નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર એવી બહુરંગી પ્રતિભા ધરાવતા ચુનીલાલ મડિયા ગુજરાતી સાહિત્યમાં ચિર:સ્મરણિય સ્થાન ધરાવે છે. મડિયાએ સર્જેલા સાહિત્યએ તેમને અનોખા સાહિત્યકાર તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે તેમનું પ્રદાન બહુ આયામી છે. તેઓએ બારેક જેટલા વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ધૂધવતાં પૂર’ ૧૯૪૫માં પ્રગટ થયો હતો તેમાં પ્રકાશિત થયેલી વાર્તા ‘કમાઉ દીકરો’ માત્ર મડિયાની જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્યની ઉત્તમોત્તમ વાર્તા છે. આ વાર્તામાં મડિયાની સર્ગશક્તિનો પ્રબળ આવિષ્કાર થયેલો છે. પાલતુ પાડાની કામવાસના પર જ્યારે તેનો માલિક કે પાળનાર વધુ પૈસાના લોભે-લાલચે તેના આવેગ પર અંકુશ મૂકે છે ત્યારે કેવું પરિણામ આવે છે તે આ વાર્તામાં મડિયાએ કલાત્મકતાથી દર્શાવ્યું છે. પશુની તીવ્ર કામેચ્છા અને માનવીની ધનલાલસા આ બે આવેગોને મડિયાએ વાર્તામાં સમાન બિંદુએ રજૂ કર્યા છે. વાર્તાનું કથાવસ્તુ ટૂંકમાં જોઈએ.
- કથાવસ્તુ :
ગલાશેઠને ત્યાં ભેંસ ગાભણી થઈ એટલે તેને અધણિયાત વહૂની જેમ સાચવે છે. શેઠની પાડી આવવાની આશ સામે ભેંસ પાડાને જન્મ આપે છે. લોકલાજે આ અણગમતા પાડાને શેઠ પોતાના વાડામાં રાખે છે પરંતુ સમય જતાં તેનો ખોરાક પણ વધતાં ગલાશેઠ તેને પાંજરાપોળમાં મુકવાનું નક્કી કરીને નીકળી પડે છે રસ્તામાં તેમને લખુડો ગોવાળ પોતાના ખાડાયા સાથે સામો મળે છે. ત્યાં પ્રથમ વાર પાડાની કામવાસના અને શેઠની લાલચના દર્શન થાય છે. ગલાશેઠ એક કાંકરે બે પક્ષી મારતા હોય એમ પાડાને લખુડાને સોંપી ઉપરથી તેના દ્વારા દવરામણના અડધા પૈસા પોતાને મળે એવું નક્કી કરે છે. તો પાડો લખુડાના ખડયાને જોઈને રણકીને ઊભો રહી જાય છે. લખુડો પ્રાણીનો પરખંદો આદમી એની દુર્દમ્ય વાસનાનો રણકો પારખી જાય છે. આ પાડો તો હજુ ‘પાડરડું’ છે ત્યાં એના આવા લખણ જાણીને તે ડચકારે-ફટકારે છે પણ પાડો ત્યાથી ખસતો નથી જાણે એના પગમાં મણ-મણના સીસાના ઢાળિયા ઢાળી ન દીધા હોય ? અહીં મડિયાએ ભેંસના શરીરનું સુંદર આલેખન આપી પાડાની પ્રબળ બનતી કામેચ્છાનો બહુ સૂચક રીતે નિર્દેશ કર્યો છે.
લખુડો આ પાડાને ખવરાવી-પીવારવી મોટો કરવા લાગે છે. પોતાના મૃત પુત્રની છાયાઓ આ પાડામાં જૂએ છે અને પોતના પુત્રના નામ પર પાડાનું નામ ‘રાણો’ રાખી દવરામણના વ્યવસાયે ઘડપણનો રોટલો આપશે એમ સમજી વાત્સલ્યભાવે ઉછેરે છે. આ દરમિયાન મડિયા પાડાની જાતિયતાને ક્રમશ: ઉત્કટ બનતી કુશળતાપૂર્વક આલેખે છે. એક રાત્રીએ લખુડો સફાળો જાગીને જૂએ છે તો પાડો ખીલો ઉખાડીને ખડાયાના વાંસા સાથે પોતાનો વાસો ઘસતા જૂએ છે. ગલાશેઠને ત્યાં જન્મેલા પાડામાં સંસ્કાર પણ શેઠના હતા એવું મડિયા સૂક્ષ્મ રીતે કંડારી આપે છે. રાણો જુવાનીમાં આવતા લખુડો ચેતી જઈને નાકમાં નાકર અને પગમાં તોડા નખાવે છે પાડાનું કદાવર શરીર જોઈને લખુડો પણ બીકમાં રહે છે. ગલાશેઠ સાથે બે રૂપિયા ભાવ નક્કી કરી દવરામણનો વ્યવસાય આરંભે છે. દવરામણમાં રાણાની ખ્યાતિ વધતાં લખુડાની આબાદી-સમૃધ્ધિ પણ વધી. લખુડાની આવી આબાદી ગલાશેઠથી જીરવાતી નથી. ગલાશેઠની ધનલાલસા અને પાડાની કામવાસના સામંતરે વધતી જોઈ શકાય છે.
