–રાણા બાવળિયા
લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.
કોક દિ’ એકાંતમાં ખપ લાગશે,
આવ મારી યાદ વળગાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !
ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !
કાવ્ય સ્વરૂપોમાં ગઝલ સ્વરૂપ એક્દમ નાજુક છે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બન્ને પ્રવાહમાં ગઝલ આજ સુધી ચાલી આવી છે. સમયે સમયે નવા નવા રંગ રૂપ ધારણ કર્યા છે. સમર્થ સર્જકોએ ગઝલને ઉણી ઉતરવા દીધી નથી. આ એવાં સર્જકની ગઝલ છે જેમણે માત્ર ચાર ચોપડી સુધીનો અભ્યાસ કર્યો છે, છેવાડાનું એવું ગામડું કે જ્યાં વીજળી કે પાકા રસ્તાઓ જેવી સવલત નો’તી. આ એવાં ગામડામાંથી આવનાર સર્જક છે કે જ્યાં શહેરમાં જવું એક મોટી ઘટના ગણાતી. મોટા ભાગના લોકો કૃષિ અને પશુપાલન જેવા વ્યવસાયમાં જોડાયેલા રહ્યાં હતાં. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનાં ધનતેજ ગામમાંથી આવનાર આ સર્જક એટલે ખલીલ ધનતેજવી. આ સર્જકે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવી અને સૌષ્ઠવયુક્ત, અર્થસભર, ભાવસભર, લોકબોલીની ભાષામાં વહેતી કરી. આ કવિને ગઝલ સ્વરૂપ એટલું હાથવગુ છે કે ગઝલનું વ્યાકરણ જાણતાં ન હોવાં છતાં બધું વ્યાકરણબદ્ધ લખે છે. આ સર્જકે ગુજરાતી ગઝલને અઘરી બની જતી બચાવી લીધી છે. કવિ પાસેથી `સાદગી’, `સારાંશ’, `સાયબા’, `સોગાત’, `સૂર્યમુખી’, `સરોવર’, `સગપણ’, `સાંવરિયો’, `સારંગી’ જેવા ગઝલ સંગ્રહો મળી આવે છે. ‘ગુજરાતી ગઝલ ગઢના રાજવી’ તરીકે સૌ સાહિત્ય પ્રેમીઓ તેમને પ્રમાણે છે. ગુજરાતી ગઝલને સીધી સરળ ભાષામાં લોકોને મનોરંજન કરાવવાનું કામ આ સર્જકે કર્યું છે. આ સર્જક મુશાયરાના સફળ ગઝલકાર છે. તેમણે અંદાજેબયાં કે જે ગઝલનું અગત્યનું તત્ત્વ છે તે હસ્તગત કરેલું છે. મુશાયરામાં કાવ્યપાઠ કરતી વખતે ક્યારેય સ્ક્રિપ્ટ હાથમાં રાખીને કાવ્યપાઠ કર્યો નથી. સર્જકને બધી ગઝલો યાદ રહી જાય છે. એવા મુઠ્ઠી ઉંચેરા માનવી એટલે ખલીલ ધનતેજવી.
પ્રસ્તુત ગઝલ પ્રેમ વિષય સાથે પ્રસ્તુત થાય છે. ગઝલ માટે પ્રણયનો પ્રદેશ ખૂબ જાણીતો છે. ગઝલ માટે એવું કહેવાય કે ગઝલ એ પ્રિયતમા સાથેની વાતચીત છે. એનો અર્થ એમ કરી શકાય કે પ્રિયતમાની સાથે જે રીતે ગુફતગુ કરીએ એ રીતે ગઝલ રજૂ કરવાની હોય છે. પ્રસ્તુત ગઝલ અહીં આઠ શેરમાં અભિવ્યક્ત થઈ છે. ગઝલના બે પ્રકાર : ઇશ્કેહકીકી અને ઇશ્કેમિજાજી. ઈશ્વર પ્રત્યે પ્રેમની ભાવના વ્યકત થઈ હોય તેને આપણે ઈશ્કેહકીકી કહીએ છીએ, જ્યારે ગઝલમાં માનુષી પ્રેમની વાત આવે છે ત્યારે આપણે એને ઇશ્કેમિજાજી એવા પ્રકારમાં ગોઠવીએ છીએ. અહીં ઈશ્કેમિજાજીની વાત થઈ છે. પ્રથમ શેરમાં કવિ કહે છે…
‘લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.’
કવિએ અહીં સાહેબા એવું સંબોધન કરીને પ્રિય વ્યક્તિની એટલે કે નાયિકાની વાત રજૂ કરે છે. ગઝલમાં સાહેબા એવું સંબોધન કરીને પ્રેમની ઊંચાઈ સુધી લઇ જાય છે. પ્રિય વ્યક્તિને ચાહવાના ધોરણ હોતા નથી. એટલે અહીં સાહેબા સંબોધન પ્રણયની ઉચ્ચ ભાવના સિધ્ધ કરે છે. પ્રિય વ્યક્તિને પાસે બોલાવીને એની સાથે વાત કરે છે. પોતાના દિલમાં રહેલી ભાવના કેવી રીતે વ્યક્ત કરવી એની મૂંઝવણ કાવ્ય નાયક શેરમાં રજૂ કરે છે. તે વાત પ્રણયના અનેક શિખર સર કરે છે. અહીં સંવેદન સર્વત્ર જોવા મળે છે ને આ સંવેદનનું કોઈ વિશ્લેષણ થઈ શકે નહીં. પ્રણયની એક ઊંચાઈ સિદ્ધ થાય ત્યારે ભાષા જેવું ઉપકરણ ગૌણ બની જાય છે. માત્ર અને માત્ર પ્રેમ જ સર્વત્ર જોવા મળે છે. પ્રેમની સચ્ચાઇ જ રહે છે. અહીં એ જ વાત રજૂ થઈ છે. આદિલ મન્સૂરી એવું લખે છે કે,
‘વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયા;
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.’
આંસુ આમ તો દુઃખમાં આવે પણ સુખમાં ય એની હાજરી હોય છે. કોઈને પોતાની જાત ઓઢાડી દેવાતી નથી, વધી વધીને કોઈ વસ્તુ ઓઢાડી શકાય. પણ કવિ જાત ઓઢાડવાની ઘટના દ્વારા પ્રિય વ્યક્તિની સાથે કેટલા એકાકાર થઈ શક્યા છે એ વાત આ શેરમાં રજૂ કરે છે. પ્રણયની વાત કવિતામાં આવે જ એ કાંઈ નવું નથી પણ જ્યારે આ તબક્કે રજૂ થાય છે ત્યારે એમાં વજૂદ આવે છે. આ જ ભાવને આગળ વધારતા કવિ એનાં પછીના શેરમાં વાત રજૂ કરે છે કે,
‘તને ભલે દિલમાં રાખું કે આંખમાં;
ક્યાંય પણ નીચો નહીં પાડું તને.’
પ્રિય વ્યક્તિને કહેવા માટે, એને ચાહવાની એક ઊંચાઈ વ્યક્ત કરવા માટે, દિલ અને આંખ એવા બે શબ્દ પ્રયોગ કરે છે. આંખમાં આંસુ હોય છે અને દિલમાં જે તે વ્યક્તિનું સ્થાન હોય છે. અહીં એમ પણ છે કે આપ મારાથી દૂર જશો તો આંખમાંથી આંસુ રૂપે વહાવી નહીં દઉં, કેમકે રડવાથી દુઃખ હળવું કરી શકાય. કવિને એ બરાબર નથી લાગતું ત્યારે નહીં રડીને સાવ નિકટ રહેવાનો દાવો પ્રગટ કરે છે. આ પંક્તિમાંથી એવો ભાવ પ્રગટ થાય છે કે સુખમાં કે દુઃખમાં ક્યારેય પણ આંસુઓ વહાવીને પ્રેમનો ભાવ ઓછો થવા નહીં દેવો. અહીં પ્રિય વ્યક્તિની હાજરી આંખોમાં હશે અથવા તો હૃદયમાં હશે બધે યથાવત રાખવા ચાહે છે. પ્રેમ હંમેશા અમર હોય છે. હૃદયની લાગણીઓ સાથે જોડાયેલો છે. પ્રિય વ્યક્તિએ દિલમાં અથવા આંખમાં જ્યાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યાંથી કદી નીચે નહીં પડવા દે અથવા તો એમ પણ ભાવ વ્યક્ત થાય છે કે પ્રિયતમને મેળવી નહીં શકાય તોપણ એમનું સ્થાન પોતાના હૃદયમાં અંકાયેલું રહેશે. પ્રેમમાં આ ઊંચાઈ સિદ્ધ થતી હોય છે. અહીં એક પ્રમાણિક, વિવેકી, વિશ્વાસુ એવા પોતાના આગવા ધોરણો પ્રાપ્ત કરીને નાયક રજૂ થાય છે. આગળની પંક્તિમાં કવિ લખે છે કે,
‘કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું;
મૌનની મસ્તીથી રંજાડુ તને.’
શબ્દો હંમેશા પ્રેમને વ્યક્ત કરવા માટે કાચા રહ્યાં છે. એટલે પ્રિય વ્યક્તિનો મહિમા કરવો એ ઘણું કપરું બને છે ત્યારે મૌન કામ કરે છે. વાત પહોંચાડવા માટે થઈને ભાષા છે પણ બધી વાત ભાષામાં વ્યકત થઈ શકતી નથી. માટે આપણી પાસે કુદરતે સ્મિત અને આંસુ આપેલા છે. અહીં પ્રિય વ્યક્તિને કાંઈ પણ બોલ્યા વગર જોઈ એકપણ શબ્દ ઉચ્ચારવા નથી. ને એનો મહિમા કરવાનો છે. મૌનની મસ્તીથી રંજાડવું એ તો બહુ તપશ્ચર્યાનો વિષય છે. મૌન એક જુદી પરિપાટીનો શબ્દ છે. જ્યારે રંજાડવાનું એક જુદી પરિપાટીનો શબ્દ છે. બેય અલગ અલગ સામા છેડા ભેગા કર્યા છે અને એમાં પ્રેમની ઊંચાઈ વ્યક્ત કરવા માટે થઈ તેણે મૌનની મસ્તીથી રંજાડવાની વાત કવિ કરે છે, માટે અહીં આગળ મહિમા બને છે . એ જ વાત છે કે પ્રણયને વ્યક્ત કરવા માટે ભાષા અનિવાર્ય નથી જ, કેમકે બે પાંચ મહિનાના બાળકના મસ્તિષ્ક ઉપર માતાનો વાત્સલ્ય ભરેલો હાથ ફરે અને બાળક કેવું પ્રસન્ન થઈ જાય છે. એ ભાષા જાણતું પણ નથી, એવી જ રીતે હાલરડાનો લહેકો સાંભળી બાળક ઘસઘસાટ ઉંઘી જાય છે. એટલે અહી ફીલિંગ્સ મહત્વની બને છે, સંવેદન જ્યાં અનુભવાય છે તે સર્વત્ર છે, ભાવ જ અનુભવાય છે ત્યારે ભાષા બાદ થઈ જાય છે. માટે કહી શકાય પ્રણયમાં કશું બોલીને કહેવાનું પણ હોતું નથી. એની સાથેનું અનુબંધ જે કાંઈ છે. એમાં જ પ્રેમ છુપાયેલો છે. મંઝિલ સુધી જવાનું હોતું નથી, પરંતુ મંઝિલ સુધી જવાના રસ્તામાં જ મજા હોય છે. એ જ વાત સર્જક અહીં આગળ લખી બતાવે છે. ભાષા પાસેથી સર્જકે બહુ મજાનું કામ લીધું છે. રંજાડુંજેવો તળપદો શબ્દ પણ કવિ જયારે ગઝલમાં પ્રયોજે છે ત્યારે એનું એક આગવું સૌન્દર્ય રજૂ થાય છે. શબ્દ અને આ રીતે કેળવી જાણે છે, મેળવી જાણે છે અને પ્રયોજી જાણે છે. ભાષાનું પોત ઘડાય છે. શબ્દને પોતાનું વિશ્વ છે. એ શબ્દની અંદર પોષે છે અને એક નવો રંગ, નવો ઘાટ આપીને રજૂ કરે છે.
