મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કૃતિવિષયક, કર્તાવિષયક, સમયનિર્ણય, અર્થનિર્ણય અને પાઠસંપાદન જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સૌમાં પાઠસંપાદનની સમસ્યા વિલક્ષણ છે. કેમકે મધ્યકાળમાં જે સાહિત્ય પ્રાપ્ત થયું છે તે મોટેભાગે હસ્તપ્રતોમાં સચવાયેલું છે. મધ્યકાળના કવિઓ આ હસ્તપ્રતોની અનેક નકલો લહિયા પાસે લખાવતા. જેથી લાહિયાઓ ક્યારેક હસ્તપ્રતોમાં ઉમેરો પણ કરતાં. આના કારણે હસ્તપ્રતોમાં એકથી વધારે પાઠાંતરો પ્રાપ્ત થયા છે. ક્યારેક હસ્તપ્રતોને વારંવાર ઉપયોગમાં લેવાથી કે ફાટી જવાથી અક્ષરો ઘસાવા લાગ્યા. આવાં અનેક પ્રકારનાં કારણોને લીધે પાઠ સંપાદન એ મધ્યકાળનાં સાહિત્યાભ્યાસ અને સાહિત્ય સંદર્ભે મહત્ત્વની સમસ્યા ગણાવી શકાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નર્મદ, બ.ક.ઠાકોર, કેશવ હર્ષદ ધ્રુવ, કે. બી. વ્યાસ, મંજુલાલ મજમુદાર, ઉમાશંકર જોશી, હરિવલ્લ્ભ ભાયાણી, જયંત કોઠારી વગેરે સંશોધકોએ જુદી જુદી હસ્તપ્રતોનો અભ્યાસ કરીને શાસ્ત્રીય સંશોધનો અને પાઠસંપદનો આપ્યાં છે.
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર એ ઓગણીસમી સદીનાં આપણા પ્રતિષ્ઠિત સંશોધક અને સંપાદક છે. તેમની પાસેથી ‘અંબડ વિદ્યાધર રાસ’ (૧૯૫૩), ‘ગુર્જર રસાવલી’ (૧૯૫૬) અને ‘વિક્રમચરિત્ર રાસ’ (૧૯૫૭) જેવાં સંશોધનો-સંપાદનો પ્રાપ્ત થયા છે. તેમણે આ સંશોધનો અને સંપાદાનોમાં વિવિધ હસ્તપ્રતોનો અભ્યાસ કરીને તેમની સમીક્ષિત વાચના કર્યા પછી પાઠસંપાદનો આપ્યાં છે. આટલી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ ત્યારે તેમાં બ.ક.ઠાકોરની સંશોધક અને સંપાદક તરીકેની સૂઝ અને સમજશક્તિ દૃશ્યમાન થાય છે.
મારે અહીં બ. ક. ઠાકોર સંશોધિત-સંપાદિત ‘અંબડ વિદ્યાધર રાસ’માં પ્રયોજાયેલી હસ્તપ્રતો વિશે વાત કરવી છે. સંશોધકે વાચક મંગલમાણિક્ય વિરચિત ‘અંબડ વિદ્યાધર રાસ’માં વિશ્વસનીય ગણાય એવી જૂનામાં જૂની હસ્તપ્રતો પરથી આ રાસનો પાઠસંપાદન આપ્યો છે. ‘અંબડ વિદ્યાધર રાસ’ના કર્તા મંગલમાણિક્યે આ રાસનું આલેખન મુનિ રત્નસૂરિશ્વરના સંસ્કૃત ‘અંબડચરિત્ર’ પરથી ગુજરાતીમાં કર્યુ છે. કર્તા જણાવે છે તેમ રત્નસૂરિએ સંસ્કૃત કૃતિનો ગુરુ ભાનુભટ્ટ પાસે અભ્યાસ કરીને આ રાસ રચ્યો.