એકવાર સનાળીના ગામ પટેલ પોતાની ભગરી ભેંસ રાણા પાસે દવરાવવા આવે છે ત્યારે શેઠની લાલચ ચરમ સીમાએ પોહચે છે. રાણો પણ તૈયાર હતો તેને રોકવો પણ હવે શક્ય ન હતો ત્યાં ગલાશેઠ વધુ પૈસાની લાલચમાં આવીને દવરામણ અંગે ભાવ-તાલ કરે છે. લાલચની આડમાં તે લખુડા દ્વારા મળતી ચેતવણી સામું પણ જોતાં નથી. અને સનળીના ગામ પટેલ પોતાની ભગરી ભેંસને પાછી લઈ જાય છે ત્યાં પાડો રાણો નાકની નથ તોડે છે અને વિફરે છે અને લખુડા પાછળ યમ બનીને પડે છે. એ પાડાને શું ખબર? કે એને રોકનાર લખુડો નહીં પણ શેઠ છે. અને તે લખુડાને મારીને જ ઝંપે છે. શિંગડું મારીને એના પેટના આંતર બહાર કાઢી નાંખે છે અને તેના લોહીના ભરાયેલા ખાબોચિયામાં પેસાબ કરે છે.આટલું કથાનક વાર્તાકારે યોજયું છે.
- પાત્રસૃષ્ટિ:
આ વાર્તાના પાત્રોની વાત કરીએ તો બે માનવીય પાત્રો ગલાશેઠ, લખુડો ગોવાળ અને માનવેતર પાત્ર રાણો(પાડો) મુખ્ય છે. આ સિવાય ગામલોકો, છોકરાઓ અને સનાળીના ગામ પટેલ ગૌણ પાત્ર તરીકે આવે છે. સમગ્ર વાર્તા ગલાશેઠ અને પાડો રાણો આ બે પાત્રના કેન્દ્રબિંદુએ રચાઇ છે. તો આ બન્ને પાત્રની લાલસા-વાસનાનો ભોગ બનતો લખુડો નિર્દોષ પાત્ર તરીકે ચરિતાર્થ થયું છે.
ગલાશેઠ: વાર્તાના આરંભમાં જ આપણને ગલાશેઠનું પાત્ર મળે છે. તે પોતાની તે પોતાના વાડાની ભેંસને પાડી આવશે એવ આશયથી તેની અધણિયાત વહુની જેમ ચાકર કરે છે પણ ભેંસને પાડો આવે છે. પોતાને દવારામણના પૈસા માથે પડ્યા છત્તા એ પાડાને પાંજરાપોળમાં મુકવાનું ટાળે છે એની પાછળની જીવદયાની ભાવનામાં વાસ્તવમાં ‘ઘરની આબરૂ’ નો સવાલ છે. ગલાશેઠ જુદી પ્રકારની લોભી વ્યક્તિ છે. એ પાડો કોઈને એમને એમ આપી દેવા માગતા નથી. આથી પાડાને પાજરાપોળમાં મુકવા જતાં રસ્તામાં લખુડો ગોવાળ મળે છે અને પાડાની માંગણી કરે છે ત્યારે શેઠ પાડો મોટો થાય ત્યારે એના દ્વારા થતાં દવારામણના અડધા પૈસા પોતાને મળે –એમ એક કાંકરે બે પક્ષી મારે છે. તેથી તે લોભીની સાથે ચાલાક વ્યક્તિ પણ છે. પાડાના દવરામણ દ્વારા વધતી જતી લખુડાની આબાદીને તે જીરવી શકતા નથી. આથી દવારામણના બે ના બદલે અઢી રૂપિયા ભાવ કરે છે. ગલાશેઠની પૈસાની લાલસા-લોલુપતાને મડિયા એ ક્રમશ: ધપતી દર્શાવી છે. જ્યારે સનાળીના ગામ પટેલ તેની ભેંસ દવરાવવા આવે છે ત્યારે શેઠની ધનલોલુપતા ચરમસીમાએ પોહચે છે. તે સનાળીના ગામ પટેલને દવરામણના અઢી ના બદલે ત્રણ રૂપિયા કહી ભાવતાલ સંદર્ભે રકજક કરે છે તેમાં તેમનો કંજૂસ સ્વભાવ જોઈ શકાય છે. તે વધુ પૈસાની અંધ લાલચમાં લખુડા દ્વારા મળતી ચેતવણીઓને પણ સાંભળતા નથી. તેમની આ લાળચનું પરીણામ નિર્દોષ લખુડો ભોગવે છે.
