નીરવ પટેલની કવિતા

       ડૉ. મનોજ માહ્યાવંશી

નીરવ પટેલ(૦૨/૧૨/૧૯૫૦-૧૫/૦૫/૨૦૧૯) ગુજરાતી દલિત સાહિત્યમાં પ્રતિબધ્ધતાની દ્રષ્ટીએ પ્રથમ હરોળમાં લેવાતું નામ છે. પીએચ.ડી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનારા આ સર્જકે ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાંપણ કવિતા રચી છે અને  એક પ્રબુદ્ધ અને સજાગ દલિત સર્જક તરીકે તેમણે પોતાની અનન્ય છાપ છોડી છે. તેમની કવિતાના વિષયોની માવજત જોતા ખ્યાલ આવે છે કે કેટલીયવાર દલિત સંવેદનને બળુકી બોલીમાં રજૂ કરીને વ્યથા-વેદનાને વાચા આપે છે. અહીં તેમની કેટલીક કવિતાઓ ચર્ચવાનો ઉપક્રમ છે. દલિત હોવાને લીધે જડ જેવા સવર્ણોએ જે અત્યાચાર ગુજાર્યા છે તેના લીધે મનુષ્યજીવનમાત્રથી કવિને નફરતનો ભાવ જન્મે એ વાત ‘મારે માણસ નથી બનવું’ કવિતામાં જોઈ શકાય છે. જુઓ-

“જંતુ બનીને જીવવું ક્બૂલ છે-
મારે માણસ નથી બનવું.

મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.

મારે નથી જોઇતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઇશ-
સાપ ગરોળી થઇને.

ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.

અરે, હું ક્રુઝોના ટાપુ પર-
ફ્રાઇડે બનીને જીવીશ.

પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.
મારે હિન્દુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.”૧

  આ કવિતામાં ભેદભાવથી ભરેલા મનુષ્યોના જ્ઞાતિસમૂહો પ્રત્યે કવિનો ધિક્કાર સ્પષ્ટ જોઈ શકાય છે. માણસમાં પણ અસ્પૃશ્ય માણસની તો વ્યથા-વેદના જ નોખી એટલે જીવનભર દલિતોએ જે જાતિને લીધે અપમાન-અત્યાચાર વેઠ્યા એ ફરી વેઠવા નથી માંગતા. એટલે તો આવા મનુષ્યજીવન કરતા જંતુના જીવનને કવિકલમ બિરદાવે છે કેટલું કરુણ અને વેધક છે.

   દીન દુખિયારા એવા ઉપેક્ષિત લોકોનું જીવન દર્શાવવા માટે આ કવિ ‘મારો શામળિયો’ કવિતામાં જે દ્રશ્ય રજૂ કરે છે તે જુઓ-

“મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર

ગગલીનું આણું શેં નેકળત?

ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

ગગલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે

ધોડું હડડ મસાણે –

મારો ભંગિયાનો ય બેલી ભગવાન !”૨

 દલિતવર્ગ પોતાના સામાજિક રીતરીવાજો માટે પણ સવર્ણોની ભીખ-દયા ઉપર જ આધાર રાખતા હોય એવા ભારતીય સામાજિક માળખા ઉપર અહીં કટાક્ષ છે. સવર્ણ સ્ત્રીના શબને ઓઢાડવામાં આવેલ કપડુ લેવા માટે બળતી ચિતા જોઇને ખુશ થતા,રાહ જોઈને ઉભા રહેતા ભંગી-દલિતોની કારમી સ્થિતિનો ચિતાર જોઈ શકાય છે. ‘શામળિયો’ અહીં દલિતોને બીજી રીતે મદદ કરે છે એ સંદર્ભ દાખવીને કવિ દલિતોના કલંક જેવા જીવનની વાસ્તવિકતા દર્શાવે છે. મધ્યકાલીન ભક્તકવિ નરસિંહ મહેતાના અનન્ય ભક્તિભાવને લીધે નરસિંહ મહેતાના ઘરના સામાજિક, આર્થિક સંકડામણના પ્રસંગોએ ‘શામળિયો’ એટલે કે ભગવાન જે રીતે અલગ અલગ રૂપે મદદ કરવા પહોંચી ગયેલો એ દંતકથાની સામે જ ‘ગગલીની મા’ની ક્રિયા કવિ સહેતુક મૂકે છે. ગગલીની મા, બળતી ચિતા અને નરસિંહ મહેતાની હુંડી એ બધું સામસામા છેડા જેવું બની રહે છે. જૂની દંતકથાનો દલિતોની વ્યથારૂપે રજૂ થઈ છે. હમણાં જ એક છાપામાં સમાચાર વાંચ્યા હતા કે સરકારી આંકડા મૂજબ ગુજરાત રાજ્યમાં સામાન્ય જીવન જીવવા માટે પણ મહીને છેતાળીસ હજાર રૂપિયાની જરૂર રહે છે, આ સ્થિતિમાં તિરસ્કૃત નિમ્નવર્ગની કેવી કફોડી હાલત હશે એ આપણે સમજી શકીએ છીએ.

 એવી જ તેમની બળુકી રચના ‘હું ન ડોશી’ ખૂબ જાણીતી દલિત કવિતા છે, જેમાં ભારતની ચુંટણી, આચારસંહિતાની સાથેસાથે શ્રેષ્ઠ ભારતની માન્યતાના પણ ચીથરા ઉડે છે. આ કવિતા બે ખંડમાં રચાયેલી છે. જુઓ પહેલો ખંડ-

“હાળા, ચાલી-પચ્ચા વરહથી બખાળા કર સ

પણ કશો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમ.

બે-પાંચ વરહ થયાં નથી

ક આ આયા મત માગવા !

માળી, કશી ગતાગમ પડતી નથી-

આટઆટલા મત જાય સ ચ્યાં ?

 કે’સ ક આ વખતે તો વાલો નાંમેરી ઊભા સ…

હૌ કે’સ માંણહ હારો સ.

કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી

ગરીબ-ગુરબાંનાં કામ કર સ..

બોલ ડોશી, ચ્યમ કરવું સ ?

.તમે તો જનમના ભોળિયા, ડોહા –

 વૈતરાં ફૂટી ખાવ.

હાંભર્યું સ માથાદીઠ દહ મલ સ ?

અન ગાંઠિયાનું પડીકું સોગામ.

મોટર મેલી જાય ન લૈ જાય

ધૈડે-ધૈડપણ જીવી લો બે ઘડી –

પોટલી પોણી પીવું હોય તો પી લો.

વાલા નામેરીનું ભગવાન ભલું કર –

પણ મત તો મનુભૈ ન.

જાવ, જૈ ન ભાવતાલ કરી આવો,”૩

 ગરીબ દલિત ડોસા-ડોસીના મુખમાં જે પંક્તિઓ કવિએ મૂકી છે તે લોકશાહીનો પ્રાણ એવી ચુંટણીની હકીકતને ખુલ્લી પાડે છે. એક મતના દસ રૂપિયા મળે, વળી મતદાન માટે મોટર લેવા આવે અને મૂકી પણ જાય, ગાંઠિયાનું પડીકું પણ આપે એટલે વાલો નામેરી સારો માણસ હોવા છતાં પેલા દસ રૂપિયા આપનારા મનુભાઈને મત આપવા માટે ડોશી મક્કમ છે. આ જ કવિતાનો બીજો ખંડ જુઓ-

“ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા’ર આલવા હોય
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ…
પાપમાં પડવાનું સ,
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન .

બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.”૪

એક ઉમેદવાર દસ આપે છે એટલે બીજા ઉમેદવાર પાસે ડોશો બારની માંગણી કરે છે. એક દિવસ આરામ કરીને રૂપિયા મળી જશે એ વાત આ ગરીબ દલિત વૃદ્ધ દંપતિ માટે મોટી વાત છે. બાકી મતનું મૂલ્ય અને નાગરિક તરીકેની મહત્તા એવું બધું તો આ બિચારા દલિતો માટે ઘણું દૂર છે. એ તો કહે છે કે ‘તમને રાજ સોંપ્યા અને અમને તો અમારો રઝળપાટ જ મુબારક’ ભારતીય નાગરિક તરીકેના અસ્તિત્વને આ કવિતા તાકે-તાગે છે. હમણાં જ સમાચારમાં અહેવાલ હતો કે દેશના કુલ જી.ડી.પી.ના ૩૩ ટકા સંપતિ માત્ર ૧૮૫ લોકો પાસે છે. એટલે ભ્રષ્ટ રાજકારણના લીધે તમામ નાગરીકો સરખા કે પછી સમાન તકના સુત્રોનું સુરસુરીયું થઈ ગયાની વાસ્તવિકતા સમજવા માટે પણ નીરવ પટેલની આ કવિતાના ગર્ભિતાર્થો સમજવું પડશે. મત માટે પૈસા દ્વારા ભીખ માંગવાની સ્થિતિ પણ દયનીય હાલત છે. અહીં મને ૨૦૦૬માં લખેલું અને દિવ્યભાસ્કરમાં છપાયેલું  મારું એક ‘નેતાઓ વિચારે’ નામક ચર્ચાપત્ર યાદ આવે છે. જુઓ એ ચર્ચાપત્ર-

“હમણાં જ નગરપાલિકા, તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી થઈ. બધી જ જગ્યાએ મતદાન ઓછું થયું. કોઈક જગ્યાએ ૪૦ ટકા કોઈક જગ્યાએ ૪૫ ટકા તો કોઈક જગ્યાએ ૫૦થી ૫૫ ટકા મતદાન થયું. લોકો હવે ચૂંટણી બાબતમાં નિરસ બની ગયા છે. તેઓને મન હવે ચૂંટણી અને ઇડલી સંભારની ચટણી વચ્ચે ઝાઝો ફેર નથી લાગતો. સરકાર ગમે તેની હોય પણ વાયદાઓ હંમેશાં નેતાઓના ફાયદા માટે જ હોય છે અને પ્રજા આ બાબતમાં પૂછવા જાય તો તેને કાયદા બતાવવામાં આવે છે. મતદાન અંગે ઘણાં લોકોએ એવું કહ્યું કે મત આપવાના મશીન પર જે ઉમેદવારોના નામ અને ચિન્હ હોય છે તેમાં એક સ્પેશિયલ બટન એવું પણ હોવું જોઈએ કે જે એવું દર્શાવે કે ‘અમને ઉપરના કોઈપણ ઉમેદવાર યોગ્ય લાગતા નથી’ અને એ બટન દબાવવાથી પેલા અયોગ્ય ઉમેદવારોમાંથી કોઈને પણ જે તે મતનો લાભ ન મળે. આવું થાય તો સરકારનો વિના ખર્ચે એક મહત્વનો સર્વે પણ થઈ જાય કે આજના રાજતંત્ર પર,નેતાઓ પર-પક્ષ પર પ્રજાજનોને કેટલો વિશ્વાસ છે. જે તે સરકાર પક્ષ કે નેતા પાંચ વર્ષની સેવા કરીને પાછા જ્યારે લોકો સામે મત માંગે તો લોકો એ માણસને ત્યારે જ મત આપે જ્યારે તેણે સારા કામ કર્યા હોય નહીં તો આજે ચૂંટણીના દિવસે જે દૃશ્યો સર્જાય તેવું જ થાય. જે તે પક્ષની ગાડી ઘરે ઘરે ફરી લોકોને બેસાડીને મત આપવા લાવે, આજીજી કરે ત્યારે પૈસા અને દારૂ પિવડાવીને માંડ માંડ ૪૦થી ૫૦ ટકા મતદાન કરાવી શકે. નેતાઓએ લાલ બહાદુરશાસ્ત્રી પાસેથી શિખવા જેવું છે. શાસ્ત્રીજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમના માથે દેવું હતું. જ્યારે આજે તો સરપંચથી માંડીને કોર્પોરેટરો સુધીના લોકો ચૂંટાયા પછીના બે જ વર્ષમાં ગાડીમાં ફરે. દેશની પ્રજા અને દેશને ભિખારી બનાવીને પોતે પૈસાદાર બની જાય. આ મતદાનની ટકાવારી પરથી નેતાઓએ એ વિચાર કરવો રહ્યો કે તેમણે કઈ રીતે કામગીરી બજાવવી જોઈએ?” ૫