સંશોધકે શા માટે આ રાસને ‘અંબડ વિદ્યાધર રાસ’ નામ આપ્યું છે તે પણ નોંધે છે : આપણાં મધ્યકાલીન રાસસાહિત્યમાં અંબડ રાસને નામે અનેક પોથીઓ જળવાયેલી છે તેમાં એક રાસ મોટો અને બીજા અન્યોન્ય ભિન્ન બે ન્હાના ન્હાના રાસની જુદે જુદે સમયે લખાયેલી શુદ્ધાશુદ્ધ નકલો છે. આ મોટા અંબડ રાસને જ હું એ નાયકને લગતા બીજા રાસોથી જુદો પાડવાને ‘અંબડ વિદ્યાધર રાસ’નું નામ આપું છું. સંશોધક સિંહાસનબત્રીસી અંતર્ગત રાસજૂથની જે કથાઓ પ્રાપ્ત થાય છે, તે સૌમાં ‘અંબડ વિદ્યાધર રાસ’નું સ્થાન પહેલું નોંધે છે. સિંહાસનની જે બત્રીસ પૂતળીઓ છે, તેમાંની દરેક પૂતળીઓ એક કથા કહે છે, તે બત્રીસે બત્રીસ પૂતળીઓનાં મૂળ અંબડ વિદ્યાધરમાં રહેલાં છે. આ બત્રીસ પૂતળીઓ એટલે બીજું કોઈ નહિ પરંતુ અંબડની બત્રીસ રાણીઓ છે. આ રીતે સંશોધક કથાનકનાં છેક મૂળ સુધી જઈને તેની તલસ્પર્શી ચર્ચા કર્યા પછી કથાનકનાં રસબિન્દુ સુધી પહોંચે છે.
બલવંતરાયને આ રાસની મૂળ સંસ્કૃત રચનાની હસ્તપ્રત પૂણે ભાણ્ડાર્કર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટનાં સંગ્રહાલયમાંથી પ્રાપ્ત થાય છે. આ હસ્તપ્રત વર્ષો જૂની હોવાથી ચૂંથાયેલી, ભાંગેલી-તૂટેલી અને વરસાદના પાણીના વાંછોટથી ખરડાયેલી હતી. સંશોધક હસ્તપ્રતના ચોંટી ગયેલા પાનાં છૂંટા પાડે છે, તો તેમાં પાણીને લીધે બધાં જ પાનામાં ડાઘા જુએ છે. વળી, બધાં જ પાનામાં શાહી રેલાયેલી હોય છે. જેને કારણે આ હસ્તપ્રતના અક્ષરો વાંચવામાં મૂશ્કેલી જણાઈ અને થોડાં અક્ષરો પ્રયત્નપૂર્વક વાંચી શકાયા. સંશોધક બલવંતરાયને આ હસ્તપ્રતના છેલ્લે પાને એક શ્લોકમાં રચના સાલનો નિર્દેશ હોય એવું લાગે છે. પરંતુ , એ શ્લોકની પરિષ્કૃત વાચના થઈ શકી નહિ.
સંશોધકે ‘અંબડ વિદ્યાધર રાસ’નાં પાઠ-સંપાદનમાં મુખ્યત્વે ત્રણ હસ્તપ્રતોનો સ્વીકાર કર્યો છે :
- પહેલી હસ્તપ્રત ડેક્કન કૉલેજવાળી
- બીજી હસ્તપ્રત નડિયાદમાંથી પ્રાપ્ત થયેલી
- ત્રીજી હસ્તપ્રત અમદાવાદમાં જૈન હસ્તપ્રતોના પ્રદર્શન વાળી
હવે આ જુદી જુદી ત્રણેય હસ્તપ્રતો વિશે વિગતે વાત કરીએ.
પ્રથમ હસ્તપ્રત તેમને ડેક્કન કૉલેજમાંથી રાજકોટમાં વિવિધ હસ્તપ્રતોનું પ્રદર્શન ગોઠવાયું હતું તેમાંથી પ્રાપ્ત થાય છે. આ પ્રદર્શનમાં તેમની નજરે ત્રણ હસ્તપ્રતો પડે છે. આ ત્રણેય હસ્તપ્રતોનો તેઓ પ્રાથમિક ધોરણે અભ્યાસ આરંભે છે. તે ત્રણેય હસ્તપ્રતોમાંની એક હસ્તપ્રત એટલે આ ‘અંબડ વિદ્યાધર રાસ’. આ હસ્તપ્રતનો અભ્યાસ કરવા તેઓ આ હસ્તપ્રતને પૂણેથી ત્રણ-ચાર વાર મંગાવે છે તો ત્યાં ચાર-પાંચ અઠવાડિયા રોકાઈને તેનો અભ્યાસ આરંભે છે. સંશોધકે આ હસ્તપ્રતને ‘ભા’ સંજ્ઞાથી ઓળખાવી છે.
