લેખ: ૩. મેઘાણીની નવલકથાઓમાં વિષયવૈવિધ્ય : ડૉ. વંદના બી. રામી

ગાંધીજીના જીવનકાળ દરમિયાન જેમના જન્મ – મૃત્યુ થયા છે તે ઝવેરચંદ મેઘાણી, જીવન અને સાહિત્ય સર્જન ઉભયમાં પૂર્ણતયા: ગાંધીયુગીન રહ્યા છે. બાપુની માફક એમણે પણ શબ્દ અને શ્વાસને એક રાખ્યા છે. ઈ.સ.૧૯૩૨ માં તેમણે `ફૂલછાબ’ સાપ્તાહિક શરુ કર્યું. અને એમની નવલકથાલેખનની પ્રવૃત્તિ આરંભાઈ.

`સત્યની શોધમાં’ એ અમેરિકન લેખક અપ્ટન સિંકલેરની `સેમ્યુઅલ ધ સીકર’ નામક કૃતિનો આધાર લઈ રચાયેલી નવલકથા છે. આમ નવલકથા લેખનમાં એમનો પ્રથમ પ્રયત્ન તે અનુવાદિત નવલકથા. તો `બીડેલાં દ્વાર’ પણ સિંકલેરની બીજી કૃતિ `એ લવ્જ પિલ્ગ્રિમેજ’ માં આરંભના પ્રકરણોમાંથી વસ્તુ લઈ જન્મભૂમિ માટે રચાઈ.

ઝવેરચંદ મેઘાણીની પ્રથમ મૌલિક નવલકથા તે ઈ.સ.૧૯૩૬ માં રચાયેલી `નિરંજન’, ત્યારબાદ ઈ.સ.૧૯૩૭ થી ઈ.સ.૧૯૪૪ ના સમયગાળા દરમિયાન `સોરઠ તારા વહેતા પાણી’, `વસુંધરાના વ્હાલાં દવલા, `અપરાધી’, `સમરાંગણ’, `રા’ગંગાજળિયો’, `બીડેલાં દ્વાર’, `વેવિશાળ’, `તુલસીક્યારો’, `ગુજરાતનો જય ભાગ-૧,૨’, `પ્રભુ પધાર્યા’ વગેરે છે.

ઈ.સ.૧૯૪૬ માં તેઓ `કાળચક્ર’ નો આરંભ કરે છે પરંતુ, તેમનું અકાળે અવસાન થતાં આ કૃતિ અધૂરી જ રહી ગઈ. મેઘાણીએ લગભગ ૧૩ જેટલી નવલકથાઓ આપી છે. આ કૃતિઓમાં – માનવીય પ્રશ્નો, અને પરિસ્થિતિનો વ્યાપ, વિષયવૈવિધ્ય નવાઈ પમાડે તેવાં છે. નવલકથાના પ્રકારોને ધ્યાને લઇ તેમની કૃતિઓને વહેંચીએ તો,

(૧) `સત્યની શોધમાં’, `અપરાધી’, `વસુંધરાના વ્હાલાં દવલા’, અને `બીડેલાં દ્વાર’ – આ ચાર કૃતિઓ આમ તો સામાજિક નવલકથાઓ ગણાય, પરંતુ એના પ્રેરણાસ્ત્રોત અંગ્રેજી નવલકથાઓમાં રહેલા છે. તેમણે મૂળ કૃતિમાં ફેરફાર કરી, તેનું રૂપાંતર કરી નવું નામ આપેલ છે.

(૨) `સમરાંગણ’, `રા’ગંગાજળિયો’, `ગુજરાતનો જય ભાગ-૧,૨’ – આ નવલકથાઓને આપણે ઐતિહાસિક ગણીશું.

(૩) `નિરંજન’, `વેવિશાળ’, અને `તુલસીક્યારો’ – આ ત્રણ સ્વતંત્ર અને મૌલિક કથાવસ્તુ ધરાવતી સામાજિક નવલકથાઓ છે.

