– ડૉ. શક્તિસિંહ પરમાર
કથકનો અવાજ બદલાતા વાર્તાઓ સમગ્ર અસ્તિત્વમાં પણ કેવો જડમૂળથી ફેરફાર થઈ જાય છે તે શ્રી હર્ષદ ત્રિવેદીની આ વાર્તાના પરિચયમાં આવીયે તો જ સમજાય. આ વાર્તા તેની રચનારીતિ અને ભાષા કર્મના કારણે ચીલાચાલુ વાર્તાઓ કરતાં અલગ પડે તેવી છે. જે રીતે આપણે આગળ હનુમાનજી લવકુશ મિલન’માં વ્રતકથાનો વળોટ જોયો તેમ અહી આ વાર્તાનો પણ એક સ્વભાવ છે અને તે છે કથાનો. કથા કહેતાં વાર્તા નહીં પણ ધાર્મિક અનુષ્ઠાનોમાં પંડિતો–બ્રાહ્મણ મુખે કહેવાતી કથા. જે શાસ્ત્રીય બ્રાહ્મણની આરોહ અવરોટ ભર્યો લય હોય છે તે અહીં પ્રયોજાય છે.
આ વાર્તાનું કથાનક સંક્ષેપમાં જોઈ જઈએ.
“સાવિત્રી નામની સ્ત્રી પતિની વિરૂપતાથી ત્રસ્ત હોય છે તેની સાથે શરીર સંબંધ જોડવા તે બિલકુલ રાજી નથી. તેનો કદરૂપો પતિ તેનો સહવાસ માણવા અત્યંત ઉત્સુક હોય છે. પણ તેની કોઈ કારી ફાવતી નથી. મધરાતે નિદ્રામાં સાવિત્રી પોતાની કલ્પનાના પુરુષને સ્વપ્નાકાશમાં જુએ છે. વાસ્તવમાં આની સાથે તેનો પતિ-તેને કથકે જાંબુવાન કહયો છે તે છે. પણ તેની સામે તેનો મોહનપુરુષ સત્યવાન છે. તે તંદ્રામાં સત્યવાન સાથે દેહસંબંધથી જોડાય છે જે હકીકતમાં તો જાંબુવાન હોય છે. જાંબુવાન તૃપ્ત પત્નીની આંખમાં પરપુરુષને જુએ છે અને પારાવાર ગ્લાનિ અનુભવે છે. સાવિત્રી પોતાના મૂળ પતિનો તિરસ્કાર કરતી અવળું ફરી જાય છે..”
આમ, જુઓ તો દૈહિક સંયોગ સિવાય આખી વાર્તામાં કોઈ બીજી વધારાની સ્થળ ઘટનાઓ ઘટતી નથી. પણ સૂક્ષ્મ ઘટનાઓનો અહીં પાર નથી આવા અત્યંત સુક્ષ્મ વિષયને જે દેહ મળ્યો છે તે ભાષા પણ ઘણી વાક્પટુતા માંગી લે તેવી છે.
સ્વાભાવિક રીતે જ તે લઈને અનુરૂપ હોય તેવા સંસ્કૃત તત્સમ શબ્દોની જ અહીં યોજના કરવી પડે. આ વાર્તાનો વિષય સ્ત્રી પુરૂષની જાતીય એષણાઓ અને તેના સંયોગની પ્રક્રિયા છે. આવા પ્રગલ્લભ વિષયને લેખકે જે ભાષામાં અવતર્યો છે તે ભાષા તદ્દન સામા છેડાની ધાર્મિક અનુષ્ઠાન છે.વાર્તાની પ્રથમ વાક્યથી જ સંઘર્ષ ની ક્રિયા શરૂ થઈ જાય છે.
`સાવિત્રીએ બંને પગની આંટી મારી દીધી. હોઠ એવી રીતે ભીડમાં કે અંદરનો આગળ આપોઆપ દેવાઈ ગયો’ `પગને આંટી મારી દીધી’ કે `હોઠ ભીડયા’ શબ્દોમાં જેટલો નથી એટલો જાકારો `આગળો દેવાઈ ગયો’ શબ્દોમાં છે. તો વાર્તા શરૂઆતમાં જ જાકારો ભાવ અને વાર્તાનું નામ છે `અભિસાર!’ આમ, લોકોને વાર્તા કહેવાનું શરૂ કરવામાં સર્જકે જરા પણ સમય બગાડયો નથી.
આ વાર્તાનું ગદ્ય વિશિષ્ટ છે. તેની ભાષાનો સ્વાદ માણવા માટે થોડા નમૂનાઓ તપાસીએ.
– પતિના મન ને મક્કમ પ્રતિકાર કરતી સાવિત્રી માટે થયેલી ઉક્તિ જૂઓ.
_” સફળ કામનાઓ ઊમટીને નાભિ મળે થીજી ગઈ. “
> કલ્પનાના પુરુષના આગમન થતાં જ સ્ત્રીના મનની વૃત્તિઓ ઉછાળ પણ પંડિતના મુખમાં શોભે તેવી ભાષામાં થયો છે કે:
“સાવિત્રીના તન તથા મનને વિષે કડેડાટ કરતોકને વીજ ઝબકાર થયો”
સાવિત્રીમાં પડેલી આદિમ સ્ત્રી કે જે માત્ર દેહધર્મને જ ધર્મ ગણે છે તેનાં વિષે પણ કથક કાવ્યાત્મક ટીપ્પણી કરે છે કે:
“અસ્ત્રીની જાત આ તો… નહીં કુલટા નહીં ગુણકા. આ તો રુચિ–શુચિના ભેદ, પાડ મંછા તણો તે પામી ઈચ્છાવર.”
ઈચ્છિત વરને મેળવવામાં અહીં મન-ઈચ્છાએ મહત્વની ભૂમિકા ભજવી છે અને અંતે સ્વપ્ન પુરુષ સાથેના સંબંધની વખતે તેમની મનોસ્થિતિ વર્ણવતા વાક્યો જુઓ
`અર્ધ નારી એ એક ઈશ્વર કે એક નારીને અર્ધ ઈશ્વર ? એ સંબંધે જાણે, જાણે તો. ચિતુર સુજાણ.’
ઉદાહરણ ટાંકી બેસીયે તો હજી વાર આવે તેવી સર્જનાત્મકતા આ વાર્તામાં પડેલી છે. લૌકિક બોલીનો પ્રયોગ ધુમાડાને તરભાણું ભરો દોહ્યલું જેવી કહેવતો દ્વારા થયો છે કથાનકમાં જયારે જયારે ઘટના કોઈ ઊંચાઇએ પહોંચે છે. ત્યારે ત્યારે ગદ્યમાં પ્રવાહિતા વધતી જાય છે.ગંધ ગંધ કોઠા ભેદી વહી જતું જણાય છે. અહી આખી વાર્તામાં સંસ્કૃત શબ્દોનો તો પાર નથી પણ તળપદા બોલી પ્રયોગો પણ થયા છે, જેમ કે સાવિત્રીના મનમાં ધીરે ધીરે પ્રદીપ્ત થતી કામેચ્છાને વ્યક્ત કરતાં આ તળપદા શબ્દો જુઓઃ
“એને તેઓ બાપલિયા, અંતસ્તલનો લગી સળવળાટ થવા લાગ્યો ને કોઈ પૂછે કે ધરતી સમગ્રને શું થાય છે? એ તો વાલામૂઈ, જાણે બધું જ અંદર ઉતારી દેવું હોય એમ મોકળે મને આળસ માંડે છે.”
આખી વાર્તાનો વિષય છે કોઈક બાઈનો તેના પતિના બદલે કોઈ ભળતો જ કલ્પના પુરુષ સાથેનો સંબંધ. આ પ્રકારના થોડા વ્યક્તિગત લાગે તેવા મામલાને વિષય બનાવી.. સર્વજ્ઞ કથકની પાટે બેસી મંગલ પ્રવચન આપવું એ થો…ડુ અરૂચિકર લાગે છે ખરાં ! આ પ્રકારના વિષય વિશે બહાર એટલે કે તે પ્રક્રિયા હિસ્સો ન હોઈ, બહારની વ્યકિત તરીકે તેની આ પ્રકારે ચર્ચા કરવી અને એ પણ ઝીણામાં ઝીણી વિગતો સાથે. એ થોડું પંચાત ભર્યું કામ નથી લાગતું… એમાં આ વાર્તાની ભાષા કે જે સહજ નથી… તેમાં આ પ્રકારની વાત કરતા તો એવું જણાય કે તેમાં જાણે કોઈની વ્યક્તિગત બાબત પ્રત્યે ઉપહાસભરી વાણીથી વાત થઈ રહી છે આમ, આખી વાર્તાને જાણે અજાણે ગોસિપ…(ચોવટ) નો સ્ટેજ આ તો તારો રંગ લાગ્યો છે.
અહીં સંસ્કૃત, તળપદી બાનીનું અજબ મિશ્રણ જોવા મળે છે. `યત્ર’ જેવાં મુસલમાની ઉચ્ચાર પણ રમૂજ પમાડે છે. પણ એ લસરતું ગદ્ય ઘણીવાર પોતાના જ પ્રવાહમાં એવું વહ્યું જાય છે કે તેમાં પધની ભ્રાંતિ થવા લાગે છે, પણ એક વસ્તુ યાદ રહે કે તે પદ્ય તરફ અભિમુખ થાય છે કાવ્યાત્મકતા તરફ નહીં. વાક્યના અંતિમ શબ્દોના પ્રાસ મળવા લાગે છે. અને તેના કારણે ગધની ગતિ વધે છે ભાવમાં ઉત્સાહ અહી ઉશ્કેરાટ અને ઉત્તેજના) વધે છે. આપણે ત્યાં પ્રતિકાવ્યો માટે કંઈક એવી વિભાવના છે કે ઊંચી પાંડિત્યપૂર્ણ ભાષાને સાવ સ્થળ અને ધૂળ જેવા વિષય માટે પ્રયોજવામાં આવે તો તેમાંથી નર્મ-મર્મ હાસ્ય નિષ્પન્ન થાય.
પણ અહીં સ્થળ હાસ્ય પ્રગટાવવા, કોઈ હાસ્યકથા નીપજાવવા આવો પ્રયોગ થયો નથી. અને અત્યંત સુમ–અસંપ્રજ્ઞાત–મનનું સંચલન વાર્તાનો વિષય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તેના વિષય મીમાંસા ના કરતા એવાં જાતીય વૃત્તિ જેવાં BOLD વિષયમાં શા માટે આ પ્રકારની ભાષા પસંદ કરવી પડે છે કારણ શોધવું જોઈએ. આવા ભાષા લાલિત્યના કારણે જાતીય આવેગ અને શરીર સંબંધોના આલેખન અને અશ્લીલતામાં સરી પડતું બચાવી લેવાયું છે. નહીં તો આ કૃતિ મનોરંજન પૂરું પાડનારી કથા બની જાત પણ તેની દરેક ઘટનાનો પૂરેપૂરી ઝીણવટપૂર્વક ઉલ્લેખ કર્યો તો કષ્ટ પડે તેવું ન થતાં સહ્ય એટલા માટે બન્યું કારણ કે તેની ભાષા આ પ્રકારની હતી, અહીં જાતિયતા સિવાય કોઈ બીજી વાત રજૂ થઈ નથી છતાં આ વાર્તાની ભાષા અને તેના લયે તેને બિભત્સ રસમાંથી આબાદપણે ઉગારી લીધી છે.
વળી, આ વાર્તા હાસ્યજનક કે હાસ્યાસ્પદ એટલા માટે નથી બની જતી કે તેની ભાષા શાસ્ત્રીયતા અને પૌરાણિકતા તરફ ઢળી છે તો વિષય પસંદગી પણ જગથી જૂનો એવા નર-માદાનો સંદર્ભ લઈ દેહ ધર્મની પુરાણી વાત લાવે છે. આથી સર્જકે મુગ્ધ ભાવક પસંદ કર્યો છે. પુરાણ અને દેહધર્મ બંનેનો લ.સા.અ. છે, પુરાતનપણું અને શાશ્વતતા. નથી આવા ભડકાવનારા વિષયનું આલેખન ગળે ઉતરી શક્યું છે.અહીં ધર્મ અને દેહધર્મનો ટકરાવ નથી પણ સંયોજન છે.
ભાષાનું સૂત્ર આ વાર્તામાંથી ખેંચી લઈએ તો આપણા સાહિત્યમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કરતી ઢગલો એક વાર્તામાંની એક વાર્તા બની જાય. પણ આ વાર્તાનો રઝળતો લય અને પ્ર-શિષ્ટ ભાષા તેને ગંધારી બનતા અટકાવે છે. જાતીય સંવનનની આખી પ્રક્રિયા સ્થળ તેમજ સુક્ષ્મ બંને સ્તરે વ્યકત કરતી વાર્તાને આ ભાષા એ જ સંતુલન આપ્યું છે. તેની ભાષાની કલામયી દ્વારા તે અનેક સુંદર પરિમાણોને ખોલીને ભાવક માટે એક કલાકૃતિ તરીકે પ્રગટ થાય છે.
ડૉ. શક્તિસિંહ પરમાર, મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-ઘોઘા.
પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022