‘બારી બહાર’ કાવ્યસંગ્રહમાં નિરુપાયેલ પ્રકૃતિ

                                                    સુનિતા બાબુલાલ કંઝારિયા

                                   

                સૂર્યના સોનેરી કિરણોથી દ્રશ્માન થતી આ પ્રકૃતિ માનવના જીવનમાં નવો પ્રાણ સંચાર કરે છે. ખળખળ વહેતી નદીના નીર કવિની કલમમાં ‘નાડીમાં નાનેરી નદીઓના નીર’ , પૃથ્વીની વિશાળતાને કવિ ‘વિશાળે  જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ’ તરીકે આવે છે. આમ, પ્રકૃતિ અને સાહિત્યનો તંતુ ગાઢ છે. મધ્યકાળમાં રસ, ફાગુ, બારમાસી,,પ્રબંધ, આખ્યાન……..સાહિત્યમાં પ્રકૃતિ આલેખાઈ છે. અહી ‘નીતરાં પાણી‘ નું બિરુદ મેળવેલ ‘બારી બહાર’ કાવ્ય સંગ્રહમાં નિરુપાયેલ પ્રકૃતિ – પર્યાવરણને તપાસીએ.

                પ્રહલાદ પારેખની કવિતામાં નીતરાં પાણીનો ગુણ છે. તેમાં ઇન્દ્રિય ગ્રાહ્યતાનો ગુણ છે. ’માનવકંઠ’ કાવ્યમાં કવિએ આ વ્યત્યય કર્યો છે. ‘તારલાને છે તેજની વાણી’, ‘ફૂલની વાણી ગંધ’ માં ઇન્દ્રિય વ્યત્યય કર્યો છે. સંગ્રહની પહેલી કવિતા ‘ બારી બહાર’ માં પ્રકૃતિ ભરપૂર આલેખાઈ છે.

“વર્ષોની બંધ બારીને આજ જયારે ઉઘાડતો,

‘આવ’,’આવ’- દિશાઓથી સૂરએ કર્ણ આવતો”

                                                                                            ‘બારી બહાર’ પૃ.૪૪

           વર્ષોની બંધ બારી કવિ ખોલતા પ્રકૃતિ ‘આવ’, ’આવ’ કહી બોલાવી રહી છે. બારી બહાર સિંધુની મોજ ચુમી પવન આવી રહ્યો, પંખીના ગાનસૂર ,આકાશના કિરણો,વૃક્ષોનો સાદ,વહેતું ઝરણું, ભ્રમન કરતી  વાદળીઓ ,પથ પરની ઘૂળ, ખેતરના ડૂંડા, પુલકિત ધારા કવિને સાદ આપે છે. ‘આવ’ , ’આવ’ કહી મીઠો આવકારો આપી રહી છે.  કવિને સઘળું ભુલાવી આપી તેની તરફ ખેંચે છે-

‘’સુઘા ભરી તારક પ્યાલીઓને

આકાશ થાળે લઇ રાત આવે

પંખી,વનો,નિર્ઝર માનવીને,

પાઈ દઈને સઘળું ભુલાવે’’

                                                                               બારી બહાર પૃ. ૪૬

              કવિ પણ આ પ્યાલી પીવે છે. અંગે અંગમાં મદ ચડી ગયો છે. આંખ બંધ થાય છે. ‘ના બારી, ના ઘર મહીં રહું, જાઉં  એ સર્વ સાથ’’  પ્રકૃતિ  સાથે કવિ જવા માંગે છે. પ્રકૃતિ  માનવના મનને સમાધિ (burin) સુધી લઇ જાય છે.

‘ 

                 અબોલડા’ કાવ્યમાં કવિને નાયિકા સાથે નિસર્ગ લીલાં જોવી હતી. ઉપેન્દ્રવ્રજા  છંદમાં કવિએ કાવ્ય લખ્યું છે-

“ નિસર્ગલીલાં તુજ સાથ  જોવા

હૈયે હતા કોડ – ન પાય ઊપડયા:’’

                                                                                              બારી બહાર પૃ. ૫૪

                   ‘અનંત કથા’, ‘દરિયાને’, ‘વીજળી’ કાવ્યમાં પ્રકુતિ આલેખાઈ છે. ‘અમારી મહેફીલો’ કાવ્યમાં કવિની પ્રકૃતિ સાથે મહેફિલ  માણે છે. કવિની મહેફિલ  નભ સાથે, વન  મહીં તો કદી વર્ષા સંગ થતી –

‘’ અમારી મહેફીલો કદીક વરષા સંગ ભરતા,

અને એના પાણી ભરી અમે વાદળ પીતા,

ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ,મહીં રંગો ઊડવતી,

અને નાચી’રે ત્યાં ગગન ભરીને વિધુત- નટી’’

