ડૉ. મનોજ માહ્યાવંશી
અમૃતા પ્રીતમ(૩૧/૦૮/૧૯૧૯થી ૩૧/૧૦/૨૦૦૫) પંજાબી ભાષાના ભારતીય લેખિકા તરીકે ખ્યાત છે. તેમની કવિતાઓ અને આત્મકથા ‘રસીદી ટીકીટ’ને લીધે તેઓ લગભગ ભારતની તમામ ભાષાઓના ભાવકોમાં જાણીતાં છે. અહિ તેમની રાજકારણના રંગને દર્શાવતી राजनीति કવિતાને ચર્ચવાનો ઉપક્રમ છે. જુઓ કવિતા-
“ सुना है राजनीति एक क्लासिक फिल्म है
हीरो : बहुमुखी प्रतिभा का मालिक
रोज अपना नाम बदलता
हिरोइन : हकुमत की कुर्सी वही रहती है
एक्स्ट्रा : राजसभा और लोकसभा के मैम्बर
फाइनेंसर : दिहाड़ी के मजदूर,
कामगर और खेतिहर
(फाइनांस करते नहीं,
करवाये जाते है)
संसद :इनडोर शूटिंग का स्थान
अखबार : आउटडोर शूटिंग के साधन
यह फिल्म मैंने देखी नहीं
सिर्फ़ सुनी है
क्योंकि सैंन्सर का कहना है—
‘नॉट फ़ॉर अडल्स ।’ ” ૧
અમૃતા પ્રીતમની આ કવિતા ભારતના રાજકારણની સમગ્ર સ્થિતિને સંક્ષિપ્તરૂપે રજૂ કરે છે એટલે વર્ષો પહેલા લખાયેલી આ કવિતા આજે પણ પ્રસ્તુત બની રહે છે. આ લખી રહ્યો છું ત્યારે ગુજરાતની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને નેતાઓ પ્રજાને લોભાવવાના લયમાં લોપાયમાન થવા લાગ્યા છે ત્યારે અને આ લેખ છપાશે ત્યાં સુધીમાં કદાચ પરિણામ પણ આવી ગયું હશે ત્યારે માત્ર ગુજરાત નહીં પણ આખા ભારતના રાજકીય તથ્યોના વિશાળ વલણને અહીં નાનકડી કવિતામાં સૂક્ષ્મરૂપે ‘ફિલ્મ’ના રૂપે રજૂ કરવામાં આવ્યું છે.
ક્લાસિક એટલે પ્રશિષ્ટ , ever golden એવું જ કંઇક. અને આ ક્લાસિક ફિલ્મનો નાયક એટલે કે હીરો છે બહુમુખીપ્રતિભાનો માલિક. અમૃતા પ્રીતમ અહીં હળવો પણ કડવો કટાક્ષ કરે છે કે આ ફિલ્મનો નાયક એવો વિશેષ નાયક છે કે જે રોજ પોતાનું નામ બદલતો રહે છે. સાંકેતિક રીતે અહીં નેતાઓના રોજબરોજના પોતાના વાયદાઓ-કથનો તરફનો નિર્દેશ છે. આવો જ એટલે કે જે પોતાનું નામ રોજ બદલી શકતો હોય-કથની અને કરણી અલગ રાખતો હોય એ જ આ રાજનીતિની ફિલ્મનો નાયક બની શકે છે. ધ તાશ્કન ફાઈલ’ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી કહે છે. “ રાજનીતિ મેં કુછ સચ નહીં હોતા, યહી ઇસ કા સચ હૈ.”xxx “લોગ સચ નહીં સચ કી કહાની સુનના પસંદ કરતે હૈ.” આ સંવાદો ખરેખર રાજનીતિનો ખરો આઈનો છે. અમૃતા પ્રીતમ આગળ લખે છે. हिरोइन : हकुमत की कुर्सी वही रहती है હકીકતે તો કોઇપણ ફિલ્મમાં હિરોઈન એટલે કે નાયિકાનું વર્ચસ્વ રહેતું હોય છે. લોકશાહી દેશની ખુરશી જ રાજકારણમાં મુખ્ય નાયિકાની ભૂમિકામાં રહેવાની. હકુમત-શાસન કરવું એ જ તો આ રાજનીતિનો ઉદ્દેશ છે અને ભારતીય લોકતંત્રના માળખાને પરિણામે એ શાસન સાથે જ હકુમત કરનારને ઘણું બધું મળી જતું હોય છે. એ બધું