૧. તને કહું..! : રામ મોરી

હાઈ હિરલ, મેસેજ ટાઈપ કરું છું પણ ડોન્ટ નો તને સેન્ડ કરું કે નહીં ! આજનો દિવસ, યેસ આજનો દિવસ મહત્ત્વનો છે એવું કહી શકું કે કેમ એ પણ નથી ખબર. કદાચ કોર્ટ કચેરીના બધા જ ધક્કા આજના દિવસથી પૂરાં થઈ જશે. દરેક મહિનાના ર્સ્ટ વીકને કોર્ટની તારીખો ગણીને સમયનું હું જે મેનેજમેન્ટ કરતો એ હવે આજથી નહીં કરવું પડે. ઘરેથી નીકળી રહ્યો છું ત્યારે એમ થાય છે કે ફાઈનલી ‘ઘર’ બંધ કરવા કોર્ટ જઈ રહ્યો છું. તું પણ એટલી જ બીઝી હોઈશ તારા ભાઈઓ સાથે કોર્ટમાં જલદી જલદી પહોંચવા માટે. તને શુભેચ્છાઓ આપું છું આગળના જીવન માટે..

નિશીથ

ના, નથી મોકલતો મેસેજ. બહુ ફાલતું અને ઓવર સેન્ટી લાગી રહ્યું છે. ઈનબોક્સમાં ભલે ડ્રાફ્ટ બનીને પડ્યું રહેતું. તને હું જોકે આમ તો આપણા કેસમાં આવું જ થયું છે, કંઈકેટલુંય ન કહેવાયેલું ડ્રાફ્ટ થઈ હવામાં ગુંગળામણ બનીને તોળાતું રહ્યું છે, આપણા બંનેની વચ્ચે.

_______________________

હેલ્લો નિશીથ, કદાચ જાગી ગયો હોઈશ. સવારે ઉઠીને જોયું તો ઘરમાં દૂધપાની સ્મેલ આવી. મોટાભાભી દૂધપાક બનાવતા હતા. મને કહે કે આજે તો ઉજવણીનો દિવસ છે. હિરલબેન, આજથી તમે સાવ છુટી જશો બધી ધમાલથી. અચાનક મને યાદ આવ્યું કે આજે તો કોર્ટમાં જવાનું છે, ફાઈનલી ડિવોર્સના પેપર્સ માટે. ઘડીબેઘડી તમ્મર આવી ગઈ. દિવાલનો ટેકો લઈ લીધો. ભાભી બોલ્યા કે હજુ સરખું જાગ્યા નથી લાગતા. નિશીથ, તને કહું.. ખરેખર હું જાગી નથી કે શું ? નિશીથ, તું તો જાગી ગયો હોઈશને…! બધા લોકો આજના દિવસને ઉજવણીના ભાગરૂપે જોઈ રહ્યા છે પણ નિશીથ તું શું વિચારી રહ્યો હોઈશ ? તું કંઈ બોલતો જ નથી, હા કંઈ પણ નહીં. તને ખબર છે કે સંબંધોમાં ન કહેવાયેલી વાતોનો ભાર બહુ લાગતો હોય છે, તો પણ આપણે ઢસરડા કરતા રહીએ છીએ…. અને પછી ફાઈનલી આપણને ખબર પડે છે કે હું જેના માટે ઢસરડા કરું છું એ તો આખી વાતમાં ક્યાંય છે જ નહીં….પછી આખી પરિસ્થિતિ તમારી સામે દાંતિયા કરતી ઉભી રહે છે. તને થશે હું ફરી ફરિયાદ કરવા લાગી પણ મારા પક્ષે તો નિશીથ એ જ રહ્યું છે.

હિરલ

થાય છે કે હવે શું કામ આવા મેસેજ કરું?? તને નથી મોકલતી જા. ધુમ્મસમાં હાથ આમતેમ વીંઝતી હોવાનું અનુભવું છું.

