– ડૉ. વંદનાબેન રામી
૪ જાન્યુઆરી ઈ.સ.૧૯૬૦ના રોજ કાર અકસ્માતમાં અકાળે અવસાન પામેલા આલ્બેર કામૂ યુદ્ધોત્તર નવલકથાકારોમાં મહત્વનું સ્થાન ધરાવનાર પ્રતિભાવંત સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, નવલિકા, નાટક અને નિબંધ એમ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું ખેડાણ કર્યું છે. કામૂનો જન્મ ૭ નવેમ્બર ઈ.સ.૧૯૧૩ના રોજ ફ્રેન્ચ અલ્જેરિયાના માંડોવી (હાલના ડ્રોઆન) માં થયો હતો. પિતા લુસિયન કામૂ અને માતા કેથેરીન હેલેન કામૂ આર્થિક રીતે સાવ નબળી સ્થિતિમાં જીવતા હતા. ઈ.સ.૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમના પિતાનું મૃત્યુ થયું. ત્યારબાદ ઈ.સ.૧૯૩૩માં અલ્જિયર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો.ઈ.સ. ૧૯૩૮માં Algerrepublican માટે કામ કર્યું. અને એ દરમિયાન સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે સફળ ખેડાણ કર્યું.
કામૂએ યુદ્ધોત્તર યુરોપના માનવીઓના અનુભવો, સંઘર્ષો, અને દુઃખદ અનુભવો વિષે ગાઢ અનુભૂતિથી કલમ ચલાવી છે. તેમણે સીધી, સચોટ, અને ગહન તેમજ ભાવનાસભર નવલિકાઓ આપી છે. અવિશ્વાસ અને ઉદાસીથી ભરેલી સાત્રૅની વાર્તાઓથી તદ્દન જુદી જ વાર્તાઓ લખી છે. કામૂ માનવીના પ્રેમ, સુખ- દુખ, લાગણી, શોક વિશે ધારદાર લખતા હતા. તેમના નાયકો પણ ગ્રીક ટ્રેજેડીના નાયકોની જેમ નસીબથી માર ખાઈ ચૂકેલા ધૈર્યવાન માનવીઓ છે. કામૂની અમુક કૃતિઓ તો ખૂબ જ લોકપ્રિય બનેલી છે. ‘The Outsider’, ‘The Plague’, ‘Exile the Kingdom’ – મા ઉત્તર આફ્રિકાનું અદ્ભૂત કુદરતી સૌંદર્ય જોવા મળે છે. આ એક પછી એક કૃતિઓમાં કામૂએ મનુષ્યના મનમાં એવી તો ડૂબકીઓ લગાવી છે કે તેને વાંચતા ભાવકનું ચિત્ત ખળભળી ઉઠે ને ઝંકૃત થઈ જાય છે. તેમણે ઉઠાવેલા પ્રશ્નોના જવાબ હજુય માનવજાત શોધવા મથી રહી છે. તેઓ માનતા હતા કે:
“જિંદગી નિરર્થક છે એનો કોઈ અર્થ જ નથી.”
તેમણે કહેલ નિરર્થકતાની અનુભૂતિ વહેલી માડી દરેક મનુષ્યને થાય જ છે. આધુનિક સમાજનો ઢાંચો જ કંઈક એવી રીતે ગોઠવાયેલો છે કે એમાંથી હતાશા – નિરાશા જ મળે છે. આજે વિશ્વમાં ક્યાંય સમાનતા જોવા મળતી નથી. અન્યાય સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ જ્યારે બળવો પોકારે ત્યારે ટોચ પર બેઠેલી મંડળી તેને ચૂપ કરી દે છે, ને ક્યાંક તો વળી અગ્નિસ્નાન થાય છે. ત્યારે કાયદાની અદાલત પણ તેને મદદ કરતી નથી. પરિણામે માણસ સંવેદનશીલતા ગુમાવી બેસે છે. ને ધીરે ધીરે ઈશ્વર પરથી તેનો ભરોસો ઉઠી જાય છે. પરિણામે તે એબ્સર્ડ – મેન બની જાય છે.
