ગંગાઆરતી તો ક્યારની પૂરી થઈ ગઈ હતી. યાત્રાળુઓ વિખેરાવા લાગ્યાં હતાં. દિવાળી પછીના દિવસો હોવાથી ભીડ સાવ ઓછી હતી. આખાય ઘાટ પર બસ્સો અઢીસો જેટલા માણસો તો માંડ હશે. બાકી ‘હરકી પૌડી’ પર તો આ સમયે મેળો જામ્યો હોય, હૈયે હૈયુ દળાતું હોય! મેં ગણતરી માંડી ગઈકાલે લાભપાંચમ હતી એટલે આજે છઠ હોવી જોઈએ.
હું આજુબાજુ જોઈ માણસોની નોંધ લેતીલેતી ચાલતી હતી ત્યાં જ કલ્પનાએ હાથ ખેંચ્યો ‘હેય, ચાલ ને દીવા લઈએ’
અમે ઘાટના પગથિયે બેઠેલી દીવા વેંચતી સ્ત્રી પાસે ઊભાં રહ્યાં. પડિયાથી ભરચક ભરેલો ટોપલો અને ખાલીખમ આંખો ધરાવતી એ સ્ત્રી અમારા તરફ જોઈ રહી. એના પગ પાસે પડેલા વકરાની દયનીય હાલત જોઈ મેં પર્સમાંથી વીસવીસની બે નોટ કાઢી એના તરફ લંબાવી. એણે હોંશેહોંશે બે પડિયા ઉપાડી અમારા તરફ લંબાવ્યા. મેં હાથ લંબાવ્યો એ સાથે જ ‘રુકો દીદી….’ કહીને ગુલાબની થોડી વધુ પાંદડીઓ પડિયામાં ઉમેરી આપી. એની આંખમાં ચમક અને અમારા હાથમાં મહેંક ફેલાઈ ગઈ.
અમે ઘાટ તરફ આગળ વધ્યાં. પૂર્વમાંથી કિશોરવયનો સૂર્ય પોતાના સાતેય ઘોડા હણહણાવતો દોડ્યે આવતો હતો. આ તરફ ગંગા, પેલો નટખટ કિશોર પાછળ પડ્યો હોય તેમ પોતાના છલોછલ યૌવનને સંતાડતી, સાચવતી ઉતાવળી ચાલે ભાગી રહી હતી. ઘાટના પગથિયા પર બાંધેલી લોખંડની થાંભલીઓને અને સાંકળોને ઠેબે ચડાવતી, રુઆબ છાંટતી વહ્યે જતી હતી. કિનારા પરના મંદિરોના ચરણ પખાળતી એ શીલવાન યૌવનાને જોઈને સૂર્ય વધારે ઝડપથી એનો પીછો કરી રહ્યો હતો.
અમે ઘાટના પગથિયા પાસે પહોંચ્યાં. મેં આસપાસ નજર ફેરવી, થોડે દૂર લાલ સાડીમાં શોભતી બે સ્ત્રીઓ જળપરીની જેમ પાણીમાં ડૂબકી લગાવીને બહાર આવી રહી હતી. તરબોળ અવસ્થામાં જ એકે માથા પર સાડીનો પાલવ ઓઢ્યો જ્યારે બીજીએ હાથમાંના ત્રાંબાના કળશમાં જળ ભર્યુ અને સૂર્યને અર્ઘ્ય આપવા લાગી. બન્ને આંખો મીંચીને કશુંક ગણગણી રહી હતી. લાગ્યું કે અમારી જેમ બન્ને સખીઓ જ હશે.
