‘બે નાટક: વસ્તુ એક –દ્ર્ષ્ટિકોણ ભિન્ન’

– રીટાબેન કે. પટેલ

સાહિત્ય સમાજનો આયનો કહેવાય છે એટલે સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ ઝિલાય છે. કોઇ પણ સાહિત્ય જ્યારે રચાય છે ત્યારે સર્જકની સમકાલીન સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ એમાં ઝીલાય છે. આ સાહિત્ય જયારે ભાવક સુધી પહોંચે છે ત્યારે ભાવકના મનોરાજયમાં સર્જકના સમયનું અને પોતાના સમકાલીન સમયનું પ્રતિબિંબ પડે છે. આથી જ્યારે કોઇ ભાવક જે-તે કૃતિનું વિવેચન અથવા અનુસર્જન(પુન:સર્જન) કરે છે ત્યારે એમાં મૂળકથાની સાથે ભાવકના સમકાલીન અંશો પણ ભળે છે.

          આ સંદર્ભે રસિકલાલ છો. પરીખે સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિકમ્’ પરથી પોતાનું સ્વતંત્ર નાટક ગુજરાતીમાં ‘શર્વિલક’ રચ્યું છે આથી આ નાટકમાં મૂળ નાટકના અંશો છે જ, પરંતુ રસિકલાલે તેમાં પોતાના સમયનો નિર્દેશ કરીને નાટકમાં રોચકતા લાવવાનો પ્રયત્ન કર્યો છે.

          ‘મૃચ્છકટિકમ્’ના સર્જક શુદ્રકે માત્ર ચારુદત્ત અને વસંતસેનાને ધ્યાનમાં રાખી પ્રણયરસનું નિરૂપણ કર્યું છે. અહીં નાટકનો વેગ આ બે પાત્રોના પ્રણયને આધીન ચાલે છે. તેમાં ગૌણ કથા રૂપે રાજ્યની ક્રાંતિની કથા અને શર્વિલક-મદનિકાના પ્રણયની કથા જોવા મળે છે. બીજી તરફ રસિકલાલે ‘શર્વિલક’માં આઝાદી પહેલાંની રાજકીય ચળવળોનો મુખ્ય નિર્દેશ કરવા રાજ્યની ક્રાંતિની કથાને વધારે મહત્વ આપ્યું છે. આથી તેમના સમગ્ર નાટકમાં વીરરસનું પ્રાધાન્ય જોવા મળે છે. જ્યારે વસંતસેના-ચારુદત્ત તથા શર્વિલક-મદનિકાના પ્રણયની કથા ગૌણ બની જાય છે.

‘મૃચ્છકટિકમ્”ની શરૂઆત રાજાનો સાળો શકાર વસંતસેના પાછળ પડે છે ને તે ચારુદત્તના ઘરમાં છુપાઇ જાય છે. ત્યારે તે ચારુદત્તને જોઇ એનામાં મંત્રમુગ્ધ  થઇ જાય છે. અહીં સીધુ પ્રણય નિરૂપણ…. જ્યારે ‘શર્વિલક’માં આ દ્રશ્ય પ્રથમ અંકના ત્રીજા અંશમાં જોવા મળે છે. રસિકલાલના મહત્વના ફેરફારમાંથી આ એક મુખ્ય ફેરફાર છે. તેમને તો ક્રાંતિને મહત્વ આપવું છે એથી એમના નાટકની શરૂઆત જ એવા ઘટસ્ફોટથી કરી છે જેમાં શરૂઆત સંગીતની સ્પર્ધાથી થાય છે. એક સામાન્ય ગણી શકાય એવી બાબત. એમાં રોમાંચ લાવવા રાજાના અંગરક્ષક માધવ દ્વારા રાજા સુધી સમાચાર પહોંચાડવા કે ‘ગોપાલક પુત્ર રાજા થશે’ આ વાક્ય જ ક્રાંતિને જાગૃત કરવા માટે પૂરતી છે. રાજા પાલકનું આ એક વાક્ય પર ચિંતાતુર થઇ જવું ખરેખર તો આ માધવ એ ક્રાંતિકારીઓમાંનો એક છે જે શર્વિલક સાથે જોડાયેલો છે. તેથી જ માધવના મૃત્યુને શર્વિલક લોકવિપ્લવનો પહેલો ભોગ તરીકે ગણાવે છે.

