તેતર પક્ષીના કારણે ખોડાયેલા પાળિયા- કિરીટકુમાર ભાસ્કરાય ત્રિવેદી

સૌરાષ્ટ્રની ધીંગીધરા અને તેના ધીંગા માનવીઓની ઓળખાણ સંત, શુરા, અને સતીની કથાઓ દ્વારા જાણી શકાય છે. સૌરાષ્ટ્રના સંબંધમાં એક પ્રાચીન ઉક્તિ છે

सौराष्ट्रे पंचरत्नानी  नदी, नारी, तुरंगमा  

चतुर्थ सोमनाथस्चय, पंचम हरिदर्शनम

          નદી, નારી, અશ્વ, સોમનાથ અને દ્વારકા આ પાંચને સૌરાષ્ટ્રના રત્નો ગણવામાં આવ્યા છે. આજે તો આપણે સતી અને શુરાનાપાળિયાની વાત કરવી છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેટલા પાળિયા જોવા મળશે તેટલા કદાચ પૂરા ભારતમાં જોવા નહીં મળે. સૌરાષ્ટ્રની ધરતી પર જેટલા ધીંગાણા ખેલાયાં છે એટલા ભાગ્યેજ  બીજે ક્યાંક ખેલાયા હશે. આથી જ તો આધુનિક યુગમાં સૌરાષ્ટ્રની ઓળખાણ પાળિયા, છકડો અને ગાંઠિયા દ્વારા કરાય છે. કાઠીયાવાડનાં ગામે ગામ અને ટીંબે ટીંબે પાળિયા જોવા મળે છે. આવા પાળિયાઓ ગૌરક્ષા, સ્ત્રી રક્ષા, ધર્મ રક્ષા, રાજ રક્ષા, ગામ રક્ષા, પશુ પક્ષીઓની રક્ષા ખાતર થયેલા ધીંગાણાઓમાં અનેક જોરાવર આદમીઓએ બલિદાનો આપ્યા અને તેની સ્મૃતિમાં પાળિયાઓ ખોડાયા. કેટલાક ધીંગાણા તો અત્યંત ઊંચા મૂલ્યો માટે લડાયાં હતાં. આવું જ એક ધીંગાણું આજથી થી ૬૦૦ વર્ષો પહેલા પૂર્વે મુળીના પાદરમાં ખેલાયું હતું. એક તેતર પક્ષીના કારણે થયેલાં ધીંગાણામાં ૬૫૦ જેટલા નરબંકાઓ હોમાઈ ગયા હતા. આવા બળુકા આદમીઓની પાછળ તેમની પત્નીઓ પણ સતીઓ થઈ હતી મુળી ગામનું પાદર આવા વીર શહીદોની સ્મૃતિને સાચવીને બેઠું છે.

મુળીના ધીંગાણાની કથાની વાત કરતા પહેલા પાળિયાઓ, ખાંભી વિશે જાણી લઈએ.પાળિયા મૂળ શબ્દ “પાલ” એટલે રક્ષણ કરવું એવો થાય. આમ પાળિયા શબ્દ એટલે રક્ષણ કરનાર એવો અર્થ થાય પહેલાના જમાનામાં પાળ આવતું એટલે ૫૦ થી ૧૦૦ માણસોનું જૂથ ગામને લૂંટવા,ધાડ પાડવા આવતું તે “પાળ” પરથી પાળિયા શબ્દ થયો હશે. પાળિયા એટલે ગાયની રક્ષા, સ્ત્રીની રક્ષા, રાજની રક્ષા, ધર્મની રક્ષા, ગામની રક્ષા માટે નિ:સ્વાર્થભાવે પોતાના પ્રાણની આહુંત્તિ આપનાર વીર યોદ્ધાઓની સ્મૃતિનું પ્રતીક, જ્યારે સતીના પાળિયાએ હેત, પ્રેમ, વાત્સલ્યભાવનું પ્રતીક ગણાય. સ્ત્રીઓ પોતાના પતિ પાછળ, પુત્ર પાછળ, ભાઈ પાછળ,પૌત્ર  પાછળ, પશુ પાછળ  સતી થતી હતી. તેના પણ પાળિયા ખોડાતા હતા.