‘તું નહીં સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સુંઘાડું તને.’
હરણને કસ્તુરીની જાણ હોતી નથી અને એ કસ્તુરી મેળવવા માટે પોતે જંગલમાં ફર્યા કરે છે. તોય કસ્તુરી મૃત્યુ સુધી અને મળતી નથી. અને જ્યારે મળે છે અથવા તો ખબર પડે છે કે કસ્તુરી તો નાભિમાં હતી. આજ વાત અહીં આગળ રજૂ થાય છે. પ્રિય વ્યક્તિ એટલે કે પ્રિયતમાં એના રૂપ એના સૌંદર્યનો મહિમા કરતાં થાકતા નથી. ફૂલની મહેંક કરતા પણ વિશેષ મહિમા કરે છે. એને એજ વાતની ખબર નથી ત્યારે ફૂલ આપીને એનો મહિમા કરવા ધારે છે, એમ કરતા ફૂલથી પણ વિશેષ મહિમા એમનો આલેખાય છે. આમ તો ક્હેવાય છે કે આંખ પાપણને જોતી નથી. એજ વાત આ શેરમા અભિવ્યક્ત કરવામાં આવી છે.
‘હુબહુ તારી જ લખવી છે ગઝલ;
તક મળે તો સામે બેસાડું તને.’
ગઝલ પ્રિયતમને સંબોધીને કહેવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ગઝલ પ્રિયતમા સાથેની અંગત વાત છે. એ સ્ત્રીના સૌંદર્યનો મહિમા કરે છે. સ્ત્રીના સૌંદર્યને રજૂ કરે છે. ત્યારે સામેની કોઈ વ્યક્તિને કવિ એના ગુણગાન ગાવા તો કેવી રીતે ગાવા ત્યારે હૂબહૂ તારી જ લખવી છે. આમ તો પ્રેમી વ્યક્તિ એક જ ગલીમા રહેતાં હોવાં છતા મળી નથી શકાતું. સામે મળે તો કાઈ બોલી પણ શકાતું નથી હોતું. `તક મળે તો’ કહીને વાત વિશેષ બનાવી છે કે તક મળે તો સામે બેસાડું તને. કવિ આગળ લખે છે કે પ્રિયતમાનો મહિમા ગાય છે કે
‘તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી;
આયનો લઈ આવ દેખાડું તને.’
પ્રિયતમાને સંબોધીને ,એનાં સૌંદર્યનો મહિમા કરતા કહે છે કે તમે ચંદ્રથી જરા પણ ઉતરતા નથી. અહીં ચંદ્ર સાથેની સરખામણી થાય છે. નજીકથી જોઈ નથી શકાતો પણ અહીં ચંદ્રની ઉપમા આપી છે. એટલા માટે નજીકથી ચંદ્ર કેવી રીતે જોવો તો આયનો લઇ આવ દેખાડું તને. આયનામાં પોતાના પ્રિયતમાનો ચહેરો જોઈ શકાય. ખૂબ નજીકથી જોઇ શકાય એનો ભાવ અહીંવિશેષ બને છે. મૂળ વાત તો એજ છે કે તમે ચંદ્રથી પણ વધારે રૂપાળા છો.
‘ઘર સુધી તું આવવાની જીદ ન કર;
ઘર નથી નહીતર હું ના પાડું તને.’
પ્રિય વ્યક્તિ ઘરે આવવાની વાત કરે ત્યારે ઘરે કેવી રીતે લઈ જવું કેમકે એક ઘર કહી શકાય એવું ઘર નથી, કવિ, કલાકાર કે વફાદાર વ્યક્તિ ઘણી ખરી રીતે ગરીબ હોય છે. એ વાત થયા રજૂ થઈ છે. ઘર હોય તો ઘરે લઈ જવામાં વાંધો નથી પણ ઘર નથી નહિતર પાડું તને, એ વાત સર્જક ખૂબ જ ચોટ પૂર્વક રજુ કરે છે. બહુ સરળ વાત ને સરસ રીતે નિરૂપી આપવાની મથામણ ખલીલ ધનતેજવી ની કલમે બની છે. બહુ બધા સર્જકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. કવિ આગળ શેર રજૂ કરે છે કે
‘ખલીલ ! આકાશને તાક્યા ન કર;
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.’
અંતિમ શેર એટલે મક્તાનો શેર. કવિ પોતાને સંબોધીને વાત રજૂ કરે છે ત્યારે પોતાનું તખલ્લુસ મૂકી આપે છે. અહીં વાત આકાશને જોયા ન કરવાની ઘટના છે. ક્યારે ચંદ્ર બહાર આવે અને ક્યારે રાતમાં એક ખીલી ઉઠે અને ક્યારે રોશની પથરાઈ જાય. ચંદ્રની રાહ જોવા માટે કવિ ના પાડે છે પણ પોત-પોતાને અલગ ચંદ્ર હોય છે, એટલે સામેની અગાસી પર કોઈ પ્રિય વ્યક્તિ રહે છે તથા તો ત્યાં આગળ કોઈક વ્યક્તિનું હોવું એના માટે ચંદ્ર હોવાની ઘટના બરાબર છે એટલે તો કઈ એક જગ્યા એ લખે છે કે
‘એના ઘરની એક બારી મારા ઘર સામે હતી;
મારી દુનિયા હતી મારી નજર સામે હતી.’
ગઝલનું સમગ્ર મૂલ્યાંકન કરીએ તો ગઝલનો મિજાજ બરાબર રચનામાં ઝીલાયો છે. ગઝલમાં રદીફ અને કાફિયાની યોજનાનુ ચુસ્તપણે પાલન થયું છે. ગઝલ પ્રિયતમ સાથેની વાતચીત છે. એ ઘટનાએ આગળ પણ બરાબર નીભાવી જાણી છે. ગઝલમાં પ્રથમ પંક્તિ એ વાત જે છેડાઈ છે તેનો ઉત્તર બીજી પંક્તિમાં આવી જવો જોઈએ એ ખરેખર અહીં આગળ બન્યું છે.
મત્લાથી લઇ અને મક્તા સુધી આવતાં લગભગ દરેક શેરમા ભાવને જુદા જુદા પ્રમાણોથી વ્યક્ત કર્યો છે. ગઝલની ભાષા એકદમ સરળ છે. ક્યાંય વિષય નબળો પડતો હોય એવું બનતું નથી. વિષયને અનુકૂળ અનુરૂપ ભાવને પોષક એવી ભાષા શૈલી જોવા મળે છે. જરૂર પડે છે ત્યાં અલંકારોનો વિનિયોગ સર્જકે કર્યો છે.
રાણા બાવળિયા
M.A., M.phil., Ph. D. (Pursuing)
પુસ્તક: ‘ગીત કવિ વિનોદ જોશી’ (સંશોધન પુસ્તક)
નંદકુવરબા મહિલા આર્ટ્સ કોલેજ – ભાવનગર
ranabavaliya37@gmail.com