‘સિદ્ધાર્થ : સાધુત્વથી સંતત્વ સુધીની યાત્રા’

                                                                                   પ્રા. નીલુગોહેલ

નોબેલ પારિતોષિક વિજેતા અને જર્મનીમાં જન્મેલાહરમાનહેસ રચિત નવલકથા ‘સિદ્ધાર્થ’ ઈ.સ.૧૯૨૨માં આપણને મળે છે. હરમાનહેસ ભારતીય તત્વજ્ઞાનથી આકર્ષિત થયેલા હતા. અને પૂર્વનીવિચારધારાથી પણ ઘણા પ્રભાવિત થયેલા હતા. ’સિદ્ધાર્થ’ એ હરમાનહેસનીવિશ્વપ્રસિદ્ધ અને યશસ્વી કૃતિ છે. ‘સિદ્ધાર્થ’ મૂળ જર્મન ભાષામાં લખાયેલી કૃતિ છે. એનો ગુજરાતીમાં અનુવાદ અલ્કેશ પટેલે કર્યો છે. આ અગાઉ રવીન્દ્રઠાકોરે પણ આ કૃતિનો અનુવાદ કર્યો હતો.

        ‘સિદ્ધાર્થ’ નવલકથા આત્મખોજ કરવા માટે નીકળેલાયુવાનની કથા છે. જીવનના મર્મને પામવાની કથા છે. આખીય કૃતિમાં આત્માને પ્રાપ્ત કરવા માટે,સ્વને મેળવવા માટે કથાનાયક સિદ્ધાર્થ મથામણ અનુભવે છે, ઘણી રઝળપાટને અંતે સિદ્ધાર્થ સ્વને પામી શકે છે.

        નવલકથાનું કથાવસ્તુ પણ લેખકે ભારતીય ઈતિહાસમાંથી જ લીધું છે. સિદ્ધાર્થ એ ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે. અને એ પણ સ્વને મેળવવા ગૃહત્યાગ કરીને નીકળી પડે છે. અહીં પણ એની સાથે જ સરખામણી કરતુ પાત્ર કૃતિના નાયક સિદ્ધાર્થનું છે.

        સિદ્ધાર્થ એ બ્રાહ્મણનો પુત્ર છે. એ નાનપણથી જ ધાર્મિક વિધિઓ કરે છે. એના પિતાને જોઇને એ પણ શાસ્ત્રીય ચર્ચાઓ કરવા લાગી જાય છે. ધ્યાન કરે છે. પ્રાણાયમ કરે છે. એની અસાધારણ પ્રતિભા જોઇને એના માતાપિતા પણ ગૌરવ અનુભવતા. સિદ્ધાર્થ સામાન્ય યુવાનો કરતાં ઘણો જ હોશિયાર અને પ્રતિભાશાળી હતો. છતાં એનો આત્મા અશાંતિનો અનુભવ કરતો. એને જીવનમાં કંઇક ખૂટતું જણાયું. એને ઘણા બધાં પ્રશ્નો સતાવવા માંડે છે, કે આ હોમ-હવન કરવાથી શું પરમાત્મા પ્રાપ્ત થવાના છે?,એ જો આપણી અંદર જ હોઈ તો એને બહાર શા માટે શોધવાના?, અને એ આપણી અંદર છે તો ક્યાં છે? મારે આત્માને પ્રાપ્ત કરવા માટે કયો માર્ગ પસંદ કરવો ? મને એ કશું જ સમજાતું નથી. આવા અનેક પ્રશ્નો સિદ્ધાર્થનેસતાવે છે.

        એટલામાં એ થોડા સાધુઓને જુએ છે અને એ જ સાધુઓની સાથે ગૃહ ત્યાગ કરીને જવાનો નિર્ણય કરી લે છે. એના પિતા પાસે રજા લેવા જાય છે તો પિતા રજા આપતા નથી. અને આખી રાત એકની એક જ જગ્યાએ ઉભો રહે છે, પોતાના નિર્ણયમાં તે દૃઢ છે. અને અંતે એના પિતાને જ નમવું પડે છે અને એને ઘર છોડીને જવા માટે રજા આપે છે. અને પછી સિદ્ધાર્થ સાધુઓ ભેગો ચાલ્યો જાય છે. થોડો સમય તે રહે છે પણ એને સ્વનેશોધવામાં સફળતા મળતી નથી. ત્યાંથી પછી તે ગૌતમનો ઉપદેશ સાંભળે છે. એ ઉપદેશમાં એનો મિત્ર ગોવિંદ તે પણ ઘર છોડીને એની સાથે આવ્યો છે એને રસ પડે છે અને એ ગૌતમનાશ્રમણો ભેગો જાય છે પણ સિદ્ધાર્થને તો હજી ગૌતમના ઉપદેશમાં પણ ખામી દેખાય છે એટલે એતો વળી ત્યાંથી બીજો માર્ગ શોધે છે. એ નદી પાસે પહોંચે છે. ત્યાં એક નાવિક મળે છે જે તેને નદી પાર કરાવે છે.

હવે સિદ્ધાર્થ ફરતોફરતો એક શહેરમાં આવે છે ત્યાં એક ગણિકાને જુએ છે તો એનાથી પ્રભાવિત થઇ જાય છે અને એને પોતાની ગુરુ બનાવવાનું નક્કી કરે છે. ઘણા વર્ષો એ અહીં રહ્યો. ખુબ ધન કમાયો, ઘણું ધન વેડફ્યું પણ ખરું, એ ગણિકા કમલા પાસે રતિક્રીડા શીખ્યો. જીવનમાં જે કઈ શીખ્યો હતો એ પણ એ ભૂલવા લાગ્યો. સામાન્ય માનવીની જેમ તે હવે જીવવા લાગ્યો પણ હજુ એનો જીવ કંઈક શોધતો હતો. એ બધું છોડીને ત્યાંથી પણ જતો રહ્યો. વળી પાછો એ જ નદીએ પહોચે છે જ્યાં વર્ષો પહેલા તે આ જ નદી પાર કરીને ગયો હતો. ત્યાં વળી એ જ નાવિકને મળે છે. એનું નામ વાસુદેવ છે. અને આ સામાન્ય નાવિક વાસુદેવ પાસેથી એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ પણ નદીને ધ્યાન પૂર્વક સાંભળ્યા પછી. અને વળી અંતે ગોવિંદ અને સિદ્ધાર્થનું મિલન થાય છે. ગોવિંદ સિદ્ધાર્થને પ્રાપ્ત થયેલા જ્ઞાન વિશે પૂછે છે ત્યારે સિદ્ધાર્થ ગોવિન્દને પોતાના કપાળ પર ચુંબન કરવાનું કહે છે અને એ ઘટના પછી ગોવિન્દને પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

        આખીય કૃતિમાં જો મહત્વનું બની રહેતું હોઈ એવું કોઈ પાત્ર હોઈ તો તે વાસુદેવનું છે. કથાનાયકસિદ્ધાર્થની સાથે જ ચાલતું એક બીજું પાત્ર તે ગોવિંદનું છે. ગોવિંદ સિદ્ધાર્થથી ઘણો પ્રભાવિત થયેલો છે. એ સિદ્ધાર્થને ઘર છોડીને જવાની ના પડે છે પરંતુ સિદ્ધાર્થ જયારે ઘર છોડીને જાય છે ત્યારે તે પણ સાથે જ નીકળી પડે છે. ગૌતમનું પાત્ર પણ અહીં ઘણું મહત્વનું બની રહે છે એ અહીં પ્રતીકાત્મક પણ બની રહે છે. શાંતિનીશોધમાંનીકળેલાસિદ્ધાર્થને ગૌતમ મળે છે. ભલે એને ગૌતમના ઉપદેશમાં ખામી દેખાય છે તેમ છતાં એ એમનાથી પ્રભાવિત પણ થાય છે.

        કમલા નામની જે ગણિકાનું પાત્ર અહીં આવે છે એ ઘણું મહત્વનું છે કારણ કે કથામાં કમલાનો પ્રવેશ થયા પછી કથામાં એકદમ જ પરિવર્તન આવે છે. જે સિદ્ધાર્થ નાનપણથી જ આધ્યાત્મિક હતો એ જ સિદ્ધાર્થ આ કમલાને જોઇને પુરેપુરો બદલાય જાય છે. જીવનમાં ક્યારેય ના કર્યા હોઈ તે બધા જ અનુભવો એ કમલા સાથે રહીને કરે છે. એ બિલકુલ સામાન્ય માનવી જેવો જ બની જાય છે. તે અઠંગ જુગારી બની જાય છે, દારુ પીએ છે,ભોગવિલાસમાંરચ્યા કરે છે. અહીં જે યાત્રા સિદ્ધાર્થે શરુ કરી હતી તે યાત્રામાં આવતો એક પડાવ છે. કો પણ ભોગે સિદ્ધાર્થનેઆત્માનેશોધવો છે. એને અહીં પણ સંતોષ ન થતા એ ત્યાંથી પણ બધું છોડીને ચાલ્યો જાય છે. પછી તે વાસુદેવ પાસે આવે છે.

        વાસુદેવ શાંત, ખુબ જ ઓછું બોલનારા અને વધુ સાંભળનાર માણસ છે. એને જીવન પર્યંત નદીને સાંભળી છે. એ સિદ્ધાર્થને પણ નદીને સાંભળવાની સલાહ આપે છે. નદીના જુદા જુદાઅવાજો સતત સાંભળ્યા જ કરે છે અને એમાંથી એને સ્વની પ્રાપ્તિ થાય છે. એ પછી સિદ્ધાર્થને પણ નદી સાથે એકાકાર થવાથી આત્મજ્ઞાન મળે છે.

        આ કૃતિની જે મહત્વની વાત હોઈ તો તેની રચના છે. બે ખંડમાં આ કૃતિ રચાયેલી છે.

અને બાર પ્રકરણમાં વહેંચાયેલી છે. પહેલા ચાર પ્રકરણનો એક ખંડ અને બીજા આઠ પ્રકરણનો બીજો ખંડ. પ્રત્યેક પ્રકરણ સિદ્ધાર્થનીરઝળપાટનેજ લઈને આવે છે. આમ જોતા ખરેખર આપણને ત્રણ ખંડ લાગે. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ, સાધુ બનતો સિદ્ધાર્થ અને કમલા સાથેનો સિદ્ધાર્થ. ત્યારપછી આપણી સામે આત્મજ્ઞાન પામેલો સિદ્ધાર્થ આવે છે. આ પ્રત્યેક સિદ્ધાર્થ વચ્ચે વીસ-વીસ વર્ષનો સમયગાળો રહેલો છે આખો કથાપટસાઈઠ વર્ષનો સમય સૂચવે છે. પણ આ સાઈઠવર્ષને બે-ત્રણ દિવસના નાના નાનાકટકામાં જ બતાવી દીધા છે. એ લેખકની કુશળતા છે.

        ભાષાની દ્રષ્ટિએ પણ આ કૃતિ વિશિષ્ટ છે. નાટકીય રીતે કૃતિ આગળ વધે છે. સિદ્ધાર્થ ઘર છોડીને જવા માંગે છે ત્યારે એના પિતા પાસે રજા માંગવા જાય છે ત્યારે તો ખરેખર નાટક વાચતાહોઈએ એવી જ અનુભૂતિ થાય છે. પ્રતીકો પાસેથી પણ લેખકે સારું એવું કામ લીધું છે. આમ જોઈએ તો સિદ્ધાર્થ અને ગોવિંદ જેવા પાત્રો જ આપણને પ્રતીકાત્મક લાગે છે. અને વાસુદેવ અને ગૌતમનું પાત્ર પણ પ્રતિક બનીને આવે છે.

        આ કૃતિની બીજી વિશેષ બાબત હોઈ તો તે છે નદીની. નદીને સાંભળવાની જે વાત છે તે ખુબ વિશિષ્ટ છે. પ્રકૃતિ પાસેથી જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારપછીસિદ્ધાર્થને ચુંબન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાની ગોવિન્દને કહેલી વાત એ પણ અહીં રૂપકાત્મક રીતે રજુ થઇ છે.

        આકૃતિની સૌથી વિશિષ્ટ બાબત એ આ કૃતિમાં રજુ થયેલું ભારતીયતાનું દર્શન છે. લેખક ભારતીય વિચારોથી પ્રભાવિત હતા એ આપણે આ કૃતિમાં જોઈ શકીએ છીએ. વાસુદેવ, ગોવિંદ અને ગૌતમ જેવા પાત્રો જ એ દર્શાવી દે છે. આ કૃતિમાં ઘણા સંદેશ રહેલા છે. નદીનો જે રીતે અહીં પ્રયોગ કર્યો છે તેમાં ખુબ સૂક્ષ્મ રીતે જીવનનો મર્મ સમાય જાય છે.એક જગ્યાએ વાસુદેવ કહે છે, “નદી તેના મૂળમાં અને તેના સંગમસ્થાને, ધોધ પાસે અને હોળી પાસે,વહેણમાં,સાગરમાં, પર્વતોમાં એમ દરેક જગ્યાએ એક જ સમયે સર્વત્ર હોઈ છે, અને તેને મન માત્ર વર્તમાનનું અસ્તિત્વ છે,ભૂતકાળનો કે ભવિષ્યનો પડછાયો પણ તેના પર નથી પડતો.” લેખકે નદીને પ્રત્યેક સૂક્ષ્મ ક્ષણે આગળ વધતા રહેતાં સમયની સાથે જોડી છે. અને નદી પાસેથી પ્રત્યેક ક્ષણે કંઈક શીખવા મળે છે.

        સિદ્ધાર્થ ઘણી રઝળપાટ પછી એક વાત સમજે છે કે માણસ પોતે જ પોતાનો ગુરુ છે. કોઈ કોઈને કશું શીખવી શકતું નથી. ધન સંપત્તિ છોડીને આવ્યા પછી એક જગ્યાએ સિદ્ધાર્થ કહે છે કે, “ મેં તે ખોઈ કે તેને મને ખોયો તેની મને ખાતરી નથી. બાહ્ય રીતે દેખાતી આ દુનિયાનું ચક્ર તીવ્ર ગતિએ ફરે છે.” સિદ્ધાર્થમાં જે વિલાસીપણું દૂર થયું એનું કારણ એ વૃક્ષને ટેકે બેસીને જે ‘ઓમનાદ’નું રટણ કર્યું એ છે. એ ‘ઓમનાદ’ પછી સિદ્ધાર્થનું જીવન જ જાણે બદલાય જાય છે. અને એને આત્મજ્ઞાન માટેનો સાચો માર્ગ મળી ગયો હોઈ એવું લાગે છે. અને ભારતીય તત્વજ્ઞાનમાં ‘ઓમ’નું ખુબ જ મહત્વ રહેલું છે.

        આ આખીય કૃતિમાં ભારતીય વિચારધારા જ જોવા મળે છે. પાત્રોથી લઈને ઘટના, સમય, સ્થળ,વિચારો આ બધું જોતા આપણને આ કૃતિ જર્મનીની નહિ પણ ભારતીય જ લાગે. આમ આ નવલકથા સાધુ બનીને નીકળેલાસિદ્ધાર્થની સંત બનવા સુધીની યાત્રા દર્શાવે છે.

 નીલુ ગોહેલ, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, શ્રી આર. આર. લાલન કોલેજ, ભુજ. e-mail – neelu.gohel@gmail.com

સંદર્ભગ્રન્થ :

‘સિદ્ધાર્થ’- હરમાનહેસ, અનુવાદ- અલકેશ પટેલ, બીજી આવૃત્તિ -૨૦૧૧

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024