ડૉ. શક્તિસિંહ પરમાર
ઘણી વાર્તાઓની પ્રસ્તુતિમાં કોઈ કારીગરી નથી હોતી. તે વાર્તાઓ પોતાના પિંડમાં રહેલા રાજકીય બિંદુને કારણે સ્વયં પ્રકાશિત હોય છે. ભાષાકીય ભવ્યતા ત્યારે આયાસપૂર્વક પ્રયોજાતી નથી હોતી. ભાષા સભાનતાપૂર્વક-કલાકૃતિના કલા તત્વોને વધુ સુયોગ્ય બનાવી શકાય તે રીતે વાપરવાનું આપણે ત્યાં થોડું મોડું શરૂ થયું. ભાષાકીય કારીગરી, એ હવે પછીની વાર્તાઓને માટે એક વિશેષતા છે. આગળની પાંચે વાર્તાઓ ભાવકને ધ્યાનમાં રાખ્યા માત્ર થોડી ઘણી પરિભાષા બદલીને વધારે કલાત્મકતા આણીને કૃતિને ભાવક સુધી પહોંચાડી પણ હવે પછીની વાર્તાઓ પોતાની ભાષાનું વ્હેણ ક્ષીપ્ર ગતિનું રાખ્યું. ભાવક એમાં તણાઈ તો ભલે, ડૂબે તો ભલે, તરે તો ભલે…! એ વિશે ભાવક જાણે. અને કૃતિને સમજવાની તેની લાયકાત જાણે.
વાત કરીએ ‘હનુમાન લવ કુશ મિલન’ વાર્તા વિશે આ વાર્તાનું શીર્ષક પૌરાણિક સંદર્ભ વાળું હોય તેનો ટૂંકીવાર્તામાં શો યોગ રચાયો હશે તેવી ભાવક સહજ જિજ્ઞાસા જન્માવે છે. આખી વાર્તા કેન્દ્રમાં છે ‘સીતા’. પણ તેમ છતાં વાર્તાનું નામ છે `હનુમાન લવકુશ મિલન’ એવું કેમ હશે? તો એનો જવાબ કંઈક આવો શોધી શકાય છે, સીતાના આખા જીવનનું ફળ શું છે? ‘લવ કુશ’ – આ બંનેને પોતાનો અધિકાર મળે તો સીતાએ પોતાના અવતાર કાર્ય પૂરું કર્યું ગણાય પણ વિધાતાના લેખ સાવ અવળા છે અને એક પછી એક આપત્તિઓને સહન કર્યા પછી જે ફળ સ્વરૂપ છે –લવકુશ– તેણે રામને એટલે કે પોતાના ગંતવ્ય સ્થાન મળતા પહેલા હનુમાન એટલે અહીં અવરોધ અને વ્યવધા ને પહેલાં મળવું પડે છે.
વાર્તાનું કથાનક પ્રમાણે વાર્તાનો અંત એવો સુચારૂ નથી. વાર્તાના અંત સુધીની યાત્રાને ખૂંદવા કરનાર પાત્રો અને વિશિષ્ટ રીતે ઉપસી આવ્યા છે. આ આખી વાર્તાનું કાઠું લોકકથાનું છે અને ખાસ તો તેનો લય વ્રતકથા તદ્દન નજીક પહોંચી શકયો છે. આ વાર્તાનાં બોલે તેના મોહન સ્વરૂપે પ્રગટ છે.
સાદામાં સાદી વાત રસતરબોળ કરીને જણાવી દેવા પાછળ બોલીઓનો પ્રભાવ હોય છે. એટલે માન્ય ભાષાનો છેદ ઉડાડો છીએ અને ‘બોલાય તે જ ભાષા’ જેવા નિયમને આધાર સૂત્ર ગણી વાર્તાની બાંધણી કરવામાં આવી છે. કલાત્મકતા શરત પળાય તે રીતે જેમાં ભાત પાડવામાં આવી છે. આ વાર્તાની ભાષાના વિશેષ જોઈએ તો…
અહીં પરંપરાગત રીતે વપરાતા જોડીયા શબ્દોની કિલષ્ટતા ને સમથળ કરી દેવામાં આવે છે. જેમકે…
- પૂર્વે જોધા નગરીના રાજા રામનું રાજ
(અજોધા-અયોધ્યા)
- એ સામદરિક શાસ્ત્ર મારાં મોંએ
(સામરિક- સામુદ્રિક) સ્ત્રી ચરિત્ર -> સ્ત્રી ચરિત २६ -> પાછળ -> મેલ બિંબફળ અધર
- સીતાએ પરધાન તેડયાં
(પ્રધાન -પ્રધાન)
- અને આવા બીજા શબ્દો
અક્ષર -~
ભક્તિ -> ભગતિ
સમરે
તો વળી સાદા શબ્દો સંકોચીને નવા શબ્દો પણ ઘડવામાં આવ્યા છે.
પ્રાયશ્ચિત
ગુણાકા ગણિકા
ર્યો ધો
રહો
દયો, આપો
મહેલ
મરધાનેણી મૃગનયની
(…પકવ બિંબાધરોષ્ઠિ !)
ભાષાની આ ઝડઝમકમાં ક્યાં સરતચૂક પણ થાય તેવું બને
દા.ત. અહીં એક સંવાદ ને તપાસીએ.
“રામ સીતાને પૂછે છે: હેવાતણ છો તો સોભાગીની રખ્ખા કરો છો? “
અહીં હેવાતણનો અર્થ જ સૌભાગ્ય થાય પણ લેખકે તેનો અર્થ સૌભાગ્યવતી સ્ત્રી, સુહાગણ સ્ત્રી તરીકે ઘટાવ્યો છે. જે સાવ અસ્થાને છે. આ વાતને પ્રેમાનંદનું પણ સમર્થન છે. (યાદ કરો હેવાતણમાં એક જ ચૂડી…’ – સુદામા ચરિત)
એટલે સૌભાગ્યમાં જે ગણો તે એક જ મૂડી છે. આમ, અહી ભાષાના મોહ વમળમાં પડી ક્યાંક અસંગત હોય તેવો શબ્દ પ્રયોગ પણ થઈ જાય છે, જે સહ્ય છે.
વાર્તાના પાત્રો રામાયણ આધારિત છે પણ, વાર્તાનું કથાનક રામાયણ આધારિત નથી, કથાનકના કેન્દ્રમાં છે રાણી સીતા અને તુલસીનું વ્રત. ની આજુ બાજુના પાત્રો છે. રામ, લક્ષ્મણ, હનુમાન, લવકુશ, તુલસીના, ગુણકા, પરધાન, પોપટ, જોગી વગેરે…
“સંસ્કૃત મહાકાવ્યના પાત્રો લૌકિકતાની ભોમકા પર ઉતારી વાર્તાકારે એવું જ વાસ્તવ રચ્યું છે. ભાષાની ભૂમિકા આ વાર્તામાં બહુ નિર્ણાયક છે. વાર્તાનું સ્વરૂપ વ્રતકથાનું છે, અને વ્રત કથા બધો આધાર લોક સાહિત્યના પાયા પર ઊભો હોઈ તેમાં માન્યભાષા ચલાવી ન શકાય. બોલી જ સહજ અને સ્વાભાવિક લાગે.
એક ગધખંડ જોઈએ. જોશીડો સીતાની ‘હથેળી’ જોઈને જે કોયડારૂપ ભવિષ્ય ભાખે છે તે અહીં પ્રસ્તુત છેઃ
“જોગીડો કર્યો કે, ‘રાણી, બીજુ તો શું ચીતર્યું હોય પણ ભોયે કાંટા-કાંકરા છે. જો પા’ ઝાખ-ઝાંખરા છે, કોઠા, બાવળા ને અવળાનાં ઝાડવાં છે ને વચ્ચે બે પારણાં ઝૂલતા ચીતર્યા છે.
તો સામે પક્ષે `ચતુર પરધાન’ કોયડો ઉકેલે છે :
“કોઠાં-બાવળાં ને આવળાંનો ઝાડવાં ગામમાં હોય, ચાપા ઝાળી-ઝાંખરા ગામમાં હોય, ભોયે કાંટા-કાંકરા ગામમાં નહોય–નાં પાદરે હોય, કાં તો વનમાં હોય, પણ પાદરે હોય તો ભેળી નદી ચીતરી હોય, માટે વન.”
આખી કથાનું સૂત્ર તુલસીમાંના વ્રત રૂપે તે. તુલસીમાં વ્રત કરવા માટે સીતાનાં જીવનમાં તેની ભૂમિકા, વ્રત કરતા સીતાનું આધ્યાત્મિક સ્મોલ, તેના ચરિત્ર કસોટી, વધારે ને વધારે આકરી તાવણી, છેલ્લે કરૂણ અંત. એ આ કથાસૂત્ર છે.
શ્રી ભૂપેશ અધ્વર્યુની ૧૯૮૨ માં પ્રગટ થયેલી આ ટૂંકીવાર્તાનું કથાનક શ્રી રમેશ દવે આપણને ટૂંકમાં સમજાવે છે: સીતારાણીથી દુભાયેલા તુલસીમા, રામ, સીતા અને લવકુશ ઉપર નાનાવિધ વીતક વિતાડે છે. આથી તુલસીનું વ્રત કરી સીતામાતા માઠા દિવસો પૂરા કરે છે. લવકુશ મોટા. થઈ અયોધ્યા જાય છે. ત્યારે રામ સેવક હનુમાન સાથે એમનું યુદ્ધ-મિલન(!) થાય છે. રામાયણનો આધાર લઈ, વ્રત કથાની ઘાટીએ ચાલતી આ વાર્તાનું ગદ્ય કૌવત ધ્યાનાર્હ છે.
હવે આપણે જાણીએ છીએ કે પુનઃ પુનઃ એક જ વાતનું પુનરાવર્તન એ વ્રત કથાનું મહત્વનું લક્ષણ છે. એની પાછળ પણ એક ચોક્કસ કારણ રહેલું છે. વ્રતકથામાં તો એ જ વ્રત અને આખું વિધિ-વિધાન વારંવાર સમજાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ હોય છે ભકતજનોના મનમાં તે આખી વાત તેને ગળે ઉતરી જાય અને કંઠસ્થ થઈ જાય. વ્રતની કથામાં એ જ વ્રતની વિધિ યથાતથ રૂપે વારંવાર ઉચ્ચારતો રહે. આમ, કરવાથી વ્રતનું વિધિવિધાન ભાવિકો માટે અજાણ્યું ન રહે અને તે બહાને વ્રતનો પ્રચાર થાય.
પણ અહીં સર્જકે વ્રત કથાનું કાઠું કેમ પસંદ કર્યું હશે? એવા એક ભાવક તથા અભ્યાસ તરીકે પ્રશ્ન થાય… પરંતુ જ્યારે તેમાં થોડા ઊંડા ઉતરીએ ત્યારે જે કારણ મળે છે તે અદભૂત છે. સમજીયે…
લોકકથા-વ્રતકથાના આ લક્ષણને વાર્તાકારે અહીં આધુનિક પ્રયુક્તિ તરીકે પ્રયોજાયું છે. અહી કરવામાં આવેલા અથાગ પુનરાવર્તન જીવનની એકવિધતા, ઘરેડમાં જીવનશૈલી, અફળતા, એબ્સર્ડિટીને રજૂ કરનાર ધોતક બની રહે છે. માત્ર તુલસીમાના વ્રત નું વિધાન જ નહીં દરેક વાત વારંવાર કહેવામાં આવે છે. જે દરેક જગ્યાએ જુદું અનુસંધાન સાથે છે. સીતાના દેહ ધર્મને પણ વિસ્તારથી કહી તેના ચરિત્રની શુદ્ધતાને પ્રમાણવામાં આવે છે. તો બીજી બાજુ વિવિધ વ્રતો ની આંટીઘૂંટી વાળા લાંબાલચ વિધાનો એટલા માટે મૂક્યો છે. એટલા માટે કે તેમાં કોઈ પણ એકાદ નાનકડું ખલન પણ ફરીથી દુર્ભાગ્ય તરનાકલી દે છે અને ફરી પાછા દેવ (—કે દૈવ) ને દુભવ્યાની લઘુતા સાથે જીવ્ય જવાનો સ્વીકાર કરવો. હવે આ ભાષાના કારણે સંવાદોમાં શું સંવેદના પ્રગટી છે તે થોડા ઉદાહરણ પરથી તપાસીએ.
`ત્યાં સીતા રાણીએ કહ્યું કે” જોશીડા, જોશીડા કુળને કાજે દીકરો રહેશે કે?”
જોષી કયા, “રહેશે.”
સીતા કયે,” સમયથી કેટલી રહેશે
જોષી કહે “બાપ સમાણી.”
તે સીતા તો ફૂલીના સમાણી”
અહીં સીતાના ચિત્તમાં પ્રગટેલો આશાવાદ માન્ય ભાષાના એટલી અસરકારક રીતે પ્રગટી શક્યો હોત?
–`એ એંધાણે પારણું એટલે ઓધાન જો રાતું પારણું હોય તો દીકરોને રંગ વિનાનું સાવ કોરુંધપાટ હોય તો દીકરી.’
પોપટ દ્વારા થયેલ સામુદ્રિક શાસ્ત્રાધારિત નિરાકરણ પણ લોકભાષામાં જ લોક સ્વભાવને પ્રતિબિંબિત કરે છે.
ગુણકા કહે કે, – `સંત કોને બતાવ્યું છે?” પરધાન કહ્યું કે, ‘રાણી સીતાએ.’
ગુણકા કર્યો કે, `એ સત ન્હોય, અસ્તરી ચરિત’
પરધાન કર્યું કે, `એ સ્ત્રી ચરિત્ર હોય, પણ સંત.’ ઉપકૃત સંવાદમાં માત્ર પદકમ બદલવાથી પણ વાદાત્મક ગદ્ય ની તરાહ સિદ્ધ થઈ છે અને માત્ર એટલું જ નહી… ટૂંકા સંવાદોમાં દૃઢતાનું બળ છે તેને પ્રાદેશિક બોલી દ્વારા પુષ્ટિ પણ મળે છે. બીજા પણ એક—બે ઉદાહરણ જોઈએ :
“સીતા કે ‘બીજી, એવું ના બોલ. મને મળ્યા છે એવાં ભરથાર ને મુને મળ્યા છે એવાં સામું જાતમાં થાવું નથી.’’
“ભાયા લખમણ ને ભાયા ભરત તમે બેય ભારુ લાવો લેખણ ને હું અકશર પાડું છું’’
ઉપરના ઉદાહરણ પરથી પારખી શકાય કે આ વાર્તાની જડ વાસી છે આ વિશિષ્ટ બોલીમાં જે મીઠાશ છે એ અતુલ્ય છે. વાર્તા માન્ય ભાષામાં હોત તો આટલી આસ્વાદક્ષમ ન જ હોત. શા માટે ભાષાનું માત્ર એકલી ભાષાનું સૌંદર્ય ન હોઈ શકે? એ પણ ટૂંકીવાર્તાનું અંગ છે. અને સર્જકે કયું અંગ દ્વારા કેટલી કલાત્મકતા સાધવી તેનું પ્રમાણમાપ નિયત થોડું હોય છે.? કયાંક વસ્તુ ઉત્તમ હોય, ક્યાંક નિરૂપણ તો, કયાંક કથાનક તેમજ અહીં ભાષાના પક્ષે કલાત્મકતાની છોળો ઊડી રહી છે. જેનું ભાવક તરીકે ઝીલણ કરવું જોઈએ. શિરીષ પંચાલ જેવા સમરથ વિવેચક પણ આ વાર્તાનું લોકકથાનું કાઠું વખાણી અને અટકી ગયા..! લેખકને લોકકથાના સ્વરૂપની ઊંડી સમજ છે તેમ કહીને વાત સમેટી લીધી. શા માટે ભાષાના હીર ભરત ભરેલો ચંદરવો હટાવી વાર્તાના તળને કોઈએ તોડવાનો પ્રયાસ ન કર્યો?
એવા થોડા મર્માળા વિધાનો પણ જોઈએ જે આ ભાષામાં જ કદાચ શકય હતા.
સીતાના આધ્યાત્મિક ખાનની વાત ચીતરતો કથક કહે છે:
“તલસીમાને ક્યારે દીવો મેલવાનું મૂકે અને તુલસીના પાંદડે પાંદડે દુભાય.”
તો વળી આટઆટલી વાવણી પછી પણ તલસીમા પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખી રાણી. સીતા ધરપત ભર્યા સ્વરે ગણગણે છે:
“તલસી મા, તારા રાખેલ એ છએ “
…અને એ સાથે સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને તેના સ્થાન વિશે પણ કટાક્ષ કરવાનું કથક ચૂકયો નથી જૂઓ : “હડમાન તે સેવક સીતામાનોય ને સેવક રામનોય તોય સેવક રામના. લવકુશ ઊભો છે. દીકરા રામના ને દીકરા સીતાના. તોય દીકરા સીતાના.”
વ્રત કથાના મુખોટા પછી તે જીવનની વિફળતા અને વિરૂપતા વર્ણવાઈ છે. વ્રત કથાનાં પાત્રોની દરિદ્રતાનું સીધું અનુસંધાન લેખકે આધુનિક મનુષ્યના જીવનની પોકળતા સાથે સાધ્ય કર્યું છે. કૃતિ નાયિકાપ્રધાન હોવા છતાં નારીવાદના નારા નથી. નારીવાદની છાયા ઊભી કરવા આખી કૃતિ જ તળપદની `બાયું’ અને `ડોશીયું’ના મુખમાં શોભે તેવી હાથવગી ભાષામાં ઘડી કાઢી છે. જાણે-અજાણે કથકના અવાજમાં રહેલું સ્ત્રીત્વ, નાયિકાના પક્ષને સાથે છે. આ, ભાષા માત્ર બાહરી ટીલાં-ટપકાં કરવાં નહીં, છેક અંદરના અવાજ દ્વારા વાર્તાના કેન્દ્રવર્તી ભાવને ટકાવી રાખવા મથી રહી છે.
ડૉ. શક્તિસિંહ પરમાર, મદદનીશ પ્રાધ્યાપક ( ગુજરાતી), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ઘોઘા.