સાહિત્ય અને માનવજાતિ વચ્ચે એક અનોખો સંબંધ રહેલો છે. માણસ એક સામાજિક પ્રાણી છે. પણ તે ભાષાના અને સંસ્કૃતિના કારણે અન્ય પ્રાણીઓથી અલગ પડે છે. તેની વિચારવાની અને ભાષાની શક્તિ ના કારણે સાહિત્યનો ઉદ્દભવ થયો એમ કહી શકાય. સાહિત્ય એ કોઈકને કોઈક રીતે માનવજીવન સાથે જોડાયેલું જોવા મળે છે. સીધી કે આડકતરી રીતે પણ સાહિત્યમાં માનવજીવનની ઝાંખી જોવા મળે છે. માનવજાતિના સાંસ્કૃતિક ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો વિકસિત રાષ્ટ્રોની પ્રજાઓમાં ત્રણ પ્રકારની સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હતી. એક ભદ્ર સંસ્કૃતિ, બીજી લોકપ્રિય સંસ્કૃતિ અને ત્રીજી લોકસંસ્કૃતિ. આ ત્રણ જાતની સંસ્કૃતિના કારણે ત્રણ જાતના સાહિત્યો પણ વિકાસ પામ્યા. ભદ્રસાહિત્ય, લોકપ્રિય સાહિત્ય, અને લોકસાહિત્ય. માનવજાત જ્યારથી એકબીજા સાથે વિચાર -વાણી અને ભાષા દ્વારા આદાન – પ્રદાન કરવા લાગી ત્યારથી સાહિત્યનો વિકાસ થયો છે. પરંતુ તે સાહિત્ય બે વિભાગમાં વિભાજીત થઈ જાય છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય. જે સાહિત્ય લિપિ દ્વારા ગ્રંથોમાં સંગ્રહાયેલું તે સાહિત્ય શિષ્ટસાહિત્ય અને જે વિવિધ જંગલો માં વસવાટ કરતી આદિજાતિઓ શિક્ષણનાં અભાવને કારણે તેમનામાં જે પણ વિવિધ પ્રસંગોપાત રજૂ કરવામાં આવે તે બન્યું લોકસાહિત્ય.
લોકસાહિત્યનો અર્થ:
લોકસાહિત્ય માટે અંગ્રેજી ભાષામાં `folk literature’ શબ્દનો ઉપયોગ થાય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તો લોકસાહિત્યને `ધરતીનું ધાવણ’ કહીને બિરદાવ્યું છે. એટલે કે લોકોમાં જે કંઠ પરંપરાથી જળવાયેલું સાહિત્ય છે તેને લેખિત સ્વરૂપ આપીને બીજા લોકોને પણ તેનો પરિચય કરાવવાના આશયથી લોકસાહિત્યની રચના થાય છે. માનવ જાતિનાં ઉદ્દભવકાળથી સાહિત્યનો વિકાસ થયો એમ માની શકાય. પણ તેમાંનું કેટલુંક સાહિત્ય સમયનાં વહેણમાં ભુસાતુ ગયું પરંતુ કેટલુંક સાહિત્ય વિવિધ પ્રદેશની જાતિઓમાં શિક્ષણ ન હોવા છતાં કંઠપરંપરા, રીતરિવાજ, પ્રસંગોપાત ની રજૂઆત ના કારણે લોકોમાં સચવાયેલું પડ્યું છે તે છે લોકસાહિત્ય. હર્ષ, શોક ઇત્યાદિ લાગણીની ઉત્કટતાના પ્રસંગે દરેક પ્રજા એની પોતાની વાણીમાં કેટલાક ઉદગારો કાઢે છે. ક્યારેક એમાં ચિત્કાર પણ હોય છે. આવા ઉદ્દગારોમાં બહારનું એટલેકે નવું આયાત થતું જાય છે અને લોકસાહિત્ય વિકાસ પામતું જાય છે.
