કવિતા ૧. આત્મનિર્ભર નારી – કૃપાલી કામળિયા

નયનોના નીર વછૂટયા અંતરના પડદા તોડી,

આત્મીયતા ગંઠબંધનની ન છૂટી તારી નારી.

વ્યોમની કિરણોને ચાંદની શોધે પગલી પાડી,

તળથી શિખરની સફરમાં પાર ઉતરી નારી.

વિશ્વાસ અને લાગણીના બીજને તે શોધી,

સંબંધોમાં સત્ય, પ્રેમની ફસલ તે વાવી નારી.

સ્વપ્ન પૂરા કરવા રાત દિન દોડયા સૌ મોજી,

સમયનું પૈડું ફેરવી ચલાવી જીવનચક્કી નારી.

ખેલાતા હતા ખેલ વ્યવહારમાં મીઠી વાણી,

કપટ સામે આત્મનિર્ભર બની ઊભી નારી.

બારેમાસ સુખ-દુઃખની અટારીમાં બલિ તારી,

હૈયે ધરપત રાખી અડીખમ બની સદા નારી. 

વરસાવે અનરાધાર માતૃધારાની છાંય એની,

જન્મોજનમનાં કોડ સેવી જીરવીજાણે નારી.