   મેં આ ચર્ચાપત્રમાં જે સ્પેશિયલ બટનની વાત કરેલી ત્યારે NOTAનું અસ્તિત્વ નહોતું. પણ મહત્વનું એ છે કે આ ચર્ચાપત્રમાં આંખે દેખ્યા અને વિશ્વસનીય અહેવાલોને આધારે જ મેં વિગતો લખી હતી. આજે નીરવ પટેલની આ કવિતા વાંચું છું ત્યારે આ ચુંટણી નામની ઘટનામાં વર્ષોથી ચાલી આવેલા તરકટો નજર સમક્ષ ખડા થાય છે. દસ અને બાર રૂપિયાના ભાવતાલમાં ‘લોકોની લોકો માટે લોકો દ્વારા’ ચુંટણીથી રચાતી લોકશાહીનો જે ફજેતો આ કવિતામાં કવિ દર્શાવે છે એ આજના સમયમાં પણ પ્રસ્તુત બની રહે છે.

      દલિતો સાથેના સવર્ણોના અન્યાયી રૂઢ વ્યવહારોથી કવિ સારી પેઠે જ્ઞાત છે. ‘કાળિયો’ કવિતા આવા જ અમાનવીય અત્યાચારને દર્શાવતી કવિતા છે. દલિતવાસનો કાળિયો કૂતરો સવર્ણના મોતિયા કૂતરાને મારી નાખે એ ઘટના બે પ્રાણીઓની ન રહેતા સામાજિક વર્ચસ્વનો પ્રશ્ન બની જાય ત્યારે આવી દલિત કવિતાનું સર્જન થાય છે. જુઓ-

“બાપડા કાળિયાને શી ખબર

કે આપણાથી શૂરાતન ના થાય ?

ગાયના ગૂડા ખાઈને વકરેલો

એ તો હાઉ…હાઉ… કરતો

વીજળીવેગે દોડી,

દીપડાની જેમ તૂટી પડયો,

એણે તો બસ ગળચી પકડી રહેંસી કાઢ્યો મોતિયાને—

એનો દૂધનો કટોરો ઢોળાયો ચોકમાં,

એના ગલપટ્ટાનાં મોતી વેરાણાં ધૂળમાં,

એની લહ…લહ… નીકળી ગઈ વેંત લાંબી જીભ.

મોઢામાંથી ફીણના પરપોટા ફૂલવા લાગ્યા ને ફૂટવા લાગ્યા.

ગામ આખ્ખું વળ્યું ટોળે :

‘ઢેડાંનો કોહ્યલો કાળિયો…

બાપડા મોતિયાને ફાડી ખાધો.

હેંડો બધાં —

હાળાં ફાટી ગ્યાં કૂતરાંય આ તો !’

ને કાળિયાની પૂંઠે પડ્યાં

કણબાં ને કોળાં ને ભા ને બાપુ.

ભાલા ને બરછી ને દાંતી ને ડાંગ.

ને થયું દળકટક ને ધિંગાણું !

પણ કાળિયો તો જાણે કાળ,

એ તો ધોડ્યો જાય ઊભી કોતરે…

પૂંઠે કંઈ કેટલાંય ગોટમણાં ખાય

ને ચાટે ધૂળ.

પણ કાળિયો તો કાળિયારની જેમ

બસ ધોડ્યે જાય, ધોડ્યે જાય…

કહેવતમાં કીધું છે કે ભાંગી ધા ઢેઢવાડે જાય –

 ધિંગાણું તો થાકીને ફર્યું પાછું

ને વિફર્યું વાસમાં.

નળિયાં પર પડે ધબાધબ લાકડીઓ.

ઝૂડી લેંબડી ને ઝૂડી પેંપળી,

ઝૂડી શિકોતરીની દેરી ને ફોડી પૂર્વજિયાંની માટલી,

ઝૂડી મેઠલી ને ઝૂડી માંનડી,

ઝૂડયો ધૂળિયો ને ઝૂડયો પરમો.

ખમા ! બાપા ખમા !

કાળિયો તો જનાવર

પણ તમે તો મનખાદેવ.

બાપડા કાળિયાને શી ખબર

અમારાથી શૂરાતન ના થાય ?૬

    કાળિયો એ દલિતોનો કૂતરો છે એટલે એ કોહ્યલો છે. અને એવો કાળિયો કૂતરો જયારે સવર્ણોના દૂધ પીતા અને મોતીવાળો ગલપટ્ટો પહેરતા મોતિયા કૂતરાને મારી નાખે ત્યારે સવર્ણો આ ઘટનાને ચલાવી લેતા નથી. ભાલા, બરછી, ડાંગ લઈને કાળિયાને મારી નાખવા દોડે પણ કાળિયો તો પકડમાં આવતો નથી. અને એ કાળિયા પ્રત્યેની નફરત દલિત મનુષ્યો પર વરસે છે. માર ખાતા દલિતો આ મારનારા સવર્ણોને ‘મનખાદેવ’નું બિરુદ આપી દયા કરવાની અરજ કરે છે. દલિતો થઈને શુરાતન ન થાય એ દલિતોને ખબર પણ કાળિયા કૂતરાને ખબર ન હોવાથી જ તેણે સવર્ણોના કૂતરા પર હુમલો કર્યો એવી માર ખાતા દલિતોની બચાવપક્ષની દલીલ તેમની લાચારી અને વિવશ સ્થિતિનું બયાન છે. સવર્ણોની જડતા અહીં વિષય છે, વરવી પશુતાભરેલી ઘટનાનું આલેખન કરીને કવિ જાતિવાદ જેવા ભયંકર સામાજિક દુષણોના દુષ્પરિણામને દર્શાવે છે.

 પોતાના અસ્તિત્વની ઓળખ માટે ઝઝુમતા દલિતો અને ભેદભાવ-અપમાનમુક્ત કરવાની સરકારની હિલચાલ, એની સામે સવર્ણોની હલકટ માનસિકતા એ બધાને એકસાથે રજૂ કરતી ‘ફૂલવાડો’ કવિતા નીરવ પટેલની નોંધપાત્ર રચના છે. જુઓ-

“ફરમાન હોય તો માથાભેર

ફૂલોને કાંઈ બીજું કહીશું

મહેક થોડી મરી જવાની છે ?

અને આમને ફૂલ કહીશું

ગંધ કાંઈ થોડી જવાની છે ?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.

કદીક ચાંદની રાત મળે તો પોયણાની જેમ પાંગરતાં.

કદીક રાતરાણીની જેમ છૂપાંછૂપાં સુવાસ રેલાવતાં,

કદીક નરગીસની જેમ મૂગામૂગા રડતા.

પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી

કે માંડયાં ટપોટપ ખીલવા.

રંગ તો એવા કાઢે કે પતંગિયાને ય પ્રેમમાં પાડે,

સુગંધ તો એવી છેડે કે મધમાખી ય ડંખ ભૂલે,

બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમઃ

સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં

જાણે એમના ઉચ્છ્વાસથી જ છે

પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો હોય

એ તો સમજ્યા,

પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો.

રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો

પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,

ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને. કચડી કાઢો, મસળી કાઢો

આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું ?

મનોરથના હિંડોળા કેમ ભરશું ?

ભદ્ર પેટદેવને કેમ રીઝવશું ?

આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે

આપણાં પાયખાનાં જેવાં જીવન.

આ તો પારિજાત છે પૃથ્વીનાં.

રેશમના કીડાની જેમ

ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો

ગામેગામ ને શહેરેશહેર.

એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર-

ફૂલોને કાંઈ બીજું કહીશું

મહેક થોડી મરી જવાની છે ?

અને આમને ફૂલો કહીશું

ગંધ કાંઈ થોડી જવાની છે ?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.”૭

દલિતોને તુચ્છકારપૂર્વક કહેવતોમાં ગોઠવી દેવાયા છે. ‘કંઈ અણગમતું, ન ગમે તેવું’  તેના માટે  મનને એમ કહીને બહેલાવવાનું કે ‘ગામ હોય ત્યાં –વાડો તો હોય’. પણ સવર્ણોની જડતા સામે દલિતોની જનચેતનાએ શરુ કરેલ શોષણના પ્રતિકારને લીધે સરકારે અસ્પૃશ્યતા નિવારવા કડક પગલા લેવા પડ્યા એ ભારતદેશમાં સીમાચિન્હરુપ બાબત ગણાય છે. દલિતોનું શાબ્દિક કે કોઇપણ  રીતે અપમાન કરવાનું હવે ગુનામાં ગણાવા લાગ્યું એ દલિતોની અસ્મિતાની પ્રથમ જીત સમાન જ હતું. હવે જાતિને લીધે કોઈનું અપમાન કોઈ કરી શકે નહીં એ સ્પષ્ટ કરતી સરકારને આપણા આ કવિએ સામાજિક વાસ્તવની ગર્ભિત વાત કરવી છે. અને આ કવિતામાં તેઓ એ જ વાત જાણે સરકારને સંભળાવે છે. અપમાનજનક શબ્દ બોલવાને બદલે  ‘ફૂલવાડો’ શબ્દ બોલવાથી સવર્ણોની માનસિકતામાં જે ભેદભાવનું જગત પડેલું છે તે ગાયબ નથી થવાનું. અહીં સવર્ણ પાત્રોના મુખમાં મૂકાયેલી પંક્તિઓ દ્વારા એ સ્પષ્ટ થાય છે. સરકાર ગમેતેટલા પ્રયત્નો કરે પણ દલિતો પ્રત્યેના તિરસ્કાર અને અપમાન જ્યાં સુધી સવાર્નોના મનમાંથી નહીં નીકળે ત્યાં સુધી દલિતોના શોષણ-અપમાન અટકવાના નથી. સામાજિક અન્યાયો કરવાના રસ્તા બદલાયા કરતા હોય છે એટલે અન્યાય તો ત્યાંનો ત્યાં જ રહે છે. માણસની માનસિકતા બદલવા માટેના  રસ્તા તો સરકાર પાસે પણ નથી. બહિષ્કૃત કરાયેલા દલિત ફૂલોના ફૂલવાડાની વાત કરતી આ કવિતાનું અસરકારક પઠન અભિનેતા પરેશ રાવલ કરે છે એ વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે.૮

