સમગ્ર ગુજરાતમાં રાજા-રાણીના ઉલ્લેખવાળા અસંખ્ય લોકગીતો ગવાતાં સાંભળવા મળે છે. આ લોકગીતોનું વિષયવસ્તુ પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, કાલ્પનિક, દંતકથાનાત્મક અને અંધશ્રધ્ધાત્મક પણ જોવા મળે છે. આવાં કેટલાંક લોકગીતોના સર્જનના કારણો તપાસતાં તપાસતાં તેના મૂળ સુધી કદાચ પહોંચી શકાય તેમ હોય છે. પણ આને માટે અવિરત પુરુષાર્થ, લગન, ખંત અને નિષ્ઠા હોવી જરૂરી છે.
સમગ્ર ગુજરાતમાં ગવાતાં આ લોકગીતો એતો વિતેલા જીવનની અશ્મિઓ છે. એ દ્રષ્ટિએ આ લોકગીતો અત્યંત મૂલ્યવાન છે. અલબત, આપણે ત્યાં હજુ આ દૃષ્ટિથી અભ્યાસો થયા નથી તે આપણું દુર્ભાગ્ય છે! લોકોમાં ગવાતાં કેટલાંક લોકગીતોમાં તો કોઇ કાળે લોકજીવનમાં ઘટેલી વિલક્ષણ ઘટનાઓ ગવાઇ છે. સામાજ જીવનમાં ઘટેલી આવી વિશિષ્ટ ઘટનાઓ સમયાંતરે અને સમાજે સમાજે શબ્દ ફેર-પાઠફેર, જુદી જુદી રીતે વણાયેલી જોવા મળે છે. વળી, આ લોકગીત કંઠોપકંઠ-પરંપરાગત રીતે સચવાયેલાં હોય છે. તેથી એક પછી બીજી પેઢી, બીજી પેઢીથી ત્રીજી પેઢી એમ ઝિલાતા હોવાના કારણે સાંભળનારની સમજફેર સમાજ ભેદે લોકગીતોની ઘટનાનું સ્વરૂપ બદલાતું રહે છે. તેમાં પંચમહાલના ભીલી લોકગીતોમાં પણ ઐતિહાસિક ઘટનાનું રૂપાંતર થયેલું જોવા મળે છે. તે બાબત આ અભ્યાસ ધ્યાને લીધો છે.
ઐતિહાસિક ઘટનાનું પંચમહાલના ભીલી લોકગીતમાં રૂપાંતરઃ—
સમગ્ર ગુજરાતમાં રાજા રાણીના ઉલ્લેખવાળા અસંખ્ય લોકગીતો સાંભળવા મળે છે. તેમાં રાજા પોતાની નગરી નગરજનોને જોવા નીકળે છે. નગરીમાં કેવી કેવી જ્ઞાતિઓ વસે છે, તેનું વર્ણન મળે છે. તો અહીં પંચમહાલ પ્રદેશના ભીલી લોકગીતોમાં પણ એવું જ વર્ણન જોવા છે. મહંમદ બેગડો પાવાગઢ ઉપર ચઢી આવ્યો ત્યારે ગઢ જીત્યા બાદ એના વખતમાં કેટલાક ભીલ પુરુષોને બંદી બનાવી પકડી ગયો હતો અ સાથે સાથે એક સુંદર ભીલ બાઇને પણ પકડી ગયો હતો તે સંબંધી એક લોકગીત છે એ લોકગીત આ મુજબ છે.
ફેરો સડ્યો મહંમદ મેઘનો રે લોલ (૨)
હાદા હાદા બતરીસ બાંદા રે
એકે હવાયા ફૂલા લોબણી રે લોલ
ફુલાં વહુને રેવા હવા મેલે રે
એકે હવાયા…..
બતરી બાંદાને ખાવા રાબડી રે લોલ (૨)
ફૂલા વહુને જમવા મોતીસર રે
એકે હવાયા …..