બીજી હસ્તપ્રત સંશોધકને નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક કાર્યકર પાસેથી પ્રાપ્ત થાય છે. આ બીજી હસ્તપ્રત સંશોધકને પહેલી હસ્તપ્રત કરતાં જૂની અને વધારે સારી જણાઈ. સંશોધકને આ હસ્તપ્રત શા માટે જૂની અને વધારે સારી લાગી છે તેનું નક્કર કારણ આપતા જણાવે છે કે આ કથાનકની અનેક જૂની પ્રાકૃત અપભ્રંશ ગુજરાતી હિંદી પોથીઓ જોઈ છે. એ સૌમાં આનાથી વધારે શુદ્ધ રીતે લખાયેલી બીજી એકપણ હસ્તપ્રત પ્રાપ્ત થઈ નથી. નડિયાદમાંથી પ્રાપ્ત થયેલી આ બીજી હસ્તપ્રતને સંશોધકે ‘ન’ સંજ્ઞાથી ઓળખાવી છે.
ત્રીજી હસ્તપ્રતને સંશોધક સારાભાઈ નવાબે અમદાવાદમાં જૈન હસ્તપ્રતોનું પ્રદર્શન રાખ્યું હતું ત્યાં જૂએ છે. સંશોધક ભાવનગરના મિત્ર કુંવરજી કાપડિયાની સલાહથી, એક બેરિસ્ટરની ચિઠ્ઠી લઈને અને બીજા એક મિત્રની મારફતે આ હસ્તપ્રત મેળવે છે. જૈન હસ્તપ્રદર્શનમાંથી પ્રાપ્ત થયેલી આ હસ્તપ્રતને સંશોધક ‘પા’સંજ્ઞાથી ઓળખાવે છે.
આ સૌમાં ‘ન’ હસ્તપ્રતની ગુણવત્તા જોઈને સંશોધક ‘અંબડ વિદ્યાધર રાસ’નું સંપાદન કરવાનું નક્કી કરે છે. ઉપરની ત્રણ હસ્તપ્રતો સિવાય બીજી હસ્તપ્રતો મેળવવાનો તેઓ પ્રયત્ન કરે છે. બે જુદા-જુદા જ્ઞાન ભંડારોમાં આ રાસની એક એક હસ્તપ્રતો છે, તેવી ચોક્કસ માહિતી મળતાં, તેઓ એ હસ્તપ્રત મેળવવા જાય છે. પરંતુ કાંઈપણ હાથે લાગતું નથી. હસ્તપ્રત મેળવવા કેવી વિચક્ષણ પરિસ્થિતિમાં મૂકાવવું પડે છે તેનું સચોટ વર્ણન સંશોધક કરે છે. “આપણાં કેટલાંક જ્ઞાનભંડારોના રખેવાળ ધનિકો સ્વદેશી વિદ્વાનોને દાદ જ દેતા નથી, જ્યારે જર્મની-અમેરિકાથી કોઈ અજાણ્યો ટોપીવાળો પણ ગ્રંથો મેળવવાને આવ્યો હોય, તો તેઓ સામા સ્ટેશન ઉપર જઈને પોતાના જ્ઞાનભાંડરોમાંની વીશપચીશ અમૂલ્ય વાનીઓ તેની આગળ ધરી દે છે, અને તેને જે જોઈતી હોય તે તો આપે જ ઉપરાંત એક બે બીજી પણ વળગાડે, અને આગગાડી સ્ટેશને અર્ધો કલાક જ રોકાતી હોય તે દરમિયાન એ ટોપીવાળાને પોતે મેળવવા ઇચ્છતો હોય એ કરતાં પણ વધારે મળી જાય, આપણો ગરીબ બાપડો દેશ સંતાનને હાથે જ લૂંટાય-એવું મેં નઝરે જોયું છે. હોય, ગુલામીમાં છૂંદાયેલી પ્રજાના આગવા બીજી જાતના હોય પણ ક્યાંથી ! વારું, આવું હીન માનસ સૈકાઓ લગી ચાલેલું પણ હવે તેની ઘટિકાઓ ભરાઈ ચુકેલી લાગે છે. હવે પછીની પેઢીઓમાં આપણા વિદ્વાનોને આવી કશી મુશ્કેલીઓ નહીં નડે એવી આશા રાખું છું.” આ રીતે પાઠસંપાદનનાં સંપાદકે આવી વિચક્ષણ મુશ્કેલીમાંથી પણ ક્યારેક પસાર થવું પડે છે.