(૪) `સોરઠ તારા વહેતા પાણી’, `પ્રભુ પધાર્યા’, અને `કાળ ચક્ર’ (અપૂર્ણ) – આ ત્રણ તેમની પ્રાદેશિક નવલકથાઓ છે.

`સત્યની શોધમાં’, `અપરાધી’, `વસુંધરાના વ્હાલાં દવલા’, અને `બીડેલાં દ્વાર’ આ ચારેય કૃતિઓમાં મેઘાણીએ અંગ્રેજી નવલકથાઓમાંથી વિષયવસ્તુ લઈને પોતાની રીતે નામ-ઠામ બદલીને રચેલી કૃત્તિઓ છે. `સત્યની શોધમાં’ એ સિંકલેરની કૃતિ `સેમ્યુઅલ ધ સીકર’ પરથી રચાયેલી છે. ગામડાના એક ખેડુ યુવાન શામળના લક્ષ્મીનગરના જાતઅનુભવની કથા નિમિત્તે સર્જકે શોષક અને શોષિત વર્ગની કથા આલેખી છે. એક બાજુ `નંદનવન’ નિવાસી દિનુભાઈના વૈભવ-વિલાસને વ્યભિચાર આલેખાયા છે. તો બીજી બાજુ તેજુ નામક મજૂરી કરતી સ્ત્રીની બદનસીબી આલેખાઈ છે.ગ્રામીણ યુવાન શામળ અને શ્રીમંત પુત્રી વિનોદિની વચ્ચેની પ્રણયલીલા, બદમાશ બબલાની અંધારી દુનિયાનો રઝળપાટ, અને દિનુભાઇની મોજ મસ્તી ભરેલી દુનિયા – આ વૃત્તાતોના નિરૂપણમાં ઘેરી ઊર્મિલતા અને ઘટનાઓની અતિશયતા જોવા મળે છે.

તો `વસુંધરાના વ્હાલાં દવલા’માં વિક્ટર હ્યુગોની `ધ લાફિગ મેન’ કૃતિની પ્રેરણા રહેલી છે. કથાના ઉત્તરાર્ધમાં આવતું મદારીનું પાત્ર ઘણું વિલક્ષણ છે. નીચલા થરના ઉપેક્ષિત માનવીઓનો તે પ્રવક્તા છે. તેમણે હ્યુગોની કૃતિમાંથી મદારી, હોઠકટ્ટો બાળક, અને આંધળી છોકરી – એ ત્રણ પાત્રોની કથા ઉપાડીને અંતિમ ભાગ મેઘાણીએ પોતાની રીતે રચેલો છે. અહીં તેમની વર્ગ સભાનતા પ્રખરપણે જોવા મળે છે.

તો `બીડેલાં દ્વાર’ પણ સિંકલેરની જ બીજી કૃતિ `અ લવ્ઝ પિલ્ગ્રિમેજ’ ની કથાને આધારે રચાઈ છે.આ કથાના પૂર્વાર્ધમાં સર્જકે નાયક અજીત અને તેની સાથે સ્નેહલગ્નથી જોડાયેલી કલાકાર પ્રભા – આ દંપતીનું જાતીય જીવન, પ્રભાની પ્રસૂતિ વગેરે જેવી ઘટનાઓ આકાર પામી છે. તો ઉત્તરાર્ધમાં સર્જકે આ દંપતીના જીવનમાં સર્જાતા સંઘર્ષને આલેખ્યો છે. નવજાત બાળક માટેનો પ્રેમ દિનપ્રતિદિન ઓછો થતાં પતિ-પત્ની બંને જીવનની કઠોર વાસ્તવિકતા સામે અથડાય છે. પૂર્ણ નિષ્ઠા કેળવીને તે પોતાના વ્યક્તિત્વની અખિલાઈ જાળવવા મથે છે.

