-ડૉ. અલ્પા વિરાશ
અખુટ જીવન કથાઓથી ભરપુર પ્રદેશ એટલે બંગાળ. તેમાંય સ્ત્રીઓ વિશે તો બંગાળી સાહિત્યમાં ખૂબ લખાયું છે. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી જનજીવનમાં અટવાતી પીડાતી, રહેંસાતી અને છતાં શણગાર સજતી સ્ત્રીઓની વાસ્તવિક આંતરિક સ્થિતિ પરિસ્થિતિની ઓળખ કરાવી છે. અલબત્ત એ ઉપરાંત પણ ઘણું ઘણું ટાગોરે બંગાળી જીવનને ખોલ્યું છે….એવી કંઈ કેટલીય અનુભૂતિ ટાગોર ખોલી આપે છે કે જે ભાવકને સ્તબ્ધ કરી દે.છતાં એ કઇંક એવું છે જે નરી આંખે ન જ જોઈ શકાય… એ બધાથી ફલિત થાય છે બંગાળી જન જીવન.ટાગોરે વાસ્તવિકતાને તેના મૂળ રૂપમાં ઉપસાવી આપી અને એક બહોળો વાચકવર્ગ ઊભો થયો…પરિણામે ટાગોર બંગાળી સાહિત્યમાં પ્રથમ હરોળમાં પ્રથમ સ્થાને બેસે છે.
બંગાળી સાહિત્ય સર્જનમાં ટાગોર પછી બીજા મહત્વપૂર્ણ સર્જક એટલે બુદ્ધદેવ બસુ. કોમિલા બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ છે.યુનિવર્સિટી ઓફ ઢાકામાંથી એમ. એ ની ઉપાધિ મેળવ્યા બાદ કલકત્તામાં સ્થાયી થયા.જાદવપુર યુનિવર્સિટીમાં કમ્પેરેટિવ લિટરે ચરના સ્થાપક અને વર્ષો સુધી એ વિભાગના અધ્યાપક રહ્યા.ઇ.સ.૧૯૬૭માં અકાદમીના પુરસ્કારથી સન્માનિત બુદ્ધદેવ બસુને ભારત સરકારે ૧૯૭૦માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતાં.
૧૯ વર્ષની વયે તેમણે પ્રગતિ નામના સામયિકનું સંપાદન અને પ્રકાશન સંભાળ્યું હતું. જેમાં બંગાળના અગ્રગણ્ય કવિઓની પ્રારંભની રચનાઓ પ્રગટ થતી હતી. ઈ.સ. ૧૯૩૫ના અરસામાં તેમણે `કવિતા’ નામનું સામયિક શરૂ કર્યું.જે તત્કાલીન બંગાળી કવિતાનું મુખ્ય સામયિક હતું.એમણે પોતે અનેક કાવ્યસંગ્રહો, વાર્તા સંગ્રહો, નવલકથાઓ, નાટકો, નિબંધગ્રંથો ઇત્યાદિ પ્રગટ કર્યા હતા.
બંગાળી કવિતામાં નવા અવાજને એમના સતત પ્રોત્સાહનને કારણે ૨૦મી સદીના બંગાળી સાહિત્યકારોમાં એમનું સ્થાન સનમાનીય હતું. એમના આધુનિક કવિતા વિશેના નિબંધો વિષ્લેષણના ઊંડાણ તેમજ અદભુત ગદ્યને કારણે આજે પણ પ્રશંસનીય લાગે છે. ૨૦મી સદીની બંગાળી કવિતાનો એમનો અભ્યાસ અને તારણ અદ્વિતીય કહી શકાય.
બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહિ, સમગ્ર જગત ઉપર છવાઈ ગયા હતા એમ કહેવામાં અનૌચિત્ય નથી જ. વીસમી સદીમાં જન્મેલા અને તત્કાલીન સમયના ઐતિહાસિક ઘટનાક્રમથી અને પરિવર્તનશીલ આદર્શોથી રંગાયેલા લેખકોમાં અગ્રગણ્ય બુદ્ધદેવ,રવીન્દ્રનાથના સર્વવ્યાપી વ્યક્તિત્વથી પ્રભાવિત તો હતા જ પણ સાથે સાથે તેમના અતિ પ્રબળ પ્રભાવથી મુક્તિ પણ ઈચ્છતા હતા.આ દ્વંદ્વનું પ્રાથમિક પરિણામ પ્રતિકાર અને અંતે સન્માનીય સમાધાન અને સંપૂર્ણ સ્વીકાર.
– શૈલેશ પારેખ
ટાગોરે સમાજની આંતર વાસ્તવિકતાને ખોલી આપી.તેમજ બુદ્ધદેવ બસુએ વ્યક્તિ સમાજના માળખામાં રહેવા છતાં તેના આંતર જીવનની બારીકાઇ ખોલી આપી. વ્યક્તિનું આંતર જીવન, આંતરિક અંગતતા અને તેમાં તેની બૌધિક્તા, અંગત જરૂરિયાત – અનુભૂતિ,અને સામાજિકતા વચ્ચેના દ્વંદ્વને ખુલ્લા પાડ્યા. એમ કરવા જતાં બુદ્ધદેવ બસુને અશ્લીલ સાહિત્ય સર્જન કર્યાનો આક્ષેપ પણ સહન કરવો પડ્યો છે. પરંતુ આરંભથી લઈ આજ સુધી બુદ્ધદેવ બસુને સમજવામાં ઘણી ગેરસમજો થતી રહી છે.બુદ્ધદેવ બસુના સાહિત્યમાં સામાજિકતા તળે દબાઈ રહેલ વ્યક્તિના આંતર જીવનની વાસ્તવિક છબી કંડારાઈ છે. અશ્લીલતા નહિ.
`રાત ભરે વૃષ્ટિ’ એક બંગાળી લઘુનવલ છે…જેનો અનુવાદ શૈલેશ પારેખ દ્વારા `રાતભર વરસાદ’ નામે કરવામાં આવ્યો છે…બુદ્ધદેવ બસુની આ નવલકથા ઈ.સ.૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેનું વિતરણ અટકાવ્યું એટલું જ નહિ એની હસ્તપ્રતનો પણ નાશ કરવાનો હુકમ કર્યો. હાઈ કોર્ટે આ નિર્ણયને રદ્દ કરીને તેને અશ્લીલતાના આરોપમાંથી મુક્ત કરી. અમેરિકાના ક્લિન્ટન સિલી (૧૯૪૧) એ ૧૯૭૩માં તેનો અંગ્રેજી અનુવાદ કર્યો.શીર્ષક રાખ્યું It Rained All Night. કોઈપણ જાતનો છોછ રાખ્યા વિના કે ભીરુતા દાખવ્યા વિના લખાયેલી આ લઘુનવલ સ્ત્રી અને પુરુષના અંગત સંબંધો, કિશોર વયના સંવેદનો અને લગ્નની સંસ્થા કે પછી રૂઢિ? – અંગે એક વિદ્વતાસભર વિશ્લેષણ સાવ સાદી અને સહજ શૈલીમાં પ્રસ્તુત કરે છે. ભારતીય સમાજમાં તેના મૂળ છે પણ તે સિવાય પાત્રોના મનોમંથનોમાં પ્રસ્તુત સંવેદનો સમયની મર્યાદાને સહજતાથી અને સરળતાથી પાર કરે છે.
આ લઘુનવલમાં ઘટના કે વિષય જો કઈ હોય તો એટલો જ કે કથા નાયક અને કથા નાયિકા પોત પોતાના વિચારો ને સંવેદન વિશ્વમાં એકમેકને સમાવવા મથે છે. બંનેની પોત પોતાની એક દુનિયા છે. પોત પોતાના વિચારો છે. તેમછતાં અહી સ્પષ્ટ છે કે નાયક જેટલો ક્રિયાશીલ છે એટલી નાયિકા નથી. નાયક પોતાની દુનિયામાં આગળ ધપી ચૂક્યો છે અને તે ઈચ્છે છે કે નાયિકા પણ એ જ પગથિયે પહોંચે. પરંતુ નાયિકાની તો હજુ શરૂઆત છે. તેના જીવનના રંગીન સપનાંઓ તે જુવે છે અને માને છે કે એ જ સાચું સુખ છે તેથી નાયક પણ તેમાં તરબોળ બને એવું ઇચ્છે છે. પરિણામે બંનેમાંથી એક પણ એકબીજાને સમજી શકતા નથી. પરિણામે ગૃહકલહની કથા બને છે. જેમાં કલહનો કોઈ અવાજ જ નથી આવતો.. એ મનોમન ઉદભવે છે ને મનોમન વિદ્રોહની ભાવના સાથે વિરમે છે. આ કોઈ પ્રણય ત્રિકોણની કથા નથી કે નથી તો કોઈ પ્રણય વૈફળ્યની કથા…કારણકે માલતી પ્રણયમાં નિષ્ફળ ગઈ નથી એ તો નયનાંશુની અપેક્ષાઓમાં નિષ્ફળ નીવડી છે. તો સામે પક્ષે નયનાંશુ પણ એજ રીતે માલતીની અપેક્ષાઓમાં નિષ્ફળ નીવડે છે.પરિણામે સમગ્ર કથા દાંપત્ય જીવનમાં વ્યાપ્ત મનોકલહની કથા નીવડે છે.
સ્વરૂપગત રીતે ગુજરાતી લઘુ નવલકથા કરતા કંઇક અંશે અલગ પડે છે. અહીં ગુજરાતી લઘુ નવલકથામાં મહદ્ અંશે જોવા મળતી કોઈ એક જ પાત્રના વ્યક્તિત્વ-વૈચારિકતાની મુખ્યતા નથી. પરંતુ, બે પાત્રોના આંતર વિશ્વને ખોલવામાં આવ્યું છે. અહીં આવતાં આ બંને પાત્રો ઉત્તમ નાયક કે નાયિકા નથી બન્યાં.પરંતુ સામાન્ય જીવન જીવતાં સામાન્ય લોકોના પ્રતિનિધિ બન્યા છે. એ સામાન્ય લોકોના જીવનની વાસ્તવિક કથા ખોલી આપી છે…તેથી આ લઘુનવલ માત્ર બંગાળી જનજીવન જ નહીં.પરંતુ, કોઈપણ સામાજિક જીવન જીવતાં વ્યક્તિના જીવનને પ્રતિબિંબિત કરે છે. સામાજિકતાના અંચળામાં જીવવા ટેવાયેલા વ્યકિતમાત્રની એક અંગત વિચાર અનુભૂતિ હોય છે. જે વ્યક્તિના સદ્દવર્તન કે બદવર્તન કે સક્રિયતા – નિષ્ક્રિયતામાં અમુક અંશે કે મહદ્ અંશે ઝીલાય છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો સાહજિક સંવેદનો કે આવેગોની અભિવ્યક્તિ ન થાય, તેનું સતત દમન થાય તો સમય જતાં એ તેના વિકૃત રૂપે બહાર નીકળે છે. અથવા તો જે તે વ્યક્તિ એટલે અંશે નિષ્ક્રિય, નિર્બળ કે ઘૃણાને પાત્ર ઠરે છે. પરંતુ, અહીં સામાજિકતાએ અભિવ્યક્તિ કે અનુભૂતિને પોતાની અંદર સમાવી લીધી છે…
`રાત ભરે વૃષ્ટિ’ અર્થાત્ `રાતભર વરસાદ’ પરંતુ સમગ્ર નવલકથામાં વરસાદની ભીનાશને બદલે જીવનની તરસને – સુક્કા પટને ખોલવામાં આવ્યો છે. કથાના બંને પાત્રો માલતી અને નયનાંશુ પોત પોતાના વરસાદમાં એકમેકને ભીંજવવા ઇચ્છે તો છે પરંતુ, તે માટે તેઓ માત્ર રાહ જુએ છે,એકમેક માટે અપેક્ષાઓ રાખે છે,હકક કે દાવો નથી કરતા.માલતી ઇચ્છે છે કે નયનાંશુ તેના પુસ્તકિયા પ્રેમાલાપમાંથી બહાર નીકળે.જ્યારે નયનાંશુ ઇચ્છે છે કે માલતી તેના પ્રેમને સાચા અર્થમાં સમજી શકે…કવિતાઓ અને નવલકથાઓમાં રહેલા જીવનને તે સમજે. એક અર્થમાં નયનાંશુ માલતીને સામાજિક જીવન કરતાં કોઈ જુદી જ દુનિયામાં લઈ જવા ઈચ્છે છે. પરિણામે તેના ઘરે આવતાં મિત્રો સાથે માલતીને વાતો કરવા કહે છે તેની સાથે ચર્ચા કરવા પ્રેરે છે. તેને વાદ સંવાદો દ્વારા નવી વૈચારિક દુનિયામાં લઈ જવા ઈચ્છે છે. જ્યારે માલતી સામાજિકતામાં જીવવા ટેવાયેલી છે. તે સાચા અર્થમાં એક ઘરેલું સ્ત્રી છે. તેને તેના પતિના મિત્રો સાથે એ રીતે વાતચીત કરવા કરતાં વધુ રસ છે પતિમાં. તે નયનાંશુને એક જ્ઞાની કે તજજ્ઞ પુરુષના રૂપમાં પામવા નથી માંગતી પણ એક એવા પતિ રૂપે પામવા મથે છે જે માલતીના વગર કહ્યે માલતીની ઈચ્છાઓ જાણી લે..તેની અંદર ઉઠતાં સંવેદનો આવેગોને પામી લે. તેની ઉપર હકક જમાવે. તેની સ્ત્રીસહજ ઈચ્છાઓને સમજે. તેની લાગણીઓને ઉકસાવે એવું માલતી ઇચ્છે છે.
નયનાંશુ કંઈક અંશે રઘુવીર ચૌધરીની ગુજરાતી નવલકથા `અમૃતા’ના ઉદયન માફક માલતીના સ્વતંત્ર વૈચારિક અસ્તિત્વને ઝંખે છે. પરંતુ અમૃતા શિક્ષિત બૌધિક ને સામાજિક હોઈ તેનો સામાજિક પરિવેશ પણ અલગ હોઈ કોઈનાયે તાબે થઈ નથી. અટવાઈ છે જરૂર. જ્યારે અહીં માલતી ઘરેલું સ્ત્રી છે. તે બૌદ્ધિક નહિ પણ સંવેદનશીલ છે. સામાજિકતાને કારણે તે અમૃતા માફક પૂર્વે કોઈ નિર્ણય લઈ શકી નથી. એ તો પહેલેથી જ નયનાંશુની પત્ની બની ચૂકેલી છે. તેથી તે એક અર્થમાં સામાન્ય સ્ત્રીની જેમ નયનાંશુ ( પતિ) ના તાબે થવા માંગે છે. જેમાં નયનાંશુ તેનો માત્ર માલિક નહિ પણ તેના તમામ સંવેદનોનો સહભાગી બને. એ રીતે તે અમૃતા માફક સ્વાતંત્ર્ય નહિ પણ સંવાદિતા, સહાનુકંપા, સં-સંવેદન કેળવવા ઈચ્છે છે..જેમાં વણકહ્યે હૂંફ પ્રગટે. .પ્રેમાલાપ માત્ર ઔપચારિક ન હોય.
પરંતુ, તે અમૃતા જેટલી બૌદ્ધિક તો નથી. પરિણામે અનાયાસે તે જયંત નામક નયનાંશુના મિત્ર તરફ ઢળી જાય છે. નયનાંશુ આ બધું જાણે છે. તેમ છતાં તેનામાં રહેલી વ્યક્તિની સ્વતંત્ર અસ્તિત્વની સભાનતા તેને આક્રમક બનવા નથી દેતી. તેથી પોતાના જ ઘરે દારૂ પી ને આવેલ જયંતને પોતાની જ પત્ની સામે પ્રેમનો પ્રસ્તાવ મુકતો જોવા છતાં તે જયંતને માત્ર એટલું જ કહે છે કે મને લાગે છે કે તારે કદાચ હવે મારા ઘરે નહિ આવવું જોઈએ. નયનાંશુંનું આવું વધુ પડતું સ્વતંત્ર, બૌદ્ધિક, સામાજિક, સભાન માનસ જ માલતીને જયંત તરફ ઢળવા મજબૂર કરે છે. અલબત્ત, અનાયાસે પણ માલતીને નયાનાંશુના આવા વર્તનને કારણે જયંત વધુ જીવંત લાગે છે અને તે જયંતને પોતાની જાત સમર્પિત કરે છે.
આ લઘુનવલને નારીવાદી ભૂમિકાએ તપાસીએ તો અહીં કથાના અંતે માલતી નિર્ણય કરે છે કે હવે તે નયનાંશુની સાથે તો રહેશે જ પરંતુ બંને વચ્ચે માત્ર એક સામાજિક બંધન (લગ્ન) જ હશે. બાકી કશું નહિ. પોતાની બેબી મોટી થશે તેને સાસરે મોકલશે અને તેના જમાઈનો અંશુ (નયનાંશુ) સસરો બનશે. એ બધું જ હશે માત્ર સમાજને બતાવવા. એ જ એની સજા હશે જે તેણે જીવનભર ભોગવવી પડશે. માલતીના આ નિર્ણય પૂર્વે તે ખૂબ ઝઝૂમી છે નયનાંશું માટે. તેણે કુન્દનિકા કાપડિયાની નવલકથા `સાત પગલાં આકાશમાં’ની વસુધા માફક તેના પતિના ઘરને સાચા અર્થમાં ઘર બનાવ્યું છે.તે ના ઘરે આવતા તેના પતિના મિત્રો સાથે તેની દરેક ચર્ચાઓમાં, વાર્તા વિનોદમાં મને કે કમને સહભાગી થઈ છે. તેના મિત્ર વર્તુળની કેટલીક કંટાળાજનક ચર્ચાઓને તેણે સાંભળી છે. મિત્રોને ઘરના લોકો જેટલા આદર અને સન્માન આપ્યા છે. પરંતુ, તેના બદલામાં તે પતિનો નિર્વ્યાજ પ્રેમ પામી શકી નથી. માલતીની એ ઝંખના હતી.જે નયાનાંશુ કદી સમજી શક્યો નહીં. એ અર્થમાં માલતી એક વણકહી યાતાનાઓનો સતત ભોગ બનતી રહી. અને જ્યારે તે જયંત તરફ ઢળી ત્યારે નયનાંશુએ તેનો કશો વિરોધ પણ ના કર્યો. સિવાય કે માલતીને જ કહ્યું કે તારે નક્કી કરવાનું છે તારે શું કરવું. માલતી એવી સ્વછંદ તો નથી જ. પરિણામે નયનાંશુનું આવું વર્તન તેને આક્રમક અને ઉગ્ર બનવા મજબૂર કરે છે. તેમ છતાં, માલતી સામાજિકતા છોડતી નથી. પ્રગટપણે આક્રોશ પણ વ્યક્ત કરતી નથી. નયનાંશુને કશું કહેતી પણ નથી અને સામાજિકતામાં રહીને તે વિરોધ દર્શાવે છે. જેની ખબર પણ નયાનાંશુને પડે છે. નયનાંશું પોતે જ એક સમયે મનોમન કહે છે કે હવે તું જયંત તરફ પૂર્ણપણે ઝૂકી ગઈ છો. તારા શરીરે જવાબ આપી દીધો. દાંત ભીંસી પલંગની ચાદરને મુઠ્ઠીમાં લઈ તું સૂતી હતી. હું સમજી શકું છું. નયાનાંશુનું આવું સભાન માનસ છતાં, તે માલતીને રોકતો ટોકતો નથી. માલતી માટે એ પરજન હોય તેવી અનુભૂતિ સિદ્ધ થાય છે. માલતી સતત ઝંખે છે કે નયનાંશુ તેને બળજબરીપુર્વક બાજી પડે. પરંતુ, નયનાંશુ તેવું કશું કરવાને બદલે માત્ર જીવ્યે જાય છે. નયનાંશુનું આવું તટસ્થ વલણ જ માલતીની પીડાનું કારણ બને છે. નયનાંશું બધી વાતોથી વાકેફ હોવા છતાં કંઈ કરતો નથી.તે સમાજમાં રહેવા છતાં સમાજથી પર એવી કોઈ ભૂમિકાએ પહોંચ્યો છે. પરિણામે તે સમૂહમાં નહિ પણ શિષ્ટતામાં જીવવા પ્રરાયો છે(Mass નહિ પણ class). તેથી તે સહજ રહ્યો નથી.
આ સમગ્રમાં નયનાંશુનું પૂર્વજીવન મહત્વની ભૂમિકા ભજવી ગયું છે. તેના મિત્રની બહેનો સાથે તેણે લીધેલી છુટમાં તે સહજ હતો. અર્થાત્ સાહજિક સંવેદનશીલતામાં જીવી ચૂક્યો હતો.પરિણામે હવે તેનામાં સપાટી પરથી ઉપર ઉઠેલા એક ઉચ્ચ ખ્યાલ ધરાવતા વ્યક્તિત્વનો વિકાસ થયો હતો.તેને માટે સામાન્ય નહિ પણ શિષ્ટ પ્રશિષ્ટ જીવન મહત્વનું બન્યું હતું. અને એવી જ અપેક્ષા તે માલતી માટે રાખતો થયો હતો. પરંતુ તેની સામે માલતી તો એક સામાન્ય સંવેદનશીલ સ્ત્રી જ હતી. જેની પાસે નયનાંશું જેવું પૂર્વજીવન ન કે પૂર્વાનુભવ કશું જ ન હતું. તે નિર્દંભ, નિખાલસ ને પ્રમાણિક સ્ત્રી હતી. તેની ખોજ એક પ્રેમી અને સંવાદી પતિની હતી. જે પૂરી ન થતાં તે જયંત તરફ ઢળી છે. અને છતાં, જ્યારે તેને કશી પ્રતિક્રિયા નથી સાંપડતી ત્યારે નયનાંશુને સજા દેવા પણ સામાજિકતાનો આશ્રય લે છે. તેથી તે એક જ ઘરના એક જ ઓરડામાં બે પલંગમાં બે જ વ્યક્તિ છતાં, ઝોઝન દૂર રહી જીવે છે.
આ લઘુનવલમાં પણ જાતિયતાનું નિરૂપણ તો બુદ્ધદેવ બસુએ કર્યું જ છે પરંતુ, તે અશ્લીલ તો નહિ જ કહી શકાય. કારણકે જાતીય નિરૂપણ એ પાત્રોના આંતર મનોમંથનને પામવા અને અભિવ્યક્ત કરવા માટેનું માધ્યમ માત્ર છે. તેના પર અશ્લીલ સાહિત્ય સર્જનનો આરોપ મૂકવો એ એક કલાકૃતિને અન્યાય કરવા સમાન છે. અહીં જીવાતા જતાં જીવનની પડછે રહેલા એક અવ્યક્ત જીવનનો અવાજ છે. આ કૃતિને અશ્લીલતા જેવાં કોઈ પરિમાણમાં સીમિત કરી જ ન શકાય.
સ્ત્રી પુરુષના અંગત સંબંધો ને સંવેદનોને સમજવામાં આ લઘુનવલ નોંધપાત્ર નીવડે ખરી. અહીં સ્ત્રીને સામાજિકતામાં જ વિશેષ રસ છે તે દર્શાવે છે કે તેના પર પહેલેથી જ સામાજિકતાનું આરોપણ કરવામાં આવ્યું હોય છે. તેનું માનસ એ જ રીતે ઘડાયેલું હોય છે. મહદઅંશે સ્ત્રીને જ સામાજિકતા લાગુ પડે છે. સ્ત્રી જ સામાજિક બહિષ્કારનો ભોગ બનતી હોય છે. ટાગોર કે મહશ્વેતા દેવીના સાહિત્યમાં પણ વગર વાંકે સ્ત્રીને જ ભોગવવાનું થતું હોય છે. તેથી સમાજમાં તેણે જો જીવવું હોય તો સમગ્ર સામાજિકતા તેણે મૂંગા રહીને નિભાવવી પડશે. માલતી કોઈ જુદી સ્ત્રી નથી. તે પણ એ જ પ્રકારની સામાજિકતામાં જીવે છે અને તેણે જીવવું હશે તો સામાજિકતા જેવી પણ હશે તેવી તેણે સ્વીકારવી જ પડશે. કારણ કે આ જનજીવનમાં પતિ વિહોણી સ્ત્રીનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું.ટાગોર કૃત વાર્તા `જીવતી અને મરેલી’ આ ક્ષણે યાદ કરવી પડે કે જેમાં સ્ત્રી પોતે જીવતી છે એ સાબિત કરવા માટે મરવું પડે છે. માલતી પણ આ જ જનસમાજની સ્ત્રી છે.તેથી તેનો કોઈ છૂટકારો થવાનો નથી. તેથી તે પતિ સાથે રહીને પતિને સજા આપે છે. પણ સામાજિકતાથી પર થતી નથી.
પુરુષ માનસ પણ અહીં ખુલવા પામ્યું છે. નયનાંશું જેવો એક બૌદ્ધિક અને શિષ્ટ વ્યવહાર પ્રિય વ્યક્તિ પોતાની અનુભૂતિને કે વિચાર વિશ્વને ખોલી શક્યો નથી. તેણે એક સમયે જીવાઈ ગયેલા જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી છે. પરિણામે તે પ્રેમ જેવી અનુભૂતિને પણ અનુભવવા કરતાં વધુ અભિવ્યક્ત કરવામાં માને છે.તેથી પ્રેમની કવિતાઓ બોલે છે. તેનો પ્રેમાલાપ પુસ્તકિયો બની ગયો છે. તેના સંવેદનો અનુભૂતિઓ તે માત્ર પુસ્તકોમાં જુવે છે.હવે તે શારીરિક અનુભૂતિઓમાં પણ શિષ્ટ પ્રશિષ્ટ વલણ ઝંખે છે. જે દર્શાવે છે કે પુરુષ માનસ વ્યક્તિગત સંવેદનને સમુહગત અનુભૂતિમાં જોવા લાગ્યું છે. પરિણામે તે જાગ્રત હોવા છતાં સામાજિકતાથી પર થઈ જાય છે. તેને સામાજિકતા એટલે અંશે અસર પાડતી નથી. તેને માલતી હવે તેની સાથે રહે કે ન રહે.તેનાથી કશો ફરક પડતો નથી.તે ક્રિયાશીલ રહેવા માંગે છે. લાગણીના પ્રવાહમાં ખેંચાઈ જતો નથી. જે ચાલે છે તેને ચાલવા દે છે.તેથી જો માલતી પોતે પોતાની રીતે નયનાંશું તરફ આવે તો તેને વાંધો નથી. પણ તે માટે તે કોઈ પ્રયત્ન કરતો નથી.
કથાના બંને પાત્રો સામાજિક અને માનસિક સભાન માનસ ધરાવે છે. પરંતુ બંનેની રીતો અલગ છે. બંન્નેએ પોત પોતાની આશા અપેક્ષાઓ મનમાં જ રાખી હોવાથી એક મૂંઝાતો નિઃશ્વાસ સતત ઘરમાં આંટાફેરા મારતો રહે છે. અહીં સ્ત્રીને સમજવા માટે પુરુષ માનસની કમી વર્તાઈ છે અને પુરુષ માનસને સમજવા માટે સ્ત્રી માનસની કમી વર્તાઈ છે. આ ઉપરાંત જો કોઈ બાબતની વિશેષ કમી હોય તો તે પરસ્પર સંવાદની. બંનેમાંથી એકપણ પાત્ર એકમેકને એકમેક વિશે બધું ઝંખવા છતાં કશું સ્પષ્તાપૂર્વક કહી શકતા નથી. ને પરિણામે વ્યક્ત થાય છે એક મનોજાગ્રત સામાજિકતા. માલતી અંતે એજ સમાજમાં રહે છે અને નયનાંશું પણ અંતે એ જ ઘરમાં રહે છે.
સંદર્ભ : ‘રાત ભરે વૃષ્ટિ’ – ઈ- બુક એકત્ર ફાઉન્ડેશન.
– ડૉ.અલ્પા વિરાશ. alpavirash@gmail.com
સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ પાલીતાણા