૨. મુકદ્દરનો ભાગીદાર : વર્ષા જાની

“એ કાદર, જા તો, હટ ધોડતો, દરવાજો ખોલ, માલની ગાડી આવી છે” બોલતા બોલતા રફીકભાઈ પોતાની ઓફિસમાંથી બહાર નીકળ્યા. ને લાતીમાં લાકડાની હેરફેર કરતા માણસોને પણ બૂમ મારી, “એલા એ શામુ, રમેશ, જોવો આ ગાડી આવી છે ને ઈ માલ પેલા ઉતારીને ઓલે ખૂણે ખડકો.” આંગળીના ઈશારે ખૂણો બતાવતા બોલ્યા. એટલામાં તો લાકડાંથી હક્ડેઠાઠ ભરેલો ટ્રક સલીમે અંદર ડેલામાં લીધો. એટલે શામુ ને રમેશ ગાડી ખાલી કરવા મંડી પડ્યા. ને સલીમ સીધો પહોંચ્યો રફીકભાઈની ઓફિસમાં. જઈને ટેબલ પર એણે એક પ્લાસ્ટિકનું પેક કરેલું નાનકડું પાર્સલ મૂક્યું ને સાથે પહોંચ. રફીકભાઈએ બોક્ષ સાચવીને લોકરમાં મૂક્યું ને સલીમને વર્ધીના પૈસા ચૂકવ્યા. બપોરના બે વાગવા આવ્યા એટલે ઓફિસ બંધ કરી, ઘરે જમવા ઉપડ્યા. 

રફીકભાઈને આમતો લાકડાંનો મોટો કારોબાર, કોઈને પણ સાગનું કે સારી જાતનું ઈમારતી લાકડું જોતું હોય તો આ લાતીમાંથી મળી રહેતું. પણ લાકડાની ગાડીની ફેરી સાથે દિલ્હી, ચેન્નાઇ અને બેંગ્લોર જેવા મોટા મોટા શહેરોમાંથી જોખમવાળા પાર્સલો લાવવાનું કામ પણ સારું એવું મળી રહેતું. રફીકભાઈની ધાક જબરી હતી, દરેક ડ્રાઇવર હીરા, ઝવેરાત જેવા અમૂલ્ય પાર્સલને પોતાના જીવના જોખમે સાચવીને રફીકભાઈને હાથોહાથ સોંપતા.

શેઠે ગાડી બહાર કાઢીને જમવા ઉપડ્યા એટલે વૉચમૅન અબુમીયાં દરવાજો બંધ કર્યો. પોતાની ખખડધજ ખુરશીને હળવેકથી ખસેડી લીમડાની છાંયામાં ટિફિન ખોલીને જમવા બેઠા. જાડીમોટી રોટલી ને તેલમરચાં વગરનું ખાણું જોઈને પોતાની મર્હુમ પત્ની ખેરુંનની યાદ આવી ગઈ ! પત્નીના ગયા પછી દીકરા, વહુ સાથે જિંદગીનું ગાડું લથડિયાં ખાતું ચાલતું હતું. પરાણે પરાણે ઉંમરનો ઢસરડો કરતા. પણ વફાદારીથી પોતાની ફરજ બરાબર નિભાવી જાણતા. અબુમીયાંએ લુસમુસ બેચાર બટકા ખાઈ મન મનાવી લીધું. લીમડાં નીચે પડેલી ખુરશીની હેઠે કાળી કૂતરીના ગલૂડિયાને ટિફિનનું વધેલું ખાણું નાંખી દીધું. ગલૂડિયાં પણ એ સૂંઘીને આઘાંપાછા થઈ ગયાં. ઝોળી જેવા ખાટલામાં મિયાં બે ઘડી આડે પડખે થયાં.

        સાંજે બીજી બે ગાડીઓ આવી, હજી એક વહેલી સવારે આવવાની છે. એની સૂચના અબુમીયાંને આપી. “રાત્રે પાણી વધારે પીતા રહેજો !ને જાગતા રહેજો” કહી રફીકભાઈ નીકળી ગયાં. 

