-ડૉ. વિપુલ કાળિયાણિયા
ગુજરાતી સાહિત્યજગતમાં સુધારક યુગમાં ઘણા બધા સાહિત્ય સ્વરૂપોનો આવિર્ભાવ થયેલો જણાય છે. એ સાહિત્યસ્વરૂપોમાં નિબંધનો પણ સમાવેશ થાય છે. નિબંધ સ્વરૂપ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ સંજ્ઞા હેઠળ જાત ભાતના લખાણો થતાં આવ્યાં છે. આ લખાણોને આધારે વિદ્વજનોએ એને વિવિધ નામાભિધાન આપી વર્ગીકૃત કર્યા છે. જેમાં ચિંતનાત્મક નિબંધ, ચરિત્ર નિબંધ, હાસ્ય નિબંધ, પ્રવાસ નિબંધ, લલિત નિબંધ એમ વિવિધ રીતે વિભાજીત કરેલાં જોવા મળે છે.
ભોળાભાઈ પટેલનું નામ ગુજરાતી સાહિત્ય જગતમાં ખાસ કરીને નિબંધકાર તરીકે જાણીતું છે. ખાસ કરીને પ્રવાસનિબંધ ક્ષેત્રે એમનુ અર્પણ સવિશેષ રહ્યું છે. ‘વિદિશા’ થી પ્રારંભાયેલી એમની નિબંધયાત્રા બાર સંગ્રહ સુધી પહોચે છે. સૌન્દર્યલુબ્ધ અને ભ્રમણપ્રિય ભોળાભાઈનાં નિબંધો ગુજરાતી નિબંધ ક્ષેત્રે અને એમાય ખાસ પ્રવાસ નિબંધ ક્ષેત્રે નવું પરિમાણ સર્જે છે. કાકાસાહેબ કાલેલકરનાં પ્રવાસ નિબંધો પછી ભોળાભાઈ પટેલના નિબંધો એવી જ અનેરી ઊંચાઈનો અનુભવ કરાવે છે.
નિરંજન ભગતના પ્રેમાગ્રહથી ‘સાહિત્ય’ ત્રેમાસિકમાં વિદિશા નામનો પ્રથમ પ્રવાસ નિબંધ પ્રગટ થાય છે. અને વિધિવત રીતે નિબંધ સાથે ભોળાભાઈ બંધાઈ છે. દુનિયાભરમાં ભ્રમણ કરવાની અદમ્ય ઈચ્છા ભોળાભાઈને ઘડાયેલાં- મંજાયેલા નિબંધકારની અદકેરી ઓળખ અપાવે છે. ‘વિદિશા’ (૧૯૮૦) ભોળાભાઈ પટેલનો પ્રથમ નિબંધ સંગહ છે જેમાંથી ‘વિદિશા’ શીર્ષકસ્થિત નિબંધ ‘તેષાંદિક્ષુ’ (સંપાદન-ભોળાભાઈ પટેલ) સંગહમાં સંપાદિત થયેલો છે. આ પ્રવાસ નિબંધ વિષે અહીં સવિગત ચર્ચા કરવાનો ઉપક્રમ છે.
મહાકવિ કાલિદાસની કૃતિઓમાં વિદિશા નગરીનાં વર્ણનોથી સર્જક અંજાયેલા છે અને તેમે મન વિદિશા નગરીનું ખૂબ જ મહાત્મ્ય છે. કાલિદાસની સાથે સાથે સર્જક પ્રાચીન વૈભવ વિલાસવાળી વિદિશાનગરીની યાત્રા કરે છે. ઐતિહાસિક નગરી વિદિશા પ્રત્યે સર્જક ભોળાભાઈ ને આકષર્ણ તો છે જ કારણ કે આ નગરી પર હૈહયવંશી રાજાઓનું શાસન હતું. ઉપરાંત આ દશાર્ણની રાજધાની પણ હતી. લક્ષ્મી અને સરસ્વતી, વીરતા અને રસિકતાની નગરી વિદિશા પ્રત્યે સર્જકને વિશેષ અહોભાવ તો છે જ પણ સવિશેષ આકર્ષણ તો કાલિદાસ અને વિદિશાના સંબંધને કારણે છે.લેખક ‘વિદિશા’નાં પ્રવાસે જાય છે અને વિદિશાના વર્તમાન સ્વરૂપથી સંતુષ્ટ નથી પરંતુ એમને મન તો વૈભવી વિદિશા જ છવાયેલી રહે છે. ઉજ્જયિની કે શ્રાવસ્તી કરતાં વિદિશા નામ વધારે ગમે છે. ભ્રમણપ્રિય લેખકને પ્રાચીન નગરીઓના નામ સાંભળીને મન દૂર દૂર દોડવા માંડે છે. નદીઓની પેલે પાર, પહાડોની પેલે પાર, અરે શતાબ્દીઓને પેલે પાર. વિદિશા સાથે પણ એવો જ નાતો છે. આખાં નિબંધમાં વર્તમાન અને કવિના ચિત્તમાં ચાલતી એક અનોખી સૃષ્ટિ સમાંતરે ચાલતી અનુભવાય છે.
વિદિશા થી અભિભૂત થયેલાં સર્જકને મન વિદિશા નગરીનું કેટલું મહત્વ છે એ વિદિશા પહોચતાં પહેલાં અહીં પામી શકાય છે:
‘યદિ આપ વિદિશા નહીં જાતે હૈં તો’ — સાંચીસ્તૂપની ટેકરીની તળેટીના માર્ગ પર એક બોર્ડ હતું, તેમાં લખ્યું હતું. લખ્યું હતું કે અહીં આટલે આવ્યા પછી અહીંથી વિદિશા નહીં જાઓ તો આટલું આટલું જોવાનું ચૂકશો. એ સૂચિ તો ઠીક પણ એમાં એવું નહોતું લખ્યું કે વિદિશા નહીં જાઓ તો વિદિશા જોવાનું ચૂકી જશો — અમારે તો વિદિશા જોવું હતું.
‘અમારે તો વિદિશા જોવું હતું.’- આ વાક્યમાં લેખકની અનન્ય વિદિશાપ્રીતિ જોવા મળે છે. બસ સ્ટેન્ડ પર બસે ઉતાર્યા ‘વિદિશા આ ગયા’, પણ સર્જકના મનમાં જે વિદિશાની છાપ હતી એ પૈકીનું કશું ન હતું. કયા કાલિદાસની, ભવભૂતિની, જીવનાનંદ દાસની વિદિશા અને ક્યા આ ભિલસા નામધારી વિદિશા! કુતુહલવશ લોકો પૂછે છે કે ‘અહીં શું જોવા આવ્યાં ?’ ‘અહીં તો કશું જોવાલાયક નથી.’ પછી લેખક તો ‘બાબા કા ખંભા’ અને ‘ઉદય ગિરિની ગુફાઓ’જોવા જવા નીકળી પડે છે. ઘોડાગાડી ભાડે કરીને નીકળતાં ભાવુક સર્જકને મન તો આ સામાન્ય ઘોડાગાડી છે એ વાત જ વિસરાય જાય છે. લેખક વર્તમાન અને ભવ્ય ભૂતકાળ વચ્ચે તુલના કરી બેસે છે. લેખક લખે છે : ‘જ્યાં આ માર્ગ પર જરૂર એક વાર પવનવેગી રથો દોડતા હશે. એક સમયમાં દશાર્ણની રાજધાની હતી વિદિશા. દિગન્તમાં એની કીર્તિ ફેલાયેલી હતી. હૈહયવંશી રાજાઓના સમયમાં વિદિશા વૈભવમાં આળોટતી. અહીંની પાણીદાર તલવારોથી મૌર્યોએ પોતાનો રાજ્યવિસ્તાર સાધ્યો હતો. ચંડ અશોકની એક રાણી વિદિશાની હતી. જેને લીધે પછી પ્રિયદર્શી અશોકે નજીકમાં આવેલી સાંચીની ટેકરી પર સ્તૂપ બંધાવ્યો હતો. વિદિશામાં શ્રી અને સમૃદ્ધિ હતી, વીરતા હતી અને રસિકતા હતી. અહીં કવિ કાલિદાસનો અગ્નિમિત્ર માલવિકાની છબી જોઈ એના પ્રેમમાં પડી ગયો હતો. અહીં આસપાસ ક્યાંક અગ્નિમિત્રનું ઉપવન હશે.’