_______________________

હાઈ, તમે ખબર છે ? આજે મને બાથરુમના અરીસા પરથી શું મળ્યું? આજે હું નહાતો હતો ત્યારે અચાનક મારું ધ્યાન સામેની વૉલ પર લાગેલા અરીસા પરની તારી બિંદી પર ગયું. શાવર બંધ કરીને અરીસા પર લાગેલા ભેજને સાફ કરી ધ્યાનથી બિંદી જોઈ. એકચ્યુલી મને બિંદીનો ઓરીજનલ કલર ખબર જ ન પડી. ભેજમાં અને ભેજમાં તેના પર કાળાશ બાઝી ગઈ હોવાનું લાગ્યું. બાથરૂમમાં તો પ્રકાશ ક્યાંથી મળવાનો કે બિંદીનો ઓરીજીનલ કલર સચવાઈ રહે. મેં બિંદી પર આંગળી મૂકી અને આંખો બંધ કરી તો શેમ્પુની સ્મેલથી લથબથ તાજા ધોયેલા વાળમાં તું બેડરૂમમાં અરીસામાં જોઈને બિંદી લગાવતી હોય એ યાદ આવ્યું. તને થશે કે હવે રહીરહીને હું રોમેન્ટિક થઈ રહ્યો છું. તને માનવાની અને ધારી લેવાની બધી છૂટ છે. કોર્ટમાં પણ હું ક્યાં શું બોલ્યો છું ! તારો વકીલ જ્યારે ચીસો પાડી પાડીને હું કેટલો બેજવાબદાર છું એ સાબિત કરવા મથી રહ્યો હતો ત્યારે પણ હું ક્યાં કશું બોલ્યો હતો. તને જોયા કરતો હતો એકીટશે અને તું તો સાવ શૂન્ય બની બેસી રહી હતી. હિરલ, એ તું જ હતી ને ? કેમકે મને તો તું એ હિરલ લાગતી જ નહોતી જે મને પૂછતી હોય કે નિશીથ, કઈ બિંદી લગાવું ?

નિશીથ

વધુ એક ડ્રાફ્ટ. નથી મોક્લતો !

_______________________

હેલ્લો, હું તૈયાર થઈને નીચે આવી ગઈ છું. મોટાભાઈ ભાભીને ખીજાય છે કે કમસેકમ આજના દિવસે તો ઉતાવળ રાખો. મોટાભાઈને સોક્સ મળતા નથી અને એ અકળાયા કરે છે. ભાભી હસતાં હસતાં ઘરમાં જાય છે અને કબાટ ખૂલવાનો અવાજ આવે છે. મોટાભાઈનો અવાજ સંભળાય છે કે “મેં પણ કબાટ ખોલીને ત્યાં જ જોયું પણ મને ન મળ્યા.” ભાભી હસીને બોલતાં હોય એવું સંભળાયું કે “સોક્સ તમને જોતાં હતા પણ તમને સોક્સ દેખાતા નથી, મારા વિના એક કામ તમે ઢંગથી કરી શકતા નથી.” તને કહ્યું નિશીથ, ભાભી જ્યારે બહાર આવ્યા ત્યારે એમના ચહેરા પર એક સુખની સોનેરી ચમક હતી, કાચની ચૂડીના ખનકાર જેવા સંસારના સુખની સોડમ લીંપાયેલી હતી એમના ગાલો પર. “મારા વિના એમનાથી ઘડી પણ ન ચાલે” એવા વાસંતી વાયરાનું સુખ એમની આંખોમાં મેં જોયું. સ્ત્રીને બીજું જોઈતું પણ શું હોય છે ? તું તો બહું જ પરફેક્ટ રહ્યો છે નિશીથ. એટલો પરફેક્ટ કે મને ગુંગળામણ થતી તારાથી. હા, તારા પરફેક્ટ હોવાની વાત પર અકળામણ. તારી વસ્તુઓ તને જ ખબર હોય, તારી ફાઈલ્સ તું જ ગોઠવે, આજે ક્યા સોક્સ અને રૂમાલ તું ઓફ્સિ લઈ જઈશ એ પણ તું જ નક્કી કરતો. હું અકળાયા કરતી. તારામાં, તારી પરફેક્ટ લાઈફમાં, તારી ચોઈસમાં ઘુસવા હું ફાંફા માર્યા કરતી અને તને તેં અંદરથી બંધ કરેલા બારણા પર મારા ટકોરા ક્યારેય ન સંભળાયા. મારા વિના પણ તને કોઈ ફેર પડતો નથી એ વાતે મને ખૂબ ફેર પડ્યો છે.

હિરલ

અગેઈન. આખો મેસેજ વાંચ્યો તો એવું લાગ્યું કે વધુ પડતી અગ્રેસીવ થઈને બધું લખી નાખ્યું છે. નથી મોક્લતી.