ઘાટના પથ્થરો પર ચીકાશ હોવાથી મેં કલ્પનાનો હાથ ઝાલ્યો અને પગથિયા ઉતરવા લાગી. પહેલાં,બીજા પગથિયા પર કંપી જવાય એવી ઠંડક હતી. ત્રીજા પગથિયા પર પગ મૂકતાં જ હળવી ચીસ નીકળી ગઈ. પેલી ગંગા નામની તોફાની યૌવનાએ પોતાની હીમ શી જળહથેળી વડે મારા પગને અડપલું કર્યુ હતું, હું આખીયે ધ્રુજી ગઈ. એનું વ્હાલ ઝીલતી હું થોડીવાર એમ જ સ્થિર ઊભી રહી. ધુમ્મસને કારણે સામેનો કિનારો સ્પષ્ટ દેખાતો ન હતો. નદીની વચ્ચોવચ્ચ એક મોટા સ્તંભ હતો અને એના પર ગંગામૈયાની મનોહર મૂર્તિ હતી. કમલાસન પર બેઠેલી પાપનાશિની મૈયાને જોતાં જ આપોઆપ ભક્તિભાવ જાગ્યો બે હાથ જોડાઈ ગયા. આંખો બીડાવા લાગી, મન આર્દ થયું અને આંખમાંથી એક હુંફાળી સેર વહી આવી. ગાલ પરથી દદડીને એણે ગંગામાં ઝંપલાવ્યું. મને થયું કાશ… બધુ આમ જ વહાવી શકાય તો ફેરો સફળ થઈ જાય!
કલ્પનાએ મને ભાવસમાધિમાંથી ઢંઢોળી ‘હેય, સ્નાન કરીશું?’
‘ના’
‘કેમ?’
‘અગાઉ જ નાહી નાંખ્યું છે.’
એ સમજી નહીં, હસી પડી ‘નાહી નાંખ્યું નહીં, નાહી લીધું કહેવાય.’
હું ચૂપ રહી.
‘કંઈ નહીં… ચાલ … નદીમાં દીવા મૂકીએ’
‘નથી મૂકવા.’
‘પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે મૂકવા જોઈએ.’
‘તું મૂક’
‘તું નહીં મૂકે?’
‘ના’ હું આડુ જોઈ ગઈ. સૂર્યનો તાપ તો હુંફાળો હતો છતાં ચહેરો તપી ગયો.
કલ્પનાએ ભાવથી દીવો પ્રગટાવ્યો. ગંગામૈયાને ફૂલ અર્પણ કર્યા અને હાથ જોડ્યા. થોડી ક્ષણો પછી દીવાને પડિયામાં પધરાવી પડિયો ગંગામાં વહેતો મૂક્યો. એનો દીવો સ્થિર ચાલે ઝપાટાભેર આગળ વધી રહ્યો હતો. એ ખુશખુશાલ ચહેરે એને આગળ વધતો જોઈ રહી. હું હજુયે પડિયો હાથમાં લઈ ઊભી હતી. મેં એને પગથિયા પર મૂક્યો અને ત્યાં જ બેસી પડી. મારા ઉજ્જડ વગડા જેવા ચહેરા સામે જોઈને કલ્પનાએ કહ્યું ‘ક્યાં સુધી આમ રહીશ?’
‘જીવીશ ત્યાં સુધી.’
‘સંજય ક્યાં છે?’
‘કોને ખબર!’
‘એને ગયે કેટલાં વર્ષ થયાં?’
‘સાત’
‘સમાધાન થઈ શકે તેમ નથી?’
‘મારે એ માણસ જોઈએ જ નહીં.’
‘માફ તો કરી દે એટલિસ્ટ, તારો ભાર હળવો થાય!’
‘ભૂલની માફી હોય ગુનાની નહીં.’
કલ્પનાએ નિસાસો નાંખ્યો ખાસ્સી વાર પછી બોલી ‘મારી મમ્મી કહેતી કે કોઈ ચાલ્યું જાય પછી એનું નામ લઈ લીમડો ચાવીને થૂંકી નાંખવાનો અને સળી તોડી નાંખવાની જેથી એની સાથેના તમામ સંબંધોનો અંત આવી જાય.
હું ચૂપ જ રહી. ઘણીવાર પછી કલ્પનાએ પૂછ્યું ‘જઈશું?’
‘હા. જઈએ.’
હું ઊભી થઈ દુપટ્ટો માથા પર ઓઢ્યો અને ફરી બે હાથ જોડી મૈયા સામે જોઈ રહી. વાંકા વળી જળની અંજલી ભરી માથા પર ચડાવી અને આંખે અડાડી. અમે પગથિયા ચડવાં લાગ્યાં. કલ્પનાએ યાદ કરાવ્યું
‘અરે, તારો પડિયો…’
‘ભલે રહ્યો. ત્યાં જ…’
‘દીવો તો પેટાવ’
‘કંઈ જરુર નથી’
‘તો વહેતો મૂકી દે યાર…તારી સુખાકારી માટે’
‘ના’ મેં સપાટ અવાજે કહ્યું. ન ભીંજાયા, ન કોરા રહ્યાં બસ કશોક ભાર લઈ અમે ચાલતાં રહ્યાં. સૂર્યનો તાપ વધવા લાગ્યો હતો, યાત્રાળુઓ ગંગામાં પાપ ધોઈ નાંખી હળવા થઈને ઉતારા ભણી જવા લાગ્યાં હતાં. અચાનક એક બ્રાહ્મણ સામે આવીને ઊભો રહી ગયો. ‘જય ગંગે બહનજી’
‘જય ગંગે’ બોલી હું આગળ જવા લાગી. કલ્પના એકાદ ક્ષણ માટે અટકી અને એ ક્ષણને ઝડપી લેતા બ્રાહ્મણ બોલ્યો ‘કુછ વિધિ કરવાની હૈ? તર્પણ કરવાના હો, પ્રાયશ્ચિત કરવાના હો યા સંકલ્પ લેના હો. હમ સબ અચ્છે સે કરવાયેંગે’
‘સ્મિતા, મારા સસરાનું તર્પણ કરાવી લઉં?’ કલ્પનાએ પૂછ્યું
‘અહિયા?’ મને આશ્ચર્ય થયું.
‘હાસ્તો. આનાથી યોગ્ય સ્થળ બીજુ ક્યુ હોય?’ એની આંખમાં પસ્તાવાના ઝળઝળિયા ડોકાવા લાગ્યા. એ હળવો નિસાસો નાંખી બોલી ‘વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામેલ સસરાનું તર્પણ બીજે ક્યાં હોઈ શકે?’
‘સારું…. હું ગાડી પાસે પહોંચું છું. આવી જજે.’
‘ભલે’ કહી હું ચાલવા લાગી. કલ્પનાને વાર લાગશે તે નક્કી હતું તેથી ગાડી પાસે જવાને બદલે પુલ પર ટહેલવાનું નક્કી કર્યું. વર્ષોથી અડીખમ ઊભેલો મજબૂત પુલ કેટલીય સારી નરસી ઘટનાઓ જોઈને બેઠેલા તપસ્વી જેવો લાગતો હતો. નીચેની તરફ લટકતી એની જાડીજાડી સાંકળો કેટલાયે જીવ બચાવવામાં સહાયરૂપ થવાના હરખતી ઝુલતી હતી. હું પુલ પર પહોંચી. રેલિંગ પર હાથ ટેકવીને ઊભી રહી. ચહેરા પર તાપ લાગતાં પર્સમાંથી ગોગલ્સ કાઢી આંખ પર ચડાવ્યાં. હવે મેં ઘાટ પર નજર કરી. આકરો થતો જતો સૂર્ય, નહિવત થયેલું ધુમ્મસ, સડસડાટ ધસી આવતો પ્રવાહ બધું જ એક દૃશ્ય બનીને આંખમાં સમાઈ ગયું. પગ ઝબોળ્યા તે અને અહિયાથી દેખાતી ગંગા જરા અલગ હતી. ઘાટ પર રહેલા રડ્યાં ખડ્યાં યાત્રાળુઓમાં મેં મારી સખી કલ્પનાને શોધવાનો પ્રયત્ન