બલવંતરાયે ઉપર મુજબની ત્રણેય હસ્તપ્રતોનો તુલનાત્મક અભ્યાસ કરીને, અભ્યાસાન્તે તેની પરિષ્કૃત વાચના આપી છે. સંશોધકે ‘ન’ હસ્તપ્રત જે નડિયાદમાંથી પ્રાપ્ત થઈ છે તેને આદર્શ માનીને આખો રાસ એમાં જે પ્રમાણે છે તે પ્રમાણે આપ્યો છે. આ હસ્તપ્રતમાં સંશોધકને ઘણાં શબ્દોની જોડણી એકધારી લાગી નથી. વિશેષ નામ, સામાન્ય નામ, ભાવવાચક નામ, સર્વનામ, વિશેષણ, અવ્યય, નામાદિનાં વચન-વિભક્તિ આદિ પ્રમાણેનાં રૂપ, કશું જ એકધારું લાગ્યું નથી. વળી, આ ‘ન’હસ્તપ્રતમાં છેલ્લું પાનું નથી. જેથી સંશોધક બીજી હસ્તપ્રત પાસે જાય છે. તેઓ પૂણેથી પ્રાપ્ત થયેલ ‘ભા’ સંજ્ઞાવાળી હસ્તપ્રતની શાસ્ત્રીય વાચના કરી, એ પ્રમાણે છેલ્લાં પાનાનો પાઠ સ્વીકારે છે.
બલવંતરાય ‘અંબડ વિદ્યાધર રાસ’નાં પાઠ-સંપાદન દરમિયાન ‘ન’ હસ્તપ્રતમાં થયેલ જોડણી વૈવિધ્ય અને કેટલીક વિશેષતાઓ નોંધે છે. જે નીચે પ્રમાણે છે :
- જેમકે લક્ષ્મી શબ્દ લષમી, લષિમી, લાછી, લાચ્છી, લચ્ચી એ પાંચ શ્બ્દોમાંથી ગમે તે જોડણીએ લખ્યો છે.
- ખ સંજ્ઞા બહુ ઓછી વાર લખેલી જોવા મળે છે. ઘણેખરે હસ્તપ્રતમાં ષ જ છે. ચોખ્ખા ષ ઉચ્ચારણવાળો કે ચોખ્ખા ખ ઉચ્ચારણવાળો સંસ્કૃત શબ્દ હોય ત્યાં ષ લખ્યો છે. જોકે આ હસ્તપ્રતમાં ખ ક્યાંય નથી એવું પણ નથી.
- આ હસ્તપ્રતમાં અનુસ્વાર ઘણાં છે, ન હોવા જોઈએ ત્યાં પણ ઘણાં છે. જેમકે-માંન, કાંન, પાંન વગેરે
- સંશોધકે બહુવચન રૂપોનાં, બીજા પુરુષનાં કેટલાંક ક્રિયાપદ રૂપોનાં હસ્તપ્રતમાં જે અનુસ્વાર છે તેવાં જ રાખ્યા છે, પરંતુ માંન, કાંન, નાંમ વગેરેમાંથી કાઢી નાખ્યાં છે. જ્યારે ક્રંમ જેવાં છંદને માત્રાની જરૂર હોય ત્યારે એમ જ રાખ્યાં છે.
બલવંતરાય ઠાકરે વિવિધ હસ્તપ્રતોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. આ હસ્તપ્રતોનાં પાઠભેદો અને પાઠાંતરોની ચિવટતાથી નોંધ કરી છે. પાઠભેદો અને પાઠાંતરો નોંધીને જૂનામાં જૂની અને કર્તાના સમયની નિકટની હસ્તપ્રતનો સ્વીકાર કર્યો છે. સંશોધકે ‘ન’ હસ્તપ્રતને મુખ્ય પ્રત માનીને, શાસ્ત્રીય પદ્ધતિથી ‘અંબડ વિદ્યાધર રાસ’ની સમીક્ષિત વાચના આપી છે.
સંદર્ભ :
૧. અંબડ વિદ્યાધર રાસ, સં. બલવંતરાય ઠાકોર, બુક સેલર્સ પબ્લિશર્સ, મુંબઈ, ૧૯૫૩
૨. હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન, હરિવલ્લભ ભાયાણી, લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૨૦૦૭
ડૉ. હેમંત પરમાર
આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર.