૨. લગ્નગીત–‘ફટાણાં’માં પશુઓનો વિનિયોગ : કેટલાંક ગીત સંદર્ભે – ડૉ. વિપુલ કાળિયાણિયા

     લોકવિદ્યાનો એક મહત્ત્વનો ભાગ લોકસાહિત્ય છે. પ્રાચીન સમયથી આપણી પરંપરા દ્વારા જનસમૂહમાં આવેલ પેઢી દર પેઢીથી પ્રચલિત રૂઢિઓ, વિધિઓ, મંત્ર-તંત્ર, શુકન-અપશુકન વગેરેને વિદ્વાનો Folk Lore (લોક વિદ્યા) તરીકે ઓળખે છે. લોકસાહિત્યનું એક અંગ લોકગીત. લોકગીત અંતગર્ત ‘લગ્નગીત’નો સમાવેશ થાય છે. લગ્ન જેવા મહત્ત્વનાં સંસ્કાર બાબતે આપણે સૌ વિદિત છીએ જ. એટલે એ ચર્ચામાં ન પડતા લગ્ન સમયે કન્યાપક્ષે લગ્ન લખાય- વરપક્ષે લગ્ન આવે ત્યારથી દરેક વિધિમાં ગીત ગાવામાં આવે છે. એમાંય ‘સાંજીના ગીતો’ ખૂબ જ મહત્ત્વના છે. સાંજીના ગીતોમાં, પ્રભાતિયામાં વગેરેમાં અણવરને એટલે કે મોટે ભાગે જમાઈને કે ભોજાઇઓને જે ફટાણાં ગવાય છે તે ફટાણાંમાં, લગ્નના દિવસે વેવાણને પણ જે ફટાણાં ગવાય છે તે બધા ફટાણાંમાં પશુઓનો વિનિયોગ થયો છે તે સંદર્ભે થોડી વાત કરવાનો મનસૂબો છે.

     લગ્નગીત-‘ફટાણાં’માં પ્રયોજાતા પશુઓનાં ઉલ્લેખ સંદર્ભે થોડી વાત કરવી છે; તો સૌ પ્રથમ પસંદગીનાં ફટાણાંને રજૂ કર્યા પછી ચર્ચા કરીશું.

  • પસંદિત ફટાણાં :
    • . “રેંટિયો શેર સુતર કાંતે કસુંબી રંગ લ્યો…
      એની મેક્સી શીવરાવો કસુંબી રંગ લ્યો…
      મેક્સી અણવરને પે’રાવો કસુંબી રંગ લ્યો…
       બે મીંદડાં બેસાડો કસુંબી રંગ લ્યો…
      મીંદડાં મ્યાઉ મ્યાઉ બોલે, અણવરનાં દલડા ડોલે કસુંબી રંગ લ્યો…”