કર્યો. એ દેખાઈ. ગંગામાં ડૂબકી મારી હશે તેથી આખી ભીંજાયેલી હતી. બ્રાહ્મણ સામે શ્રદ્ધાથી હાથ જોડીને બેઠી હતી. બ્રાહ્મણ કશીક વિધિ કરાવી રહ્યા હતા. મેં નજરને જરા દૂર લંબાવીને અમે જ્યાં હતાં એ જગ્યા પર કેન્દ્રિત કરી. પેલી લાલ સાડીવાળી સ્ત્રીઓ ચાલી ગઈ હતી. અમે બેઠાં હતાં તે જગ્યા પર મારો પડિયો હજુયે નધણિયાતો પડ્યો હતો. હું એકધારું એના તરફ જોઈ રહી. માલુના પાનનો એ પડિયો થોડાં ગલગોટા, બેચાર સેવંતી અને ગુલાબની પાંદડીઓથી શોભતો હતો. અંદર રહેલી લાલ શગવાળી રૂની વાટ અને અણઘડ હાથોએ બનાવેલ માટીનું કોડિયું હજુયે મારી સામે આશાભરી નજરે તાકી રહ્યાં હતાં. એ નજરનો તાપ ન જીરવાતો હોય તેમ મેં નજર ખસેડી લીધી.
રસ્તો ઓળગીને હું પુલની સામેની તરફ પહોચી ગઈ. અત્યાર સુધી મારી આંખ સામે રહેલ સૂર્ય અને ગંગા હવે મારી પાછળની તરફ હતાં. પુલની આ તરફ સાવ નોખું જ દૃશ્ય હતું. પાછળથી દોડી આવતી ગંગા અહિથી આગળ તરફ જઈ રહી હતી. આગળ ન કોઈ પુલ હતો કે ન કોઈ લટકતી સાંકળો! હતી તો બસ વેગથી વહેતી ગંગા! ડાબે-જમણે નહાવા માટેના પાકા પગથિયા વાળા ઘાટ અહિયા પણ હતાં પરંતુ સુરક્ષા માટે પગથિયા પર થાંભલીઓ કે સાંકળોની આડશ બાંધેલી ન હતી. આંગળીના વેઢે ગણી શકાય એટલા ઓછા યાત્રાળુ હોવાથી આ તરફના કિનારા જરા સૂમસામ લાગતા હતા.
નદીના જમણા કિનારા પર એક પરિવાર સ્નાન કરી રહ્યો હતો. સ્ત્રી- પુરુષોના શરીર પર વસ્ત્રો ચપોચપ ચોંટી ગયા હતા. સ્ત્રીઓની સાડીના પાલવ અને પુરુષોના ચટાપટા વાળા લેંઘાના મોટામોટા પાયસા પવનને કારણે ફફડતા હતા. બે ટાબરિયા નહાવાની આનાકાની કરતા હતા ત્યાં જ એમની મમ્મીઓ પરાણે એના પર પ્લાસ્ટિકના લોટા વડે પાણી રેડવા લાગી. બાળકો ઠંડા પાણીથી ગભરાઈને પગથિયા ચડીને ભાગવા લાગ્યા. એમની મમ્મીઓએ એમને ચડ્ડી ખેંચીને પાછા વાળ્યા અને ફરી એમના પર પાણી રેડવા લાગી. મને થયું ‘આવી શું જીદ?’ ત્યાં તો અંદરથી દલિલ આવી. ‘અહિયા પાપ ધોવા તો લોકો આવે છે.’ મેં સામી દલિલ કરી ‘બાળકોને વળી શેના પાપ?’ જવાબ આવ્યો ‘અજાણતા થયેલા પાપ.’ હવે કશું બોલવાનો અર્થ ન હતો. સ્ત્રીઓ પોતાના પર, પુરુષો પર અને બાળકો પર પાણી ઢોળ્યે જતી હતી અને સૌ સાગમટે પાપમુક્ત થઈ રહ્યાં હતાં.