મેળવવા જ તો સત્તાપ્રાપ્તિના કાવા-દાવા રચાતા હોય છે. રાજકારણમાં પ્રવેશતા રાજકારણીઓ પણ આપણા માણસની કોમમાંના જ લોકો છે કોઈ બીજા ગ્રહવાસીઓ નથી ત્યારે ચૂંટાઈને પાંચ વર્ષ સુધી માણસાઈમાંથી ચહેરાઈ જતાં અને ભ્રષ્ટાચારને ભોજન બનાવી દેતા પશુઓને બિલકુલ શરમ નથી રહેતી એ આશ્ચર્યની વાત છે. વળી બધા જ નેતાઓ કે બધી જ પ્રજા આવી નથી ત્યારે પેલા પશુઓને સત્તા પરથી દૂર કરવા એવા નેતા અને પ્રજાએ જોર લગાવવું જોઈએ. રામ મનોહર લોહિયા કહે છે તેમ- “ જિંદા કૌમે પાંચ સાલ ઇંતજાર નહીં કરતી.” પણ ભારતના રાજકીય પટલ પર નેતાધર્મ અને પ્રજાધર્મ સંબંધિત શિસ્ત સાવ તળિયાઝાટક સ્તરે છે એટલે આ ભવ્ય ગણાતા લોકશાહી દેશને નેતાઓ ઉધઈની જેમ ખાઈ જાય છે. બસ મત આપીને જાણે અહીં નાગરિકધર્મ પૂરો થઈ જાય છે અને નેતાઓ વિશે પછી કશું ગંભીરતાથી વિચારવાનું કે નેતાજોગ કહેવાનું કે પછી તેઓના પર ચાપતી નજર રાખવાનું કશું આપણી પ્રજા કરતી નથી. જાણે કે પાંચ વર્ષની ફિલ્મ પુરી થાય ત્યાં સુધી મૂકદ્રષ્ટા બની રહેવું અને પોતાના નાના નાના સ્વાર્થ સધાતા જાય એમાં જ ખુશ રહેવું એ છે ભારતીય મતદાતાની વિલક્ષણ પ્રતિભા! ગુલઝાર કહે છે તેમ-“આદતન તુમને કર દિયે વાદે, આદતન હમને એતબાર કિયા.”
આગળની પંક્તિ છે एक्स्ट्रा : राजसभा और लोकसभा के मैम्बर રાજ્યસભા અને લોકસભાના સભ્યોને કવિયત્રી અહીં extra-વધારાના ગણે છે. લોકશાહીમાં હોદ્દાની મહાનતા છે પણ હોદ્દેદારોની વાસ્તવિક તાકાત કેટલી? આનો જવાબ તો કોઈપણ રાજકીય અભ્યાસુ જાણે જ છે. ફિલ્મમાંના પેલા હીરોના પ્રભાવમાં જ વધારાના લોકોએ ઉછરવાનું હોય તો લોકશાહીનો હાર્દ તો ત્યાં જ મરી પરવારે છે. फाइनेंसर : दिहाड़ी के मजदूर,कामगर और खेतिहर (फाइनांस करते नहीं,करवाये जाते है) રોકાણકાર. આ ફિલ્મને બનાવવામાં જેનું રોકાણ થાય છે એ મજૂરવર્ગ. આ મજૂરવર્ગમાં મધ્યમવર્ગને પણ સમજી જ લેવાનું છે. આજે પણ દેશની કુલ સંપતિનો મોટો ભાગ જૂજ લોકો પાસે અને બાકીનો નાનો ભાગ બચેલી તમામ પ્રજામાં વહેચાયેલો છે ત્યારે અનેક આપદાઓમાં જીવતો મધ્યમવર્ગ પણ હવે માત્ર પ્રેક્ષકની ભૂમિકાએ આ લોકશાહીની ફિલ્મને નિહાળવા મજબૂર છે. મધ્યમવર્ગ જેની પાસે યેનકેન રીતે સરકારીતંત્ર આવકનો અમૂક ભાગ મેળવીને સરકારી યોજના બનાવતા રહે છે અને એ જ પ્રજાના પૈસે તંત્ર અને ઉદ્યોગપતિઓ તાગડધિન્ના કરતા રહે છે. મત આપનાર મોટો વર્ગ માત્ર મત નથી આપતો એ ચુંટણીનો બધો ખર્ચ પણ આપતો હોય છે અને એ બાબત બહુ ઓછા લોકોની જાણમાં હોય છે. ધૂમિલ કહે છે તેમ-
“ એક આદમી રોટી બેલતા હૈ,
એક આદમી રોટી ખાતા હૈ,
જો ન રોટી બેલતા હૈ ન રોટી ખાતા હૈ
વહ સિર્ફ રોટી સે ખેલતા હૈ.
