સાહિત્ય શબ્દ સંસ્કૃત ‘સહિત’ પરથી બનેલો છે. સાહિત્યની ઉત્પત્તિ ‘સહિતસ્ય ભાવ: સાહિત્ય મ’ એવી થાય છે. ક્યારેક ‘કવિતા’ પણ સાહિત્યના અર્થમાં વપરાય છે. ‘સાહિત્ય એટલે સહિતત્વ.’ સમાજમાં સાહિત્ય જ એક એવું અદ્ભૂત સર્જન છે કે સમાજના દરેક સ્તરના લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેને આસ્વાદે છે. સાહિત્ય એ સૌની મઝિયારી મૂડી છે.
સાહિત્ય હંમેશા સ્થળકાળના સ્પંદનો ઝીલે છે.જે તે સમયના રીતરિવાજો, માન્યતાઓ, વહેમો, કુરૂઢિઓ, તેમજ આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. કોઈપણ સમાજનો અંતરંગ પરિચય એના સાહિત્ય દ્વારા મેળવી શકાય છે. સર્જકની કાલ્પનિક કૃતિમાં પણ એ સમયમાં બનતી ઘટનાઓની ઝલક જોવા મળે છે. ‘વાઙમય’ને ‘સાહિત્ય’નો પર્યાય ગણવામાં આવે છે. ‘સાહિત્ય’ ઘણો વ્યાપક શબ્દ છે. સાહિત્ય કલાને સર્વ કલાઓમાં શ્રેષ્ઠ કલા ગણવામાં આવી છે. અન્ય લલિત કલાઓની સરખામણીએ શબ્દ સમા તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ ઉપાદાનને કારણે સાહિત્યકલા માનવ અભિવ્યક્તિનું, તેમજ વિચારોના સંક્રમણનુ શ્રેષ્ઠ માધ્યમ છે. ને તેથી જ સાહિત્યનુ માનવજીવનમાં વિશિષ્ટ સ્થાન છે.
સાહિત્યકારની કલ્પના પણ સમાજથી પર નથી. ક્યારેક સાહિત્યકાર સમાજનું દર્શન જુદી રીતે પણ કરાવતો હોય છે. વૈદિકાળમાં ભારતીય સંસ્કૃતિએ ખુબ પ્રગતિ કરી હતી. તે સમયના સાહિત્ય દ્વારા આપણે માનવજીવન સાથે સંબંધિત બધી માહિતી મેળવી શકીએ છીએ. રામાયણ અને મહાભારત પણ જીવનના અખિલને આલેખે છે.
મધ્યકાળમાં નરસિંહ મહેતાએ:
‘ વૈષ્ણવ જન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે ‘
આ પદમાં વૈષ્ણવ જનમાં ક્યા ક્યા દુર્ગુણો ન હોવા જોઈએ એ વાત કહીને નરસિંહે એ સમયમાં પ્રવર્તમાન દુર્ગુણોની યાદી આપી છે. અખાભગત અને ભોજા ભગતે પણ એ તત્કાલીન સમાજની કુરૂઢિઓ અને કુરિવાજોને ધારદાર શબ્દોમાં વખોડ્યા છે.
‘ એક મૂરખને એવી ટેવ
પથ્થર એટલા પૂજે દેવ,
તુલસી દેખી તોડે પાન
તળાવ દેખી કરે સ્નાન.’
અહીં અખાએ એ સમયે ધરમ-કરમમાં કઈ કઈ રીતો પ્રચલિત હતી એનું તો ધારદાર વર્ણન કર્યું છે, તેની સાથોસાથ બાહ્યાડંબર પણ પ્રકાશ પાડ્યો છે. એના પ્રત્યેક છપ્પામાં તે સમયનો સમાજ ડોકાય છે. એવા જ એક બીજા સર્જક ભોજાભગતે પણ કઠોર શબ્દોમાં સમાજદર્શન કરાવ્યું છે.