લોકસાહિત્યનાં સાહિત્ય સ્વરૂપો:
વાણી દ્વારા વહેતુ એટલે કે કંઠપરંપરાથી લોકોમાં જળવાયેલું લોકસાહિત્ય મુખ્યત્વે બે પ્રકારોમાં વહેંચી શકાય. લોકગીત અને લોકકથા. લોકરચના કોઈને કોઈ રૂપમાં વ્યક્તિગત, કૌટુંબિક કે સામાજિક રીતે જીવન સાથે જ પ્રત્યક્ષ રૂપમાં સંકળાયેલી હોય છે. એ કોઇને કોઈ ખાસ પ્રસંગે ક્રિયાની ભાગ બને છે. લોકસાહિત્યનો ઉપયોગ જીવનના કોઈ કાર્ય સાથે થતો હોય છે. બાળકને ઊંઘાડવા હાલરડું ગવાય, જનોઈ- સીમંત, લગ્ન જેવા પ્રસંગોમાં આનંદ વ્યક્ત કરવા વગેરે માંથી લોકસાહિત્યનો વિકાસ થયો છે. એના આધારે લોકસાહિત્યને મુખ્ય બે પ્રકારોમાં વહેચવામાં આવે છે.
૧)લોકકથા ૨)લોકગીત.
(૧)લોકકથા
લલોકસાહિત્નું મુખ્ય અને વ્યાપક અંગ તે લોકકથા છે. લોકકથા લોકસાહિત્યનું ગદ્ય સ્વરૂપ છે. વિવિધ લોકો દ્વારા વિવિધ તબક્કે અને વિવિધ રીતે કહેવાઇ ને સિદ્ધ થઈ તે લોકકથા. લોકકથા સમયાંતરે વિશેષ ક્રિયા માંથી પસાર થઈ ને દંતકથા, આખ્યાનકથા વગેરે રૂપો ધારણ કરે છે. તેના પરિવર્તન ના આધારે લોકકથાને વિવિધ પેટા પ્રકારોમાં વહેચવામાં આવે છે. જેવા કે પુરાકથા આખ્યાનકથા, દંતકથા, પશુકથા, પરીકથા, બાળકથા, વ્રતકથા વગેરે…..
પુરાકથામાં પૌરાણીક પાત્રો જેવા કે રામ, કૃષ્ણ, પાંડવ, નલ- નીલ , વિક્રમ રાજા, ઈન્દ્ર, વરુણ, અગ્નિ, જેવા દૈવી તત્વોના આધારે જે કથાઓ રચાઈ તેને પૂરાકથા કહેવામાં આવે છે. તેમાં કેટલીક દંતકથાઓ કે કાલ્પનિક કથાઓ પણ જોડાયેલી હોય છે. ‘રોમ- સિતમાની વારતા’, `તોળી રાણી ની વારતા’, `ભીલો નું ભારત’ વગેરે પુરાકથાઓ ગણાવી શકાય.
પશુકથા એ લોકકથાનો જ એક પ્રકાર છે આવી કથાઓમાં પાત્ર તરીકે પશુ આવતા હોય છે. અને તે અસાધારણ શક્તિ પણ ધરાવે છે. માણસે પ્રકૃતિના અનેક તત્વોમાં વિશેષ શકિતના દર્શન કર્યા, એનું આરોપણ કર્યું એમાંથી જ ચમત્કાર પૂર્ણ વસ્તુ કે પદાર્થનું પૂજન, વનસ્પતિ પૂજન, પશુપુજન, વગેરે અસ્તિત્વ માં આવ્યા. માણસની શ્રદ્ધાના મૂળમાંથી જ પશુકથાઓ આવી છે. પશુકથાઓનું મૂળ માનવીના શિકારી તરીકેના જીવનની સાથે છે. વનમાં વસવાટના કારણે માનવી વિવિધ પ્રકારનાં પશુ – પક્ષીના પરિચય માં આવ્યો અને તેની ખાસિયત વિશે જાણકારી મેળવી. એ પછીના તબક્કે પ્રાણીના વિશિષ્ટ એવા ગુણ લક્ષણનાં કાર્ય-કારણને જોડતી કથાઓ આવી. જેવી કે મોરનાં પીછાં રંગીન કેવી રીતે બન્યાં?,ખિસકોલી ના શરીર પર પટ્ટા કેમ થયા?, ઘોડાને શિંગડા કેમ નથી ઊગતા?, વગેરે પશુકથા ઓ અસ્તિત્વમાં આવી.