લખુડો: ગલાશેઠ પાડાને પાંજરાપોળે મુકવા જાય છે ત્યારેરસ્તામાં તેને લખુડો ગોવાળ મળે છે. લખુડો પશુપ્રેમી અને પશુપારખું વ્યક્તિ છે આથી જ તે પોતાના ખડાયા પર પાડાની વાસનાને પારખી લે છે. પશુપ્રેમી સ્વભાવે તે શેઠ પાસે પાડાને માંગી લે છે અને શેઠ દ્વારા થતાં દવરામણના અડધા પૈસે પણ ભોળા ભાવે સ્વીકારે છે. તે પાડાને ઉછેર કરે છે તે પાડામાં તેને પોતાના મૃત પુત્રની છાયાઓ દેખાય છે આથી તે પાડાને પોતાના દીકરા “રાણો”નું નામ આપી વાત્સલ્યભાવે લાલન-પાલન કરે છે. એક રાત્રે તે પાડાને ખડાયા સાથે વાસો ઘસતા જોઈ તેનાથી ચેતી જઈને તે રાણાને નાકમાં નથ અને પગમાં તોડા નખવે છે. રાણાએ ખાય-ખાયને જે લોહી ભેગું કર્યું છે તે જોઈ લખુડો ડરે છે તે જાણે છે કે-‘ કોઈ માણસને શીંગડું ઉલાળીને ભોંય ભેગો કરશે તો જાતે જનમારે કપાળે ટીલડી ચોટશે.’ લખુડાને એક દહેશત પણ છે જે વાર્તાના અંતમાં આકાર પામે છે-‘કોક દિવસ રાણાની આંખ ફરકશે તો મારા તો સો યે વરસ એક ઘડીમાં પૂરા કરી દેશે.’ રાણો તૈયાર થતાં તે દવરામણનું કામ શરૂ કરે છે. રાણાની ખ્યાતિ વધી લખુડાની રૂપિયા દ્વારા આબાદી વધી. રાણો લખુડા માટે કમાઉ દીકરો બન્યો. એક સમયે કરેલા પાડાના બચાવ પરથી જીવનની ધન્યતા અનુભવવા લાગ્યો. સનાળીના ગામ પટેલ તેની ભેંસ દવરાવવા આવે ત્યારે એને હર્ષ નથી સમાતો પણ ગલાશેઠ તેને રોકે છે. શેઠની કંજુસાઈ તેને ગમતી નથી. કામલોલુપ પાડાને રોકવો શક્ય નથી તે રાણાના વધતાં જોરને પારખી શેઠને વારે–વારે ચેતવે છે. અંતે રાણો વિફરે છે. નથ ફોયણા સહ તોડી લખુડા પાછળ ધસી જાય છે. લખુડો ભાગે છે પરંતુ રાણો તેના પેટમાં શીંગડું મારે છે અને લખુડાનું મૃત્યુ થાય છે. આમ, નિર્દોષ લખુડાનું પાત્ર સ્પર્શક્ષમ બન્યું છે. એકની ધનલાલસા અને બીજાને જેને પુત્ર તરીકે રાખ્યો એની કામવાસના વચ્ચે નિર્દોષ લખુડાનું લોહી રેડાય છે. આ પાત્ર દ્વારા મડિયા પોતાની વાર્તાના મર્મને સ્ફુટ કર્યું છે.