                                                                                                    બારી બહાર પૃ.૫૬

                  પ્રહલાદ પારેખની કવિતા આંખ,કાન, નાકની કવિતા છે. કવિની સૌરભ પ્રીતિ કાવ્યમાં જોવા મળે છે. પ્રકૃતિ કવિને શાશ્વત આનંદ આપે છે. ‘આજ’ કાવ્યની પ્રકૃતિ જોઈએ-

“ આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,

          આજ સૌરભ  ભરી રાત સારી,

આજ આ શાલની મંજરી ઝરી ઝરી

      પમરતી પાથરી દે  પથારી’’

                                                        ‘બારી બહાર’ પૃ. ૭૪

                પ્રકૃતિનું તત્વ ‘અંધાર’ કવિને ખુશ્બુ ભર્યું લાગે છે. અંધાર આંખથી જોઈ શકાય છે. પણ કવિએ નાકની ઇન્દ્રિય દ્વારા ખુશ્બુ આપતો બતાવી ઇન્દ્રિય વ્યત્યય  કર્યો છે. ‘પમરતી પાથરી દે  પથારી’ – વર્ણસગાઈ ધ્યાન ખેંચે છે.

“ આજ આકાશથી તારલા માંહીથી

મ્હેકતી આવતી શી સુગંધ”

                                                           ‘બારી બહાર’ પૃ. ૭૫

            કવિ કાન્ત યાદ આવ્યા વિના ન રહે ‘સાગર અને શશી’  કાવ્યમાં કવિ લખે છે-

“ આજ,મહારાજ! જલ પર ઉદય જોઇને

ચંદ્રનો , હદયમાં હર્ષ જામે,

સ્નેહઘન, કુસુમવન,વિમલ પરિમલ ગહન

નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે’’ 1 

   ‘રાત પડી હતી ‘ કાવ્યમાં કવિ રાતના સોંદર્યને કઈક આ રીતે લઈને આવે છે-

‘રાત પડી હતી, રાત પડી હતી, એવી તો સુંદર રાત પડી હતી

જાણે એ બ્રહ્માએ ખાસ ઘડી હતી, એવી રૂપાળી એ રાત પડી હતી”

***

“પૂનમની પરકાશ ન હતો કે આઠમના અજવાળા નહી

શ્યામલ, સુંદર ને નમણી, એ તો રાત અમાસની આવી હતી”

                                                                             બારી બહાર પૃ. ૭૫

     ‘રાત પડી હતી’ એ શબ્દોનું બે વાર પુનરાવર્તન લાવીને કાવ્યમાં એક ઉઠાવ કવિ લઇ આવે છે.

                 ‘અમે અંધારું શણગાર્યું’ કાવ્યમાં કવિ શ્યામને શણગારે છે ? શ્યામને વળી શું શણગારવું ?કવિ અંધકારને શણગારે છે.ગગને તારા માંડીને ઘરતીને શોભાવ્યું. ફૂલોએ ફોરમ આપીને અંગે અંગ અંધકારનું મહેકાવ્યું. કવિએ  અંધકારને નચાવ્યું, રંગાવ્યું અને મહેકાવ્યું છે. અંધકારએ પ્રકૃતિનું એક તત્વ છે. આ તત્વને કવિ મનુષ્ય – સ્ત્રીની જેમ શણગારે છે.

​​‘’ આજ અમે અંધારું શણગાર્યું ,

હે જી અમે શ્યામલને સોહાવ્યું’’

                                                    બારી બહાર પૃ. ૭૬

            કવિ  અંધકારને શણગારે છે. તો મનોજ ખંડેરિયા જેવા કવિ વસંતના વધામણા કરે-

“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

ફૂલોએ બીજું કૈ નથી, પગલા વસંતના.”

****

“ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે

પાછા ફરી ન આવશે તડકા વસંતના”2

               ‘ચાંદરણાં‘, ‘આઠમ ચાંદની’ માં કવિ સીધી કથન શૈલીથી કાવ્ય લખે છે. મિત્રો સાથે ગપાટા મારતા ઘરે જાય  છે,  વાટમાં બધા મિત્રો છુટા પડે છે, ને વીજ –બતી બુઝાઈ જાય છે. પછી આઠમ ચાંદનીનું સૌંદર્ય કવિ પીએ છે –

“ પળેક વીતી ચમકેલી ચિતની

બીજી પળે આઠમ ચાંદનીની

છટા નિહાળું રમણીય – મુગ્ધ

આનંદઘેલો !

****

“ જાગી ગઈ કોઈ અપૂર્વ ચેતના

                     મુજ રોમેરોમ

આંખો મહી આ મુજ હર્ષ કેરાં

                    ચળકંત મોતી

ને આસમાની મુજ અંતરે કો

                        પ્રગટન જ્યોતિ

પ્રકાશ તેનો મુજ રક્ત કેરા

                ભળતો વહેણે

                                                               ‘બારી બહાર’ પૃ ૮૦-૮૧

  આકાશી પ્રકાશ કવિના રક્તમાં વહી રહ્યો છે. જયંત પાઠક કવિ યાદ આવે. જે માટીમાં કવિ ઉછર્યા એ માટી, વગડા અને વાયરાને ઉદેશી કવિએ કાવ્ય લખે છે- 

“થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પહાડોના હાડ મારા પિંડમાં ને

નાડીમાં નાનેરી નદીઓના નીર

છાતીમાં બુલબુલનો માળો ને

આંગળીમાં આદિવાસીનું તીણું તીર

રોમ મારા ફરકે છે ઘાસમાં

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં”3 

              કવિ પ્રકૃતિ વિના અધુરો છે. પંક્તિ એ પંક્તિએ પ્રકુતિને કવિ સાહિત્યમાં ગૂંથે છે. જયંત પાઠકની નાડીમાં નદીઓના નીર છે. પ્રહલાદ પારેખના રક્તમાં આકાશી પ્રકાશ વહી રહ્યો છે. એકંદરે તો પંચભૂત માંથી બનેલા શરીરની વાત બને કવિઓ કરી રહ્યા છે.

            કવિનું ‘જુઈ‘ કાવ્ય બહુ જાણીતું કાવ્ય છે. એક પુષ્પની કલ્પના કવિની અલગ છે. મને તો કવિના સંગ્રહની મોટા ભાગની રચનામાં  પ્રકુતિ જ એન કેન પ્રકારે આવતી જોવા મળે છે. જુઈ કાવ્યમાં કવિ લખે છે-

“ સાગરની ચાદર ઓઢીને સૂરજ જયારે પોઢી જાય,

ભાટુરીયાં  શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય

ખીલે છે જૂઈ ત્યારે

તેને ગમતું અંધારે”

                                                     બારી બહાર પૃ.84

               ‘જીવનસંધ્યા’ સોનેટમાં કવિ નફો કે તોટાના ઉપરથી ખસી જવાની વાત કરે છે. અંતની ચોટમાં કવિ લખે છે-

“ઊગે જેવા તારા દિવસ નમતાં ત્યાં ગગન માં

    અને સોહાંગી એ જીવન તણી સંધ્યા થઈ જશે “

બારી બહાર પૃ.90 

​                                                                                                                                       ‘મોજ માં રહેવું મોજ માં રેવું’ ગીત ખુબ પ્રખ્યાત છે કવિ એ જલધી મોજ ધરીને ચિતમાં નવ ચિંતા ધરાવતી વાત ‘જલધીમોજ શો’ કાવ્ય માં કરી છે.  

એવું કવિ ગામ ની વિદાય કાવ્ય માં ‘ગામથી વિદાય’ થાય છે ગામ થી  વિદાય વખતે પ્રકૃતિ યાદ આવે છે.

‘’તારી આ માટી,તારું પાણી , હે ગામ મારા !

તારી આ ઝાડવા ની છાયા

એની લાગી છે મને માયા

છોડવા નો’તા એને છોડવા આજે

જાણે હૈયા માં ખેંચાયે છે ચામ ‘’

                                                                બારી બહાર પૃ.94 

મણિલાલ પટેલનું કાવ્ય ‘ ગામ જવાની હઠ છોડી દે’ કાવ્યમાં પ્રકૃતિની માયા આલેખાઈ છે.ગામનું જીવન, પ્રકૃતિ, વૃક્ષો ખેતર,માટી કવિને યાદ આવે છે. કોઈ કારણ જઈ  નથી શકતા માટે દુખી છે. બદલાતું – પરિવર્તનશીલ પર્યાવરણનું આલેખન આ કાવ્યમાં જોવા મળે છે.

“ બન્યો ડેમ ને નદી સુકાઈ 

ગામ જવાની હઠ છોડી દે

ખેતરો,વૃક્ષો ગયાં કપાઈ

ગામ જવાની હઠ છોડી દે”4 

               ‘સૂર્યોદય ‘સોનેટ પ્રભાત ના ઉદય નું કાવ્ય કવિ લઇ ને આવે છે ‘આવ રે મેહુલિયો’ મેહુલિયાને આવવાની અરજ કરે છે-

‘’આવ , મેહુલિયો ! આવ

તને બોલાવે તળાવ , પેલા કુવા ને વાવ રે

પેલી નદીયું ના નીર

એના ફાંટયા જાણે ચીર

એને નવલા તે લ્હેરિયા અપાવ’’

                                                બારી બહાર પૃ.૧૧૩ 

           ‘આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ……. ગુજરાતીના બાળગીત જેવું આ કાવ્ય છે. પ્રકૃતિ છે તો સાહિત્ય છે. ‘વર્ષા’ ગીતમાં વર્ષાના આગમનથી પ્રતિ પરની અસર વર્ણવી છે.

‘’ગીતેએ આભમાં નાચે છે વાદળી

પોઢ્યાં અંકુર સૌ ઊભા થયા

પૃથ્વી પ્રાણના થંભેલા વ્હેણ સૌ

તાલે એ ગીતના વ્હેતા થયાં ‘’

                             બારી બહાર પૃ.114 

                   ‘આયો મેહુલિયો ‘ કાવ્યમાં મેહુલિયાને ‘ઘરતીનો ભઈલો આયો’ નામે સંબોધન કરે છે. વીર પસલીમાં શું લઇ આવ્યો ? લીલુડી સદી, ઝરણાના ઝાંઝર લઇ આવ્યો.

                    ‘થાયે છે થેઈથેઈકાર’ કાવ્યમાં ઘરાને ગગનમાં થેઇથેઇકાર વર્ષાના આગમનથી થઇ રહ્યો છે. ’વરસે અનરાધાર’ માં કવિ વર્ષાના સોન્દાર્યને વર્ણવે છે –

“માઝમ તે રાતના અંધારાં ઘેરાયાને સૂનો પડ્યો છે સંસાર,

એકલ અવધૂત ઓલ્યો ઊભો મેહુલિયો બજવે છે લખલખતાર “

                                      બારી બહાર પૃ.117 

                આ ઉપરાંત ‘કામિની’, ‘શિવલી’,’ વાદળ વિખરાયા’  જેવા કાવ્યમાં પ્રકૃતિનું  આલેખન થયું છે. ‘ઘાસ અને હું’ કાવ્ય નોંધનીય છે. ઝાકળએ રાતનું આંસુ છે, જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી ઘાસનો જ વિસ્તાર છે. કવિ લખે-

‘’થાય છે મારી નજર જાણે હરણ

ને રહે છે ઠેકતી એ ઘાસમાં;

ના છબે છે એક  પળ એનાં ચરણ

સ્પર્શતો એને નહી

ને નજાકત તો ય એની

અનુભવું છું મન મહી!”

                                  બારી બહાર પૃ. ૧૨૩ 

              ગાંધી યુગના સર્જક સુન્દરમ ‘કોણ’ કાવ્ય આપે છે. મનુષ્ય અને પ્રકૃતિ સાથે ઈશ્વરના સંબંધને અભિન્ન ગણાવે છે. પર્યાવરણ કે મનુષ્ય આખરે તો ઈશ્વર થી ટકેલા,વિસ્તરાયેલા છે. કવિ ગાય છે  ‘’ પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત, પુલકિત મુખરિત શ્વાસ” ૫   ઈશ્વર  એ જ પ્રકૃતિ છે.

               મધ્યકાળથી અર્વાચીનકાળ સુધીની કવિતામાં પ્રકૃતિ વેરાયેલી છે.    દુઃખ સાથે કહેવું પડે આજ મનુષ્ય પ્રકૃતિથી દુર થઇ રહ્યો છે. ’THE CECRET’ ફિલ્મમાં પ્રકૃતિના પંચતત્વોથી બનેલા શરીરની વાત કરી છે. પ્રકૃતિ – પર્યાવરણથી દુર થશું તો પરિણામ ભોગવવા ત્યાર રહેવું પડશે. અને મારા શબ્દોમાં કહું તો –

ઝૂકેલા વૃક્ષ અહી લાગે કાં સ્તબ્ધ

એ કેમ કરી બોલે?

મૂળથી ડાળને પૂછાયું

ડાળથી આંસુ લૂછાયું,

હવાને તેજનો વેઠે છે ભાર

એ કેમ કરી બોલે?

સંદર્ભ ગ્રંથો 

૧ ‘પૂર્વાલાપ’ કવિ કાન્ત પૃ.158

૨   ‘વરસોના વરસ લાગે’ મનોજ ખંડેરિયા  પૃ. ૨૦

૩ ‘સમગ્ર કવિતા સંગ્રહ’ જયંત પાઠક પૃ.૮૫ 

૪ ‘વિચ્છેદ’ મણીલાલ પટેલ    પૃ ૨૩

૫ ‘સુન્દરમના ગીતો’ સંપાદક સુધા પંડયા પૃ.૪૪  

સુનિતા બાબુલાલ કણઝરીયા

એ.વી.ડી.એસ. આર્ટસ અને કોમર્સ કૉલેજ, જામજોધપુર