જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
-‘કલાપી’ (૧૮૭૪-૧૯૦૦)
ગઝલ એ અરેબિક શબ્દ છે. જેનો અર્થ ‘પ્રિયતમા સાથે ગુફ્તગૂ કરવું’ એવો થાય છે. મિલનની ઝંખના, વિયોગનું દુઃખ, તડપ, સ્ત્રી સૌંદર્ય – એ ગઝલનો મુખ્ય વિષય હોય છે. જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈપણ વિષયો સાથે છૂટથી લખાય છે. પ્રિયતમાની સાથેની ગોષ્ઠિ અને રૂપનાં વખાણ જેવા સીમિત વિષયોમાંથી શરૂ થયેલો આ પ્રકાર આજે જ્યારે એના શાબ્દિક અર્થ અને સીમાઓને પાર કરી ચૂકયો છે ત્યારે ગઝલ ખાસ છંદોમાં લખાતું વિશિષ્ટ સ્વરૂપ અને સ્વભાવ ધરાવતું ઊર્મિકાવ્ય બની ચૂક્યું છે. ગુજરાતમાં ઉર્દુ ગઝલ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ગઝલકાર ‘વલી’થી શરૂ થયેલી. જેનું પછી ધીરે ધીરે ગુજરાતીકરણ થવા માંડ્યું. આમ, પરદેશી બીજ ગુજરાતી જમીનમાં ખેડાવવા માંડ્યું. પરંતુ શુદ્ધ ગુજરાતીમાં પ્રથમવાર ગઝલને આકાર આપનાર માણસ હતા – ‘ક્લાન્ત કવિ’ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા (બાલ). તેમણે ‘દીઠી નહીં’ નામની પ્રથમ ગઝલથી ગુજરાતી ગઝલનો ઇતિહાસ રચ્યો. (નોંધ: ‘ભગવદ્ગોમંડલ’ દયારામને પ્રથમ ગઝલકર્તા કરતાં જણાવે છે.)
બાલાશંકરના સમકાલીન કાન્ત, કલાપી, મણિલાલ દ્વિવેદી, ગોવર્ધનરામ, બળવંતરાય ઠાકોર જેવા દિગ્ગજ સાહિત્યકારો હતા. પરંતુ તે કાળ કાવ્ય અને ખાસ ગઝલના ઇતિહાસમાં ‘બાલ-કલાપી યુગ’ તરીકે જ ઓળખાયો. બાલાશંકર- જે ગુજરાતી ગઝલના જનક કહેવાય. પરંતુ આ કાળનું નામ કલાપી સાથે કેમ જોડાયુ? તે પ્રશ્ન મનમાં ઉદ્ભવે. કોઈપણ યુગના નામ પાછળ જે-તે પ્રકારના પિતા અને પતિનો ફાળો મહત્ત્વનો હોય છે. સામાન્ય રીતે એવું માની શકાય કે પિતા એટલે તે પ્રકારને લાવનાર, અને પતિ એટલે તે સાહિત્ય પ્રકારમાં અદ્વિતીય અને અપ્રતિમ કામ કરે તે સર્જક. કવિ કલાપીનું કાર્ય તત્કાલીન કાળે ગઝલ ક્ષેત્રે કંઇક એવું જ છે. તત્કાલીન લોકપ્રિય કવિ કલાપીનો પરિચય અને સુખ્યાત ગઝલ ‘આપની યાદી’નો ગઝલ આસ્વાદ કરીએ.