પાળિયાના સ્વરૂપો અને પ્રકાર જોઈએ તો સામાન્ય રીતે યોદ્ધાઓના પાળિયા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત સતીના પાળિયા, શૂરાપૂરાના, પશુપક્ષીના, ત્રાગાના પાળિયા, ખલાસીઓના પાળિયા, ક્ષેત્રપાળ, ખેતરપાળના પાળીયા, ગધેગાળના પાળિયા, ગૌચરના પાળિયા વગેરે જોવા મળે છે. પાળિયાઓ અશ્વ પર, ઊંટ પર, રથ પર, વહાણ પર કે પગપાળા હોય છે. બંને બાજુ સૂર્ય-ચંદ્રના પ્રતિકો જોવા મળે છે. જ્યારે સતીના પાળિયામાં કાટખૂણે વળેલો આશીર્વાદની મુદ્રા વાળો હાથ જ દર્શાવાય છે. પાળિયાઓ અનેક નામોથી ઓળખાય છે, ખાંભી, પાળિયા, પાવલિયો, ચગો, ઠેસ, લાટ, ચગલીયા, નગલીયા, વૈત્રાં વગેરે ગણાવી શકાય.

પાળિયાએ સાચા અર્થમાં મૃત્યુ સ્મારકો હોવા ઉપરાંત તે વીર પૂજા અને પિતૃ પૂજાના સ્થાનકો છે. ગામની વહુવારુ પાળિયાની માન મર્યાદા જાળવવા લાજ કાઢે છે, જ્યારે પુરુષો પોતાની પાઘડી કે ફેંટાના આંટાઓ છોડે છે. દર વર્ષે ભાદરવી અમાસ અને કાળી ચૌદશે પાળિયાના સ્થાનકે તેઓને નૈવેધ ધરાવાય છે. છેડાછેડી પણ અહીં છુટતી હોય છે પાળિયા ખોડવાની પ્રથાની શરૂઆત વેદકાલીન સંસ્કૃતિમાં થઈ હશે એમ મનાય છે.

જગતમાં ત્રણ પ્રકારના શૂરવીરો જોવા મળે છે. ધર્મ, દ્રવ્ય અને ગજગામિની માટે દેશપર, રાજ્ય પર ચઢાઈ કરી લૂંટફાટ કરી, મંદિરોનો નાશ કરી, સ્ત્રીઓને બળજબરીથી લઈ જઈ જેમાં અનેક નિર્દોષોનું લોહી વહયુ જતું તે પહેલો પ્રકાર, બીજા પ્રકારમાં નોકરી કરતા પગાર લઈને યુદ્ધમાં લડાઈમાં લડનારા શૂરવીરો અને ત્રીજા પ્રકારમાં જેમાં કોઈ પણ લાલચ, લોભ, સ્વાર્થ વગર જનહિત માટે સ્ત્રી રક્ષા, ગૌરક્ષા, ધર્મ રક્ષા, સમાજની રક્ષા, રાજ્ય રક્ષા, જાતી કે સમૂહની રક્ષા માટે, પશુપક્ષીની રક્ષા માટે લડનારા એ ત્રીજા પ્રકારના અતિ મહત્વના લડવૈયા ગણાય. આવા  શૂરવીરોની યાદગીરી હંમેશને માટે કાયમ રાખવા સારું તેમના પાળિયા કરવાનો રિવાજ દેશમાં મધ્યયુગમાં આવ્યો હશે. આમ તો પાળિયા ખોડવાની પ્રથાના સગડ વેદકાલીન સંસ્કૃતિ સુધી જાય છે. સાધારણ યોદ્ધાઓ માટે પથ્થરના પાળિયા કોતરવામાં આવતા હતા અને રાજાઓ, દિવાન, સેનાપતિઓ માટે શીલાસ્તંભો કરવામાં આવતા કાળી ચૌદશના દહાડે  અને ભાદરવી અમાસના દહાડે મરનાર શૂરવીરનો નજીકનો સગો પાળિયા પર સિંદુર લગાડી પૂજા કરે છે નૈવેધ ધરાવે છે. 