`અપરાધી’ અંગ્રેજી સાહિત્યકાર હોલ કેઈનની `ધ માસ્ટર ઓફ મેન’ કૃતિનું રૂપાંતર છે. મેઘાણીએ આ કૃતિની રચનામાં મૂળ અંશોનો છેદ ઉડાડી કેટલાક કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ ઉમેરી કૃતિને આકાર આપ્યો છે. કથાના કેન્દ્રમાં ન્યાયાધીશ શિવરાજના જીવનમાં એક મોટી નૈતિક સમસ્યા સર્જાય છે. જે તેના જીવનમાં સંઘર્ષ જન્માવે છે. ન્યાયાધીશને અજવાળી નામક નીચલા થરની સ્ત્રી સાથે આડા સંબંધ હોય છે. એ સંબંધને પરિણામે એ સ્ત્રી સગર્ભા બને છે. અજવાળી પોતાનું પાપ ઢાંકવા બાળકની હત્યા કરી નાખે છે. વિધિની વક્રતા આવી બને છે કે અજવાળીએ કરેલા આ અપરાધનો કેસ એ જ ન્યાયાધીશની અદાલતમાં ચાલે છે. ન્યાયાધીશનું અંતઃકરણ આ વાતને સ્વીકારે છે. પણ જાહેરમાં નોકરી જવાના ભયથી સ્વીકારવા તૈયાર નથી. પણ થાકી હારીને કથાને અંતે ન્યાયધીશ શિવરાજ પોતાનો અપરાધ જાહેરમાં સ્વીકારી લે છે. અને આમ અંત:કરણનો અવાજ વિજયી બને છે.

મેઘાણીની ઐતિહાસીક નવલકથાઓની વાત કરીએ તો `રા’ગંગાજળિયો’ (ઈ.સ.૧૯૩૯) માં ગુજરાતના ઈતિહાસની પાર્શ્વ ભૂમિ પર સોરઠી ઇતિહાસની ગાથા વર્ણવવાનો સર્જકનો પ્રયાસ છે. અહીં રા’માડળિકના નૈતિક અધઃપતનની કરુણકથા છે. પ્રતાપી માંથી કામ વાસનાનો ભોગ બની, અપ્સરાઓ પાછળ ઘેલો બની, ધીમે ધીમે કેવો પાપ કાર્યોમાં જોતરાય છે તેનું મેઘાણીએ સરસ આલેખન કર્યું છે. તેમાં વીજલ રાજા, હમીરજી ગોહિલનો ભીલપુત્ર, ચારણ ભૂથો રેઢ અને નરસિંહ મહેતાના વૃતાંતોને પણ સાંકળી લીધા છે. કૃષ્ણભક્તિમાં લીન નરસિંહ મહેતાના જીવનમાં કસોટીના જે પ્રસંગો આવ્યા હતા તેને પણ મેઘાણીએ બુદ્ધિગમ્ય રીતે આલેખ્યા છે. આમ `રા’ગંગાજળિયો’ એક કરુણકથા છે.

`સમરાંગણ’ માં મુખ્યત્વે ત્રણ કથાઓ છે. (૧) જોમાબાઈ અને નાગડોજીની (૨) સતા જામની અને (૩) સુલતાન નહનૂ મુઝફ્ફર. અહીં તેમણે ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહનો ઇતિહાસ વણી લીધો છે.એક ચારણી ટુચકાથી આ કૃતિનો સર્જકે ઉઘાડ કર્યો છે. અને એક સ્ત્રીહૃદયની જીતથી કથાનો અંત આણ્યો છે. અહીં `જોરારનો’, અને `ભુચરમોરી’ એવા બે લોકકથાના વૃતાંતો સર્જકે ગૂંથ્યા છે. ઉમરાવો અને ઉલેમાઓ વચ્ચેની હુંસાતુસી, મુજફ્ફરનું ખરેખર સુલતાન પદુ દાખવવું વગેરે આનંદદાયક પ્રસંગો છે. તો જોમાબાઈ – નાગડોશીના છૂપાવેશે થતા પરિભ્રમણો, રાજુલ- નાગડોજીની પ્રણયકથા, સરાણિયાની પુત્રી અને નહનૂની ઘટનાઓ અહીં આકર્ષક રજૂઆત પામ્યા છે.