રાતે અંધકારના સન્નાટામાં અબુમીયાં મેદાન વચાળે ખાટલો ઢાળી પડખાં ઘસતાં હતાં ત્યાં ગાડીનું હૉર્ન સંભળાયું. એ સમયે બરાબર ટાવરની ઘડિયાળમાં બાર વાગ્યાના ડંકા પડતાં હતાં. મિયાંએ ખોડંગાતા પગલે ઊભા થઈને દરવાજો ખોલ્યો. ડ્રાઇવરે ગાડી અંદર લઈને હીરાનું પાર્સલ ઓફિસનાં ટેબલ ઉપર મૂકીને બોલ્યો, “મિયાં, આ પડીકું, હાચવીને મૂકી દ્યો,” પણ, મિયાં તો હજી બહાર જ આંટા મારતા દેખાયા. “હું શેઠને ફોન કરી દવ” કહીને ડ્રાઇવરે મોબાઈલમાં વાત શરુ કરી. “હાલો, શેઠ, આ ગાડી ડેલામાં મેકી દીધી સે, ને ઓલું પાર્સલ મિયાંને આપી દવ સુ, ને નીકળું સવ હવે” કહી ફોન મૂક્યો. પણ એણે જોયું કે મિયાંને તો કાંઈ જ ખબર નથી. પછી એ ત્યાંથી નીકળી ગયો.

        બરાબર સવારે આઠ વાગે રફીકભાઈનો લાતીએ આવી ઓફિસ ઉઘાડવાનો સમય. એ આવે એટલે તરત જ મિયાં ઓફિસ વાળીચોળીને ચોખ્ખી ચણાક કરી દે. પણ આજે રફીકભાઈ મોર્નિંગવૉકમાં ગયેલા ત્યાંથી જ સીધા ઓફિસે પાર્સલ લેવા વહેલા પહોંચી ગયા. એ સમયે વૉચમૅન મિયાં દરવાજો આડો વાસીને નજીકમાં ગયેલા. રફીકભાઈએ પોતાની પાસે રહેલી ચાવીથી ઓફિસ ખોલીને કબાટમાંથી હીરાનું પાર્સલ લેવા લોકરનાં ખાનામાં હાથ નાખ્યો તો પાર્સલ ન મળે ! બે ત્રણવાર ફરી ફરીને હાથ ફેરવ્યો પણ પાર્સલ ન મળે ! પેટમાં ફાળ પડી. ‘ક્યાંક અબુમીયા..એ !” એણે ધડકતે હૃદયે ઓફિસમાંથી બહાર નીકળી બૂમ પાડી. “મિયાં… ક્યાં ગુડાઈ ગ્યો? સાલો..” ગુસ્સામાં રાતાપીળા થતાં ડેલો ખોલીને આજુબાજુ જોવા લાગ્યાં, ત્યાં સામે મૂતરડી બાજુથી ખોડંગાતાં પગલે મિયાંને આવતા ભાળ્યો. ને રફીકભાઈ સઘળો તાગ પામી ગયા. જેવો મિયાંએ ડેલામાં પગ દીધો કે તરત જ રફીકભાઈએ મિયાંને બે અડબોથમાં અડાડી દઈને બોલ્યા, ‘બોલ, પાર્સલ ક્યાં હંઘરી આવ્યો? બોલ !’

“પણ, શેઠ, મને તો પાર્સલની કાંઈ ખબર જ નથ ! તમી મને મારોમા, મેં કાંઈ…” હજી આગળ કાંઈ ચોખવટ કરવા જાય એ પહેલા તો રફીક એક જાડો ધોકો લઈને મિયાં પર આડેધડ ઊતરી પડતાં બોલ્યો.. 

‘તારા ઉપર ભરોસો રાખ્યો ઈ મારી ભૂલ’ બોલતા બોલતા મારી મારીને આડોઆંક વાળી દીધો, હાડકાં ખોખરા કરી નાખ્યા, મિયાં અધમુઓ થઈ ગયો, બાજુના પાનનાં ગલ્લેથી બે ચાર જણાં આડા ઊતર્યા ત્યારે રફીકભાઈ અટક્યા. નહીંતર તો મિયાં આજે પતી જ ગયો હોત ! માંડમાંડ એક બે જણે એને દવાખાને પહોંચાડ્યો. 