સુરેન્દ્રનગર થી ૧૨ કિલોમીટર દૂર આવેલા મૂળી ગામ અને મુળીથી ૨-કિલોમીટરના અંતરે સતી જોમબાઈની દહેરી આવેલી છે. અહીં ૧૪૦ જેટલા પરમાર રાજપુતોના અને ૪૫ જેટલી સતીઓના પાળિયા ખોડાયા હતા. કાળક્રમે અમુક પાળિયાઓ નાશ થતા આજે ૧૦૦ થી  વધુ પાળિયાઓ ઊભા છે.  અહીં સતી જોમબાઈનો  આશીર્વાદ આપતો હાથની આકૃતિનો પાળિયા દહેરીમાં ઉભો છે. તેના પુત્ર મુંજાજી અને અન્ય યોદ્ધાઓ અને સતીઓના પાળિયા હારબંધ ઊભા છે. જોમબાઈના સ્થાનકની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન મુળીના રહેવાસી મહેન્દ્રસિંહ ઉર્ફે બટુકસિંહ નારુભા પરમારે પાળિયાની  વિગતો અને કથાની જાણકારી આપી.

વિક્રમ સવંત ૧૪૭૪ ની સાલમાં કારમો દુકાળ પડતાં પીલુ ગામ, થરપારકરમાંથી જોમબાઈ તેના ચાર દીકરામાંથી લખધીરજી અને મુંજાજીને લઈને અન્ય સોઢા પરમાર રાજપુતોના કુટુંબ કબીલા સાથે કચ્છનું રણ વટાવી પાંચાલભૂમિ પર ઉતર્યા.

કંકુવરણી ભોમકા, સર્વો સાલેમાળ,

નર પટાધર નીપજે, ભોયં દેવકો પાંચાળ.

 અહીં મુળી ગામમાં નદીના પટમાં પડાવ નાખ્યો મોટો પુત્ર લખધીરજી ગામમાં પડાવ નાંખવા માટે વઢવાણના રાજા વિસલદેવ વાઘેલાની રજા લેવા ગયા. બંને વચ્ચે પ્રીતિ બંધાણી અને વાઘેલા રાજાએ લખધીરજીને રોજ ચોપાટ રમવા વઢવાણ દરબારગઢ આવવાનું વચન માંગ્યું. લખધીરજી રોજ ચોપાટ રમવા દરબારગઢમાં આવતા હોવાથી વાઘેલાની ચભાડ કુટુંબની રાણીના મનમાં કોઈએ ઝેર રેડ્યું. આ લખધીરજીની બહેન જોડે વાઘેલા પરણશે ત્યારે તમારા માથે શોકય આવશે. આથી રાણીએ ષડયંત્ર રચી ૫૦૦ થી વધુ પોતાના કુટુંબના ચભાડ રાજપુતોને ઉશ્કેરીને પરમારોના પડાવ પરથી ઉચાંળા ભરવા મોકલ્યા. નદીના પટમાં પરમારોના પડાવ પર સતી આઈ જોમબાઈની મહેર છે. સતી જોમબાઈ પૂજામાં બેઠા છે. તેવામાં ચભાડ રાજપુતોએ પરમારોને ઉશ્કેરવા  માટે તેતર પક્ષીને તીર મારી ઘાયલ કરીને પરમારો પડાવ તરફ ધકેલ્યું. ઘાયલ તેતર જોમબાઈના પૂજાના સ્થાનમાં ભરાઈ ગયું. જોમબાઈએ ઘાયલ તેતરને છાતી સરસુ ચાંપતા તેને ટાઢક વળી. થોડીવારમાં તો તેતરના બહાને ચભાડ રાજપુતોએ તોફાન મચાવ્યું. તેતર અમારો છે તે અમને સોંપી દયો. જોમબાઈએ રાજપુતોને અને ક્ષત્રિયનો આશરાનો ધર્મ સમજાવ્યો પણ તે માન્યા નહિ.

શરણ ગયો સોંપે નહીં, રાજપૂતાંરી રીત,

મરે તોય મેલે નહીં, ખત્રી હોય ખચીત.

