દરરોજની જેમ આજેય ટ્યુશન ક્લાસ શરુ કરતાં પહેલા સરદારસિંહે સૌ બાળકોને જોક્સ જેવી વાતો કરીને હસાવ્યાં. પહેલા, હસાવવાનો એમનો હેતુ એ જ કે ભણતી વખતે મન હળવું ફૂલ થઇ જાય અને બીજું આ બાળકો જે ટ્યુશનમાં આવતાં હતાં એ બધા આદિવાસી વિસ્તારમાંથી આવતા ગરીબ બાળકો હતાં. એથી એમનાં ઘરની કોઈને કોઈ માનસીક પીડાની અસર આ બાળકો પર હોય તો એ દૂર થાય.
બધા બાળકો ખડખડાટ હસતાં હતા. પરંતુ એક પાંચમું ધોરણ ભણતો નાનો ભોલુ હસતો નહોતો. સરદારસિંહનું ધ્યાન એની તરફ ગયું. એને હસાવવા માટે સરદારસિંહે ફરી સારામાં સારી હસી પડાય એવી વાત કરી અને બધા છોકરાઓ ફરી ખડખડાટ હસી પડ્યાં. પરંતુ ભોલુ સૂનમૂન બેઠો હતો.
‘તુમ ક્યોં ચૂપચાપ બૈઠે હો? ક્યોં કુસ નહિ બોલતે? ‘ હરપાલસિંહ એને પૂછ્યું.
પહેલીવાર તો તેમણે કોઈ જવાબ ન આપ્યો, પરંતુ બે-ત્રણ વારે જ્યારે પૂછ્યું ત્યારે એમણે રડમસ અવાજે કયું: ‘મેરી બહન ગાયબ હો ગઈ હૈ, કોઈ પતા નહિ હૈ.’
‘કબ? કહાં સે ?’
‘કલ સુબહ નૌ બજે ટયુશનમેં જા રહી થી, તબ રાસ્તેમે સે હી કોઈ ઊંઠા લે ગયાં.’
‘કિતની મેં પઢતી થી?’
‘સાતવીમેં.’
સરદારસિંહે જોયું કે કાલે એ ટયુશનમાં આવ્યો નહોતો.
બીજા દિવસે એ જ્યારે ટ્યુશનમાં આવ્યો ત્યારે સરદારસિંહે સૌ પ્રથમ એમને બહેનની ભાળ મળી કે નહીં, એ પૂછી જોયું. પણ ક્યાંય પત્તો લાગ્યો નહોતો.
સરદારસિંહ ટ્યુશન પૂરું કરી ભોલુની સાથે જ એમનાં ઘરે ગયા. તેમના માતા-પિતાને મળ્યા. દીકરીનાં ખબર પૂછ્યાં. એમની મા તો ‘મેરી બચ્ચી કો લા દો…’નું રટણ કરતી કાલની ખાધા-પીધા વગરની બેહોશ થઈને પડી હતી. સરદારસિંહે એમના પિતાને પોલીસમાં જાણ કે ફરિયાદ કરી કે નહીં? અને તમે તપાસ કરી હોય તો કઈ કઈ જગ્યાએ કરી? વગેરે પૂછીને વિગત જાણી.
ભોલુનાં પિતાએ જણાવ્યું કે પોલીસમાં ફરિયાદ તો કરી, પરંતુ ફરિયાદ નોંધીને પોલીસે જણાવ્યું કે’તપાસ કરીશું’ તે પછી તપાસ બાબતે કોઈ જાણકારી નથી. તેઓએ પોતાની રીતે આજુબાજુ અને શહેરના કેટલાક વિસ્તારોમાં શોધખોળ કરી જોઈ, પરંતુ કોઈ પત્તો ન લાગ્યો એવું જણાવ્યું.
સરદારસિંહે માતા-પિતાને, બંનેને દિલાસો આપ્યો અને દીકરીની શોધખોળમાં પોતે પણ સાથે જોડાઈ ગયા. ટ્યુશન ક્લાસ અને કોલેજ પૂરી કરીને સાંજનાં ભોલુ અને ભોલુનાં પિતા સાથે શહેરનાં આ છેડેથી પહેલા છેડા સુધી નીકળી પડે. એમણે જે કામ હાથમાં લીધું હોય એ કામ પાર ન પડે ત્યાં સુધી એમને ચેન ન પડતુ.