આલ્બેર કામૂ કૃત ‘ધ આઉટસાઈડર’ એ અસ્તિત્વવાદી ફિલસૂફીનું પૂર્ણ સ્વરૂપ ધરાવતી વિશ્વ વિખ્યાત નવલકથા છે. આ કૃતિનો નાયક મ્યૂરસોલ્ટ (Antihero) દોસ્તોએવસ્કીની ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ અને ‘ગેટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ ના નાયકોના ગોત્રનો છે. એ મ્હોરા વગરનો માણસ છે. કથાનાયક પોતાની આસપાસના લોકોને તેમજ સારી-નરસી ઘટનાઓને બરાબર રીતે સમજી શકે છે. ઝીણી ઝીણી વિગતોની સંપૂર્ણ નોંધ લેવાની ક્ષમતા અને સ્વસ્થતા તેનામાં છે, પણ કશા જ પ્રત્યેની પોતાની લાગણી એ પ્રગટ કરી શકતો નથી. એ એટલો બધો લાગણીહીન અને નિષ્ક્રિય બની ગયો છે કે પોતાની માતાના મૃત્યુના સમાચાર મળ્યા પછી પણ તે સ્વસ્થ રહી રેસ્ટોરન્ટમાં જઈ જમે છે. વૃદ્ધાશ્રમે જઈ માતાની દફનવિધિમાં જોડાતો નથી. માતાના મૃતદેહનું અંતિમ દર્શન પણ કરતો નથી. રડતો પણ નથી. આજના માણસને હર્ષ અને શોક કૃત્રિમ રીતે દર્શાવતા ખુબ જ સરસ રીતે આવડે છે. પણ મ્યૂરસોલ્ટ રડતો નથી. દુઃખની, વિષાદની એક પણ રેખા તેના વાણી-વર્તનમાં દેખાતી નથી. માતાના શબ આગળ બેસી રાતભર તે સિગારેટ પી ધૂમ્રપાન કરે છે. આ નાયકને કૃત્રિમતા દર્શાવતાં આવડતી જ નથી. આ દુનિયાના નિયમો, કાનૂન કે રીતિરિવાજો એને જાણે સ્પર્શતા જ નથી. માતાના મૃત્યુના બહાને શેઠ પાસેથી અનાયાસે મળેલી ચાર રજાઓ વિતાવવા શોકની કાળી ટાઇ અને પટ્ટી ધારણ કરીને પોતાની પ્રિયતમા મેરી સાથે સ્નાનાગારમાં અંગત પળો માણે છે. વિનોદી ફિલ્મ માણતા- માણતા તે રાતે પહેલીવાર તે મેરી સાથે કામસમાગમ સાધે છે. તેની માતાના મૃત્યુ વિશે જાણતા મેરી સંકોચાય છે પણ મ્યૂરસોલ્ટને કોઈ સંકોચ થતો નથી. તે લાગણીહીન છે. દુનિયાની કોઇ જ બાબત તેને સ્પર્શતી નથી. તેને સ્પર્શે છે તો ટાઢ-તડકો, ખોરાક, અને સેક્સ જેવા કુદરતી આવેગો. એ સંવેદનશીલ છે; પણ દુન્યવી રીતે નહીં. મેરી સાથેના સંબંધોમાં એ ગંભીર નથી. એકવખત દરિયા કાંઠે બેઠા બેઠા જ એનાથી એક આરબનું ખૂન થઇ જાય છે. આવી ગંભીર બાબતનો પણ એને નથી પસ્તાવો, નથી દુઃખ કે નથી આવનાર પરિણામની ચિંતા.