‘ જોઈ લો જગતમાં બાવા રે
ધર્યા ભેખ ધૂતીને ખાવા,
જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે
ત્યાં નીત નીત જાયે નાવા’
સાધુનો સ્વાંગ રચી આવતા ધૂતારાઓ સમાજનો કેવો ગેરલાભ લેતા હોય છે તે વાત આ પંક્તિ પરથી સમજાઈ જાય છે
જો આપણે ઇતિહાસના પાના ફેરવીશું તો જણાશે કે ઇતિહાસકારોના ક્રાંતિકારક વિચારોથી રાજાઓ- મહારાજાઓએ મોટી મોટી સિદ્ધિઓ મેળવી છે. આવા ઘણા રાજાઓનો ઉલ્લેખ છે જેમણે પોતાનું અને સેનાનું મનોબળ વધારવા – જાળવી રાખવા તેમના દરબારમાં કવિઓ અને સાહિત્યકારોની વિશેષ નિમણૂંક કરી હતી.
જો સુધારકયુગની વાત કરીએ તો દલપતરામે હળવા કાવ્યો રચીને તત્કાલીન સમાજનું દર્શન કરાવ્યું છે.
‘ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂડા,
ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે’
અંતમાં…..’આપના અઢાર છે’
અહીં કુથલીખોર લોકોને સર્જકે ચીમકી આપી છે.
‘ પૂરી એક અંધેરી ને ગંડુરાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા’
એ સમયના રજવાડા-રાજાઓ, તેમની ન્યાય પધ્ધતિઓ કેવી હતી તેના પર કટાક્ષ કર્યો છે. ‘એક શરણાઈવાળો…’ કાવ્યમાં આપણને એ સમયના ધનાઢ્યો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ધન ન ખર્ચવા કેવા કેવા બહાના કાઢતા તેની વાત કરી છે. નર્મદ તો દેશ પ્રેમ અને જોસ્સાની કવિતા લઈને આવે છે. સમાજનું હૂબહુ વર્ણન નર્મદની કવિતામાં થયેલું છે. તેથી જ નર્મદની કવિતાને ‘સુધારાનું બાઈબલ’ ગણવામાં આવે છે.
‘સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે…….’
અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવાનો સળવળાટ અહીંથી જ શરૂ થાય છે.
‘જય જય ગરવી ગુજરાત’ માં દેશપ્રેમ વ્યક્ત થયો છે.
પંડિતયુગમાં ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં વિશાળ સંસાર ચિત્ર આલેખ્યુ છે. ‘સરસ્વતીચંદ્ર એટલે કાચા સોનાનો ગઠ્ઠો’- એમ કહેવાયું છે તે યોગ્ય જ છે. આ કૃતિએ તત્કાલીન સમાજ પર તો પોતાનો પ્રભાવ પાડ્યો જ છે પરંતુ, તે પછીની આવનારી પેઢી ઉપર પણ પોતાનો પ્રભુત્વ કાયમ કરી રાખ્યું છે.
તો સુંદર ઉમાશંકર ની કવિતાઓમાં ગરીબ- તવંગર વચ્ચેના અસહ્ય ભેદ સામે આંગળી ચીંધતી અને આક્રોશ દર્શાવતી રચનાઓ, છૂત અછૂત પ્રત્યેની નારાજગી, સમાજવાદ પ્રત્યે અંગુલિનિર્દેશ વગેરે જેવા અનેક વિષયોને આવરી લેતી કૃતિઓ ગાંધીયુગમાં રચાઈ. આઝાદીની લડતમાં ફના થઈ જવાની વાતો, સ્વતંત્રતાની લડતમાં શહીદ થઈ ગયેલા લોકોની પ્રશસ્તિ – કવિતાઓના વિષયો બની છે. ‘માનવીની ભવાઈ’ને ‘મળેલા જીવ’માં પન્નાલાલ તત્કાલીન સમાજને આલેખ્યો છે. રમણલાલ દેસાઈની નવલકથાઓ સામાજિક જીવનના પ્રશ્નોને તાકતી વાસ્તવ અને આદર્શની કૃતિઓ છે. તેમને તો ‘યુગમૂર્તિ’નું બિરુદ પણ અપાયું છે.