_______________________

હાઈ, તને ખબર છે હિરલ કે વધુ પડતી સ્વતંત્રતાનો પણ એક મૂંઝારો હોય છે. હા, જે તે મને આપી હતી. હું હંમેશા તારી સામે જોયા કરતો… તારી આંખોમાં ઉઠતા મેઘધનુષી રંગોમાંથી તારો પોત્તાનો રંગ ક્યો

એ હું સમજવા મથતો રહ્યો પણ તારી કોઈ બાબત મને હજુ સુધી સમજાઈ નથી. તે ક્યારેય કહ્યું નથી કે “નિશીથ, તું શર્ટના બદલે ટીશર્ટ ન પહેરી શકે ? નિશીથ, તું હેર સ્ટાઈલ આમ ન રાખી શકે ? નિશીથ, તું મેંચીંગ ટાઈ નહીં કોન્ટ્રાસ ટાઈ બાંધ” તારા મનમાં શું ચાલે છે એ તે ક્યારેય દેખાવવા નથી દીધું. પસંદ અને. નાપસંદની વચ્ચે તે એક નવો ઓપ્શન વિચાર્યો હતો એ હતો ‘મને નથી ખબર’ કે ‘તને ગમે એમ કર’. સમજણો થયો ત્યારથી હોસ્ટેલમાં રહીને મોટો થયો છું હિરલ. મારા દરેક નાનામોટા કામ હું જાતે જ કરતો આવ્યો છું એટલે નેચરલી મને મારી વસ્તુઓ બાબતે કે મારી જરૂરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખવાનો ચાન્સ નથી જ મળ્યો. મારા માટે હું છું જ એ વાત પહેલેથી જ મને સમજાઈ ગઈ હતી. મને સમજાતું કે તું આ બધી બાબતોમાં દુઃખ લગાડ્યા કરે છે. પણ હિરલ, તને હું ? સાવ સાચ્ચેસાચ્ચું કહું કે મને તે કરી આપેલી ગોઠવણમાં હંમેશા ગુંચવાડો થતો. તે ગોઠવી આપેલી ઓફિસ ફાઈલ્સ કે કપડાની ગડી મને હંમેશા બીજાની હોય એવી લાગણી જન્માવતી. ખેર, તે આ બધી બાબતોને ‘હું તને પ્રેમ નથી કરતો’ એવી ધારણાઓ સાથે જોડી દીધી. સંબંધોમાં જ્યારે ધારણાઓ અને માન્યતાઓ વધતી જાય પછી પ્રેમની નક્કરતામાં અવિશ્વાસનો એક બોદો રણકાર સંભળાયા કરે છે.

નિશીથ

સોરી.

ઓહ શીટ… બાય મિસ્ટેક તને સેન્ડ થઈ ગયો… ઓહ શીટ શીટ.  

_______________________

હેલ્લો. નવાઈ લાગી, મોબાઈલ સ્ક્રીન પર તારો મેસેજ જોયો, એ પણ આટલો લાંબો મેસેજ. કારમાં બધા સાથે બેસીને કોર્ટ જઈ રહી છું. બારી પાસે સહેજ ત્રાંસી થઈને તારો મેસેજ વાંચ્યો. તને કહું, મને કોઈ જ ફિલીંગ નથી આવી આખો મેસેજ વાંચીને. મને તું સાચો નથી લાગ્યો તો ખોટો પણ નથી જ લાગ્યો. કદાચ આપણો સમય ખોટો હતો. મમ્મીજીએ મને કહેલું કે “હિરલ, એ પહેલીથી જ બધાથી અળગો રહ્યો