સરદારસિંહ નેકી માણસ હતા. સ્વાશ્રય અને નીડરતા એમનાં જીવનમાં વણાયેલા હતા. મૂળ ગામ તો એનું વાવડી. ભાવનગરની શામળદાસ કોલેજમાં અંગ્રેજી વિષય સાથે બી. એ. પૂરુ કરીને ગાંધીનગર અંગ્રેજી ભવનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ શરૂ કર્યો. કોલેજમાં હતા ત્યારે માથાભારે તત્વો ગ્રુપો બનાવીને કોલેજનાં વિદ્યાર્થીઓને રંજાડતા હતા. એ બધા ગ્રુપો સામે નીડરતાથી ઝઝૂમીને એમણે એને ધૂળ કર્યા અને કોલેજમાં થતી હેરાનગતિ બંધ કરાવી.
વાવડીનાં સીમ- વગડામાં થતો હરણાંઓનો શિકાર એમણે બંધ કરાવ્યો. તેમ છતાયે કેટલાક માથાભારે લોકોએ શિ કાર ચાલુ રાખ્યો તો જીવનાં જોખમે એમની સામે પડ્યાં. એમની પાસે એક ઊંટ હતો અને પરવાનાનો બંદૂકનો જોટો હતો. ઉનાળામાં ઊંટ પર સવાર થઈ ખંભે બંધુક ભૈરવી એ નીકળી પડે વગડામાં, હરણાંઓનાં રખોપા માટે. એક ઝાડનાં છાંયે ઊંટને બાંધી, થોડા અંતરે દૂર બંધુક તાકતાં, ખાડામાં આખો દિવસ પડ્યા રહે અને રાત્રિનાં દૂર-દૂર સુધી ઊંટ ઉપર ભમ્યા કરે. એથી જ તો આજે બસો-બસોનાં ટોળાં હરણાઓનાં, વાવડીનાં વગડામાં ભમી રહ્યા અને હરણાંઓની ખરીઓથી ખૂંદાતો વગડો સુંદર અને ભર્યો- ભર્યો થઈ ગયો.
ઓગણીસો પઁચાશીનાં અનામત આંદોલનમાં પોતાને ખબર નહીં કે આ આંદોલન શેના માટે છે? સૌ વિદ્યાર્થીઓ જોડાયા છે તો આપણેય જોડાઈએ. એ રીતે એ દોરવાયા અને આંદોલનમાં જોડાયા. વિદ્યાર્થીઓ બધા તોફાને ચડ્યાં. તોફાન એટલું બધુ ચગ્યું કે સરકારને, પોલીસને છૂટોદોર આપવો પડ્યો અને વિદ્યાર્થીઓને પકડી- પકડી જેલમાં નાખવામાં આવ્યા. સરદારસિંહે તો વિદ્યાર્થીઓની આગેવાની લીધી હતી. મોટા ભાગનાને પોલીસે કાબુમાં કરી લીધા હતા. પરંતુ સરદારસિંહ પકડમાં આવતાં નહોતાં. સ્પેશ્યલ પોલીસવડાએ પોતાની ટીમ લઇને શહેરની બજારો ફરતે ઘેરો કર્યો. સરદારસિંહને વચ્ચેથી ઘેર્યા. સરદારસિંહ બજારની એક સાંકડી ગલીમાં દોડી જઇને, ગલીની અંદરનાં ભાગનાં એક મકાનની બહાર પડતી બારીની પાળી પકડી, ઠેકડો મારી, અગાશી પર ચડી ગયા. પોલીસ પાછળ ને પાછળ પડી. સરદારસિંહ એક મકાનની અગાસી પરથી બીજા મકાનની અગાસી પર ઠેકડો મારતાં દોડયે જાય છે. મકાનોની હાર પૂરી થાય ને સાંકડી ગલી આવે તો એ અગાસી પરથી જ ઠેકડો મારીને ગલી કૂદી જાય અને બીજા મકાનની અગાશીએ દોટ મૂકે. દોડતી પોલીસ પાછળ રહી જાય ને પોતે એક મકાનની બારીની પાળી પર ઠેકડો મારી, જમીન પરથી સાંકડી ગલીઓમાં દોડવા લાગે. આંદોલન પૂરું થયું ત્યાં સુધી તેઓ પોલીસનાં હાથમાં ન આવ્યા.
ગાંધીનગર માસ્ટર ડિગ્રી કરવા આવ્યા. રહેવા માટે એક ઓરડી ભાડે રાખી. કોલેજનો ખર્ચો અને રૂમભાડુ ભરવા માટે પિતા પાસેથી પૈસા ન મંગાવતા. પરંતુ જાતે જ મહેનત કરી ખર્ચો કાઢવાનું વિચાર્યું. એથી એમણે આજુબાજુનાં નાના છોકરાંઓને મામૂલી ફી લઈને અંગ્રેજી શીખવવાનું ટ્યુશન પોતાની રુમે જ શરૂ કર્યું.
