તારી પરવાનગી માંગુ જો તને ફાવે તો
મન કહે છે તને ચાહુ જો તને ફાવે તો
હું તો ઝાકળના મોતીને ય કદી અડકું છું
એમ બસ હું તને અડકું જો તને ફાવે તો
ક્યાંક એકાંતમાં અથવા તો કશે મહેફિલમાં
તારી બાજુમાં હું બેસુ જો તને ફાવે તો
રૂબરૂ મળવાની ઇચ્છા જો કદી જાગે તો
મારું સરનામું હું આપુ જો તને ફાવે તો
પ્રેમની બાબતે કંઈ પૂછપરછ ના ચાલે
તે છતાં ચાલને પૂછું જો તને ફાવે તો
ચોતરફ પ્રેમની મોસમની હવા ગૂંજે છે
હું તને ધ્યાનમાં રાખું જો તને ફાવે તો
હું ખલીલ એમને એકાદ ગઝલ તારી પણ
મારા નામે લખી આપું જો તને ફાવે તો