મૈ પૂછતાં હું-‘યહ તીસરા આદમી કૌન હૈ?’
મેરે દેશ કી સંસદ મૌન હૈ.”
આગળની પંક્તિ છે संसद :इनडोर शूटिंग का स्थान, अखबार : आउटडोर शूटिंग के साधन ચૂંટણી થઈ ગયા બાદ અમૂક પક્ષને સત્તા મળી ગયા પછી એટલે કે સામાન્યવર્ગ પાસેથી રોકાણ મેળવી લઈને જે ફિલ્મની શરૂઆત થાય છે એ રાજનીતિ નામની ફિલ્મના ઇન્ડોર શૂટિંગનું સ્થળ છે સંસદ. અને આઉટડોર શૂટિંગનું સ્થળ છે અખબાર-વર્તમાનપત્રો. આજના સમયમાં social mediaને આ અખબારમાં ગણી લેવાનું રહે છે. રાજનીતિની અંદરની બધી જ સ્થિતિને સંસદમાં રજૂ કરવામાં આવે છે અને એ જ રાજનીતિના પક્ષે-વિપક્ષે લોકો પાસે પણ અખબાર દ્વારા સૂચના-માહિતી પહોંચતા હોય છે ત્યારે સત્તાધારીવર્ગ આ અખબારને કેટલા સ્તર સુધી નિયંત્રિત કરી શકે છે એ પણ વિચારવું રહ્યું. હીરોથી લઈને આઉટડોર શૂટિંગ સુધીની વાત કરીને અમૃતા પ્રીતમ આ ફિલ્મ બાબતે કહે છે કે ‘આ તો મેં માત્ર સાંભળેલું છે, આ ફિલ્મ મેં જોઈ નથી કારણ કે ફિલ્મનો અભ્યાસ કરી પ્રમાણપત્ર આપનારી સંસ્થા સેન્સરબોર્ડનું કહેવું છે કે આ ફિલ્મ ‘not for adults’ છે. એટલે કે અહીં એક વયની ઉપરના લોકોનો જે સદર્ભ છે તે સમજદાર વર્ગનો સંદર્ભ છે. સમજદાર વર્ગ માટે આ ફિલ્મ નથી. આ છેલ્લી પંક્તિ આપણી લોશાહીમાં જાગૃત પ્રજાની લાચારી તરફ ઈશારો ચીંધે છે. જાણનાર-સમજનાર પ્રજા-નાગરિકે આ રાજનીતિની વાસ્તવિકતાને –ફિલ્મને જોવાની નથી, ચર્ચવાની નથી. ભારતમાં આર.ટી.આઈ એક્ટીવિસ્ટની હત્યાનો આંકડો પણ નાનો નથી, વિશ્વના દેશોમાં ગરીબીની દ્રષ્ટીએ ભારતે નાઈજીરિયાને પણ પાછળ મૂકી દીધું છે. Corruption Perceptions Index (CPI) મૂજબ વિશ્વના ૧૮૦ દેશોમાં ભ્રષ્ટાચારમાં આપણા ભવ્ય ભારતનો ક્રમ ૮૫મો છે તથા world happiness report મૂજબ સૌથી ખુશ ૧૪૬ દેશોની યાદીમાં ભારતનો ૧૩૬મો ક્રમ છે. આ સ્થિતિમાં પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા પ્રવૃત બનવું જ પડશે અને એમાં બાધારૂપ બનતા રાજકીય પક્ષો પ્રેરિત જાતિ-ધર્મને કિનારે મૂકીને સત્તાધારીઓને પ્રશ્નો પૂછવાની આદત કેળવવી જ પડશે. રાજકીય સત્તાઓએ પ્રજાને ભલે પ્રેક્ષક બનાવી દીધી હોય પણ હકીકતે તો પ્રજા જ આ ફિલ્મની દિગ્દર્શક-નિર્દેશક હોવી જોઈએ. ભારતનું બંધારણ પોતે જ ભારતનો સર્વોચ્ચ કાયદો છે અને એમાં જ “લોકો” શબ્દ ઉપર મહત્વનો ભાર આપવામાં આવ્યો છે. આ “લોકો”ની તાકાત ઓછી કરી નાખતી ગંદી રાજનીતિનો ભોગ સમજુ પ્રજા કદી ન બને એ જ જીવંત લોકશાહી માટે હમેશાં ઇચ્છનીય છે.
