-ડૉ. હરેશકુમાર પરમાર
ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીનું જીવન રહસ્યમયી રીતે વણાયેલું છે, જ્યારે કોઈ બાબત સ્ત્રીને મોટી કે વિશેષ બતાવવામાં આવે અથવા દુનિયા સામે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે સ્ત્રી ધર્મની આધારશીલા બની જાય છે, પરંતુ સંસારમાં એજ સ્ત્રી પરિવાર-પતિથી થોડી વિરુદ્ધ જાય અથવા પોતાના વિચારો અભિવ્યક્ત કરે તો પણ તેમને ઢોર-માર મારવામાં આવે છે અથવા તેમને શબ્દ દ્વારા ભેદવામાં આવે છે. સ્ત્રી સંસારમાં જો ન હોય તો ? તેવી અસંખ્ય કવિતાઓ મળી આવે છે, ભારતના લગભગ પ્રદેશમાં ‘જય માતાજી(દી)’ બોલાતું જોવા મળે છે પરંતુ યુવતી જો પોતાની મર્જી મુજબ વાસ્ત્રો પહેરે તો સમાજમાં તેમને હેય કે હીન માનવામાં આવે છે, સિનેમા પ્રેમી સમાજ સિનેમા સમાજને ત્રણ કલાક પુરતું જ સીમિત રાખે છે, બહાર નીકળતા જ સિનેમા માત્ર સિનેમા રહી જાય છે. ભારતીય સમાજને માટે સાચે જ એક જાહેરાતમાં વિદ્યા બાલન ‘દોગલે લોગ’ કહે છે.
ભારતીય સમાજમાં રહેતી જાગૃત નારી અથવા સ્વતંત્ર નારી પોતાનો અવાજ બુલંદ કરવા માગે છે, તેમાં અમુક મહિલા સફળ પણ થાય છે પરંતુ લગભગ સ્ત્રી પોતાનો અવાજ બુલંદ નથી કરી શકતી, તેમના આંસુઓ ઘરના કોઈ ખૂણામાં સુકાઈ ચૂક્યા હોય છે, ફરી ભીના થવા માટે. ઘરની દીવાલો તેની સાક્ષી હોય છે તેમજ તેમના સુના સિસકારા દિવાલો અને પંખાઓ વચ્ચે દબાઈને ઓશિકાને ભીંજવતિ જોવા મળે છે. સ્ત્રી ઉત્કર્ષની વાતો વચ્ચે પ્રસ્તુત નાટક સ્ત્રીની વાસ્તવિકતા વર્ણવે છે. શીર્ષક પ્રમાણે ‘अनसुनी चीखें’ સાંભળી ન હોય તેવી ચીચો વર્તમાન સમાજને પોતાની સાચી પણ ખરડાયેલી બાજુંને બતાવે છે.
‘अनसुनी चीखें’ નાટક સુનીતા તારાપુરેએ લખ્યું છે, તેમજ ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ સામયિકમાં પ્રકાશિત થયેલું છે. તેમાંથી જ અહીં પ્રસ્તુત નાટક વિષે વાત કરવામાં આવી છે. લેખિકા મહારાષ્ટ્રની વતની છે, માટે સ્વાભાવિક જ તેમની ભષામાં વિદ્રોહનો ભાવ આવી જવાનો. આ વિદ્રોહ માત્ર નષ્ટ કરવા માટે નથી, પરંતુ નવનિર્માણ માટે છે. સ્વસ્થ સમાજની રચના માટે છે. બંગાળી સાહિત્ય સામાજિક ચિંતનની સાથે ઉમદા સમાજ રચનાની વાત કરે છે, તો મહારાષ્ટ્ર સાહિત્ય સામાજિક પરિવર્તન અને વિદ્રોહની વાત કરે છે. હિંદી સાહિત્ય દરેક સાહિત્યિક પ્રતિક્રિયાને ભારતીય રૂપ આપે છે. પ્રસ્તુત નાટક હિંદીમાં લખાયેલું છે, તેમજ સામાન્ય માણસ સમજી શકે તેવી રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું છે. પ્રથમ તેમના કથાનક પર દૃષ્ટિપાત કરી લઈએ.
એક સ્ત્રી ‘મુગ્ધા’ ટીવીના માધ્યમ દ્વારા ‘સાંઝા ચૂલ્હા’માં ‘નારી તું હૈ સબ પે ભારી’ કાર્યક્રમ ચલાવે છે, જેમાં દરેક સ્ત્રીને પોતાની વાત કહેવાનો અધિકાર સખી સહેલી આપે છે, જેમાં અનેક સ્ત્રીઓ પોતાની વ્યથા-વેદના-સમસ્યા અભિવ્યક્ત કરે છે, જેમાં સ્ત્રી કપડાં પહેરવાથી માંડી, ઉચ્ચ સ્ત્રીઓની સ્વચ્છંદતા પણ દર્શાવવામાં આવી છે, સમાજની દરેક વર્ગની સ્ત્રીને અહીં સ્થાન મળ્યું છે. નાટકની શરૂઆતમાં જ નાટકની ગંભીરતા પર ટીપ્પણી મુકવામાં આવી છે.
“महिलाओं के प्रति अपराध और उनका शोषण करने की भावना बढ़ती रही है | घरेलू हिंसा की जड़ें हमारे समाज तथा परिवार में गहराई तक जम गई है | शारीरिक हिंसा के अलावा लैंगिक, मौखिक और भावनात्मक हिंसा भी होती रही है | अत्याचारित नारी की चीख़ से आसमाँ भी काँप उठता है, पर उनका दिल नहीं दहलता जो उसके सम्मान और सुरक्षा के लिए वास्तव में जिम्मेदार हैं | और दिन-प्रतिदिन चींखों की संख्या बढ़ती जा रही है |”1
‘મુગ્ધા’ ટીવીના પડદા પર આવી પોતાના કાર્યક્રમની ઘોષણા કરે છે તેમજ કહે છે કે, આજે સ્ત્રીઓ ખૂબ આગળ વધી રહી છે, તે ઘર હોય કે ઓફીસ, સિનેમા હોય કે સ્પોટ્ર્સ વગેરેમાં. ત્યારે ફોનીંગ કાર્યક્રમમાં તેમની સાથે શેફાલી પત્રકાર વાત કેરે છે. જે સમાજમાં ઉચ્છ વર્ગની કહેવાતી પ્રગતિશીલ મહિલાઓની વાત કરે છે, જેમાં સત્યતા છે :
“किटी पार्टियों में व्यस्त रहनेवाली ऐसी ही एक महिला ने एक मंच पर कहा था, “पति हमें पेपर नैपकिन समझता है | जब चाहे यूज़ किया और फेंक दिया |” लेकिन मैं इन देवियों को बताना चाहती हूँ आप ख़ुद अपनी मर्ज़ी से नैपकिन बनी हैं | अपनी एनर्जी पॉजिटिव चीज़ों पर नहीं इस्तेमाल कर रहीं | झूठी चमक-दमक में ही खुश हैं आप ! किसी पीड़ित महिला संग फ़ोटो खिंचवाकर पेपर में छपवाने से नारी-उत्थान नहीं हो जाता है | आप भी तो अपने पति जैसी ही हो | इन पीड़ित महिलाओं को नैपकिन की तरह इस्तेमाल कर रही हो | जब चाहा यूज़ किया और फेंक दिया कचरे के डिब्बे में ! कहा जाता है ‘किसी भी राष्ट्र की प्रगति का सर्वोत्तम थर्मामीटर है, वहाँ की महिलाओं की स्थिति |’ मुझे लगता है समझदार को इशारा ही काफी है |”2
કલ્પન કે વાત તેમજ વ્યવહાર દરેક મહિલા પોતાની રીતે કરતી હોય છે. ઉચ્છ વર્ગની મહિલા પોતાના શરીરને પુરુષ ઉપયોગમાં લે છે તેની વાત ‘નેપકીન’ દ્વારા કરે છે. સામાન્ય મહિલા માટે એ શક્ય નથી. સાથે સાથે શેફાલીની વાત દ્વારા આપણને એ પણ જાણવા મળે છે કે સભ્ય સમાજની નારી પોતાને પ્રગતિશીલ બતાવવા માટે સામાન્ય કે ગરીબ મહિલા સાથે મોંઘા કપડાં, ઊંચી હીલ પહેરી ફોટા પડાવે છે. આમ, નારી બીજી નારીનું શોષણ કરે છે. વાસ્તવિક જીવનમાં પણ નારીવાદી આંદોલન પોતાની દિશા નક્કી નથી કરી શક્યું. જેટલી ભારતમાં જાતિ, જેટલા વર્ગ, તેમજ જેટલા ઘર તેટલી સામાન્યથી ગંભીર સમસ્યાઓ ખદબદે છે. મહિલાના પ્રશ્નો આવી રીતે ગૂંચવાતા જ રહ્યા છે, તેમાં પુરુષની સાથે સાથે સ્ત્રીનો પણ હાથ છે.
મુગ્ધા પણ રાજનીતિક વ્યક્તિના ફોનની રાહ જુએ છે, અથવા એમ કહી શકાય કે, પ્રોગ્રામર તેમને રાજનીતિક વ્યક્તિ સાથે વાત કરવાનું કહેતા હોય, જેમ કે, અહીં સ્પષ્ટ થતું નથી. પરંતુ ખાસ વ્યક્તિઓની સામે સામાન્ય વ્યક્તિઓનું કોઈ જ મહત્વ રહેતું નથી તે પણ અહીં એક ઘરમાં પૂરી દીધેલી મહિલા દ્વારા જાણવા મળે છે. આપણાં સમાજમાં એવા વ્યક્તિઓ પણ રહે છે, જે દહેજ માટે જ લગ્ન કરાવતાં હોય છે. તેમજ એક વાર દહેજ લઈ લીધા પછી પણ સામાન્યથી વિશેષ માંગણીઓ થતિ રેહે છે. સ્ત્રી જાણે રૂપિયા-પૈસાનું ઝાડ કે મશીન હોય. આ માનસિકતા આપણા પુરુષપ્રધાન સમાજની વિશેષતા છે. એક સ્ત્રીને તે લોકો કેવી રીતે પાગલ ઘોષિત કરી શકે છે, તેમજ સમાજમાં પણ તેમનું સ્થાન હંમેશાં વિશેષ રહે તે માટેના પ્રયાસો પ્રસ્તુત છે.
“वे मुझे खाना भी नहीं देते और कमरें में बाँधकर रखते हैं … मैं चिल्लाती हूँ तो सबको बताते हैं, “हमारे तो भाग ही फूटे, पागल हो गई है हमारी बहू…” दस दिन, एक बार तो दस दिन खाना नहीं दिया था | नहाने भी नहीं दिया | नहीं, मैं पागल नहीं, बिलकुल नहीं, तुम बताना इनको, मैं पागल नहीं हूँ | वह तो भूख से, अकेलेपन से, और अँधेरे से घबराकर चिल्लाती हूँ |”
पर यह लोग ऐसे ही भूखा मार देंगे और फिर दूसरी शादी… ढेर सारा पैसा लेकर… फिर उसकों भी भूखा मारेंगे… फिर तीसरी शादी… फिर ढेर सारा पैसा… नोट छपने की मशीन है… इनका लड़का… देखो फ़ोन मत काटना… मैं कुछ कहना चाहती हूँ… |”3
પહેલાં દીકરીને દહેજ સંદર્ભે દૂધ પીતી કરવામાં આવતી હતી, સમાજમાં દૂધ પીતી કરવી એવું કહેવું જાહેરમાં સામાન્ય કહેવાતું. અહીં એક પરિવાર પોતાની વહુને દહેજ વધુ લઈ આવવા દબાણ કરે છે, ગરીબ મધ્યમવર્ગની વહુ પોતાના પિતા પાસેથી કેટલું લઈ શકે, જયારે તે દહેજ લાવવા મના કરે છે, ત્યારે તેમને પાગલ ખપાવી, પોતાના ભાગ્ય ફૂટી ગયા હોય તેવો દેખાવો કરી માસુમ વહુને પાગલ ઘોષિત કરી એક અલગ રૂમમાં પૂરી દેવામાં આવે છે. પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવે તે પહેલા જ રાજનીતિક વ્યક્તિના ફોનને કારણે તેમનો ફોન કાપી નાખવામાં આવે છે. અહીં પણ એક અસંવેદના જોવા મળે છે.
આખરે મુગ્ધા વાસ્ત્રો બદલી શો પર પરત ફરે છે અને ખુલાશો કરે છે કે, હું માત્ર મિમિક્રી કરતી હતી, મને પણ આ કાર્યક્રમ ખૂબ પસંદ છે. આમ કહી, તે પોતાની જ વાત દર્શક સામે રજુ કરે છે. આમ જોઈએ તો મુગ્ધા દ્વારા ભારતીય સમાજની માનસિકતા જ વિશેષ પ્રસ્તુત થાય છે.
મુગ્ધાનો પણ એક સમય હતો, એક યુવક તેની સામે પ્રેમ પ્રસ્તાવ મુકે છે. બંને એક બીજામાં ખોવાઇ જાય છે. પ્રેમી મુગ્ધાને જોતા જ કહી ઉઠે છે :
“हजारों ख़्वाहिशें ऐसी, कि हर ख्वाहिश पे दम निकले,
बहुत निकले मेरे अरमाँ, लेकिन फिर भी कम निकले |”4
સમયની સાથે મુગ્ધા પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્નમાં જોડાય છે. બંનેનો પ્રેમ અમર હતો, બંને જાણે એક બીજા માટે જ બન્યા હોય તેમ વર્તે છે. લગ્ન પછી સમય જતા મુગ્ધા પ્રેગનન્ટ રહે છે. પરંતુ ૮ મહિનામાં તેમનું બાળક અવતરે છે, તે પણ બેટી જ હોય છે, તેમનું તાત્કાલિક મૃત્યુ થાય છે. દુઃખ તો થયું પરંતુ તેમને તેમના પ્રેમ પર વિશ્વાસ માટે તે નિરાંતે સુએ છે, પરંતુ એક રાતે અચાનક કોઈ ગંભીર સ્વપ્ન આવે છે અને તે જાગી જાય છે, સામેના બેડ પર એક સ્ત્રી તેની જ સામે જુએ છે, તે તેમને પોતાની વ્યથા કહે છે :
““क्या हुआ बहन ?” बुरा सपना देखा ? सोने का नहीं | मुझे भी सुलाने की ये लोग बहुत कोशिश करते हैं, पर मैं नहीं सोती | एक दफा सो गई तो ये लोग मेरा कुछ भी करेंगे | मुझे क्या हुआ है ? कुछ हुआ है मुझे ? कुछ भी तो नहीं | दर्द नहीं, बुखार नहीं, कोई तकलीफ़ नहीं | मेरे से लड़का नहीं हुआ न… तो दूसरी बहू लानी है उनको | छोड़ दिया मुझे मरने के लिए | एक दफा सो गई न तो मार डालेंगे मुझे! …उन लोगों को ख़ूब पहचानती हूँ मैं… मार डालेंगे मुझे… मैं नहीं सोती… तुम भी मत सोना !”5
તે સ્ત્રી પાગલની માફક દિવસ-રાત જાગૃત રહે છે, તેમની અંદર જીજીવિષા હજુ બાકી છે, તે પણ મા બનવા માગે છે, પરંતુ કોઈનો ભોગ લઈને નહિ. તે જીવવા માગે છે માટે સૂઈ વિશેષ નથી શકતી, જો તે સુએ તો તેની સાથે કઈ પણ થઇ શકે તેવી તેને ભીતિ છે. સમાજમાં આવા પણ પરિવારો છે જે સ્ત્રી સ્ત્રીને જન્મ આપે તેમને જ મારી નાખે અથવા મરાવી નાખે છે. ખરેખર તો, સ્ત્રીને પુત્રી-પુત્ર આવશે તે પુરુષ પર નિર્ભર છે, આમ છતાં સ્ત્રીને ભાગે સહન કરવાનું આવે છે.
મુગ્ધાને પણ પેલી સ્ત્રીની વેદના પોતાની બનતી જતી હોય તેમ લાગે છે, મુગ્ધા આ પછી પણ કેટલીયે વાર પ્રેગનન્ટ રહી પરંતુ કસુવાવડ થઇ જતી હતી. સંતાનપ્રાપ્તિની પ્રબળ ઈચ્છા પતિને અથવા પત્નીથી ઇતરમાં રસ ઊભો થાય તેમ પતિનો વ્યવહાર બદલે છે. પુરુષને પોતાની ઈચ્છાઓને સંતોષવા માટે એક કારણ પણ મળી જાય છે. મુગ્ધા આખરે લગ્ન બંધનથી મુક્ત થાય છે.
મુગ્ધા સ્વાભિમાની સ્ત્રી છે, સ્વાવલંબી પણ. માટે તે પોતાનું એક અલગ ઘર બનાવે છે, અને ઓફિસમાં કામ કરે છે. સમાજમાં એકલી સ્ત્રી સૌની સ્ત્રી જેવું પુરુષ માની લેતો હોય છે.ભારતીય સમાજની પુરુષવાદી માનસિકતા ત્યાં સુધી આવે છે કે, જે ખિડકી વિશાલ હતી ત્યાં બેસીને વાંચવાનો શોખ પણ મુગ્ધા પૂરો નથી કરી શકતી. તેમને બધુ જ બંદ રાખવું પડે છે. બારી બહાર બીજી ઈમારતના મહાશયો કોઈક ભદ્દા ઈશારા સાથે ઊભા જ હોય છે, રસ્તાઓ તેમને માટે ટીક્ખડી ખોરોના અડ્ડા બની જાય છે, બિલ્ડીંગનો વોચમેન પણ મિટિંગની સુચના આપતા આપતા ચા-પાણી પીતા-પીતા હાથનો સ્પર્શ કરી લે છે અને કેહેતો જાય છે કે, ‘કોઈ પણ સેવા હોય તો અડધી રાતે બોલાવી લેજો’. આમ, મુગ્ધા એકલી રહેવા છતાં, સ્વતંત્ર રીતે રહી શકે તેવી પરિસ્થિતિ નથી. પુરુષ વર્ગ માટે એકલી સ્ત્રી હંમેશાં રહસ્ય રહી છે, માટે તે તેમની એકલતાનો લાભ ઉઠાવવા પણ તત્પર રહે છે. જે મુગ્ધાના જીવનને વધુ કષ્ટમય બનાવે છે.
“आप ही बताइये, जो बातें पुरुषों के लिए सही, वही औरत के लिए ग़लत हो जाती हैं ! यह कैसी व्यवस्था है, जो अकेली औरत का जीना दूभर कर देती है, उसकी मजबूरी का फ़ायदा उठाना चाहती है | घुटन-सी होती है मुझे !”6
મુગ્ધા આવી વિકટ પરિસ્થિતિમાં હોય છે જયારે તેમનો પતિ-પ્રેમી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી, સુખી દાંપત્યજીવન પસાર કરે છે. મુગ્ધા કેટલીયે વાર પ્રેગ્નન્ટ થાય છે, પરંતુ પરીક્ષણ પછીથી તેમનું એબોર્શન થઇ જતું હોય છે. જેનો સાદો અર્થ, ભારતીય સમાજમાં સ્ત્રી-બેટી આજે પણ ઉપેક્ષિત છે, તેમજ સ્ત્રી આજે પણ બાળક પેદા કરવાનું મશીન છે તેવું સાબિત થાય છે. મુગ્ધા પોતાની એકલતાને કેટલાંય પ્રશ્નો પૂછે છે, હવે તેને સાંભળનાર માત્ર દિવાલો અને ફર્નિચર છે. પ્રેમ એક છલ છે, જેના દ્વારા પુરુષ પોતાની વાસનાઓને સંતોષે છે. મુગ્ધા પણ આવા પ્રપંચનો ભોગ બની છે, પરંતુ તેમનું જીવન તો રગદોળાય ગયુંને ! વારંવારના એબોર્શનથી તે હવે માતા બની શકશે કે નહીં ? તે હવે ફરી કોઈ સાથે જોડાય શકશે કે નહીં ? જેવા પ્રશ્નો ઉપસ્થિત છે. તે કહે છે,
“क्या मैं बच्चा जनने की मशीन भर थी ? एक पुर्जा ख़राब हुआ, तो फेंक दी मशीन ! और कितनी होशियारी से सारा दोष मेरे ही सिर मढ़ दिया उसने !”7
મુગ્ધાને પોતાની કૉલેજનો મિત્ર ‘આકાશ’ મળે છે, જે તેમને ફરી હિંમત આપે છે, સાથે સાથે મુગ્ધાને એક સ્મિત આપી જાય છે. ત્યારથી મુગ્ધાનું જીવન ફરી શરુ થાય છે. હવે તે સ્ત્રી જીવનના અનુભવોને સાંભળે, સમજે અને નિરાકરણ લાવવા સ્ટેલા (સ્ત્રી મિત્ર) સાથે પ્રયાસરત બને છે. સ્ટેલા તેમજ તેમના મિત્ર દ્વારા એ પણ જાણવા મળે છે કે, અમુક સ્ત્રી પણ પુરુષવાદી માનસિકતા ધરાવતી હોય છે, જે નાના બાળકોનો ભોગ લે છે. તો સાથે સાથે પરિવારની આર્થિક પરિસ્થિતિ અને સમાજ સામે ઈજ્જત ખાતર પોતાની જ પુત્રીનું જાતીય શોષણ માતા-પિતા થવા દે છે. સ્ટેલા તેની ભોગી બને છે. આખરે સમજણી તેમજ વયષ્ક થતા તે ઘરથી દૂર સ્વાવલંબી બની જીવે છે. એક દિવસ તે પોતાના ‘અંકલ’ને બોલાવે છે. :
“मुझे भोग्या मानकर उस दरिंदे ने अपनी हवस का शिकार बनाया, मेरी इज्ज़त लूट ली | लेकिन क्या इज्ज़त सिर्फ़ हम औरतों की होती है ? मर्दों की नहीं ? अगर होती है तो मैं इन मर्दों की इज्ज़त के चीथड़े उड़ाऊँगी !’
पूरी तैयारी के साथ मैंने अंकल को फ़ोन किया, ‘आपके साथ सेक्स की मुझे लत लग गई है, आइए ना मेरे घर !’ सुनकर, वह कुत्ते की तरह दुम हिलाता मेरे पास आया और मैंने उसी रात, उसको नपुंसक बना दिया |”8
સ્ત્રી જયારે પોતાની સંવેદના ગુમાવી બેસે છે ત્યારે તે ઘાતક પણ બની શકે છે. તેમાં મમતા છે તો સાથે સાથે એક સ્ત્રી પણ છે, તે ધારે ત્યારે વિદ્રોહ કરી શકે છે. સ્વતંત્ર છે. સ્તેલાએ વિદ્રોહ કરી વાસનાભૂખ્યા પુરુષને સબક આપી સંતોષ માને છે. પરંતુ નવજીવન શરું કરવા હજી તે સક્ષમ બની નથી. માનસિક રીતે આજે પણ તે પુરુષ સમાજને નફરત કરે છે. જીવન નાનું નથી, તે વિશાળ છે અને તેમના ખાલીપાને ભરવા કોઈ સાથીની જરૂર જણાતી હોય છે, તેવા સાથીની જે પરિસ્થિતિને સમજી શકે. સ્ટેલાના જીવનમાં એરિક આવે છે. એરિક સ્ટેલાને કહે છે કે,
“दुनिया में तुम अकेली ही नहीं हो स्टेला, जो यौन हिंसा की शिकार बनी हो ! ऐसी कितनी स्टेला रोज हवस हैं, मालूम भी है तुम्हें ? तुम तो फिर भी भाग्यशाली हो कि इस दलदल से निकल तो पायी ! वर्ना कितनी जिंदगियाँ रेड लाइट एरिया में पहुँचकर दम तोड़ देती हैं !
मैं खुद लैंगिक हिंसा का शिकार हूँ | ऐसे क्या देख रही हो ? तुम्हें लगता है, लड़कों पर अत्याचार नहीं होते ? लड़के भी होते हैं किसी के हवस का शिकार ! ना, ना सिर्फ़ होमो सेक्सुअल्स नहीं, बल्कि कुछ प्यासी ओरतें भी होती हैं इन शिकारियों में |”9
આમ, લેખિકાએ એકપક્ષીય બનીને વાત નથી કરી પણ, સમગ્રલક્ષી વાત અહીં કરી છે. સ્ત્રીની સાથે પુરુષનું પણ જાતીય શોષણ થઇ શકે છે તે વિગત મૂકી લેખિકાએ સ્વસ્થ-નિષ્પક્ષ મત રજુ કર્યો છે. સ્ટેલા અને એરિક સમસંવેદન અનુભવે છે અને સાથે નવું જીવન શરું કરે છે. સ્ત્રી-પુરુષ બંનેને હુંફ-પ્રેમની જરૂર હોય છે, જીવનમાં મનના દરવાજા ખૂલ્લા હશે તો, પોતાના જીવન માટે કોણ સારું છે તેમજ કોણ તેને અને પોતે કોને સમજી શકશે ? તે બાબત અહીં પ્રસ્તુત થાય છે.
આકાશના મિલન અને ચર્ચા પછી મુગ્ધા પણ સ્વતંત્ર બની, પોતાના જીવનને ખરી રીતે જીવવા પ્રયાસ આરંભે છે. તેમાં મુગ્ધા પણ પોતે ગરીબ માતા-પિતાની પુત્રીને ગોદ લે છે. તેમના ઘરમાં આવતા જ મુગ્ધા માટે ફરી પોતાનું બાળપણ જીવવાનું શરુ થાય છે, તેમના જીવનનો ઉદેશ્ય મળી જાય છે. પોતાની પુત્રીનું નામ પ્રેમથી ‘સાવની’ રાખવામાં આવે છે, તેના દશમાં વર્ષના જન્મદિવસને ધામધૂમથી ઉજવે છે. આ સાથે ઓફિસમાં રહેલ મહિલાઓની અનેક સમસ્યાઓ સાથે પણ અવગત રહે છે, જેમાં પતિ પત્ની પર શક કરે, તેમના પૈસા પર નિર્ભર બની ગયા હોવા છતાં પોતાનું પુરુષપણું ન ત્યાગે, વગેરે બાબતે લેખિકા મુખર બની અભિવ્યક્ત કરે છે.
નાટકને અંતે મુગ્ધાના હાથોથી એક ખૂન થઇ જાય છે, બીજા કોઈનું નહિ, પણ પેલા વોચમેનનું. વોચમેન એક દિવસ સમય અને એકાંતનો લાભ ઉઠાવી મુગ્ધાની ૧૦ વર્ષની પુત્રી સાથે અડપલા કરે છે, તેમજ આવી બેહુદા-કઢંગી સ્થિતિમાં મુગ્ધા જુએ છે, તેમનામાં રહેલી પુરુષ પ્રત્યેની નફરત એકાએક સામે આવે છે, તે વોચમેનને મારી મારીને મારી નાખે છે. આમ, પોતાની પુત્રીને તે અંતે બચાવે છે, નવજીવન માટે.
પ્રસ્તુત નાટકમાં અનેક સમસ્યાઓને વણી લેવામાં આવી છે, જેમ કે આ દરેક સમસ્યાને જોતા દરેક પર સ્વતંત્ર વાર્તા અને સંયુક્ત રીતે વિચારીએ તો તે નવલકથા પણ બની શકે તેટલો વિસ્તાર થઇ શકે છે. ‘સાત પગલાં આકાશમાં’ (કુન્દનિકા કાપડિયા) નવલકથામાં પણ આવી સમસ્યાઓ દર્શાવવામાં આવી હતી, આજે સમાજને જાગૃત થવાની જરૂર છે, સમાજમાં સ્વસ્થ માનસિક કેળવણી આપવાની શરૂઆત કરવી પડશે નહિ તો, ‘મુખ મેં રામ, બગલ મેં છુરી’ જેવું થઇ શકે છે. આજે ‘બેટી બચાઓ અભિયાન’ ચાલું છે, પરંતુ વ્યવહારમાં ‘ઊંટના મોમાં જીરા’ બરાબર છે. મુગ્ધા દ્વારા અનેક વર્ગની સ્ત્રી ગરીબ-મધ્ય-ઉચ્છને સમાવી લેવામાં આવી છે, દરેકની સમસ્યા અલગ છે, આમ છતાં ક્યાંક તંતુ જોડાય છે, તે પુરુષસત્તાનો. સ્ત્રી સંવેદનશીલ છે, તો સાથે સાથે અન્ય સ્ત્રી પ્રત્યે અસંવેદનશીલ પણ છે. આપણાં સમાજમાં નિર્ભયા બળાત્કાર કેસ દ્વારા પણ પુરુષની માનસિકતા સામે આવે છે, કોઈ કહે કે, ‘બળાત્કારીને ભાઈ કહી દો, તો આવું ન થાય’ (જેમ કે, બળાત્કાર તેમજ શારીરિક શોષણના કેશમાં જ મહાશય જેલની અંદર છે.) તો સાથે સાથે નારીએ કેવાં કપડાં પહેરવા જોઈએ ? તેની ગલીએ ગલીએ ચર્ચા થાય છે, બદાયું બળાત્કાર કેસ સામે આવે છે, જેમાં બે પુત્રીઓએ પુરા કપડાં પહેરેલાં છતાં પણ તેમની સાથે ભયંકર રીતે બળાત્કાર થાય છે, તેમજ સ્ત્રી અને ગરીબ વર્ગ મુખ્યત્વે દલિત, આદિવાસી પોતાનો અવાજ બુલંદ ન કરે તે માટે બંને દીકરીઓને વૃક્ષની ઊપર લટકાવી દેવામાં આવે છે. આજે પણ વર્તમાન પત્રોમાં રોજે-રોજ માસુમથી આધેડ ઉમરની સ્ત્રી સાથે બળાત્કાર થતા ચકચાર જાગે છે. સ્ત્રી અધિકાર સામે સ્ત્રી ઊંચ-નીચ પણ સામે આવી જાય છે માટે કોઈ મુદ્દો રાષ્ટ્રીય બને છે તો કોઈ મુદ્દો સ્થાનીય બની દબાઈ જાય છે. જેથી અન્યાય કરનાર વ્યક્તિ ગરીબ-માધ્યમ-ઉચ્છ મધ્યમ વર્ગને વિશેષ ભોગ બનાવે છે. તો કોઈ સરકારી જાહેરાતમાં બુરખા પહેરેલી સ્ત્રીને બતાવી સુચના આપવામાં આવે છે કે, ‘છેડતી કરનારના નંબર નોંધી લો’, જો પુરા કપડાં પહેરવાથી પણ છેડતી થતિ હોય તો, ફેશનેબલ કે બુરખા પહેરવાથી શું ફર્ક પડવાનો ? શિક્ષણ મેળવેલા લોકો આજે પણ સોનોગ્રાફી કરાવી જાતીય પરીક્ષણ કરાવી બેટી હોય તો ગર્ભ પડાવી નાખે છે. આમ, શિક્ષીત વર્ગ પણ આ સમસ્યામાં કાળા હાથ લઈ ઊભો છે.
પ્રસ્તુત નાટક દ્વારા જે સ્ત્રી ઘરમાં ગોંધાઈ મરી રહી છે, તેણે પણ તેમજ જે સ્ત્રી-પુરુષ સ્ત્રી-પુરુષ વ્યવસ્થાને ભાંડે છે, તેમને વ્યવસ્થા પરિવર્તિત કરવા આહ્વાન કરે છે, પોતાના નાનકડા પ્રયાસો દ્વારા જ સ્ત્રી મજબૂત બને છે, જેમ તે, મજબૂત બનતી જાય છે, તેમ વ્યાવસ્થા નબળી પડતી જાય છે. ત્યાર બાદ નિર્ણય આવે છે કે, હવે લડવું કે મરવું ? સ્ત્રી મજબૂત બને છે ત્યારે તે લડવાથી, મરવાથી કે હારવાથી ડરતી નથી. મલાલા યુસુફજઈ શાંતિ માટેના નોબેલની ભાગીદાર બની. તેમણે પોતાની સમસ્યાને બેહિચક રહી સામનો કર્યો, લડી, શિક્ષણ માટે આજે પણ તે અથાક રીતે પ્રયાસરત છે. આતંક સામે શિક્ષણ એક માત્ર લક્ષ્ય છે. તો સામાન્ય એવી નિર્ભયા પણ આજે દરેક સ્ત્રી માટે હિંમત અને સ્વાભિમાન છે. તો સાથે સાથે સાહિત્ય પણ માનવ સભ્યતામાં અલગ રહી ગયેલ મહિલાને સ્થાન આપે છે. પરંતુ બધું જ હજુ સારું-સમું નથી થઇ ગયું. વોચમેન માત્ર એક મોહરું છે, ત્યાં કોઈ પણ હોઈ શકે. પુરુષસત્તા સામે સ્ત્રીને જાગૃત બની, અંધશ્રદ્ધામાંથી મુક્ત બની, શિક્ષણનો સહારો લઈ, આગળ વધવું પડશે, કપરા ચઢાણો ચડવા પડશે. ભારતીય નારીએ પોતાની અંદર રહેલ વિશેષ જાતિગત-વર્ગગત ભેદને ભૂલી દરેક મુદ્દે મુખર બનવું પડશે. સ્વસ્થ સમાજ નિર્માણ માટે વૈજ્ઞાનિક વિચારધારા અપનાવનાર સ્ત્રી સમાજ હશે તો આપો આપ સમાજ અંધશ્રદ્ધા અને ખોટા રીવાજોથી દૂર થશે. સ્ત્રી પોતાનું મૂલ્ય ખુદ નક્કી કરે, નહીં કે અન્ય. નારી વગરના સમાજની કલ્પના ન થઇ શકે, માટે ભારતીય નારીએ અબલામાંથી સબલા બનવું પડશે ….
અંતે, પ્રસ્તુત નાટકમાં ‘આકાશ’ના માધ્યમ દ્વારા લેખિકા પ્રસિદ્ધ વિધાન કેહે છે, જેને ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતાના વક્તવ્યોમાં હંમેશાં કહેતાં :
“अन्याय करनेवाले से ज्यादा अपराधी तो चुपचाप अन्याय सह्नेवाला होता है !”10
આધાર સંદર્ભ :
तारापुरे, सुनीता. “अनसुनी चीख़ें.” समकालीन भारतीय साहित्य. नई दिल्ली : साहित्य अकादेमी. अंक, 173. मई-जून (2014): पृ. 171-183
સંદર્ભ :
- तारापुरे, सुनीता. “अनसुनी चीख़ें.” समकालीन भारतीय साहित्य 173 (2014): 171
- वही, पृ. 172
- वही, पृ. 173-174
- वही, पृ. 175
- वही, पृ. 176
- वही, पृ. 177
- वही, पृ. 178
- वही, पृ. 178
- वही, पृ. 179
- वही, पृ. 180
Dr. Hareshkumar V. Parmar
® ‘Aashiyana’, 40, Ramnagar, Timbavadi Bypass, Madhuram, Junagadh (Gujarat)
Email – hareshgujarati@gmail.com