ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત આ કૃતિ એટલે, વીસમી સદીના શરૂઆતી દોર ને વર્ણવતી બંગાળી નવલકથા ગણદેવતા, 427 પાનાઓમાં વિસ્તરાયેલી અને 1988 માં એમની પ્રથમ આવૃત્તિ આવી છે.
કથાસાર
બંગાળના મયુરાક્ષી નદીની પારના એક ગામ શિવકાલીપુર તળાવ ની આસપાસ વસેલા ગામ શિવકાલીપુરની વ્યથા ગાથા છે, જમીનદારી અને ગરીબ વર્ગ, ઉપરી અને કુદરત સાથે બાથ ભીડતા દરિદ્રજનનોની વાત, કારીગર વર્ગને થતા અન્યાય સામે શહેર તરફ ભાગતા કારીગરો અને ઉપરથી જમીનદારના વીંઝાતા કોરડા સરખો ત્રાસ…
પૈસાદાર વર્ગ ની શોષણ કરવાની રીત, જેમાં મજબૂર વર્ગ ચૂં કે ચાં ન કરી શકે…
તત્કાલીન સરકારના કાયદા, કુદરતનો કોપ…
આ બધાની સાથે ત્યાંના ઉત્સવોની ઉજવણી એની રીત, માન્યતાઓ શોષણની સામે બળવાખોરી કરતા સજા પાત્ર થઈ ને પોતાનું બધું જ ગુમાવી દેતા ગરીબો, આ સૌમાંથી નિરાલું પાત્ર એટલે દેવદાસ ઘોષ , દેવુ પંડિત ગામલોકોના એક માત્ર વિશ્વાસ પાત્ર, અને કોલેરાનો વ્યાધિ ફાટી નીકળતા બિનવારસુ મૃતદેહને સ્મશાને પહોંચાડી પોતાના પરિવાર ને ચેપ લાગતા બાબલો અને પત્ની બિલુ સહિત બધું જ ગુમાવી બેસતા દેવુ પંડિત માટે તો વાચકની આંખો પણ ભીની થઈ જાય, અદ્ભૂત વ્યક્તિત્વ એવા ન્યાયરત્ન જેમની વાતો કે વાર્તાઓ પણ કેટ કેટલી સચ્ચાઈઓ કહે ત્યારે અતરાપીના સારમેયનું સ્મરણ અવશ્ય થાય જ…સરકારી વ્યક્તિ નજરબંદી તરીકે નિમાયેલા જતીન બાબુ છતાં ગામના ગરીબો માટે ન માત્ર સહાનુભૂતિ પણ એમને મદદ રૂપ પણ થતાં આખરે એમને પણ બીજે સજા રૂપે મોકલતાં… ગામ જાણે નિષ્પ્રાણ થઈ જાય છે….
અને ત્યાં જ પાનાઓમાં કથા વિરામ પામે અને વાચકના ભીતરપંથે પ્રવાસ માંડે છે…
કંઈ કેટલીયે બાબતો એવી છે જે આજે પણ એટલીજ પ્રસ્તુત છે, સમય, વર્ષો સદીઓ વીતી જાય પણ, માણસજાતનો સ્વભાવ બદલાતો નથી…
પાત્રસૃષ્ટિ
પ્રસ્તુત નવલકથાનું ચરિત્ર વિશ્વ અનેરું છે, જેમાં કેટકેટલા પાત્રો મન મસ્તિષ્કમાં છવાઈ જાય, વર્ણનો આપણા માનસને જકડી રાખે એવા, ઉજ્જવળ સ્ત્રી પાત્રો, દુર્ગાના પાત્ર માં મનસ્વીની છતાં માણસાઈ એવી છલકાતી કે એના કહેવાતા ચારિત્ર્ય ની સામે અંતરમનની ઉજ્જ્વળતા આપણા મનને પણ પવિત્ર કરી જાય, જેમાં દુર્ગાનું પાત્ર આપના મનમાં અમીટ છાપ છોડી જાય છે. અનિરુદ્ધની નિ:સંતાન પત્ની પદ્મનું મમતાભર્યું પાત્ર ગામમાં આવેલા નજરબંધી જતીન અને ઉછીન્ગ તથા ગોબરા માટેની માતા સમાન લાગણી, બિલુની નિર્દોષતા, જમીનદાર બની બેઠેલા શ્રી હરિ છીરૂ પાલની મોટા બનવાની અભીપ્સા અને ગરીબોનું શોષણ કરવાની વૃત્તિ, એના પાત્રની નિર્દયતા વ્યક્ત કરે છે, ગામના શિક્ષક દેવુ પંડિતનું ભલમાણસાઈભર્યું વ્યક્તિ પોતાનું બધું જ લુટાઈ જવા છતાં મનમાં મલિનતા ન આવવા દેવી એના ઉજ્જવળ ચારિત્ર્યની છાપ ભાવકના મનમાં છોડી જાય છે.