    •   ૨. “ગઢમાં ગધેડી વૈયાણી ભોળા ભમઇડા રે…
      એનું દૂધ મંગાવો ભોળા ભમઇડા રે…
      એનાં પેંડા બનાવો ભોળા ભમઇડા રે…
      પેંડા મધુને ખવડાવો ભોળા ભમઇડા રે…”
    • ૩. “પાડો રાવણો રે…પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે…
      પાડે અણવર ચડી જાય પાડો રાવણો રે…
      હાથમાં પાપડ લેતો જાય પાડો રાવણો રે…”
    • . “રામ પીળા પીતાંબર બહુ શોભે
      રામ પીળા પીતાંબર બહુ શોભે….
      અમારા સતીસભાઈના ઘરના બહુ ધોળા, અમે વગર ગધેડે ગધેડાવાળા
      રામ પીળા પીતાંબર બહુ શોભે….
      અમારા જયેસભાઈના ઘરના બહુ કાળા, અમે વગર ભેંશુંયે ભેંશવાળા
      રામ પીળા પીતાંબર બહુ શોભે…
      અમારા મુનીબેનના ઘરના બહુ ઊંચા, અમે વગર ઊંટે ઊંટવાળા,
      રામ પીળા પીતાંબર બહુ શોભે……..!”
    • ૫. “મકવાણાની શેરીએ કાંઈ કિચડ જામી
      આવતા પ્રીતેસ લપસ્યો એનો ઢીંચણ ભાંગ્યો
      ‘આંકડ-લીંબડ, ભેશના શીંગડ; એને દીવાની શગે શેકજે, તને ફરીન પાકે!’
      મકવાણાની શેરીએ કાંઈ કિચડ જામી.”
    • ૬. “કાચી દૂધીનો હલવો કોને કોને ભાવે ?
      કાચી દૂધીનો હલવો સતીસને ભાવે !
      હલવો હલવો કરતો સતીસ ભાવનગરમાં આઇવો,
      ભાવનગરના કૂતરાએ કૈડો હરામખોરને હલવો બૌ ભાવે…!
      કાચી દૂધીનો હલવો કોને કોને ભાવે ?
      કાચી દૂધીનો હલવો હર્ષદને ભાવે !
      હલવો હલવો કરતો હર્ષદ ભાવનગરમાં આઇવો,
      ભાવનગરના ભૂંડડાએ કૈડો હરામખોરને હલવો બૌ ભાવે…!
    • . “ત્રણ ગામને તરભેટે રે બે નાળિયેરી !
      ન્યા ગઢો બળદ વેચાય રે બે નાળિયેરી !
      અરૂણા કે ઈ તો મારો ભાઈ રે બે નાળિયેરી !
      એના ભાયે શીંગડ ફેર્વ્યા રે બે નાળિયેરી !
      એનાં ભાંગ્યાં હડફડ હોઠ રે બે નાળિયેરી !”
    • . “કિયા ગામે તે કૂતરી વિયાણી મુકેશભાઈ ?
      કેવાં એનાં ગલુંડા આવ્યાં મુકેશભાઈ ?
      જોયા નો હોય ઈ જોય લેજો મુકેશભાઈ
      ભાવનગરમાં કૂતરી વિયાણી મુકેશભાઈ
      મંજુવવ જોવા દોડ્યા મુકેશભાઈ
      મંજુવવ કે આતો મારી બેન મુકેશભાઈ
      મંજુવવે શેરો રાંધ્યો મુકેશભાઈ
      અડધો શેરો વવ ખાય ગય મુકેશભાઈ
      તે તો ભાણીયાને ભૂખ્યાં રાખ્યાં મંજુવવ !
    • ૯. “વેવાણ થોડી થોડી જમજે મસુરીયાની દાળ…
      તારા પેટડિયામાં દુખશે મસુરીયાની દાળ..
      તારા પેટડિયામાં..
      એતર બોલે, તેતર બોલે, શેઢાની શિયાળ બોલે,
      હોલે કરે ઘૂ ઘૂ મસુરીયાની દાળ..”
    • ૧૦. આવો આવો વેવાણ ધોખો થાશે..
      બેસો બેસો વેવાણ ધોખો થાશે..
      બાર્ય જાશો તો કૂતરાં કરડી જાશે..
      બાર્ય જાશો તો ભૂંડડા ફાડી ખાશે..
      બેસો બેસો વેવાઈ ધોખો થાશે…

ઉપર્યુક્ત ફટાણાંમાં જ્યાં નામ પ્રયોજ્યા છે ત્યાં અન્ય ભોજાય કે અન્ય જમાઈના નામ લઈને ગાઈ શકાય છે. અહીં પ્રયોજેલાં બધા નામ કાલ્પનિક છે.

  • પસંદિત ફટાણાં સંદર્ભે થોડીક ચર્ચા :

પ્રથમ ગીતમાં બહેનોને સરળતાથી સૂઝે તેવી ક્રિયા રેંટિયા દ્વારા કાંતવું અને એમાંથી વસ્ત્રો વણવા પણ કેવા વસ્ત્રો? મેક્સી! એ મેક્સી અણવરને કે અન્ય જમાઈરાજાને પહેરાવવી. બહેનો આટલેથી નથી અટકતી એ મેક્સીમાં બે ‘મીંદડા’ બેસાડે છે તે કલ્પના જ કેવી રમૂજ ઉત્પન્ન કરે છે ! બાળપણથી જ બાળકોને ‘ચકી ચોખા ખાંડે છે…’વાળી રમતમાં પણ પૂછતા હોય કે ‘માને ધાવવું કે મીનીને?’ તો એ જ મીંદડી અહીં અણવરની મેક્સીમાં બેસાડવાની વાત સાંભળનાર સૌને ગલીપચી કરાવી જાય છે. ઘર-આંગણાનું પાલતું પશુ મીંદડી સહજસાધ્ય બની રહે છે.