ચભાડો તેતર પક્ષી લેવા માટે ધીંગાણું કરવા તૈયાર થતાં જોમબાઈએ નાના પુત્ર મુંજાજીને હાકલ કરી. મોટો પુત્ર લખધીરજી તો દરબારગઢમાં ચોપાટ રમવા ગયેલ. નાનો પુત્ર મુંજાજી જોમબાઈના પેટમાં હતો ત્યારે જોમબાઈના ઘરવાળા મોટા ગામતરે ગયેલ. અપરણિત મુંજાજી પોતાના અન્ય રાજપૂતો સાથે ધીંગાણે ચડવા તૈયાર થયો. જોમબાઈએ આશીર્વાદ આપ્યા, “જા બાપ ફતેહ કર”.

વિક્રમ સંવત ૧૪૭૪, ફાગણ માસ શુક્લ પક્ષને ત્રીજને શનિવારે  એક તેતર પક્ષીના કારણે ચભાડ રાજપૂતો અને પરમારો વચ્ચેના ધીંગાણામાં ૫૦૦ જેટલા ચભાડ રાજપૂતો કામ આવી ગયા અને પરમારના પક્ષે ૧૪૦ જેટલા પરમારો  અને અન્ય જ્ઞાતિના માણસો કામ આવી ગયા. મુંજાજી પણ કામ આવી ગયા. પુત્ર મુંજાજીના શબને ખોળામાં રાખી જોમબાઈ ત્યાં સતી થયા.  અહીં માતા અને પુત્ર બંનેનો પાળીયો છે, અહીં ૪૫ જેટલા સતીઓના પાળીયાઓ પણ છે. એક તેતરના કારણે મૂંજો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવાવેંત  ઊંચી ચડી.

આ સ્થાનમાં ખોડાયેલા ૧૪૦  પરમારના પાળિયાઓ પૈકી,

૪૫-     પરમારોના પાળિયા,                          ૨૪-  ઘેડ શાખાના રાજપુતોના પાળિયા, 

૨૦-     ખેર મસાણી રાજપુતોના પાળિયા,            ૧૨-    ભાટી રાજપુતોના પાળિયા,

          ૭-       સુતાર જ્ઞાતિના પાળિયા,                      ૫-       પટેલ જ્ઞાતિના પાળિયા,

          ૩-       રત્નું શાખાના ગઢવી ચારણના પાળિયા

          ૮-       અન્યવરણ, દરજી, કુંભાર, વસવાયા વગેરેના પાળિયા

          ૧૬-     છાવણીના સિપાઈઓના પાળીયા અને

          ૪૫     જેટલી સતીઓના પાળિયા ખોડાયા હતા.

એક તેતર પક્ષીને બચાવવા માટે આવો મોટો હત્યાકાંડ  કાઠિયાવાડની ધરતી પર જ  થાય. આ ધીંગાણું તે સમયમાં આશરાનો ધર્મ કેટલો મહાન હતો, તે સમજાવે છે દરેક જીવો પર દયાભાવ પ્રેમ રાખવો. એક તેતર પક્ષીના કારણે ૬૪૦ જેટલા નરબંકાઓ ખપી ગયા અને તેની પાછળ ૪૫ જેટલી સ્ત્રીઓ સતીઓ થઈ. લગભગ ૭૦૦ માણસો તેતર પક્ષીને બચાવવા માટે શહીદ થયા આવી જ એક ઘટના જામનગર પાસે મણવર નદી નજીક એક નીલગાયને ખાતર સાત વીસનું સાત (૧૪૭) જેટલી ચારણ કુંવારી કન્યાઓ સતી થઈ હતી. પાળિયાની કથા સેવા, સમર્પણ, કરુણા અને વફાદારી જેવા માનવ મૂલ્યોનું મહત્વ સમજાવે છે. એક તેતર પક્ષીના કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી. આ સોઢા પરમારો માંડવરાય-સૂર્યદેવના ઉપાસક હોવાથી મુળી ગામમાં માંડવરાયનું વિશાળ મંદિર છે.

          ઝવેરચંદ મેઘાણી લખે છે “ચેહ ખડકાવીને માતાજી દીકરાનો શબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળીયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળીયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે. મા અને ભાઈને સ્વર્ગ વળાવીને લખધીરજીએ એ ઠેકાણે ગામ બાંધ્યું એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કરેલી. એનું નામ મૂળી હતું મુળીની મમતાથી  પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. એ મૂળી સોઢા પરમારોની રાજધાની બની ગઈ.

સંદર્ભસૂચિ

(૧)      ભાગું તો ભોમકા લાજે. સંપાદક : જયમલ પરમાર પ્રવીણ પુસ્તક પ્રકાશન, પ્ર. આ. ૧૯૯૪

(૨)      ગુજરાતી, ઓક્ટોબર ૧૯૧૬ અંક “ગુજરાતના છૂટાછવાયા ઐતિહાસિક લેખ”          છગનલાલ        વિધારામ રાવળ

(૩)      સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૨, ઝવેરચંદ મેઘાણી પ્રસાર ભાવનગર, પમી આવૃત્તિ, ૧૯૪૭

(૪)      સૌરાષ્ટ્રનો મધપૂડો. સ્વામી સચ્ચિદાનંદ, ગુર્જર સાહિત્ય રત્ન ભંડાર, અમદાવાદ પ્ર.આ., ૨૦૧૨(૫) માહિતી દાતા મહેન્દ્રસિંહ નારુભા પરમાર-મુળી મોબાઈલ નંબર 73 59 84 73 03

સારસંક્ષેપ

પાળિયા ખોડવાની પ્રથા વેદકાલીન સંસ્કૃતિ સાથે સબંધ ધરાવે છે. સૌરાષ્ટ્ર એ સંત, સતી અને શુરાની ભૂમિ છે.આંખની ઓળખાણ વગર નિ:સ્વાર્થ ભાવે ગૌ, સ્ત્રી, ધર્મ, રાજ, ગામ, જાતિના રક્ષણ માટે શહીદ થઈ ગયેલા નરબંકાઓને સ્મૃતિને કાયમ રાખવા માટે પાળિયાઓ ખોડાય છે. સૂર્ય ચંદ્રના પ્રતિકવાળા પાળિયાઓ અશ્વ, ઊંટ, રથ,વહાણ કે પગપાળા હોય છે. સ્ત્રીઓ પોતાની શીલની રક્ષા માટે, પુત્ર પાછળ, પતિ પાછળ, ભાઈ પાછળ,પૌત્ર પાછળ, પશુ પાછળ સતી થતી હતી. સતીના પાળિયામાં કાટખૂણે વળેલો આશીર્વાદ આપતા હાથની આકૃતિ હોય છે. પાળીયાએ વીર પૂજા અને પિતૃ પૂજાના પ્રતિકો છે.

થરપારકરથી આવેલા સોઢા રાજપૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામના પાદરમાં પડાવ નાખ્યો.લખધીરજી દરબારગઢ ચોપાટ રમવા આવતા વાઘેલાની ચભાડ રાણીના કાનમાં કોઈએ ઝેર રેડ્યું. તેતર પક્ષીને ઘાયલ કરી સોઢા પરમારોના પડાવ તરફ ધકેલી તોફાન મચાવ્યું. આઈ  જોમબાઈએ ક્ષત્રિયનો આશરાનો ધર્મ સમજાયો પણ ચભાડો માન્ય નહિ  અને ધીંગાણું થયુ. તેતર પક્ષીના કારણે ૫૦૦ ચભાડ રજપૂતો, ૧૪૦ સોઢા પરમારો ખપી ગયા, તેની પાછળ ૪૫ સ્ત્રીઓ સતીઓ થઈ. આજે સોઢા પરમાર અને સતીઓના ૧૦૦ થી  વધુ પાળિયાઓ ઊભા છે. આઈ જોમબાઈ પુત્ર મુંજાજી પાછળ સતી થયા તે માતા પુત્રનો પાળિયા  ઊભો છે. એક પક્ષીના કારણે આવો મોટો હત્યાકાંડ કાઠિયાવાડમાં જ થાય. સેવા, સમર્પણ, બલિદાન, નેક-ટેક, વફાદારી જેવા માનવ મુલ્યોનું મહત્વ આ પાળિયાની કથા સમજાવે છે આ સ્થાન જાગૃત છે અહીં માતાઓ ધાવણ ન આવતું હોય તો તેની માનતા રાખે છે.

કિરીટકુમાર ભાસ્કરાય ત્રિવેદી, પી.એચ.ડી.સ્કોલર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023