    નીરવ પટેલની ઉપરોક્ત પાંચેય કવિતાઓ દલિતોના ધૂળ જેવા જીવનની ચાડી ખાય છે. આજે પણ આવી કવિતાઓ પ્રસ્તુત છે એનું કારણ દલિતો પરના સાંપ્રતમાં થતાં અત્યાચારના સરકારી આંકડા પણ નાના નથી. ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’માં હાલ જ પ્રગટ અહેવાલ મૂજબ માત્ર વર્ષ ૨૦૨૨ દરમિયાન જ દલિતો પરના ૫૧ હજાર કેસો દાખલ થયા છે. જુઓ- “વર્ષ ૨૦૨૨માં દેશમાં દલિતો પર અત્યાચારના ૯૭ ટકા  કેસો માત્ર ૧૩ રાજ્યોમાં સામે આવ્યા છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ મોખરે છે કે જ્યાં એટ્રોસિટીના સૌથી વધુ કેસો નોંધાયા છે. આ માહિતી સરકારના એક નવા રિપોર્ટમાં સામે આવી છે. દેશમાં દલિતો પર અત્યાચારમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે જ્યારે આદિવાસીઓ પર અત્યાચારના કેસોમાં મધ્ય પ્રદેશ પ્રથમ ક્રમ પર છે. દેશમાં દલિતો સામે અત્યાચારના ૫૧,૯૫૬ કેસો નોંધાયા હતા, જેમાં ૨૩.૭૮ ટકા કેસો માત્ર ઉત્તર પ્રદેશમાં સામે આવ્યા છે જેની કુલ સંખ્યા ૧૨,૨૮૭ છે. તેવી જ રીતે ૮,૬૫૧ કેસો (૧૯ ટકા) સાથે રાજસ્થાન બીજા ક્રમે છે. મધ્ય પ્રદેશમાં આવા કુલ ૭,૭૩૨ (૧૪ ટકા). સૌથી વધુ કેસો ધરાવતા ઉત્તર પ્રદેશમાં એક પણ વિસ્તારને એટ્રોસિટી વગરનો નથી ઓળખી શકાયો.”૯ આવી ખરાબ પરિસ્થિતિમાં આપણે એ વાત સમજવી પડશે કે ઉપેક્ષિત હોવાનો અપમાનબોધ  ઘણો કરુણ છે. જાતિવાદ જે ગંદીગોબરી ઘટનાઓને પોષે છે તેના આલેખન દ્વારા કવિએ પ્રતિબદ્ધ રીતે સવર્ણસમાજ અને સરકારને વેધક પ્રશ્નો પુછ્યા છે. કવિતારૂપે પુછાયેલા આ પ્રશ્નોને સૌએ વારંવાર વાંચવા રહ્યા અને જવાબરૂપી તૈયારી સંદર્ભે ભેદભાવરહિત સ્થિતિના નિર્માણ માટે પ્રયત્નશીલ પણ બનવું રહ્યું.

સંદર્ભ-

૧. https://neeravpatelkavi.wordpress.com

૨. ગુજરાતી દલિત કવિતા, સં-નીરવ પટેલ, નીરવ પટેલકૃત ‘મારો શામળિયો’ કવિતા, સાહિત્ય અકાદમી નવી દિલ્હી,પ્રથમ આવૃત્તિ-૨૦૧૦,પૃ. ૧૧૭

૩. એજન, નીરવ પટેલકૃત ‘હું ન ડોશી’  કવિતા,પૃ.૧૧૯

૪. એજન, પૃ.૧૨૦

૫. દિવ્ય ભાસ્કર, ‘મંતવ્યો’ વિભાગમાં ૧૯/૧૨/૨૦૦૬ના રોજ પ્રગટ થયેલ મનોજ માહ્યાવંશી લિખિત‘નેતાઓ વિચારે’ નામક ચર્ચાપત્ર,

૬. ગુજરાતી દલિત કવિતા, સં-નીરવ પટેલ, નીરવ પટેલકૃત ‘કાળિયો’ કવિતા, સાહિત્ય અકાદમી નવી દિલ્હી,પ્રથમ આવૃત્તિ-૨૦૧૦, પૃ.૧૨૦-૧૨૨

૭. એજન, નીરવ પટેલકૃત ‘ફૂલવાડો’ કવિતા, પૃ.૧૧૭-૧૧૯

૮. https://www.youtube.com/watch?v=_SREbkAg2Vs

૯. ૨૩/૦૯/૨૦૨૪ના રોજનું ‘ગુજરાત સમાચાર’ નામનું ગુજરાતી દૈનિક

ડૉ. મનોજ માહ્યાવંશી

ગુજરાતી વિભાગ,

ડૉ એ.પી.જે અબ્દુલ કલામ સરકારી કોલેજ,

સિલવાસા-દાદરા નગર હવેલી,

ભારત-૩૯૬૨૩૦

mahyavanshimanoj@yahoo.co.in

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 5 September – October 2024