દ્વિતીય ગીતમાં લોકનારી ગામનાં જૂનાં ગઢમાં ‘ગધેડી વૈયાણી છે’ની વાત માંડે છે. આ તાજી વિયાણેલી ગધેડીનું ખીરૂ-દૂધ મંગાવીને ભોજાઈ કે અણવર માટે ખીર, પેંડા, મલાઈ, બાસુંદી જેવી વસ્તુઓ બનાવવી અને એને ખવરાવવાનું આ લોકનારીને જ સૂઝે! ‘દૂધ’ જે ગામમાં જૂનાં ખંઢેર ગઢમાં રખડતી ગદર્ભનારીનું છે! સાવ તુચ્છ ગણાતા આ પશુને લોકનારી પોતાના ફટાણાંમાં સાવ સાહજિકતાથી વણી લે છે. સાંભળનારાનાં સૌ પ્રસંગોચિત આનંદ અને હાસ્ય સાથે જમાઈ અને વહુવારુની મજાક કરવાનો મોકો પણ જતો કરતા નથી. વળી કોઇ જુદા સ્વભાવનાં ભોજાઈ કે અણવરને આવી મજાકથી તોબડો પણ ચડે છે.

ત્રીજા ગીતમાં પાડા પર આવતા જમાઇરાજનું આબેહુબ ચિત્ર દેખાય છે. જમાઈ જાણે ‘જમરાજ’! યમનાં હાથમાં તો કોઇ હથિયાર હોવાનું પણ જમાઈનાં હાથમાં તો આઇસ્ક્રીમ, પાપડ કે જલેબી જેવી કોઈ ખાદ્યસામગ્રી જ હોવાની; કારણ કે લગ્નપ્રસંગે જમાઇ તો ‘ખાઉધરા’ થઇને જ સાસરિયામાં કેટલાંય દિ’ના ધામા નાખતા હોય છે!

આદર્શ પુરુષ રામના પીતાંબરની પ્રશંસા સાથે ચોથા ગીતનો ઉપાડ થાય છે અને લોકનારી રામની જોડે તરત પોતાની ભાભીઓ અને જમાઈઓની ‘પ્રશંસા’ પોતાને હાથવગા એવાં પશુઓ સાથે સરખામણી કરી રમૂજ પેદા કરે છે. અહીં ભાભી કે જમાઈની જે ખાસિયત છે તેને પશુ સાથે સરખાવે છે. ભાભી ધોળાં છે તો પણ ગધેડા જેવા, કાળાં ભેંસ જેવાં, ઊંચા જમાઈ ઊંટ જેવાં કહી આખું રાવણું મસ્તીનાં હલેસે ચડે છે. અહીં ભેંસના બદલે ‘ભેંશ’, આ ફટાણું ગાતી વખતે અમિતાબ બચ્ચનનું બહું પ્રખ્યાત ગીત ‘મેરે અંગને મેં તુમ્હારા કયા કામ હૈ..’ યાદ આવ્યાં વગર ના રહે.

પાંચમાં ગીતમાં જમાઈ સાસરીમાં આવતા લપસ્યો, કારણ કે સાસરીમાં સાળી-સાળાએ ‘વિવા’માં આવતાં બનેવીને લપસાવવા માટે જાણી-જોઇને કાદવ જમાવ્યો છે અને લપસેલા જમાઈનો ઢીંચણ ભાંગતાં એની સાળીઓ ઓસડ બતાવે છે; પણ કેવાં ઓસડ ? શ્રોતાઓને રમૂજ પમાડે એવાં અને જમાઈને બળતરા ચાલે એવાં ! ‘આંકડો-લીંબડો અને ભેંસના શીંગડા વાટીને ભાંગેલાં ઢીંચણ પણ લગાવવાનું અને પછી દીવાની શગે શેકવાનું!’ ભેંસ જેવા અણઘડ પશુના શીંગડા ઓસડ તરીકે સુચવવાનું લોકનારીને જ સૂઝે ! લગ્નમાં કુંભારને ત્યાં ચાક વધાવવા જતી વખતે ગવાતું અન્ય એક ગીત પણ યાદ આવ્યા વગર ન રહે. એ ગીતમાં પણ લોકનારી ‘હોજા’ એટલે કે કુંભારને પણ કેવાં ઓસડ બતાવે છે:

                                            “તારી આંખ આવી રે હોજા હોગઠિયા
                                             તને ઓહડ બતાવું રે હોજા હોગઠિયા
                                             એક આંકડાની ડાળ, એક લીંબડાની ડાળ
                                              મંઈ તેલપળી, એક લસણકળી
                                              મંઈ મરચું મેલો રે હોજા હોગઠિયા.”