તડકો વધારે આકરો થયો તેથી મેં માથા પર દુપટ્ટો ઓઢી લીધો. હવે નજરને ડાબા કિનારા પર દૂર સુધી ફેરવી. એ તરફના પગથિયા પર કુર્તો પાયજામો પહેરેલી એક યુવતિ સિવાય કોઈ ન હતું. મેં નજરને એ યુવતિ પર સ્થિર કરી. એનો ચહેરો સરખો દેખાતો ન હતો પણ એ પાણી સામે એકધારું જોઈ રહી હતી એ આટલે દૂરથી પણ દેખાઈ આવતું હતું. એના ગોઠણ સુધીના પગ પાણીમાં હતાં. એના જાંબુડી રંગના ઢીલા પાયજામાના પાયસા પાણીની સાથે વહી જવા મથામણ કરતા હતાં. એના ગુલાબી કુર્તાની ચાળ ભીની થવાને લીધે પગ સાથે ચોંટી ગઈ હતી. એણે પાણી પરથી નજર હટાવી પાસે રહેલો પ્લાસ્ટિકનો લોટો હાથમાં લીધો, નીચે નમીને લોટામાં પાણી ભર્યુ અને ઊભી થઈ. સૂર્ય તરફ એટલે કે મારા તરફ મોં રાખીને એણે આંખ મીંચી દીધી. સૂર્યને અર્ઘ્ય અપાઈ રહ્યો હતો. ઝળહળતાં કિરણો એના ચહેરા પર પડ્યા એ સાથે જ એનો ચહેરો સરખો દેખાયો, હું ચમકી, કંઈક જાણીતો અણસાર આવતાં જ મેં ફટાફટ ગોગલ્સ ઉતાર્યા. એના ચહેરા પર નજર સ્થિર કરી. હવે ચહેરો સ્પષ્ટ દેખાયો. ‘ઓહ… આ તો રંજુ! આ તો એ જ ! હા એ જ… રંજુ…‘ મારાથી હળવી ચીસ નંખાઈ ગઈ. ગંગા સડસડાટ મારામાંથી આરપાર નીકળી ગઈ હોય તેમ લખલખું આવી ગયું. હું સ્થિર હતી, અવાચક હતી. પુલ નીચેથી પસાર થતું પાણી મારા પગ નીચેથી ધડધડાટ પસાર થતું અનુભવી રહી.
એ હજુયે બંધ આંખે સૂર્ય તરફ મોં રાખી ઊભી હતી. એના હાથ જોડાયેલા હતા. હું ત્રાટક કરતી હોઉં એમ એના તરફ એકધારું જોઈ રહી હતી. અચાનક નદીનો વિશાળ પ્રવાહ કેનવાસ પેપર બની ગયો અને હું એના પર રચાતા, ભૂંસાતા દૃશ્યોને જોઈ રહી.
પડોશના બંધ મકાનનું ખુલી રહેલ તાળું, ટ્રેકટરમાંથી ઉતરી રહેલો સામાન, બાજુના ઘરમાં ભાડે રહેવા આવેલ પરિવાર, લાગણીશીલ પતિ-પત્ની ત્રિલોકભાઈ અને શ્રદ્ધાબહેન, તરુણ વયના દીકરો-દીકરી અનુપમ અને રંજુ, અમે બે વત્તા એ ચારનું સ્નેહસભર સાયુજ્ય, એકબીજાના ઘરમાં વધતી જતી અવરજવર, ચાથી શરુ થયેલો ગોળપાપડી સુધી કોળાયેલો સંબંધ.
એક પછી એક દૃશ્યો પસાર થઈ રહ્યાં હતાં. મોટી આંખોવાળી, લાંબુ ફ્રોક પહેરેલી, બે ચોટલા ઝુલાવતી રંજુ દેખાઈ એ સાથે જ દૃશ્ય સ્થિર થઈ ગયું. ગંગાનો પ્રવાહ કોઈએ મંતર ફૂંકીને બાંધી લીધો હોય તેમ અટકી ગયો. રંજુની છબી ગંગાના વિશાળ પટ પર લહેરાઈ રહી હતી. તાજીતાજી જુવાનીએ વેરેલી ગાલ પરની ચમક, શરીર પર ઊગી રહેલી ગોળાઈ, આંખમાં જન્મેલું નર્તન અને એના આખાય વ્યક્તિત્વની ચુંબકીય આભા પડદા પર અદ્દલ ઝીલાઈ હતી. હું અકળાઈ ગઈ. થયું કે બસ… આ બધું અહિયા જ સ્થિર થઈ જાય. આગળ કશું જ ન બને અને હું અહિયા જ મૂર્તિ બનીને ખોડાઈ જાઉં. પણ ગંગાનો પ્રવાહ ફરી વહેવા લાગ્યો ફરી એ કેનવાસમાં તબદીલ થયો અને એના પર દૃશ્યો બદલાવાં લાગ્યાં. બન્ને ઘરની જોડાજોડ અગાશી, એ અગાશી પર ઝળુંબી રહેલ લીમડો અને ગુલમહોર, અગાશી પરનો અમારો રળિયામણો ઓરડો, દર પૂનમે રંગમહેલમાં ફેરવાઈ જતા એ ઓરડામાં ઉજવાયેલી અનેક મધમીઠી રાત્રિઓ !
એ ઓરડો દેખાયો એ સાથે જ મારી છાતી બેસી જવા માંડી. એ ઓરડાના બદલાયેલા રંગરૂપ મારે નહતા જોવા છતાંય પ્રવાહ વહેતો રહ્યો અને દૃશ્યો બદલાતાં રહ્યાં. દિવાલ પર લટકતું બ્લેકબોર્ડ, ગણિતના અઘરા દાખલા અને વિજ્ઞાનના પ્રયોગો શીખવતો સંજય, આજ્ઞાંકિત વિદ્યાર્થીની બનેલી રંજુ, કાળા બોર્ડ અને સફેદ ચોકની જામતી જતી જુગલજોડી, વિજ્ઞાન અને ગણિત સાથે ઉમેરાતો જતો કોઈ નવો જ વિષય, ગુરુશિષ્યનો બદલાતો જતો રંગ.
હું ખળભળવા લાગી…
મને દેખાયો મારો રંગમહેલ. એમાં દેખાયા એકમેકના અસ્તિત્વમાં ઓગળી ગયેલા બે પડછાયા… એક રુંવાટીભર્યો જાણીતો હાથ એક અજાણી નાજુક કમરમાં લસરવા લાગ્યો… એક ઘેઘુર વૃક્ષને કુમળી વેલ વીંટળાઈ વળી… ઘંટડીઓ રણકતી હોય એવું મધુર હાસ્ય સંભળાવા લાગ્યું… મારી છાતીમાં કોઈ રથ દોડી રહ્યો હતો, હું પડતી આખડતી એની પાછળ ઘસડાવા લાગી, ગંગામાં વમળો પર વમળો રચાવા લાગ્યાં, આખી નદી ગોળગોળ ઘૂમરીઓ ખાવા લાગી.
એ ઘૂમરીઓમાં સંજય સાથેનો ઝગડો, નફ્ફટાઈથી મલકી રહેલી રંજુ, જૂદા થયેલા મકાન અને મન, રંગમહેલમાંથી ખંડેર બનેલો ઓરડો, સૂકાઈ ગયેલો ગુલમહોર અને આડેધડ વધેલા લીમડો આ બધું જ અમળાઈ રહ્યું હતું.