આધુનિક યુગમાં તો જીવનની નાની નાની બાબતોને પણ વિષય બનાવી સાહિત્યસર્જન થયું છે. વ્યથા,વેદના,નિરાશા,શૂન્યતા સાહિત્યના કેન્દ્રમાં આવ્યા છે. સ્ત્રીઓની વેદના ‘સાત પગલાં આકાશમાં, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘કાદંબરીની મા’, ‘વાસનો અંકુર’, ‘અણસાર’ માં આબેહૂબ ઝીલાઈ છે.’વડવાનલ’ જેવી કૃતિઓમાં તો મનોવૈજ્ઞાનિક અભિગમ સ્વીકારાયો છે. રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ તો ધ્યાનસૂચક છે.તો રામ મોરીની વાર્તા ‘એકવીસમુ ટિફિન’ નગરજીવન અને નારીજીવન સાથે સંકળાયેલી ધારદાર વાર્તા છે.
” મમ્મી પ્લીઝ ડોન્ટ કોલ મી નીતુ,…. યુ નો વોટ માય નેમ ઇઝ નિતલ. તને ભુલવાની આદત છે. પણ એની સાબિતી વારંવાર આપવાની કોઈ જરૂર નથી.આ તારા ઓર્થોડોક્સ થિન્કીગ્સ તારા ટીફીન્સના વધેલા એંઠવાડની જેમ ફેંકી દે.”
અહીં બદલાતી યુવા પેઢીનું માનસ વ્યક્ત થયું છે. છાયા ત્રિવેદીની વાર્તા રૂપિયા ‘બસો પંચાવન’ માં કુટુંબમાં વૃદ્ધોના સ્થાનને વિષય બનાવી અલીખાયેલી છે. હિમાંશી શૈલતની વાર્તા ‘સાતમા આસમાનની ભોંય’ એમાં સોશ્યલ મીડિયાની યુવાનો પર થતી અસર, તેમજ વર્ચ્યુઅલ લાઇફ અને વાસ્તવિક જીવનની રજૂઆત કરવામાં આવી છે.
આમ જે સમયમાં જે સાહિત્ય લખાય છે તેમાં વિશિષ્ટ પરિસ્થિતિઓનો પ્રભાવ તે સાહિત્ય ઉપર પડતો હોય છે. સમય તો સતત ચાલ્યા કરે છે પરંતુ, જેમ જેમ સમાજની પરિસ્થિતિમાં બદલાવ આવે છે તેમ તેમ સાહિત્યમાં પણ આપમેળે બદલાવ આવે છે. આ બદલાવને સાહિત્યમાં વ્યાખ્યાયિત કરવા માટે સાહિત્યકાર જે તે સમયને ચોક્કસ નામ આપે છે. જેમ કે સંસ્કૃત સાહિત્યમાં વૈદિકકાળ, ઉપનિષદકાળ,રામાયણ અને મહાભારતકાળ તેમના પછીનો કાળ વગેરે….. તો હિન્દી સાહિત્યમાં આદિકાલ, ભક્તિકાલ, રીતિકાલ, આધુનિક કાલ વગેરે.જ્યારે ગુજરાતી સાહિત્યમાં પ્રાચીનકાળ,મધ્યકાળ, અર્વાચીનકાળ સુધારકયુગ, પંડિત યુગ, ગાંધીયુગ, આધુનિકયુગ વગેરે. આવું માત્ર ભાષા સાહિત્યમાં જ બને છે એવું નથી પરંતુ, સમાજવિદ્યા, વિજ્ઞાન, ટેક્નિકલ, શિક્ષણ વગેરેની ઐતિહાસિકતાને સમજવા માટે પણ તેને અલગ અલગ યુગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
‘Literature is the mirror of life.’- ‘સાહિત્ય એ સમાજનું દર્પણ છે.’ – આ ઉક્તિના સંદર્ભમાં જોઈએ તો સાહિત્ય અને સમાજ એકબીજાના પૂરક છે હોવાનું પ્રતીત થાય છે.સમાજ અને સાહિત્યને જોડતી કડી સર્જક છે.આમ તો દરેક સર્જક તેના જમાનાનું સંતાન છે.પોતે જે સમાજમાં જન્મે છે,જીવે છે એ સમાજના ગમા-અણગમા, હર્ષ-શોક,નીતિ-અનીતિ પણ એના સાહિત્યમાં ઝીલાય છે.મેથ્યુ આર્નોલ્ડે તો સાહિત્યને ‘સમાજજીવનની સમીક્ષા’ તરીકે ઓળખવી છે. સર્જકની આંખ કૅમેરા જેવી છે.એ પેલી પારનું જોઈ શકે છે. કવિ કાન્તદર્શી હોય છે.