`ગુજરાતનો જય’ માં વસ્તુપાલ અને તેજપાલે પોતાની શૂરવીરતાથી વેરવિખેર બની ગયેલા ગુજરાતને સ્થિર કરી જે ચક્રવર્તી શાસન મેળવ્યું તેની કથા છે. લવણપ્રસાદની પ્રણય કથા, વીરધવલનો અજ્ઞાત વેશે ઉછેર અને રાજ્યારોહણ, કુંઅરબાઇની પ્રણયકથા, તેમના પુત્રો વસ્તુપાલ અને તેજપાલની વિદ્યાપ્રાપ્તિ, મંત્રી પદ માટેની યોગ્યતા, બંનેની રણસંગ્રામમાં સિદ્ધિ, અને આબુમાં ચૈત્યસ્થાપના – આમ પાત્રોના જીવનને આલેખતી આ કૃતિ વિશાળ ફલક પર પથરાયેલી છે. વસ્તુપાલ અને તેજપાલના ચરિત્ર નિર્માણમાં મેઘાણીની કલમ સફળ સાબિત થાય છે. તો કુંઅરબાઇ અને અનુપમાદેવી જેવી સ્ત્રીઓ પણ મેઘાણીની કલમે તેજસ્વી અને જાજરમાન આલેખાઈ છે.

જો મેઘાણીની સામાજિક નવલકથાઓની વાત કરીએ તો `નિરંજન’ એ તેમની પ્રથમ સ્વતંત્ર કથાવસ્તુવાળી સામાજિક નવલકથા છે. કોલેજ શિક્ષણ લેતો કથાનાયક નિરંજન શહેરની કોલેજમાં અભ્યાસ કરવા આવ્યો ત્યારથી જ તેને વિષમ સંજોગોનો સામનો કરવો પડે છે. એક બાજુ પોતાની બહેન રેવાના વિવાહ નક્કી થતાં તેને ગામના દિવાનની ઓછું ભણેલી કન્યા સરયૂનો સ્વીકાર કરવો પડે તેમ છે. તો બીજી બાજુ કોલેજ અભ્યાસ દરમિયાન ખુબ જ સુંદર અને તેજસ્વી સુનિલાને તે ચાહવા લાગે છે. પરંતુ સુનિલા તેને છોડી બીજ વર સાથે ઘર માંડે છે. એટલે છેવટે નિરંજન માટે સુનિલા તો સ્વપ્નકન્યા જ બની રહે છે. અહીં શિક્ષણ સંસ્થામાં જોવા મળતાં અનિષ્ટોનું સર્જકે ધારદાર આલેખન કર્યું છે.

`તુલસીક્યારો’ એ તેમની નવલકથા સર્જનશક્તિનો ઉત્કૃષ્ટ આવિર્ભાવ છે. એની કથાના કેન્દ્રમાં પ્રાધ્યાપક વીરસુતના બીજીવારના લગ્ન અને એમાંથી જન્મથી કરુણતા છે. પોતાના જ મિત્ર ભાસ્કરના કહેવા અનુસાર વિરસુત, કંચન નામની યુવતી સાથે બીજા લગ્ન કરે છે. પણ કંચન સ્વતંત્રતાના નામે અન્ય પુરુષો સાથે સંબંધ બાંધે છે. પરિણામે પર પુરુષના સંબંધે તે સગર્ભા બને છે. સર્વપુરુષોથી ત્યાજ્ય, અપરાધી, નિરાધાર કંચનને છેવટે તેના સસરા સોમેશ્વર, અને જેઠાણી ભદ્રા આવકારે છે. તેની પ્રસૂતિમાં સહાય કરે છે. અને પરપુરુષના સંબંધે જન્મેલા સંતાનને પ્રેમપૂર્વક અપનાવે છે. આમ મૂળસોતાં ઉખડી ગયેલા કંચનના જીવનને ફરી આ કુટુંબમાં એટલે કે `તુલસીક્યારા’ માં નવજીવન મળે છે. નવા યુગના શિક્ષિત સ્ત્રી – પુરુષો સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદી બની પોતાનો જ જે રીતે વિનાશ નોતરે છે, તેનું કરુણ આલેખન આ કૃતિમાં થયેલું છે.

`વેવિશાળ’માં મેઘાણીએ સામાજિક સમસ્યાકથા રચી છે. તેમાં માનવીય સંવેદનાના સ્તરોને તમણે ખુલ્લા કર્યા છે. સૌરાષ્ટ્રના બે કુટુંબોના સંતાનો વચ્ચે ગોઠવાયેલો વિવાહસંબંધ આગળ જતાં આર્થિક કટોકટીને કારણે કસોટીએ ચઢે છે. સુશીલા અને સુખલાલના વિવાહને ફોક કરવા અપનાવેલી યુક્તિ – પ્રયુક્તિઓ, ઘેલીબાના સંસ્કાર પામેલી, અને પોતાની સંસ્કૃતિને પારખનારી સુશીલા સુખલાલને જ પરણે છે. આમ `વેવિશાળ’ એ સંસ્કાર મૂલ્યો, અને શહેરમાં વસી રાતોરાત ધનવાન થયેલા, તેમજ નવા મૂલ્યોમાં ઘેલા બનેલા, પરંપરાને આંચકા આપનારા, નવા – જૂનાં મૂલ્યોની સંસ્કારકથા છે.

મેઘાણીની પ્રાદેશિક નવલકથાઓમાં ‘સોરઠ તારા વહેતા પાણી’ એ ઉત્તમ કોટિની પ્રાદેશિક નવલકથા છે. એમ કહી શકાય કે વહેતા પાણી જેવી નવલકથા છે. અને એ વહેતું પાણી છે સોરઠનુ. અહીં પહેલા જ પ્રકરણમાં મહીપતરામ આખા કુટુંબને, માંદી દીકરી સાથે ગાડામાં બેસાડી નીકળે છે, ને એકલે હાથે પસાયતાને પોતાની મર્દાનગીનો પરચો બતાવે છે. રૂખડ શેઠનો કાના પટેલની હત્યા કરવાનો નિર્ણય, કાના પટેલની હત્યા, રૂખડ શેઠનું સામે ચાલીને પોલીસ ચોકીમાં હાજર થવું, ગૌચરની જમીન માટે પટગરે થાણેદારની કરેલી હત્યા, સિપારણનું બહારવટે ચડવું,વાંશિયાગની હત્યા,મહીપતરામનું ઝુલેખાને મળવું, બહારવટિયાઓને ઝેર આપી મારી નાખવાનું કાવતરું – વગેરે જેવી અનેક ઘટનાઓની ઘટમાળ રચાય છે. કેટકેટલા માનવીઓના નાના-મોટા વૃતાંતો અહીં ગૂંથાયા છે. સોરઠનાં બહારવટાની રોમાંચક્તા પણ અહીં જોવા મળે છે.