કાલિદાસના ‘મેઘદૂત’નો યક્ષ મેઘ સાથે સંદેશ મીકલે છે ત્યારે પણ વિદિશા નો ઉલ્લેખ આવે છે એ વાત સર્જક ચિત્તમાં ગાઢ રીતે છવાઈ ગયેલી હોય છે. લેખક એ વાત અહીં મુકે છે અને વૈભવી વિદિશાનગરીની મહત્તા વધારે છે. આગળ જતાં વેત્રવતી નદી,નદીનું નામ વિષે લેખકનો તર્ક, એના જળરાશિનો નિનાદ વગેરે આકષર્ણ ઉપજાવે છે.કાલિદાસનો યક્ષ મેઘને વિદિશાનગરીની લાલચ આપે છે અને વેત્રવતીના જળની વાત પણ કરે છે એ સંદર્ભ યાદ આવતાં સર્જકથી રોમાંચિત થઈ જવાય છે. વેત્રવતીથી આગળ ઉદયગિરિની ગુફાઓ જોવા જવાનું હોય છે. ઉદયગિરિ સાથે સર્જક જુદાજુદા અનુભવ વ્યક્ત કરે છે. વિવિધ સ્થળે ઉદયગિરિ છે. અહીંની ઉદયગિરિને જુએ છે. સાથોસાથ સર્જક અહીં કારખાનાની ચીમની જુએ છે અને ભવ્ય ભૂતકાળથી પ્રભાવિત સર્જકને એ ખટકે છે. કાલિદાસના સમયમાં તો અગ્નિમિત્રનું કે એવા કોઈ રાજવીનું પ્રમદવન પણ હોય, એમાં હોય બકુલાવલિકા, ચતુરિકા, મદનિકા, નિપુણિકા કે માલવિકા. પણ ભલા આ કારખાનામાં તો એ બધાં ક્યાંથી હોય? આવો સહજ ઉદ્ગાર અને અફસોસ કરતાં સર્જક આગળ વધે છે.ઉદયગિરિને નિહાળતાં સર્જકને વિચાર આવે છે કે કાલિદાસે જેને ‘નીચૈ:’ નામ આપ્યું છે એ તો નહિ હોય ને? યક્ષે મેઘને વેત્રવતીનું અધરરસ-શું વારિ પીધા પછી વિદિશાના પરિસરમાં આવેલા નીચૈ: પહાડ પર વિશ્રામ લેવાની ભલામણ કરી હતી, શું આ એ જ સ્થળ હશે ? સર્જક વિદિશા નાં સ્થળો એ ફરતાં ફરતાં સતત કાલિદાસકથિત સ્થળોએ ફરતાં હોય અને ભાવકોને પણ એનો સાદ્યંત અનુભવ કરાવતાં હોય એવું લાગે છે. સાહિત્ય કૃતિઓમાં પ્રગટતી એક અનોખી સૃષ્ટિને અહીં સર્જક જીવી જાણે છે.
‘બાબા કા ખંભા’ સ્થળે પહોચતા સર્જક એ સ્થળના એતિહાસિક સંદર્ભ સાથે વાત કરે છે.અહીં પુરાતત્વ વિભાગ દ્વારા લગાડાયેલી તકતી વિષે વાત કરી અહીંની ઐતિહાસિક મહતા જણાવે છે. બાબા કા ખંભા એ ઇતિહાસપ્રસિદ્ધ હેલિઓદોરસનો સ્તંભ હતો! એના પરનો અભિલેખ અતિ મહત્ત્વનો છે. વિદિશાના ગત વૈભવ અને વિક્રમનું આ જ્વલંત ઉદાહરણ છે. હેલિઓદોરસ યવન (ગ્રીક) રાજદૂત હતો. તક્ષશિલાના ગ્રીક રાજા આન્તલિકિત પાસેથી તે સમ્રાટ ભાગભદ્રના દરબારમાં મૈત્રીશુભેચ્છાના પ્રતીકરૂપે અનેક ભેટ-સોગાદો લઈને આવ્યો હતો, અને અહીં આવ્યા પછી વૈષ્ણવ ધર્મ અંગીકાર કરી ‘ભાગવત’ બન્યો હતો. વિદિશાના વિષ્ણુમંદિરમાં એણે ગરુડધ્વજ સ્થાપિત કર્યો. તે જ આ હેલિઓદોરસનો સ્તંભ – બાબા કા ખંભા. અહીંથી બેસ એન બેતવા નદીના સંગમ સ્થાને સર્જક સેર કરાવે છે.
ઘોડાગાડીની ઝડપ વધી અને વિલાસપુર આવી ગયું પણ સર્જક કહે છે કે આ તો બિલકુલ સ્ટેશન- મારી વિદિશા સાથે એને કોઈ અનુબંધ નથી. વર્તમાન અને ભૂતકાળ સાથે કોઈ મેળ બંધાતો નથી. ‘તેષાં દિક્ષુ પ્રથિત વિદિશા’ – ના. એ આ નહીં. લેખકને તો વૈભવી, વિલાસી, જાજરમાન નગરી વિદિશા જ પ્રિય છે.
વિદિશા એ ભારત દેશના મધ્યભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યના વિદિશા જીલ્લામાં આવેલું પ્રાચીન નગર તરીકે સુખ્યાત છે. ભ્રમણપ્રિય સર્જક અહીં પોતાની અનોખી યાત્રા કરે છે અને સૌ ભાવકોને એનું આચમન કરાવે છે. વિદિશા નગરીની ઐતિહાસિક મહત્તા લેખકને મન અનેરી છે. એક સમયમાં દશાર્ણની રાજધાની હતી વિદિશા. દિગન્તમાં જેની કીર્તિ ફેલાયેલી હતી તે આ વૈભવી વિદિશા. હૈહયવંશી રાજાઓના સમયમાં વિદિશાનો વૈભવ, પાણીદાર તલવારો પણ વિદિઅશાનિ જ નીપજ છે. જેનાથી મૌર્યોએ પોતાનો રાજ્યવિસ્તાર વધાર્યો હતો. ચંડ અશોકની એક રાણી વિદિશાની હતી. જેને લીધે પછી પ્રિયદર્શી અશોકે નજીકમાં આવેલી સાંચીની ટેકરી પર સ્તૂપ બંધાવ્યો હતો. વિદિશામાં શ્રી અને સમૃદ્ધિ , વીરતા અને રસિકતા સર્જકે સુપેરે દર્શાવી છે. અહીં કવિ કાલિદાસનો અગ્નિમિત્ર માલવિકાની છબી જોઈ એના પ્રેમમાં પડી ગયો હતો. અહીં આસપાસ ક્યાંક અગ્નિમિત્રનું ઉપવન હશે. વર્તમાન અને ભૂતકાળમાં લેખકનું મન વારંવાર આવનજાવન કરે છે તેથી વિવિધ દૃશ્યાવલીઓ રચાય છે અને એક ઉત્કૃષ્ટ કોટિનો પ્રવાસ નિબંધ રચાય છે.
બંગાળી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી એમ વિવિધ ભાષાનાં પોતથી આ નિબંધ રળિયાત થયો છે. નિબંધ નાં પ્રારંભે જ આદુનિક બંગાળી કવિ જીવનાનંદ દાસની પંક્તિ ‘ચુલ તાર કબેકાર અંધકાર વિદિશા નિશા’ મુકાયેલી છે. ‘મેઘદૂત’ નાં શ્લોકો પણ નિબંધને શ્રેષ્ઠતા બક્ષે છે. ભોળાભાઈનું પ્રવાહી ગદ્ય ભાવકને નિબંધના વિસ્તારનો સહેજ પણ અણસાર આવવા દેતો નથી. સરળ-સહજ-પ્રાસાદિક શબ્દાવલીઓ પણ આ નિબંધનું જમા પાસું ગણી શકાય.
કળા,સાહિત્ય,પુરાણ કથાઓ, ઐતિહાસિક અને ભોગોલિક સંદર્ભ પ્રસ્તુત નિબંધને સુંદરતા બક્ષે છે. લેખકનું બહુશ્રુત વ્યક્તિત્વ પણ અછતું રહેતું નથી. વિવિધ ભાષા પરનું પ્રભુત્વ નિબંધમાં મુકાયેલ પંક્તિઓ, શ્લોકો દ્વારા જાણવા મળે છે. કાલિદાસ, રવીન્દ્રનાથ ટાગોર અને જીવનાનંદ દાસ વગેરે ભારતવર્ષના મહાન સર્જકો સાથે સતત અનુબંધ જોડી ભાવકને આ નગરીની સાંસ્કૃતિક મહત્તા સમજાવે છે. એ સાથે જોડાયેલાં સાંસ્કૃતિક અનુબંધ એની ભૈગોલિક સ્થિતિ એમ દરેક પાસાંને આવરી લઈને એક ઉત્તમ પ્રવાસ નિબંધ ગ ભોળાભાઈ પટેલ આપે છે. અહીં ભોળાભાઈનું સૌન્દર્યલુબ્ધ વ્યક્તિત્વ નીખરી આવે છે.
વિદિશા’ સંગ્રહ વિશે પ્રવીણ દરજી નોંધે છે કે,
‘‘ ‘વિદિશા’ની રચનાઓ એક પરિષ્કૃત રુચિવાળા,સમૃદ્ધ હૃદયવાળા વ્યક્તિત્વ સાથે આપણો સંબંધ ઉત્કટપણે જોડી આપે છે એ એની ફલશ્રુતિ છે.”
આ વિધાન ‘વિદિશા’ નિબંધને પણ સુપેરે લાગુ પાડી શકાય તેમ છે. ભોળાભાઈ પટેલ ‘વિદિશા’ જેવી ચિરંજીવી કૃતિ આપીને ગુજરાતી પ્રવાસ સાહિત્ય ક્ષેત્રે પોતાનું ઉત્મોત્તમ પ્રદાન અર્પે છે.
સંદર્ભગ્રંથ– તેષાં દિક્ષુ – ચૂંટેલા નિબંધો- ભોળાભાઈ પટેલ
(પ્રકાશન- ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર)
રજૂઆત-
-ડૉ. વિપુલ કાળિયાણિયા
અધ્યાપક સહાયક- ગુજરાતી
શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ, બોટાદ