ્તુત ગીતમાં શૃંગારિક વાતાવરણ ઊભું કરે છે. તે ‘સાવ અડોઅડ તું સૂતી’તી એમ’ ગીતનો ઉપાડ જ શૃંગાર રસથી છલકતો દર્શાવ્યો છે.
“સાવ રે અડોઅડ તું સૂતી’તી એમ
શાંત સરવરના જળશી પથરાઈ
સર્જાયાં વલયો, જ્યાં પડી સ્પર્શકાંકરી
ને સ્પંદિત થઈ તુંયે લહેરાઈ…” (‘પૂછીને થાય નહીં પ્રેમ’, પૃ. 128)
તો આ જ ગીતમાં જોશ જોવાના બહાને ગીતનો નાયક પોતાની પ્રિયતમાના હાથને સ્પર્શે છે. આ સ્પર્શમાત્રથી તેનામાં રતિભાવનું પ્રતિપાદન થાય છે. ‘મારો વરસાદ’ ગીત સંગ્રહમાં ‘ટપ, ટપ, ટપ ટપ, ટપક, ટપક, ટપ’ ગીતમાં વરસાદની સાથે સંકળાયેલો ઉન્માદી વાતાવરણ અને રોમેન્સ ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે.
“બે કાંઠાના બાહુઓ વચ્ચે, સરિતા જલ ભરપૂર,
મત્ત મિલનના સોણલે ડોલે મહેરામણ ચકચૂર.” (‘મારો વરસાદ’, પૃ. 8)
તો ‘મારો સ્હાયબો અષાઢીલો મેઘ છે સખી’ ગીતમાં નાયિકા પોતાના પિયુને પ્રિયતમ એ અષાઢીલો મેઘ કહે છે.
“મારો સ્હાયબો અષાઢીલો મેઘ છે સખી
એને વરસંતા લાગે છો વાર
પણ, વરસે ત્યારે અનરાધાર” (‘મારો વરસાદ’, પૃ. 59)
પ્રસ્તુત પંક્તિમાં અનરાધાર વરસવાની ઘટના રતિક્રિડાને આકારિત કરી આપે છે. તો ‘કલમ વીજળી, વાદળ કાગળ’ ગીતમાં ગીતની નાયિકાના વક્ષસ્થળ પર મોર ચીતરતો નાયક અને નાયિકામાં જાગતો રોમેન્સ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે.
“રાતા રાતા છૂંદણે, છાતી પર
તું ચીતરે મોર
કોઈ ન જાણે ને નસનસમાં
કલરવતો કલશોર
ના કહેવાતું, ના સહેવાતું
થાતું શેનું શું -” (‘મારો વરસાદ’, પૃ. 87)
પ્રસ્તુત ગીતમાં નસનસમાં જાગતો કલરતો કલશોરથી રોમેન્સને આકારિત કર્યું છે. તેમાં કવિની કલાનું આગવું સૌંદર્ય દેખાય છે. ‘આ ઉદાસી સ્હાંજની’ સંગ્રહમાં ‘છાતી પર છલકાતાં મોજાં લઈને’ ગીતમાં નાયિકાને દરિયો અને ગીતના નાયકની હથેળીઓનું છલકાવુંની ઘટના ગીતમાં શૃંગારિક વાતાવરણ ઊભું કરે છે.
“છાતી પર છલકાતાં મોજાં લઈને
તારું ધસમસતા દરિયા શું આવવું
પછી મારી આ બળબળતી કોરી હથેળીઓને
બે કાંઠે લથબથ છલકાવવું
મારે કેમ કરી આ રે છુપાવવું ?” (‘આ ઉદાસી સ્હાંજની’, પૃ. 31)
તો ‘વ્હાલમ વરણાગી થઈ અડક્યો’ વસંતમાં નાયિકાની રતિ ઈચ્છાનો ભાગ કવિ તુષારે સુંદર રીતે દર્શાવ્યો છે તે જુઓ.
“વ્હાલમ વરણાગી થઈ અડક્યો વસંતમાં
ને કમખાની કસ રહી તૂટી
ચૂંદડીએ ચિતરેલી ચમ્મેલી વેલ
અને મઘમઘતી કળીઓ ગૈ ફૂટી.” (‘તારી હથેળીને’, પૃ.43)
ગીતની નાયિકાની પાદરમાં પ્રિયતમ સાથે મુલાકાત થાય અને ક્રમશઃ એ મુલાકાત ઘરનો વાડો, આંગણાની ઓસરી અને અંત ઘરની અંદર સુધી પહોંચે અને શૃંગાર રસ તેની સાથે જ પરાકાષ્ઠાએ પહોંચે છે.