મેં આંખો મીંચી દીધી. સાતસાત વર્ષથી પુરુષના સ્પર્શવિહોણી કમર, રંગ્યા વગરના ભૂખરા વાળ, બેફામ વધી ગયેલું શરીર, શણગાર વગરનો દેહ! મારી બંધ આંખના અરીસામાં હું મને જોઈ રહી હતી. આંખમાથી પૂરપાટ પ્રવાહ વહેવા લાગ્યો, હું રેતીના ઢગલાની જેમ ભાંગી પડી. સૂર્યનો તાપ અતિશય વધી ગયો. ગંગાનો પ્રવાહ વહેવા લાગ્યો. બંધ આંખના અને ખુલ્લી આંખના બધા જ દૃશ્યો એમાં વિલીન થઈને વહી ગયા પરંતુ મારા મન પરના ઉઝરડાને માંડ વળેલા ભીંગડા ઉખડી ગયાં.
થોડીવારે જરાક સ્વસ્થ થઈ, પર્સમાંથી બોટલ કાઢી પાણી પીધું. મારે રંજુને સરખી જોવી હતી તેથી મોબાઈલ બહાર કાઢ્યો. કેમેરા ઓન કરીને ઝૂમ કર્યો. હવે એને સ્પષ્ટ જોઈ શકાતી હતી. સાત વર્ષના પ્રવાસનો પ્રભાવ એના શરીર પર વર્તાતો હતો. લંબાઈ વધી હતી, ચહેરો લંબગોળ થયો હતો, વળાંકો વધારે ઊંડા થયાં હતાં. ગોળાઈ વધારે ઉપસી આવી હતી. વ્યક્તિત્વમાં રહેલું ચુંબકીય તત્વ યથાવત હતું. મેં નોંધ્યું કે કપાળ પર, સેંથા પર કે ગળામાં સૌભાગ્યના કોઈ ચિન્હો ન હતાં. એનો ચહેરો હજુ સૂર્ય તરફ જ હતો. આંખો મીંચાયેલી અને હાથ જોડાયેલા હતાં. એણે માથું નમાવ્યું અને ફરી પગથિયા પર બેસી ગઈ. નીચા નમીને પ્લાસ્ટિકનાં લોટામાં જળ ભર્યુ. વાળ ખુલ્લા કર્યા અને માથા પર જળ રેડ્યું એ સાથે જ મારાથી ગાળ બોલાઈ ગઈ ‘વંઠેલ સાલ્લી… મારા જેવી કેટલીના ઘર બરબાદ કરીને ગંગાસ્નાન કરવા આવી હશે!’ એણે બીજો લોટો ભર્યો, કુર્તાને ગળા પાસેથી આગળની તરફ ખેંચ્યો અને આખો લોટો કુર્તાની અંદર ઠાલવી દીધો. ગંગાજળ એની છાતી અને પેટ પર ફરી વળ્યાં. કુર્તો શરીર પર ચોંટી ગયો એ સાથે જ એનું ઉપસેલું પેટ દેખાઈ ગયું મને ઘૃણા થઈ આવી ‘અરરર… આ હલકટ કોનું પાપ લઈને ફરતી હશે!’ એણે ત્રીજો લોટો ભર્યો, ઊંડો શ્વાસ લઈ પેટ અંદર ખેંચ્યું કુર્તો ઊંચો કર્યો અને ઝડપથી પાયજામાની અંદર લોટો ઠાલવી દીધો. જુગુપ્સાની હદ આવી ગઈ. ‘રખડેલ સાલ્લી… પાયજામાના પાપ અહિયા ધોવા આવી છે? આવીઓના પાપ તો ગંગા ય ન ધોવે.’ એ હવે માથાથી પગ સુધી ગંગાજળથી તરબોળ હતી.
મારા મોંમા લીમડો ચાવતી હોઉં એવો સ્વાદ આવવા લાગ્યો. મારી અંદર કશુંક તીવ્રતાથી વળ ખાઈ રહ્યું હતું પરંતુ એને અવગણીને મેં રંજુ પર નજર ટેકવેલી રાખી. મારા સિવાય આસપાસ એવું કોઈ ન હતું જે આ કુલ્ટાના કૃત્ય જોઈ શકે. સામેના ઘાટ પરથી પેલો પરિવાર જતો રહ્યો હતો એટલે બન્ને ઘાટ પર કુલ મળીને એકલી રંજુ જ હતી. પગથિયા પર થોડીવાર એમ ને એમ બેસી રહ્યાં પછી એણે આજુબાજુ જોયું પછી આકાશ તરફ જોયું અને બેઠાંબેઠાં જ એક પગથિયું નીચે ઉતરી. ત્યાં બેસીને જ પોતાની બન્ને હથેળીઓને ખુલ્લી કરીને એમાં જોતી રહી પછી ગંગા પર દૃષ્ટિ સ્થિર કરી. ફરી એક પગથિયુ ઉતરીને એ છેલ્લા પગથિયા પર આવી ગઈ. હવે એ છાતી સુધી પાણીમાં ગરકાવ હતી. ફિલ્મનો કોઈ સ્ટંટ સીન ચાલતો હોય તેમ હું એકધારું એની સામે જોઈ રહી હતી. એણે બે હથેળી ભેગી કરી, આંખો બંધ કરી અને અચાનક જ કોઈ માછલીની જેમ હળવેકથી શરીરને પાણીમાં સરકાવી દીધું.
માત્ર એક જ ક્ષણમાં એ ઘટના બની ગઈ. ફિલ્મ ઓચિંતી પૂરી થઈ ગઈ. હું સ્તબ્ધ હતી, આઘાતગ્રસ્ત હતી. મેં ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાતસાત વર્ષથી બાઝેલા ડૂમાએ એ ‘ખબરદાર’ કહીને ચીસને ત્યાં જ ગુંગળાવી નાંખી. જાંબુડી અને ગુલાબી રંગના વસ્ત્રો સહિત ચમકતાં ગાલ, લચકતી ચાલ, કમનીય કમર અને મારકણી નજર ધસમસતા વહેણમાં તણાઈ રહ્યા હતાં. જરાક ઉપસેલા પેટ સાથે વહી જતી કાયાએ મારી અંદર હાહાકાર મચાવ્યો છતાં પેલા બંધ આંખના અરીસામાં દેખાયેલા દૃશ્યોએ મને હિંમત આપી, મારી ડામાડોળ અવસ્થાને સંકોરવામાં મદદ કરી. મેં સ્વસ્થ થવાના પ્રયત્નરૂપે હળવો ખોંખારો ખાઈ આજુબાજુ જોયું. કોઈની નજર આ તરફ ન હતી. મેં ઠંડા કલેજે મોબાઈલ પર્સમાં મૂક્યો. બધુ ભૂંસી નાંખવું હોય તેમ ચહેરા પર હાથ ફેરવ્યો અને આંખ પર ફરી ગોગલ્સ ચડાવ્યાં. મોંમા ફેલાયેલી લીમડાની કડવાશને થૂંકી નાંખી. આસપાસ સળી શોધવાનો પ્રયત્ન કર્યો, ન મળતા પર્સમાંથી ટૂથપીક શોધી કાઢી. અંગુઠા અને આંગળી વડે એને જોરથી દબાવતાં જ એ તડાક દઈને તૂટી ગઈ. જરા સારું લાગ્યું.
હું જાતને સામેની રેલિંગ પર લઈ ગઈ. હવે નજર સામે સૂર્ય અને પાપનાશિની ગંગા હતી. મેં એકીટશે સૂર્ય સામે, ગંગા સામે, પડિયા સામે જોયે રાખ્યું. ગંગાનો પ્રવાહ વધતો જતો હતો. પગથિયા પરના પડિયાને હળવી છાલક લાગતી હતી અને એ જવુંજવું થઈ રહ્યો હતો. મને વધારે સારું લાગી રહ્યું હતું.