૧. ભર્યું એકાંત : સંજય ગોટી

સમી સાંજની ઠંડી પડવી શરૂ થઈ ગઈ હતી. એક ઘરની આગળ પાણીની ચોકડીમાં, નળમાંથી ધીમું-ધીમું પડતું પાણી ડોલમાં ભરાતું હતું. ચોકડીની કિનારે ઉભેલો એક વૃદ્ધ પોતાના પહેરણનાં બટન ખોલવાની કોશિશ કરતો હતો. નજીક પહોચતાં તેનાં ઘરની અંદર મારી નજર ગઈ. ઘરમાં નાના-મોટા ઘણાં માણસો દેખાયા; જાણે ઘર ભર્યું ભર્યું હોય !

હું થોડે સુધી લટાર મારીને વળી ગામમાં પ્રવેશ્યો. એ શાંત વાતાવરણમાં કોઈ મને ઉદ્દેશીને અવાજ કરતુ હોય તેવું  લાગ્યું. મેં એમ જ ચાલતા ચાલતા પાછળ જોયું. એ પેલો વૃદ્ધ હજી ચોકડીના કિનારે ઉભો હતો. મને લાગ્યું કે તેણે મને પાડલો સાદ એવો હતો કે ફક્ત  હું જ સાંભળી  શકું. હું ઊભો રહી ગયો; કેમકે તેનો હાથ મને તેનાં તરફ આવવા ઈશારો કરતો હતો. હું  તે તરફ વળ્યો . તેની નજીક પહોંચ્યો. તેનો  એક હાથ  ધ્રૂજતો, બીજા હાથનાં કાંડા ઘડિયાળ પર કંઈક ફંફોસતો ફરતો હતો.

        મેં પૂછ્યું : “બોલો દાદા…!”

તેણે મારી સામે ઘડિયાળવાળું કાંડું  લાંબુ કર્યું  ને કંઈક બબડ્યા. હું સમજી ગયો ને તેની ઘડિયાળનો લૉક ખોલવા તેનું કાંડું હાથમાં લીધું. ઠંડીથી તેનું આખું શરીર ધ્રૂજતું હતું. ચોકડીમાં ભરાતાં ઠંડા પાણીની ડોલ છલકાતી હતી. તેનાં શરીરમાંથી વાસી વાસ આવતી હતી. કટ્ટ દઈને ઘડિયાળનો કઠણ લૉક ખૂલ્યો. એ સાથે વૃદ્ધનું  હાડકાં દેખાતું મો આનંદથી ભરાઈ ગયું.

મેં કહ્યું: “લો દાદા, ઘડિયાળ ખુલ્લી ગઈ..! હું જાઉં ?”

એણે ધ્રુજતી હથેળીએ સ્માઈલ સાથે મને રજા આપી. પાછાં વળતાં એ ઘરમાં ફરી અનાયાસે મારી નજર પડી. ઘરમાં નાના-મોટા સહું  હતાં; કિલ્લોલ  કરતાં હતા-જાણે ઘર ભર્યું ભર્યું  હોય !

જતાં-જતાં ઘણીવાર સુધી મારું મન સુક્ષ્મ યુદ્ધ કરતું રહ્યું-  એ ઠંડા પાણીની ડોલ અને  ધ્રુજતા વૃદ્ધ વચ્ચે.

-સંજય જી. ગોટી      

મો.નં. 9925347741