અમૃતા પ્રીતમની આ કવિતા જૂની છે. રાજકારણના આટાપાટાને લીધે અમૃતા પણ હેરાન થઈ હશે. વિવિધ જાતિસમૂહો, સંપ્રદાયો, સંઘોમાં ઘુસી ગયેલા રાજકારણે જ અમૃતા પ્રીતમને રાજકારણ વિશે આવું લખવા તત્પર બનાવી હશે એ બાબતમાં કોઈ બેમત નથી. એટલે જ અમૃતાએ પોતે લખ્યું છે કે -“ અપની તાકત કી કીમત હમેશા અકેલેપન સે ચુકાની પડતી હૈ.” મેં અમૃતા પ્રીતમના જીવન વિશે મારા ૨૦૧૩ના એક લેખમાં નોંધ્યું છે- “ તેમણે લાહોર રેડિયો સ્ટેશનેથી સિતાર વગાડવાની શરૂઆત કરેલી ત્યારે એમના સમાજમાં ખાસ્સો એવો વિરોધ થયેલો. વારિસશાહ વિશે કવિતા કરવાને લીધે પણ અમૃતાનો વિરોધ થયેલો. તેમણે વારિસશાહ વિશે લખ્યું-“ ઉઠો વારિસશાહ, પંજાબમે એક લડકી રોઈ થઈ,તુમને કવિતા કી થી. આજ લાખો લડકિયા રોતી હૈ.” વારિસશાહ વિશે આવું લખવાને લીધે અમૃતાને પંજાબના વર્તમાનપત્રોએ ગાળો આપેલી. આ બધા સંઘર્ષોમાં અમૃતા ટકી રહીને સાહિત્યસર્જન કરતી રહી. સોવિયેટ સંઘ દ્વારા વિદેશમાં જવાનું આમંત્રણ અમૃતાને મળેલું ત્યારે અન્ય કવિઓએ આમંત્રણનો અસ્વીકાર કરીને વિરોધ નોંધાવેલો. પોતાના અંગત જીવનમાં અને સામાજિક જીવનમાં આ રીતે દુઃખોનો સામનો કરી રહેલ અમૃતા પોતાની વેદનાને પોતાના શબ્દોમાં આ રીતે રજૂ કરે છે-
“હમને આજ યે દુનિયા બેચી,
ઔર એક દિન ખરીદકે લાયે.”
માતાના મૃત્યુ વખતે ઈશ્વર પારકો થઈ ગયો હતો. જયારે સાહિત્યસર્જન દરમિયાન અનુભવાયેલા કષ્ટો વખતે તેને લાગ્યું કે-
“અબ સારા સમાજ, હર મઝહબ બેગાના હો ગયા હૈ.” ૨
એટલે અમૃતા પ્રીતમને પોતાના જીવન દરમિયાન વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરનારા કહેવાતા મહાન પણ વામણા લોકોના કટુઅનુભવો થયાં છે અને સાહિત્યજગતમાં પણ એકલા પાડી દેવાની SIDE TRACK કરી દેવાની ગંદી રાજનીતિનો ભોગ પણ બન્યા છે. સિધ્ધાંતવાદી નેતૃત્વ તો આજે પણ જાણે સપનું જ બની રહ્યું છે. આજે સિધ્ધાંતવાદી નેતાઓ કેટલા? આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ ખરા? પ્રેમચંદ કૃત ‘ગોદાન’માં કહેવાયું છે કે-“ જો વ્યક્તિ કર્મ ઔર વચન મેં સામંજસ્ય નહીં રખ શકતા, વહ ચાહે જો કુછ હો, સિધ્ધાંતવાદી નહીં હો શકતા.”