બન્ને કૃતિની પાત્રસૃષ્ટિ સમાન છે. જેમાં ભૌતિક રીતે દરિદ્ર હોવા છતાં સ્વભાવથી ઉદાત્ત ચરિત્રવાળા ચારુદત્તનું પાત્ર, શર્વિલક જેવા ક્રાંતિકારીનું પાત્ર તો ચેટ, વિટ, શશક ચંદનક, દંડક, માધવ, નંદનક જેવા મધ્યમ સ્તરના પાત્રો છે, અન્યના પ્રભાવ તળે રહેનારા પાત્રો છે તો ધનાઢ્ય રાજ્યની ધુરા જેમના હાથમાં છે તેવા પાલક, ભરત રોહતક જેવા નીચ કે જેમણે બીજાનુ શાસન પચાવી પાડ્યું છે ને એથીય નીચ રાજાનો સાળો શકાર જે રાજાના નામે સ્ત્રીઓ સાથે અન્યાય અને અત્યાચાર કરે છે. આમ બન્નેની પાત્રસૃષ્ટિ મહદઅંશે સમાન છે. છતાં બન્નેમાં મદનિકાના પાત્રમાં ઘણો તફાવત જોવા મળે છે. શુદ્રકે મદનિકાને એક સામાન્ય સ્ત્રી તરીકે આલેખી છે. જ્યારે રસિકલાલે શામળના સ્ત્રી પાત્રોની જેમ મદનિકાને એક પુરુષ વેશે આલેખી સમગ્ર ક્રાંતિની મુખ્ય ધુરા એના હાથમાં જ સોંપેલી જણાય છે રસિકલાલે એમની કૃતિમાં શર્વિલકને નાયક બતાવ્યો છે તેમ છતાં તેના થોડા ઘણા સંવાદો તથા મદનિષ્કા સાથેના પ્રેમ પ્રસંગ અર્થે ચોરીનું જે પરાક્રમ કરે છે એ સિવાય એવું બીજું મોટું પરાક્રમ કોઈ જગ્યાએ કરતો હોય એવું કૃતિમાં ક્યાંય દેખાતું નથી. હા એ ક્રાંતિકારી તરીકે પ્રેમમાં વિદ્રોહનો અગ્નિ જગાવે છે, પરંતુ એ શિથિલ પરાક્રમ સિવાય બાકી બધે નિષ્ક્રિય દેખાય છે. એની તુલનામાં મદનિષ્ઠાનું પુરુશવેશમાં કરવામાં આવેલું પરાક્રમ વધારે ઉલ્લેખનીય છે તે માત્ર આર્યકને છોડાવીને બેસી ન રહેતાં રાજાની પત્ની શ્વેતપદ્માને ભગાડવામાં પણ મદદ કરે છે જેથી રાજા પાલક અસહાય થઇ જાય છે. શર્વિલકના લક્ષ્યને સિદ્ધ કરવા પોતાના પ્રાણ ત્યાગ કરતાં પણ ખચકાતી નથી. અહીં એનો શર્વિલક અને રાજ્ય પ્રત્યેનો પ્રેમ બખૂબી દેખાય જ છે. આ મદનિકા ‘મૃચ્છકટિક’માં સામાન્ય સ્ત્રી તરીકે જ જોવા મળે છે.

