હીંચકો

  • પૂજાબા જાડેજા

ઘરમાં મહેમાન આવ્યાં. આગતા સ્વાગતા પતાવી બધાં વાતો એ વળગ્યા. નાનકી હળવેકથી બહાર નીકળીને હીંચકે બેસી ગઈ. બે નાના ઓરડા ને એથીયે નાનું રસોડું ને નાનકડા ફળિયામાં જુનો-પુરાણો હીંચકો. ઘરના બધાંને માટે તો એ નાનકડું ઘર ઘણુંય હતું પણ નાનકીને એ ઘર ઓછુ લાગતું. ઘરના કોલાહલમાં ગમતું નહિ એટલે જ ઘરના કામ પતે કે તરત હીંચકે. 

પગની ઠેસ વાગે, હવાની લહેરખી શ્વાસમાં ભરાય જાય, કિચુડ-કિચૂડાટ કરતો હીંચકો આગળ-પાછળ, ઉંચે-નીચે લઇ જાય ને નાનકી આંખો બંધ કરી મરક મરક હસતી જાય ને આસપાસના કોલાહલથી દુર નવી દુનિયામાં પહોંચી જાય. 

બે મોટી બહેનો, પછી આ નાનકી ને એના પછી માનતાનો માનેલો નાનો ભાઈ. ત્રણ છોકરીઓ ઉપર એક છોકરો જણીને નાનકીનાં માં-બાપ તો બહુ ખુશ થયેલાં. નાનકી અને એની બહેનોય ખુશ. બે ઓરડામાં ભલે સંકડાશ પડે પણ હર્યુંભર્યું કુટુંબ ખુશીથી રહે. બધાં છોકરાંઓ આનંદ કરે બસ આ નાનકી જરાક એકલહુડી. ઝાઝાં માણસો સાથે બહુ ફાવે નહિ. બધાને એકબાજુ મૂકી સરકી જાય હીંચકે. 

હીંચકો એટલે એની પોતાની દુનિયા, પોતાની જગ્યા. પોતાની અંદર ઝાંકવાનો દરવાજો, હીંચકો એટલે એના સપના જોવાની જગ્યા. મન દુભાયું હોય કે ઘરની ભીડમાં ભુલાઈ ગઈ હોય એવું લાગે એટલે તરત હીંચકે. પછી તો પગની ઠેસ, હવાની લહેરખી અને કિચુડ-કિચૂડાટ કરતો હીંચકો. મરક મરક હસતી નાનકી પહોંચી જાય કોઈ બીજી જ દુનિયામાં.

જોતજોતાંમાં મોટીનું સગપણેય નક્કી થયું ને લગન લેવાણા. નાનકડું કુટુંબ રાજી રાજી. સૌ તૈયારીમાં લાગી ગયાં. મોટી માટે નવા કપડા, ઘરેણાં ને આણાંની વસ્તુઓ, બધુંય ભેગું કર્યું. ઘરમાં પહેલા લગન એટલે વચલીનેય એક જોડ અપાવ્યા. માં-બાપુને થયું કે લગનમાં કોઈ વચલીને જોવે ને ગમી જાય તો એનુંય ફટાફટ પતી જાય એટલે કઈક સરખું પહેરાવીએ. ને મુનાને તો જવતલ હોમવા તો સરખો તૈયાર કરવો પડે. પણ લગન ના ખર્ચમાં બધેય તો કેમ પહોંચાય? નાનકીને મોટીના ટૂંકા પડતા ચણીયાચોળી અપાય ગયા. સૌ નવા કપડાં જોઈ રાજી થઇ ગયા પણ જુવાનીમાં પગલા પાડતી નાનકીનું મોઢું પડી ગયું, “બધાંય નવા કપડા પહેરસે ને મારે આ પહેરેલાં, જૂનાં કપડાં પહેરવાના?!” માં-બાપુના મોઢાં સામે જોઇને નાનકી બોલેય શું? લગ્નનું તો માંડ ભેગું થયેલું. પણ નાનકીનું મન ભારે થઇ ગયું. 