બીજા માણસો જેવો એ સમજુ હોત તો કદાચ અદાલતમાં પોતાની ભૂલ સ્વીકારી લેત, એની માફી માંગત, પરંતુ તે તો પસ્તાવો પણ વ્યક્ત કરતો નથી. મ્યૂરસોલ્ટ એક એવો માણસ છે જે હીરો બનવાના કે હોવાના કોઈ દંભ વિના સત્ય ખાતર મરવાનું પસંદ કરે છે. એનું ચિત્તાકાશ એટલું પારદર્શક છે કે જે લાગણી એણે અનુભવી જ નથી એનો દેખાડો કરવા કે ડોળ કરવા એ તૈયાર જ નથી. તદ્દન ફાની દુનિયામાં અમથું અમથું જીવતો માણસ નિયમો અને નૈતિકતાના અંચળાને ફગાવી સાચેસાચું જીવન જીવે તો તેનું જીવન કેવું હોય, એ વાત આ નવલકથામાં કામૂએ મ્યૂરસોલ્ટના વાણી-વર્તન દ્વારા અદ્દભુત રીતે વર્ણવી છે.
પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ નવલકથાનું કથાવસ્તુ આમ તો બહુ સરળ છે. કેટલાક સમયથી મા-દીકરા વચ્ચે સારા સંબંધ નથી. તેમ છતાં તે માતાની અંતિમ ક્રિયામાં હાજરી આપે છે સાવ અલિપ્ત ભાવે. અલ્જીરિયાના સાગરકાંઠે તરવા જાય છે. મેરી સાથે સહશયન કરે છે. પોતાની માતા સાથે સંબંધ રાખનાર અન્ય પુરુષની મૈત્રી અને વિશ્વાસ તે સાવ નિષ્ક્રિય ભાવે સ્વીકારે છે.કદાચ આ કારણે મ્યૂરસોલ્ટને હાથે આરબની હત્યા થઈ જાય છે. અને સરકારી વકીલ અદાલતમાં તેને લાગણીહીન અને રીઢો ગુનેગાર સાબિત કરે છે.
“જ્યુરીના સદગૃહસ્થો! હું તમારું ધ્યાન એ વાત પર દોરવા માગું છું કે પોતાની માની દફનક્રિયાને બીજે જ દિવસે આ માણસ સ્નાનાગારે જાય છે, એક યુવતી સાથે સંબંધો શરૂ કરે છે.અને એક વિનોદી ચિત્ર જોવા જાય છે બસ, મારે આટલું જ કહેવું છે.” (પૃ.૮૭)
“તમારી સામે આ પાંજરામાં ઊભેલો માણસે તેની માતાની દફન ક્રિયાને બીજે જ દિવસે અતિશય શરમજનક રંગરાગ ભોગવ્યા હતા. એટલું જ નહીં પણ વેશ્યા અને દલાલોની અંધારી દુનિયામાં કોઈ હલકટ વેરને કારણે એક માણસનું ઠંડી ક્રૂરતા સાથે ખૂન પણ કર્યું હતું. જ્યુરીના સદગૃહસ્થો! આ કેદી આવા પ્રકારનો માણસ છે.” (પૃ. ૮૯)
હકીકતને નીરૂપવાની વકીલની આ રીતમાં પણ એક ચોક્કસ પ્રકારની વિચક્ષણતા જોવા મળે છે.જ્યારે મ્યૂરસોલ્ટ આ ઘટના વિશે જણાવે છે કે;
“આરબનું ખૂન કરવાની મારી કોઈ ઈચ્છા નહોતી.” (પૃ.૯૪)
“તડકાને કારણે એમ થયું હતું એવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો.”(પૃ.૯૫)
તેના આ વિધાન પર સૌ હસે છે. અહી મ્યૂરસોલ્ટ અદાલત અને સમાજમાં પણ એક સ્વસ્થ સામાજિક પ્રાણી તરીકે નથી સ્વીકારાતો. તે સ્વીકારાય છે એક અ-માણસ તરીકે. કથાનાયકના મનની અસંગતિઓ પણ સર્જકે કલામય રૂપે નીરૂપી છે.
• તે રેમન્ડના દુશ્મન આરબને કોઈપણ પ્રકારની વેરવૃત્તિ કે દુશ્મનીવિના જ ગોળી મારી દે છે.
• આરબ જીવે છે કે મરી ગયો તે જોવા તેની
નજીક જઈ તેને બીજી ચાર ગોળી મારી દે છે.