છે. એને એ બધી હૂંફ આપજે જે હું નથી આપી શકી.” એ પછી નિશીથ હું આખ્ખે આખ્ખી છલકાઈ જવા તૈયાર હતી પણ તને તો જાણે કશું જોઈતું જ ક્યાં હતું ? સાવ સાચું કહું છું તારી સાથે જેટલો પણ સમય રહી છું તો એવું લાગ્યું કે કોઈ અજાણ્યા પ્લેટફોર્મ પર કેટલી બધી ફરિયાદો ભરેલી બેગ્સ સાથે કોઈ ટ્રેન શોધી રહી છું… બધી બાજુ ટ્રેનની વ્હીસલ વાગે છે… બધી બાજુ એનાઉસમેન્ટ સંભળાયા કરે છે… ટિકીટબારીની પણ મને ખબર નથી…. અને સાવ ખાલીખમ પ્લેટફોર્મ પર આમતેમ હું દોડ્યા કરું છું. તને આ ફિલીંગ્સ ક્યારેય નહીં સમજાય કેમકે તને તારી ટ્રેન, તારી ટિકિટબારી, તારું પ્લેટફોર્મ બધ્ધી બાબતોની જાણ છે.. અને સામાન તો તારી પાસે ક્યાં છે જ કોઈને ફરિયાદ કરવાનો. સંબંધોમાં ફરિયાદ ત્યારે જ આવે જ્યારે બે લોકો એક્ચ્યુએઅલી સાથે જીવવાનું શરૂ કરે. હું જીવતી રહી અને તું સમય પસાર કરતો રહ્યો.. તારા કામમાં… તારી ઑફિસમાં… રાત્રે ટક ટક ટક અવાજ કરતા કિબોર્ડમાં. આપણી રૂમમાં નાઈટલેમ્પ મેં કલરફૂલ રાખ્યો હતો. એના ઘડીઘડી રંગબેરંગી બદલાતી લાઈટ્સના શેડ્સમાં પણ મને તારા ચહેરા પર તો એક જ રંગ દેખાતો. કોઈ જ ક નહીં… કોઈ જ બદલાવ નહીં… આ  બધું તને કહી રહી છું એટલા માટે કેમકે ફાઈનલી કોઈ ટિકિટબારી પર ઉભી હોવાનું અનુભવું છું… ટિકિટના પૈસા આપવા પર્સ ખોલું છું તો આ બધું નીકળી રહ્યું છે… મારી ટ્રેનમાં મને બેસવા દેવા માટેની કિંમત હું અત્યારે ચુકવી રહી છું.

સેન્ડ કરું છું… કડવાશ લાગી હોય તો હા, કડવાશ સાથે જ. કદાચ તારામાં એ સમજી શકવાની સંવેદના બચી હોય તો.

હિરલ

_______________________

હાઈ, કોર્ટમાં પહોંચી ગયો છું. તારો મેસેજ વાંચ્યો. હું કશું જ નહીં કહું એ બાબતે. મને લાગે છે કે ક્વેશ્ચ્ન… આન્સર… આર્ગ્યુમેન્ટનો એક આખો તબક્કો આપણે ચૂકી ગયા છીએ. હવે માત્ર રીઝલ્ટને એક્સેપ્ટ કરવાનો સમય છે. મારી બાજુમાં એક નાનકડી છોકરી રેડ ફ્લાવર્સ ભરેલી બાસ્કેટ વેચી રહી છે. કોર્ટની સામે ચોક્લેટ્સની શોપ છે. શોપની બહાર મોટા મોટા હોર્ડીંગ્સ લાગ્યા છે કે ‘સેલીબ્રેશન તો અપનો કે સાથ હી હોતા હૈ’ થયું કે હું ફ્લાવર્સ અને ચોક્લેટ્સ લઈ લઉં. તને આપીશ. પછી થયું કે હું આ કયા સેલીબ્રેશન માટે આ બધું આપીશ ? ગઈકાલે રાત્રે ‘માય હોલીડે ટ્રીપ’વાળાનો મેઈલ આવ્યો કે તમારી બે ટિકિટ કન્ફર્મ છે ને ? હા, મેં છ મહિના પહેલાં યોરોપ ટુરની બે ટિકિટ કન્ફર્મ કરાવી. હતી. તને નહોતું કહ્યું કેમકે સરપ્રાઈઝ આપવી હતી. સરપ્રાઈઝ તો એ લોકોને લાગશે મારો રિપ્લાય મેઈલ વાંચીને કે ‘સોરી, વી કાન્ટ કમ’ કેમકે એ લોકોની ઓફિસના પગથિયા મેં આ ટ્રિપની ડિટેઈલ માટે અને બીજી માથાકુટો માટે ઘસી કાઢ્યા હતા. આઈ નો, તને લાગશે કે હું તને લોભાવી રહ્યો છું. તું પણ મારી આ વાતમાં રહેલો સચ્ચાઈનો રણકાર અનુભવી જ શકીશ કે મેં મારા જીવનમાં બહુ ઓછા લોકોને પ્રેમ કર્યો છે એ ઓછા લોકોમાંની તું છે હિરલ. સંબંધોમાં એક સમય એવો આવે છે કે આપણે ધારીએ તોપણ કશું કરી શકતા નથી અથવા આપણે ધારવાનું જ બંધ કરી દઈએ છીએ અને જે કંઈ થાય એ ઘટનાનું સાક્ષી બની રહેવું પડે છે… આપણે અત્યારે એ તબક્કામાં છીએ.

નિશીથ.

યેસ, તને જોઈ. બ્લેક આઈ ટેનમાંથી તું બહાર નીકળી છે. આછી સ્કાયબ્લ્યુ ક્લરની સાડી છે. આટલે દૂર હોવા છતાં તારા કપાળ પર લાગેલી નાનકડી બ્લ્યુ બિંદી મને દેખાઈ રહી છે. ઢળતા અંબોડામાં તને પહેલીવાર જોઈ રહ્યો છું.

_______________________

હેલ્લો. મને કેમ તું દેખાતો નથી ક્યાંય ? જો કે હંમેશા લેઈટ આવવાની તારી ટેવ આજે કેમ સુધરી ગઈ એ બાબતે નવાઈ લાગી. અમે અંદર જઈ રહ્યા છીએ.

હિરલ

______________________

હાઈ, તારો મેસેજ વાંચીને હસી પડાયું. બે વાતો પર. એક તો મેં તારા આટલા વખાણ કર્યા અને તેં એ બાબતે મને શું જ ન કહ્યું. બીજું એ કે હું તને ક્યાંય ન દેખાયો. તને હંમેશા એવું લાગ્યું છે કે હું ક્યાંય નથી પણ હું તારી આસપાસ જ હતો. તારી પ્રોબ્લેમ શું હતી ખબર છે હિરલ ? તું બધું સમજી લેતી હતી તારી રીતે, તારી સમજ મુજબ અને તું ઇચ્છે એ પ્રમાણે જ. તારી ધારણાઓના ટોળામાં તે મને ક્યાંય જોયો જ નથી કેમકે તારી તો આંખો બંધ હતી અને એના પર તારા હાથ ચપોચપ બીડાયા હતા કે મને કોઈ જોતું નથી… કોઈ મારું નથી… મને કોઈ પ્રેમ કરતું નથી..! કોઈ એક પરિસ્થિતિમાં મેં તને એક ચોક્ક્સ સ્વરૂપમાં જોઈ જ નથી. તને કહું ? રાત્રે ઉંધમાં તું રડતી, તું ચીસો પાડતી અને બેડ પર તરફડિયા મારતી. આખી આખી રાત હું તને પડખા રાખીને જાગતો અને તારા માથા પર હાથ ફેરવ્યા કરતો. મેં મમ્મીને જ્યારે આ વાત કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે હિરલ તેની મમ્મી વિના મોટી થઈ છે, એ બંને ભાઈઓ પછી આવેલી બહેન હોવાથી એમના ઘરના લોકોએ પણ એના ઉછેરમાં બહું રસ નથી લીધો. એવા સંજોગોમાં મોટું થયેલું બાળક ખૂબ એકલવાયું હોય છે. ‘મમ્મીની આ વાતો સાંભળી મેં નક્કી કરેલું કે એ બધું હું તને આપીશ જે તને જોઈએ છે. તને ઓછામાં ઓછી તકલીફ આપીશ. તારી ડાયરી મેં વાંચી જેમાં યુરોપ ફરવા જવું તારું ડ્રીમ હતું. મારી પાસે એ સમયે આર્થિક એટલી સગવડ નહોતી તો હું રાતદિવસ ઓવર ટાઈમ કરી કામ કરવા લાગ્યો. હા હું માનું છું કે આ બધું કરવામાં તારા તરફ મારું ધ્યાન ઓછું થયું. લેઈટ નાઈટ કામ કરતો અને બાકીની રાત ઉંઘમાં ગભરાયેલી તને સાચવતો. સવારે ઉજાગરાના લીધે બગાસા ખાતો ઉતાવળે ઓફિસ જતો અને રાત્રે ટ્રેઈનમાં ઝોકા ખાતો. આ બધું હું તને ગણાવી નથી રહ્યો પણ સમજાવી રહ્યો છું કે તે એ જ જોયું જે તું જોઈ શકતી હતી. તે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો કે રાત્રે પથારીમાં તું એકલી સૂતી તો સવારે મારી છાતીમાં તારું માથું ક્યાંથી આવી જતું ? વાળને વ્યવસ્થિત ઓળીને તું સૂતી તો સવારે તારા વાળા ગુંચવાઈ કેમ જતાં ? જો ઘરમાં અને વ્યવહારમાં હું બેદરકાર જ હતો તો તને ઘરમાં કોઈ વસ્તુ નથી એવી ફરિયાદ કરવાનો ચાન્સ કયારેય મળ્યો ? દરેક વ્યક્તિનો પોતાનો જોવાનો એક એંગલ હોય છે પણ દરેક વસ્તુ કે બાબતનો એંગલ એક ન હોઈ શકે ક્યારેય ! અને પરિસ્થિતિ એક સરખી ન હોય તો માણસો એક સરખા દરેક પરિસ્થિતિમાં ક્યાંથી રહેવાના ?

નિશીથ

હું પણ કોર્ટમાં જ છું. તારી સામે આવી ગયો જો.

_______________________

હેલ્લો. હું અત્યારે રડી નથી રહી કેમકે મારા રડવાનો અર્થ કંઈક અલગ જ સમજવાના બધા. હું માત્ર એટલું જ કહીશ કે જો હું નહોતી સમજતી તો તે મને કેમ ક્યારેય ન સમજાવી ? તે કેમ મને ઘરમાંથી જતાં રોકી નહીં. એક થપ્પડ લગાવીને મારી એ સમયની ચીસો રોકી કેમ નહીં “તારે ક્યાંય નથી જવાનું” એવું તે કેમ કયારેય કેમ નથી કહ્યું? હું જોવા સમજવાનું શીખી જ નહોતી તો તે કેમ ક્યારેય મને સમજાવવાની દરકાર ન લીધી ? સાચી વાત તો એ છે કે તું મારા પર તારો હક છે એવું ક્યારેય સ્વીકારી શક્યો જ નથી. હું દરેક વાતોમાં ભૂલ કરતી તો મને તારા ગુસ્સે થવાનો ડર નહોતો રહેતો… કેમકે મારા કોઈ કામ પર તેં ક્યારેય ખુશ થવાનો પ્રયત્ન પણ નથી જ કર્યો. તું સ્ત્રી નથી એટલે નહીં સમજી શકે કે તમારા કશું પણ કરવા ન કરવાથી કોઈ પરિણામ આવવાનું નથી એ પરિસ્થિતિ કેટલી પીડાદાયી હોય છે. તમે એક એવા અપરાધભાવ સાથે જીવવા લાગો છો જે તમારા માટે જરૂરી છે કે કેમ એની જાણ પણ તમને હોતી નથી ! સામાવાળો તમારાથી નારાજ છે કે પોતાનાથી નારાજ છે એ વાતનો તમને કોઈ અણસાર ન આવે એમ છતાં તમે એ વ્યક્તિના વર્તન કે કોઈ વાક્ય માટે તરસતા રહો એ એકલતાનો તને કોઈ અણસાર સુદ્ધાં છે ? એવું લાગે છે કે તમે કોઈ લીફ્ટમાં ફસાયા છો અને લીફ્ટ એવા સંજોગોમાં ફસાઈ છે કે તમે ન તો ઉપરથી નીકળી શકો કે ન તો નીચેથી નીકળી શકો. તમે ચીસો પાડો જોરજોરથી અને જવાબમાં તમારો અવાજ તમને અટવાતો અથડાતો સંભળાયા કરે. એ પરિસ્થિતિમાં તમારો શ્વાસ રૂંધાય ગળું સુકાય અને આંખોમાંથી અંધારા ઉલેચાય. આ બધું હું તારી સાથે અનુભવતી નિશીથ.

હિરલ

_______________________

હાઈ, હું માફી માંગું છું એટલા માટે કે હું તને બધું જ આપવાની લ્હાયમાં કશું જ ન આપી શક્યો.

નિશીથ

_______________________

હેલ્લો, માફી તો મારે માંગવી જોઈએ, તું મને સમજવા મથતો રહ્યો અને અને હું મને શોધતી રહી. આ બધામાં આપણો સંબંધ એનું સાચું સરનામું સમજી ન શક્યો.