કિચુડ-કિચૂડાટ, કિચુડ-કિચૂડાટ. લગનવાળા ઘરનો કોલાહલ હજી તો શમ્યો નહોતો ત્યાં અવાજ આવવા લાગ્યો. પગની ઠેસ લગાવી, હવાની લહેરખીઓ નાનકીના આખા શરીરમાં ફરી વળી. આગળ-પાછળ, ઉપર-નીચે થતા હીંચકાએ નાનકીના મનનેય હિલોળે ચડાવ્યું. ભારે હૈયે નાનકી આંખો બંધ કરી પગની ઠેસ મારતી રહી. એની બંધ આંખો સામે ખિલખિલાટ હસતી નાનકીનો ચહેરો આવ્યો. હસતી, રમતી નાનકી પેલાં મોટી માટે લીધેલાં સુંદર મજાનાં ગુલાબી રંગના ચણીયાચોળી પહેરેલી, સુંદર સજેલી નાનકી. હીંચકે હીંચકતી નાનકી, બંધ આંખો સામે સુંદર નવા કપડાંમાં સજેલી પોતાની જાતને જોઈને ખીલી ઉઠી. હોઠ મરક મરક હસવા લાગ્યા ને ઠેસ મારી એણે ધીમાં પડી ગયેલા હીંચકાને વધું જોરથી હલાવ્યો, કિચુડ-કિચુડ –કિચૂડાટ, કિચુડ- કિચુડ – કિચૂડાટ… ને મોટીના લગ્નમાં જૂનાં ચણીયાચોળીમાંય નાનકી ખુશખુશાલ મહાલી. 

વચલીનાંય લગ્ન થયાને નાનકીનું ભણવાનુંય છુટ્યું, ત્રણ બહેનોનું કામ એની એકલાની માથે આવ્યું. નાનકીને કાંઈ ઓછુ દુઃખ હતું? પણ મનને દુ:ખ થાય કે ઓછું આવે કે ચિંતા થાય એટલે બસ એક જ દવા- હીંચકો! 

પગની ઠેસ વાગે, હવાની લહેરખી શ્વાસમાં ભરાય જાય ને કિચુડ-કિચૂડાટ, કિચુડ-કિચૂડાટ… બંધ આંખે નાનકી હીંચકાને હિલોળે પોતાને જોઈ રહે. નવા કપડાંમાં સજેલી નાનકી. બહેનની જેમ વર સાથે ફરવા જતી નાનકી, ભાઈની જેમ કોલેજ જતી નાનકી. બસ હસતી, ફરતી, ખુશખુશાલ નાનકી આંખોમાં સમાઈ જાય ને નાનકીનું ઉદાસ મન ફરી પાછું પ્રફુલ્લિત થઇ જાય. સોગિયા મોઢાં પર હાસ્ય ફરી વળે ને નાનકી વધારે જોરથી ઠેસ લગાવે. કિચુડ-કિચૂડાટ…

હજી તો નાનકીનું સગપણ ગોતવાનું શરુ કર્યું ત્યાં બા બીમાર પડી ને સાવ ટુંકી માંદગીમાં નાનકીની બાનું અવસાન થયું. અંતિમ ક્રિયા માંટે મહેમાનો આવી પહોંચ્યા. મોટી એના છોકરાને લઇને આવી. વચલીએ બે દિવસ આવી ને ગઈ. સૌ ગમગીન. બાર દિવસ તો સૌએ સાથે કાઢ્યા. તેરમાની તૈયારી ચાલતી હતી ને નાનકીના માસી એના બાપુને કહી રહ્યાં, “થોડાક દી નાનકીને અમદાવાદ, મારા ઘરે લઇ જાઉં! બચાડીનું મન લાગશે ને મોટા શેરમાં હરસે, ફરસે તો કઈક હળવી પડશે. બચાડી બહુ દુઃખી લાગે છે!!” રસોડામાં વાસણ લૂછતી નાનકીના હોઠ અમદાવાદ હરવા ફરવા મળશે એ સાંભળી મરકી ઉઠ્યા. 

નાનકીએ કાન માંડ્યા. થોડી ક્ષણોના મોંન પછી નાનકીના બાપુ બોલી રહ્યા, “…પણ નાનકીને મોકલશું તો અહીં રાંધશે કોણ? એની માં તો રહી નહિ! લઇ જવો હોય તો આ મુનાને લઇ જાવ. માનો લાડકો હતો. આઘો જશે તો મન લાગશે ન્યાં. નાનકી ભલે રહી અહીં ઘરનું કામ કરવાં. હવે તો પેલાં મુનાને પરણાવી દઉ એટલે ઘરમાં વહું આવી જાય ને કામકાજ ઉપાડી લે…”    

…ને નાનકીની આંખો ભરાઈ આવી. જેમ તેમ કામ આટોપીને ભારે પગલે બહાર આવી. હીંચકા પર બેઠી. હળવેકથી પગની ઠેસ મારી. હીંચકાની ધીમી ગતિએ મનનો ઉચાટ હજી તો શમ્યો નહોતો ત્યાં મોટી એના છોકરાને લઇને આવી,આને ઘડીક હિચકાવ ત્યાં મારા સાસરે ફોન લગાડીને આવું.” છોકરાને નાનકીના ખોળામાં બેસાડી દીધો. ધરાર બેસાડેલો છોકરો એના હાથ હલાવ્યા કરતો, અવાજ કરતો રહ્યો. નાનકીને હીંચકા ઉપર એની હાજરી ખૂંચી. જાણે કોઈ પોતાની દુનિયામાં પરાણે ઘુસી આવ્યું હોય!   