જમાઈ માટે અવનવા ઓસડ, અવનવી રીતે આગતા-સ્વાગતા ફટાણાંમાં જોવાં મળે છે. સાસરીમાં લગ્ન હોય અને જમાઈને નાનાવિધ પકવાન જમાડતી સાળીઓ છઠ્ઠાં ગીતમાં કાચી દૂધીનાં હલવાનો સ્વાદ ચખાડે છે ! હલવો ખાવાના શોખીન જમાઈઓ સાસરે પધારે છે પણ હલવો ખાવા મળે એ પહેલાં જ જમાઈરાજને પોંખવા ગામના કૂતરાં- ભૂંડડાં ઉભા છે ! જમાઈના જે બૂરા હાલ થાય છે કે જિંદગીભર હલવાનું નામ પણ ભૂલી જશે. પ્રશ્નાર્થથી શરુ થતું આ ગીત ખાવાના શોખીન જમાઈને ‘લે ખાતો જા..!’ તને ‘હલવો બૌ ભાવે કાં..?!’- એવાં ભાવ સાથે પૂરું થાય છે.

     જેવી રીતે જમાઈને ફટાણાંમાં ચકડોળે ચડાવે છે એવી જ રીતે વર કે કન્યાની ભાભીને પણ એટલાં જ ઉત્સાહ સાથે ફટાણાં ગવાય છે. સાતમું ગીત ‘..રે બે નાળિયેરી’ જેવાં ધ્રુવપદ સાથે શરુ થાય છે. ત્રણ ગામના ત્રિભેટે પશુઓની હરરાજી થઈ રહી છે જેમાં એક ઘરડો બળદ વેચાય રહ્યો છે જેને ભોજાઈ કહે એ તો મારો ભાઈ છે… અને પછી આ ભોજાઈની જે હાલત થાય છે… ભોજાઈ ભાઈને મળવા ગઈ હશે.. ભાઈ મળ્યો પણ કેવી રીતે ? એ આખું શબ્દચિત્ર આ ફટાણાંમાં હૂબહૂ વર્ણવાયું છે. ઘરડો બળદ વેચાય રહ્યો છે અને ભાભી કહે કે એ તો મારો ભાઈ છે.. બળદ કાંઈ સગપણ નથી રાખતો પણ એ તો શીંગડ ઉલાળે છે અને ભાભી તો ઊંધે માથે પછડાય.. પણ લોકનારી આટલેથી નથી અટકતી, એ કહે છે કે..’ ‘એનાં ભાંગ્યાં હડફડ હોઠ રે બે નાળિયેરી..!’ આખા વૃંદને હવે ખરી મજા પડી.. હોઠ પર વાગ્યું.. હોઠ તો તરત સોજાય જાય. આ ફટાણાંની ભાષા અને લય ખૂબ મજાનાં છે. ત્રણ ગામને તરભેટે- માં ત્ર-ત-ટ અને ‘રે બે નાળિયેરી’ માં ‘રે બે’ બોલતી અને સાંભળતી વખતે અનેરા જ લાગે છે. ‘રે બે નાળિયેરી..’નું આખા ગીતમાં જે પુનરાવર્તન થાય છે એ આખા ગીતની, પ્રસંગની, ભાભીની ઉડાડેલી ઠેકડીની મજા કરાવે છે.

    આઠમાં ગીતમાં ભાઈને સવાલ પૂછી પૂછીને ભાભી તરફ તીર તાકેલું જોવા મળે છે. ભાઈને પૂછ્યું કે કયા ગામે કૂતરી વિયાણી.. કેવા એના ગલુંડા આવ્યાં.. જેને જોયા ન હોય એ જોય લેજો. પણ જોવાના બાકી તો અહીં ભાભીને જ હોવાના ! ભાભી તો કૂતરી જોવા ગયા અને સગપણ શોધી લાવ્યાં ! કૂતરી તો ભાભીની બહેન જ નીકળી. ભાભી એ વિયાતલ બહેન-કૂતરી- અને નાના ગલુડિયાં (જે ભાભીના તો ભાણિયા જ ને !) માટે શીરો બનાવ્યો પણ ભૂખડ ભાભી અડધો શીરો તો ત્યાં જ ખાઈ ગયાં..! અગાઉ બળદને ભાભીનો ભાઈ બનાવનાર આ ગીતમાં કૂતરીને ભાભીની બહેન બનાવીને લોકનારી આખા સમૂહને ખૂબ હસાવે છે. કૂતરી જેવું ઘર આંગણાનું પ્રાણી લોકનારીને ગીતમાં કેવું સહજસાધ્ય છે..!