સાહિત્ય જીવનની સાથે જ ચાલે છે. જીવન એક બાજુ અને સાહિત્ય તેનાથી સાવ જુદી જ બાજુ એવું ન હોઈ શકે. જે જીવનની સહિત છે તે જ સાહિત્ય છે. વ્યક્તિ સમાજમાં જ ‘સ્વ’ની ઓળખ પ્રાપ્ત કરે છે. સમાજ એટલે રીતિરિવાજ, રૂઢિ, અધિકાર, ફરજ વગેરે અંગે ચોક્કસ ખ્યાલ ધરાવતો એકમ. સમાજ એક પ્રકારની માનસિક પરિસ્થિતિ છે. એક પ્રકારની અમૂર્ત વ્યવસ્થા છે. મનુષ્ય સમાજમાં આંતરસંબંધો ધરાવે છે. તેમાં સ્થિરતા લાવવાની, સામાજિક જીવન જીવવાની, સલામતીની – સમાજ તેને તાલીમ આપે છે. મનુષ્ય અસ્તિત્વના વિકાસ માટે સમાજ આવશ્યક છે. સમાજ વિનાનો વ્યક્તિ ને વ્યક્તિ વિનાનો સમાજ કલ્પવો મુશ્કેલ છે. એરિસ્ટોટલના મતે મનુષ્ય સામાજિક પ્રાણી છે. મનુષ્ય સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. સમાજનું સંગઠન અને યુગનું નિર્માણ મનુષ્ય દ્વારા જ થાય છે. તેમ સાહિત્યનું નિર્માણ પણ મનુષ્ય દ્વારા જ થાય છે. આ દ્રષ્ટિએ સમાજ અને સાહિત્યનો સંબંધ ઘણો ઘનિષ્ઠ છે. સાહિત્યના મૂલ્યોથી સમાજ પ્રભાવિત થાય છે. તો સમાજ પણ અવનવા પરિવર્તનો સાધી સાહિત્યના નવા આયામોને જન્મ આપે છે. અને એટલે જ બદલાતા સમાજ સાથે સાહિત્ય પણ બદલાય છે. સમાજ સાહિત્યને વાસ્તવ આપે છે. જ્યારે સાહિત્ય સમાજને આદર્શ આપે છે. કોઈપણ દેશની ક્રાંતિમાં તેના સાહિત્યએ અગત્યનો ભાગ ભજવ્યો હોય છે. કાર્લાઈલ અને રસ્કિન તો ‘આર્ટ ફોર લાઈફ સેક’ – ‘જીવન ખાતર કલા’ ના સિદ્ધાંતના પુરસ્કાર્તા હતા.
સાહિત્ય એ સમાજનો દસ્તાવેજ છે. સર્જક કૃતિની રચના સમાજ માટે કરતો નથી. તેનું પ્રયોજન તો આત્મઅભિવ્યક્તિનું હોય છે. કોઈપણ કલાકૃતિ એ સમયના સમાજની સાહિત્યકારે કરેલી સર્જનાત્મક નોંધ છે. પ્રેમાનંદના આખ્યાનો સમકાલીન રંગપૂરણી માટે જાણીતાં છે. જ્યારે સમાજશાસ્ત્ર નહોતું ત્યારે સાહિત્ય સમાજશાસ્ત્રીય પુરાવા રૂપ હતું. સમાજની સારી નરસી પરિસ્થિતિઓ સાહિત્ય પર પ્રભાવ પાડે છે. કારણ કે સાહિત્ય સમાજની કૂખમાંથી જન્મ લે છે.
“સાહિત્યએ જીવનની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એટલે જીવન સાથે સીધો અને ઉત્કટ સંબંધ ધરાવતા બધા શાસ્ત્રો પણ સાહિત્યમાં આવી જાય છે. આમ, અધ્યાત્મવિદ્યા, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ઈતિહાસ, કામ વિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન બધું જ સાહિત્યમાં આવી જાય.”
-કાકાસાહેબ કાલેલકર
સાહિત્યનો સમાજ પર સવિશેષ પ્રભાવ હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનો પડઘો સમાજમાં એટલો બધો પડેલો કે તે સમયે લોકો પોતાના દીકરા- દીકરીના નામ સરસ્વતીચંદ્ર, કુમુદ કે કુસુમ રાખવા પ્રેરાયા હતા. ‘લલિતાદુઃખદર્શક’ નાટક જોઈને ડોશીએ દીકરીનો બાળવિવાહ તોડી નાખ્યાનો દાખલો છે. ગાંધીજી ઉપર પણ ‘રાજા હરિશ્ચંદ્ર’ નાટકની અસર થઈ હતી.
આમ સાહિત્યના દરેક સ્વરૂપમાં જે તે સમયના સમાજની ઝાંખી થાય છે. સાહિત્ય દ્વારા જ વ્યક્તિ પોતાની સંવેદનાઓને વ્યક્ત કરે છે. સાહિત્ય જીવનવિકાસની આધારશીલા છે. સાહિત્યનો સંબંધ પરાપૂર્વથી મનુષ્યજીવન સાથે રહેલો છે. જીવનમાંથી, જીવનના અનેક સારા નરસા પ્રસંગોમાંથી, જાતઅનુભવ કે અનુભૂતિને વસ્તુ તરીકે આલેખથી સર્જક સાહિત્યની રચના કરે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ વિશે જણાવે છે કે:
” સાહિત્યકાર સમાજનો સભ્ય છે અને તેની સામગ્રી સમાજમાંથી લે છે. વળી તેનું ઉપાદાન ભાષા પણ સામાજિક માધ્યમ છે. તેથી સાહિત્યનો સમાજ સાથે અવિચ્છેદ્ય સંબંધ છે. પરંતુ સર્જક જીવનમાં જે કંઈ અનુભવે છે,કે સમાજમાં જે થતું જુએ છે તેને જેવું ને તેવું સાહિત્યમાં ગોઠવી દેતો નથી. સાહિત્ય સર્જક વહીવંચો કે ભાટચારણ નથી. તે પોતે લીધેલી સામગ્રીનું, અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર કરે છે. જીવનને એક નવું અર્થઘટન આપે છે.”
આમ સાહિત્યનો સમાજ સાથેનો સંબંધ અવિચ્છેદ્ય તો છે જ. સાથોસાથ વિશ્લેષણ પણ છે. સાહિત્ય જીવનવિકાસની આધારશીલા છે. સમય જતાં માનવજાત સાહિત્યમાં વધુને વધુ શ્રદ્ધા રાખતી થશે. અને પરિણામે ભવિષ્યમાં ‘સાહિત્ય નહીં તો સમાજ નહી’ અને ‘સમાજ નહી તો સાહિત્ય નહી’- એ સૂત્રનું ચોક્કસ અનુસરણ થશે. આમ સાહિત્ય આવનારી પેઢીઓ માટે અગાઉની પેઢીઓનો દસ્તાવેજી ચિતાર રજૂ કરનારું સબળ માધ્યમ બની રહેશે.
સંદર્ભ:
(૧) સાહિત્ય વિવેચન: બેચરભાઈ પટેલ બી.આ. ૧૯૯૨
(૨) સાહિત્ય અને સમાજાભિમુખતા, સાહિત્યિક નિબંધો : પ્રસાદ બ્રહ્મભટ્ટ
(૩) સાહિત્યનો સમાજશાસ્ત્ર: ભરત મહેતા અધીત પાંત્રીસ
(૪) સાહિત્યાલેખ: જયવંત શેખડીવાળા
ડૉ.વંદના બી.રામી, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી, શ્રી આર.આર.લાલન કોલેજ, B-4,41 વંદન એપાર્ટમેન્ટ, રામદેવનગર, સેટેલાઈટ, તા.જી., અમદાવાદ
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023