આપણા ભારતવર્ષની જેમ ગ્રીસ પણ પ્રાચીન સંસ્કૃતિનો જ્યોતિર્ધર દેશ છે. આપણે ત્યાં વ્યાસ- વાલ્મીકિના ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેમ ગ્રીકના હોમરની ‘ઇલિયડ’ અને ‘ઓડીસી’ વિશ્વની અમર રચનાઓ છે. ગ્રીક નાટ્યકારોના ઈતિહાસમાં ઈસ્કીલસ જેવા મહાન નાટ્યકારની જેમ સોફોક્લિસ પણ અમર નાટયકાર છે. ઈ.સ.પૂર્વે ૪૯૬માં એથેન્સથી એકાદ માઈલ દૂર આવેલા કોલોનસમાં તેનો જન્મ થયો.સંગીત અને શારીરિક કસરતોમાં નિપુણ સોફોક્લિસની નબળાઈ તેનો અવાજ હોય છે, જેને લીધે તે અભિનેતા ના બની શક્યો. માત્ર પંદર વર્ષની ઉમરમાં જ એક નૃત્ય ઉત્સવમાં નૃત્યકાર તરીકે રજૂ થવાની તક મળે છે.એક નાટ્યહરીફાઈમાં ઈ.સ.પૂર્વે ૪૬૮માં ઇસ્કીલસની સાથે જ ઈનામ મળેલું ત્યારથી છેક ઈ.સ. પૂર્વે ૪૪૧ સુધી એક મહાન નાટયકાર તરીકે એકહત્થુ સત્તા ભોગવે છે. પોતાના બંને હરીફો ઇસ્કિલસ અને યુરિપિડિસની સરખામણીમાં તેને લગભગ ચોવીસ વખત પ્રથમ નાટ્યકાર તરીકેનું ઇનામ મળેલું. નેવું વર્ષના વિશાળ પટ પર ફેલાયેલા જીવનમાં તેને ૧૩૦ જેટલા નાટકો લખેલાનો ઉલ્લેખ મળે છે. પરંતુ અત્યારે તેમને લખેલા નાટકોમાંથી માત્ર સાત નાટકો જ ઉપલબ્ધ છે જેમાં ‘આન્ટીગોની’, ‘ઇલેક્ટ્રા’, ‘ટ્રેસીની’, ‘ઇડિપસ’, ‘એજેક્ષ’, ‘ફિલોક્ટટસ’, અને ‘ઇડિપસ એટ કોલોનસ’નો સમાવેશ થાય છે.જેમાં ઇડીપસ કથાને આવરી લેતા ત્રણ નાટકો ‘આન્ટીગોની’(ઈ.સ.પૂર્વે ૪૪૨), ‘ઇડીપસ ધ કિંગ’(ઈ.સ.પૂર્વે ૪૩૦) અને ‘ઇડીપસ એટ કોલોનસ’ છે.જેમાં અત્રે ‘ઇડીપસ ધ કિંગ’ જેનો ગુજરાતીમાં ‘ઇડીપસ’ નામે સુભાષ શાહ દ્વારા અનુવાદ કરવામાં આવેલ જેને તપાસવાનો મારો ઉપક્રમ છે.
ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સુભાષ શાહ નો જન્મ ૧૪ એપ્રિલ ૧૯૪૧ના રોજ ખેડા જિલ્લાના બોરસદમાં થાય છે. તેઓ જાણીતી આર્ટ ગૅલરી ક્વા-દ-આર્ટ અને આર્ટ હોરાઇઝન ગુજરાત તથા ગુજરાત એજ્યુકેશન ઍન્ડ કમ્યૂનિકેશન ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી તથા ‘વી થિયેટર’ના સ્થાપક સભ્ય પણ રહી ચૂક્યા છે.‘સુમનલાલ ટી. દવે’, ‘રંગાદાદા’ અને ‘પ્રપંચ’ તેમનાં અનેક વાર સફળતાપૂર્વક ભજવાઈ ચૂકેલાં નોંધપાત્ર દ્વિઅંકી નાટકો છે.તેમણે મૌલિક નાટ્યકૃતિઓ ઉપરાંત વિખ્યાત વિદેશી નાટ્યકૃતિઓનાં અનુવાદો અને રૂપાંતરો પણ આપ્યાં છે જેમાં સૅમ્યુઅલ બૅકેટ -કૃત ‘વેઇટિંગ ફૉર ગોદો’ પર આધારિત ‘એક ઉંદર અને જદુનાથ’ (લાભશંકર ઠાકર સાથે), ગ્રીક નાટ્યકાર સોફોક્લિસનાં નોંધપાત્ર નાટકો ‘ઇલેક્ટ્રા’, ‘ઇડિપસ’, ‘ફિલોક્ટેટસ’, ‘એન્ટિગૉની’નો મુક્ત અનુવાદ, માઇકલ-દ-ગોલ્દીરોદના નાટક ‘પેન્ટાગ્લિઝ’નો અનુવાદ ‘અંગીરસ’, આલ્બર્ટ કામુના નાટક ‘ધ જસ્ટ’નો અનુવાદ ‘ન્યાયપ્રિય’, દૉસ્તૉયેવસ્કીની નવલકથાનું નાટ્યરૂપાંતર ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેંટ’ તથા બર્ટોલ્ટ બ્રેખ્તની નાટ્યકૃતિ ‘કૉકેશિયન ચૉક સર્કલ’ પર આધારિત અનુસર્જન ‘પરખ’નો સમાવેશ થાય છે.નાટક ઉપરાંત સુભાષ શાહે કેટલીક વિશિષ્ટ કહી શકાય એવી લઘુનવલો પણ લખી છે; જેમાં ‘વહેંત છેટી મહાનતા’, ‘અકથ્ય’, ‘નિર્ભ્રાન્ત’, ‘બગીચો’ વગેરેનો સમાવેશ થાય છે.
‘ઇડિપસ’ વિશ્વની અમર નાટ્યરચના છે. થીબ્સના રાજારાણી લેઅસ અને જોકાસ્ટાને દેવતાઓ દ્વારા મળેલ ગુઢવાણીથી નાટ્યરચનાનો પ્રારંભ થાય છે. દેવતાઓ કહે છે, તમારો પુત્ર મોટો થઈ બાપની હત્યા કરશે અને તે પોતાની જ માતા સાથે પરણશે. એટલે સ્વાભાવિક રીતે જ નાટકમાં અપરાધભાવ અને રોગિષ્ઠ મનોવૃત્તિનું નિરૂપણ હોવાનું; અને તેમાંથી નીપજે છે વિશ્વની મહાન કરુણાંતિકા.
‘ઇડિપસ’નું કથાનક કંઈક આવું છે:થીબ્સના રાજા અને રાણીને ભવિષ્યની આગાહી કરનારા દેવતાઓએ કહેલું, એમને જે દીકરો જન્મશે તે મોટો થઈને પિતાની હત્યા કરશે અને માતાને પરણશે. આથી રાજા તેમના જન્મેલ દીકરાની હત્યા કરવાનો આદેશ આપે છે. પરંતુ હત્યા કરનારાને બાળક પર દયા આવતા તે બાળકના પગ વીંધી અને કીથેરોન પર્વત પર એક માલધારીને સોંપે છે. તે માલધારી બાળકને કોરીન્થના નિ:સંતાન રાજારાણીને સોંપે છે. તેઓ તેને પોતાનો સંતાન માની ખૂબ પ્રેમભાવથી ઉછેરે છે. પરંતું પિતાની હત્યા અને માતાને પરણશે એવી લોકવાયકા ઇડિપસ સાંભળે એટલે એના વિચારોથી પીડાતો અને નિયતિમાંથી છૂટવા માટે તે કોરીન્થ છોડી ચાલ્યો જાય છે. રસ્તામાં કોઈક બાબતે વાદવિવાદ થતાં તે એક વૃદ્ધ અને તેના સાથીઓને મારી નાખે છે. ત્યાંથી તે થીબ્સ પહોંચે જ્યાં સ્ફિક્સ દ્વારા પૂછવામાં આવેલા એક કોયડાનો ઉત્તર કોઈ આપે તો આ નગર બચે એટલે એ કોયડાને ઇડિપસ ઉકેલી આપે છે અને નગરને બચાવી લેછે. ત્યાંની પ્રજા ખુશ થઈ તેને રાજા બનાવે છે અને તે વિધવા થયેલી રાણીને પરણે છે. અને તેનાથી તેને બે દીકરા ઇટીઓક્લીઝ અને પોલીનીસ તથા બે દીકરીઓ આન્ટીગોની અને ઇસ્મીન થાય છે. ઘણાં વર્ષો સુધી તે રાજ્યની સુખ સમૃદ્ધિ વધારીને રાજ કરે છે.અચાનક નગરમાં પ્લેગ ફાટી નીકળે છે અને દુકાળ પડે છે. એનું કારણ જાણવા મળે છે કે રાજા લેયસના હત્યારાને હજી શિક્ષા નથી થઈ. પાપી આપણી વચ્ચે છે એટલે આ ધરા હજૂ દૂષિત છે. ઇડિપસ એ હત્યારાઓને શોધી એને સજા કરવાનું માથે લે છે. આ દરમિયાન ત્રિકાળ જ્ઞાતા ટાયરેસિયસને બોલવામાં આવે છે. ટાયરેસિયસ તેને રાજાનો હત્યારો કહે છે. પરંતુ ઇડિપસ તેને દેશદ્રોહી કહી કાઢી મૂકે છે. અંતે, માલધારી બધી સચ્ચાઈ જણાવે છે.ઇડિપસને ખબર પડે છે કે હત્યારો પોતે જ છે; જોકાસ્ટા તેની માતા છે. ત્યારે ઇડિપસ પોતાની આંખો ફોડી નાખી, નગરત્યાગ કરી દેશવટો લે છે અને જોકાસ્ટા પણ આત્મહત્યા કરે છે. આમ, એક રહસ્ય સાથે આરંભ થતું નાટક કેટલાય વળાંકો લેતું કરુણતાને વરે છે.
નાટકમાં એક પણ અતિમાનવીય ઘટના નિરૂપાઈ નથી. અહીં કોઈ દિવ્ય પાત્ર પણ નથી કે રાક્ષસી પાત્ર પણ નથી. કેવળ માનવ અને માનવીય કૃત્યો જ કેન્દ્રમાં છે. આ માનવીય કૃત્યની આસ પાસ ભાગ્ય, નિયતિ, દૈવેચ્છા પડછાયાની જેમ ઘૂમરાયા કરે છે. (પૃ.૮૩) ઇડિપસનું પાત્ર એથેન્સની પ્રજા પ્રત્યે કર્મઠ,ત્વરિત નિર્ણયો લેનારો અને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવનારુ છે,જે એથેન્સની પ્રજાની લાક્ષણિકતાઓ છતી કરી આપે છે. પરંતુ નૈતિક અભિગમ ધરાવનાર કેટલાંક આલોચકોને એ અભિમાની અને આવેગોને વશ થઈને વર્તનારો માણસ લાગે છે. એને વધારે પડતો આત્મવિશ્વાસ છે, તેનું ટાયરેસિયસ, મિત્ર ક્રેઓન અને જોકાસ્ટા પ્રત્યેનું વર્ણન અન્યાયભર્યું છે. બીજું પાત્ર રાણી જોકાસ્ટા જે થીબ્સના પ્રથમ રાજા લેયસની પત્નિ છે.ભવિષ્યવાણી જાણતી હોવાથી તેનાં મનમાં સતત સંઘર્ષ ચાલે છે અને અંતે કરુણ રીતે મૃત્યુને ભેટે છે. ત્રીજુ પાત્ર ક્રેયોન, જે રાણી જોકાસ્ટાનો ભાઈ અને ઇડિપસનો મિત્ર છે. નાટકની શરૂઆતથી તે ચાલક બળ પૂરું પાડે છે. પ્રજા અને રાજા પ્રત્યે વફાદાર રહી તેની પ્રમાણિકતા તરફ ધ્યાન આકર્ષિત કરાવે છે. ચોથું પાત્ર ટાયરેસિયસ જે પોતાના જ્ઞાનને કારણે વિષાદ ભોગવનાર દ્રષ્ટા છે.તે અંધ છતા અનાગતનાં એંધાણ જોઈ શકે છે. એ જે સત્યને પ્રગટ કરે છે તેને જોવાનું કે સહેવાનું પૃથકજન માટે અઘરું છે. અન્ય પાત્રોમાં કોરસ જે દેવી આદેશને માનવાની શીખ આપ્યા કરે છે.ઈશ્વરવચન ક્યારે મિથ્યા ન હોઈ શકે તેનો અનાદર કરવો એ પાપ છે, અને પુરોહિત જે એથેન્સની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રચલિત પુરાણકથાના અંતભાગથી કૃતિને શરૂ કરીને સોફોક્લિસ પોતાની નાટ્યકાર તરીકેની કળાસૂઝ બતાવી આપી છે. જૂની પુરાણકથાઓ માં શોધ એક મહત્વનું કથાબીજ રહ્યું છે. ઇડિપસ લેયસના હત્યારાની શોધ કરતાં કરતાં પોતાનો જ ભૂતકાળ ઉઘાડી વાસ્તવિકતાને ઉજાગર કરી આપે છે, ત્યાં એની ચરમ સીમા આવી જાય છે. તેને પોતાની નિયતીનો ખ્યાલ આવે છે. પરંતુ કૃતિના અંતે મનમાં પ્રશ્ન થાય છે, જે ગ્રીક પ્રજાએ પોતાની સંસ્કૃતિના લીધે વિશ્વભરમાં આગવી ઓળખ ઉભી કરી છે, તેમનો રાજા પોતાના ભૂતકાળના સ્વબચાવ કરતાં દેવવાણીને નકારે તે કેટલી કક્ષાએ યોગ્ય છે? શું ઇડિપસને ખરેખર પિતાનો હત્યારો ગણી શકાય?
નાટકમાં ટાયરેસિયસ અને ઇડિપસ બંન્ને વચ્ચે ઉભા થતાં સંઘર્ષને પૂરી નાટ્યાત્મકતાથી સોફોક્લિસે નિરૂપ્યા છે. વૈચારિક ઊહાપોહમાંથી આ સંઘર્ષ લાગણીના સ્તર પર સરી પડે છે. (પૃ.૫૮) ટાયરેસિયસ જે કાર્ય માટે આવ્યો હોય છે તે પૂરું કરીને જ જાય છે, ભલે ઇડિપસનું વર્તન એના તરફ ગમે તેવું હોય. અંતે આ દ્વન્દ્ર યુદ્ધમાં ઊંડો ઘા ઇડિપસને જ સહેવો પડે છે.સી.એમ બાવરા કહે છે કે “અહીં જે સંઘર્ષ છે તે દેવી સત્ય અને માનવીય આભાસ વચ્ચેનો સંઘર્ષ છે.”(પૃ.૫૯) નાટકમાં કોરસ પણ દેવી આદેશને વશ થઈને જ વર્તવાની શીખ આપ્યા કરે છે.
નાટકમાં રજૂ થયેલા વિવિધ કલ્પનો images ઇડિપસને શિકારી તરીકે, સાગરખેડુ તરીકે અને હળ ચલાવનારા હળખેડુ રૂપે નિરૂપે છે.ઇડિપસ એક શિકારી છે જે ધરતીના કોઈ ખૂણે જૂના ગુનાનું ઝાંખું પગેરું શોધે છે. ઇડિપસ એક સાગરખેડુ છે જેણે કોરસના શબ્દોમાં કહીએ તો સમુદ્રી ઝંઝાવાતમાં સપડાયેલી ભૂમિને મુક્ત કરી પ્રવાહમાં સ્થિર કરી છે. વળી ઇડિપસ હળ ખેડનારો પણ છે. નાટકનાં અંતે જ્યારે સતત પ્રગટ થાય છે ત્યારે કોરસ તીવ્ર સ્વરે પોકારે છે, ‘જે ધરતીને પિતાએ ખેડી એ ધરતીને પુત્રને દુઃખોની ફસલ આપી.પિતાએ સેવેલી કૂખે તેને દુઃખ ભર્યા અંત માટે જન્મ આપ્યો.’ ઇડીપસની આ શિકારી, સાગરખેડુ અને હળખેડું તરીકેની છબી સમગ્ર નાટકમાં પુનઃપુન આવૃત થતી રહે છે. (પૃ.૮૭-૮૮)
અહીં મનુષ્યને નિયતિ સામે લાચાર બનતો બતાવ્યો છે,પરંતુ ઇડિપસ નિયતિનો શિકાર નથી બનતો.કેમ કે, જોકાસ્ટાની જેમ એ પણ આત્મહત્યા કરી શકતો હતો પણ એણે એ મંજૂર નથી. ભલે અંધ જીવન જીવવું પડે,લાકડીના ટેકે જીવન વ્યતિત થાય પણ શક્તિશાળી માણસને છાજે એવું જીવન જીવવું છે. નિયતિની શરણાગતિ તેને સ્વીકારી નથી.
સ્વ-ઓળખ પામેલો ઇડિપસ બાકીની જિંદગી દુઃખોનો સામનો કરવા કટિબદ્ધ બને છે અને માનવગૌરવનો પ્રતિનિધિ બને છે. માનવીનું નિયતિ આગળનું પામરપણું નહીં પણ સત્યની શોધ માટેનું સમર્પણ,સ્વ ઓળખ માટેની તેની પ્રતિબદ્ધતા જ આ નાટકને ‘શ્રેષ્ઠ ટ્રેજેડી’નું બિરુદ અપાવે છે. (પૃ.૯૪-૯૫)
આમ, જેમના નાટકોનો સૂર્ય આજે પણ પ્રકાશ ફેલાવી રહ્યો છે,એવા સોફોક્લિસ પ્રાચીન ગ્રીસના કરૂણરસથી ભરપૂર નાટકો લખનારમાંથી એક છે.ઈ.સ પૂર્વે ૪૦૫માં દુનિયાને અલવિદા કહેનારા સોફોક્લિસનું નામ ઈતિહાસના અંધારામાં આજે પણ તેમનાં નાટકોની જેમ ઝગમગે છે.
સંદર્ભસૂચિ:-
(૧) ‘ઇડિપસ’, અનુવાદ:સુભાષ શાહ, અરુણોદય પ્રકાશન, અમદાવાદ, પ્ર.સં.આ. જાન્યુઆરી ૨૦૨૦
(૨) ‘૧૦૧ વિશ્વવિખ્યાત લેખકો’, રજૂઆત:સ્નેહલ પંડિત, પ્ર.: k.books, રાજકોટ, આ.:૨૦૧૭
(૩) ‘અમર સર્જકો’, ડૉ.યશવંત ત્રિવેદી, પ્ર.:એન.એમ.ઠક્કરની કંપની, મુંબઇ, પ્ર.આ.:૨૦૦૦
(૪) ‘કળા, સાહિત્ય અને વિવેચન’, પ્રમોદકુમાર પટેલ, પ્ર.:ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર.આ.ઑગસ્ટ ૨૦૦૦
(૫) https://gujarativishwakosh.org, (વેબસાઇટ)શાહ, સુભાષ રસિકલાલ
(૬) https://www.britannica.com, (website) Sophocles
(૭) ‘ગ્રીક રંગભૂમિનો આરંભ (ઇડિપસ-લે.સોફોક્લિસ)-૧’, Naresh Shukla,YouTube channel
(૮) ‘ઇડિપસ ભાગ-૨’,Naresh Shukla, YouTube channel
———————————————————————————
ગુંસાઇ શિવાની અનિલગર
જુનાવાસ, કોટડા (જ.), જિલ્લો:કચ્છ(ભૂજ), તા:નખત્રાણા, 370605
નેટ, જી-સેટ, પીએચ.ડી. રિસર્ચ સ્કોલર..
ઈ-મેલ: shivanigusai21@gmail.com