રાણો(પાડો): વાર્તાનું શીર્ષક જે પાત્રમાં કેન્દ્રસ્થ છે એ મહત્વનુ માનવેતર પાત્ર પાડા રાણાનું છે. ગલાશેઠને ત્યાં જન્મેલા અને લખુડા પાસે ઉછરેલા પાડાની જાતિયતાને મડિયાએ ક્રમશ: ઉત્કટ બનતી વાર્તામાં કુશળતા પૂર્વક આલેખી છે. પહેલી વાર ખડાયાને જોઈ રણકીને ઊભો રહી ગયેલો પાડો એના જાતિય આવેગનો પહેલો સંકેત આપે છે. મધરાતે ખીલો ઉખેડીને ખડાયાના વાંસા સાથે પોતાનો વાંસો ઘસતો રાણો બીજો સંકેત આપે છે. એ દ્વારા ચેતેલો લખુડો એના પગમાં તોડા અને નાકમાં નાકર પહેરાવે છે. રાણાના ખાઈ-ખાઈને લોહી જામેલ કદાવર શરીરથી ગામલોકો અને ખુદ લખુડો પણ ડરે છે. આથી લખુડો ભેંસ દવરાવવાનું કાર્ય શરૂ કરાવે છે. જ્યારે સનાળીના ગામ પટેલ તેની ભગરી ભેંસ લઈને તેની પાસે દવરાવવા આવે છે ત્યારે રાણાની કામવાસના ચરમસીમાએ પહોંચે છે. શેઠના ભાવતાલ સંદર્ભેની રકજકની તેને શું જાણ? એને શું ખબર કે તેને રોકનાર લખુડો નહીં પણ શેઠ છે ! તે તો નાકર ફોયાણા સમેત તોડી પોતાના જ રખેવાળને મારવા સુધી ઘસી જાય છે અને તેને માર્યા પછી જ જંપે છે લખુડાના પેટમાં શીંગડું ભરવી તેનું આંતર બહાર કાઢી નાંખે છે. એટલુ જ નહીં લખુડાના લોહી વડે ભરાયેલા ખાબોચિયામાં ઉનો-ઉનો પેશાબ પણ કરે છે. પોતાની ઉત્તેજિત કામેચ્છાને રોકનારનો તેણે પૂરેપૂરો બદલો લીધો. મડિયા દ્વારા કામાંધ રાણાનું પાત્રાલેખન અસરકારક અને જીવંત બન્યું છે જે ગલાશેઠ અને લખુડાના પાત્ર કરતાય વધુ અસર જન્માવે છે. આદિમ વૃતિ માણસ હોય કે પશુ તેણે ભાન ભુલાવી દે છે તે આ પાત્ર દ્વારા ચરિતાર્થ કર્યું છે.
- સંવાદ:
મડિયાની વાર્તામાં સંવાદકલાનું તત્વ સુંદર રીતે ખીલેલું જોવા મળે છે. પાત્રોના સંસ્કાર,વિકાસ અને વ્યક્તિત્વને અનુરૂપ સંવાદોનું આયોજન જોવા મળે છે. સંવાદો પાત્રોના મનોજગતને પારદર્શક રીતે અભિવ્યક્ત કરે છે. વાર્તાના થોડાક સંવાદો જોઈએ-
લખુડો :- શેઠ આ પાડાને હવે પાંજરાપોળ મોકલવો રહેવા દિયો, ભલે મારે વાડે
મોટો થાય. સામટું ખાડું બાંધ્યું છે એમાં આનો ખીલો એક વધારે.
ગલાશેઠ :- તું એને શું કરીશ?
લખુડો :- હું એને ખવરાવી-પીવરાવી મોટો કરીશ. મારે આમેય ભેંસું દવરાવવા
સાટું મુંજવણ તો ટળશે. આજે ઠીક જોગેજોગ જડી ગયો, બાપલા !
ગલાશેઠ :- જા, તું કમાઈ ખા !
લખુડો :- કમાવવાની તો કોને ખબર છે? કે’દી મોટો થાય ને ગામ એની પાસે
ભેંસું દવરાવે ને મને રૂપિયો રાડો મળતો થાય? પણ હમણાં તો મારે
હાથહાથની કાતરિયુંવાળા મોંઘા થાડા રાડા એને નિરવાના જ ને?
ગલાશેઠ:- દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું જડે?
લખુડો :- દવરામણના અડધા ફદિયા તમારા ને અડધા મારા, પછી?
ઉપરોક્ત સંવાદોમાં ગલાશેઠની એક કાંકરે બે પક્ષી મારવાની વેપારી બુધ્ધિ અને વ્યાપારની કળાથી સાવ અજાણ અને અભણ ગોવાળિયાનું ગામડિયાપણું તેનો નિર્દોષભાવ વ્યક્ત થાય છે. તો સનાળીના ગામપટેલની ભેંસ દવરામણના સમયે ભાવતાલ સંદર્ભેના અને રાણાની વાસનાને પારખી ટકોર કરતાં લખુડા ગોવાળના સંવાદો જૂઓ:
પટેલ :- શેઠ તમારો આવો આકારો ભાવ અમને નહીં પોષાય, જોઈએ તો અઢી
રૂપિયા આપું.
ગલાશેઠ:- અરે ત્રણ રૂપિયાની માથે આનો એક લટકાનો આપવો પડશે. સાત
વાર ગરજ હોય તો આવો ને?
લખુડો:- શેઠ પાવલું, આઠ આના ભલે ઓછા આપે, રાણા સામું તો જરાક જુઓ.
ગલાશેઠ:- ના, ના એક પૈ ઓછી નહીં થાય.
પટેલ:- તો મારે પાછા જવુ પડશે.
ગલાશેઠ:- તો રસ્તો પાધરો પડ્યો છે.
પટેલ :- આમરે તમારા રાણા વિના પડ્યું નહતી રહેવાનુ, તમે ને તમારો રાણો
રહો તમારે ઘેર, અમે ભલા ને અમારી ભેંસ ભલી. તેરેકો માંગન બહોત
તો મેરેકું ભૂપ અનેક.
લખુડો:- શેઠ આઠ આનરડીના લોભમાં પડોમાં ને આ જનાવરની આંખ સામે તો
જરા નજર કરો.
- સમાજદર્શન:
ચુનિલાલ મડિયા વાસ્તવના આગ્રહી વાર્તાકાર હતા. સામાજિક સ્થિતિનું નર્યું વાસ્તવ નિરૂપવામાં તેઓ માનતા. સામાજિક નિતિમત્તા અને નૈતિક મૂલ્યોની જાળવણી પણ મડિયાની એક સામાજિક રૂચિ છે. ‘કમાઉ દીકરો’ વાર્તામાં મડિયાએ સોરઠના ગ્રામીણ સમાજને આલેખ્યો છે. ખાસ કરીને ગામડાની પશુપાલન જેવી આર્થિક બાબતોને તેમણે સાંકળી છે. ગલાશેઠ અને સનાળીના ગામપટેલ જેવા સમાજમાં મોભી ગણાતા પાત્રો છે તો લખુડા જેવો ગોવાળ પણ છે. ગ્રામીણ સમાજમાં પ્રવર્તમાન એવા ભેંસ દવરાવવાના વ્યવસાયને મડિયાએ એના પરિવેશ સહ રજૂ કર્યો છે.
- જીવનદર્શન:
‘કમાઉ દીકરો’માં મડિયાએ દાર્શનિક પીઠિકા પણ રચી આપી છે. એક તરફ લાલચુ ગલાશેઠ અને બીજી બાજુ કામાંધ પાડો રાણો છે. ગલાશેઠની વધુ પડતી લાલચ એની સમાંતરે કામાવેગમાં ઉદ્વિપ્ત રહેલા પાડાની વાસના કેવું પરિણામ બક્ષે છે તે મડિયાએ બતાવ્યુ છે. બન્નેમાં રહેલા આવેગો આદિમ છે, મનુષ્ય અને પ્રાણીમાત્રમાં રહેલા છે. ગલાશેઠ મનુષ્ય હોવા છત્તા પણ પોતાની લાલચને રોકી શકતા નથી. તો પ્રાણી એવા પાડા રાણાનું વિચરવું જ શું? બન્નેના આવેગનું અસંયમનું પરિણામ નિર્દોષ લખુડાના મોતના રૂપમાં મળે છે. ગમે તેવી સાર-સંભાળ અને વાત્સલ્ય ઠાલવો પણ પશુ એ પશુ જ રહે છે તેનું પણ દર્શન સહસા થઈ આવે. પાલતુ પાડાની કામવાસના પર જ્યારે તેનો માલિક વધુ નાણાની લાલચે લગામ મૂકે છે ત્યારે કેવું પરીણામ આવે છે તેનું દર્શન મડિયાની આ વાર્તા કરાવે છે.
- ભાષાશૈલી:
મડિયાએ ભાષા પાસેથી વાર્તાનું કથન, પાત્ર અને પરિસ્થિતિ ઘડવાનું કામ લીધું છે. આ વાર્તામાં માનવીની અમાનવિયતા અને પશુની પશુતાની પાશ્વાદભૂ લઈને જાતિગત આવેગો-વાસના અને લાલસા આ બે કેન્દ્રબિંદુઓ સમાન બિંદુએ રજૂ કરવા ભાષા પાસેથી મડિયાએ કુશળતાથી કામ લીધું છે. ગલાશેઠની ખોખલાઈ અને લાલચને વિચાર અને સંવાદો વડે બખૂબીથી રજૂ કર્યા છે. તો પશુમાં રહેલી વાસનાનું નિરૂપણ એની ક્રિયાઓ અને વર્તનો દ્વારા કલાત્મકતાથી કંડારી આપ્યું છે. વાર્તામાં પાડાની જાતિયતાને ક્રમશ: ઉત્કટ બનતી મડિયા આલેખે છે. આથી કામાંધ પાડો રાણો અન્ય પાત્રોની તુલનામાં વધુ અસર જન્માવે છે. વાણી-વર્તન-સંવાદ, ભાવ-વિભાવ દ્વારા નિર્દોષ, ભોળા અને પશુપ્રેમી લખુડાને તેઓ ચરિતાર્થ કરે છે જે સહજ રીતે નજરે ચડી આવે. ઘટના-પ્રસંગનું આબેહૂબ વર્ણન મડિયાએ ભાષા બળે મૂર્ત કર્યું છે એ ભેંસ દવરાવવા ગલાશેઠ અને સનાળીના ગામપટેલની ભાવતાલ સંદર્ભેની રકજક હોય કે કામાંધ થયેલા પાડા રાણાનું ગાંડપણ હોય કે તેના દ્વારા પોતાના જ પાલકનું મોત કે પરિવેશની મૂર્તતા–આદિ વર્ણનોમાં તેમની કલમ મોહરી ઊઠી છે. વાર્તા મડિયાએ વર્ણન કથનથી ધપાવી છે એમાં સંવાદોનો સહારો લીધો છે. એમાય પાત્ર મુખે જે ભાષાશૈલી છે તેમાં સોરઠી બોલીની નૈસર્ગિક તાકાત અનુભવાય છે. સોરઠી તળપદી બોલી સાથે ગદ્યમાં અલંકારીકભાષા યોજન તેમજ ‘કીડીને કણ અને હાથીને મણ’, ‘એક કાંકરે બે પક્ષી મારવા’ જેવી કહેવતો અને રૂઢિપ્રયોગોનો સમુચિત્ત ઉપયોગ તેઓ કરે છે.
- શીર્ષકચર્ચા:
વાર્તાનું શીર્ષક પાડાના પાત્રને કેન્દ્રમાં રાખીને આપાયું છે. પાડો રાણો આખી વાર્તાના કેન્દ્રમાં રહ્યો છે. વાર્તાની ઘટના આ પાડાની આજુબાજુ ગુથાયેલી છે. ગલાશેઠને ત્યાં જન્મેલા પાડાને લખુડો પોતાને ત્યાં લઈ જાય છે અને તેનામાં પોતાના મૃત પુત્ર રાણાની ઝાંખી તેને થાય છે. આથી તે પાડાને એના દીકરાનું જ નામ ‘રાણો’ આપી વાત્સલ્યભાવે ઉછેરે છે. અને આ પાડો મોટો થઈને ઘડપણનો રોટલો દવરામણના વ્યવસાયે આપશે એમ સમજી સાત ખોટના દીકરાની જેમ ઉછેરે છે. દવરામણના વ્યવસાય દ્વારા લખુડાને જતી જીંદગીએ સુખનો રોટલો પણ મળવા લાગ્યો. પાડો તેનો કમાઉ દીકરો સાબિત થયો. એની સમૃધ્ધિ પણ વધી. જો કે ગલાશેઠ માટે પણ તેને ત્યાં જન્મેલો કમાઉ દીકરો જ ગણાય. આથી આ વાર્તાનું શીર્ષક વ્યંજનાત્મક અને યથાર્થ છે.
- નવદીપ રામાનુજ
એમ.એ., નેટ, પીએચ.ડી(Pursuing)
મુલાકાતી વ્યાખ્યાતા, ભક્તરાજ દાદા ખાચર કોલેજ, ગઢડા(સ્વા.)
જિલ્લો:-બોટાદ, પીન:-૩૬૪૭૧૦