સૌરાષ્ટ્રની શૌર્યકથાઓમાં ‘દીકરો’ વાર્તામાં રસનિરુપણ
સૌરાષ્ટ્રની શૌર્યકથાઓમાંથી ‘દીકરો’વાર્તાની વાતમાં દીકરીને દીકરા સમાન બતાવવામાં આવી છે. દીકરી પોતાને ભાઈ નથી છતાં પિતાને પુત્ર નથી એવો સહેજ પણ અહેસાસ થવા દેતી નથી.આ દીકરી હીરબાઈના પાત્રમાં રહેલો વીરરસ દેખાય છે.
ગામડાનું સુંદર દ્રશ્ય દર્શાવતું ચલાળા ગામથી ચાર ગાઉ દૂર ગીર કાંઠે શેલ નામની નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચેથી ધીમું ધીમું એનું પાણી જાણે નાનું બાળક પોતાની માતાને ધાવતા હોંકારા કરતુ હોય તેમ વહી જાય છે. આ નદીના કાંઠે પંખીના માળા જેવું નાનકડું અમથું લાખાપાદર ગામ છે. લાખાપાદર ગામની ચારેબાજુ નદીઓ છે.ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી પર નાચ કરતી હોય તેમ ઝરણાં ફૂટી નીકળે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા અહીં જોવા મળે છે. આવા સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા, શૂરવીર અને પ્રેમાળ હતા. આ ગામમાં સૌ પહેલા વસનારો લાખાવાળો કાઠી.એ કોઈનાથી ડરતો નહીં.- અહીં લાખાવાળાનું પાત્ર આલંબન વિભાવ છે.
એક વાર ચલાળા ગામના ચોર ઉપર દરબાર ઓઘડ વાળાના ત્યાં ડાયરો એકઠો થયો છે. ત્યાં તમામ કાઠીઓ ભેગા થયા છે. બધાની નજર દેવાત વાંકને માથે ઠરી. દેવાતને મનાવવા માટે સૌ કોઈ પ્રયત્ન કરે છે. દૂર એક થાંભલીને થડ દિલ ટેકવીને એક આધેડ વયનો મર્દ બેઠો છે. તેનું નામ લાખા વાળો છે.આખા ડાયરામાં ઊંચા અવાજે બોલનારો એક જ પુરુષ છે. એ બોલનાર સામે દેવાત વાંકનું મોં કરડું થયું. તેણે આંખો કાઢીને પૂછ્યું: “ઈ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો?” લાખા વાળો દેવાત સામે બોલ્યા કરે છે. બંને વચ્ચે ઝઘડો થાય છે. આખો ડાયરો વચ્ચે પડી સમાધાન કરાવતાં કહ્યું: “ આપા,લાખા વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોઈએ.”
પરંતુ લાખા વાળો જીદ્દ કરી બેસે છે. કાઠી તો બધા સરખા જ હોય. કાઠીમાં ઊંચનીચ ન હોય- એમ કહી તે પોતાનો ઘોડો લઈ ચાલતો થઇ જાય છે. લાખા વાળો પોતાના ગામમાં આવી બધા ભાઈઓને ખબર આપે છે કે પોતે દેવાત વાંકનું ભયંકર ઝેર વહોરેલ છે.આ આપા દેવાત નામ સાંભળતા જ આખું ચલાળા ગામ થરથર કંપે છે. કારણકે આપા દેવાત જેમનો દુશ્મન બને તેમનું ગામ ત્રણ દિવસ ટીંબો બનતું. જયારે ચલાળા ગામમાં આ લાખાવાળો જ દેવાત સાથે ભય વિના લડે છે.- અહીંયા લાખામાં રહેલી નીડરતા ઉદ્દીપન ભાવ દર્શાવે છે. એને આપા દેવાત સાથે વેર કર્યા બાદએ પરગામ રાત રોકાતો નથી. ગમે ત્યાં જાય અંધારું થતા આ પોતાના ગામ પાછો આવી જાય.
સમય જતા લાખને લાગ્યું દેવાત પોતે વળેલું વેર ભૂલી ગયો હશે એટલે અને મનમાંથી બીક દૂર થઇ ગઈ. એક દિવસ લાખાવાળો ઓઘડવાળાની અને એના ભત્રીજા વચ્ચેની તકરાર પતાવવા ગયો. સાંજ પડતા લાખાએ રજા માગી. ઓઘડવાળાએ પરાણે લાખાને રોક્યો. લાખો કચવાતા મને રોક્યો અને દેવાતને ખબર પડતા જ તે કટક લઇ ચલાળા આવ્યો. ગામમાં શાંતિ છવાઈ ગઈ. દેવાત લાખાને શોધે છે પણ લાખો મળતો નથી. એવામાં તેની પત્ની દેખાય છે તે થરથરતી હતી અને લાખાની દીકરી હીરબાઇ ત્યાં ઊભી હોય છે. પંદર વર્ષની ઉંમર થઇ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલધૂમ આંખો તેમ છતાં હીરબાઈ ત્યાં જ અંધારી રાતે જોગમાયાની જેમ એ શાંત ઊભી રહી. મોતની લીલા જાણે તેને ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા.વડલાની છાયામાં રમેલી, કછોટા ભીડી ઝાડ પાર ચડેલી, ધારામાં ઢબીઢબીને વ્રજ જેવી બનેલી એની કાયા, શેલ નદીના ધૂનામાં મગરના મોંમાંથી બકરું છોડાવેલું અને લાખાપાદરના ચૉકમાં શેલ નદીના કાંઠા ગૂંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડો ગાયો. અહીંયા હીરબાઈનો ઉત્સાહરૂપી સ્થાયી ભાવ દેખાય છે અને વીર રસ જોવા મળે છે.
દેવાતે ફળિયામાં હીરબાઈને જોઈ અને થાંભલી પાસે એક વછેરો બાંધેલો જોયો.લાખાવાળાએ દીકરીને વછેરો આપેલો. તે લાખાવાળાને જીવથી પણ વહાલો હતો. દેવાત વિચારે છે કે વછેરાને લઈ જઈને જગતને બતાવીશ તો લાખો જીવશે ત્યાં સુધી નીચું જોઈને ચાલશે.
આવા સમયે દેવાત પોતાનો ભાલો હાથમાં લઇ ઓસરીની કોરે ટેકો આપી વછેરાના પગની પછાડી છોડવા નીચે બેસે છે, માથું નીચે રાખીને પછાડી છોડવા લાગે છે.બરડો બરાબર હીરબાઈ સામે રહ્યો. ઓરડામાંથી હીરબાઈની માતા તેને ઘરમાં આવી જવા માટે કહે છે પરંતુ હીરબાઈ તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું જોઈ રહી હોય છે. વિચાર કરવાનો તેની પાસે સમય નથી. તરત જ હીરબાઈ વિચાર્યા વગર ભાલો ઉપાડી દેવાતના પહોળા બરડામાં ઘૂસાડી દીધો.ભચ કરતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાત ત્યાંનો ત્યાં ઢળી પડ્યો.નીચે ઊતરી દેવાતની તલવારથી જ દેવાતના શરીરના કટકા કર્યા. પોતાની માને બોલાવી ને દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધી ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર પણ ન પાડવા દીધી.
ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ. સૌ જાણે કે દેવાત ગામ પહેલા નીકળી ગયો હશે એટલે એક પછી એક આખી ફોજ નીકળી ગઈ. દીકરીએ ગઢવીને બોલાવ્યા અને પોતાના પિતાને ક્યાંય જવાની ના પડે છે અને સીધા દીકરીને મળે નહીં તો દીકરીનું મારતું મોં જોશે. પોતાના પિતાને આવા વાવડ મોકલ્યા. લાખા વાળાને થાય છે કે, ‘હું લાખાપાદર ગામમાં શું મોઢું લઇને જઈશ? એના કરતા તો દુશ્મનના હાથે મારી જાઉં એ વધારે સારું. પછી લાખાના મનમાં વિચાર આવે છે કે મારા સંતાનને મારુ મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે નહિં. દીકરી બોલાવે છે તો એક વાર જઈ આવું.’
ઘરે આવતા જ દીકરી કહે છે કે, ‘પિતા કટક કોરું નથી ગયું. એક જણને મેં અહીં રાખ્યો છે.’- એમ કહી ઓરડામાં જઈને ગાંસડી છોડી બતાવે છે. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. આ તો દેવાત વાંક પોતે જ છે. ત્યારે લાખાનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એને દીકરીને માથે હાથ મૂકતાં કહ્યું, ‘દુનિયા કહેતી હતી કે લાખાને દીકરી છે પણ મારે તો દીકરો જ છે.’
લાખાવાળો પોતાની દીકરી હીરબાઈ જેવી દીકરા જેવી જ છે.સાત સાત દીકરી હોવાથી ગામના લોકો લાખાવાળાને વાંઝીયો કહેતા હતા. જયારે લાખાવાળા અને ગામના લોકો હીરબાઈના આ વીરતાભર્યા કાર્યના લીધે હીરબાઈને સાહસિક છોકરી તરીકે ઓળખવા લાગે છે અને લાખાવાળાને મહેણાં મારવાનું બંધ કરે છે. આ વાર્તામાં કોઈ દીકરા વિશે વાત નથી પરંતુ દીકરીની વીરતાને લીધે દીકરીને ‘દીકરો’ માનવામાં આવે છે અને વાર્તાનું શીર્ષક એટલા માટે જ ‘દીકરો’ આપવામાં આવ્યું છે.
આ વાર્તામાં લાખાવાળો આલંબન વિભાવ છે અને એનામાં રહેલો નીડરતાનો ભાવ આ ઉદ્દીપન ભાવ દર્શાવે છે.લાખાવાળા અને તેની દીકરીના હીરબાઇમાં સ્થાયીભાવરૂપે વીરરસ જોવા મળે છે. લાખાવાળામાં રહેલો જે નીડરતાનો ગુણ અને તે પોતાની દીકરી હીરબાઈમાં પણ ઉતારી આવેલો દેખાય છે અને તેના કારણે એ દેવાતને ભાલો ખોંસીને મારી નાખે છે ત્યારબાદ અને કટકા કરી ગાંસડીમાં ભરી ઓરડામાં મૂકી દે છે એને અનુભાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ, આ વાર્તામાં વીરરસ અને કરુણ રસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
ઉપસંહાર:
સૌરાષ્ટ્રની શૌર્યકથાઓની ‘દીકરો’ વાર્તામાં વીરરસ જોવા મળે છે. લાખાને દીકરો ન હોવાથી આખું ગામ અને સંભાળવતું કે, ‘લાખાને દીકરી જ છે.’ પરંતુ હીરબાઈના આ વીરતા ભર્યા કાર્યને જોઈને લાખાને થતું કે મારે તો દીકરી જ દીકરા જેવી છે. હીરબાઈના કાર્યને લીધે હવે લાખા વાળાનું ગામમાં માન-સન્માન વધતું જાય છે. દીકરી હીરબાઈના આ વીર કાર્યમાંથી વીરરસની નિષ્પત્તિ થતી જોવા મળે છે.
સંદર્ભ ગ્રંથ:
- સૌરાષ્ટ્રની શૌર્યકથાઓ – ઝવેરચંદ મેઘાણી
- ભારતીય કાવ્યસિદ્ધાંત – જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા
મિત્તલ આર. ચૌહાણ , ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
પ્રયાસ An Extension… A Peer Reviewed Literary e magazine, ISSN: 2582-8681 VOLUME 4 ISSUE 6 CONTINUE ISSUE 19 NOV- DEC : 2023