કિચુડ-કિચૂડાટ, કિચુડ-કિચૂડાટ… હીંચકાની ગતિ સાથે નાનકીના મનનો ઉચાટ પણ વધતો ગયો. હવાની લહેરખીથી થોડી શાતા વળે ત્યાં વળી છોકરો રડવાનું શરુ કરે કાં હાથ હલાવી નાનકીના મનને આંતરે. છોકરાને રડતો સાંભળીને મોટી આવી, “ઘડીકેય રાખ્યો નઈ મારા છોકરાને!” બોલતાં બોલતાં લઇ ગઈ. પણ નાનકીના કાને શબ્દો અથડાયા નહિ.  

કિચુડ-કિચૂડાટ, કિચુડ-કિચૂડાટ… અવાજ આવતો રહ્યો. ઘરમાં કોલાહલ શમવાને બદલે વધ્યો. ખિજાયેલી મોટી બહેન જોર જોરથી બોલતી હતી. વચ્ચે વચ્ચે છોકરાનો રડવાનો અવાજ, ત્યાં વળી બાપુનો સાદેય ઉંચો થયો. હીંચકા પર બેઠા બેઠા નાનકીને બધું સંભળાતું હતું, “… આખો દી’ હીંચકે હીંચક્યા કરે. કામકાજ કઈ કરવું નહિ ને રેઢિયાળની જેમ ઘરની બહાર હીંચક્યા કરવું…” નાનકીની આંખો ભીંજાતી ને પવનની લહેરખીઓથી સુકાતી. 

પગની ઠેસ મારી મારીને અંગુઠો છોલાઈ ગયો. ક્યાંય સુધી આંખો ભીંસીને બંધ રાખી. બહારનો અવાજ ન સંભળાય એટલે હાથ દાબીને કાન બંધ કરી દીધા. નાનકી પેલી હસતી, રમતી, સુંદર કપડાં પહેરી ફરતી નાનકીને જોવા મથતી રહી. કિચુડ-કિચૂડાટ, કિચુડ-કિચૂડાટ… હીંચકાની ગતિ વધી ગઈ. છોકરાનો રડવાનો અવાજ, બાપુના માસીને કહેલા શબ્દો, મોટીનો ઉંચો સાદ, બધા અવાજો એકબીજામાં ભળી ગયા. ને નાનકી શોધતી રહી; હસતી-રમતી, મોટાં શહેરમાં મહાલતી, એના વર સાથે હાથમાં હાથ નાખીને ફરતી નાનકીને. પણ ન દેખાઈ તે ન જ દેખાઈ. ને મોડી રાત સુધી અવાજ આવતો રહ્યો. કિચુડ-કિચૂડાટ કિચુડ-કિચૂડાટ…

ઘરમાં સુતેલા મહેમાનો ને યજમાનોની આંખ ઉઘડે એ પહેલા તો કાને અવાજ અથડાયો… કિચુડ-કિચૂડાટ… બહાર નીકળીને જોયું તો મોટી અને બાપુ દાંત ભીસી રહ્યા. સુજી ગયેલા પગ, ઉજાગરાથી ઊંડી ઊતરી ગયેલી આંખો, વિખરાયેલા વાળ ને પેલાં મોટીના ટૂંકા પડતા ચણીયાચોળી પહેરેલી નાનકી ખડખડાટ હસતી હતી. 

મહેમાનો ડચકારા સાથે અંદર અંદર બોલી રહ્યા, “મા મારી ગઈ એમાં છોડીનું ચસકી ગયું…” સાંભળીને નાનકી વધારે જોરથી હસી. પગની ઠેસ લાગી ને જોરથી હીંચકો હાલ્યો. પવનની લહેરખીએ નાનકીના વિખરાયેલા વાળ ઉડાડ્યા ને નાનકી જોરથી હસતી રહી. જાણે કહેતી હોય, ‘મા તો ક્યાં હતી જ આ હીંચકાની દુનિયામાં?’ અવસાન તો થયું હતું પેલી હસતી, રમતી મન ફાવે તેમ મહાલતી કલ્પનાની નાનકીનું. હીંચકાની નાનકીનું!