ગુજરાતના રસિકજનોના હૃદયમાં બિરાજમાન સૌરાષ્ટ્રના લાઠી નગરના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે જ કલાપી. તેમનો જન્મ ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના રોજ લાઠીના રાજ કુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યાઅભ્યાસ કર્યો. આ અભ્યાસકાળ દરમ્યાન ૧૮૮૬માં પિતા તખ્તસિંહજી અને ૧૮૮૮માં માતા રામબાનું અવસાન થયું હતું. ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે જ એક સાથે રોહા(કચ્છ)ના રાજકુંવરીબા રમાબા (રાજબા) અને કોટડા સાંગાણીના આનંદીબા (કેસરબા) સાથે થયા. પિતાજી અને મોટાભાઈનું અવસાન થતાં સગીર વયે જ ઈ.સ ૧૮૯૫માં જ લાઠી સંસ્થાનના ગાદીવારસ ઠરેલા. તે સમયે ભારત પર અંગ્રેજી શાસન ચાલતું. સૌરાષ્ટ્રના તમામ રજવાડા ‘કાઠીયાવાડ અંગ્રેજ એજન્સી’ની દેખરેખ નીચે હતા. એજન્સીના નિયમ મુજબ દરેક રાજકુમારને (જે રાજા થનાર હોય) શિક્ષણ, કેળવણી અને જાત અનુભવ માટે છ મહિનાનો ભારત પ્રવાસ ફરજિયાત હતો. આ પ્રવાસ કલાપીના સાહિત્ય ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યો. પ્રવાસમાંથી કલાપીએ લખેલા પત્રો અદ્વિતીય છે. તેમના પત્રમાં અદભુત ગદ્ય છે. ‘કાશ્મીરનો પ્રવાસ’ તેમનો પ્રવાસ પુસ્તક પ્રાપ્ત થાય છે.
ઈ.સ.૧૮૯૨થી મણિલાલ નભુભાઈ દ્વિવેદી સાથે પત્ર વ્યવહાર થાય છે. મણિલાલ દ્વિવેદીને ગુરુ માની લીધેલાં. મણિલાલ દ્વિવેદીનો સંગ કલાપીને આધ્યાત્મ તરફ દોરી જાય છે. ઇ.સ.૧૮૯૩માં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથેના પત્ર વ્યવહારો શરૂ થાય છે. ‘સરસ્વતીચંદ્ર’થી પ્રભાવિત થાય છે. ઇ.સ.૧૮૯૬માં બાજુનાં જ ગામ ચાવંડનાં કવિ કાન્તનાં સંપર્કમાં આવે છે. કાન્તની ગાઢ મૈત્રીને કારણે કલાપી સાહિત્ય તરફ વધુ અભિમુખ થાય છે. ‘માળા અને મુદ્રિકા’ તથા ‘નારી હૃદય’ રૂપાંતરિત નવલકથા તેનું જ પરિણામ છે. ખૂબ નાની ઉંમરથી જ વાંચન અને ભણતરનો શોખ હતો. તેમની આંખે ખીલની તકલીફ હોવાં છતાં તેમનું વાંચન અનંત રહે છે. પુરોગામી અને સમકાલીન સાહિત્ય ઉપરાંત ઇતર ભાષામાં પણ વાંચન રુચિ તેમને દોરી જાય છે. વર્ડઝવર્થ, શેલી, કીડ્સ, થોમસમુઅર, શેક્સપિયર, ટેનિસન, દાંતે, મિલ્ટે, ગટે વગેરે અંગ્રેજી કવિઓની કવિતા તેમની સર્જન ચેતનાને વધુ જાગ્રત કરે છે. આ ઉપરાંત તેમને ઉર્દૂ અને સંસ્કૃતનો અભ્યાસ પણ કરેલો.
તેમનું હૃદય રજવાડી કાવાદાવા અને ખટપટથી ક્યાંય પર હતું. બંને પત્નીમાં રમાબા સાથે (જે તેમનાથી આઠ વર્ષ મોટાં હતાં) ખૂબ જ પ્રેમથી રહેતા. જ્યારે આનંદીબા (જે તેમનાથી બે વર્ષ મોટાં હતાં) સાથે માત્ર પતિ વ્યવહાર જ રાખતા. તદ્ઉપરાંત રમાબા સાથે આવેલી ખવાસ જાતીની દાસી મોંઘી (પછીથી શોભના)ની નિખાલસતા, ચંચળતા, સુંદરતા, ભોળપણ અને બુદ્ધિચાતુર્યને લીધે તેની સાથે પ્રેમ થાય છે. એક સાથે બે સ્ત્રીને ચાહવાની પ્રત્યક્ષ નીડરતા ક્ષત્રીય કવિ કલાપી જ કરી શકે. તે લખે છે,
‘તુંને ન ચાહું ન બન્યું કદી એ, તેને ન ચાહું ન બને કદી એ,
ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને.’
ઇ.સ.૧૮૯૨થી લખવાનું શરૂ કરેલું. ઇ.સ.૧૮૯૪થી તેની કવિતાની ખરી મુદ્રા ઉપસવા લાગે છે. તેની પાછળનું કારણ આ જ અરસામાં શોભના સાથે પ્રેમ થયેલો તે પણ હોઇ શકે અને મણિલાલનો અધ્યાત્મ સંગ પણ હોઈ શકે. ઇ.સ. ૧૮૯૬ થી ઇ.સ.૧૮૯૮ એમ ત્રણ વર્ષનું કાવ્યસર્જન તેમનાં કુલ કાવ્ય સર્જનનાં સીત્તેર ટકા જેટલું છે. કવિતામાં ઊર્મિનું ઉંડાણ, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, સૌંદર્ય, રમણીય કલાત્મકતા અને ચિંતન પ્રગટ થતું જોવા મળે છે. ‘પ્રણય, પ્રકૃતિ અને પ્રભુભક્તિ’ એ કલાપીની કવિતાના મુખ્ય વિષય જણાય છે. તેમની પાસેથી કુલ ૨૫૯ કવિતાઓ મળે છે. જેમાં પ્રણયકાવ્યની વિપુલ માત્રાને લીધે જ આપણે તેને ‘અગ્રણી પ્રણય કવિ’ કહીએ છીએ.
કવિની છંદ પરની પકડ મજબૂત હતી. મંદાક્રાન્તાથી શરૂ કરી શિખરિણી, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, સ્રગધરા, માલિની, હરિણી, ઉપજાતિ, ત્રોટક અને હરિગીત વગેરે જેવા અક્ષરમેળ છંદોને કુશળતાપૂર્વક પોતાની કવિતામાં પ્રયોજ્યા છે. ઉપરાંત અલંકાર, લય અને સંગીત તેમની વિશેષતાઓ છે. દોહરો, સોરઠો જેવા માત્રામેળ છંદ તેમની રચનાને સુંદર લય આપે છે.
‘આપની યાદી’ એ ગઝલ કાવ્ય છે. ગુજરાતી કાવ્ય સાહિત્યના શ્રેષ્ઠ કાવ્યમાંનું અને કલાપીનું ઉત્તમોત્તમ ગઝલકાવ્ય એટલે ‘આપની યાદી.’ ખૂબ જ સુપ્રસિદ્ધ. આપણા સૌનાં જોવા-વાંચવા-ભણવા-સાંભળવામાં ક્યાંકને ક્યાંક આવ્યું જ હોય એવું પ્રચલિત અને લોકપ્રિય કાવ્ય. કવિતાની ઊંડાઈ, કવિતાનો મર્મ, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની ચર્ચા થઇ શકે.
કલાપીએ ખૂબ જ અલ્પજીવનમાં વિપુલ સર્જન કર્યું છે અને એમની અસંખ્ય કવિતાઓમાંની અને જીવનની લખાયેલી છેલ્લી કૃતિ ગણાય છે–‘આપની યાદી’ – જે કલાપીની આજીવન યાદ આવી જાય છે.
અહીં પ્રથમ એ નોંધવું રહ્યું કે ‘ગઝલ ઈશ્કે હકીકી છે કે ઇશ્કે મિજાજી?’–તો કવિ ઈશ્કેમિજાજીથી ઈશ્કે હકીકી તરફ વળ્યાં છે. કવિ ઇશ્વરને સંબોધીને જ્યારે કાવ્ય લખે છે, ત્યારે આપણે ત્યાં પ્રેમલક્ષણા ભક્તિમાં કૃષ્ણ(ઇશ્વર) એ પ્રિયતમ છે અને ગોપીએ પ્રિયતમા છે. જ્યારે બીજો સિલસિલો આપણે ત્યાં સુફી પરંપરાનો છે. જેમાં ઇશ્વરને સનમ (પ્રિયતમા) સમજીને તેની ભક્તિ કરવામાં માનતો વાદ છે. જેમાં ઇસ્લામ સૂફીવાદીઓ પોતાને પ્રિયતમ અને પરમેશ્વરને પ્રિયતમા માને છે, અને એવી જ રીતે સંબોધન કરે છે. તેવી જ રીતે ‘આપની યાદી’ ગઝલને આધ્યાત્મની દૃષ્ટિએ જોતાં જણાય છે કે પ્રભુ ભક્તિ તરફ વળેલા કલાપી પરમેશ્વરને પ્રિયતમા જાણીને સંબોધન કરી રહ્યા છે અને કહે છે, કે
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’
પ્રથમ તો યાદ રાખીએ કે, હમણાં કહ્યું તેમ આ ગઝલ ઇશ્વરરૂપી પ્રેમિકાને સંબોધીને કહેવાઇ છે. પ્રેમિકા ગેરહાજર હોવા છતાં કવિને તેની હાજરી સતત વર્તાય છે. અહીં ‘જ્યાં’ શબ્દ બેવડાઇને આવે છે. તે બધે જ સૂચવે છે. કારણ કે એ પ્રિય પાત્રનું સ્મરણ તો અત્ર-તત્ર-સર્વત્ર છે. હોય જ. વળી ‘નજર પડે’ એમ નહીં અને નજર કરતાં પણ નથી. પણ ‘નજર ઠરે’ એમ લખાયું છે. જે નજર પડે છે એ તો માત્ર પડે છે. અને ત્યાં જ દ્રવિભૂત થઈ જાય છે. કારણ કે તે અનાયાસે પડતી હોય છે. જ્યારે ‘નજર ઠરે’ છે ત્યારે એ તો સ્હેજ અટકે છે – વળી નવું ઠેકાણું શોધી ત્યાં ઠરે છે. આવી ‘ઠરતી’ નજરને બધું જ સુંદર સુંદર દેખાતું હોય છે. આમ, કવિની ‘નજર ઠરવી’ એ જાણે સમગ્ર કાવ્યનો બીજરૂપ વિકાસ છે. વિસ્તાર છે. અહીં કવિતાની પહેલી પંક્તિનું જ એમ થાય કે પઠન અને રટણ કર્યા જ કરીએ, એવી પહેલી પંક્તિમાં જ ઉત્તમ કવિની કૃતિ છે તેવી પ્રતીતિ થાય છે ને આગળ કહે છે,
‘આંસુમહી એ આંખથી યાદી ઝરે છે આપની’
આમ, તો આ વિરહ કાવ્ય છે. વિરહની દશા છે. ત્યારે કવિની સ્મૃતિમાં તો એક જ મંત્ર જાણે રટણ થયા કરે છે: યાદ, યાદ અને યાદ. આ યાદી આંસુ રૂપે ઝરે છે. આ આંસુથી આંખો છલકાય છે. અંતરમાંથી ઉભરાતી યાદીઓ આંખો વાટે ઝરે છે. અહીં ‘કરે’ના પ્રાસમાં ‘ઝરે’ સુંદર રીતે આલેખાયું છે. અહીં ‘ઝરવું’ એ મહત્ત્વનું છે. આ ઝરવું એ ‘ધીમે ધીમે નીતરવું’ના અર્થમાં પ્રયોજાયું જણાય છે. શાહજહાંના તાજમહેલ કરતાં પણ કલાપીની કવિતા અહીં ચડિયાતી લાગે છે. કવિની આંખો ઝૂરી રહી છે. એ આંખો એવો ઝરો છે, જ્યાં આંખોના અખૂટ પાણી છે. જે ઝર્યા કરે છે – છતમાંથી દ્રવતા ચૂવાની પેઠે. જે ક્ષણિક નથી, દીર્ઘકાલીન છે. જે નિરંતર છે. સનાતન છે.
‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની.’
અહીં બંને મિસરા સળંગ પંક્તિ બને છે. અહીં પણ ‘જ્યાં જ્યાં’ વાળી વાત તો હજુ જારી રહે છે . પ્રેમીઓના હૃદયનો વ્યાપતો વિશાળ હોય. અહીં કવિ પોતાની એકની જ વાત નથી કરતાં- સંસારના બધા જ માશૂકો–વ્હાલાઓ -પ્યારાઓની સુંદરતામાં અને બધાં જ બગીચાઓનાં બધા જ ગુલો- ફૂલોમાં પેલી જે યાદી છે એ ઝળહળે છે. અહીં રખેને માનીએ કે કવિ આસક્તિવશ છે, એ તો માત્ર પ્રેમને ઝંખે છે. જેવી રીતે મજનુને લયલા દેખાય છે, ફરહાદને શીરીન, ઝુલેખાને યૂસુફ, રાધાને કૃષ્ણ, સિંહલને નુરા તેવી રીતે પ્રેમ કરતી દરેક સ્ત્રીમાં કવિને પોતાની પ્રેયસીનાં દર્શન થાય છે.