તુષાર શુક્લના ગીતોમાં વિરહ ભાવ સૌંદર્ય
કવિ તુષારે પ્રણયની સાથે અવિનાભાવે બંધાયેલ વિરહની વેદનાના ગીતો પણ આપ્યા છે. બલકે કહેવું ઘટે કે વિરહના ગીતો માટે એક આખો ગીતસંગ્રહ ‘આ ઉદાસી સ્હાંજની’ આપ્યો છે. પ્રસ્તુત ગીત સંગ્રહનું શીર્ષક જ જાણે ઉદાસી-વિરહની વેદનાને પ્રદર્શિત કરી દે છે. કવિ તુષારના વેદનાના ગીતોમાં દરિયો, દરિયાકિનારો, સાંજ, માછલીઓ જેવા કુદરતના તત્વોનો વિનિયોગ કરે છે. ‘છે સંધ્યા ને સાગરને હું છું’ ગીતમાં ગીતનો નાયક પ્રિયતમાના વિરહમાં વ્યાકુળ છે તે કહે છે કે,
“છે સંધ્યા ને સાગર ને હું છું
નથી તું ને છે તારો કાગળ
છે રણ જેવું તરસ્યું તડપતું આ હૈયું
ને હાથોમાં વાદળ.” (‘આ ઉદાસી સ્હાંજની’, પૃ. 7)
નાયકે હથેળીઓમાં રાખેલો પ્રિયતમાનો કાગળ પણ મૃગજળ જેવો લાગે છે. આ મૃગજળનું કલ્પન વિરહના ભાવમાં સૌંદર્યનો વધારો કરે છે. પ્રિયતમ અને પ્રિયતમા મળે એમાં પ્રેમ જ હોય તેવું જરૂરી નથી, મળ્યા પછી એક-બીજામાં ઓગળવું પણ એટલું જ જરૂરી હોય છે. એથી જ કવિ તુષાર ‘એ જ સ્થળ ને એજ મોસમ’ ગીતમાં મળ્યા પછી એકબીજામાં ઓગળી ના શકનારા પ્રેમીઓનો વિરહ લઈને આવે છે.
“એ જ સ્થળ ને એ જ મોસમ, અહીંઆ મળ્યા’તાં આપણે
તે પછી આંસુના દીવા, ઝળહળ્યાં’તા પાંપણે”
“આપણે કેવળ મળ્યાં, ક્યાં ઓગળ્યાં’તો આપણો” (‘આ ઉદાસી સ્હાંજની’, પૃ. 9)
તો કવિ તુષારના નાયક પોતાની પ્રિયતમાની યાદો પણ કેવા વિરહની વેદનામાં લઈ જાય છે તે ‘દૂર દૂર દરિયા પર ઊતરતી સ્હાંજ સમું’ ગીતમાં દેખાવ છે.
“આથમતા સૂરજમાં સ્મરણોના રંગ
એમાં રંગાયું આખું આકાશ,
એક એક રંગ સંગ હૈયા ખટકે છે.
વિતેલા દિવસો થૈ ફાંસ” (‘આ ઉદાસી સ્હાંજની’, પૃ. 13)
તો ‘વ્હાલાની વ્હાલનું વહી જતું વ્હાલ’ ગીતમાં પ્રિયતમથી દૂર થયેલી નાયિકાની હાલત પણ કપરી થાય છે. આમ કવિ તુષાર શુક્લએ વિરહના ગીતો આપ્યા છે. અને આ ગીતો પ્રણય સાથે સંકળાયેલાં છે. આમ, કવિ તુષાર શુક્લનાં ગીતોનું અને પ્રણયભાવનું સૌંદર્ય જ તુષારના ગીતોમાંથી નીખરે છે.
સંદર્ભ :
આ ઉદાસી સ્હાંજની, તુષાર શુક્લ, નવભારત સાહિત્ય મંદિર, આવૃત્તિ ૨૦૦૭
પૂછીને થાય નહીં પ્રેમ, તુષાર શુક્લ, નવભારત સાહિત્ય મંદિર, આવૃત્તિ ૨૦૦૭
મારો વરસાદ, તુષાર શુક્લ, નવભારત સાહિત્ય મંદિર, આવૃત્તિ ૨૦૦૭
તારી હથેળીને, તુષાર શુક્લ, વિશાલ પબ્લિકેશન, આવૃત્તિ ૨૦૦૮
ડૉ. અભિષેક દરજી
આસીસ્ટન્ટ પ્રોફેસર(ગુજરાતી)
સરકારી વિનયન કૉલેજ કઠલાલ.
abhishekvrundavan@gmail.com
Mo. ૭૫૬૭૦ ૦૭૪૧૨