તું જ મારી શક્તિ ને તું જ મારી ચેતના,
તને મમ્મી કહું કે પછી મા
આંખોમાં ભેજ ને ચહેરા પર લાલિમા,
તને મમ્મી કહું કે પછી મા
હાથોના ઝૂલામાં ખોળે ને ખોળિયામાં
કીધું બાળપણ અકબંધ,
લૂ ઝરતી ગરમીમાં, કડકડતી ઠંડીમાં,
ચોમાસે કીધાં જપતપ,
જગમાં કોઈ નહીં આવે તારી જોડમાં,
તને મમ્મી કહું કે પછી મા
તું જ મારી શક્તિ ને તું જ મારી ચેતના,
તને મમ્મી કહું કે પછી મા
તારા આ સાડલાની શીળી શી છાંય
મને છુપાવી લે અંદર,
વાગે છે ઠેસ કે પીડા કોઈ થાય ત્યાં
નીકળે છે એક મંતર,
મારા તો સઘળાં તીર્થ તારાં ચરણોમાં,
તને મમ્મી કહું કે પછી મા
તું જ મારી શક્તિ ને તું જ મારી ચેતના,
તને મમ્મી કહું કે પછી મા
પ્રા.વિજયસિંહ એમ.ઠાકોર (વ્હાલા ઠાકોરજી)