        રફીકને પાર્સલ ખોવાયું એટલે ચેન પડતું ન હતું. પોતે લેનાર પાર્ટીને શું જવાબ આપશે? આબરૂના કાંકરા થઈ જાશે. આ મિયોં કોને આપી આવ્યો હશે? વિચાર કરતો રફીક ત્યાં જ બેસી રહ્યો.

        ત્યાં મોબાઈલે એને ધ્યાનભંગ કર્યો. એણે મોબાઈલ ઉપાડ્યો, સામે છેડેથી અવાજ આવ્યો, “હેલ્લો, રફીકભાઈ પાર્સલ મળી ગયું છે. આ તમારો માણસ આવીને આપી ગયો. એટલે બહું સારું થયું. હાલો, મૂકું” વાવાઝોડાની જેમ શબ્દોનો મારો સાંભળી રફીકભાઈ સુન્ન થઈ ગયા ! અલ્લાહનો આભાર માની લીધો..,પણ પાર્સલ કોણે પહોચાડ્યું? કેવી રીતે? રાતે બાર વાગે તો ડ્રાઇવરે ફોન કરીને મિયાંને પાર્સલ આપું છું, એમ કીધું તું ને?

તરત ડ્રાઇવરને ફોન લગાડ્યો, એટલે ખબર પડી કે અબુમીયાંને પાર્સલની વાતની ખબર જ ન હતી. એમાં જોખમ છે. ને પાર્સલ ખોવાઈ જાય તો? ડ્રાઇવરે રફીકભાઈને ફોન તો કરી દીધો. પણ પછી પોતે જ પાછું પાર્ટીને પહોંચાડી આવે ‘ એવો વિચાર આવતા પેકેટ લઈને પાર્ટીને પહોંચાડી આવ્યો, એ વાતનો શેઠને ફોન કરતા જ ભૂલી ગયો. પછી યાદ આવ્યું ત્યારે શેઠના દીકરાને ફોન લાગ્યો, તો એને કહી દીધું ! 

રફીકભાઈ તરત જ મિયાની ખબર કાઢવા, મળવા સિવિલ હોસ્પિટલ ગયા. ત્યારે ખબર પડીકે મિયા તો કોમામાં આવી ગયા છે, પછી બે ત્રણ દિવસમાં તો એ અલ્લાહને પ્યારા થઈ ગયા ! ને રફીકભાઈને મનનો ખટકો રહી ગયો કે આ બધી ચક્રજાળનો ભોગ બિચારો મિયાં બની ગયો !

        આજે આ વાતને બાર બાર વરસના વ્હાણા વાઈ ગયાં, રફીકભાઈને છ વરસથી લકવો થઈ ગયો છે. લાતીનો ધમધોકાર ધંધો પડીને પાદર થઈ ગયો ! પોતાના જ દીકરાઓને હવે બીજાને ત્યાં કામે જતાં જોઈને રફીકભાઈ નું હૈયું કકળી ઊઠે છે ! પોતે પળેપળ નિઃસાસો નાંખીને વાગોળ્યા કરે છે, કે “મને મિયાંની હાય લાગી ગઈ ! મારાં મુકદ્દરને મેં જ જાણી જોઈને બગાડ્યું, કોઈ મારા મુકદ્દરનો ભાગીદાર નહીં બની શકે ! મને ગરીબની બદદુવા લાગી છે!” એમ પાગલની જેમ બોલ બોલ કર્યાં જ કરે છે ! ભાઈબંધ, મિત્રો સગા આવીને ગમે એટલું આશ્વાસન આપે. તેમ છતાં પણ મિયાં જેવા અલ્લાહના માણસને ખોટી રીતે ખોખરો કરી નાંખ્યાનો અફસોસ રફીકભાઈને મરણ લગી ન ગયો. તે ન જ ગયો!

વર્ષા જાની 

ભાવનગર 

૧૪ જુલાઈ ૨૦૨૦

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *