કહેવત સંજ્ઞા, વિભાવના, લક્ષણો અને વિનિયોગ

      ડૉ. ભીખાભાઇ દેસાઇ

સામાન્ય રીતે કહેવતનો વિનિયોગ માત્ર સાહિત્યમાં જ થાય છે એવું બિલકુલ નથી. સાહિત્ય સિવાય પણ સમાજમાં સામાન્ય વાતચીત દરમિયાન આપણે ‘એક સાંધીએ ત્યાં તેર તૂટે’, ‘નહિ ઘરના કે નહિ ઘાટના’ જેવી ઉક્તિઓ બોલીએ-સાંભળીએ છીએ. ભણેલા અને અભણ બધા જ આ પ્રકારની કહેવતોનો વાણીમાં પ્રયોગ કરતા હોય છે.

ઉપરની બે કહેવતોમાં ‘એક સાંધીએ ત્યાં તેર તૂટે’નો એક દુઃખમાંથી બહાર આવીએ ત્યાં બીજું દુઃખ સામે આવીને ઊભું હોય, એવો અર્થ થાય છે. એ જ રીતે ‘નહિ ઘરના કે નહિ ઘાટના’ કહેવતમાં આપણે બે કામ સારી રીતે પૂર્ણ કરતાં બંનેમાં નિષ્ફળ જઈએ ત્યારે ‘નહિ ઘરના નહિ ઘાટના’ એમ કહીએ છીએ.

વૈદિક સાહિત્ય અને ગ્રીક સાહિત્ય એ વિશ્વનાં પ્રાચીનતમ સાહિત્યો છે. એ બંને સાહિત્યોમાં સામાન્યજનમાં પ્રચલિત કહેવતોનો ઉપયોગ થયો છે.

દરેક ભાષામાં કહેવત તો મળી જ આવવાની. કહેવત વગરની ભાષા નથી. કહેવત વગરની કથા પણ નથી. કહેવતનું મૂળ પ્રજાના અનુભવ અને ડહાપણમાંથી જ આવ્યું છે. એક મુખેથી બીજે મુખે એમ વારસાગત રીતે પરંપરાથી એનો પ્રચાર થાય છે. ભોજન માટે મીઠું તે જ રીતે બોલીને માટે કહેવતની જરૂર છે.

‘જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું.’

મતલબ કે કહેવત વગરની ભાષા નીરસ લાગે છે. કહેવતથી ભાષા પ્રભાવક, અસરકારક અને ચોટદાર બને છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારીને ભાષાને સમૃદ્ધ કરે છે. કહેવત આપણને આપણા પૂર્વજોના અનુભવોનું ડહાપણ ને શાણપણનું જ્ઞાન આપે છે. વિશ્વના ખૂણેખૂણે કહેવત જોવા મળે છે. કોઈકે યથાર્થ જ કહ્યું છે :

‘કહેવતો એટલે પરંપરાથી લોકોમાં કહેવાતાં બોધરૂપ, દૃષ્ટાંતરૂપ, લાઘવયુક્ત ચોટદાર કથનો.’

કાળ જાય પણ કહેવત હંમેશાં ટકી રહે છે. કહેવત એ ખૂબ પ્રાચીનરૂપ છે. એના મૂળિયાં છેક ઋગ્વેદમાં પણ જોવા મળે છે. કહેવત આજની નહીં પણ છેક ઋષિઓના સમયથી ચાલી આવેલી છે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત આદિ પુરાણોમાં ધર્મગ્રંથોમાં પણ એ દેખાશે જ. કહેવત જેમ ટૂંકી હશે તેમ વધારે અસરકારક બને છે.

કહેવતો એ પ્રજાનો સિક્કો અથવા થાપણ છે. અને એ થાપણ પુસ્તકના આકારમાં નવી પ્રજા માટે જાળવી રાખવી એ એક લાભકારી કામ છે. કહેવતનો ઉપયોગ કેળવાયેલા વર્ગ કરતાં વગર કેળવાયેલાં માણસો વિશેષ કરે છે, એમ દુનિયામાં જાહેર થયું છે. દરેક ભાષામાં થોડી ઘણી કહેવતો ચાલતી જ હોય છે. સઘળી ભાષાઓમાં કહેવતનો ભંડોળ વિશેષ છે. કહેવતનો ઉપયોગ પણ બીજી પ્રજા કરતાં સ્પેનિશ પ્રજા વધારે કરે છે. જે પ્રજા આનંદી, ઉત્સાહી અને અનુભવમાં આગળ વધેલી હોય તે પ્રજામાં કહેવતો વધારે જન્મ લે છે. વધારે ઉપયોગમાં આવે છે.

  • કહેવત શબ્દના અર્થ :

જુદા જુદા કોશોમાં ‘કહેવત’ શબ્દના અર્થ નીચે મુજબ મળે છે :

  • કહેવત – સ્ત્રી (‘કહેવું’ દ્વારા) લોકોક્તિ : દૃષ્ટાંત, ઉદાહરણ, ઉખાણો, કહેવરામણ
  • કહેવત – (1) ઉક્તિ, કહાણી, લોકોક્તિ

(2) ઉદાહરણ, દૃષ્ટાંત

(3) કોયડો, સમસ્યા, ઉખાણો

(4) બદનામી, કલંક, આળ, કહેવરામણ, માથે કહેવત આવવી – કલંક આવવું, આળ ચઢવું, બદનામ થવું.

  • કહેવત – (કહે.સ્ત્રી) લોકોક્તિ, દૃષ્ટાંત, ઉદાહરણ, ઉખાણો, કહેવરામણ.
  • કહેવત – સ્ત્રી (‘કહેવું’ દ્વારા) લોકોક્તિ, દૃષ્ટાંત, ઉદાહરણ, ઉખાણો, કહેવરામણ.
  • कहावत – स्, कहनावत, मसल, लोकोक्ति, उक्ति, कथन

આમ, અહીં આપણે કહેવત શબ્દના ગુજરાતી અને હિન્દી ભાષાના વિવિધ કોશોમાં મળતા અર્થ જોયા. ઉપર્યુક્ત કહેવત શબ્દના અર્થમાં જોઈએ તો, ‘લોકોક્તિ’, ‘દૃષ્ટાંત’ અને ‘ઉદાહરણ’ જેવા અર્થ લગભગ બધા કોશોમાં જોવા મળે છે. તેથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે કહેવત એ એક વાતને જુદી રીતે સમજાવવા વપરાય છે. કહેવત એ એક ઉખાણો છે. કહેવત માટે ગુજરાતીના ઉપરના ચારેય કોશમાં ઉખાણો અને કહેવરામણ શબ્દ વપરાયા છે. હિન્દીમાં કહેવત માટે મસલ નવો શબ્દ મળે છે. બાકીના શબ્દોમાં સામ્યતા છે.

  • કહેવત શબ્દના પર્યાયો :

જુદી જુદી ભાષાઓમાં કહેવત માટે જુદા જુદા શબ્દો વપરાય છે તે નીચે મુજબ છે.

  • સંસ્કૃત – લોકોક્તિ, આભાણક
  • મરાઠી – મ્હણ
  • બંગાળી – પ્રવાદ
  • નેપાળી – કહાઉત, લોકોક્તિ
  • પંજાબી – કહૌત
  • સિંધી – કહાવત
  • હિન્દી – કહાવત, લોકોક્તિ
  • રાજસ્થાની – ઓખાણા
  • મધ્યકાલીન ગુજરાતી – ઉખાણું, ઉખાણો
  • અંગ્રેજી – Proverb, Saying, Sententiae
  • ગુજરાતી – કહેવત, કહેણી, કહેતી, લોકોક્તિ
  • કહેવતની વ્યાખ્યા :

કહેવતના સ્વરૂપને ધ્યાનમાં રાખીને અનેક વિદ્વાનોએ કહેવતની વ્યાખ્યા આપવા પ્રયત્ન કર્યા છે. જે નીચે મુજબ છે.

  • ‘કહેવત મહાન પુરુષોનો અનુભવ સંક્ષેપમાં બતાવે છે. અને વાંચનારને સારી અસર કરી શકે છે.’
    • ભોગીલાલ ભીખાભાઈ ગાંધી
  • ‘ગમે તેટલી વિદ્વતા અને ડહાપણ ભરેલું વચન પણ લોકોના ઘણીવારના વપરાશ સિવાય કહેવત બની શકતું નથી.’
    • દામુભાઈ મહેતા
  • ‘Short sentences drawn from long experience.’
    • સર વેન્ટીસ
  • ‘કહેવત એ શું છે ? વિદ્વાનોએ તેને જ્ઞાનના ભાથામાંથી નીકાળેલાં તીર કહ્યાં છે. ડહાપણના ટુકડા છે. જુનવાણી છે. પણ એ વાણી કેવી છે ? બોલતી-કહેતી-કહે છે. ટૂંકમાં પણ એ ઘણું કહી દે છે. કહેવતો ગાગરમાં સાગર છે. બિંદુમાં સિંધુ છે. કહેવત એ ભાષાની અમૂલ્ય નિધિ છે. યુગયુગનું તેમાં ડહાપણ છે.’
    • અરવિંદ શાસ્ત્રી
  • ‘કહેવતો એ વિદ્વાન માણસોના મોંઢામાંથી નીકળેલાં વચનબાણ છે.’
    • આશારામ દલીચંદ શાહ
  • ‘કહેવત એટલે લાંબા ડહાપણમાંથી ખેંચી કાઢેલા ટૂંકા વાક્યો.’
    • સર વેન્ટીસ
  • ‘કહેવત એટલે લોકોથી વારંવાર બોલાતા ટૂંકા વાક્યો.’
  • ડૉ. જોન્સન
  • ‘કહેવત એટલે કે કહેવાય છે તે. એટલે કે જે વિચાર પ્રથમ સર્વસામાન્ય સ્વીકારાય અને તેથી જે લોકજીભે સ્હેજે કહેવાતો થાય તે.’

ઉપરની વિવિધ વ્યાખ્યાઓના આધારે કહેવત વિશે આપણે કહી શકીએ કે તે લાંબા સમયથી ચાલી આવેલી છે. તે વિદ્વાન માણસોએ કરેલા કથનો છે. કહેવત એ મહાન માણસોના અનુભવો સંક્ષેપમાં બતાવે છે. કહેવત માનવજીવનના ડહાપણનો નિચોડ છે. કહેવત સામાન્ય પ્રજાનું ઘરેણું છે. કહેવત એ એવી વસ્તુ છે કે જે ઘણી મોટી વાતને એક જ લીટીમાં કહી દે છે. કોઈ વ્યક્તિને સમજાવવા માટે કહેવત ઉદાહરણરૂપ બનતી હોય છે. કોઈપણ પરિસ્થિતિ વિશે વધારે ભાષણ આપવાનું ટાળવું હોય તો ત્યાં કહેવત દિવ્યાસ્ત્ર જેવું કામ કરે છે.

  • કહેવતના સ્વરૂપગત લક્ષણો :

ભરત ક. દવેએ એમના સંશોધનમૂલક અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘ઉત્તર ગુજરાતી કહેવતો’માં તારવેલ છે તે મુજબ કહેવતનાં સ્વરૂપગત લક્ષણો આટલાં તો અવશ્ય ગણી શકાય :

  • કહેવત કોણે રચી અને ક્યારે રચાઈ એ ગોપનીય રહ્યું છે.
  • કહેવત કંઠોપકંઠ કે કર્ણોપકર્ણ આગળ વધતી રહી હોય છે.
  • કહેવત એ ભલે એક વ્યક્તિનું સર્જન હોય પણ એમાં સામૂહિક ભાવ (સંધોર્મિ)નું પ્રગટીકરણ હોય છે. ને એનું જ સાધારણીકરણ થયેલું હોય છે.
  • કહેવતનું ભાષાસ્વરૂપ સીધું, સરળ અને સચોટ હોય છે.
  • કહેવત તળપદી ભાષામાં આમવર્ગની બોલીમાં હોય છે.

– કહેવત સૂત્રાત્મક હોય છે.

        – કહેવતમાં પ્રાસાનુપ્રાસવાળી ભાષા હોય છે. એમાં લયાત્મકતા પણ જોવા મળે છે.

        – બોધાત્મકતા એ એનું એક વિશિષ્ટ લક્ષણ હોય છે.

        – કહેવતમાં તીક્ષ્ણતા, વેધકતા, ચમત્કૃતિ, અસરકારકતા અને લોકપ્રિયતા જોવા મળે છે.

        – કહેવત એ કહેણીની કળા છે, એમાં કથનનું તત્વ વિશેષ હોય છે.

        – કહેવતમાં કોઈ કોઈ સમાનાર્થી તો કોઈ વિરુદ્ધાર્થી પણ જોવા મળે છે.

આપણા વડીલો વાત કરે ત્યારે વાતવાતમાં તેઓની વાણીમાં કહેવતોનો વિનિયોગ થતો જોવા મળે છે. જેના કારણે તેમની ભાષા વધારે સચોટ બને છે. તેમની વાણીમાં તેમની વ્યવહારકુશળતા દેખાઈ આવે છે. કહેવત મોટાભાગે દૃષ્ટાંતરૂપે જોવા મળે છે.

  • અર્થ એક કહેવત અનેક :

આપણી ભાષામાં ઘણી એવી કહેવતો છે કે જે એક જ અર્થ કે વિચાર દર્શાવતી હોય છે પણ તેને જુદીજુદી રીતે બોલી શકાય છે.

ઉદાહરણ તરીકે –

  1. ઓછું જ્ઞાન ધરાવતી વ્યક્તિ પોતે વધારે જ્ઞાની છે તેવું બતાવવાનો ડોળ કરે ત્યારે તેને – અધૂરો ઘડો છલકાય ઘણો, ખાલી ચણો વાગે ઘણો, ખોટો રૂપિયો ચળકે ઘણો વગેરે કહેવતો વડે રજૂ કરી શકીએ.
  2. ઘણી વાર અનેક વખત ટોકવા છતાં માણસનો સ્વભાવમાં કોઈ પરિવર્તન ના આવે ત્યારે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, દોરડી બળે પણ વળ ન મૂકે, પડી ટેવ ન ટળે, લખણ ના બદલે લાખા, વાંદરો ઘરડો થાય પણ ફાળ મારવાનું ના ભૂલે વગેરે કહેવતો વડે રજૂ કરી શકીએ.
  3. એકલા માણસથી કામ ના થઈ શકે, સહકાર જરૂરી છે એમ કહેવા માટે ઝાઝા હાથ રળિયામણા, એક હાથે તાળી ના પડે, ઝાઝી કીડીઓ સાપને તાણે, સંપ ત્યાં જંપ, વિના સહકાર નહિ ઉદ્ધાર વગેરે કહેવતો વપરાશમાં છે.
  4. કોઈ એકનું દુઃખ બીજાને પણ દુઃખમાં નાંખે એવો અર્થ પ્રગટ કરવા માટે – પાડાને વાંકે પખાલીને ડામ, દુખે પેટ ને કૂટે માથું, જમવામાં જગલો ને કૂટવામાં ભગલો, કરડે માકણ અને માર ખાય ખાટલો વગેરે કહેવતો બોલાય છે.
  5. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે ધીરજ જરૂરી છે એવી વાત કરવા માટે – ઉતાવળે આંબા ન પાકે, ધીરજનાં ફળ મીઠાં, ઉતાવળા સૌ બાવરા ને ધીરા સો ગંભીર વગેરે કહેવતો છે.
  • વિરોધી અર્થ આપતી કહેવતો :

કેટલીક વાર એક જ વાત પર બે વિરોધી વિચારો પ્રગટ કરતી કહેવતો પણ જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બધી કહેવતોમાં સનાતન સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય હોતું નથી.

         ઉદાહરણ તરીકે –

  • ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી સુયાણીએ વેતર વંઠે
  • માગ્યા કરતાં મરવું ભલું – માગ્યા વિના મા પણ ન પીરસે
  • બોલે તેના બોર વેચાય – ન બોલ્યામાં નવ ગુણ.
  • ઉતાવળે આંબા ન પાકે – શ્વાસ લઈને સો ગાઉ જવાય.
  • ઘીરજના ફળ મીઠાં – કલ કરો સો આજ કરો, આજ કરો સો અબ 
  • આશા અમર છે – પારકી આશા સદા નિરાશા

આમ, આવી એક જ વાત પર બે વિરોધી કહેવતો પણ આપણી ભાષામાં છે. માટે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

  • કેટલીક અત્યંત પ્રચલિત કહેવતો અને તેના અર્થ  :
  • ધરમ કરતાં ધાડ પડી – સારું કરવા જતાં નુકસાન થયું.
  • વાવે તેવું લણે – માણસ જેવું વાવે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે. 
  • વખણાયેલી ખીચડી દાંતે વળગે – ઘણી વાર વખાણીએ તે જ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નીવડે.
  • મા તે મા બીજા વગડાના વા – માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે. 
  • બોલે તેના બોર વેચાય – કહ્યા વિના કોઈ કામ થાય નહીં.
  • વાડ થઈને ચીભડાં ગળે – રક્ષક જ ભક્ષક બને.
  • મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે – હોશિયાર માતાપિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
  • ઉતાવળે આંબા ન પાકે – ઉતાવળથી સારું કામ થાય નહિ. 
  • સંપ ત્યાં જંપ – સંપ રાખવાથી સુખ શાંતિ મળે.
  • સાપને ઘેર પરોણો સાપ – સમાન ગુણસ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે.
  • પાકે ઘડે કાંઠા ન ચડે – જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતાં સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે.
  • આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે – થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે.

આજકાલ દોડધામ ભરી જિંદગીમાં આજના યુવાનો મોબાઇલથી દૂર હટીને ક્યારેક ક્યારેક પોતાના દાદા-દાદી પાસે બેસે તો આવી અનેક કહેવતોનું ભાથું પ્રાપ્ત કરી શકે તેમાં કોઈ બેમત નથી.

સંદર્ભ :

______________________________

  1. નવભારત સાર્થ ગુજરાતી શબ્દકોશ, સં.ડૉ. મફતલાલ અં. ભાવસાર, પ્ર.આ. 2007
  2. ભગવદ્વોમંડલ, ભાગ-3, ભગવતસિંહજી, પ્ર.આ. 1948
  3. સાર્થ ગુજરાતી જોડણીકોશ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ચો.આ. 1949
  4. મોટો કોશ, સં. રતિલાલ સાં. નાયક, પ્ર.આ. 1997
  5. हिन्दीशब्दसंग्रह, श्री मुकुन्दीलाल श्रीवास्तव, प्र.. 1987
  6. કહેવત દર્શન, પટેલ રમણલાલ પી., પ્ર.આ. 1989
  7. કહેવતકોશ, રતિલાલ સાં. નાયક, પ્ર.આ. 2008
  8. बृहत हिन्दी लोकोक्तिकोश, सं. तिवारी, भोलानाथ, संस्करण-2001
  9. બૃહદ્ કહેવત કથાસાગર, સં. શાસ્ત્રી, અરવિન્દ, નર્મદાશંકર, પ્ર.આ. 1993
  10. ગુજરાતી કહેવતસંગ્રહ અને પ્રાચીન દોહરાઓ અને સાખીઓ, સં. શાહ આશારામ દલીચંદ, પ્ર.આ. 1911
  1. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહેવતો અને એનું સાહિત્યિક પૃથક્કરણ, ડૉ. શશિકલા અમરીષ ત્રિવેદી, પ્ર.આ. 1988, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ

Dr. Bhikhabhai V. Desai (UGC-NET, GSET, JRF/SRF)

Assistant Professor

Nalini – Arvind & T. V. Patel Arts College, Vallabh Vidyanagar,

Dist : Anand – 388120

Email : bhikhajetalpura9371@gmail.com

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 5 September – October 2024