પૂરાકથા, પશુકથાની જેમ બાળકથા કે પરીકથા પણ લોકકથાનો એક પ્રકાર છે. તેમાં કલ્પનાનું તત્વ વધારે જોવા મળે છે. આ પ્રકારમાં જે કથા છે તે વાસ્તવિક નથી પરંતુ કાલ્પનિક છે. એમાં અશક્યને શક્ય બનાવતા ચમત્કારો જોવા મળે છે. જેમકે જળપરી, નાગકન્યા, જેવા માનવેતર પાત્રો પણ જોવા મળે છે.
પરીકથા મુખ્યત્વે મધ્યમ કદની હોય છે. અને તે ગદ્યમાં કહેવાય છે. એમાં ગાંભીર્યની સાથે હળવાશ હોય છે.
વ્રતકથાઓ વિવિધ પ્રકારના વ્રતો સાથે સંકળાયેલી હોય છે. શિતળામાતાની કથા, વડસાવિત્રીની કથા, જયા-પાર્વતીની કથા વગેરે વ્રતકથાઓ લોકકથા ના જ પ્રકારો છે.
(૨) લોકગીત
લોકસાહિત્યનો લોકકથા જેટલો જ મહત્વનો અને વ્યાપક એવો બીજો પ્રકાર તે લોકગીત છે. લોકગીત એ લોકસાહિત્યનું પદ્ય સ્વરૂપ છે. કાવ્યના વિવિધ સ્વરૂપો છે તેના કરતાં લોકગીત તાત્વિક રીતે જુદો અને સ્વતંત્ર પ્રકાર છે લોકગીતનું સાહિત્યના પ્રકાર તરીકે જુદું પાડતું પ્રથમ લક્ષણ એ છે કે એ વ્યક્તિકૃત નથી. બીજુ લક્ષણ એનું એ છે કે લોકપરંપરામાં એનું સ્થાન કેટલેક અંશે એની વ્યક્તિગત, કૌટુંબીક, સામાજિક, પ્રાસંગિક રીતે જીવનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય છે.
ઉ. દા. “વગરભાયુંવાળી” લોકગીતમાં એક ભાઈ વિનાની બહેનની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.
લોકગીતનો સંબંધ વ્યક્તિની કોઈ ધાર્મિક વિધિ સાથે, લગ્ન સાથે, શોકપૂર્ણ પ્રસંગ, વ્યક્તિગત કે સામૂહિક કાર્ય સાથે કે ઉત્સવ – પર્વ સાથે તેનો સંબંધ છે. લોકગીતમાં કોઈ છંદ, અલંકાર વગેરે વધારે પ્રમાણમાં વપરાતા નથી. પણ તેના શબ્દોમાં અને લયમાં એટલી મધુરતા હોય છે કે તે ભાવક ઉપર ધારી અસર પાડી શકે છે. લોકગીતના માળખામાં સગપણની, નિર્માણની, સ્થળની, કાર્ય-કારણની વિવિધ સાંકળો હોય છે. સગપણની સાંકળમાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઇ, દિયર- દેરાણી જેવા સંબંધો હોય છે.
લોકકથાની જેમ લોકગીતોને પણ વિવિધ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવે છે. લોકગીતો લોકજીવન સાથે સંકળાયેલા હોય છે. તેના લોકજીવન સાથેના સંબંધ ને કારણે લોકગીતોને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે.
(૧) ઋતુચક્રના લોકગીતો. (૨) જીવનચક્રના લોકગીતો.
(૧) ઋતુચક્રના લોકગીતો
ઋતુચક્રની સાથે ખેડૂત સમાજનો વ્યવસાય સંકળાયેલો છે. અને ધાર્મિક તથા સામાજિક પર્વ અને ઉત્સવો પણ ઋઋતચક્ર સાથે સંકળાયેલા છે. આથી આ પ્રકારના ગીતોમાં ઋતુને લગતા ગીતો આવે છે. આ પ્રકારના ગીતોમાં ગરબા, ઉત્સવના ગીતો, શ્રમગીતો, વર્ષાગીત, દુકાળગીત, કાપણીગીત, કથાગીત, ખાયણા વગેરેનો સમાવેશ થાય છે.
ખાયણા એટલે ધાનને ખાંડતા- ખાંડતા જે લોકગીતો ગવાય છે તે. તેમાં ત્રણ- ત્રણ પંક્તિના નાજુક જોડકણાં હોય છે. ખેડૂતો પ્રકૃતિ પ્રેમી ગણાય છે તેઓ ઋતુ પ્રમાણે ખેડતાં, નીંદતા, કાપણી કરતાં, પાણી વાળતા, પાળા બાંધતા, ખળા કરતા વગેરે વિવિધ કાર્યો કરતાં- કરતાં ગીતો ગાય છે. તે પણ ઋતુચક્ર ના લોકગીતોના જ પ્રકારો છે.
(૨) જીવનચક્રના લોકગીતો
જીવનચક્રના લોકગીતોમાં ગર્ભાધાનથી આરંભીને મૃત્યુ સુધીના જીવનચક્રના વિવિધ તબક્કાની અવસ્થાઓના ગીતો ગવાય છે. તેમાં સીમંતગીત, હાલરડાં, જોડકણાં, ઉખાણાં, લગ્ન, મરશિયા, રાજીયા, વગેરેના ગીતો હોય છે.
ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારની વાત કરવામાં આવી છે. માટે સંસ્કારગીતો પણ જીવનચક્રનો જ એક ભાગ ગણાવી શકાય. જીવનના કેટલાક તબક્કાઓ એવા છે જેમાં ધાર્મિક કે લૌકિક વિધિ કરવામાં આવે છે ત્યારે ગીતો ગાવામાં આવે છે.
સંસ્કાર ગીતોની જેમ સીમંત પ્રસંગે પણ વિવિધ પ્રજાતિઓ વિધિ- વિધાન કરતી વખતે અનેક પ્રકારના ગીતો ગાય છે. સીમંત સમયે ખોળો ભરીને પૂજવાની વિધિ કરવામાં આવે છે તેના પણ ગીતો ગવાય છે.
જીવનચક્રના બીજા તબક્કામાં મહત્વનો લોકગીતનો પ્રકાર એટલે હાલરડાં. બાળકને ઘોડિયાંમાં સુવડાવી તેને હિંચોળતા-હિંચોળતા હાલરડું ગાવામાં આવે છે. બહેન અને માતાના મનોભાવ હાલરડાંમાં જોવા મળે છે. ભારતમાં તેમજ વિશ્વની અનેક જાતિઓના લોકગીતોમાં આ પ્રકાર જોવા મળે છે. બાળકના સંસ્કાર ઘડતર પણ હાલરડામાં થતા હોય છે.
લોકગીતનું ઉત્તમ અંગ તે લગ્નગીતો છે. લગ્નની વિધિ માં ગણેશસ્થાપના, ગોત્રજ, મામેરું, મિંઢળ પીઠી, ગ્રહશાંતિ, ઉકરડી, સામૈયું, પહેરામણી, કુમકુમથાપા, કન્યાવિદાય, વગેરે વિવિધ પ્રકારના ગીતો આવતા હોય છે તેમાં ફટાણાં એ વ્યાપક લોકગીત ગણાય છે.
જીવનચક્ર સાથે સંકળાયેલ લોકગીતો વિશેષ તો સ્ત્રીઓ સંબંધી હોય છે. અને સ્ત્રીઓ દ્વારા જ ગાવામાં આવે છે. પતિનું ઘર ચલાવતી નવી પત્નીને આરંભના ગાળામાં પિયર યાદ આવે છે. જે સ્ત્રીને ભાઈ નથી તે સ્ત્રી કેવી વેદના અનુભવે છે તે સાદા શબ્દો માં પણ બહુ સરસ રીતે આલેખવામાં આવી છે. જેમ કે..
“ભાયું રે વાળી તો આણા ફરેને ,
વગર ભાયું વાળી રોવે રે જી”.
મરશિયા પણ લોકગીતોનો એક પ્રકાર છે. મૃત્યુ પામેલા વ્યક્તિ પાછળ મરશિયા ગાવામાં આવે છે. તેમા મૃતકની પ્રશસ્તિ પણ કરવામા આવતી હોય છે. લાગણી અને મમતાથી બંધાયેલા માનવીને આપ્તજનનું મૃત્યુ ઘણું અસહ્ય લાગે છે. આઘાતના કારણે તેનું ચિત્તતંત્ર હચમચી જાય છે. મરશિયા દ્વારા આઘાત હળવો કરવામાં આવે છે.મરશિયાનો રિવાજ મનોવૈજ્ઞાનિક રીતે મૃતકના શોકને ઘટાડવાનો એક સફળ પ્રયત્ન છે. આદિવાસી સ્ત્રી જ્યારે પોતાના પિતાનું અવસાન થયું હોય અને ત્યારે જે વિલાપ કરે અને એ વિલાપ શબ્દો દ્વારા અભિવ્યક્ત કરે એ સાંભળીને કઠોર હૃદયના વ્યક્તિને પણ આંખમાંથી આંસુ લાવી દે છે જેમ કે,
“ મન આવો હેમ કુણ કેહે રે બાપા…. હાય,
હું કુને ભરોહે આવી રે બાપા……હાય,
તારી દિકરી ઝુરણા ઝુરહે રે બાપા…હાય . ઓ બાપા રે…”
આમ લોકગીતો જેમ ઋતુચક્ર સાથે સંકળાયેલા છે તેમ જીવન ચક્ર સાથે પણ સંકળાયેલા છે. જીવનના વિવિધ તબક્કાઓ મુજબ લોકગીતો વિકાસ પામ્યા છે.
આમ લોકસાહિત્યને સાહિત્યસ્વરૂપ તરીકે સ્વીકારવા જતાં તેમાં લોકકથા અને લોકગીતોનો સમાવેશ કરવામાં આવે છે. અત્યારની પેઢી ટટેકનોલોજમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે હવે આ લોકસાહિત્ય વધારે જોવા મળતું નથી. ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ થવા લાગ્યો છે કે માનવી માનવીને ભૂલીને યંત્ર નો થઈ ગયો છે. આજના માનવીને જીવતા માણસની સાથે બેસીને તેના દુઃખ, દર્દ, સુખને જોવા કે જાણવાનો સમય નથી. તો આપણું કંઠપરંપરા થી જળવાયેલું લોકસાહિત્ય કઈ રીતે ભવિષ્ય માં અન્ય સ્વરૂપોની સાથે તાલ મિલાવી શકશે એ એક પ્રશ્ન છે.
સંદર્ભ સૂચિ:
(૧) લોકવિદ્યા વિજ્ઞાન(૨૦૦૧), ડૉ. હસુ યાજ્ઞિક, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.
(૨) લોકકથાના મૂળ અને કુળ (૧૯૯૦), ડૉ. હરિવલ્લભ ભાયાણી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
(૩) લોકસાહિત્ય: સંશોધન અને સંપાદન (૧૯૯૧), ડૉ. હરિવલ્લભ ભાયાણી , ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
(૪) ગુજરાતી લોકસાહિત્ય (૧૯૯૫), ડૉ. હસુ યાજ્ઞિક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
(૫) ગુજરાતનો લોકકલા વૈભવ (૧૯૯૨), જોરાવર સિંહ જાદવ, અમદાવાદ.
કટારા વિપુલ કુમાર રૂપસિંહ.
PhD રિસર્ચ સ્કોલર.
ભાષા સાહિત્ય ભવન,.
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ.