ટૂંકીવાર્તાવિશેનાં સુરેશ જોષીનાંઆગવા વિચારો હતા. ગુજરાતી ટૂંકીવાર્તામાં તે સમયે પ્રદાન કરતાં સર્જકો-વિવેચકો કરતાં તેમનો દૃષ્ટિકોણ તદન ભિન્ન હતો. સુરેશ જોષી અગાઉ ગુજરાતી ટૂંકીવાર્તામાં ધૂમકેતુ, દ્વિરેફ, ઉમાશંકર જોષી, સુંદરમ્, ઝવેરચંદમેઘાણી, જયંતિ દલાલ, જયંતખત્રી તથા ચુનીલાલમડિયા જેવા વાર્તાકારો તો હતા જ. પરંતુ સુરેશજોષીના આગમન બાદ ટૂંકીવાર્તાના સ્વરૂપમાં, નિરૂપણરીતિમાં અને આસ્વાદ-સમીક્ષામાં પણ નાવિન્ય આવ્યું. સુરેશ જોષી પછીની વાર્તાઓને ‘નવી વાર્તાઓ’ એવું વિશેષણ લગાડવું પડ્યું. સુરેશ જોષીએ પોતાની વાર્તાઓમાં જે પ્રયોગો કર્યા તેનાથી અનેક નવોદિત વાર્તાકારોને પ્રેરણા મળી રહી.
ઈ.સ. ૧૯૫૭માં સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ બહાર પડ્યો. આ સમયે આધુનિકતાની કે સાહિત્યના વિવિધ આંદોલનની હવા પૂર્ણ પણે ફેલાયેલી નહીં હોવાને કારણે જૂની પેઢીના સર્જકો-વિવેચકો આશ્ચર્ય વ્યક્ત કરે છે. સુરેશ જોષીને પ્રોત્સાહન મળવાને બદલે ટીકા પણ થાય છે. વિનાયક જોષી ‘પ્રવેશદ્વાર આમાં ન જડે’ એવી ટીકા પણ કરી બેસે છે. ધીમે ધીમેઆધુનિકતાવાદ અને શુદ્ધ સાહિત્યકલાને સ્વીકારવાનું વલણ વધતું ગયું તેમ સુરેશ જોષીના કલા અંગેનાવિચારોને સ્વીકારવાનું વલણ વધતું ગયું.
ગુજરાતી સાહિત્યનાવિવેચકોએ સુરેશ જોષીને શુદ્ધ સાહિત્યકલાના હિમાયતી, આકારવાદી, પ્રયોગશીલ, પ્રિમિટિવિઝમ અને ફિનોમિનોલોજીને વરેલા, રોમેન્ટિક તથા આધુનિક વેદના વ્યથા અને શૂન્યતાના ગાયક તેમજ નખશિખ આધુનિક તરીકે ઓળખાવ્યા છે. પ્રમોદકુમાર પટેલ તેમને “આપણા સર્જાતા સાહિત્યની ગતિવિધતાઓળખાવવાનો અને તેના પ્રભાવશાળી પ્રયોગોનેપુરસ્કારવાનો સતત ધર્મ બજાવનાર એક જાગ્રત અને સન્નિષ્ઠ વિવેચક’’(૧) તરીકે ઓળખાવે છે. વાર્તાક્ષેત્રે સુરેશ જોષીના પ્રવેશ બાબતે સુમન શાહ નોંધે છે કે : “ઓગણિસો પચાસ પહેલાંના કેટલાક સિમાચિહ્ન રૂપ ગણાયેલાવાર્તાકારોને બાદ કરતાં, છે કે ‘ગૃહપ્રવેશ’ના પ્રાગટ્ય સુધી કોઇ એવા શક્તિશાળી વાર્તાકારનું નામ બતાવી શકાય એમ નથી કે જેણે ગુજરાતી વાર્તાને કશો ને કશો વિશિષ્ટ વળાંક આપ્યો હોય. એ આખાયેસમયગાળા દરમિયાન ચર્વિતચર્વણા અને અનુકરણ-પ્રધાન લેખો થતાં રહ્યાં છે. : સિદ્ધહસ્ત વાર્તાકારોએ પોતાની નીવડી ચૂકેલી વાર્તાકલાને જ ઘૂંટ્યા કરી, તો નવોદિતોએ એ મહાનુભાવોએ ઊભા કરેલા ઢાંચામાં જ, જરાતરા વૈયક્તિક વિશેષો ઉમેરી કરીને, પોતાની વાર્તાનું રૂપ ઢાળી લીધું. પરિણામે ટૂંકીવાર્તાના ઈતિહાસમાં આ આખુંયેસ્થિત્યન્તર સાવ સ્થગિત થઇ ગયેલું.’’(૨) આ સ્થગિતતાને તોડી વાર્તાનીનિરૂપણરીતિમાંનવોન્મેષલાવવાનું કામ સુરેશ જોષીએ કર્યું છે. શિરીષ પંચાલ વાર્તાક્ષેત્રના તેમના આગમનની નોંધ લેતા લખે છે કે, “ટૂંકીવાર્તા વિશેની આપણી સમજ કંઈક ધૂંધળી જ રહી ગઇ હતી. પરિણામે ગુજરાતી ટૂંકીવાર્તા સત્યકથા, લોકકથા, છાપાળવી ઘટના કે ચમત્કૃતિપ્રધાન ઘટનાની નિકટ જઈ પહોંચતી હતી. ટૂંકીવાર્તાનાસર્જકનેપત્રકાર, સમાજ સુધારક માની લેવામાં આવ્યો હતો. એટલે સર્જક- કલ્પનાને બહુ આછું ગૌરવ આપવામાં આવ્યું હતું. કલ્પના આપણી ચિરપરિચિતવાસ્તવિકતાનું નવું રૂપ પ્રગટાવી આપે અને આપણને અત્યાર સુધી અદૃષ્ટ રહેલા જગતમાં પ્રવેશવાનું દ્વાર ઉઘાડી આપે એવી રોમેન્ટિકસર્જકોની સાચી ભૂમિકાનેસ્વીકારવામાં સંકોચ થતો હતો. આનું પરિણામ એ આવ્યું કે ટૂંકીવાર્તાનું લેખન પ્રમાણમાં સરળ બની ગયું. ઘટનાનાસંસ્કારની વાત ન હતી. એટલે ઘટનાને – કાચી સામગ્રીને – કળા માની લેવામાં આવી હતી. સામાન્ય પ્રતિભા ધરાવતા લેખક પણ પાંચ-સાત વર્ષમાં સરળતાથી ત્રણ-ચાર વાર્તાસંગ્રહો તો સહેલાઇથી ધરી દે એવી સ્થિતિ પ્રવર્તતી હતી. આવી સ્થિતિમાં સુરેશ જોષી પોતાની વાર્તાઓ પુરોગામી વાર્તાનીવિવેચના તરીકે લઇને આવે છે.’(૩) આ ઉપરથી એટલું જરૂર કહી શકાય કે સુરેશ જોષીએવાર્તાક્ષેત્રે વિદ્રોહ કરીને પરંપરાને તોડી છે. પોતાના પ્રયોગશીલમિજાજથી તેમણે સાહિત્યમાં શુધ્ધ કળાને વળગી રહેવાનો પ્રયત્ન કર્યો છે.
સુરેશ જોષી ઉપર પૂર્વ અને પશ્ચિમ બન્ને સાહિત્યનો પ્રભાવ રહેલો છે. સૂક્ષ્મ રીતે તપાસતાં માલૂમ પડે છે કે તેમની વાર્તાઓમાંક્યાંને ક્યાંક સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ રહેલો છે. સંસ્કૃત મિમાંસાને પણ તેમણે આત્મસાત કરી છે. સુરેશ જોષીએ ભારતીય અને પાશ્ચાત્ય બન્ને પ્રકારનાં સર્જક-વિચારકોનેવાંચ્યા છે. રવિન્દ્રનાથટાગોર, કાફકા, દોસ્તોએવ્સકી, નિત્શે, બોદલેર, કામૂ, રિલ્કે, પોલ વાલેરી, જેમ્સજોયસ, જેવા સર્જકોની શૈલી અને વિચારસરણીનો પ્રભાવ તેમના સર્જનમાં જોવા મળે છે. વિવિધ વાદો અને વિચારધારાઓ જેવી કે, અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, રોમેન્ટિસિઝમ, ફિનોમિનોલોજી, શુદ્ધ કવિતા, આકારવાદ, રૂપનિર્મિતિ, પ્રતીકવાદ, કલ્પનાવાદ, સ્વરૂપવાદ, એબ્સર્ડ, મનોવિશ્લેષણવાદનાં તેઓ અભ્યાસી રહ્યા છે. તેમના સર્જન અને વિવેચનમાં પણ આ બધાનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. જગદીશ ગુર્જર આ વાતની નોંધ તેમના લેતા લખે છે કે, “કલાને એક existential category તરીકે સ્થાપી એના ontological statusનું ગૌરવ વધાર્યું. કલાનાઆત્માને એમણે pure state of existing સંતતિ રૂપે અનુભવાતું લખ્યું. હંમેશા પડકારરૂપ સામગ્રી વડે અગોચર ભાવવિશ્વોનેઉઘાડવાનું સાહસ એ જ સાચા કલાકારનું યોગ્ય કવિકર્મ તથા એનો કવિધર્મ છે. એ એમની વિચારણાના મુખ્ય સૂત્ર રૂપે રહ્યું છે.’’(૪). સુરેશ જોષીમાં આપણને એક સજાગ વિવેચક, મર્મજ્ઞ અને સહૃદયભાવકનાદર્શન થાય છે.
શુદ્ધ સાહિત્યની હિમાયત કરી કૃતિનિષ્ઠવિવેચનની એક નવી જ દિશા તેઓ ખોલી આપે છે. ‘કિંચિત’ નામના લેખમાં તેઓ પોતે જ પ્રશ્ન પૂછે છે, ‘વાર્તા લખવાનું પ્રયોજન શું ?’ તેઓ પોતે જ જવાબ આપે છે. ‘લીલા’. આ ‘લીલા’ શબ્દને તેઓ પોતે જ સમજાવે છે. : “કાચના ત્રણ ગ્લાસને અમુક રીતે ગોઠવ્યા હતા ને એમાંથી પસાર થતા પ્રકાશનાપ્રતિબિમ્બને કારણે કોઈ પતંગિયું પાંખ પ્રસારીને બેઠું હોય તેવું લાગતું હતું. હતો તોફોટોગ્રાફ જ પણ એણે વસ્તુની કેવળ પ્રતિકૃતિ નહોતી આપી. છબીઓનીવસ્તુમાંથી સામાન્ય રીતે નહીં નીપજી આવતી એવી એક નવી વસ્તુનું એણે આ વિશિષ્ટ આયોજનને પ્રતાપે નિર્માણ કર્યું હતું. ને આ નિર્માણનો કશો હેતુ નહોતો. એ કોઇ અન્ય પ્રયોજનનું સાધન નહોતું. એ સ્વયંપર્યાપ્ત નિર્માણ હતું. તો લીલા એટલે આવા અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ.’’(૫)
ઉપરોક્ત વાતને ધ્યાને રાખીએ તો વાર્તાનીલેખનપ્રવૃત્તિ અહેતુક, સ્વયંપર્યાપ્ત અને વિશિષ્ટ આયોજન થકી થતી પ્રવૃત્તિ છે. વાર્તાપ્રવૃત્તિનેઅહૈતુક નિર્માણની પ્રવૃત્તિ ગણાવવા પાછળનો સુરેશ જોષીનો હેતુ શુદ્ધ કલાવાદીનો છે. ટૂંકીવાર્તામાં પરિચિત જગતને કે બાહ્ય જીવનની અને સ્થૂળ જગતની પ્રતિકૃતિ નિહાળવાના નથી. એમાં નિરૂપાયેલ ઘટના, પાત્રો, પ્રસંગો, તથા એના સ્થળ-કાળનાંસંદર્ભો એ પરિચિતિજગતનુંપ્રતિબિમ્બ નથી. લેખકે આ સર્જન પ્રક્રિયામાં આયોજનપૂર્વક એક નવી જ વસ્તુનું નિર્માણ કરવાનું હોય છે.
વાસ્તવિકતાને જ દર્શાવવી હોય તો કૃતિનું સર્જન કરવાનું રહેતું નથી. વાર્તાકારે પોતે જ નવીન સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે. અને આ નિર્માણ એણે વિશિષ્ટ પ્રકારની રૂપનિર્મિતિ વડે સિદ્ધ કરવાનું છે. સુરેશ જોષી આ બાબતે નોંધે છે, “જ્ઞાનગતસત્યો તો ગોચર છે જ, એને પ્રગટ કરવામાં કલાનો વિશેષ રહેલો નથી. કલાનો વિશેષ તો રૂપ- વિધાનમાં છે. નવનિર્માણમાં છે.”(૬) એટલે કે કલાકારેકૃતિનારૂપનેજાળવી રાખીનેનવનિર્માણ કરવાનું છે.
સુરેશ જોષીએ, “વસ્તુનું સાધારણીકરણ નહીં વિલીનીકરણ કલામાં થવુંજોઇએ’’(૭)એવું સૂચવ્યું છે. અહીં તેમણે વર્ણ્યવસ્તુના ‘તિરોધાન’ કે ‘પરિહાર’નીમહત્તા સમજાવી છે. “મુખ્ય વસ્તુનું બને તેટલું તિરોધાન, બને તેટલો પરિહાર” – આ સંજ્ઞા એમણે સર્જન-પ્રક્રિયામાં મહત્ત્વની ગણાવી છે. કલાકારને જે કહેવું હોય છે તેનું સીધેસીધું આલેખન તે કરતો નથી. તે એને છુપાવીને, ગાળીને કલાત્મક રીતે પ્રગટાવે છે. કલાકાર જે કહેવા ઈચ્છે છે તેનાથી જેટલે દૂર જઈને એ કહે તેમાં વધારે મઝા પડે. અહીં સુરેશ જોષીનો આગ્રહ કલામાં પ્રસ્તુતનું અપ્રસ્તુત દ્વારા નિગરણ કરીને સર્જનમાં વ્યંજનાવિસ્તાર સિદ્ધ કરવા તરફનો રહ્યો છે. વસ્તુના વિલિનિકરણ વિશે કિશોર જાદવ નોંધે છે, “વસ્તુના વિલિનિકરણથી કલા product બની રહેવાની, સ્થગિત રહેવાની સ્થિતિને અતિક્રમીજઇprocess of formation રૂપે સિદ્ધ થાય. ને એમ હેતુપુરઃસરકરાતા વસ્તુના પિંડીકરણની કૃત્રિમ મર્યાદા નિવારી શકાય, બીજું તે પરિચિત વાસ્તવિકતાની સ્થૂળ ઘટના જે પરિમિત સંદર્ભમાં બની હોય તેના સ્થાને, ‘નિગરણ પ્રક્રિયા’માં કલાકારને એક બીજા સંદર્ભનું નિર્માણ કરવું પડે. ને એમ તેની પરિણામકારીનિષ્પત્તિરૂપે કલામાં તથ્યનું સહજ-સ્ફુરિત પ્રત્યક્ષીકરણ સિદ્ધ થાય.”(૮)
સુરેશ જોષીએ‘સાધારણીકરણ’ના વિકલ્પે ‘વિલિનિકરણ’ની મહત્તા સ્થાપી છે. આ દ્વારા તેઓ વ્યંજનાવિસ્તારની અનેક શક્યતાઓઉઘાડી આપે છે.‘ઘટનાનો હ્રાસ’, ‘ઘટનાલોપ’ તથા ‘ઘટનાનું તિરોધાન” જેવી સંજ્ઞાઓ તેની વાર્તાકળામાં ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે. કેટલાક વિવેચકોએ ‘ઘટનાનો હ્રાસ’ શબ્દને ઘટનાની સંપૂર્ણ બાદબાકી એ અર્થમાં ઘટાવ્યું માટે પણ આ ઘણી ચર્ચાસ્પદ સંજ્ઞા બની રહી. ચન્દ્રકાન્ત બક્ષી આના વિશે લખે છે કે, “પણ મારા માટે ઘટના ઈઝ ટોટલલાઇફ. ઘટના ન હોય તો હું ન જ લખી શકું. અને ઘટનાનો હ્રાસ થઇ જાય તો મારાથી લખાય જ નહીં.’’(૯)
ખરેખર તો સુરેશ જોષીનો વિરોધ ‘જે વાર્તાઓમાંનર્યાઘટનાનાખડકલા હોય, જેમાં કલાતત્ત્વને હાનિ થતી હોય તેવી વાર્તા વિશે છે. કલાકારે બરડ વાસ્તવિકતાનેભાંગવાની છે. ઘટના એના પરિચિત વાસ્તવના સ્થૂળ પરિવેશથી અલગ પડે તો વાર્તામાં નવા પરિણામો સિદ્ધ થાય. આમ તેઓ ઘટનાહ્રાસ દ્વારા શુદ્ધ કલા અને કલાની સૂક્ષ્મતાનેઈંગીત કરે છે. સુરેશ જોષી વાર્તામાં ઘટનાનો સંપૂર્ણ છેદ નથી ઉડાડતા. તેઓ કહે છે, “સ્થૂળ ઘટનાઓ નહીં, પણ એની પાછળ ક્રિયાશીલ બની રહેલી અનેક સંઘાતક-વિઘાતકમાનવવૃત્તિઓનાસ્વરૂપોનેસર્જકની ચેતના સદા, અસંપ્રજ્ઞાતપણે અવગત કરવા મથતી હોય છે.”(૧૦)
“કળાની ઘટના તો સ્પ્રિંગબોર્ડ. ઘટના પોતે જ પોતાનામાં જ ખરચાઇને પૂરી થઇ જાય તે ઘટના ત્યારે, એ વાર્તાનેડૂબાડી દે… લોપ કે હ્રાસ થવો જોઇએ તે આવી ઘટનાનો.’’(૧૧)
સુરેશ જોષી વાર્તામાં સ્થૂળ અને બિનજરૂરી ઘટનાને ઓગાળીનાખવાનું કહે છે. વર્તમાનપત્રોમાં આવતી ખૂન-બળાત્કાર જેવી ઘટનાઓનેવાર્તાકારે લખવાની નથી. આ પ્રકારની ઘટનાવાળીવાર્તાઓભાવકનાં ચિત્તને ક્ષોભ આપે છે. આ પ્રકારની પરિસ્થિતિ કૃતિને કલાકૃતિ બનતાં અવરોધ પેદા કરે છે. ‘ઘટનાહ્રાસ’નો સુરેશ જોષીનો ખ્યાલ આ રીતે ઘટનાનો સદંતર લોપ કરવાનો સૂચવતો નથી. પરંતુ ઘટનાએ રહસ્યોનો અવકાશ સિદ્ધ કરીને ‘માત્ર ઘટના’ તરીકે હ્રાસ પામી વાર્તાકલામાં રૂપાંતર પામવાનું છે.
‘કિંચિત’ નામના લેખમાં તેઓ ટૂંકીવાર્તામાંપાત્રાલેખનનીરચનારીતિમાં ભાવ-શબલતા(Ambivalence of emotion)ના નિરૂપણની વાત કહે છે : “આપણને અમુક ઘટનાનાપ્રતિબિમ્બ રૂપે એક લાગણી થાય છે એમ માનીએ છીએ ત્યારે વાસ્તવમાં સંવાદીવિસંવાદી લાગણીનું જૂથ ચિત્તમાં ઉદ્ભાસિત થઈ ઊઠતું હોય છે. આ Ambivalence of emotion ભાવશબલતા શી રીતે નકારી શકાય?’’(૧૨)
એટલે કે કોઈ પરિસ્થિતિગતપાત્રના ચિત્તમાં જે એક સાથે અનેક ભાવો ઉત્પન થતાં હોય છે તેની વાત કરે છે. પાત્રોના ચૈતસિક ઊંડાણને વિગતે વર્ણવવાનું અને પાત્રનાં ચિત્તમાં એકસાથે અનુભવાતા એકથી વધુ ભાવોને કલાત્મક રીતે દર્શાવવાની વાત કરે છે. આધુનિક સમયમાં બદલાયેલામનુષ્યજીવનને કારણે સંબંધમાં વધઘટ થતો ભાવનાત્મક સ્પર્શ, તૂટતા જતા મૂલ્યો, ભંગાતા કૌટુંબિક જીવનો, નગરજીવનમાંબદલાયેલો માનવીનો જીવન-સંઘર્ષ આ બધાં કારણે પાત્રોનાં ચિત્તમાં એક જ ઘટના પરત્વે અનેક ભાવો ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે. પાત્રનાં ચિત્તમાં મૂલ્યો, વફાદારી, પ્રેમ, બલિદાન જેવી ભાવના રહેલી છે. પાત્રના અચેતન મનમાં આદિમ આવેગોનું પ્રમાણ પણ એટલું જ છે. પાત્ર ક્યારેક વૃત્તિઓનો પરસ્પર વિરોધી ભાવો પણ અનુભવતો હોય છે. દા.ત. પ્રેમ-ધિક્કાર, વફાદારી-સ્વાર્થ, રાગદ્વેષ, પાત્રના ચિત્તમાં પડેલી કલ્પના-કપોલકલ્પના, તેમજ તેના ચૈતસિક સંઘર્ષોને ઊંડાણથી નિરૂપીપાત્રનિર્માણની નવી દિશાઓ ખોલી શકાય તેમ છે.
જેમ વાસ્તવિક જીવનમાં મનુષ્યનો ભાવ બદલાયા કરે તેમ વાર્તામાંનાપાત્રોનીભાવસ્થિતિ પણ પરિવર્તિત થયા કરે. આ માટે તેઓઃ “સત્ય એટલે ‘The pure State of existing’ સન્તતિ”(૧૩) એમ કહે છે. પાત્રોનીચિત્તસ્થિતિ રૂપાંતરિત થયા કરતી હોય છે. સૂક્ષ્મ સંચલનો વડે તેનો ભાવસંદર્ભબદલાતો રહે છે. આવું આલેખન વાર્તાને એક આગવી છાપ ઉપસાવી આપવામાં મદદ કરે છે. સુરેશ જોષીની ‘રાત્રિર્ગમિષ્યતિ’ વાર્તામાં આ પ્રકારની બદલાતીભાવસ્થિતિનું આલેખન છે.
સુરેશ જોષીએટૂંકીવાર્તામાં આકાર અને અંતઃસ્તત્વનામહત્ત્વ વિશે ગંભીરતાપૂર્વક પોતાના મતો રજૂ કર્યા છે. અગાઉનાવિવેચકોએ આકાર કે રૂપરચનાની વિભાવના બાંધીઆપવા માટે આટલું ગંભીરતાથી કામ કર્યું નહોતું. સુરેશ જોષી આકારનીવિભાવનાને સંસ્કૃત સાહિત્યની રસનિષ્પત્તિની પ્રક્રિયા સાથે જોડી આપે છે. સર્જનની પ્રક્રિયામાં પણ આકાર નિર્માણના ખ્યાલને તેઓ જોડી આપે છે. ટૂંકીવાર્તાની આસ્વાદ પ્રક્રિયામાં પણ વ્યંજનાવ્યાપારકૃતિનાઆકારને લીધે જ સંભવે છે. આમ, સર્જન, આસ્વાદ અને રસનિષ્પત્તિની પ્રક્રિયા સાથે આકારનેસાંકળીનેઆકારનીવિભાવનામાં એક નવો જ સંદર્ભ ઉમેરી આપ્યો છે.
સુરેશ જોષી માને છે કે સર્જકના માટે આકાર સિદ્ધ થાય પછી પણ એનું નિગરણ થઇ જવાની પરિસ્થિતિ વધુ યોગ્ય છે. સર્જક માટે સિદ્ધ થઇ ગયેલો આકારનું બાદમાં ઝાઝું મહત્ત્વ રહેતું નથી. તેણે નવો આકાર ધારણ કરવા માટે મથામણ કરતી રહેવી રહેવી પડશે. તે જો આમ નહીં કરે તો તેના માટે તે આકારથી સ્થાપિત થઇ જવાનો ભય રહેશે. આમ, તેઓ માનતા કે રૂપનિર્માણની પ્રક્રિયા કદી પૂરી ન થનારીસાતત્યપૂર્ણશોધની પ્રવૃત્તિ છે.
સુરેશ જોષીએટૂંકીવાર્તાનીવિચારણામાંકપોલકલ્પનાનો આગ્રહ વધુ રાખ્યો છે. કપોલકલ્પિતવાતાવરણનું ચિત્ર રજૂ કરતી સમગ્ર વાર્તા હોઇ શકે તેમજ નવલિકા કાવ્યની લગોલગ પહોંચી જઇ શકે તેમ તેઓ સ્પષ્ટ માને છે. જેમ વાસ્તવિકતાનું એક આગવું સત્ય છે તેમ કપોલકલ્પનાનું પણ એક આગવું સત્ય છે તેમ કહી ટૂંકીવાર્તામાંકપોલકલ્પનાનામહત્ત્વને વધારી આપે છે. તેઓ નોંધે છે કે, “જે કપોળકલ્પિત છે તે સત્ય વિનાનું નથી, એનો નક્કર પાયો કૃતિમાં રચાયો હોવો ઘટે.”(૧૪)
એટલે કે કૃતિમાં ઢંગધડા વગરના કપોલકલ્પનો તેઓ નકારે છે. કૃતિમાં કપોલકલ્પના રૂપે મૂકાયેલી સામગ્રી કલારૂપ પામવી જોઇએ અને તેનો ઔચિત્યયુક્ત ઉપયોગ થવો જોઇએ. પાત્રનાંઆંતરમનના નિરૂપણમાં કપોલકલ્પનાનું સાયુજ્ય વધુ સારીરીતે સાધી શકાય છે. દા.ત. કોઈપણ પાત્રને આવતા સ્વપ્નો, સ્મૃતિ, ભ્રાંતિનેઆંતરમનનીઘટનાઓનીવાસ્તવિકતાના અંશ રૂપે સર્જક તેનું નિરૂપણ કરી શકે છે.
કપોલકલ્પનાના લક્ષણો વિશે તેઓ નોંધે છે કે, “આપણે જે પ્રકારની વાસ્તવિકતાથીટેવાયા છીએ તેને ચીલેથી જે નીચે ઉતરી પડે તેને આપણે કપોલકલ્પના કહીએ.”(૧૫)
“સત્યનો સામો છેડો તે Fantasy. આમ, સૃષ્ટિના સર્જનનું કેન્દ્ર માનવી છે. એ માન્યતાને ઘડીભર અળગી કરીએ ને સામે છેડેથી જોઈએ તો ફરી આવીને ઊભા રહીએ આગળ ’’(૧૬)આગળ તેઓ બાળકની ક્રીડાઓનું ઉદાહરણ આપી તેને કપોલકલ્પિતગણાવે છે. તેમણે પરિકથાની સૃષ્ટિનું અનુસંધાન પણ કપોલકલ્પિત સાથે જોડી આપ્યું છે. તેઓ માને છે કે જગતમાં ઘણી એવી વસ્તુ છે જે આપણને જાગ્રત ચૈતન્યમાં નહીં પરંતુ કપોલકલ્પનાનામાધ્યમથી પ્રાપ્ત થાય છે. કપોલકલ્પના ચિરપરિચિત દુનિયાની વાસ્તવિકતાને ઓળંગીને એક નવી જ દુનિયાનો અહેસાસ કરાવે છે. સત્યના ઘણા મૂલ્યવાન અંશોફેન્ટસીમાંદટાયેલા હોઇ શકે. સર્જકેવાસ્તવિકતાનેસિમિત રાખી કપોલકલ્પનાત્મકસત્યોનો કૃતિમાં કલાત્મક રીતે વિનિયોગ કરવો જોઈએ. જગદીશ ગુર્જરે સુરેશ જોષીનીકપોલકલ્પિત વિશેની સમજ કંઈક આ રીતે આપી છે:
“કપોલકલ્પિત એટલે –
– પરિચિત વાસ્તવિકતાથી દૂર જવું તે
– સત્યનો સામો છેડો તે
– distorted કે refracted સ્વરૂપનીવાસ્તવિકતાની સૃષ્ટિ તે
– પરીકથાની સૃષ્ટિ તે
– અન્તરમનનીવાસ્તવિકતાઓ – સ્વરૂપ – તંદ્રા – ભ્રાન્તિકઈત્યાદિ તે
– પરિસ્થિતિનો સામો છેડો તે.’’(૧૭)
આમ, સુરેશ જોષીએ વિવિધ લેખોમાંકપોલકલ્પનાનેસમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ ટૂંકીવાર્તામાંકપોલકલ્પનાના વિનિયોગ માટે સ્વપ્ન-ભ્રાન્તિ-સ્મૃતિ જેવી ચૈતસિક ઘટનાઓનારૂપાંતરણ દ્વારા વાર્તામાં તેનો ઉપયોગ કરી શકાય તેમ કહેવા માંગે છે. તેઓ પરિકથા સૃષ્ટિના વિનિયોગને પણ કપોલકલ્પનામાંમહત્ત્વ આપે છે. સુરેશ જોષીના અનુગામી વિવેચકોએ પણ કપોલકલ્પનાની વિભાવના બાંધવાના પ્રયત્નો કર્યા છે.
ટૂંકીવાર્તાનીસર્જનપ્રક્રિયામાં પ્રતીક યોજવાની કળાને તેઓ એક વિશિષ્ટ રીતિ તરીકે ઓળખાવે છે. તેઓ માને છે કે પ્રતીક દ્વારા કૃતિમાં મૂલ્યબોધ સર કરવાના નથી, પરંતુ પ્રતીક કૃતિમાં અનેક રહસ્યોનો ઉઘાડ કરી આપીને અર્થસમૃદ્ધિ નિષ્પન્ન કરી આપનારું હોવું જોઈએ. આધુનિક મનુષ્યની સંકુલ સંવેદનાને વ્યક્ત કરવા પ્રતીકની પ્રયુક્તિ વધુ કામમાં આવી શકે છે. તેઓ જણાવે છે કે : “ઘટના પોતે જ પ્રતીક બનીને આવે, એની વ્યાવહારિક વાસ્તવિકતાનેવળગી રહેલી અર્થજડતાને દૂર કરીને એના કેન્દ્રમાંથીવ્યંજનાનીત્રિજ્યાઓવિસ્તરે ને એ રીતે આપણી અભિજ્ઞતાનો ઉત્કર્ષ સિદ્ધ થઇ શકે એવું એનું સંવિધાન થયું હોવું ઘટે.’’(૧૮)
એટલે કે વાર્તામાંની ઘટના, પાત્રો, પ્રસંગો પ્રતીકાત્મક રીતે નિર્માણ પામે તેવી પરિસ્થિતિને તેઓ યોગ્ય ગણાવે છે. વાર્તાકાર ઘટનાનો હ્રાસ કરી કૃતિને આકાર આપવા મથતો હોય તેવે સમયે પાત્રોનાં ચિત્તની સંવેદનાનો વિસ્તાર વધારવા પ્રતીક યોજના સાર્થક નીવડી શકે છે. વાર્તાને યથાર્થ કે ગ્રાહ્ય બનાવવા સમૃદ્ધ અને સાર્થક પ્રતીકોવાર્તાકારે શોધવા જોઈએ. સ્વપ્ન કે તંદ્રાની પરિસ્થિતિમાં પાત્રના ચિત્તને દર્શાવવા અનેક વૈવિધ્યોનીશક્યતાઓ રહેલી છે. આવા આલેખનમાંપ્રતીકરચના નવા સંકેતો આપી શકે.
ગુજરાતી સાહિત્યમાં પ્રતીકની સૂઝ વિના વાર્તાઓલખાતી અને વાર્તામાંદુર્બોધતાની ફરિયાદો ઉદ્ભવતી. તે સમયે કેટલાક પ્રતીકવાદીવિવેચકો આવી વાર્તા પ્રત્યે સહાનુભૂતિથી જોતા તો કેટલાક વિવેચકોપ્રતીકને તિરસ્કારની લાગણીથી નિહાળતા. તે સમયે તેઓ નોંધે છે કે, : “આપણા નવલિકાસાહિત્યમાંપ્રતીકનેપ્રયોજવાની સૂક્ષ્મ સૂઝ ખીલી હોય એવો ઝાઝો પરિચય થતો નથી.’’(૧૯)
અહીં સુરેશ જોષીનેપ્રતીકયોજના ઊંડાણ સાથે વ્યાપથી યોજાય તેવું માનવું છે. પ્રતીકરચનાને કારણે કૃતિ શ્રેષ્ઠ કે નિમ્ન કક્ષાની બની જાય તેમ તેઓ માનતા નથી. પ્રતીક કૃતિમાં અર્થયુક્ત અને રસસમૃદ્ધ કરનારા હોવા જોઈએ. પ્રતીકો વધારે પડતાં ઉઘાડાં, ભારે આયાસથીગોઠવાયેલાં, કે લેખકને અભિમત ભાવના કે ‘રહસ્ય’ને સ્પષ્ટ કરનારાંસમીકરણોનાંસ્વરૂપનાં હોય તો એની સાહિત્યસ્વરૂપ પરત્વેની ઉપકારકતાની માત્રા ઘટી જાય છે. એમ સુરેશ જોષી માને છે.
કૃતિમાં પ્રતીકોને કોઈપણ ભોગે યોજવાનાસર્જકઆવેગને તેઓ નકારે છે. સાદી કથનાત્મકશૈલીથી પણ પ્રતીક યોજી શકાય છે, એમ તેઓ માને છે. ટૂંકમાં ભાવકનીવ્યંજનાનો વ્યાપ વધારનારીઅર્થસભર એવી પ્રતીકયોજનાના તેઓ આગ્રહી છે.
ટૂંકીવાર્તાના ગદ્યમાં નાવિન્ય આવવું જોઈએ એમ તેઓ માને છે. તેઓ નોંધે છે :“વાર્તા ગદ્યમાં લખાય છે માટે જ એને થોડી મર્યાદાઓ વળગેલી રહે છે. કવિતા વાસ્તવિકતાનું જેટલું સૂક્ષ્મ રૂપાંતર જાણે કે વાર્તામાં શક્ય નથી એવી એક માન્યતા છે. ગદ્ય વ્યવહારના ઘણાં પ્રયોજનો સિદ્ધ કરી આપે છે, વ્યવહાર તથા માનવસંદર્ભની વધુ નજીક છે. કાવ્યમાં પ્રતીતિ કરતાં સંભાવ્યતાનો પ્રશ્ન એટલો ઉગ્ર બનતો નથી, ને ચર્ચાય છેતો જુદે રૂપે, પણ વાર્તા માનવસંદર્ભનેતેય આપણને એને જે રીતે ઓળખવાટેવાયા હોઇએ છીએ તે સ્વરૂપથી ઝાઝી દૂર જઇશકતી નથી.’’(૨૦)
તેઓ વાર્તાના ગદ્યને કવિતાની નજીક લઇ જવાની શક્યતાનેપ્રગટાવે છે. ટૂંકીવાર્તાનું ગદ્ય અમુક પ્રકારનું જ હોવું જોઇએ તેવી પરંપરાગત માન્યતાનો પણ તેઓ વિરોધ કરે છે. ‘ગઈકાલની વાર્તા’ નામના લેખમાં તેઓ નોંધે છે, : “આપણું ગદ્ય હજી બરડ છે. વાર્તાને જીવવાનું વાતાવરણ ન બનતાં એ ઘણીવાર એની શબપેટી બની રહે છે. ચેતનાની વિવિધ સંચરણ-સ્ફુરણાનો લય હજી એમાં પકડાતો નથી. એના વિન્યાસ અને અન્વય હજી વ્યાકરણની લક્ષ્મણરેખાનેઉલ્લંઘવાનું સાહસ કરી શકતા નથી.”
સર્જક વ્યાકરણના ચોકઠામાંગોઠવાયેલી એકવિધ ભાષાને સ્થાને નાવિન્યસભર ગદ્યને પ્રયોજવા આગ્રહ રાખે છે. માત્ર શણગારાયેલું, કાવ્યાત્મકતાના કૃત્રિમ ઓપમાં લખાયેલું, અલંકારોથીશણગારાયેલું ગદ્ય કૃતિને નુકશાન કરે છે. ટૂંકીવાર્તા જ નહીં કોઈપણ સર્જનાત્મક કૃતિમાં શબ્દવિન્યાસ અને વાક્યવિન્યાસઅગત્યનો ભાગ ભજવે છે.
‘ગૃહપ્રવેશ’નીપ્રસ્તાવનામાં તેઓ ભાષાના ઉપયોગ વિશે નોંધે છે કે, : “ભાષાને માંજી માંજીને પારદર્શી કરી નાખીએ તો એનો અર્થ અમેય વિસ્તાર પામે. પણ પછી એમાંથી અમુક નિશ્ચિત અર્થ પ્રતિબિંબિત થવો જોઈએ એવો દુરાગ્રહ રાખવો નહીં પાલવે.’(૨૧)
અહીં સુરેશ જોષી ભાષાને સાધનથી સાધ્યની પ્રક્રિયામાં લઇ જવા ધારે છે. તેઓ ભાષાનું કાઠું બદલવાની વાત કરે છે. કોઈપણ સર્જક જુદી જુદીરચનાપ્રયુક્તિ વડે કૃતિનું આકારનિર્માણ કરવા માંગતો હોય છે. પાત્ર કે ઘટનાના નિરૂપણ માટે તે પ્રતીક, કલ્પના, પુરાકલ્પનનો વિનિયોગ કરતો હોય છે. એટલે કે ભાષાના સાધન વડે ભાષાકર્મનીપ્રક્રિયાથી કૃતિની ભાષા સાધન કક્ષાએથીસાધ્યની કક્ષાએ જાય તે તેમને અભિપ્રેત છે.
આમ, સુરેશ જોષીનીટૂંકીવાર્તાનીવિચારણાને સમગ્ર રીતે જોઈએ તો તેમની વિચારણામાં પૂર્વ અને પશ્ચિમની મીમાંસાનો પ્રભાવ રહેલો છે. તેમના ઘણા લેખોમાંપશ્ચિમનાંવિદ્વાનોનાં મત જોવા મળે છે. તેમણે કરેલી ટૂંકીવાર્તાની વિચારણા અનુગામી વિવેચકો અને વાર્તાકારો માટે પથદર્શક સાબિત થઇ રહી છે.
સંદર્ભ નોંધ
- વિભાવના : લે. ડૉ.પ્રમોદકુમાર પટેલ પ્રુ-૬૬
- સુરેશ જોષીથી સુરેશ જોષી : લે. સુમન શાહ પ્રુ- ૩૨
- માનિતીઅણમાનિતી : લે. શિરીષ પંચાલ પ્રુ- ૨૫-૨૯
- સુરેશ જોષીની વાર્તા સ્રુષ્ટિ: લે. જગદીશ ગુર્જર પ્રુ-૧૩
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૧૧
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૧૨
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૧૭
- નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા : લે. કિશોર જાદવ પ્રુ-૮૪
- આભંગ : લે. ચંદ્રકાંત બક્ષી પ્રુ-૩૧૦
- કથોપકથન : લે. સુરેશ જોષી પ્રુ- ૪૧
- કથોપકથન : લે. સુરેશ જોષી પ્રુ- ૨૫૩-૨૫૪
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૧૬
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૧૪
- કથોપકથન : લે. સુરેશ જોષી પ્રુ- ૨૧૫
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૧૮
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૭
- સુરેશ જોષીની વાર્તા સ્રુષ્ટિ: લે. જગદીશ ગુર્જર પ્રુ-૩૨
- કથોપકથન : લે. સુરેશ જોષી પ્રુ-૨૧૩
- કથોપકથન : લે. સુરેશ જોષી પ્રુ- ૨૩૪
- કથોપકથન : લે. સુરેશ જોષી પ્રુ- ૪-૫
- ગ્રુહપ્રવેશ : લે. સુરેશ જોષી પ્રુ-૯
પ્રો.ડૉ. પિનાકિન વસંતરાય જોષી, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન કૉલેજ, તિલકવાડા, જિ. નર્મદા
ઈ મેલ –pinakinjoshi99@gmail.com, મો. નંબર- 9725792609