`હવે તમારે મમ્મીને કાઈ કે’વાનું છે ?’ વહુ રસોડામાંથી સીધી જ પતિ સામે આવી કમર પર હાથ દઈને ઉભી રહી. પતિ તો જાણે કશું જ સાંભળ્યું ન હોય એમ પોતાના બુટ સાફ કરતો રહ્યો. `આ ઘરમાં હું… હું તો જાણે કામવાળી જ છું ને ?… તમને કવ છું કાઈ સંભળાઈ છે? પતિનો જવાબ ન આવતા વહુનો ગોળ રૂપાળો રહેરો સફેદમાંથી લાલ થવા લાગ્યો. મગજમાં ન જાણે કેટલાય શબ્દો ઉઠ્યા પણ ગળેથી કોણ જાણે બહાર નીકળ્યા જ નહિ. હવે તો ચહેરા સાથે આંખો પણ લાલ થવા લાગી હતી. પણ પતિ માટે જાણે આ રોજનું થયું હોય એમ નિશ્ચિત બની પોતાના બૂટને ચમકાવતો ચમકાવતો બોલ્યો `તમને બેયને મેં હજાર વાર કીધું છે કે તમારા સાસુ વહુના ઝઘડામાં મને નહિ નાખવાનો.’ એક દમ સ્વસ્થતાથી આટલું કહી પતિ બૂટ પહેરી ઘરની બહાર નીકળવા જ જાયે છે ત્યાં રસોડામાંથી બૂમ આવે છે
`એ એમ ખાધા વિના જાય છે ક્યાં… નાસ્તો તૈયાર છે નાસ્તો કરીને જા.’
`મમ્મી કેટલીવાર કીધું છે કે બા’ર નીકળતી વખતે ખાવાંનું નામ નો લેવું ?’ કંટાળા સાથે પાછો વળ્યા વિના જ જવાબ આપે છે.
`પણ જુવાન જમાનને આમ ખાધાપીધા વિના થોડું હાલે… લે આજ તો પનીર પરોઠા બનાવ્યા છે. હાલ એક ખાઈને જા …’
`મમ્મી મોડું થાય છે સમજતા કેમ નથી તમે ?
`તો એક કામ કરું ડબ્બો ભરી દવ સાથે લઈ જા ન્યા ઓફિસમાં ખાઈ લે જે’
દીકરાનેને ખબર હતી કે મા ખાધા વિના જવા જ નહી દે… રોજ રસોઈ શો જોઇને અલગ અલગ રેસીપી બનાવીને ખવડાવી એ જ એમનોનો નિત્ય નિયમ. સાસરે હોય કે પિયર એમની રસોઈના વખાણ કરતા લોકો થાકતા નહી.
અરે મંછાના હાથમાં તો અન્નપૂર્ણા છે… તો કોઈ કહે`એના હાથમાં તો પદમ છે’
એમના નણંદનો દીકરો થોડાં સમય ભણવા સાથે રોકાયેલ અને આજ દિવસ સુધી એના ઘરે મામીની રસોઈના વખાણ સંભળાય `મામીના હાથના દાળભાત તો શું વાત કરું… એના જેવા દાળભાત તો કોઈના નહી હો.’
વરામાં દાળ શાકના વઘાર માટે એમને જ ગોતવામાં આવે. એ પોતે પણ કહે `રસોડું તો ગૃહિણીનું મંદિર કે’વાય એમાં મનથી રસોઈ બનાવો તો સવાદ કેમ ન આવે ?’ પણ આ સ્વાદ માત્ર ભાવનો ન હતો એમની મહેનત અને કુનેહનો હતો. એમનો આખો દિવસ રસોડામાં જ પસાર થાય સવારના નાસ્તાથી માંડી રાતની ખીચડીમાં પણ કઈકને કૈક નવીન ન બનાવે ત્યાં સુદી એમના જીવને ધરપત ન વળે. જીવન પાસે જાણે એમને જાજુ જોઈતું જ નહોતું રસોઈ બનાવવી એજ એમના જીવનનો એક માત્ર ઉદ્યમ હતો. પછી એના ખાનારના મોઢે એના વખાણ સાંભળી જાણે મહામુલી મૂડી મેળવી લેતા.
રસોડું એમના જીવનનો એવો ખૂણો હતો જે એમના જીવનને ભરપુર બનાવતો હતો. મસાલા એમના માટે મોંઘા પરફ્યુમ જેવા હતાં… લોકો પાસેથી એમની રસોઈના વખાણ એમના જીવનનું ટોનિક બની ગયું. આ બધું આમ જ ચાલ્યા કરત પણ એના દીકરાના લગ્ન થયા. ખુબ હરખથી અને હૈયાના હેતથી વહુને દીકરી સવાયી આવકારી.
વહુને જોઈ પાડોશી કહેતા `હવે તો બા તમારે નિરાંત, વહુ આવી છે તો બસ કામ કાજ મૂકી પૂજા પાઠમાં ધ્યાન આપી શકશો.’
`હવે ઘરની ચાવી વહુને આપીને તીરથ કરજે’ કાકી સાસુ બોખા અવાજે આશીર્વાદ આપતા ગયા.
`બિચારા બા એ બોવ દુઃખ જોયા છે હવે વહુ આવ્યે સુખ આપે તો સારું.’ જતા જતા બાયું શેરીમાં પણ વાતો કરતી જતી હતી. `પણ બા કામઢા છે જો જોને જંપ વાળીને બેસે તો બા નહી.’ `હા જે માણસે જિંદગી આખી કામ કર્યું હોય એનાથી કામ છુટે જ નહી’ આમ હસતા હસતા પતાસાને મમળાવતા બાયું પોતપોતાના ઘરે વળી. `કામની વાતું કરવાથી કામ થોડું થવાનું હતું.’ `એમના ઘરે વહુ આવી છે મારે તો હાથે જ રોટલાં ઘડવાના છે… હાલો… ‘કહેતા રમીલાએ પગ ઉતાવળો કર્યો.
બાયુંની વાતું આમ તો સાવ ખોટી તો નહોતી જ. ઉમરને કારણે બાથી બધું કામ છૂટ્યું પણ રસોડું છૂટ્યું નહિ. થોડાં દિવસ વહુ નવી નવી હોય કાઈ બોલે નહી. ને વહુ ઉઠે ત્યાં તો બા રસોડામાં હોય. એટલે વહુને છેલ્લે રસોડાનો સંજેરો કરવાનો જ આવે. બપોરે સાસુને પૂછે કે `આજ શેનું શાક કરવાનું છે…’ `ગુવાર પડ્યો હશે ફ્રીજમાં લસણ નાખીને આખો ગુવાર કરશું જા લેતી આવ.’ વહુ તો હોશથી ગુવાર બીટે. આખો લસણનો ગાઠીયો ફોલીને હજુ ક્યાંય કૈક લેવા જાય ને રસોડામાં આવે ત્યાં તો બા રસોડામાં ગેસ પર તેલ મૂકી શાક વઘારતા હોય.
`ત્રણ સીટી થાય એટલે ગેસ બંધ કરી દે જે’ એમ સુચના આપી અને ટીવી સામે કલર્સ ગુજરાતી શરૂ કરી રસોઈ શો જોવા બેસી જાય. બપોરના જમવામાં વધે રોટલી એ તો વણકહ્યે એને જ બનાવવાની હોય. આવું તો રોજ રોજ થવા લાગ્યું પણ એક દિવસ બાને ખરખરામાં જવાનું થયું ને રસોડું વહુના હાથમાં આવ્યું. બા બપોર જમવા સુધી તો આવી ગયા મનમાં ચિંતા કે `મારા મુન્યાને મારા હાથ વિના કોઈની રસોઈ ન ફાવે.’ લોકો એ સમજાવ્યા કે તમારો મુનો હવે વહુનો વર છે.’ `ઘરે વહુ છે તે રાંધી નહી ખવડાવે?’ પણ બા માને તો ને..! ઘરે પહોચ્યા તો વહુએ રસોઈ બનાવી નાખી હતી. પહેલીવાર વહુને જોઈ તે દિવસે બાનું મોઢું જરીક કટાણું થયું. મોઢામાં પેલું બટકું મુકટા જ બોલ્યા `બટેટાના શાકમાં રાઈ ભાળી છે ?’
વહુને સાસુ પાસેથી પ્રશંસા સાંભળવાની અપેક્ષા નહોતી પણ આમ સાસુનો ગુસ્સો જોઈ એના ગળેથી માંડ કોળીઓ નીચે ઉતર્યો. પતિ તો પહેલેથી જ કહી ચુક્યા હતાં `તમારા સાસુ વહુ વચ્ચે હું નહિ બોલું.’ એ દિવસે પછી કેટલા દિવસ વહુએ રસોડા પર આધિપત્ય જમાવવાના સપનાને ઢબૂરી દીધું.
માની શિખામણ `પતિના હૃદય સુધી જવાનો રસ્તો પેટથી પસાર થાય છે.’ વાક્યથી તેના મનમાં ફરી રસોડું કબજે કરવાનો વિચાર ફરી જબકી જતો. એકવાર હિમ્મત કરીને સાસુને કહી જ દીધું `બા હવે તમારી ઉમર થઈ છે… આરામ કરો. મારા હોવા છતાં તમે આમ ઘરનું કામ કરો તો ગામ મારી વાતું કરે.’`તે આપનણે ક્યાં કોઈના ઘરે ખાવાં જાવું છે. બોલવા દેવું ગામ તો સંધુય કે એ લોકો ક્યાં આપણા ઘરે પાલી બાજરો નાખી જવાના હતાં.’ ભાજી બીટતા બીટતા જ સાસુએ તો વહુની પહેલી અરજી ખારીજ કરી નાખી. પણ વહુ પણ આજે નીચું જોખવાની નહોતી…`પણ બા મને એમ થાય કે કામને કારણે તમે દેવ દર્શને નથી જઈ શકતા….’ `દેવ દર્શન તો બવ કાર્ય બટા ને કામ પણ ક્યાં જાજુ હોય છે વાસણ કચરા તો તું કરી નાખ છો. હું તો દાળ શાક જ વાઘારું છું ને ?’ ભાજીને પાણીમાં જકોરી ડાળખાં ટોપલીમાં નાખી વહુ સામે ટોપલી ધરી `લે જા બા’ર ગાય ઉભી હશે એને નાખતી આવ.’
સાસુ રસોડાનું રાજ કોઇપણ કાળે છોડે એમ આગતું નહોતું પણ આજે વહુ પણ નક્કી કરીને જ બેઠી હતી. `પણ બા મને પણ એમ થાયને કે મારા હાથે રસોઈ બનાવી તમને જમાડું’ ટોપલી રસોડામાં મુકતા વહુ બોલી. `હાથપગ હાલે છે ત્યાં લગી કરીએ છીએ પછે તમારે જ કરવાનું છે ને હું તો પછી થાળીમાં આપશો ઈ ખાઈ લઇશ.’ કહેતા બા એ તેલમાં હિંગ નાખી ને રસોડામાંથી હિંગની ગંધ બહાર પ્રસરી.
`એ શેનું શાક કર્યું છે …’ પડોશમાંથી કમળાની બાનો અવાજ આવ્યો. `એ…. મેથી રીંગણા … કમળાને મોકલજો વાટકો લઈ’ `આ સંધાયને મારા હાથનું શાક બોવ ભાવે… મસાલા તો બધાના સરખા હોય પણ આવું એમનાથી નો બને.’ સાસુના આંખમાં આનંદ બેવડાયો અને વહુના આંખમાં આંસુએ સ્થાન લીધું. `આંખમાં કાઈ વઘાર ઉડ્યો કે’ સાસુએ વહુને રડતી જોઈ પૂછ્યું `વઘાર તો ઉડ્યો છે મારા કરમમાં’ બબડતીક વહુ એના ઓરડામાં ગઈ. પતિ પાછો નોકરીથી ન આવ્યો ત્યાં સુધી સાસુના હજાર મનામણા છતાં બહાર આવે એ બીજી.
`કોણ જાણે શું થયું છે?… અચાનક શું થયું હશે…? શેની રીસ ચડી ..?’`હારું થ્યું તું આવી ગયો તું જ જો આ વહુ બપોરની રૂમમાં ભરાઈ છે તે બહાર જ નથી આવતી.’ `બપોરે ખાધુંય નહી.’ `મને તો કોણ સાંભળે કઈ કઈ ને જીભના કુચા વળી ગ્યા.’ `કોણ જાણે શું વળગ્યું અચાનક?’ દીકરા સામે આખા દિવસનો ભરાયેલ ગુસ્સો કહો કે ચિંતા એમના સતત વહેતા શબ્દોમાં પ્રગટ થયા.
`શું નાટક છે આ બધા?’ નોકરીથી થાકીને આવી આ ચિત્ર જોવાની પતિની અપેક્ષા નહોતી એટલે એને આવતા જ પત્નીને સવાલ કર્યો. `નાટક … નાટક લાગે છે તમને..’. આટલું બોલીને રડવાનું શરૂ થયું. `રોયા વિના શું થયું છે એ કહીશ?’ પતિ કરેખર કંટાળ્યો હતો.`ઈ પૂછો તમારા બા ને ?’નાક તાણતા તાણતા જ વહુ બોલી. આ બધી જ વાતો બહાર સાસુ સાંભળતા હતાં તે તુરંત ઘરમાં આવ્યા. `મને શું પુછે?’ લગ્ન પછી પહેલી વાર મા દીકરાએ વહુને આવી કોઈ સ્થિતિમાં જોઈ હતી એટલે બન્ને અચંબિત હતાં. ન તો એમણે વહુને પિયર જવા માટે ના પાડી હતી, ન તો કોઈ કપડા પહેરવા માટે ટોકી હતી. ક્યારેક સવારે વહેલું મોડું થાય તો પણ સંભળાવ્યું નહોતું. કામ બાબતે પણ કોઈ કચકચ નહોતી કરી. તો વહુને દુઃખ શેનું પડ્યું ?.
`જો તું કાઈ બોલીશ નહી તો શેનું સમજાશે ?’ સાસુનો અવાજ હવે ઉચો થયો હતો. પતિ પણ કંટાળ્યો હતો. `તારે જોઈએ છે શું ?’ `રસોડું’ આટલું બોલી એ ફરી રડવા લાગી. બન્ને મા દીકરા આશ્ચર્ય ચકિત હતા. `તે પણ આખું ઘર તારું જ છેને ?’ સાસુ માથે હાથ ફેરવતા બોલ્યા `એમાં રોવાનું થોડું હોય… મને તો બપોરનો ફડકો પડી ગ્યો કે શું થયું હશે.’
`તમને આ બધું સામાન્ય લાગશે પણ મારાથી હવે સહન નહી થાય કહી દવ છું.’ વહુ હવે ઉગ્ર થઈ’ ગઈ હતી. પતિ હજુ અસમંજસમાં હતો. `પણ શું સહન નહી થાય કોઈ તને ખીજાણું? ‘`કોઈએ કાઈ કીધું?’`કોઈએ હાથ ઉપાડ્યો ?’ પતિ એક પછી એક પ્રશ્ન પૂછતો જાય ને પત્ની એમાં માથું ધુણાવી `ના…’ `ના ના…’ `ના હવે…’`ના બાપા’ કરતી જાય.
`તો થયું છે શું?’ હવે મા દીકરો એક સાથે બોલી ઉઠ્યા. `આ તમારા બા રોજ રસોડામાં ગરી જાય… આ…આજ દિવસ સુધી મને રાંધવા દીધું છે ? પૂછો … આ શાક તને નહી ફાવે ? અરે મુન્યાને નહી ફાવે… મને કોઈના હાથના દાળ શાક ભાવતા જ નથી. આ શાક તો હું બહુ મસ્ત બનાવું તું જો તો ખરી. આજ રસોઈ શોમાં નવી રસોઈ જોઈ છે તો એ જ બનાવવાની છે. … તે …તે …. શું હું કામવાળી છું …. રોજ રોટલાં રોટલી કરું… આખા રસોડામાં રાંધતી વખતે પથારો કરે ઈ સંજેરો કરું. રાંધવામાં કેટલા વાસણ બગાડે છે ખબર છે તમને ? તમને તો શું ખબર હોય ? તમને તો તૈયાર ભાણું મળી જાય એટલે બસ …’ આટલા દિવસથી વહુએ મનમાં ધરબી રાખેલ બધી જ વરાળ નીકળવા લાગી હતી.
એ દિવસે નક્કી થયું કે બા એની વહુને પોતાના જેવી રસોઈ બનાવતા શીખવશે… અને ધીરે ધીરે રસોડું વહુને સોપશે. પણ બીજા દિવસે બા બધું જ ભૂલી પાછા રસોડામાં. અને પછી તો તમે જાણો જ છો … આ હવે રોજનું થયું. એકાદવાર દીકરાએ બાને રસોડું મૂકીને બેસવાનું કહ્યું કારણ એટલું જ કે હવે ઉમરને કારણે બા ને મીઠું નાખ્યું છે કે નહી એ યાદ ન રહ્યું ને બીજીવાર મીઠું નખાઈ ગયું.
`થું થું … આટલું ખારું… બા હવે ઉમર થઈ સ્વીકારો ને રસોડું મેલો.’ ધીરે ધીરે વહુ રસોઈ બનાવતી થઈ દીકરો જમતી વખતે બોલે `વાહ આજે તો સરસ શાક બન્યું છે હે ને બા’ બાના હોઠ ખોટે ખોટું હસે પણ મનમાં એક ડંખ ઉપડે. `મારા જેવું તો બનાવી જાણે ?’ ને પછી બોલે `હા સારું થયું છે પણ જો ડુંગળી વધુ ચડવા દીધી હોત તો ભળી જાત આ સામી દેખાય છે.’
વહુ અનેક જતન કરે કેટલુય ધ્યાન રાખે પણ સાસુને રીઝવી શકે નહી. સાસુ કોઈને કોઈ નુખ્શ કાઢે જ. પછી તો વહુને પણ કોઠે પડી ગયું હતું કે બા કોઈ દિવસ વખાણ કરશે નહી. એને તો રસોડું હસ્ત કર્યાનો આનંદ હતો. …પણ આ આનંદ બહુ જાજો ન ટક્યો. બા એ ફરી રસોડા પર પોતાનું આધિપત્ય મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા. વહુ બનાવે એ રસોઈ જમે નહી ને પોતાનું અલગ શાક બનાવે દીકરાને વહુ પીરસે એ પહેલા પોતે બનાવેલ શાક પીરસી દે ને પૂછે `કેવું બન્યું…’ વહુ ફરી ત્રાસી ને ફરી સાસુ વહું વચ્ચે બોલાચાલી શરૂ થઈ.
`બા હવે ગઢે ગઢપણ ભગવાનનું નામ લ્યો.’
`શું કામ દીકરા વહુની વચ્ચે આવો છો ?’
આ શબ્દો બા માટે આકરા હતાં એને મન તો રસોઈ જ એના પૂજા પાઠ હતાં. એમણે ક્યારેય નહોતું વિચાર્યું કે આ રસોઈ કળા એના દીકરા વહુ વચ્ચે અંતર લાવશે. એ તો રસોઈના બે વખાણ સાંભળી જ જીવનને પસાર કર્યે જતા હતાં એ દિવસે બા રૂમમાં સૂનમૂન પડ્યા રહ્યા દીકરો આવ્યો ત્યારે વહુએ બધી જ ઘટના કહી સંભળાવી દીકરો સીધો બાના રૂમમાં જ ગયો બા રસોઈ કળાની ચોપડી વાંચતા વાંચતા જ સૂઈ ગયા હતા. દીકરાએ ચોપડી હટાવી બાજુ પર મૂકી બા સાથે વાતો શરૂ કરી. `એના બોલ્યા સામે ન જાવું. એને એવું લાગે છે કે રસોડું ગૃહિણીનું સામ્રાજ્ય હોય. પણ એ નથી સમજતી કે … ‘ આટલું બોલી એની નજર બા પર પડી… બા એનું સામ્રાજ્ય છોડી ચુક્યા હતા સદા ને માટે…