‘જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !’
પ્રથમ પંક્તિની જેમ આ પંક્તિ પણ આ કાવ્યને વધુ કલાત્મક બનાવે છે. એક કેવું ગતિશીલ ચિત્ર કલાપી દોરી ગયા એ તો જુઓ ! વળી ખારા દરિયાની લહર મીઠી? શું કલાપીએ આ લહરને ચાખી હશે? અગર હા, તો કેવી રીતે? – હું તો કહું કેહા. કલાપીએ આ લહરને ચોક્કસ ચાખી હશે. ચાહી હશે – પ્રેમની જીહ્વા થકી. અને દરિયો નહીં પણ દરિયાવ. અહીં એક નહીં અનેક સમંદરની વાત કરી રહ્યા છે કવિ.જે એક બીજામાં વલોવાઈને દરિયો ખારાશ વગરનો થઈ ગયો છે. તે લહર પર તેની પ્રિયતમાની- લહર પણ ખંડિત ન થાય તેવી પવન પાવડી પહેરીને નાજુક સવારી આવી રહી છે. જે કોમળ છે, મૃદુ છે, સુમધુર અને સુરેખ છે. તો આવી અદૃશ્ય લહેર પણ જોઈ શકે એવી સૂક્ષ્મ નજર તો કલાપી જેવા કવિ પાસે જ હોય.
‘તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની.’
અહીં ઉલા મિસરાનું પઠન કરતાં ‘ત’ કાર અને ‘ઝ’ કાર આપણી જિહ્વા અને શ્રવણ કરતાં કર્ણેન્દ્રિય હરખાય છે. ‘તારા ઉપર તારા તણાં’ એમ દ્વિરુક્તિ થકી ઉત્પ્રેક્ષા ભભકી ઊઠે છે અને એ તારા જાણે દ્રાક્ષના ઝૂમખા જેમ ઝૂમી રહે છે. એવો ઝડઝમક અને ભભકદાર ઇશ્વરનો દરબાર કરાયેલો છે. એ દરબાર એ આ આખું જગત છે. આ ગઝલ ઇશ્કેહકીકી છે એવી પ્રતીતિ ‘ગેબી’ શબ્દથી પુરવાર થાય છે. ‘કચેરી’જેવો શબ્દ કલાપી પાસે હોવો સ્વાભાવિક છે. અપેક્ષિત છે. આ જગતરૂપી કચેરીમાં તારા રૂપી માણસ ઝૂમી રહ્યા છે. ઝઝૂમી રહ્યા છે. ને એની વચ્ચે જ ક્યાંક આ અલૌકિક એશ્વર્ય તત્ત્વ કવિની આંખે વળગે છે. પછી તો કહે છે,
‘આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની’
કવિ હૃદયને અને શરીરને ચરખા સાથે સરખાવે છે. જે ખૂનનો ચરખો એટલે રુધિરાભિસરણ ક્રિયા. જેને કવિ હૃદય સાથે સરખાવીને કવિત્વ પામે છે. રાત પડતાં તે રક્ત હૃદય દ્વારા જાણે કવિના મસ્તિષ્ક સુધી પહોંચે છે. ને પોતા સુધી જાણે પ્રિયતમા પહોંચી હોય તેવો ભાસ થાય છે. દમબદમ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા. દરેક શ્વાસની ક્રિયામાં- હરક્ષણે – હર પળે યાદી રૂપી પેલી સિતારી સંભળાઈ રહી છે. શ્વાસની ક્રિયા અને તેના નિરંતર વહન માટે ‘દમબદમ’ શબ્દ ઉચિત મુકાયો છે. આ શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ઇશ્વર દેખાય છે. તો આ લોહીમાં અને શ્વાસમાં જે શરીર માટે અનુક્રમે એક આંતરિક અનિવાર્ય અને બીજું બાહ્ય અનિવાર્ય પોષણ આપનાર બે તત્ત્વો છે. ત્યારે કવિના મનમાં યાદી ફરતી રહે છે. અહીં વાજિંત્ર ખૂબ ઝીણું છે, એમ કીધું છે ત્યારે તે સિતાર કે ગિટાર નથી. અને તે ‘વાગે છે’ એમ નહીં પરંતુ ‘બોલે છે’ એમ કીધું છે. શ્વાસની ક્રિયામાં પણ સંગીત કેવળ કવિજનને જ સંભળાય !
‘આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની !’
પ્રિયતમની – ઇશ્વરની યાદી-યાદ એટલી બધી પ્રબળ છે કે દુશ્મન આગળથી કે પાછળથી વાર કરે એમ જ નહીં, કદાચ જો આકાશમાંથી ખંજરોનો વરસાદ કરી મારવાનો પ્રયત્ન કરે તો આ પ્રિયતમની યાદ માત્ર ઢાલ બની રક્ષણ અર્પે છે. યાદી જ કવચ બને છે. અહીં ‘ખંજર’, ‘દુશ્મન’, ‘ઢાલ’ જેવા શબ્દો સુરસિંહજી ગોહિલ પાસે અપેક્ષિતજ હોય.
‘દેખી બૂરાઈ ને ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!’
આ પંક્તિમાં ઇશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટી આવે છે. બુરાઈનો શું ડર છે? પાપની શી ફિકર છે? – દુનિયામાં થતાં પાપ, બુરાઇ, અને હીન કૃત્યોથી કવિ લાપરવાહ છે. કારણ કે ઇશ્વરની લીલા અને કૃપા તથા કરુણારૂપી ગંગા નિરંતર વહ્યા જ કરે છે. જે જગતભરના પાપ પોતાનામાં સમાવી નિર્મળતા બક્ષે છે. તેવી ગંગાના અવિરત પ્રવાહ સમી પરમેશ્વરની કૃપા છે.
‘થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંય આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!’
જ્યારે એકાંત ભોગવવું પડતું હોય. કોઈ પાસે ના હોય. મિત્રની કે જેના પ્રત્યે અપાર પ્રીતિ હોય એવા મિત્રની ખોટ સાલવે છે ત્યારે કવિને પોતે ઘવાઈ રહ્યા હોય અને જાણે જુલમ ભોગવી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. કિન્તુ જો નરસિંહ જેવો ‘ભલું થયું ભાંગી જંજાળ’ જેવો કીમિયો હાથવગો હોય તો તે થાક લાગતો નથી. પ્રિયતમની યાદીનો નશો તેને એકાંતની અનુભૂતિ નથી થવા દેતો. આ યાદીનો નશો ઉનાળે પણ ઉગાવી દે, ખીલવી દે, ફાલવી દે એવો હોય છે.
‘જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !’
કવિ કહે છે કે જ્યારે મારા મિત્રો સામેથી હાથ મિલાવવા મારી નિકટ આવે છે ત્યારે મેં પણ સામે હાથ લંબાવ્યો જ છે. આવા મિત્રની પ્રેમરૂપી રહેમત પડે છે ત્યારે મસ્તક નહીં, પણ દિલ ઝુકી જતું હોય છે. પણ આવી યારી પાછળ પણ હે ઇશ્વર! તમારી જ રહેમત છે. દયા છે. કૃપા છે. આમ, ઇશ્વર કૃપાથી જ સઘળું પ્રાપ્ત થતું હોય છે.
‘પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !’
જ્યારે પ્રેમીજન પોતાને પ્રેમીને ત્યજીને જીવનની છેલ્લી સફર આદરીને તે આત્મા પરમાત્મામાં ભળીને ઐક્ય બને છે ત્યારે પ્રેમીથી – પ્રેમથી જુદાં પડવું એ તો પ્રભુથી જુદા પડવું. એટલે જ કવિને આ ઘટના રડાવી દે છે. પ્રેમથી – પરમેશ્વરથી જુદા થઈને કવિને પોતાને રડવું આવે છે. તે વાત માત્રમાં જ કવિની સાર્થકતા છે.
‘રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?
આશકોના રાહની જેરાહદારી આપની !’
અગાઉના શેરનો મિજાજ અહીં પણ છે. એ જ વાતને લંબાવીને કહે છે કે ‘હવે કવિ પોતે એકલા જ છે.’ ત્યારે આ અનાયાસે લાગેલા આઘાત પાછળ પેલું ‘રડવું’ હજુ સતત ચાલુ જ છે. ત્યારે આ ઇશ્કના માર્ગનો વટેમાર્ગુ ઇશ્વર જ હોય. તેના સથવારે શેષ જીવન ગુજારવું રહ્યું. સૂફીવાદની સાંકળનો પહેલો આંકડો એ છે કે, ખરા આશક અને માશૂક વચ્ચે કશી ભિન્નતા નથી. માશૂક એટલે પ્રિયા એટલે પ્રભુ અને એ પ્રભુમાં જ લીન થઈ જવું, અને એમને સંગે એકાગ્રતા સાધવી એ જ યતીનો ધર્મ છે.
‘જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની’
જીવનમાં તો કૈંક નવું-જુનું થતું રહે છે. હસવાં-રોવાનાં અનેક પ્રસંગો આવ્યાં અને આવવાનાં. આવાં ભિન્નતા ભર્યા જીવનની સ્થિતિમાં પણ જૂનું નવું જોવા-જાણવાં કે માણવાનું બાજુ પર મૂકી માત્ર ઇશ્વરની યાદીમાં જ ક્રીડા કરતું રહે. પ્રભુમય રહે. એમાં જ તાજગી અને સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે.
‘ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !’
આપણે જાણીએ છીએ કે કલાકનું વાંચન ઘણું બધું છે. ને પ્રવાસ અનુભવો પણ ઘણા છે. આ કૃતિ તેમની છેલ્લી લખાયેલી કૃતી ગણાય છે. કલાપી જાણતાં હશે કે હવે ક્યાંક જીવનનો અંત નજીક છે. તેમના જીવન-કવન પરથી જણાય છે કે તે ભલે૨૬ વર્ષ જ સદેહે જીવન જીવ્યા, પરંતુ તે પૂર્ણતઃ જીવ્યા છે. ત્યારે આ દીર્ઘ ગઝલમાં પોતે કરેલા સદ્કર્મોને ભૂલાવીને પણ ઇશ્વરની યાદીને સ્મૃતિમાંથી ભૂંસાવા નથી દેવું. તેઓ કહે છે કે લાખો કિતાબોનું વાંચન એકી સાથે સામટું મરને ભૂલી જવાય અને દીઠેલું અદીઠું થઈ જાય તેમ છતાં હે ઇશ્વર! તારી યાદી અખંડ રહેજો.
‘કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !’
‘મક્તા’નો શે’ર છે. ત્યારે કવિ કિસ્મત પર વધુ છોડી દે છે. નસીબ મનુજના હસ્તે નથી. બલ્કે મનુજ તેને તાબે છે. ત્યારે કવિ તે સહજતાથી સ્વીકારે છે. અહીં વિધાતાના લેખમાં મેખ મારવાની વાત જ નથી. આ પ્રેમી ઉગ્ર કે જુસ્સેદાર નથી. આ પ્રેમી તો ઋજુ અને કોમળ છે. એ જ તો પ્રેમીનું પ્રાથમિક લક્ષણ છે. કવિ તે સહજતાથી સ્વીકારે છે. તેઓ કહે છે કે ‘કિસ્મત જે ભૂલ કરાવે એ ભૂલો કરી નાખું’ પણ હે ઇશ્વર! તમને ભૂલીશ નહીં. યાદી તો રહેશે જ. કારણ કે કવિને મન ઇશ્વરની યાદી પાસે નસીબની લીલાની કોઈ કિંમત નથી. અહીં સાની મિસરામાં ‘અ’ કાર સુંદર રીતે પ્રયોજાયો છે. એ જ સાની મિસરામાં આવતો ‘ને’ની આગળ ‘અ’ નો લો૫ થયેલો છે. તેથી ‘ને’ એકાક્ષરી શબ્દ બની કેટલો બધો અર્થ વાહી બની જાય છે! મક્તાના શેરમાં ‘આખરે’ શબ્દ બંધ બેસે છે.
કવિએ અહીં ગઝલનું સ્વરૂપ, એમાંય ખાસ રદીફ-કાફિયા વાળું માળખું ચુસ્તીથી જાળવ્યું નથી. તેમાં રદીફ છે. પણ તેના પાયારૂપ કાફિયા નથી. આમ છતાં ગઝલના મિજાઝ અને ગઝલની ગઝલિયતનો સાદ્યંત અનુભવ થાય છે. અહીં વિષયનો ભાવ સાતત્ય સળંગ જળવાઈ રહે છે. સામાન્યતઃ એક અને બીજા શે’ર વચ્ચે સંબંધ નથી હોતો. દરેક શેર સ્વતંત્ર હોય છે. જ્યારે આ ગઝલમાં સળંગ એક જ અર્થ અને ભાવ છે. અહીં કાવ્ય દોષ છે. પરંતુ તેને દોષ ન ગણતાં સમજીએ કે એ ગઝલનો આરંભ કાળ હતો. તેથી તે બરાબર ન કેળવી શકાયું હોય. તો સ્વરૂપની દૃષ્ટિએ કચાશ છતાં મિજાજની – એના મસ્તીને દર્દે દિલીની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે.
છંદની વાત કરીએ તો હરિગીત વૃત્ત અહીં પ્રયોજાયો છે. જે મોટાભાગે તે સમયે વધુ હાથવગો રહેતો હશે એવું લાગ્યા કરે. જેમાં સપ્તકલના ચાર આવર્તનો હોય છે. એટલે કે ‘ગાગાલગા’ના ચાર આવર્તનો હોય છે. ગઝલના છંદોમાં રજઝ છંદની નજીકનો આ વૃત છે.
માશૂક, આશક, આશના, ગુલ, ચમન – જેવા શબ્દો ફારસી અને ઉર્દૂ શબ્દો અહીં જોવા મળે છે.
પ્રથમ નજરે ઇશ્કેમિજાજી લાગે એવી ગઝલ યુવાનોના હૈયાને – સંવેદનાને સ્પર્શે તેવું કાવ્ય ઇશ્કેહકીકી તરફ વળી જાય છે, ત્યારે આ ગઝલ વધુ ચડિયાતી બને છે. કવિ હવે પ્રભુભક્તિ તરફ વળે છે. પ્રભુભક્તિ વિનાનું જીવન તેને વ્યર્થ લાગે છે. જીવતો દુર્બળ લાચાર છે, તેથી કવિ ઇશ્વર પ્રાપ્તિ એ જ તેમનો જીવનમંત્ર હોય તેમ તેઓ ‘સનમની શોધ’માં કહે છે,
‘બ્હેરો થયો છું ઢુંઢવા તુંને સનમ
ઉમર ગુજારી ઢુંઢતા તુંને સનમ’
‘આપની યાદી’ નરસિંહ મહેતાના ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ જેવી ઇશ્વર સર્વવ્યાપીની પ્રતીતિ કરાવી જાય છે. મીરાને જેમ ગોપીભાવ સહજ હતો, તેમ કલાપીને સુફીભાવ સહજ છે. કારણ કે કલાપી પોતે પુરુષ હોઇ, પરમેશ્વરને પ્રિયતમા રૂપે ભજે છે. આધ્યાત્મ સંવેદનને ગુજરાતી ગઝલ પરંપરાની આ અભૂતપૂર્વ સિદ્ધિ છે.
સુરતાની વાડીના મીઠા મોરલા કલાપી તો અમૃતનો મીઠો ઝરો છે. તેમના દરેક શેરમાં પોતાનું જીવન વણાઈ આવેલું જોવા મળે છે. કલાપીના ભૌતિક દેહને કાળની થાપ લાગતાં તા. ૦૯/૦૬/૧૯૦૦ના રોજ ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસના જીવનને પંચમહાભૂતમાં વિલીન થવું પડે છે. કલાપીની કવિતાઓ, ગીતો અને ગઝલો કાળને ઠોકર મારીને કલાપીની રચનાઓ નિરંતર વહ્યા કરે છે અને વહ્યા કરશે. કલાપી જેવા ગુજરાતના યાવતચંદ્ર દિવાકરો ટહુકતા રહેશે.
કલ્પેશ ચાવડા
M.A., NET
ભરવાડ શેરી, વલ્લભીપુર
chavdakalpesh321@gmail.com