શર્વિલકના પાત્રને શુદ્રકે એટલું વિકસાવ્યું નથી. જેટલું રસિકભાઇએ વિકસાવ્યું છે. તેમણે સમગ્ર રાજપરિવર્તનનો દોર જ શર્વિલકના હાથમાં મૂકી દીધો છે એમ કહી શકાય કે સમગ્ર નાટકના પાયામાં જ શર્વિલક છે. માધવ જે પાલકનો અંગરક્ષક છે એને જ ક્રાંતિમાં જોડી દીધો જેથી પાલકની પળે-પળની માહિતી એના સુધી પહોંચતી થાય વળી ધૃતાગારોમાં પાલકના ગુપ્તચરો દ્વારા પોતાને મોકલવાના સંદેશા આડકતરી રીતે પહોંચતા કર્યા છે.

શુદ્રક અને રસિકલાલના નાટકોમાં જે રીતે પ્રસ્તાવના જુદી છે એ જ રીતે બન્ને નાટકના અંતમાં પણ ઘણો મોટો તફાવત જોવા મળે છે. ‘મૃચ્છકટિક’માં ચારુદત્તના વધ સમયે ચાણ્ડાલ સાથેના ચારુદત્તના સંવાદને મૂકીને તથા દારકને વધ સ્થળે લાવી સમયને થંભાવવાનો પ્રયત્ન કરતા હોય એવું લાગે છે એટલે અહીં કૃતિ કથળી જતી લાગે છે. ચારુદત્તને જાણી જોઇને બચાવવાના પ્રયત્નો લાગે છે. જેથી વસંતસેના ત્યાં પહોંચે અને ચારુદત્તનો વધ અટકી જાય. જયારે ‘શર્વિલક’માં સમયને ન થંભાવતા કથાવસ્તુ સીધે-સીધી ગતિમાં ચાલે છે. અહીં ચારુદત્તનો વધ થઇ જાય છે. બે પ્રિયજનનું મિલન થઇ શકતું નથી. સામાન્ય સ્ત્રીની જેમ વસંતસેના વિલાપ કરે છે. અહીં વસંતસેના ગણિકા છે. છતાં તેનું આ વર્તન આલેખી સ્ત્રીત્વની ભાવનાનો સર્જકે સ્વીકાર કર્યો છે.

બંને કૃતિના શીર્ષક તરફ નજર કરીએ તો શુદ્રક્નું નાટક ‘મૃચ્છકટિક’ જેનો અર્થ માટીનું ગાડુ થાય છે એ પ્રમાણે વસંતસેના તરફથી દારકને સોનાની ગાડીની જીદ છોડાવવા માટીનું ગાડું ભરીને અપાયેલા અલંકારો અંતે એના જ મૃત્યુ માટે એના જ પ્રિયજનને ગુનેગાર સાબિત કરી આપે છે. એ સંદર્ભે શીર્ષક યોગ્ય છે. જ્યારે ‘શર્વિલક’માં અગાઉ કહ્યું તેમ શર્વિલક સમગ્ર ક્રાંતિનો નેતા હોવાથી શીર્ષક યોગ્ય  છે. પરંતુ શર્વિલક પાત્ર કરતાં રાજ્યના પરિવર્તનમાં સૌથી મહત્વનો ફાળો મદનિકાનો હોવાથી શર્વિલક એના તોલે ફિક્કુ પાત્ર લાગે છે. એથી શીર્ષક રાજ્યક્રાંતિની કથા જેવું આપ્યું હોત તો પણ ચાલત.

  • સંદર્ભ સૂચિ: ‌
  • પરીખ રસિકલાલ : ‘શર્વિલક’, પ્રથમ આવૃત્તિ : ૧૯૫૭, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • સંપાદક સુન્દરમ્ : ‘મૃચ્છકટિક’, બીજી આવ્રુતિ : ઓક્ટોબર : ૧૯૫૯

રીટાબેન કે. પટેલ, પીએચ.ડી સ્કોલર, ગુજરાતી વિભાગ, ભા-સાહિત્ય ભવન,ગુજરાત યુનિવર્સિટી.

Prayas An Extension… Volume – 3, Issue 5, September – October : 2022 ISSN : 2582-8681