એક અઠવાડિયા સુધી ભોલુનાં પિતા સાથે ફરીને આખું શહેર ખૂંદી વળ્યા પરંતુ ક્યાંય ભોલુની બહેનનો પત્તો ન લાગ્યો. વારે-વારે પોલીસ મથકે જઈને પોલીસને ઝડપી રીતે કાર્યવાહી કરવા કહી આવતા હતા. પણ પોલીસ ‘તપાસ ચાલુ છે’ કહીને ‘આંખ આડા કાન’ કરી લેતી હતી.
એવા સમયે એક વાત સરદાર સિંહનાં કાને આવી કે અપહરણકર્તાઓ છોકરીઓને ઊપાડી, શહેરનાં કોઠાઓમાં વેચી આવે છે અને એનાં બદલામાં તેઓને મોટી દલાલી મળે છે.
પોતાનાં જ ગામનાં નરુભા અહીં આ શહેરમાં હોમગાર્ડમાં હતા. તેની પાસે ગયા. અપહરણ થયાની વાત કરી અને કહ્યું કે ‘તું મને પિસ્તોલ લાવી દે. ભરેલી કાં ખાલી. મારે અહીંનાં કુટણખાનામાં તપાસ કરવી છે, ને એમાં તારી મને મદદ જોઈશે.’
‘એમ તપાસ કરવી અઘરી છે સરદારસિંહ ! કોઠો ચલાવતી બાઈ જેવી તેવી નથી. ભલભલાને ભૂ પીવડાવે એવી છે. એનાં હાથ એટલા લાંબા છે કે મોટા મિનિસ્ટરોય એની સામે હથિયાર હેઠા મૂકી દે છે.’
‘ તું રજપૂત થઈને મીંદડી મ્યાઉં થઈજા એ મને ગળે નથી ઊતરતું.’
‘ એટલે હું ડરી નથી ગયો! આ તો હું તમને જાણ કરું છું, જેથી કરીને ઓપરેશનમાં આપણે કાચા ન પડીએ.’
‘ તો મને પિસ્તોલ લાવી દે. ભરેલી કે ખાલી. પછીનું આયોજન ત્યાં જઈને ગોઠવીશું, અને આજે જ સાંજનાં જઈશું બરાબર ?’
સાંજનાં સમયે નરુભા અને સરદારસિંહ ભોલુને સાથે લઈ, સાદા કપડામાં, એક ગ્રાહકનાં વેશમાં કોઠે પહોંચ્યા.
અંદર પ્રવેશતા આગળનાં ભાગમાં ઓફિસ જેવા ઓરડાની બારીનાં ખાનાની અંદર, મોટી ખુરશી ઉપર એક આધેડ વયની સ્ત્રી બેઠી છે. જોતા ખ્યાલ આવી ગયો કે આ જ કોઠાની માલકણ છે. ભોલુ ને દિવાલની આડશે થોડીવાર ઊભો રાખી દીધો.
આધેડ ઉંમર વીતી ગઈ હોવા છતાં શા એનાં રૂપ હતા.! એવું કહેવાતું કે મોટાં-મોટાં મિનિસ્ટરો અને વી. આઇ. પી. લોકો તો આ માલકણ પાસે જ આવતા હતા. એક બાજુ બે પહેરેદારો ઊભા હતા. નરુભા અને સરદારસિંહ ગ્રાહક હોવાનું નાટક કરી બારીની સામે, પેલી સ્ત્રીની નજીક આવ્યા.
‘એક અંગત વાત કરવી છે. આ બંને ચોકીદારોને થોડીવાર બહાર મોકલી દેશો ?’ બંનેએ પેલી સ્ત્રીને વિનંતી કરી.
પેલી સ્ત્રીએ પહેરેદારોને ઈશારો કરીને બહાર જવા કહ્યું. જેવા બંને બહાર નીકળી ગયા કે તુરંત નરૂભાએ કેડયે ભરાવેલી ખાલી પિસ્તોલ કાઢીને પેલી બાઈ સામે ધરીને: ‘ખબરદાર ! એક જરા પણ આડી-અવળી થઈ કે ફોન ઉપર હાથ મૂક્યો તો આ સગી નહીં થાય. અમારે તારું કાંઈ નથી જોઈતું. તારી ઓરડી ઓમાં એક તપાસ કરી લેવા દે. અમારું માણસ હશે તો લઈને જતા રહીશું. ત્યાં સુધી, જેમ બેઠી છો, એમને એમ જ બેસી રે’જે.’
સરદારસિંહ ભોલુને લઈને એક પછી એક રુમ જોવા લાગ્યા. ભોલુને કયું ‘તારી બહેન આમાંથી હોય તો બતાવજે.’