    ફટાણાં જેવી રીતે જમાઈ કે ભાભીઓને ગવાય છે એવી રીતે વેવાઈ-વેવાણને પણ ગાવામાં આવે છે. વરપક્ષના કન્યાપક્ષને ઉદ્દેશીને અને કન્યાપક્ષના વરપક્ષને ઉદ્દેશીને વિવિધ રીતરિવાજનાં પ્રસંગે સામસામે ફટાણાં ગાતાં હોય છે. અહીં નવમાં ફટાણાંમાં માંડવીયું વેવાણને-વરની માતાને- ભોજન સમયે જે ગીત ગાય છે તે રમુજી રીતે રજૂ થયું છે. વેવાણને ઓછું જમવાનું સૂચન કરે છે તે ‘મસુરીયાની દાળ..’ ધ્રુવપદ સાથે ગીત જમાવટ કરે છે. વધુ જમવાથી પેટમાં દુ:ખશે જે સ્વાભાવિક છે પરંતુ લોકનારી અહીંથી અટકતી નથી. આગળ કહે છે કે… ‘તારા પેટમાં, એતર બોલે, તેતર બોલે, શેઢાની શિયાળ બોલે, હોલો કરે ઘૂ ઘૂ મસુરીયાની દાળ…’ વેવાણનાં પેટમાં પણ વિવિધ પંખી અને પ્રાણી બોલશે એટલે કે પેટમાં ગડબડ થઈ જશે; જો તે વધુ જમી લેશે તો. દ્રુતલયમાં અપાતી આ યાદીથી સાંભળનારાઓના પેટમાં સાચે જ હસી હસીને દુઃખવા લાગશે જ. રાતના એકાંતમાં લાળી કરતું શિયાળ જેવું પશુ પણ લોકનારીનાં ગીતમાં સ્થાન મેળવે છે. દસમું ફટાણું પણ વેવાઈને સંબોધીને ગાવામાં આવ્યું છે. વરપક્ષ કે કન્યાપક્ષ બન્ને એક એકબીજાને જુદા જુદા પ્રસંગે ગાતાં હોય છે. વરરાજા જાન લઈને ઉતારે પહોંચી ગયા હોય ત્યારે તેનાં સાસુ વગેરે સ્ત્રીઓ ચાંદલો કરવા આવે તે સમયે જાનડિયું વેવાણને Wel Come કરે છે, તેનું સ્વાગત કરે છે. સાથોસાથ કહે છે કે હવે બહાર ન જતાં, કારણ કે બહાર જશો તો કૂતરાં અને ભૂંડડા કરડી જશે- ફાડી ખાશે.! આ ગીત વરપક્ષ છાબ લઈને જાય ત્યારે કન્યાપક્ષ દ્વારા પણ ગવાય છે. પરણેતર પૂરા થયાં બાદ કન્યાને સાસુ વગેરે માથું ગૂંથવા ઉતારે તેડી જાય છે જ્યાં નવોઢાને માથામાં તેલ નાખી, સેંથો પૂરવામાં આવે, ખોળો પૂરવામાં આવે અને સોના કે ચાંદીનો દાગીનો પણ આપવામાં આવે છે. આ વિધિ બાદ કન્યાને પિયર પક્ષની સ્ત્રીઓ તેડવા આવે છે ત્યારે પણ જાનડિયું આ ગીત ગાય છે. આ ગીતમાં આવો આવો, બેસો બેસો એમ આગ્રહ કરી કરીને વેવાણને બેસાડે છે અને બહાર ન જવાનું કહી બહાર જવાથી શું હાલત થશે એ જણાવે છે. અહીં પણ કૂતરાં-ભૂંડડા લોકનારી લઈ આવે છે. શેરીમાં રખડતાં પશુની બીક વેવાણને બતાવી બધા કેવો નિર્દોષ આનંદ લુંટે છે !