આમ આ નવલકથાની પાત્ર સૃષ્ટિમાં સમાજના દરેક વર્ગના બધી લાક્ષણિકતાઓ ધરાવતા પાત્રો વ્યક્ત થયા છે. જે નવલકથાને બળકટ પાત્ર સૃષ્ટિ આપે છે.
ભાષા વૈવિધ્ય
ગણદેવતા નવલકથાની ભાષા સરળ અને સહજ છે, જેમાં જનસમાન્યના ભાવ સભર ઉદગાર છે, અનિરુદ્ધની પત્નિ પદ્મનો સંવાદ,
“- તમે ખૂનખરાબી કરો ને ફાંસીએ ચડશો ને હું એ કાળી ટીલી લઈને જીવતી રહીશ એમ માનો છો?”
દેવુપંડિતના શબ્દો,
“- આપણે સ્વાર્થ શબ્દને વામણો ન કરીએ તો એ વાત તદ્દન સાચી છે. પરમર્થમાં પણ અર્થ તો સમાયેલો જ છે ને!”
દાક્તરના શબ્દો છિરુ પાલ માટે
“- કોણે? છિરુએ?એ વળી છિરુ પાલમાંથી ઘોષ મોશાય ક્યારે થયો? અને અશ્લીલ ભાષાએ છિરુને ભાંડતા ભાંડતા દાક્તર બોલ્યો
“સાલ્લો સજ્જન ને માતબર બની બેઠો છે!”
યતીનને એની બા યાદ આવી જતા, એનાથી એક ઊંડો નિસાસો મુકાઈ ગયો. યતીનને તિલક કર્યા પછી પદ્મએ સાદ દીધો: ” ઊચિંગ! ઓ ઊચિંગ!!એલા એઈ… ને એ બોલી, જુઓ તો આ છોકરાની ઉંઘ, કટાણે! ઉચિંગડા !!!”
સ્થાનિક બનાવો પરથી રચાયેલું એક ગીત,
`હાય રે પાણી ! ક્યાં ગયાં’તાં ?
આજ એકાએક ક્યાં ઉભરાયાં?
પાણી, પાણી બંગાળ આખું
ડૂબી ગયાં ગામડા બધાં હાય રે પાણી!…’
દરેક પાત્રના સંવાદોમાં લેખકની ભાષાશૈલીની ઝલક અને લોકજીવનની પરિસ્થિતિનો તાગ આપણને મળે છે.
પરિવેશ
વીસમી સદીની શરૂઆતમાં બંગાળના કોઈ એક ગામ નામે મયૂરાક્ષી નદીના સામે કાંઠે શિવકાલીપુર ગામ તળાવને કાંઠે વસેલા શિવકાલીપુર નામના ગામના જીવાતા લોકજીવનની વાત પણ જેમાં ધબકે છે એ સમયના સમસ્ત ભારતના લોકજીવનની ઝલક. કુદરતની મહેર છે પણ જમીનદારી પ્રથાનો ભોગ બનતી ગરીબ વસતી, ને પછીથી બંગાળમાં ફાટી નીકળતો કોલેરાનો વ્યાધિ જેવી મુસીબતોમાં સબળતો માનવ સમુદાય. જેમાં દરેક વર્ગના લોકોની પોતાની પીડા છે.
મૂળ બંગાળી નવલકથા પણ એનું સબળ ગુજરાતી અનુવાદ ગુજરાતી ભાવકના તાર સીધા બંગાળી ભાષા સાથે જોડી આપે છે, એવું સરસ સરળ અનુવાદ છે, એકંદરે ભાવકને જકડી રાખે એવી સંવેદના ભરી આ નવલકથા છે, ભલે આજે એકવીસમી સદી ચાલી રહી છે પણ, માનવસ્વભાવની નબળાઈઓ અને સબળાઈઓ આજના સમયે પણ પ્રસ્તુત છે,
કહેવાય છે ને કે એ સાહિત્ય ક્યારેય પુરાણું નથી થતું, જે માનવ સ્વભાવને પ્રસ્તુત કરતું હોય.
અંતે અંતિમ પાના પરનું લખાણ જેમનું તેમ જ, `ગણદેવતા એટલે લોકદેવતા.’
પ્રત્યેક માનવીમાં દેવ અને દાનવ બન્ને છુપાયેલા છે. દેવને જગાડીને વંદન કરીએ. દાનવને ભગાડીએ- દૂર દૂર દુનિયાને પેલે પાર.
લેખક : તારાશંકર બંદ્યોપાધ્યાય, ગુજરાતી અનુવાદક : રમણીક મેઘાણી, પ્રકાશક : રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃષ્ઠ સંખ્યા : 427, કિંમત : 285, પ્રથમ આવૃત્તિ : 1988
ડૉ. સોનબાઇ આવિયા, મદદનીશ શિક્ષક, મુન્દ્રા(કચ્છ)