મોજની ખોજ…

– ભરત વાઘેલા

ગમતી મીઠી ગોઠડી હતી, અલ્લક દલ્લક રમત્યું હતી, બાળપણાની મોજ,

આજ ફરીથી ગામડે હાલ્યો કરવા એની ખોજ.

ડુંગર ખેતર ફરવા જાતા,ભાડિયા કૂવે તરવા જાતા,

શીંગ ચણાને ગોળનું ઢેફું,એક બીજાનું લઇને ખાતા.

હોય અબોલા તેમ છતાંયે એકબીજાની હાંક સૂણીને, નિકળી જાતી ફોજ.

આજ ફરીથી ગામડે હાલ્યો કરવા એની ખોજ. 

સાંજ પડેને ગામનાં ચોરે, ગામ આખાની ખબરું લેતા, 

કોઇનાં હાથે લાકડી તોયે કોઇ કદી ના કોઇનો નેતા.

કોઇને ખભે ઉંચકી લેતા, કોઇના ખભે બેસી જાતા, કોઇનો નો’તો બોજ,

આજ ફરીથી ગામડે હાલ્યો કરવા એની ખોજ. 

*

નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી,

સોબતી વિના ડુંગર ખેતર લઇ ગ્યા મને એકલો તાણી.

એ બધું તો ત્યાંનું ત્યાં છે, હું નથી બસ ગામડે મારા, જડતી નથી મોજ,

આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ.  –ભરત વાઘેલા