અમૃતા પ્રીતમની આ નાનકડી કવિતા ભારતીય લોકશાહીમાં રમાતી રાજકારણની ફિલ્લમ-ફિલ્લમ નામની રમતને રજૂ કરે છે. બધું જ જાણતી પ્રજા પણ લોકશાહીમાના રાજા સામે હમેશા વિવશ જ બની રહે છે. કહે છે ને કે ‘સત્તા સામે શાણપણ નકામું’ એટલે જ અમૃતા શાણા લોકોને સર્જક તરીકે જ સૂચવે છે કે આ ફિલ્મને માત્ર તમારે સાંભળવાની છે અને ચૂપ રહેવાનું છે. જોવાની લાયકાત શાણા-સમજદાર લોકોની નથી. એટલે કે જો આ ફિલ્મ જોઈ લેવામાં આવે તો સમજદાર-શાણા વર્ગ માટે જ સારું નથી એવું તો સેન્સરબોર્ડનું કહેવું છે. આ સેંસરબોર્ડનો સંદર્ભ આ કવિતામાં સાંકેતિક રીતે અનેક શક્યતાઓ તરફ નિશાન તાકે છે. લોકશાહી દેશની રાજનીતિમાં પ્રજા જ ટોચ પર એ તો એક આદર્શ વાત થઈ પણ હકીકતે પ્રજાનો ઉપયોગ કઈ રીતે થાય એ તો એડલ્ટ પ્રજા સમજે જ છે, અને જેઓ એડલ્ટ નથી તેવા લોકો કોઈ ને કોઈની અંધભક્તિમાં રાચે છે. અમૃતા અહીં આ ફિલ્મ ના જોવાની વાતનું આલેખન કરીને સીધી રીતે જ જાણે આ ફિલ્મ જોવાની-રાજનીતિની હકીકતને સમજવાની ભલામણ કરે છે અને લોકશાહીના ખરા લોકતંત્ર માટે એ અત્યંત આવશ્યક બાબત છે. માર્ક ટ્વેનનું બહું જાણીતું કથન છે- “ politicians and diapers must be changed often, and for the same reasone” પણ ભારતીય રાજકારણની ફિલ્મના એકના એક અભિનેતાઓને ભગવાન બનાવીને પ્રજા વારંવાર આ રાજનીતિની ફિલ્મમાં જોવા માંગે છે એટલે માર્ક ટ્વેન જેવા મહાન વિચારક અહીં માર ખાય જાય છે. અમૃતા પ્રીતમની આ નાનકડી કવિતા આપણી લોકશાહીને કલંક લગાડતા રાજકીય દાવપેચ ઉપરનો સણસણતો તમાચો છે. સાહિત્યકારોએ આવા તમાચાથી લોકશાહીને જીવંત રાખવાની જરૂર છે પણ બહુધા તો લગભગ કહેવાતા લેખકડાઓ પગચંપી અને આરતી ઉતારવામાં જ લાગેલા જોઈ શકાય છે. રઘુવીર સહાય કહે છે તેમ-“ સંગઠિત રાજનીતિ ઔર રચના મેં તનાવ કા રિશ્તા હોના ચાહીએ, સત્તા ઔર રચના મેં ભી તનાવ કા રિશ્તા હોના ચાહીએ.” પણ આ તનાવની સ્થિતિ કોઈ ઉભી કરવા માંગતું નથી એટલે જ જાણે કે રાજકારણના વા વાય તેમ પોતે લેખકડાઓ અહીંથી તહી ફંગોળાતા રહે છે. આ સ્થિતિમાં સ્વતન્ત્રતા અને આઝાદીપૂર્વકના જીવન બાબતે વિચારવા મજબૂર થઇ જવું પડે. અવતારસિંઘ સંધુ ‘પાશ’ લખે છે- “ મેરે દોસ્તો, હમારે સમય કા ઈતિહાસ, બસ યહી ન રહ જાયે’ કિ હમ ધીરે-ધીરે મરને કો હી, જીના સમઝ બેઠે!” એટલે પ્રજા તરીકેની જાગૃત ચેતનાને જાણે ઢંઢોળવા માટે જ અમૃતા પ્રીતમેં આ ‘રાજનીતિ’ કવિતા લખી છે. પંદર પંક્તિની આ કવિતા પ્રજાતંત્રના ધબકારને જીવંત કરવા માટેની જ આડકતરી રજૂઆત છે અને રાજકારણમાં લાગેલા રોગનો સડો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ કવિતા પ્રસ્તુત રહેશે…
સંદર્ભ-
૧- प्रतिनिधि कविताएँ अमृता प्रीतम, राजकमल प्रकाशन प्रा. लि. नई दिल्ली, दसवाँ संस्करण २०१९, पृ.९८
૨- ‘વિવિધાસંચાર’ સામયિકના વર્ષ-૪, અંક-૧૪, માર્ચ-મે ૨૦૧૩ના અંકમાં પૃ.૭૬ ઉપર પ્રકાશિત “અમૃતા પ્રીતમ વિશે” નામનો ડૉ. મનોજ માહ્યાવંશીનો લેખ
૩- રીપોર્ટના આંકડાની વિગત અને કેટલાક ચિંતકો-લેખકોના કથનો ગુગલ/ફેસબુક દ્વારા પ્રાપ્ત થયેલ છે.
ડૉ. મનોજ માહ્યાવંશી, ગુજરાતી વિભાગ, ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કૉલેજ, સિલવાસા,396230.
દાદરા નગરહવેલી. Mob-9898684601, mahyavanshimanoj@yahoo.co.in
પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022