          `પ્રભુ પધાર્યા’ એમાં બ્રહ્મદેશના સામાજિક જીવનનું ચિત્રણ છે. ત્યાં જઈ વસેલા હિન્દીઓ અને ત્યાંના સ્થાનિક બર્મીઓ વચ્ચેના સંબંધો, વ્યવહારોને વર્ણવવાનો સર્જકનો અહીં ઉદ્દેશ છે. એક બાજુ ડૉ. નૌતમ, શિવ શંકર અને રતુભાઈ જેવા હિન્દી પાત્રો ધ્યાન ખેંચે છે. તો બીજી બાજુ નીમ્યા નામની બર્મી સ્ત્રીના દાંપત્યની કથા એક અલગ જ વૃત્તાંત તરીકે ધ્યાનપાત્ર બની છે. આ કૃતિ પાછળનો સર્જકનો ઉદ્દેશ આપણી પડોશી પ્રજાના જીવનના આંતરપ્રવાહોને પ્રકાશિત કરવાનો, અને હિન્દીઓ સાથેના તેમના વ્યવહાર પર પ્રકાશ પાડવાનો છે. બર્મી પ્રજામાં `ફૂગીઓ’ તરીકે ઓળખાતા બૌદ્ધ સાધુઓના અસાધારણ સ્થાનને પણ સર્જકે પ્રગટ કર્યું છે. `તઘુલાનો ઉત્સવ’, `મૃત્યુનો ઉત્સવ’, અને `તધીન્જો’ જેવા પ્રકરણોમાં નિર્મિત મનોહર ચિત્રોમાં મેઘાણીની આગવી કથનશૈલીનો પરિચય મળે છે.

`કાળચક્ર’ એ તેમની અધૂરી રહેલી નવલકથા છે. તેમાં સર્જક સૌરાષ્ટ્રના લોકજીવનમાં નવા યુગના પ્રારંભમાં, અને ખાસ સત્યાગ્રહના આંદોલન પછી જે પરિવર્તનો આવ્યા તેનું આલેખન કરવા ઈચ્છતા હોય તેવું લાગી રહ્યું છે. કમનસીબે મેઘાણીના અકાળ અવસાને આ કૃતિ પૂર્ણ ન થઈ શકી.

આ મેઘાણીની તમામ નવલકથાઓને અવલોકતા સમજાય છે કે તેમને રોચક વૃત્તાંતોને સ્વતંત્રપણે ખીલવવામાં વધુ રસ પડે છે. ઇતિહાસ, સામાજિકતા, પ્રાદેશિકતા, લોકસાહિત્યમાંથી જે કાંઈ સામગ્રી તેમણે લીધી તેના સંવિધાનમાં એક સુંદર કલાકૃતિ રચવાનો તેમનો પ્રયાસ જણાઈ આવે છે. કેટલીક નવલકથાઓમાં તેમણે મુખ્ય વૃત્તાંત સાથે બીજા અનેક ગૌણ વૃતાંતો પણ ગૂંથ્યા છે. તેમણે ઘણી બધી નવલકથાઓ તેમના પત્રકારત્વના વ્યવસાય નિમિત્તે લખેલી. એ પૈકીની કેટલીક પ્રથમ ધારાવાહિક પ્રકરણો રૂપે જન્મેલી. એટલે તેમની કૃતિઓમાં ક્યાંક કથાના અંશો તૂટતા, ખૂટતા, કે જોડાતા – અનેક મર્યાદાઓ સાથે જોવા મળે છે. એમાં નાની-મોટી મર્યાદાઓ હોવા છતાં એ કૃતિઓ રચવા પાછળ તેમની સમાજનિષ્ઠા અને ઊંડી નિસ્બત જોવા મળે છે. સોરઠી લોકજીવનના માનવીઓની કથા આલેખવી, તેમના પ્રશ્નો ધારદાર રીતે રજૂ કરવા એ જ સર્જકની નિસ્બત રહી છે. સોરઠની ધરતી અને સોરઠી લોકજીવનનો ધબકાર ઝીલવામાં તેમની પ્રતિભા સોળે કળાએ ખીલી ઉઠે છે. એ જ મેઘાણીની સફળતા છે.

  • ડૉ. વંદના બી. રામી

મદદનીશ પ્રાધ્યાપક, શ્રી આર. આર. લાલન કોલેજ, ભુજ.

મો; +91-9924818600

Email: drvandanarami@gmail.com