હિરલ

_______________________

હાઈ, તને કહું ? હવે હું એટલું સમજી શક્યો છું કે આપણા સંબંધમાં એક મુખ્ય વસ્તુની ખામી હતી એ ખામી એટલે સંવાદ. ડાયલોગ્સ. આપણા બંને વચ્ચે એ જ નહોતા. શુન્યાવકાશ જેવા ખાલીખમ એ વિસ્તારમાં આપણો સંબંધ કોઈ આધાર વિના તોળાઈ રહ્યો.

નિશીથ

_______________________

હેલ્લો, અગ્રી… ફર્સ્ટ ટાઈમ… ટોટલી અગ્રી વીથ યુ નિશીથ. મને માફ કરીશને ?

હિરલ

_______________________

હાઈ, તને કહું ? આપણે બંનેએ અલગ થઈને આપણને બંનેને એટલી તક્લીફ આપી છે કે તું જાણે છે કે આપણે એકબીજાને ક્યારેય માફ નથી કરી શકવાના. સોરી. તું પ્લીઝ રડવુાનું બંધ કર… તને રડતી જોઈને મારું રડવું અટકી નથી રહ્યું. મને છોડીને તું જતી રહી… મને ‘વી કાન્ટ કમ’ના મેસેઝ ટાઈપીંગની જે ફરજ પડી એ માટે હું તને ક્યારેય માફ નહીં કરું.

નિશીથ

_______________________

હેલ્લો, આપણા છૂટ્યા પડ્યાના એ દિવસોથી રાત્રે મારે એકલા રડવું પડે છે, મારી સવાર કોઈ છાતીના બદલે તકીયા પર પડે છે એ વસવસા માટે હું તને ક્યારેય માફ નહીં કરું. હું ઘર છોડીને જતી હતી ત્યારે દરવાજે પહોંચી.. ઉબર સુધી પહોંચી ત્યાં સુધી પણ તું મારો હાથ પાછળથી પકડીને મારા હાથમાંથી બેગ લઈ લઈશ ને મારો ચહેરો પકડીને સખ્તાઈથી કહીશ કે ‘હું તને ખૂબ પ્રેમ કરું છું, તારે ક્યાંય જવાનું નથી… મૂક તારો સામાન નીચે..’ એ આખી પરિસ્થિતિ હું અનુભવી ન શકી એ રંજ માટે હું તને ક્યારેય માફ નહીં કરી શકું. તું રડે છે એ મને બહુ ખરાબ લાગી રહ્યું છે. પ્લીઝ નિશીથ, સ્ટોપ ઈટ ઓલ થીંગ્સ… વકીલના પ્રશ્નોના જવાબ આપ.

હિરલ

_______________________

હાઈ, તને એક વાત કહું ? તું માનીશ ?

નિશીથ

_______________________

યેસ, બોલ નિશીથ બોલ… પ્લીઝ બોલ

_______________________

આઈ ડોન્ટ નો કે હવે બોલવું યોગ્ય કહેવાશે કે કેમ ?

_______________________

નિશીથ, પ્લીઝ… તું કોઈનો વિચાર ન કર… બોલ… જસ્ટ સ્પીક…

_______________________

તને કહું !

_______________________

હમ્મ

_______________________

હિરલ…

_______________________

રહેવા દે નિશીથ, આઈ થીંક વી શુડ સ્ટોપ ઈટ ઓલ થીંગ્સ રાઈટ નાઉ. મને લાગે છે આપણે બંને અત્યારે એકબીજા પર દયા ખાઈ રહ્યા છીએ. મને પ્રેમ વિનાની હૂંફ હવે ન જોઈએ. તને ખબર છે સ્ત્રીને જીવવા માટે કારણની જરુર પડે… ક્યાંય પણ જોડાઈ રહેવા માટે.. પોતાના અસ્તિત્વ ટકાવવા માટે… પોતાના હોવાપણાની અનુભૂતિનું કારણ… જે મને લાગે છે કે આપણે બંને સાથે રહેશું તો મને નહીં મળે.. હવે તો નહીં જ મળે… કેમકે હું સતત મારા વ્યક્તિત્વને ખોઈ રહી છું.. હું જ મારી દુશ્મન છું એવું મને લાગી રહ્યું છે. સો મને માફ કરજે. તારા નંબરને બ્લોક કરું છું કારણ કે મને એવું લાગે છે કે અત્યારે નહીં અટકું તો ક્યારેય નહીં અટકી શકું.

– રામ મોરી

mo- 7600102952