બતરી બાંદાને હુવા સાથરો રે લોલ (૨)
ફૂલાં વહુને હુવા પલંગ ઢોલ્યો રે(૨)
વાવોડ મારાં હૈયે નથી હારો રે
કાલે સોડાવી ઘેરે લાવહું રે લોલ (3)1
આ લોકગીતમાં બતરી બાંદા એટલે કે બત્રીસ ભીલપુરુષો અને ફૂલાં નામની સુંદર ભીલબાઇની સેવા ચાકરી કે સગવડમાં તુલના થતી જોવા મળે છે. એ જેમકે બતરી બાંદાને રેવા ઝૂંપડી તો ફુલાંબાઇને રહેવા હવા મહેલ – બતરી બાંદાને ખાવા માટે લોટની રાબડી તો ફૂલાંબાઇને ખાવા માટે મોતીસરના લાડું – બતરી બાંદાને ઓડવા માટે કામળી તો ફૂલાંબાઇને હીરના સીર– બતરી બાંદાને સુવા માટે સાથરો તો ફુલાંબાઇને સુવા માટે ઢોલીયો છે. જ્યારે છેલ્લેથી ત્રીજી પંક્તિમાં ફૂલાંવહુનો સસરો કાગળ લખીને મોકલે છે કે વહું હું મારા હૈયાથી નથી હાર્યો. તમને કાલે છોડાવીને ઘરે લાવશું એવું કહે છે. અહીં આ પ્રદેશના ભીલોમાં વીરતા, સાહસ અને પરાક્રમ જેવા ગુણો પણ જોવા મળે છે.
આ લોકગીતમાં આપણને પ્રથમ દ્રષ્ટિએ જ આ ઐતિહાસિક હકીકતની ઘટના છે એવું જણાઈ આવે છે. પરંતુ આ લોકગીત કંઠોપકઠં ઝીલાતા હોવાના કારણે એક જણ ગાય શું અને બીજી ઝીલનારી વ્યક્તિ સાંભળે શું ? તેથી કરીને પણ લોકગીતમાં નામ ફેર થતાં હોય છે. આ લોકગીતના સર્જનકાળે મહંમદ બેગડો એમ હોય પણ સમયાંતરે મહંમદ મેઘ થયું હોય એમ બનવા સંભવ છે. આ એક ઐતિહાસિક હકીકત ઘસાતાં ઘસાતાં કંઠોપકંઠ ઝીલાતાં ઝીલાતાં કેવા સ્વરૂપે, આજે સમાજમાં વિહરી રહી છે. તેનું લોકસાહિત્યના અભ્યાસીઓ માટેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
ત્યારપછી આ પ્રદેશમાં ગવાતા બીજા એક લોકગીતમાં ૧૮૬૧ પહેલાં સિંધિયા લોકોના રાજનો ઇતિહાસ જોવા મળે છે. વાગડમાં સિંધિઓની ફોજ ચઢી આવી હતી અને તેને ગઢીના રાવજી અર્જુનશીંગજીએ મારી નાંખી, તે ઘટનાનું આ ગીતમાં આલેખન થયું છે. અહીં જે લોકગીતની વાત કરી તેની કેટલીક પંક્તિઓ નીચે મુજબ છેઃ
વાગડમાં સીંદુડું વાજી રઈયું રે, અરજનસીંગ.
દેશરે દેશનો સીંદુ વાજે રે, અરજનસીંગ.
વાગડમાં તો કુંણ શુબો વાજે રે ?અરજનસીંગ
ગડ માથે અરજનહેંગજી રે, અરજનસીંગ
એણાં રે સીંદુ ને કુંણ કાડે રે ? અરજનસીંગ
એણાં રે સીંદુ ને અરજણ કાડે રે, અરજનસીંગ
ઉદેપરમાં ઉદેહેંગજી રાજા રે, અરજનસીંગ
ઉદેપરથી છાની હાંડો મોકલે રે, અરજનસીંગ
જઈને લાગી ગડની પોળે રે, અરજનસીંગ
અરજનહેંગ તો ઠેકી અસવાર થઈયો રે, અરજનસીંગ
કોટમાં તો સીંદુડું વાપર્યું રે, અરજનસીંગ
લૂંટી રે લગડીને ડેરા દીધાં રે, અરજનસીંગ
અરજનહેંગજી કોટ આવી લાગો રે, અરજનસીંગ
અરજનહેંગજી એક બે તોપો મારે રે, અરજનસીંગ
કોટવાળો ગડ તોડી પાડ્યો રે, અરજનસીંગ
અરજનહેંગજી સેતરી કામાં લીધા રે, અરજનસીંગ
સીંદીયાના શપાઈ તને વેદવું રે, અરજનસીંગ
તું રે બદલે તો પટો આલું રે, અરજનસીંગ
સીંદુડાનો મુખી શપાઈ બદલ્યો રે, અરજનસીંગ
કહળકોટ ઈનામ લખી આલ્યું રે, અરજનસીંગ
હવાહો સીંદુડા જમવા બેઠા રે, અરજનસીંગ
અરજનહેંગજી કોટમાં પેહી ગયો રે, અરજનસીંગ
હવાહો સીંદુડા મારી નાંશ્યા રે, અરજનસીંગ
અરજણહેંગે દેહમાં ડંકો કર્યો રે, અરજનસીંગ.૨
અહીં આ લોકગીતમાં ઈતિહાસ પરથી જણાય છે કે વાંસવાડાના રાવળજી પૃથ્વીસિંગજી એ સુંથના રાજા વખતસિંગજી સાથે લડાઈ કરી હતી અને તેનો મુલક જીતી લીધો હતો. પણ તેણે રાજાની કુંવરી સાથે લગ્ન કર્યા. પછી શેરગઢ સિવાયનો બધો મુલકત તેને પાછો સ્વાધીન કર્યો હતો. અને સૂંથ પર ચડાઈ કરવામાં ગડીના રાવજી ઉદયસિંગજીએ (અર્જુનસિંગજી) જે બહાદુરી બતાવી હતી તેના બદલામાં તેને એ આખું પરગણું (શેરગઢનું) ઈનામ આપ્યું હતું. આમ આખી ઐતિહાસિક ઘટના આ લોકગીતમાં સમાયેલી જોવા મળે છે. પરંતુ અહીં ‘પૃથ્વીસિંગજી’ રાજાના નામની જગ્યાએ ‘અરજણસિંગજી’ નામનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત પૃથ્વીસિંગજીના નામની જગ્યાએ ‘ઉદયસિંગજી’ શબ્દનો ઉલ્લેખ પણ થયો છે. અહીં નામમાં ફેરફાર થયેલો જોવા મળે છે. આમ ઈ.સ. ૧૮૬૧ પહેલાનો સિંધિયા સરકારના રાજનો ઇતિહાસ આપતું આ લોકગીત પંચમહાલના ભીલોનાં કંકોપકંઠ પરંપરામાં સચવાઈ રહ્યું છે.
આ પ્રદેશમાં ગવાતા બીજા એક લોકગીતમાં અંગ્રેજોના આગમનની ઐતિહાસિક ઘટનાનું આલેખન થયેલું જોવા મળે છે. તેમાં રેવાકાંઠા એજન્સીમાં સુંથરામપુર એ નાનું દેશી રાજ્ય છે. તે અસલના (સારા) વખતમાં સુંથા ભીલે વસાવ્યું હતું. અને તેનાં જ તાબામાં હતું. તેના હાથમાંથી જ્યારે પડી ગયું ત્યારે એની મોટી રાણી સુંથને શિખામણ આપે છે અને હઠ પકડે છે કે ગમે તે થાય પણ સુંથની ધરતી તો મારા જ હાથમાં રાખું. સુંથની આજુબાજુ અંગ્રેજ રાજ્ય આવેલું હતું અને તેની વચ્ચે સુંથને ઘેરી લે છે.
અહીં જે લોકગીતની વાત કરી તે લોકગીત આ મુજબ છેઃ
ફરતાં ફરતાં ફરેંગી આયા (૨)
વસમાં ઘાલી સુંથરે . . . રાવળજીની સાહેબી
મને હાંસી વાલી લાગે.
બડી રાંણી રે ને બોલ્યા (૨) હામળો રાજા
વાત રે . . . રા.
મકનો હાથી ડંડમાં આલું (૨) ધરતી રાખું હાથરે . . . રા.
ગળા કેરો હાર આલું (૨) ધરતી રાખું હાથ રે . . . રા.
હાથનાં મોરીલાં આલું (૨) ધરતી રાખું રે . . . રા.
કેડાંની કટારી આલું (૨) ધરતી રાખું હાથ રે . . .રા.3
આ લોકગીતમાં એવું જોવા મળે છે કે બ્રિટિશશાસન પહેલાં આ પ્રદેશમાં ભીલોનું રાજ હતું. ત્યારપછી ફરેંગી એટલે કે ફિરંગીઓ (અંગ્રેજ સરકાર) આવવાથી તેમનું રાજપાટ લુંટાઈ ગયું હતું. આ લોકગીતમાં સુથાં ભીલની મોટી રાણીને સુંથા ભીલે વસાવેલું રાજ્ય વહાલું લાગે છે. તેના બદલામાં તે મકનો હાથી, ગળાનો હારલો, હાથનાં મોરીલાં, કેડનો કંદોરો, કેડની કટારી બધું આપવા તૈયાર થાય છે અને સુંથની ધરતી બચાવવા હઠ પકડે છે.આમ, આ લોકગીતમાં અંગ્રેજ લોકોના આગમનનો ઇતિહાસ જાણવા મળે છે અને એ પણ તેઓ કેવી રીતે આવ્યા તેનું વર્ણન પહેલી પંક્તિમાં જ જોવા મળે છે
‘ફરતા ફરતા ફરેંગી આયા (૨)’
આવા ગીતોના મૂળ સુધી પહોંચી શકાય તો આવા સંશોધનો ઇતિહાસને ઉકેલવા માટે કદાચ મહત્વના દસ્તાવેજી પુરાવારૂપ સાબિત થાય.
સંદર્ભઃ
(1) પૃ. નં. ૯૧, “ગુજરાતના પંચમહાલ જિલ્લાના ભીલો”, પાંડુરંગ ગોવિંદ વણિકર, આવૃત્તિ :૧૯૪૩,પ્રકાશકઃ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી.
(2) પૃ. ૯૨-૯૪, “ગુજરાતી લોકસાહિત્ય માળા મણકો-૧૪”, પ્રથમ આવૃત્તિ-૧૯૭૧
પ્રકાશકઃ ગોરધનભાઈ નરોત્તમદાસ પટેલ, મંત્રી, ગુ.રા. લોકસાહિત્ય સમિતિ અને નાયબ નિયામક, રાજ્યશિક્ષણ ભવન, અમદાવાદ.
(3) પૃ. નં. ૯૦, “ગુજરાતના પંચમહાલ જિલ્લાના ભીલો.”, લેખક – પાંડુરંગ ગોવિંદ વણકર, આવૃત્તિ :૧૯૪૩,પ્રકાશક:ગુજરાત વર્નાક્યુલર સોસાયટી.
(4) ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો-૧
સંપાદકઃ ગુજરાતી લોકસાહિત્ય સમિતિ
પ્રકાશકઃ ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
પ્રથમ આવૃત્તિઃ ૧૯૫૭
(5) “ગુજરાતના આદિવાસી લોકસાહિત્યનો ઇતિહાસ,”હસુ યાજ્ઞિક
પ્રકાશકઃ પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.૩૮૦૦૦૧.
પ્રથમ આવૃત્તિઃ ૨૦૧૧
(6) ગુજરાતી આદિવાસી સંસ્કૃતિ પંચમહાલ – દાહોદ જિલ્લો
પ્રકાશકઃ માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
પ્રકાશન વર્ષઃ નવેમ્બર, ૨૦૦૦
ભાભોર કલ્પનાબેન ભીમાભાઈ
પી.એચડી. રિસર્ચ સ્કોલર
ભાષા સાહિત્યભવન,ગુજરાત યુનિવર્સિટી નવરંગપૂરા ,અમદાવાદ
E-mail :bhaborkalpana1994@gmail.com