નીચેના માળની આઠથી દસ ઓર ડીઓની તપાસ કરી જોઈ, પરંતુ એમાંથી ક્યાંય એમની બહેન જોવા ન મળી. .નીચેની બેરેક પૂરી કરીને, બીજા માળની બેરેક ઉપર ગયા. ઝડપથી જોતાં-જોતાં આગળ વધ્યે જતાં હતાં. દરેક ઓરડીઓમાં રહેલી સ્ત્રીઓની દશા બદતર હતી. એ વર્તમાનમાં જીવતી નહોતી. જીવનને તો એમણે ક્યારનુંય વિદાય કરી દીધું હતું.
સાતેક ઓરડીઓ મૂકીને પછીની એક ઓરડીમાં બંનેએ જેવો પગ મૂક્યો તો એક ચૌદ વરસની, એકવડા બાંધાની કન્યા ભોલુ અને સરદારસિંહને સાથે જોયાં અને જોઈને દોટ દેતી સીધી સરદારસિંહને વળગી પડી અને પોક મૂક્તી, રડતી-રડતી કહેવા લાગી: ‘ મને અહીંથી લઈ જાવ….. કોઈ અહીંથી મને લઈ જાવ….મને મારી નાખશે…..મને લઈ જાવ…..’
‘યે તુમ્હારી બહેન હૈ ?’ સરદારસિહે ભોલુને પૂંછયું
ભોલુએ નકારમાં માથું ધુણાવ્યું તો સરદારસિંહે કહ્યું: ‘ચલ આગે.’
પેલી બાઝી પડેલી છોકરી કેમે કરીને હાથ મૂક્તી નહોતી. સરદારસિંહે: ‘બેન, હું હમણાં આવું છું હો?’ કહીને પરાણે હાથ છોડાવ્યાં અને આગળ વધ્યા.
પછીની ઓરડીમાં પગ મૂકતાં એનાં જેવડી જ એક કન્યા સરદારસિંહને જોઈને ભયંકર રીતે ગભરાઈ અને મોટી રાડ પાડી ઊઠી. આખા શરીરે ધ્રુજતી એક ખૂણામાં ભરાઈ ગઈ. ધ્રુજતી ને રડતી એ બોલી રહી હતી- ‘નહીં…..મુજે અડકનાં નહીં…. મુજે ગંદા નહીં બનના….મુજે છોડ દો…..’
ભોલુને હજી એમણે જોયો નહોતો. અહીંનાં માણસે એના કપડાં બદલાવીને અહીંનું કાળુ ગાઉન પહેરાવ્યું હતું. એનાં વિખરાયેલાં વાળ, હાથ અને મોં પરનાં કાળા ચામટા જોતાં લાગતું હતું કે તે તાબે નથી થઈ એટલે માર માર્યો લાગે છે.
જ્યારે ભોલુંને જોયો કે દોટ દેતી દોડતી આવી અને ભાઈને વળગી પડીને રડતી એનાં ગાલે ચૂમીઓ ભરવા માંડી.
‘ યે તુમ્હારી બહન હે?’સરદારસિંહે ભોલુને પૂંછયું.
‘હા, યહી મેરી બહન હૈ.’
‘લે લો, પકડ લોં હાથ.’
‘ બહન, તુમ્હે કુછ નહિ હોગા. જરા ભી મત ડરીએ. તુમ્હે કુશ નહીં હોને દૂંગા. તુજે લેને હિ હમ આયે હૈ. મત ડરીએ.’ સરદારસિંહે સાંત્વનાં આપી.
ભોલુ બહેનનું બાવડું ઝાલીને ઝડપથી ચાલવા લાગ્યો. ત્રણેય દરવાજાની બહાર નીકળી ગયા પછી નરૂભાએ તાંકેલી પિસ્તોલ કેડયે ભરાવી ઝડપથી પગથિયાં ઊતરી ગયા.
રસ્તામાં સૌ સાથે ભેગા થઈ ગયા ત્યારે સરદારસિંહે નરુભાને કહ્યું : ‘એક બેનડી હતી, આ બેન જેવડી જ. એ જે છુટવા માટે વલખાં નાખતી’થી, માછલીની જેમ તરફડતી’થી, તે મારાથી જોયું જોવાતુ નહોતું, પણ આપણી મર્યાદા હતી.’
!!અસ્તુ!!
પ્રવીણ કુમાર ગોવિંદભાઈ પરમાર
સરનામું: બંગલાવાડી, શેરી નં.4, “ઉત્સવ” મકાન , શક્તિનગર, જામ ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા
