મન અને માનવી બંને એકરૂપ છે. માનવીય સંવેદનાઓને ઝંકૃત કરવામાં કે ઉપકારક નીવડવામાં મહદઅંશે કૃતિઓનો ફાળો વિશેષહોય છે. માનવીની ઇચ્છા, આકાંક્ષાઓ અને આવેગોનુ મૂળ મન છે. માટે જ ફ્રોઇડ કે દેરિદાએ મનોજગતને કેન્દ્રમાં રાખી જે કામ કર્યું છે તેને પણ વિવિધ વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. તેમાંથી એક ભાગ તે મનોવિશ્લેષણવાદ. તેના આધારે અનેકવિધ પરીમાણોથી કૃતિમાં નાવીન્ય પ્રગટતું જોવા મળે છે. માનવમનનું કેન્દ્રબિંદુ મન છે. સર્જક જયારે સર્જન કરે છે ત્યારે ‘મન’ મુખ્ય ચાલકબળ હોય છે જેના આધારે સર્જન ગતિ કરતું જોવા મળે છે. સાહિત્યમાં માનવીય મન જ કેન્દ્રસ્થ હોય છે. તેના તાણાવાણાથી જગત ચાલે છે અને આ ગતિવિધિઓના પડઘા સાહિત્યમાં પડે છે.
પાશ્ચાત્ય સાહિત્યમાં રશિયન સર્જક દોસ્તોયવસ્કીએ માનવમનને અભ્યાસનું નિમિત બનાવી અનેક કૃતિઓ સર્જી છે જેમાં મધ્યસ્થાને છે માનવનું અજ્ઞાત મન. દોસ્તોયવસ્કીનાં સાહિત્યમાંથી ભાવક પસાર થાય છે ત્યારે એક તારણ જોવા મળે છે તે એ છે કે તેમણે માનવીય મન અને તેની ઇચ્છાઓનું નિરીક્ષણ કરી માનવીય વૃતિ અને ઇચ્છાઓને ભાવક સુધી પહોચાડી છે. તેમણે વ્યકિતવિચારોના વિવિધ આયોમોનું આકલન કરી મનોજગતનો વ્યાપ અને મનની ક્રિયાને લોકો સમક્ષ ઉઘાડી આપી છે.’નોટસ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ’જેવી નવલકથા હોય કે તેમની દીર્ઘ વાર્તા કે લઘુનવલ `ધ ડ્રીમ ઑફ અ રિડિક્યુલસ મૅન’ હોય ત્યાં નાયક આત્મમંથનની મથામણ દ્વારા પૂર્ણ સત્યને પામવાની કોશિશ કરે છે. તેનો નાયક ક્યાંક અસ્તિત્વવાદી છે તો ક્યાંક મનોવિશ્લેષણવાદી.
તેમની ટૂંકીવાર્તા ‘ધ ડ્રીમ ઑફ અ રિડિક્યુલસ મૅન’નો ગુજરાતી અનુવાદ માવજી સાવલાએ ‘સ્વપ્ન એક બુદ્ધુનું’ નામે કર્યો છે. અહીં નાયકનું તેની વિચારણાઓનું ઉર્ધ્વગમન લેખકે દર્શાવ્યુ છે. આત્મહત્યાના વિચારથીબિંદુથી આરંભાતી વાત અંતે જીવનના કાર્યો થકી માનવીનું જીવન કઈ રીતે સાર્થક થઇ શકે છે તેની વાત કરી છે પોતાને લોકો બુદ્ધુ કહે છે ત્યાંથી લઈને જાત અને જગત બદલવાની અહી વાત સર્જકે કરી છે અને તેનું માધ્યમ છે એક માત્ર અસ્તિત્વ છે પૃથ્વી. નાયક કઈ રીતે જગતને અને પોતાની જાતને જોવે છે અને ત્યારબાદ એક રાતે આવેલા સ્વપ્નમાંથી જાગી પોતે પોતાના જીવનમૂલ્યોને યાદ કરી એ રીતે જીવવાનુ નિર્ધાર કરે છે. અહી સર્જકે આંતરચેતનામૂલક અભિગમને ખપમાં લીધેલો જોવા મળે છે. હિલ્મન કહે છે ‘સ્વપ્નનું અર્થઘટન તો વિરહસ્યીકરણનો પ્રયત્ન છે.સ્વપ્ન જોનારે કલ્પનને સંપ્રત્યયમાં રૂપાંતરિત કર્યા વિના, એને વિરહસ્યીકૃત કર્યા વિના, એનું અર્થઘટન કે એનો અનુવાદ કર્યા વિના સંવેદવું જોઈએ. કલ્પનનો સંપર્ક ગુમાવીએ તો જ કલ્પનનું અર્થઘટન જન્મે છે.’
દોસ્તોયવસ્કીએ ઉપર્યુકત વિધાનને ધ ડ્રીમ ઑફ અ રિડિક્યુલસ મૅન’ વાર્તા દ્વારા ચરિતાર્થ કરી બતાવ્યુ છે. આ વાર્તાના OLGA SHARTSE એ કરેલા અંગ્રેજી અનુવાદમાં પાંચ ખંડ છે.પણ અહીં ફૂદડી મૂકીને અંતિમ બે વાકયોને પણ અલગ પાડયાં છે. એટલે વાર્તા છ ખંડોમાં વિભકત છે.
મૂળ કથાવસ્તુમાં લેખકે નાયકને કશું નામ નથી આપ્યું. વાત આખી પ્રથમ પુરુષ એકવચનમાં ચાલે છે. નાયક અહીં શરુવાતમાં સ્વગતોકિત કરતાં કહે છે કે,’ હું ગાંડો-ઘેલો છું. એ લોકો હવે મને ગાંડિયો જ કહે છે. જો પહેલેથી જ હું એમને ગાંડો ન લાગ્યો હોઉં તો મારે માટે આ બઢતી સમાન છે.’ (પૃ.૮)
આમ કહી પોતે જ માત્ર સત્યને જાણે છે એમ જણાવી ખુદ પર હસી નાખે છે. અહીં લેખકે માનવના જીવનની સમજણ અને સુઝ પર માર્મિક કટાક્ષ કર્યો છે.અહીં દર્શાવેલો ‘હું’ અને ‘એ લોકો’જેવી વિભક્તિની સમજ કેવી રીતે આ નાયકમાં વિકસી છે અને આ બુદ્ધની અને તે દ્વારા નાયકમાં કેળવાયેલી જે સમજ છે એ તેને ‘બુદ્ધ’ તરફનું ઉર્ધ્વગમન કરાવે છે.
એક દિવસ નાયક આત્મહત્યા કરવાનો દૃઢ વિચાર કરે છે અને તે આકાશ સામે તાકતો ઉભો છે. ત્યાં એક બાળકી આવીને તેના હાથને વળગી પડી. વરસાદથી ભીંજાયેલી તે બાળકી રડવા લાગી. તાવગ્રસ્ત આ બાળકી નાયકનો હાથ પકડી ‘મારી મમ્મી- મારી મમ્મી!’કહી રહી હતી. નાયક તેને જોઈને આગળ ચાલે છે, અને બાળકી તેની પાછળ. નાયકને તો મરી જવું હોય છે અહી સર્જકે આ મૃત્યુના વિચાર દ્વારા સંવેદનનો છેદ ઉડાવી દીધો છે જો મરવું જ છે તો ભલું કરવાનો પણ શો ફાયદો ! નાયકને એવુ પણ થાય છે કે કદાચ તેની મા મરણપથારીએ હશે. પેલી તેને ઢંઢોળે છે પણ નાયક પાસેથી પ્રત્યુતર ના મળતા તે સામે રાહદારી પાસે ચાલી જાય છે.
નાયક માટે બધું મહત્વહીન છે આ બાળકી અને તેની મા પણ. તેણે આજે આત્મહત્યાનો નિર્ધાર કર્યો હતો. જો આ બાળકી ના મળી હોત તો તે આત્મહત્યા પણ કરી લેત. શરૂવાતમાં નાયક લઘુતાગ્રંથીથી પીડાતો લાગે છે. પણ આગળ જતા આ કૃતિ એક વિશિષ્ટ અર્થમાં સાર્થક થતી જોવા મળે છે.
અહીં પ્રથમ ખંડ મૃત્યુના વિચાર અને બાળકીની ઘટના પાસે પૂરો થાય છે. સર્જકે નાયકને મનની ગડમથલ આસપાસના વાતાવરણ દ્વારા સમજાવી છે.બીજા ખંડમાં સર્જકે નાયકની આત્મનિરીક્ષણની ઝીણી ઝીણી ક્ષણો મુકી આપી છે. નાયક ટેબલ પર બેસી વિચારે છે તેને બાળકી સાથેનું તેનું વર્તન, પોતાની શૂન્યતા વિશે, પોતાના અસ્તિત્વ વિશે નાયક માટે થોડી ક્ષણો માટે જ બધું હતું એવું ભાન થાય છે પણ તેનો એક જ નિર્ણય હતો આત્મહત્યા. માટે આવા વર્તન પાછળ પોતાની જાતને દોષિત માનતો નથી. કારણ પછી તો એ આત્મહત્યા જ કરવાનો હતો. પણ એ આત્મહત્યા આ ઘટના પછી કરતો નથી. આ બીજા ખંડને લાભશંકર ઠાકર ‘દેહલીદીપક’ (ઉંબર પરના દીવા) કહે છે.
બીજા ખંડમાં નાયકની ચૈતસિક ક્ષણોનું આલેખન થયું છે અને ત્રીજા ખંડમાં અને ચોથા ખંડમાં ‘સ્વપ્ન’ છે. બાળકીનો વિચાર કરતો નાયક ટેબલ પર જ સુઈ જાય છે. ત્યાંથીમૂળ કથા આકાર પામે છે.ઊંઘમાં સ્વપ્ન ચાલુ થાય છે જેને દિવાસ્વપ્ન કહી શકાય. એ સ્વપનમાં નાયક મૃત્યુ પામે છે આવા સ્વપ્ન પાછળ તેનું અજ્ઞાત મન જવાબદાર છે કારણ કે તેને છેલ્લે મૃત્યુનો જ વિચાર આવ્યો હતો અને તેને મરવું જ હતું અને એ સ્વપ્ન દ્વારા મૃત્યુ પછીનું જોઈ શકે છે તેની ઈચ્છા સ્વપ્ન દ્વારા પૂર્ણ થાય છે. હવે તેની સમક્ષ બીજી પૃથ્વી પર વસતા મનુષ્યો આવે છે. ત્યાંના લોકો અને સમાજ અલગ છે એ નોખી દુનિયામાં ‘પાપ’ જેવો કોઈ શબ્દ નથી. વિજ્ઞાન જેવી કોઈ વિદ્યા નથી. ઈર્ષા કે અદેખાઈ પણ લેશમાત્ર નથી. પ્રકૃતિની નિશ્રામાં જીવતા લોકો સંતુષ્ટ છે. આપણે નવી લાગે કે ખરેખર આવી દુનિયા હોય! પણ અહી પૃથ્વી પરના સારા સાચા સજ્જનોનો ભેટો સ્વપ્ન દ્વારા કરવાવનું કારણ એ હોઈ શકે કે નાયકને આજ સુધી જે માણસો પાસે જેવી અપેક્ષા રાખી હતી એવું અપેક્ષાઓ અને વર્તન માનવીઓનું અહી ન પણ હોય જે સ્વપ્નમાં એવા લોકો સાથે એનો ભેટો થયો જ ન હોય.
ત્યાંના બાળકો પણ કામુકતારહિત શાંત અને નિર્મળ છે. અહી એક પરિવારરૂપે આખો સમાજ છે. મૃત્યુ હતું પણ માંદગી ન હતી. ન વિષાદ, ન ભય, તે લોકો નાયક કે એની સૃષ્ટિ વિશે પણ કશું પૂછતા નથી. ન તો જાણવાની કોશિશ કરે છે. ત્યાં નથી મંદિર કે નથી દેવળ, નાયક ત્યાંના લોકો સાથે વાત કરવાથી વધુ એ લોકોનું નિરિક્ષણ કરે છે અને તેને આશ્ચર્ય પણ થાય છે કારણ કે ત્યાના લોકો પૃથ્વીના લોકોથી ભિન્ન સમાજમાં રહેતા અને કેળવાયેલી સમજમાં જીવતા લોકોનો સમૂહ હતો.આ જોઇને નાયક બે ક્ષણ ખેદ અનુભવે છે. અંતે કહે છે , ‘દેખીતું છે કે મારું છીછરું હદય અને મારું ચંચળ દુષ્ટ મન પરમ સત્યનું દર્શન કરાવનાર આવી ઉચ્ચ સ્થિતિએ પહોચી જ ન શકે તમે પોતે જ હવે તમારા માટે નિર્ણય કરો. અત્યાર સુધી મેં બધું ગુપ્ત રાખ્યું હતું. પરંતુ હવે હું આ સત્યને જાહેર કરીશ. સચ્ચાઈ એ છે કે મેં…મેં જ એ બધાને બગડયાં!’ (પૃ.૩૧)
પાંચમાં ખંડમાં સ્વપ્નનું સાતત્ય છે પણ તે કહે છે કે ઉતરાર્ધ એ સુસ્વપ્ન છે. તે પૃથ્વી પરના લોકોમાં કઈ રીતે દ્વેષ, ધૃણા, સંગઠન અને જૂથો રચાયા તેની વાત કરતા આગળ કહે છે, ધાર્મિક વિધિવિધાનો અને વિજ્ઞાનના રહસ્યને પામવામાં માનવતા પામવાનું ભૂલી ગયા. ઈર્ષા અને અહમને પોષતો માણસ કેવો તો સ્વકેન્દ્રી બની ગયો?અહી નાયક વાસ્તવ જીવનની કરુણતાનું આલેખન કરે છે. અને એમાં પોતે પણ નિમિત્ત છે એવું માનતો નાયક અપરાધભાવ અનુભવે છે અવ વિચારોથી લોકો તેને મૂર્ખ સંત ન માને તો નવાઈ. સ્વપ્નમાં સારાસારનો ભેદ પારખતો નાયક મનના દ્વન્દ્વની ક્ષણે પહોચે છે ને ત્યાં જનાયકની આંખ ઉઘડી જાય છે.
અહી સ્વપ્ન તો પૂરું થાય છે પણ નાયકની આંતરદૃષ્ટિ ઉઘડે છે. તે જાગીને જોવે છે ત્યારે પરોઢના પાંચ વાગી ગયા હોય છે નાયક આખી રાત ખુરશી પર જ સુતો હોય છે તે ત્યાં પડેલી કારતૂસ ભરેલી રિવોલ્વર એક ઝાટકાથી દૂર હડસેલી દે છે અને કહે છે, ‘ના, હવે મને જીવન આપો, જિંદગી!’ કહેતા એ રડતો રડતો સત્યનું આહ્વાન કરે છે. હવે તેને જીવીને તેને ખરા સંદેશાને લોકો સુધી પહોચાડવો છે. પોતા પ્રત્યે જે પ્રેમ છે એ બીજા પ્રત્યે સ્નેહ રાખવો એ નાયકને હવે સમજાયું છે. તેથી જ લાભશંકર ઠાકર તેને ‘પ્રબુદ્ધ’ કહે છે. (પૃ.૫૧) કારણ એ સ્વપ્નમાંથી જાગ્યા બાદ બુદ્ધુ નથી.
મન, વચન, કર્મનું સત્ય અહી અંતે સર્જકે નાયક દ્વારા સાર્થક કરાવ્યું છે. માનવની ચેતના તેનો પ્રબલ પુરુષાર્થ જ છે એ ચરિતાર્થ થાય છે.પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં અહમ ઓગળી અને આંતર જગતને ઉઘાડતી નવી દૃષ્ટિ જોવા મળે છે. દોસ્તોયવસ્કીએ અહી મનુષ્યની ચેતનાનું અને ઇચ્છાઓનુંપ્રાબલ્ય પ્રગટ કર્યું છે. આ કૃતિમાંથી પસાર થતા સમજાય કે સર્જકે સ્વપ્નને અહી પ્રતીક તરીકે ખપમાં લીધું છે પ્રમોદકુમાર પટેલ કહે છે તેમ, ‘પ્રતીક એટલે અજ્ઞાત વિચાર, સંઘર્ષ કે ઈચ્છાઓનું પરોક્ષ અને ચિત્રાત્મક પ્રતિનિધાન.’ જે અહી નાયકના જીવન પરિવર્તનમાં ઉપકારક નીવડે છે તે છે તેનું અવચેતન મન.આ નાયકને સ્વપ્ન દ્વારા જે સાંપડે છે તે છે જીવનની નવી સમજ અને વિચારના પરિવર્તનને લીધે થતું ઉર્ધ્વગમન.
સંદર્ભ : ૧. સ્વપ્ન એક બુદ્ધુનું, લે.દોસ્તોયવ્સકી, અનુ.માવજી કે. સાવલા.
પ્રા. ચાર્વી ભટ્ટ,
મદદનીશ પ્રાધ્યાપક,
શ્રીમતિ નિરંજના પંકજ મહેતા આર્ટસ & કોમર્સ કોલેજ
મો.૯૪૨૭૦૧૩૩૭૨.
ઈ-મેઈલ :bhattcharvi2@gmail.com