• અદાલતમાં મેજિસ્ટ્રેટ એના નાક સુધી ક્રૂસમૂર્તિ લાવી એનામાં પશ્ચાતાપની લાગણી જગવવા મથે છે, તો પણ એનામાં પશ્ચાતાપની જરાય લાગણી પ્રગટ થતી નથી.
• પાદરી સાથેની વાતચીતમાં પણ તે સાવ લાગણીહીન અને નિષ્ક્રિય જોવા મળે છે.
“‘શા માટે મને તું મળવા આવતો દેતો નથી?’
‘મેં તને સમજાવ્યું કે: હું ઈશ્વરમાં માનતો નથી.’
‘તને તેની ખરેખર પાકી ખાતરી છે?’
‘મેં કહ્યું કે આ વસ્તુ પર મારી બુદ્ધિને તસ્દી આપવાનો મને કોઈ અર્થ જણાતો નથી. હું ઈશ્વર માનું છું કે નથી માનતો તે પ્રશ્ન મારે મન તો
અલ્પ મહત્વનો છે.(પૃ.૧૦૪)
• આરબની હત્યાને કથાનાયક પાપ નહિ, પણ એક અકસ્માતથી વિશેષ મહત્વ આપવા માંગતો નથી.
• મૃત્યુદંડની સજા સમયે પણ એ કોઈપણ પ્રકારના પ્રતિભાવ પ્રગટ કરતો નથી.
• પાદરી સાથેની વાતચીતમાં પણ ઈશ્વર, ધર્મ, ન્યાય, નીતિ પરત્વેનો તેનો અણગમો એકસામટો પ્રગટ થઈ જાય છે.
અદાલતમાં માની દફનક્રિયા, માના મિત્રોનું રુદન, સાલામાનો, તેનો ગંદો કૂતરો, રેમન્ડે તેની રખાતને કરેલી મારપીટ – આ સઘળી ઘટનાઓને તે વિગતે વર્ણવે છે. પણ મ્યૂરસોલ્ટ મેરી સાથેના પોતાના કામસંબંધને વર્ણવતો નથી,બુદ્ધિથી પણ નહીં અને લાગણીથી પણ નહીં. આ નવલકથામાં સમાજજીવનની અસંગતિ પણ જોવા મળે છે. અદાલતના દ્રશ્યોમાં મુકદ્દમો કથાનાયક મ્યૂરસોલ્ટ પર ચાલે છે. તેની ઉલટ તપાસ લેવાય છે, તો તેની સાથે આખા સમાજ પર જાણે મુકદ્દમો ચાલતો હોય અને સમાજની ઉલટ તપાસ લેવાતી હોય, અને કથાનાયકની સાથોસાથ સમાજને પણ ગુનેગાર સાબિત કરવાની યોજના ચાલતી હોય એવી પ્રતીતિ લેખક અહીં કરાવે છે.
પરંપરાગત નવલકથામાં જોવા મળતાં વસ્તુસંકલના, વાતાવરણ, પાત્રચિત્રણ વગેરે આ નવલકથામાં પણ હોવા છતાં આ કૃતિની ગણના પ્રતિનવલ (antinovel)માં થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લખાયેલી આ નવલકથા અસંગતિવાદની વિચારસરણીને સમજવા ખૂબ ઉપયોગી છે. આ કૃતિમાં પરંપરાગત અર્થમાં કોઈ નાયક જ નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ પણ નથી. એ નીતિમાન કે નીતિહીન પણ નથી. કામૂના કહેવા પ્રમાણે તે અહીં ‘એબ્સર્ડ’ છે. આ કૃતિમાં કામૂની નિરૂપણશૈલી દરેક વસ્તુ, પ્રસંગ,કે પાત્રને ઉપસાવવામાં સમથળ રહી છે. તેમજ અત્યંત મર્યાદિત શબ્દ ભંડોળને કારણે નિરૂપણમાં વ્યર્થતાનો ભાવ પણ સર્જક સહજતાથી ઉપસાવી શક્યા છે. કથાને અંતે પણ કથાનાયકના જીવનમાં પ્રેમ, આનંદ, કે પશ્ચાત્તાપને કોઈ સ્થાન નથી. કથાને અંતે મ્યૂરસોલ્ટ કહે છે:
“આ દુનિયામાં કોઈને કોઈનેય ખાતર રડવાનો અધિકાર નથી. અને મને પણ નવેસરથી જિંદગીનો પ્રારંભ કરવાની લાગણી થઇ. ક્રોધના એ આવેશે જાણે કે મને ધોઈને સ્વચ્છ કર્યો હતો. મારી આશાઓ ઠાલવી નાખી હતી. અને નક્ષત્રો અને તારાઓથી ખચિત કાળા આકાશને તાકી રહેતા પહેલી જ વાર મારું હૃદય બ્રહ્માંડના મંગલ તાટસ્થ પાસે ખુલ્લું કર્યું. મારા જેવા એ આવો, લગભગ માયાળુ અનુભવ કર્યા પછી મને સમજાયું કે ત્યારેય હું સુખી હતો. અને એય સમજાયું કે આજેય હું સુખી છું. બધી જ પૂર્ણતા પ્રાપ્ત કરવા પૂરતી એકલતા ઓછી મહસૂસ કરવા એક જ વસ્તુ શેષ રહેતી હતી અને તે એ કે એટલી જ આશા રાખવાની કે મને ફાંસી દેવાય તે દિવસે પ્રેક્ષકોના ટોળાં આવે અને મને બદદૂવાના આક્રંદોથી અભિનંદે.(પૃ.૧૧૦)
આમ કથાને અંતે પણ મ્યૂરસોલ્ટ તમામ પરિસ્થિતિ વચ્ચે એક જ મ્યૂરસોલ્ટ છે. અને એટલે જ અહીં નાસ્તિકભાવ જાગે છે. તે માને છે કે માણસ ત્રીસમે વર્ષે મરે કે એકત્રીસમે વર્ષે મરે તેમાં કશો ફેર પડતો નથી. કારણ બંને કિસ્સામાં સ્ત્રી-પુરુષો તો જીવતાં જ રહે છે. દુનિયા તો ચાલ્યા જ કરે છે. આ કૃતિમાં કથાનાયકની અવસ્થા આવી સ્થિતપ્રજ્ઞ છે. નિત્ય જીવનની યાત્રિક્તા અહીં વ્યક્ત થઈ છે. અને તે દ્વારા માનવ માત્રના જીવનની અસંગતતા પણ અહીં પ્રગટે છે. કુટુંબ, કાયદો, અને ધર્મ આ ત્રણેયની જોહુકમી સ્વીકારવા ન માગતો નાયક એકમાત્ર મરણને જ શાશ્વત સત્ય અને વાસ્તવિકતા માનીને જીવે છે.
પરંપરાગત નવલકથાકારોથી આલ્બેર કામૂનું જીવનદર્શન, વિચારચિંતન જુદો જ અભિગમ અપનાવે છે. એવું કહી શકાય કે લાઘવ,ટેકનિક,ચરિત્રચિત્રણ,વિષયનાવીન્ય આ સર્વે પરત્વે સંયમ દાખવીને સર્જકે એક નવા જ વિષયવસ્તુને સ્પર્શ્યુ છે. નવલકથા અને અસ્તિત્વવાદીની ફિલસૂફીનો અહીં સંગમ છે. ‘આઉટસાઈડર’ કૃતિએ કામૂને વિશ્વના અમર સાહિત્યકારોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન અપાવ્યું છે.
સંદર્ભ :
• `આઉટસાઈડર’: લે. આલ્બેર કામૂ. ગુ.અનુવાદ – રવીન્દ્ર ઠાકોર
પ્રા. ડૉ. વંદના બી. રામી, મદદનીશ પ્રાધ્યાપક, શ્રી આર. આર. લાલન કોલેજ, ભૂજ
મો; +91-9924818600, Email: drvandanarami@gmail.com