    ફટાણાં એ લગ્નગીતનો મહત્ત્વનો ભાગ છે જેમાં લોકનારીનું મર્માળુ રૂપ દૃષ્ટિગોચર થાય છે. બધા જ ગીતો ચોક્કસ આરોહ-અવરોહ, લયમાં રજૂ થાય છે. પ્રાસાનુપ્રાસ, શબ્દાલંકાર વગેરે પણ ધ્યાનાકર્ષક છે. ગીતનો ઉપાડ વિલંબિત લયથી થાય અને વચ્ચે આવતી અમુક પંક્તિ દ્રુતલયમાં આવે છે. જે આપણા કર્ણને ગમતીલો વ્યાયામ કરાવે છે. મોટેભાગે ફટાણાં એ આખો સમૂહ એક સાથે ગાતો જોવા મળે છે. કારણ એની વ્યાપકતા. આખો સમૂહ મોટે મોટેથી ગીત ગાતું હોય ને આખો માહોલ હર્યો ભર્યો બની જાય. ફટાણાં મોટે મોટે એટલે ગાતાં હોય કે થોડે દૂર પુરુષવર્ગમાં બેઠેલાં અણવર- જમાઈ સાંભળી શકે; આમ પણ એનો આશય એ જ હોવાનો ને કે જેને સંબોધીને ગવાય છે એ સાંભળે. પ્રથમ પંક્તિ મોટે ભાગે બબ્બે વાર ગવાય, વચ્ચે આવતી દ્રુતલયની પંક્તિઓનું પણ પુનરાવર્તન પ્રસંગોચિત મસ્તી કરાવે છે. આ ગીતો લગભગ બધાને મુખે હોય જ..! કોઈ ફટાણું અજાણ્યું હોય તો વળી કોઈ એક કે બે ગવરાવે અને બાકીના ઝીલે..! નવાં ફટાણાં- પ્રથમ વાર સાંભળેલાં ફટાણાં પણ બધાને ઝડપથી યાદ રહી જતાં હોય છે એ વાત સ્વીકારવી રહી. લગ્નપ્રસંગમાં સગા-વહાલામાંથી આવેલી જુવાનડીઓ પોતાનાં પંથકમાં ગવાતાં ફટાણાં રજૂ કરે છે. કોઈ વળી સાવ ‘નવું’ ગીત શીખી આવ્યું હોય તે પણ અન્ય લોકનારીના આકર્ષણનું કેન્દ્ર બને છે અને કંઠોપકંઠ પરંપરા સાવ અનાયાસે આગળ ધપે છે.

    ફટાણાંએ લગ્નગીતનો મહત્ત્વનો હિસ્સો છે. લોકનારીનાં આનંદ ઉલ્લાસ અહીં સુપેરે પામી શકાય છે. આ ફટાણાંમાં પશુનાં વિનિયોગ વિશે સુપેરે ચર્ચા કરી છે. લોકનારીને સહજસાધ્ય પશુઓ ફટાણાંમાં કેવાં અવનવી રીતે પ્રગટે છે. કૂતરાં- બિલાડાંથી માંડીને ગધેડો, પાડો, બળદ, ઊંટ, શિયાળ અને ભૂંડ જેવાં પશુ પણ સ્થાન જમાવીને બેઠાં છે જેનાં માધ્યમથી લોકનારી સૌને હસાવે છે.

સંદર્ભ-

ગીત આપનાર વ્યક્તિઓ:

  • ગીત ૧ : રેખાબેન ધનજીભાઈ લખતરિયા (ઉમર:૪૦ વરસ)
    ગીત આપ્યા તારીખ- ૩૦/૦૭/૨૦૧૯
    સ્થળ- રાજકોટ
  • ગીત ૨ : હંસાબેન ગિરધરભાઈ ગોહિલ (ઉમર: ૩૮ વરસ)
    ગીત આપ્યા તારીખ-૨૫/૦૫/૨૦૧૯
    સ્થળ- મોટા ખુંટવડા તા.મહુવા જિ. ભાવનગર
  • ગીત ૩, ૪, ૫, ૬ અને ૧૦ : ઈલા વિપુલભાઇ કાળિયાણિયા (ઉમર: ૨૬ વરસ)
    ગીત આપ્યા તારીખ- ૦૫/૧૦/૨૦૧૯, ૧૮/૧૨/૨૦૧૯, ૧૦/૦૧/૨૦૨૦
    સ્થળ- ચોટીલા જિ. સુરેન્દ્રનગર
  • ગીત ૭ અને ૮ અને ૯ : ડૉ. શક્તિસિંહ રતનસિંહ પરમાર
    ગીત આપ્યા તારીખ- ૧૯/૧૨/૨૦૨૦
    સ્થળ- ભાવનગર

ડૉ. વિપુલ ગણેશભાઈ કાળિયાણિયા
વ્યાખ્યાતા સહાયક- ગુજરાતી,
ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કોલેજ, ચોટીલા જિ. સુરેન્દ્રનગર
મો.નં. 9924242752 E-mail.-vipul.kaliyaniya@gmail.com