પ્રિય વાચકો,
સસ્નેહ વંદન.
પ્રવર્તમાન સમય કોરોના – એમિક્રોન વાયરસથી પ્રભાવિત થઈ ભયભીત છે. વિશ્વના કેટલાય દેશોની ચેતના યુદ્ધ ઉન્માદમાં રાચી રહી છે, પૃથ્વીને અવકાશી ભય પણ છે, એક ધૂમકેતુ પૃથ્વીથી ગોચર અવકાશની સફરે નીકળ્યો છે. આવી અનેક દૂરગામી ઘટનાઓના આપણે સાક્ષી બની રહ્યા છીએ. કોરોના પહેલાના જગત અને પછીના જગતની વ્યવસ્થાઓમાં આમૂલ પરિવર્તન છે. બાહ્ય જગતમાં આવી સર્જાતી ઘટનાઓ (અને નહિ સર્જાતી ઘટનાઓ પણ) સર્જકના ચિત્ત પર એક વિશિષ્ટ પ્રભાવ પાડે છે. અને નવા યુગની કલાનું સ્થાપન થાય છે. નવાં સંશોધનોથી સુખાકારી અને નવા વિષાણુથી પીડા મેળવતા માનવ સમાજની વચ્ચે સર્જક આનંદ અને દુઃખનાં ગીતો કઈ લહરમાં ગાવાં તે શોધી રહ્યો છે.
આજે આપણે સમયના એક અદભુત ત્રિભેટે ઊભાં છીએ. આ સમયને પણ એના કલાત્મક રૂપમાં ચિતરવો ઘટે, એની સંવેદનાને કલાઘાટ આપવો ઘટે, જે આજનું છે તે ચિરકાલીન રહે તે રીતે સર્જવું ઘટે. જો એમ થાય તો એક ઐતિહાસિક સામગ્રી તૈયાર થાય. સામયિક તો પ્રવર્તમાન સમયનું હોય, પણ સમય જતાં તે ઇતિહાસના સંશોધકો અભ્યાસુઓ માટે ખૂબ મહત્ત્વનું બની જાય.
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંશોધન માટે પ્રયાસ છેલ્લા એક વર્ષથી નિયમિત અંક બહાર પાડે છે, તેમાં સાહિત્ય સંબંધિત કૃતિ વિવેચન સંપાદિત થાય છે. પ્રયાસ સંસ્થા પ્રકાશનની સાથોસાથ સિસૃક્ષા માટે પણ કાર્યરત છે, આ અંકની સાથે અમે એક વાર્તા સ્પર્ધા પણ યોજી છે. આપ એમાં ભાગ લેવા માટે સાદર આમંત્રિત છો.
ભારતના વીર CDS જનરલ બિપિન રાવતજીને સાદર વંદન સહ શ્રદ્ધાંજલિ. (વીર તો અમર જ હોય છે.)
તા. ૩૧ ડીસેમ્બર ૨૦૨૧